Sunday, May 26, 2024

મોહમ્મદ રફી - જન્મ શતાબ્દી : ૧૯૪૬ – ૧૯૮૦ :: ૩૫ વર્ષોઃ ૩૫ ગીતો : [૨] - વર્ષ ૧૯૫૭થી ૧૯૬૭

૧૯૪૬ – ૧૯૮૦ :: ૩૫ વર્ષોઃ ૩૫ ગીતો :  વર્ષ ૧૯૪૬ - ૧૯૫૬ થી આગળ


૧૯૪૬થી ૧૯૫૬નાં વર્ષો દરમ્યાન લગભગ દરેક સંગીતકારોએ મોહમ્મદ રફીની ગાયકીને પોતપોતાની સંગીત શૈલીમાં ઢાળવાનો પ્રયાસ કર્યો હોય એવું પહેલી નજરે જણાય. જોકે, નિષ્પક્ષ દૃષ્ટિએ જોઈએ તો મોહમ્મદ રફીએ લગભગ શરૂઆતનાં વર્ષોથી જ પોતાની આગવી શૈલી વિકસાવવા માટે સભાનપણે પ્રયત્ન કરવાનું ચાલુ કરી દીધું હતું, કેમકે તેઓ એટલું તો સમજી ચુક્યા હતા કે કે એલ સાયગલની અસરમાં બહાર આવી રહેલાં પુરુષ પાર્શ્વગાયનનાં ક્ષેત્રમાં મુકેશ, તલત મહમુદ કે મન્ના ડે જેવા પોતપોતાની શૈલી ધરાવતા ગાયકો સામે સ્પર્ધામાં ટકવું હશે તો પોતાની આગવી શૈલી વિકસાવવી એ જ એકમાત્ર વ્યુહરચના હોવી જોઈશે.

૧૯૫૭નાં વર્ષથી આ વ્યુહરચનામાં તેમણે કરેલું રોકાણ હવે વળતર આપતું જણાતું લાગવા માંડ્યું હતું. બલ્કે, તેમનાં ગીતોનાં વધતા જતા પ્રકારોની સાથે હવે જે જે સંગીતકારો સાથે તેમણે કામ કરવાની તક મળતી હતી એ સંગીતકારો પણ સફળતાની કેડીએ ચડી જતા જોવા મળતા હતા. 

૧૯૫૭ - યે મહલોં યે તખ્તોં યે તાજોં યે સમાજોંકી દુનિયા, યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ - પ્યાસા - એસ ડી બર્મન - સાહિર લુધિયાનવી - ગુરુદત્ત 

આ પહેલાં ગુરુદત્ત  પણ હલકી ફુલકી ફિલ્મો બનાવતા જેમાં તેમના સ્વર માટે ઓ પી નય્યર એવી જ મસ્તીભરી અદાઓમાં મોહમ્મ્દ રફી પાસે ગીતો ગવડાવતા. પ્યાસાથી ગુરુદત્તે પણ હવે નવી કેડી કડારવાનું શરૂ કર્યું હતું. એસ ડી બર્મન પણ દેવ આનંદની હળવી ફિલ્મોમાંથી બહાર આવીને બહુ અર્થપૂર્ણ ગીતો બનાવી રહ્યા હતા. આવા સંજોગોમાં મોહમ્મદ રફીએ પોતાનાં સુર વૈવિધ્યની સચોટ સાબિતી સિદ્ધ કરી આપી. 



૧૯૫૮ - હૈ કલી કલી કે લબ પર તેરે હુસ્નકા ફસાના - લાલા રૂખ - ખય્યામ - કૈફી આઝમી - અન્ય કલાકાર 

ખય્યામનાં સંગીતમાં માધુર્ય હતું તે તો તેમની શરૂ શરૂની ફિલ્મથી જ ફલિત થઈ ગયું હતું. અહી તેઓ મધ્ય - પૂર્વની ધુનને એક બહુ જ રોમેંટીક અંદાજમાં રજુ કરે છે, જે રફી તો એક સિદ્ધહસ્ત ગાયકની અદાથી શ્રોતાઓનાં દિલોમાં રમતું કરી મુકે છે.



