બિટ્સ પિલાણી જેવી સંપુર્ણપણે રહેણાક શૈક્ષણિક
ઇન્સ્ટિટ્યુટમાં ઈતર પ્રવૃતિઓ સંસ્થાનાં જીવનની ઘરેડને વૈવિધ્યની જડીબુટ્ટીથી
ધબકતું રાખવાનું કામ કરે છે. અહીં બધી જ ઈતર પ્રવૃત્તિઓનું સંચાલન વિદ્યાર્થીઓ
જાતે જ કરે, જેમાં શાસકીય હસ્તક્ષેપ ખપ પુરતોજ હોય છે.
ફિલ્મ ક્લબ
બહુ બધી ઈતર પ્રવૃત્તિઓમાં, વિદ્યાર્થીઓમાં તેમજ સ્ટાફ અને
તેમનાં પરિવારોમાં પણ સૌથી વધરે લોકપ્રિય અને દર અઠવાડીએ કાગ ડોળે રાહ જેની જોવાતી
એ હતી ફિલ્મ ક્લબ. શનિવારનો શૉ છેલ્લાં વર્ષ સિવાયનાં અંડરગ્રેજ્યુએટ વર્ષોના
વિદ્યાર્થીઓ માટે અને રવિવારનો શૉ છેલ્લાં વર્ષના અને અનુસ્નાતક વર્ગોના
વિદ્યાર્થીઓ અને સ્ટાફ અને તેમનાં પરિવારો માટે રહેતો.
એવી વ્યવસ્થા ગોઠવઈ હતી કે દિલ્હી જયપુર જેવાં મોટાં
શહેરોમાં જે નવી હિંદી ફિલ્મ રીલીઝ થાય તે અઠવાડીયાના શનિ અને રવિવારની સાંજે અહીં
ઑડીટોરિયમ દેખાડાય. ફિલ્મ ક્લ્બની માંગ એટલી ઉત્કટ રહેતી
કે નવાં વર્ષની કમિટીનું ગઠન ન થાય ત્યાં સુધી આગળનાં વર્ષની કમિટી એ પ્રવૃત્તિનું
સંચાલન કરતી, એટલે સમેસ્ટર શરૂ થયાનાં પહેલાં બે અને પુરો
થવાનાં છેલ્લાં અઠવાડીયાં સિવાય લગભગ દરેક શનિરવિ ફિલ્મ શૉ હોય જ.
પિલાણીના રહેવસનાં બે વર્ષ દરમ્યાન જોયેલી ફિલ્મોમાંથી બે
ફિલ્મોએ મારા માટે આજે પણ યાદ રહી છે તેમાની એક તો હતી મેરે અપને (દિગ્દર્શકઃ
ગુલઝાર). શિક્ષિત બેરોજગાર યુવા વર્ગની મનોસ્થિતિનું ચિત્રણ એ સમયે બધાંને આકર્ષી
જાય એ સ્વાભાવિક છે. જેમ કે,
આ સંવાદ श्याम कहा है। आये तो उससे कह देना की छेनू आया था
અને આ વ્હિસલિંગ
હોસ્ટેલોની પરસાળોમાં ઘણા વખત સુધી સંભળાતાં રહ્યાં હતાં.
બીજી ફિલ્મ, જવાની દિવાની, પણ
પણ યુવાનીમાં ફુટતાં પ્રણયનાં અંકુરોની વાત તરીકે વિદ્યાર્થી આલમને ગમે એ ખરૂં. તે
ઉપરાંત ફિલ્મનાં સંગીતે પણ આકર્ષણ જમાવેલું. ફિલ્મના
ગીતના જાન એ જાં
ઢુંઢતા ફિર રહા હું તુઝે ....... તુ કહાં ...ંમૈં યહાં'
ના "તુ કહાં ...ંમૈં યહાં" બોલ તો મિત્રને શોધી કાઢવા અને શોધના
પ્રત્યુતર તરીકે પ્રચલિત બન્યા હતા.
સંગીત ક્લબ
અહીં સંગીત ક્લબ પણ બહુ સક્રિય હતી. મારો અત્યાર સુધીનો
સંગીત સાથેનો સંબંધ ફિલ્મ સંગીત પુરતો જ હતો અને તે પણ રેડીયો પર ગીતો સાંભળવા
જેટલો જ .એટલે અહીં સંગીત ક્લબના સભ્ય થવાથી કંઈ નવું અનુભવવા મળશે એટલો જ મારો
આશય હતો. પરંતુ, તેનાં સભ્ય થવા માટે તો તમને કોઈ વાદ્ય વગાડતાં કે ગાતાં
આવડવું જોઈએ એ આવશ્યક શરત હતી એ દૃષ્ટિએ તો મારૂં સભ્ય બનવું સંભવિત જ નહોતું. પણ
હા, રેગિંગના દિવસો દરમ્યાન પ્રશ્નોત્તરીને મને અનુકુળ પડે
તેવાવિષય તરફ ફેરવવા માટે ફિલ્મોનાં ગીતોનો મારો જેટલો
કંઇ પરિચય હતો તેનોમેં ઉપયોગ કર્યો હતો. એટલી અમથી વાત કેટલાક સિનિયરોને મનમાં વસી
ગઈ હતી! તેને કારણે મને સંગીત ક્લબમા આવવા જવા જેટલી છૂટ મળી હતી.
અહીં મને બે એવાં વાદ્યોને નજદીકથી વગાડાતાં જોવાનો લાભ
મળ્યો, જેને મેં ફિલ્મના પરદા સિવાય વાગતાં જોયાં જ મહોતાં. કેમિકલ એન્જિયરીંગનો
એક અને મિકેનકલ એન્જિનીયરીંગનો એક એમ બે વિદ્યાર્થીઓ પિયાનો એકોર્ડીયનમાં નિપુણતા
ધરાવતા હતા. તેઓ પાસે બે કે ત્રણ ઊંચી કક્ષાનાં પોતાનાં વાદ્યો પણ હતા. ઈલેટ્રોનિક
એન્જિયરિંગના ત્રીજા વર્ષનો ત્રીજો એક વિદ્યાર્થી ડ્રમ વગાડવાનો નિષ્ણાત હતો. તેની
પાસે પોતાના બે ડ્રમ સેટ હતા. આ ત્રણેય વિદ્યાર્થીઓ પાશ્ચાત્ય ક્લાસિક્લ સંગીત
પરની તેમની હથોટીને કારણે બહુ જ લોકપ્રિય હતા. મારા માટે તો આ બધું પરગ્રહ નિવાસી
જેટલું અજાણ્યું હતું, પણ તેઓ જ્યારે રિયાઝ કરતા હોય ત્યારે
તેમને સાંભળવા એ જ મારે મન બહુ મોટો લહાવો બની રહેતો. વાદ્ય સંગીતનું મારૂં જ્ઞાન
તો અજ્ઞાન રહેવા જ સર્જાયું હતું અને આવી એક તક મળવા છતાં પણ અજ્ઞાન જ રહ્યું.
વિજ્ઞાન શાખાની અનુસ્નાતક વર્ગની એક વિદ્યાર્થીની લતા
મંગેશકરના ગીતો બહુ જ સારી રીતે ગાઈ શકતી હતી. ‘૫૦ના અને ‘૬૦ના
દાયકાનાં ખાસ્સાં અઘરાં કહી શકાય તેવાં ગીતો માટે તે જે લગનથી અભ્યાસ કરતી તે તેની
સંગીત માટે ચાહ બતાવતી હતી. પહેલાં વર્ષનાં સંગીત સમારોહમાં તેણે ઉનકો યે શિકાયત
હૈ કે હમ કુછ નહીં કહેતે ગાયું હતું. ગીત પુરૂં થયું તે
પછી પાંચેક મિનિટ સુધી તાળીઓનો ગડગડાટ શમ્યો નહોતો !