Showing posts with label N Venkatraman. Show all posts
Showing posts with label N Venkatraman. Show all posts

Sunday, June 6, 2021

હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ …. મગર હમ તુમ્હારે રહેંગે - અંક ૯ : હેમંત કુમારની કારકિર્દીનાં પોતમાં અનોખી ભાત પાડતા કેટલાક મહત્ત્વના સંબંધોના તાણાવાણા :: હેમંત કુમારનાં લતા મંગેશકરનાં બંગાળી ગીતો

હેમંત કુમારની બંગાળી (ફિલ્મ) સંગીતની કારકિર્દીની વાત તેમણે લતા મંગેશકરનાં સ્વરમાં રચેલાં ગીતો વિના અધુરી રહે. લતા મંગેશકરે ગાયેલાં ૧૮૫ જેટલાં ફિલ્મી, આધુનિક અને રવિન્દ્ર સંગીતના બંગાળી ગીતોમાં સલીલ ચૌધરીનાં ગીતોની સંખ્યા વધારે પણ ગીતોની ગુણવત્તા, ચિરસ્મરણીયતા અને માધુર્યમાં હેમંત કુમારે રચેલાં તેમનાં ગીતોનું સ્થાન પણ આગવું જ રહ્યું છે.

હેમંત કુમાર અને લતા મંગેશકરના સંબંધોનાં મુળીયાં તો આનંદમઠ (૧૯૫૨)માટે તેમનાં એક માત્ર ગીત 'જય જગદીશ હરે'થી નંખાયાં તે પછી હેમંત કુમારે રચેલાં હિંદી ફિલ્મ સંગીતમાં સૌથી વધારે ગીતો લતા મંગેશકરના સ્વરમાં જ રહ્યાં.

'આનંદમઠ' પછી તરત જ હેમંત કુમારના ખાસ આગ્રહથી લતા મંગેશકરે ૧૯૫૩માં દુર્ગા પુજા માટે હેમંત કુમારનાં નિદર્શનમાં હેમંત કુમાર સાથે જ રવિન્દ્ર સંગીતમાંથી પસંદ કરેલ બે યુગલ ગીતો ગાયાં

તોમારા હાલો શુરૂ આમાર હાલો સારા (તમારો હાલ શરૂ અમારો પૂરો)

આ ગીતમાં લતા મંગેશકરનો સુર પ્રાધાન્ય સ્થાને છે અને હેમંત કુમાર લગભગ કાઉન્ટર મેલોડીની જેમ તેમનો સતત સંગાથ કરે છે.




આડવાત - આ ધુનને રાજેશ રોશને 'છૂ કર મેરે મનકો'માં પોતાની શૈલીમાં ઢાળીને પ્રયોજી હતી.

એ આલ્બમનાં બીજાં યુગલ ગીત મધુ ગંધે ભરા મૃદુ સ્નિગ્ધછાયા નો ઉલ્લેખ આપણે આ શ્રેણીના અંક, ૭ ભાગ () માં કરેલ છે. ત્યારે આપણે જોયું હતું કે ૧૯૪૫ની ફિલ્મ 'હમરાહી'માં આર સી બોરાલે આ રચના હેમંત કેમાર અને બિનોતા (રોય)_ બોઝ સાથેનાં યુગલ ગીત તરીકે કરી હતી.

આ આલ્બમ લગભગ જૂન-જુલાઈ ૧૯૫૩માં રીલીઝ થયું હશે. એજ વર્ષે હેમંત કુમારના કહેવાથી લતા મંગેશકરે રવિન્દ્રનાથ ઠાકુરની જ વાર્તા 'બૌ ઠાકુરાણીર હાથ'[દિગ્દર્શક નરેશ મિત્ર - સંગીતકાર દ્વિજેન ચૌધરી] માટે રવિન્દ્ર સંગીતનાં બે ગીત ગાયાં.

હૃદય અમાર નાચે રે આજિકે મયુર મત નાચો રે


સાવન ગગને ઘોર ઘનઘટા


તે પછી હેમંત કુમારે લતા મંગેશકરના સૉલો સ્વરમાં 'પ્રેમ એકબારી એસેછીલ્લો નીરબો' (પ્રેમ એક વખત મૌનમાં આવ્યો)[ગીતકાર ગૌરીપ્રસન્ન મજુમદાર]ની પણ રચના કરી.