૧૯૫૯ - દીવાના આદમીકો બનાતી હૈ રોટીયાં - કાલી ટોપી લાલ રૂમાલ - ચિત્રગુપ્ત - મજરૂહ સુલ્તાનપુરી - આગા 

ભાભી (૧૯૫૭)ની સફળતા પછી ચિત્રગુપ્ત મોહમ્મદ રફી પાસે વિવિધ વિષયો પરનાં ગીતોના સફળ પ્રયોગ કરતા થઈ ગયા. પ્રસ્તુત ગીતમાં આમ આદમીની ભૂખ સામેની લાચારીના કણસાટને મોહમ્મદ રફી બહુ અસરકારક રીતે રજૂ કરે છે.



૧૯૬૦ - ઝિંદગી ભર નહીં ભૂલેગી વો બરસાત કી રાત એક અન્જાન મુસાફિર સે મુલાકાત કી રાત  - બરસાત કી રાત - રોશન - સાહિર લુધિયાનવી - ભારત ભુષણ 

રફીના પૂર્ણ મધ્યાહ્ને તપતા સૂર્યના પ્રકાશે રોશન, અને એસ ડી બર્મન સાથે નંદવાયેલા સંબંધો પછી સાહિર લુધિયાનવી - રોશનના સંબંધને પણ ગ્રહણની બહાર લાવી દીધા. 'બરસાત કી રાત'નું દરેક ગીત રોશન, સાહિર અને રફીની કારક્રિર્દીનું અનમોલ નજ઼રાણું બની રહ્યું છે. 

રફીએ 'બરસાઆઅત' શબ્દને દરેક વખતે જે અલગ અલગ અંદાજમાં રજૂ કર્યો છે તે તેમની આગવી શૈલીની ઓળખ છે.



૧૯૬૧ - કભી ખુદ પે કભી હાલાત પે રોના આયા, બાત નીકલી તો હરેક બાત પે રોના આયા - હમ દોનો - જયદેવ - સાહિર લુધિયાનવી - દેવ આનંદ 

'હમ દોનો' ની સફળતામાં જયદેવસાહિરનો પોતપોપોતાનો તેમ જ સહિયારો જે ફાળો છે તેને કારણે  પછીથી તેમના સંબંધ વિચ્છેદને કારણે બન્નેની કારકિર્દીને કેટલું નુકસાન થયું એ વિશે કોઈ અનુમાન કરવાની કોઈ પણ હિંમત પણ નથી કરતું. 

'હમ દોનો'નાં બીજાં બે ગીતો - અભી ન જાઓ છોડકર કે મૈં ઝિંદગીકા સાથ નિભાતા ચલા ગયા માંથી કોઈ એક પસંદ કર્યું હોત તો પણ રફીની ભાવ અદાયગી, પુનરવાર્તન પામતા સ્થાયી શબ્દને રમાડવાની અને અદાકારને અનુરૂપ ગીત રજુ કરવા વિશે તો એક સરખું જ કહી શકાય તેમ છે. પ્રસ્તુત ગીત આ બન્ને ગીતો કરતાં રચનાની, શબ્દપ્રયોગની તેમ જ ભાવ અદાયગીની સંકુલતાની દૃષ્ટિએ ખાસ્સું મુશ્કેલ છે. અને તેમ છતાં, બીજાં ગીતો જ જેટલું જ લોકચાહના મેળવી શક્યું છે તેમાં રફીનો ફાળો વિશેષ જરૂર કહી શકાય.



૧૯૬૨ - અબ ક્યા મિસાલ દું તુમ્હારે શબાબ કી - આરતી - રોશન - મજરૂહ સુલ્તાનપુરી  - પ્રદીપ કુમાર 

પ્રિયતમાના રૂપનાં વખાણ કરવામાં પ્રેમીને ભાવ અભિવ્યક્તિની કચાશ નડતી હોય તો પ્રસ્તુત ગીત જેવાં મોહમ્મદ રફીનાં અનેક ગીતો તેની મદદે મળી રહે તેમ છે.

