ભાઇશ્રી મઘુ રાય 'ગગનવાલા'એ આજે માનવ સ્વભાવની
સહુથી મોટી નબળાઇ - લોભ -ને એક વાર ફરીથી ખુલ્લાં આકાશમાં ખુલ્લી કરી આપી.
માનવ લોભની કથાઓ આદમથી શરુ થઇ અને દરેક યુગ
યુગામી અવનવાં સ્વરૂપે થતી આવી છે, અનુભવાતી આવી છે અને
ભુલાતી આવી છે.
મહાભારતમાં જૂગટૂં - દેશી ભાષામાં જૂગાર-
રમવાનો મોહ યુધિષ્ઠીર જેવા સંપુર્ણ સત્યવાદીને પણ લાગી જતો હોય છે તેમ કહીને તેનાં સર્વવ્યાપી દુષણને
ઉઘાડું પાડી લોકોને તેનાથી વિમુખ કરવાનો હેતુ હતો. પણ માનવીની બુધ્ધિ જો અવળો અર્થ
ન કાઢે તો માનવ-બુધ્ધિને લ્યાનત ન લાગે? એટલે સત્યનિષ્ઠ લોકોને
જુગાર જેવી આવડત હોવી તે તો આર્થિક વિકાસનું મહત્વનું પરીબળ ગણાવાયું!
આ જૂગારનું આર્થિક વ્યવહારનું સ્વરૂપ તે સટ્ટો.
કોઇપણ ચીજવસ્તુની ભવિષ્યમા થનારી ઉપલબ્ધી, તેની માંગ અને તેઓનાં
પરિણામે તેના ભાવનો અડસટ્ટો લગાવતાં લગાવતાં સટ્ટાની લત ક્યારે લાગી જાય તે 'પ્રબુધ્ધ' માનવીને ખબર નથી પડતી!
[લો, કરો વાત!]
તેમાંય ૨૦મી સદીના મધ્ય બાદ અર્થશાસ્ત્રના અન્ય
જ્ઞાનશાખાઓસાથેના વધતા ગયેલા ઘરોબાને કારણે શુધ્ધ એન્જીનીયરીંગ ભણેલાઓ પણ નાણાં
સંચાલનના અધિપતીઓ બનતા ગયા, નાણાંના વ્યવહારો બની ગયા
ઉપભોગતા ઉત્પાદનો, ચોરે અને ચૌટે શૅર બજારના
આટાપાટાની ટીપ્સ ગુંજતી થઇ ગઇ.
આમ પણ જે ગામમાં લોભીયા હોય ત્યાં ધુતારા
ભૂખ્યા મરતા તો સાંભળ્યા નથી જ, તો અહીં તો તે જંક
બૉન્ડમાં રોકાણ કરી ને કચરામાંથી કચરાલાલ કહેવાતાં હૅજ ફંડોનાં હાટડાંઓ ખોલી
નાંખીને લોકોને ધોળે દિવસે હથેલીમા ચાંદ - તે પણ બેદાગ, પુનમનો ચાંદ - બતાડવાના
વ્યવસાયના મુખ્ય સંચાલકોને લાખો ડૉલરના દરમાયા મળતા થઇ ગયા. આ સંપત્તિ સંચાલન
પધ્ધતિ ને પેલી સંચાલન જાળવણીની રસમો શિખવાડીશું તેવાં
લોભામણાં વચનોથી આંજી નાખી ને પોતાનો રોટલો શેકવા માટે આમ આદમીને ધુતારા થવાના
ફાયદા શીખવવાની શાળા /કૉલૅજો ખોલી દીધી. સફેદ કપડાં પહેરીને
કોલસાની દલાલી કરવાથી કપડાં પર દાગ લાગે તે તો કોલસાનો વાંક પણ સાબિત કરી નંખાયો.
માનવીના લોભને સામ્યવાદમાં કે સમાજવાદમાં કે
બજારોન્મુખ મૂડીવાદમાં સરખું જ ઉત્તેજન મળતું રહ્યું. કારણકે મોસાળીયા જાનૈયા અને
મા પીરસે તેવો ઘાટ હતો ને
ભગવાનને મહાભારતનાં એ પ્રખ્યાત જૂગટાંના ખેલ
દરમ્યાન જ આવું બધું થશે તેનો અડસટ્ટો આવી ગયો હશે, એટલે ક્યાં તો તે
પણ હવે 'લોભ'ને ધર્મની ગ્લાની નથી ગણતા અથવા તો આ અધર્મ હવે તેમની
ક્ષમતાથી પણ પર થઇ ગયેલ ગણતા થઇ ગયા જણાય છે. એટલે જે તો હવે તે પોતે જન્મવાનું
નામ નથી લેતા! હજારે માંડ એક અણ્ણા કે પ્રીત ભરારા જેવા કાળા માથાના માનવી ને આઠ
આઠ કોઠાના ચક્રવ્યૂહ ભેદવા આગળ કરી દે છે. "તમે જાણો અને તમારૂં કામ જાણો, મને વૈકુંઠમાં હેરાન કરવાનું બંધ કરો" તેવાં પાટીયાંઓ
લગાવી દીધાં છે.
સાહિર લુધીયાનવીએ 'વો સુબહ કભી તો આયેગી'ની નિરાશામાંથી 'વો સુબહ હમીં સે આયેગી'ની આશા જોઇ હતી, તો આપણે પણ તે આશાને ફળીભૂત થવાની સુબહની રાહ જોઇએ?
- n ૨૨ ફેબ્રુઆરી,૨૦૧૨ની દિવ્ય ભાસ્કરની અમદાવાદ આવૃતિની કળશ પૂર્તિમાં શ્રી મધુ રાયની કૉલમ 'નીલે ગગનકે તલે'ના "દો દિલોં કી દાસ્તાં : મિસ્ટર બી અને ડાક્ટર પી" લેખ પરનો પ્રતિભાવ