આડવાત

હેમંત કુમારે આ ધુન ગર્લ ફ્રેન્ડ (૧૯૬૧)નાં ગીત આજ રોના પડા તો સમજ઼ે (કિશોર કુમાર - ગીતકાર સાહિર લુધ્યાનવી)માં પણ પ્રયોજી છે.

એપ્રિલ ૧૯૫૪માં લતા મંગેશકર હેમંત કુમારનાં આમંત્રણથી બંગાળી નવાં વર્ષના ઉપક્રમે યોજાતા જાહેર સંગીત કાર્યક્રમમાં હાજરી આપવા પણ ખાસ આવ્યાં હતાં. તે સમયે તે હેમંત કુમારના ઘરે જ રહ્યાં હતાં. ૧૯૮૫માં હેમંત કુમારની કારકિર્દીની અર્ધશતાબ્દીની ઉજવણી સમયે પણ હેમંત કુમારે લતા મંગેશકરને ખાસ આમંત્રણ પાઠવ્યું હતું. એ દિવસોમાં લતા મંગેશકરની તબિયત નરમગરમ રહેતી હતી તો પણ તેઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં

લતા મંગેશકરે હેમંત કુમારનાં નિદર્શનમાં ૩૪ ગીતો ગાયાં, બંગાળી ફિલ્મોમાં લતા મંગેશકરે ગાયેલાં ગીતોમાં સૌથી વધારે ગીતો હેમંત કુમારની રચનાઓ છે. જોકે લતા મંગેશકરને બંગાળી ફિલ્મ સંગીતમાં દાખલ કરવાનું શ્રેય વસંત દેસાઈને ફાળે જાય. તેમની સંગીતબધ્ધ કરેલ 'અમર ભૂપાલી' (૧૯૫૨)માં લતા મંગેશકરનાં છ ગીતો હતાં લતા મંગેશકર પાસે આધુનિક અને ગૈરફિલ્મૉ બંગાળી ગીતો સૌથી વધારે સલીલ ચૌધરી (૩૫ ગીતો) ગવડાવ્યાં છે.

એક વધુ યુગલ ગીત સાંભળીએ-

ચંચોલો મન અન્મોના હોય - અદ્વિતિય (૧૯૬૮)- ગીતકાર: મુકુલ દત્ત

પરદા પર ગીત માધવી મુખર્જી અને સર્બેન્દુએ ગાયું છે.

હેમંત કુમાર અને લતા મંગેશકરનાં વ્યાવસાયિક સંબંધોની વેલ મરાઠી ફિલ્મોમાં પણ પ્રસરી છે.

લતા મંગેશકરે 'આનંદઘન' તખલ્લુસથી પાંચ મરાઠી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. તેમાંની ૧૯૬૩ની શિવાજી મહારાજની જીવનકથની પરથી બનેલ 'મરાઠા તિતુકા મેળવાવા'માં એક સમુહ ગીત, મરાઠી પાઉલ પડતે પુઢે (મરાઠી કદમ આગળ ધપે), હતું, જેમાં પ્રારંભનો શ્લોક હેમંત કુમારના સ્વરમાં હતો.

   

હૃદયનાથ મંગેશકરે લતા મંગેશકર અને હેમંત કુમારનું એક ગૈરફિલ્મી મરાઠી યુગલ ગીત, મી ડોલકર દરિયાચા રાજા' રચ્યું હતું.


આ રચના સલીલ ચૌધરીને એટલી બધી પસંદ પડી ગઈ કે તેમણે તે, દે ડોલ ડોલ તોલ પાલ તોલ સ્વરૂપે, બંગાળીમાં લખી અને લતા મંગેશકર સાથે હેમંત કુમારના સ્વરમાં રેકોર્ડ કરાવી.



આ સાથે આપણે હેમંત કુમારની જન્મશતાબ્દી નિમિત્તે શરૂ કરેલ દીર્ઘ લેખંમાળા '.... મગર હમ તુમ્હારે રહેંગે' અહીં સમાપ્ત કરીએ છીએ. હેમંત કુમારે રચેલાં હિંદી ગીતોને હવે પછી યથોચિત પ્રસંગે યાદ કરીશું. 