મજાની વાત તો એ પણ છે કે આ પ્રકારનાં ગીતોના ગીતકારો જે વૈવિધ્યસભર કલ્પનાઓને વહેતી મુકી છે એટલી જ એ ગીતોની રચના સંગીતકારોએ પોતાની બધી જ કળા નીચોવીને કરી છે. રફીની રજુઆત તો સદા તાજા હોય જ !



૧૯૬૩ - યાદ ન જાએ બીતે દિનોંકી જા કે  ન આયે જો દિન દિલ ક્યું બુલાએ ઉન્હેં - દિલ એક મંદિર - શંકર જયકિશન - શૈલેન્દ્ર - રાજેન્દ્ર કુમાર

કારૂણ્ય છલકતા સ્વરમાં છેક નીચેથી ઉપર સુધીના આરોહ અવરોહની કળાનું આ ગીત એક આદર્શ ઉદાહરણ ગણાય છે. રફીના સ્વરમાં ગીત સાંભળીએ ત્યારે ગીત ગાવું જેટલું સહજ જણાય પણ ખરેખર કેટલું મુશ્કેલ છે તેનો ખ્યાલ તો જાહેર કાર્યક્રમોમાં સારા સારા ગાયકોને આ ગીત ગાતાં જે ફાંફાં પડતાં હોય છે તેનાથી જ આવી જાય છે.




૧૯૬૪ - હૈ દુનિયા ઉસીકી જમાના ઉસીકા મોહબ્બતમેં જો હો ગયા હો કિસી કા - કશ્મીરકી કલી - ઓ પી નય્યર - એસ એચ બિહારી - શમ્મી કપૂર 

ગીતની બાંધણી, સેક્ષોફોનનો આગવો સાથ કે શમ્મી કપૂરની દિલોજાનથી અદાયગીને પણ ભુલાવી દે એવી આ ગીતમાં પ્રેમભગ્નતાના વિશાદની, શરાબના નશા સાથે ઘુંટાતી રહેતી, મોહમ્મદ રફીની અભિવ્યક્તિ રહી છે. આ ગીત આંખો બંધ કરીને સાંભળ્યું હોય તો ગીતની અસર કલાકો સુધી મન પર છવાયેલી જરૂર જ રહે !



૧૯૬૫ - દિન ઢલ જાયે હાયે રાત ન જાય તુ તો ન આયે તેરી યાદ સતાયે - ગાઈડ - એસ ડી બર્મન - શૈલેન્દ્ર - દેવ આનંદ 

આ ગીત વિશે બે વાત  નોંધપાત્ર ગણી શકાય.

મોટા ભાગના બંગાળી સંગીતકારોની મોહમ્મદ રફીની ગાયકી સાથે એક ફરિયાદની વાત હંમેશાં કરાતી જોવા મળે છે - તેમના અવાજમાં સહજ મૃદુતા નથી.  એસ ડી બર્મન એટલે, જો શક્ય હોય તો કિશોર કુમારનો સ્વર વાપરવાનું પસંદ કરતા. જોકે ગીર મોહમ્મદ રફી પાસે જ ગવડાવું પડે તો ગીતને નરમાશથી ગવડાવવાના આગ્રહ સાથે સાથે રફીની દોઢબે સુર સુધીની આરોહ અવરોહ, ગીતના ભાવના મુખ શબ્દને અલગ અલગ અદાથી રજૂ કરવો કે પરદા પરના અભિનેતાની ગીતમાં જીવંત કરવો જેવી ખુબીઓનો પણ ઉપયોગ કરી લેવાનું ચુકતા નહીં. આ  ગીત આ બાબતનો એક આદર્શ પુરાવો બની રહે છે.

