Showing posts with label Rhythm instruments. Show all posts
Showing posts with label Rhythm instruments. Show all posts

Sunday, May 25, 2025

આર ડી બર્મનના વાદ્યવૃંદ રચનાના તાલ વાદ્યોના ધ્યાનાકર્ષક પ્રયોગો

આર ડી બર્મન (૨૭ - ૬ - ૧૯૩૯ । ૪ - ૧ – ૧૯૯૪)નાં માતા અને પિતા – મીરા બર્મન અને એસ ડી બર્મન - બન્ને પોતપોતાની રીતે સંગીતમાં ડુબેલાં હતાં. એટલે આર ડીને પણ સંગીત ગળથુથીમાંથી મળ્યું એમ કહેવામાં કદાચ અતિશયોક્તિ નહીં ગણાય. આર ડીને અનેક વાદ્યો શીખવાની તક મળી, પણ તેના તબલાં પ્રત્યેના લગાવને કારણે તેનાં માતાપિતા તેને 'તબલુ' કહીને જ બોલાવતાં. તો વળી, નાનપણથી આર ડીને સરગમના પંચમ સુરનું પણ બહુ જ ઘેલું આકર્ષણ હતું. એટલે અશોક કુમાર તો આર ડીને 'પંચમ' કહીને બોલાવતા. પછી તો આર ડીનું હુલામણું નામ જ 'પંચમ' બની રહ્યું. સ્વતંત્ર સંગીતકાર તરીકે પોતાની અલગ ઓળખ ઊભી કરવામાં આર ડીએ આ પંચમ સુરને હંમેશાં કેન્દ્રમાં રાખ્યો.

સ્વાભાવિક છે કે નાનપણથી આર ડી એના પિતા - એસ ડી બર્મન - ની સંગીત બાંધણીની બેઠકોમાં હાજરી ભરતો. ધીમે ધીમે કરતં એક તબક્કે આર ડીએ તેની સંગીત અને સંગીત બાંધણીની આગવી સુઝના સ્વબળે એસ ડી બર્મનના સંગીત સહાયકની કામગીરી પણ સંભાળવાનું શરૂ કરી દીધું. આર ડીની સંગીતની સૂઝનું પ્રમાણ તો એ વાત પરથી જ મળી જશે કે એસ ડી બર્મને અય મેરી ટોપી પલટ કે આ (ફંટુશ, ૧૯૫૬) અને સર જો તેરા ચકરાયે (પ્યાસા, ૧૯૫૭) એ બે ગીતો આર ડીની જ મૂળ ધુનો પર થી બનાવ્યાં છે.

એસ ડી બર્મનની સંગીત બેઠકોમાં ભાગ લેવાને આર ડી બર્મન અનેક વાદ્ય કાલાકારોની સાથે સંબંધો બાંધી શક્યા અને તેમની આગવી આવડતોને પોતાની વાદ્યવૃંદ રચનાઓમાં બહુ જ અભિનવપણે મુકી પણ શકયા. આર ડી બર્મનની વાદ્યવૃંદની ટીમના ત્રણ મુખ્ય પાયા હતા તેમના સંગીત સહાયકો - બાસુ (ચક્રવર્તી, વાયોલીન અને ચેલો નિષ્ણાત), મનોહરી (સિંઘ, સેક્ષોફોનના મહારથી) અને મારૂતી (રાવ કીર, તાલવાદ્યોના નિપુણ). આર ડી બર્મનની આગવી પ્રયોગશીલતાને આ ત્રણ કલાકારોએ એટલી જ આગવી શૈલીમાં, શાસ્ત્રીય, પાશ્ચાત્ય કે લોકસંગીત તેમજ  પ્રાદેશિક સંગીત આધારિત રચનાઓમાં મૂર્ત કરી આપી.  


ત્રણ કલાકારોની પોતપોતાનાં ક્ષેત્રની નિપુણતાને વિગતે જાણવા માટે તો યુટ્યુબ પરની મુલાકાત લેવી એક અનોખો લ્હાવો બની રહે છે. જોકે આર ડી બર્મનાં સંગીતની યાદાંજલિ સ્વરૂપ લેખમાળામાં તો આપણે કેટલાક પ્રતિનિધિ કહી શકાય એવા વાદ્યવૃંદ રચનાના પ્રયોગો પુરતી સીમામાં રહીશું. તો ચાલો શરૂઆત કરીએ આર ડી બર્મનના વાદ્યવૃંદ રચનાના તાલ વાદ્યોના ધ્યાનાકર્ષક પ્રયોગો થી.  

+                                       +                                       +

આર ડી બર્મનનાં ઘડતરનાં વર્ષોમાં તેમના પિતા એસ ડી બર્મંન સંગીતમાં તાલનાં મહત્ત્વ પર હંમેશાં બહુ ભાર મુકતા. તેઓ કહેતા કે સારા સંગીતકાર થવું હોય તો નવરાશના સમયમાં તાલની અવનવી બંદિશો વિચારતાં રહેવું જોઈએ. સમય આવ્યે બંદિશો કોઈ એક સારાં ગીતની રચનાનો પાયો બની રહે.

આર ડી બર્મને પોતાની સ્વતંત્ર સંગીતકાર તરીકેની કારકિર્દી શરૂ કરી ત્યારથી  માત્ર પોતાના પિતાનાં સંગીતની નહીં પણ સમયના અન્ય શંકર જયકિશન, મદન મોહન, રોશન જેવા આગલી પેઢીના અને પોતાની પેઢીના લક્ષ્મીકાંત પ્યારેલાલ જેવા સંગીતકારો કરતાં અલગ છાપ ઉભી કરવાનો તેમને બહુ મોટો પડકાર હતો. કામમાં તેમણે પંચમ સુર માટેના તેમના લગાવને અદ્‍ભૂત રીતે કામમાં લીધો.

જોકે આશ્ચર્યની વાત છે કે આર ડીની સૌ પ્રથમ ફિલ્મના સંગીત સહાયકો લક્ષ્મીકાંત પ્યારેલાલ હતા. તેમની બીજી ફિલ્મમાં બાસુદેબ (ચક્રવર્તી) અને મનોહરી (સિંઘ) તેમના સહાયકો હતા. પરંતુ મારૂતી રાવ કીર  સમયે નેપથ્યમાં રહીને આર ડીના વાદ્યવૃંદની તાલ રચનામાં પોતાનું આગવું યોગદાન આપતા હતા, જે આર ડી બર્મન દ્વારા રચાયેલ ૩૦૦થી વધારે ગીતોમાં છવાયેલી જોવા મળે છે.

ઘર જા ગિર આયે બદરા સાંવરીયા - છોટે નવાબ (૧૯૬૧) - લતા મંગેશકર - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ આર ડી બર્મન 

- માત્રામાં, રાગ માલગુંજીમાં રચાયેલ ગીતમાં તબલાના મૃદુ તાલ ગંભીર વાતાવરણની શાંતિને વધારે અસરકાર્ક બનાવે છે. મોરા જિયા ધક ધક રે (.૨૬ - .૩૨) સમયે તાલમાં જે વવિધ્ય ચમકારો કરે છે આર ડીની પ્રયોગશીલતાના સ્પર્શને ઉજાગર કરે છે. 



ચુરા કે દિલ બન રહે હૈ ભોલે જૈસે કુછ જાનતે નહીં - છોટે નવાબ (૧૯૬૧) - લતા મંગેશકર - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ આર ડી બર્મન

મુજરા ગીતમાં આર ડી રાગ ખમાજ પ્રયોજે છે, અને તે સાથે તબલાની થાપ હવે મુજરા નૃત્યની આગવી ઓળખને છતી કરવાની ગત પકડે છે.



આઓ આઓ સાંવરીયા - પડોશન (૧૯૬૮)  - મન્ના ડે - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ  આર ડી બર્મન 

તો અહીં તબલાની થાપ પેરોડીનાં મુડને સચોટ પણે સંગત કરે છે. 



આર ડી બર્મન તેમની  પતિપત્ની, બહારોં કે સપને, પ્યાર કા મૌસમ જેવી શરૂઆતની ફિલ્મોમાં મહદ અંશે શાસ્ત્રીય, લોકધુન આધારિત રચનાઓ કરતા રહ્યા. રચનાઓની નોંધ લેવાઈ પણ આર ડીને પોતાની નવી પ્રદક્ષિણાની ધરીએ પહોંચાડવાનું શ્રેય તો તીસરી મંઝિલ (૧૯૬૭)ની પાશ્ચાત્ય ધુન આધારિત રચનાઓને ફાળે જ ગણાય છે. ભારતીય તાલ વાદ્યોના માહીર મારૂતિ રાવ અહીં પણ આર ડીની પ્રયોગશીલતાને નીખારતા રહ્યા.

જબ અંધેરા હોતા હૈ - રાજા રાની (૧૯૭૩) - આશા ભોસલે, ભુપિન્દર - ગીતકારઃ આનન્દ બક્ષી - સંગીતઃ આર ડી બર્મન

બોંગો ગીતને લય આપીને ગીતના વાતવરણને રહસ્યમય બનાવે છે. અંતરા વખતે પાછો તાલ નવા સ્વરૂપે સંભળાય ! 



એકદમ દ્રુત લયમાં તબલાં અને તેની સાથે બોંગોની અનોખી જુગલબંધીનો શોલે (૧૯૭૩)માં જે પ્રયોગ કરાયો તેણે પોતાની જીવનસંગિની એવી ધન્નોની મદદથી ભાગી છૂટવા મથતી બસંતીની ઘોડાગાડીની દિલધડક ચીલઝડપ હિંદી ફિલ્મોનું એક યાદગાર નજરાણું ગણાય છે. તબલાં પર પંડિત સામતા પ્રસાદ છે અને બોંગો પર મારૂતિ રાવ પર સંમોહિની પાથરે છે. 



મારૂતી રાવનું આર ડી સાથેનું સાયુજ્ય આર ડીની છેલ્લી ફિલ્મ - ૧૯૪૨ લવ સ્ટોરી (૧૯૯૪) - સુધી ચાલુ રહ્યું.

રીમ ઝિમ .. રૂમ ઝુમ ... ભીગી ભીગી રાતોંમેં હમ તુમ તુમ હમ - ૧૯૪૨ લવ સ્ટોરી (૧૯૯૪) - કુમાર સાનુ, કવિતા કૃષ્ણમૂર્તિ - ગીતકારઃ જાવેદ અખ્તર - સંગીતઃ આર ડી બર્મન 

મુખડામાં બોંગોની આગવી સંગત બહુ સરળતાથી અંતરામાં તબલાંની રંગતમાં બદલી જાય છે. અંતરામાં તો તાલનું વૈવિધ્ય ગીતના મુડને વધારે અસરકારક બનાવે છે.



આર ડી બર્મનના તાલ વાદ્યના પ્રયોગોને હજુ વધારે વૈવિધ્ય અને તાજગી આપવામાં એક નવું પરિમાણ હતું રણજિત ગઝમેર (તખલ્લુસઃ કાંચા) અને તેમનું વાદ્ય માદલનું.

નદીયા કિનારે હમારા બાગાન - બરસાતકી એક રાત (૧૯૮૧) - લતા મંગેશકર - ગીતકારઃ આનન્દ બક્ષી - સંગીતઃ આર ડી બર્મન 

ગીતનું ફિલ્માંકન ચાના બગીચાના વાતાવરણમાં થયું છે, એટલે તાલ વાદ્ય તરીકે માદલ જેવું લોક સંગીતનું વાદ્ય સ્વાભાવિક પસંદ બની રહે. અહી માદલની સાથે તબલાં વગેરે બીજાં તાલ વાદ્યો પણ સુર પુરાવે છે. ગીતના તાલમાં પંચમ સુરનું પ્રભુત્વ તો સાવ સહેલાઈથી છતું થાય છે.



દિલ પુકારે જીવા રે રે રાત ઉડતી જાઉં મૈં - જીવા (૧૯૮૬) - આશા ભોસલે - ગીતકારઃ ગુલઝાર - સંગીતઃ આર ડી બર્મન 

માદલને પાશ્ચાત્ય તાલ વાદ્યો બોંગો/કોંગોની સંગતમાં મુકીને તાલની અનોખી મધુર સુરાવલી રચાઈ છે. 



તેરે બિના જિયા જાયે ના - ઘર (૧૯૭૮) - લતા મંગેશકર - ગીતકારઃ ગુલઝાર - સંગીતઃ આર ડી બર્મન

અહીં અલગ અલગ માદલને થોડા થોડા સુરના તફાવતમાં ગોઠવીને માદલ તરંગથી ગીતનો તાલ રચાયો છે. પ્રસ્તુત ક્લિપમાં રણજીત ગઝમેર આખી રચનાને શી રીતે રજુ કરાઈ તેનું જીવંત પ્રદર્શન કરી બાતાવે છે. મજાની વાત છે કે આખી તરંગની તાલ રચના માદલના સામાન્યપણે પ્રયોજાતા સુર કરતાં એક ઊંચા સુરમાં પ્રયોજાઈ છે.



હમ દો પ્રેમી દુનિયા છોડ ચલે - અજનબી (૧૯૭૪)

ગીતની તાલ રચના નેપાળી લોક ધુન પર આધારિત છે. પ્રતુત ક્લિપમાં રણજીત ગઝમેરને માદલ પર લાઈવ જોઈ શકાય છે. તેમની સાથે હોમી મુલ્લાં રેસો રેસો પર અને એક અન્ય કલાકાર કાચ કાગળ પર વરાળ એન્જિનના અનોખા ગતિમય ધ્વનિને જીવંત  કરતા જોઈ શકાય છે!



રેસો રેસોના આટલા પરિચયની બારી આપણા માટે આર ડી બર્મન દ્વારા પ્રકારનાં ડુગ્ગી, બોંગો, કોંગો, કાસ્ટનેટ્સ, રેસો રેસો, સ્ટિક્સ, ગોકનસ્પીએલ, ટ્રાયેન્ગલ, વાયબ્રોફોન, સાયલોફોન વગેરે જેવાં  'અન્ય તાલ વાદ્યો' તરીકે જાણીતાં ચાલીસેક જેટલાં (તથાકથિત) ગૌણ તાલ વાદ્યોના પ્રયોગોનું મેદાન મોકળું કરી આપે છે. કાવસ લોર્ડ, હોમી મુલ્લાં જેવા આગલી પેઢીના તાલ વાદ્ય નિષ્ણાતથી લઈને અમૃત રાવ કાટકર જેવા નવી પેઢીના ગણાતા અન્ય કલાકારોનો આર ડી બર્મન અને તેમની સંગીત સહાયક ત્રિપુટીએ મનમુકીને લાભ લીધો હતો.

મતવાલી આંખોંવાલે અલબેલે દિલવાલે - છોટે નવાબ (૧૯૬૧) - લતા મંગેશકર, મોહમ્મ્દ રફી - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ આર ડી બર્મન 

ગીતનો મુખ્ય તાલ કાવસ લોર્ડ બોંગો પર સજાવે છે જેને કારણે ગીતની લયને ઝડપની અનોખી અનુભૂતિ મળે છે. તાલને ઓબ્લિગેટો સંગત કાસ્ટનેટના મૃદુ સ્વરમાં કાવસ લોર્ડના જ્યેષ્ઠ પુત્ર કેરસી લોર્ડ આપે છે. ધ્યાનથી જોઈશું તો દેખાશે કે .૨૯ - .૩૭ સુધી પરદા પર હેલન કાસ્ટનેટ વગાડતાં વગાડતાં નૃત્ય કરે છે. 



રૂઠ જાના તુમસે કહું તો - ૧૯૪૨ લવ સ્ટોરી (૧૯૯૪) - કુમાર સાનુ - ગીતકારઃ જાવેદ અખ્તર - સંગીતઃ આર ડી બર્મન 

૧૯૬૧માં કાવસ લૉર્ડ બોંગો પર જેટલા તરોજાતા અને પ્રયોગશીલ હતા એટલા તાજા અને પ્રયોગશીલ ૧૯૯૪માં પણ છે ! 



પ્રસ્તુત ક્લિપમાં આર ડી બર્મનનાં આધુનિક ગીતેર તરીકે ઓળખાતાં ગૈર - ફિલ્મી સર્જન માછેર કાંટા ખોપાર કાંટા (આશા ભોસલે)ના યુફોની દ્વારા ઓગસ્ટ ૨૦૦૯માં કલા મંદિર, કોલકત્તા ખાતે આયોજિત કાર્યક્રમમાં ફ્રાંકો વાઝ એક અનોખાં તાલ વાદ્ય કૂઇકા (Cuica)નું જીવંત પ્રદર્શન કરી બતાવે છે. 



'અન્ય તાલ વાદ્યો' પૈકી અનેક વાદ્યોના નિષ્ણાત ગણાતા હોમી મુલ્લાંએ આર ડી બર્મનનાં ગીતોમાં અનેક અવનવા પ્રયોગો કર્યા હતા. અહીં એવાં કેટલાંક ગીતો પસંદ કર્યાં છે જેમાં 'ગૌણ' તાલ વાદ્ય જ વાદ્યવૃંદમાં ધ્યાનાકાર્ષિત બની રહે છે.

પ્રસ્તુત ક્લિપમાં આવાં અનેક તાલ વાદ્યોના આર ડીનાં ગીતોમાં કરાયેલા પ્રયોગો માણી શકાય છે.

https://youtu.be/6tiP7nW_nIY?si=X8RV-_yQt3vTF9gB

સામને યે કૌન આયા દિલમેં હુઈ હલચલ - (જવાની દિવાની, ૧૯૭૨)નાં ગીતમાં તાલ સંગત માટે પેડલ મટકાનો અભિનવ પ્રયોગ પ્રતુત ક્લિપમાં જીવંત પ્રદર્શિત જોઈ શકાય છે. 

https://youtu.be/ZB4wFdFLUAw?si=K8kZNwlp4LO_u79x

આર ડી બર્મને મેરે સામનેવાલે ખીડકીમેં એક ચાંદ સા ટુકડા રહતા હૈ (પડોશન, ૧૯૬૮ - કિશોર કુમાર - ગીતકારઃ રાજેંદ્ર કૃષ્ણ - સંગીતઃઆર ડી બર્મન)મા  વાદ્યોના અવનવા પ્રયોગો કર્યા. તેમાં સૌથી વધારે જાણીતો પ્રયોગ 'અન્ય તાલ વાદ્યો પૈકી એક એવાં રેસો રેસોનો હતો. પરદા પર કેસ્ટો મુખર્જી ઝાડુ પર કાંસકાને ઘસીને (.૧૭ - .૨૦) જે ધ્વનિ પેદા કરે છે તે ખરેખર અમૃત રાવ કાટકરે રેસો રેસો દ્વારા પેદા કર્યો હતો.



'અન્ય તાલ વાદ્ય તરીકે' પોતાની ઓળખ અન્ય વાદ્યોની સાથે ભેળવી દેતા રેસો રેસોના કેટલાક અન્ય પ્રયોગોને પણ માણી લઈએ - 

આર ડી બર્મનને તેના દરેક કલાકારની ખાસ ખુબીઓની આગવી પરખ હતી. અમૃત રાવ કાટકર પાસે તેમણે ગીતોમાં તબલાંના તાલના પણ અનોખા પ્રયોગો કરાવ્યા છે - 

અત્યાર સુધી આપણે આર ડી બર્મનનાં તાલ વાદ્યોના પ્રયોગોમાં ભારતીય તાલ વાદ્યો અને અન્ય તાલ વાદ્યોના પ્રયોગોની જ વાત કરી. આર ડી બર્મનને સફળતાનાં શિખરો ભણી લઈ જનારા 'તીસરી મંઝિલ' (૧૯૬૭)નાં આજા આજા મૈં હું પ્યાર તેરા, ઓ હસીના ઝુલ્ફોંવાલી, તુમને મુઝે દેખા હો કર મહેરબાં જેવાં  ગીતોમાં  અને તે પછીના ડ્ર્મ્સ ના પ્રયોગોની વાત વિના તો આ આખી વાત કદાચ સાવ ફિક્કી જ લાગે.

મેહબૂબા મેહબૂબા (શોલે, ૧૯૭૫)માં ડ્રમની કરામત કેવી રીતે કરાઈ તે આ ક્લિપમાં બરજોર લૉર્ડ એક લાઈવ કાર્યક્રમમાં બતાવે છે.



યુ ટ્યુબ પર તેમના લાઈવ કાર્યક્રમોની અનેક ક્લિપો બહુ સહજપણે પ્રમાણિત કરી આપે છે કે બરજોર લોર્ડની ડ્રમ વગાડવાની અદા સાવ જ અનોખી રહેતી. અહીં તેમણે આર ડી બર્મન માટે કરેલા કેટલાય પ્રયોગો પૈકી બે એક પ્રતિનિધિ પ્રયોગોની નોંધ લઈશું -  

ગુલાબી આંખેં જો તેરી દેખી - ધ ટ્રેન, ૧૯૭૦ 

ક્યા હુઆ તેરા વાદા - હમ કિસીસે કમ નહીં, ૧૯૭૭

  મારીઆ (સાગર, ૧૯૮૫) માટે ફ્રાંકો વાઝે ડ્રમ પર સંગાથ કર્યો હતો. પ્રસ્તુત ક્લિપમાં તેઓ સમજાવે છે કે ગીતમાં ડ્રમને શી રીતે પ્રવેશ મળ્યો અને તેના સુરને શી રીતે ગીતની લયમાં વણી લેવાયા.



આર ડી બર્મનના તાલ વાદ્યોના પ્રયોગોની સફરને યુ ટ્યુબ પર ઉપલબ્ધ અનેકવિધ ક્લિપ્સમાં માણી શકાય છે. આજના લેખ પુરતો આપણે અહીં વિરામ લઈશું.

હવે પછી આર ડી બર્મનના તંતુ વાદ્યોના પ્રયોગોની વાત માંડીશું. 


Credits and Disclaimers:

1. The song links have been embedded from the YouTube only for the listening pleasure of music lovers. This blog claims no copyright over these songs, which vests with the respective copyright holders.

2. The photograph is taken from the internet, duly recognising the full copyrights for the same to the either original creator or the site where they were originally displayed.