+ + +

શ્રી એન વેન્કટરામનના સોંગ્સ ઑફ યોર પર પ્રકાશિત મૂળ લેખ, Hemantayan – Part 2નો આંશિક અનુવાદ

શ્રી  એન વેન્ક્ટરામનનું વિજાણુ સંપર્ક સરનામું : venkatssa18@gmail.com

સોંગ્સ ઑફ યોર : https://www.songsofyore.com/

+ + +

Acknowledgements & References:

1. Anandadhara (as told by Hemanta Mukhopadhyay) by Abhik Chattopadhyay; Saptarshi Prakashan, Kolkata (2013) - Published earlier by New Bengal Press Pvt. Ltd. 1975
2. Amaar Swami Hemanta: (as told by Bela Mukhopadhyay) by Partha Ghosh; Sahityam, Kolkata, 1999
3. V. Shantaram: The Man Who Changed Indian Cinema by Madhura Pandit Jasraj, Hay House India, 2015

4. Lata Geet Kosh, Vol I, compiled and edited by Snehasis Chatterjee, Parul Prakashani 2008

5. List of songs & films: Compilation by Jaydeep Chakraborty; Assistance Sanjay Sengupta

+ + +

હેમંત કુમાર જન્મશતાબ્દી નિમિત્તે ૯ અંકોના ૧૬ મણકામાં કરેલ દીર્ઘ લેખમાળા .... મગર હમ તુમ્હારે રહેંગેનું સંકલિત સંસ્કરણ પર ક્લિક કરવાથી વાંચી / ડાઉનલોડ કરી શકાય છે.


Sunday, May 16, 2021

હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ …. મગર હમ તુમ્હારે રહેંગે - અંક ૯ : હેમંત કુમારની કારકિર્દીનાં પોતમાં અનોખી ભાત પાડતા કેટલાક મહત્ત્વના સંબંધોના તાણાવાણા :: હેમંત કુમાર અને તેમના મુખ્ય ગીતકારો તેમ જ અન્ય સંગીતકારો

હેમંતકુમારે તેમની બંગાળી ગીતોની યાત્રામાં જે ગીતકારોનાં ગીતોને સ્વર આપ્યા તેમાં ગૌરીપ્રસન્ન મજુમદાર અને પુલક બંદોપાધ્યાય દ્વારા લગભગ અડધા જેટલાં ગીતો લખાયાં હતાં. હેમંત કુમારે અન્ય સંગીતકારો માટે ગયેલાં ગીતોમાંનાં પણ ૪૦% ગીતો આ બે ગીતકારોએ લખ્યાં હતા. યોગનુયોગ એવો છે કે અહીં પણ આ બન્ને ગીતકારોનો હિસ્સો લગભગ  અડધો અડધો જ રહ્યો. હેમંત કુમારની બંગાળી ફિલ્મ જગતની કારકિર્દીનો આપણે હજુ સુધી જે બહુ જ મર્યાદિત ઇતિહાસ જોયો છે તેમાં પણ આ બે ગીતકારોનાં ગીતોની વધારે હાજરી આ બાબતની દ્યોતક છે. તે ઉપરાંત હેમંત કુમારે રવિન્દ્રનાથ ઠાકુરે લખેલાં ગીતો પણ મોટી સંખ્યાં ગાયાં હતાં. આ સિવાય મુકુલ દત્તાનું નામ પણ આટલા જ મહત્ત્વના ગીતકાર તરીકે ગણી શકાય. રવિન્દ્ર સંગીત અને મુકુલ દત્તનાં મળીને હેમંત કુમારે બીજાં ૨૦% જેટલાં ગીતો ગાયાં હશે.

હેમંત કુમારની કારકિર્દીના પૂર્વાર્ધ  - ૧૯૪૭થી ૧૯૭૦ સુધીમાં ગૌરીપ્રસન્ન મજુમદાર (૧૯૨૪-૧૯૮૬) મુખ્ય ગીતકાર હતા. આ બન્ને એ સાથે સૌ પહેલી વાર ૧૯૪૭ની ફિલ્મ 'પુરબરાગ'માં કામ કર્યું. 'પુરબરાગ' ગૌરીપ્રસન્નની પહેલી અને હેમંત કુમારની બીજી ફિલ્મ હતી.

એઇ દખિન હવા - પુરબરાગ (૧૯૪૬) - બેલા મુખર્જી સાથે 


તે પછી તેમનો સહયોગ વધારે  ઘનિષ્ઠ બન્યો ૧૯૫ની ફિલ્મ 'સૂર્યમુખી' થી.

ઓ બંશિતે ડાકે સે (વાંસળીના સૂરે તે બોલાવે છે)- સૂર્યમુખી (૧૯૫૬)

આડવાત 

આ ધુન હેમંત કુમારે ફરીથી હિંદી ફિલ્મ 'ચંપાકલી'માં પ્રયોજી -

છુપ ગયા કોઈ રે દૂર સે પુકાર કે - ચંપાકલી (૧૯૫૭)- લતા મંગેશકર - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ


પુલક બંદોપાધ્યાય (૧૯૩૧- ૧૯૯૯) હેમંત કુમારના બંગાળી સર્જન કાળના ઉત્તરાર્ધના મુખ્ય ગીતકાર રહ્યા. આ બન્ને સર્જકોએ સૌ પહેલી વાર ૧૯૬૬ની ફિલ્મ 'મોનીહાર'માં સાથે કામ કર્યું.

કે જેનો ગો દેખેચ અમાય - મોનીહાર (૧૯૬૬)


+                      +                      +

હેમંત કુમારે બંગાળી ફિલ્મોમાં ૯૦થી વધારે સંગીતકારો સાથે કામ કર્યું. તેમાંથી નચિકેતા ઘોષ અને રોબિન ચટ્ટોપાધ્યાય ખાસ ઉલ્લેખ માગી લે છે. હેમંત કુમારે અન્ય સંગીતકારો માટે ગાયેલાં ગીતોમાં ૨૦થી ૨૨% ગીતો આ બે સંગીતકારો સ્વરબધ્ધ કર્યાં છે.

રોબિન ચટ્ટોપાધ્યાય માટે હેમંત કુમારે સૌ પ્રથમ વાર ૧૯૪૬ની ફિલ્મ 'સાત નંબર બારી' માટે ગાયું.

ફેલે આસા દિન્ગુલી મોર મોનપરે ગો (મને મારા પાછળના દિવસો યાદ છે) - સાત નંબર બારી (૧૯૪૬) ગીતકાર: પ્રણોબ રોય

હેમંત કુમારે ઉત્તમ કુમાર માટે પણ સૌ પ્રથમ વાર ગાયેલ ગીતો 'સહજાત્રી' (૧૯૬૧) માટે રોબિન ચટ્ટોપાધ્યાયે સંગીતબધ્ધ કરેલ.

ભાલો બશર પારસમણિ કોથે - સહજાત્રી  (૧૯૬૧) – ગીતકાર: શૈલેન રે

બહુખ્યાત હાલરડું હોવા ઉપરાંત એક બહુ  જ શ્રેષ્ઠ રચના તરીકે આ ગીત જાણીતું છે.L

ઘુમ જાય ઓઈ ચાંદ મેઘ કોરીદર સાથી - માયાર સંગસાર (૧૯૬૨) - ગીતકાર: પ્રણોબ રોય


બીજા સંગીતકાર નચિકેતા ઘોષ એક નીવડેલ તબીબ હતા, પરંતુ સંગીત માટેની તેમની અદમ્ય ચાહે તેમને ફિલ્મ સંગીતના ક્ષેત્રમાં લાવી મુક્યા. બંગાળી ફિલ્મોમાં તેમનું પદાર્પણ બંગાળી સિનેમાનાં નવોત્થાન સ્વરૂપ નીવડ્યું. તેમની સૌ પ્રથમ બંગાળી ફિલ્મ 'બૌદિર બોન' (બૌદીની બહેન, ૧૯૫૩) હતી. બંગાળી સિનેમાના સુવર્ણકાળના ખુબ નીવડેલા સંગીતકારોમાં નચિકેતા ઘોષનું સ્થાન આગવું છે. તેમણે ૬૦થી વધારે ફિલ્મોમાં સંગીત આપ્યું. ૫૧ વર્ષની ઉમરે, ૧૯૭૬માં થયેલાં તેમનાં અવસાને તેમની કારકિર્દી ટુંકવી નાખી. હેમંત કુમાર સાથે સૌ પ્રથમવાર તેમણે અસંપત્ત (અધૂરૂં, ૧૯૫૬)માટે ગીત રચ્યાં

કાંદો કેને મોન રે - અસંપત્ત (૧૯૫૬) - સંગીરકાર ગૌરી પ્રસન્ન મજુમદાર

'૫૦ અને '૬૦ના દાયકામાં નચિકેતા ઘોષ- હેમંત કુમાર અને ગૌરી પ્રસન્ન મજુમદારનું સંયોજન સફળતાની સોનાની ચાવી બની રહ્યું. આ ત્રણેય સહયોગીઓ અંગત જીવનમાં પણ એકબીજાથી બહુ જ નજદીક હતા.

કા તવા કાંટા કાસ્તે પુત્રહા - સન્યાસી રાજા (૧૯૭૫) - ગીત આદિ શંકરાચાર્ય સંગીત નચિકેત અઘોષ

આદિ શંકરાચાર્ય રચિત 'ભજ ગોવિંદમ'નું આ બહુ જ પ્રચલિત સ્તવન છે. મૂળ ગીત @૩.૧૦ પર શરૂ થાય છે. પરદા પર તેને ઉત્તમ કુમારે અભિનિત કરેલ છે.


હવે  પછી હેમંત કુમાર અને તેમના દિગ્દર્શકો તેમ જ લતા મંગેશકર સાથેના તેમના બંગાળી સંગીતના સંદર્ભના સંબંધની વાત કરીશું.

+ + +

Acknowledgements & References:

1. Anandadhara (as told by Hemanta Mukhopadhyay) by Abhik Chattopadhyay; Saptarshi Prakashan, Kolkata (2013) - Published earlier by New Bengal Press Pvt. Ltd. 1975

2. Amaar Swami Hemanta: (as told by Bela Mukhopadhyay) by Partha Ghosh; Sahityam, Kolkata, 1999

3. V. Shantaram: The Man Who Changed Indian Cinema by Madhura Pandit Jasraj, Hay House India, 2015

4. Lata Geet Kosh, Vol I, compiled and edited by Snehasis Chatterjee, Parul Prakashani 2008

5. List of songs & films: Compilation by Jaydeep Chakraborty; Assistance Sanjay Sengupta

+ + +
શ્રી એન વેન્કટરામનના સોંગ્સ ઑફ યોર પર પ્રકાશિત મૂળ લેખ, Hemantayan – Part 2નો આંશિક અનુવાદ
શ્રી એન વેન્ક્ટરામનનું વિજાણુ સંપર્ક સરનામું : venkatssa18@gmail.com
સોંગ્સ ઑફ યોર : https://www.songsofyore.com/

Sunday, April 4, 2021

હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ …. મગર હમ તુમ્હારે રહેંગે - અંક ૯ : હેમંત કુમારની કારકિર્દીનાં પોતમાં અનોખી ભાત પાડતા કેટલાક મહત્ત્વના સંબંધોના તાણાવાણા :: ઉત્તમ કુમાર

 એન. વેન્કટરામન

અનુવાદ / સંવર્ધિત સંકલન – અશોક વૈષ્ણવ

પોતાની કારકિર્દીના પાછલા ભાગમાં હેમંત કુમારને જેમની સાથે બહુ કામ કરવાનું થયું એવા પુલક

બંદોપાધ્યા્ય સાથે એક વાર વાતચીત કરતાં હેમંત કુમારે કહ્યું કે, 'વ્યક્તિનાં જીવનમાં, ખાસ કરીને વ્યાવસાયિક જીવનમાં, બે પરિબળો બહુ મહત્ત્વનો ભાગ ભજવતાં હોય છે - યોગ્યતા (વ્યક્તિની ક્ષમતા/ આવડત/ પાત્રતા) અને યોગાયોગ (જોગસંજોગ / સંબંધો). ક્ષમતાની દૃષ્ટિએ કે પાત્રતાની દૃષ્ટિએ, કે પછી યોગ્યતા બાબતે તો હેમંત કુમારના સંદર્ભ આપણે કંઈ વધારે કહેવું પડે તેમ નથી કેમકે હેમંત કુમાર એ બધી દૃષ્ટિએ તો ખરા ઉતરે છે એમાં કોઈ જ બેમત ન હોઈ શકે. પરંતુ હેમંત કુમારની કારકિર્દીમાં તેમની સાથે સંપર્કમાં આવેલ અભિનેતાઓ, દિગ્દર્શકો, ગીતકારો અને એવી અન્ય વ્યક્તિઓ સાથેના સંબંધોની વાત છેડવી એ થોડું કપરૂં કામ કહી શકાય. છેક યુવાન વયથી કરીને જીવનના છેલ્લા શ્વાસ સુધી સક્રિય રહેલા હેમંત કુમારનાં વ્યાવસાયિક જીવનમાં અનેક લોકોએ, સમયે સમયે, નાનોમોટો ભાગ ભજવ્યો હોય એ તો સ્વાભાવિક છે. એ બધા સંબંધો વિશે બબ્બે પંક્તિઓ પણ લખવા બેસીએ તો એક આખું પુસ્તક લખાઈ જાય. એટલે અહીં જેટલા સંબંધો યાદ કર્યા છે તેના કરતાં અનેક વધારે, અને કદાચ અનેક ઘણા વધારે મહત્ત્વની ભૂમિકા પણ  ભજવી હોય એવા, સંબંધોની વાત અહીં ન કરાઈ હોય એવું કદાચ લાગશે. જે સંબંધોની વાત નથી કરી શકાઇ તેમના વિશે ફરી ક્યારેક, વધારે યોગ્ય પ્રસંગે, વધારે ઉપયુક્ત સંદર્ભમાં, વાત કરવાની તક મળશે એમ માનીને આગળ વધીએ.

ફિલ્મ સંગીતના પાર્શ્વગાયક તરીકે જે અભિનેતાના સ્વર તરીકે એ ગાયકની (કે ગાયકના સ્વરથી અભિનેતાની) ઓળખ બની ચુકી હોય તે અભિનેતા અને ગાયકનો વ્યાવસાયિક સંબંધ બહુ જ ખાસ અને આગવો બની રહે એ સ્વાભાવિક છે.  હેમંત કુમારના કિસ્સામાં આવા બે અભિનેતાઓ હતા ઉત્તમ કુમાર અને સૌમિત્ર ચેટર્જી. બંગાળી ફિલ્મ જગતના સુવર્ણ સમયમાં જે તારલાઓનો પ્રકાશ સૌથી વધારે પ્રભાવ પાડતો રહ્યો તેમાં આ બન્ને અભિનેતાઓનું સ્થાન તો સીમાચિહ્નરૂપ ગણાય છે.

ઉત્તમ કુમાર અને હેમંત કુમાર

ઉત્તમ કુમાર (અને સુચિત્રા સેનની જોડી)એ તો '૫૦ના દાયકામાં નવયોવનનો પમરાટ ફેલાવીને બંગાળી