તે ઉપરાંત રફી પાછા ગીતના ભાવ મુજબ પણ તે ગીતના હાર્દ સમા શબ્દને ગીતના મુડ મુજબ પળોતી શકતા. જેમકે અહીં તેઓ તુમ મુઝસે મૈં દિલ સે પરેશાંમાં મુઝસે જુદા ઔર જગસે પરાયે હમ દોનો થે સાથની વિટંબણા વીંટળાતી રહે છે. તો મેરે મહેબુબ તુઝે મેરી મહોબ્બત કી ક઼્સમ માં તેરી ફુરકતને પરેશાં કિયા મુઝકો માં પ્રેમી સાથે મિલાપ ન થવાથી જે પરેશાની અનુભવાય છે તેની મીઠી ફરિયાદ છે. 



૧૯૬૬ - ઝુલ્ફોંકો હટા લે ચેહેરે સે થોડા સા ઉજાલા હોને દે - સાવનકી ઘટા - ઓ પી નય્યર - એસ એચ બિહારી - મનોજ કુમાર 

મુખડાના ઉપાડમાં રેલાતો સુંવાળો આલાપ મનોજ કુમારની અભિનય શૈલીને અનુરૂપ કહી શકાય તેમ છે. પરંતુ થોડા આગળ વધતાં ખુલ્લામાં ગીત ગવાતું હોય તો થોડા ઊંચા સ્વરે કોઈ પણ વ્યક્તિને ગાવાનું મન થઈ જાય એ પણ સ્વભાવિક છે. ગીતમાં રફીએ 'થોડા સા ઉજાલા હોને દે'ને જુદી જુદી રીતે લડાવેલ છે.



૧૯૬૭ - અકેલે હૈ ચલે આઓ જહાં હો તુમ, કહાં આવાજ઼ દે તુમ કો કહાં હો  - રાઝ - કલ્યાણજી આણંદજી - શમીમ જયપુરી - રાજેશ ખન્ના

આ ગીત આમ તો વિરહનાં ગીત તરીકે ગવાયું છે. રફીના દરેક સ્વરમાં વિરહની વેદના ટપકે છે. તેમાં પણ મુખડા કે અંતરામાં જે પંક્તિ ઊચા સુરમાં જાય છે તેમાં એ વેદના જાણે વધારે પીડા કરતી હોય તેવો ભાવ આપણા મનમાં પણ છવાઈ જાય છે. 

વિરહનો આ જ ભાવ રહસ્યમય રીતે લતા મંગેશકરના સ્ત્રી સ્વરનાં ગીતમાં રજુ થયો છે.

બન્ને ગાયકોએ એક જ ભાવને સાવ અલગ સંદર્ભ કેટલી ખુબીથી રજુ કરેલ છે!




કલ્યાણજી આણંદજીમાં કલ્યાણજી (વીરજી શાહ)નો સ્વતંત્ર સંગીતકાર તરીકે પ્રવેશ ૧૯૫૯માં થયો. તે પછી ત્રણ ફિલ્મો બાદ 'મદારી'માં તેમની સાથે આણંદજી પણ જોડાયા. આમ, '૫૦ના દાયકાથી સ્વતંત્ર સંગીતકાર તરીકે ફિલ્મ સંગીતક્ષેત્રે દાખલ થયેલ છેલ્લા સંગીતકારો ગણાય. 


૧૯૪૬૧૯૮૦ :: ૩૫ વર્ષોઃ ૩૫ ગીતો શ્રેણીનું એ સંદર્ભમાં ૧૯૬૭નું વર્ષ એક મહત્ત્વનો પડાવ કહી શકાય. તેથી આપણે અહીં ટુંકો વિરામ લઈશું. હવે પછીના મણકામાં આ શ્રેણી પુરી કરીશું.


મોહમ્મદ રફીની જન્મ શતાબ્દીની ઉજવણી રૂપે સોંગ્સ ઑફ યોર પર પ્રકાશિત લેખ Rafi’s Centenary Special: 35 songs from 35 years (1946-1980)નો આંશિક અનુવાદ


No comments: