Showing posts with label J. Jaylalitha. Show all posts
Showing posts with label J. Jaylalitha. Show all posts

Sunday, December 18, 2016

એક ફિલ્મનાં અનેક સ્વરૂપ – “વોહ કૌન થી?” અને તેનાં પૂર્વજ અને અનુજ સંસ્કરણો



હિંદીમાંથી અન્ય ભાષાઓમાં કે પછી અન્ય ભાષાઓ કે અંગ્રેજી પરથી હિંદી ફિલ્મો બનવી એ તો કોઈ નવી ઘટના નથી. તો પછી એ વિષયના શીર્ષક પર એક આખો લેખ શા માટે હશે એવો સવાલ ઉઠવો સ્વાભાવિક છે.
આ વિષય પર કંઈ સંશોધનાત્મક કે તુલનાત્મક ચર્ચા છેડવાનો આપણો આશય પણ નથી.
આપણો આશય, સંજોગોની કરવટોએ જેમને એક સમયનાં તમિળ ફિલ્મોનાં સામ્રાજ્ઞી કે પછીથી તમિળનાડુની રાજકારણની શતરંજનાં 'રાણી'ની ભૂમિકામાં ઠોકી બેસાડ્યાં એવાં આ મહિનાની પાંચમી તારીખે દેહવિલય પામેલાં સુશ્રી જે. જયલલિતા પર એક વધારે લેખ ઉમેરવાનો પણ નથી.
હા, આ બન્ને બાબતોને જોડતી એક કડી જરૂર છે, જેની આપણે 'હિંદી ફિલ્મસંગીતની સફર'માં આજે વાત કરવાનાં છીએ.એ માટે છેક ૧૮૫૯માં વાતનાં મૂળમાં જઈએ.
ચાર્લ્સ ડીકન્સનાં અઠવાડીક સામયિક All the Year Roundના ૧૮૫૯ના અંતના અંકમાં હપ્તાવાર રજૂ થઈ રહેલ A Tale of Two Citiesના છેલ્લા હપ્તાની સાથે જ એક દિલધડક થ્રીલર વાર્તાનો પહેલો હપ્તો રજૂ થયો હતો.  હપ્તાવાર પ્રકાશિત થયેલ એ વાર્તા પછીથી પુસ્તક સ્વરૂપે પણ પ્રકાશિત થઈ. એ હતી વિલ્કી કોલ્લીન્સની The Woman in White. પુસ્તક એટલી હદે લોકપ્રિય થયું કે તેના પરથી ૧૮૬૧માં શ્રીમતી હેન્રી વૂડે East Lynne અને મેરી એલિઝાબેથ બ્રેડ્ડૉને ૧૮૬૨માં Lady Audley's Secret જેવી કથાઓ પણ લખી, જે પણ બહુ લોકપ્રિય રહી.
આટલી લોકપ્રિય કથા હોય અને આટઆટલું સિનેમા માટેનું વસ્તુ દેખાતું હોય એટલે તેનું રૂપેરી પરદે અવતરણ તો થાય જ.  ૧૯૧૨માં તેનું પહેલું સંસ્કરણ સાયલન્ટ ફિલ્મ તરીકે થયું. તે પછીથી બીજાં પણ જૂદાં જૂદાં સાયલન્ટ સસ્કરણો ૧૯૧૭ અને ૧૯૨૯માં થયાં.

૧૯૪૮માં તેનાં બોલતાં ચિત્રપટ તરીકેનાં સંસ્કરણ પછી પણ વિવિધ સંસ્કરણો થતાં રહ્યાં. બી.બી. સી. પર ટીવી ફિલ્મનાં સ્વરૂપે પણ આ વાર્તા રજૂ થઈ.
આપણે ત્યાં આ વાર્તા / ફિલ્મ પરથી સૌ પહેલી ફિલ્મ બનાવી ગુરુદત્તે, જેનું શીર્ષક હતું 'રાઝ. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં વહીદા રહેમાન હતાં. રાહુલ દેવ બર્મન આ ફિલ્મ દ્વારા ફિલ્મ સંગીતના ક્ષેત્રે પદાર્પણ કરવાના હતા. પણ  ફિલ્મ પૂરી ન થઈ.
એ પછી ગુરુ દત્તના એક સમયના મદદનીશ રાજ ખોસલાએ આ પ્રકરણને ૧૯૬૪માં 'વોહ કૌનથી?'ની રજૂઆત વડે અંજામ આપ્યો. રાજ ખોસલાએ લગભગ આ જ વાર્તાથી પ્રેરાઈને ૧૯૬૬માં 'મેરા સાયા' અને ૧૯૬૭માં 'અનિતા' પણ દિગ્દર્શિત કરી, આ ત્રણે ફિલ્મોમાં મુખ્ય ભૂમિકામાં સાધનાના અભિનયે તેમને અભિનય કળાની સુંદરતમ રજૂઆત માટે ઉચ્ચ કોટિનાં સ્થાન પર લાવી મૂક્યાં. ૧૯૬૭માં જ્યારે આપણે ત્યાં બી આર ચોપરાએ 'હમરાઝ' રજૂ કરી ત્યારે સમાંતરે પાકિસ્તાનમાં શમીમ આરાએ ભજવેલ જોડીયા બહેનોની મુખ્ય ભુમિકાવાળું એક વધારે સંસ્કરણ રજૂ કર્યું, જેનું પણ શીર્ષક હતું 'હમરાઝ'.
આટલા દીર્ઘ પૂર્વાપર ઇતિહાસના સંદર્ભ પછી આપણે ફરી આપણા આજના લેખના વિષય પર પાછાં ફરીએ.
૧૯૬૬માં 'વોહ કૌન થી?’ની તમિળ રીમેક બની Yaar Nee?. તેની જ સમાંતરે તેલુગુ રીમેક પણ બની - Aame Evaru?. આ બન્ને રીમેક સંસ્કરણોમાં જોડીયા બહેનોની મુખ્ય ભૂમિકા ભજવી હતી જયલલિતાએ.
આ બન્ને ફિલ્મોનાં ગીતો પણ એ સમયે જેમ બહુ જ સામાન્યપણે થતું એમ મૂળ હિંદી ગીતોની અદ્દ્લ નકલ હતાં. મજાની વાત તો એ છે કે અમુક ગીતોની માત્ર ધુન જ નહીં પણ ફિલ્મીકરણ પણ એક સરખું હતું., તો, અમુક ગીતોની ધુન એ જ વાપરવામાં આવી પણ ગીતની રજૂઆત સાવ અલગ જ રીતે કરાઈ.
નયના બરસે રીમ ઝીમ રીમ ઝીમ - વોહ કૌન થી? - લતા મંગેશકર - મદન મોહન - રાજા મહેંદી અલી ખાન.
હિંદી ફિલ્મોમાં રહસ્ય ફિલ્મોમાં એક ગીત હંમેશાં એવું રહેતું જે ફિલ્મમાં જ્યારે જ્યારે આવે ત્યારે રહસ્યને ઘેરૂં બનાવે.

ગીતનું તમિળ સંસ્કરણ
અને આ છે તેલુગુ સંસ્કરણ

લગ જા ગલે કે ફિર કભી યે બાત હો ન હો - વોહ કૌનથી? - લતા મંગેશકર
ભગવાનભાઈ થાવરાણીએ આપણને સમજાવી આપ્યું છે કે મદન મોહનની આ રચના ગ઼ઝલ નથી.

તેનું તમિળ વર્ઝન 

અને તેલુગુ વર્ઝન

છોડકર તેરા દામ યે બતા દે કે હમ કિધર જાયે - વોહ કૌનથી?  - મહેન્દ્ર કપૂર, લતા મંગેશકર.  
ફિલ્મમાં આ ગીત મનોજ કુમાર અને હેલન પર ફિલ્માવાયું છે. મદન મોહન સામાન્યતઃ સૉલો ગીતોના માસ્ટર ગણાતા, પરંતુ અહીં તેઓ એક ઉત્કૃષ્ટ યુગલ ગીત આપે છે.


તેનું તમિળ વર્ઝન, જે એક સંપૂર્ણપણે નૂર્ત્ય ગીતના સ્વરૂપે રજૂ કરાયું છે. 


તેલુગુમાં પણ આ ગીત નૃત્ય ગીત તરીકે રજૂ કરાયું હતું.


શોખ નઝરકી બીજલીયાં દિલ પે મેરે ગિરાયે જા, મેરા ન કુછ ખયાલ કર તું યુંહી મુસ્કરાયે જા - વોહ કૌનથી?  - આશા ભોસલે.  
પર્દા પર આ ગીત પરવીન ચૌધરી પર ફિલ્માવાયું છે. ફિલ્મમાં એક બાજૂ મદન મોહને લતા મંગેશકરનાં બેમિસલ ગીતો આપ્યાં તો સામે આશા ભોસલેનું પણ આ કમાલનું ગીત પણ આપ્યું છે. 

તમિળ વર્ઝનમાં ગીત યુગલ ગીત સ્વરૂપે સ્વરબ્ધ્ધ કરાયું છે.
તેલુગુ વર્ઝનમાં પણ ગીત યુગલ ગીત સ્વરૂપે સ્વરબ્ધ્ધ કરાયું છે.


જે મિત્રોને આ સિવાય પણ બીજાં ગીતો સાંભળવાં હોય તેમને યુ ટ્યુબ પર આ બધાં ગીતો બહુ સહેલાઈથી સાંભળવા મળશે.