સિનેમા જગતને નવપલ્લવિત કર્યું એમ કહેવું જરા પણ અતિશયોક્તિભર્યું નહીં લાગે. હેમંત કુમાર અને ઉતમ કુમારના સંબંધની શરૂઆત ૧૯૫૧ની ફિલ્મ 'સહજાત્રી'થી થઈ. આ ફિલ્મમાં હેમંત કુમારે રોબિન ચટ્ટોપાધ્યાયનાં સંગીતમાં ઉત્તમ કુમાર માટે બે ગીતો ગાયાં. ઉત્તમ કુમારની કારકિર્દી હજુ નવીસવી ઊગતી જ હતી. તે પછી  ૧૯૫૩માં બનેલી એક નિશ્ચિત સમયકાળને કથાવસ્તુની પાર્શ્વભૂમિકામાં વણી લેતી ’બૌ ઠાકુરાણીર હાટ' માટે હેમંત કુમારે ચાર ગીતો ગાયાં. જોકે આમાંનું એક પણ ગીત ઉત્તમ કુમાર પર નહોતું ફિલ્માવાયું. આ ફિલ્મનો વાર્તાધાર રવિન્દ્રનાથ ઠાકુરે એ જ નામથી લખેલ વાર્તા હતી.'સહજાત્રી' ઉત્તમ કુમારની ચોથી ફિલ્મ હતી. ઉત્તમ કુમારને પોતાનું આગવું સ્થાન મેળવવા માટે તે પછી હજુ બીજી  ચાર ફિલ્મોની રાહ જોવાની હતી. ૧૯૫૨માં રજૂ થયેલી 'બાસુ પરિબાર' (જેના પરથી હિંદીમાં 'હમ હિંદુસ્તાની (૧૯૬૦) બની હતી) ઉત્તમ કુમારની પહેલવહેલી હિટ ફિલ્મ ગણાય છે.

બંગાળી સિનેમામાં ૧૯૫૩નું વર્ષ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. ‘સારે ચૌત્તર’ (સાડી ચુમોતેર)માં ઉત્તમ કુમાર અને સુચિત્રા સેન સૌ પ્રથમ વાર સાથે આવ્યાં અને આવતાંવેંત બંગાળી સિનેમાની 'પ્રથમ જોડી' તરીકે પ્રસ્થાપિત થઈ ગયાં.૧૯૫૪માં ઉત્તમ કુમાર-સુચિત્રા સેનની બીજી છ ફિલ્મો આવી. આ બન્ને સાથે હોય એ ફિલ્મો તો ટંકશાળ પાડતી , પણ બન્ને અલગ અલગ હોય એ ફિલ્મો પણ હવે ભારે સફળ થવા લાગી હતી. ૧૯૫૪માં આ છ ફિલ્મો ઉપરાંત ઉત્તમ કુમારે એકલાએ છ ફિલ્મો કરી તો સુચિત્રા સેનની ત્રણ ફિલ્મો આવી.

૧૯૫૫માં હેમંત કુમારનું પણ બંગાળી સિનેમા જગતમાં ભવ્ય પુનરાગમન થયું. આમ પણ તેમનો આગવો એક ચાહક વર્ગ તો હતો જ. તેમાં વળી હિંદી ફિલ્મોમાં પણ મળેલી સફળતાને કારણે તેમની માંગ હવે વધી ગઈ હતી. ઉત્તમ કુમારની નવી ફિલ્મ 'શાપમોચન' (૧૯૫૫)માટે સંગીત નિદર્શન કરવાનો પ્રસ્તાવ આવતાંવેંત હેમંત કુમારે વધાવી લીધો. 'શાપમોચન' પણ ખુબ સફળ રહી. હેમંત કુમારે ઉત્તમ કુમાર માટે ગાયેલં ચારે ચાર ગીતો પણ બહુ જ લોકપ્રિય થયાં.

શોનો બંધુ શોનો - શાપ મોચન (૧૯૫૫)


'૫૦ના દાયકાના અંત સુધીમાં તો હેમંત કુમારે બંગાળી ફિલ્મ સંગીતમાં મોખરાનું સ્થાન બનાવી લીધું. ૧૯૫૫થી ૧૯૬૦ વચ્ચે તેમણે સંગીતબધ્ધ કરેલ ૨૦ ફિલ્મોમાંથી અગિયાર ફિલ્મોના મુખ્ય અભિનેતા ઉત્તમ કુમાર હતા.

'શાપમોચન ઉપરાંત, હેમંત કુમારે ઉત્તમ કુમાર - સુચિત્રા સેનને ચમકાવતી બે અન્ય ફિલ્મો -હરાનો સુર (૧૯૫૭) અને સુર્યતોરણ (૧૯૫૮) - ફિલ્મોમાં પણ સંગીત આપ્યું. 'સુર્યતોરણ'માં તેમણે ઉત્તમ કુમાર માટે ૪ ગીતો ગાયાં

આજ દુજોનાર દુતી પાથ ઓગો (આજ એમની પાસે બે રસ્તા છે - હારાનો સુર (ગુમ થયેલો સુર) (૧૯૫૭)

તુમી  તો જાનો ના - સૂર્યતોરણ (૧૯૫૮)

આડવાત

સી રામચંદ્ર સાથે હેમંત કુમારને એક અલગ જ સંબંધ બંધાઈ ચુક્યો હતો તે આપણે આ પહેલાનાં લેખાંકોમાં જોઇ ગયાં છીએ. અહીઃ એ સંબંધની આત્મીયતાની પુષ્ટિ સી રામચંદ્ર દ્વારા સંગીતબધ્ધ કરાયેલ, તુમ ક્યા જાનો તુમ્હારી યાદ મેં હમ કિતના રોયે (શીન શીના કી બુબલા બુ , ૧૯૫૨ -  લતા મંગેશકર – ગીતકાર: પી એલ સંતોષી)ની પ્રેરણા પરથી મળે છે.

ઉત્તમ કુમાર ન હોય એવી, 'સૂર્યમુખી', શેષ પરિચય', લુકોચુરી' અને 'બાયીશેર શરબન' - જે ફિલ્મોમાં સંગીત આપ્યું તે પણ બહુ લોકપ્રિય રહ્યું હતું.

૧૯૬૧થી ૧૯૭૦ સુધીમાં ૧૧ અને ૧૯૭૧-૧૯૮૦માં ૬ એમ ૧૯૭૧થી ૧૯૮૦ સુધીમાં હેમંત કુમારે ઉત્તમ કુમાર અભિનીત બીજી ૧૬ ફિલ્મોમાં સંગીત આપ્યું. તેમાંથી ઉત્તમ કુમાર - સુચિત્રા સેન સાથે હોય એવી બે ફિલ્મો સપ્તપદી (૧૯૬૧) અને નબરાગ (૧૯૭૧) હતી.

એઈ પોથ જોડી ના શેષ હોતો તુમી બોલો તો (જો આ રસ્તો પુરો ન થયો હોત તો, તમે જ મને કહો) - સપ્તપદી (૧૯૬૧) - સંધ્યા મુખર્જી સાથે – ગીતકાર: ગૌરીપ્રસન્ન મજુમદાર 

આડવાત

આ ગીત પરથી હેમંત કુમારે 'બીન બાદલ બરસાત (૧૯૬૩)માં એક બાર જરા ફિર કહે દો મુઝે શરમાકે તુમ દીવાના'ની રચના કરી હતી.

૧૯૬૧ની એક બીજી ફિલ્મ હતી દુઈ ભાઈ, જેમાં ઉત્તમ કુમાર સાથે ભાઈ તરીકે બિશ્વજીત હતા

તારે બોલો દેઓ જે આસે ના અમાર દ્વારે (તે કહે છે કે તે દરવાજે આવ્યો નથી ) - દુઈ ભાઈ (૧૯૬૨) – ગીતકાર: ગૌરીપ્રસન્ન મજુમદાર

ઉત્તમ કુમારે અભિનય કરેલ હોય, પણ સંગીત કોઈ અન્ય સંગીતકારનું હોય એવી ફિલ્મોમાં પણ હેમંત કુમારે ૫૫-૬૦ ગીતો ગાયાં છે. તેમાંના બધાં પરદા પર ઉત્તમ કુમારે જ ગાયાં હોય એવું જોકે નથી, કેટલાંક ગીતો બેકગ્રાઉન્ડ ગીતો સ્વરૂપનાં, તો કેટલાંક ગીતો ઉત્તમ કુમારના એ ફિલ્મના સહઅભિનેતા માટે પણ હતાં. નોંધપાત્ર વાત એ છે કે ઉત્તમ કુમાર પર ફિલ્માવયેલાં હેમંત કુમારના સ્વરમાં ગવાયેલાં લગભગ બધાં જ ગીતો ખુબ સફળ રહ્યાં હતાં. તેમ છતાં એમ તો ન જ કહી શકાય કે ઉત્તમ કુમાર માટે હેમંત કુમાર જ એક માત્ર પાર્શ્વગાયક હતા. શ્યામલ મિત્ર, માનબેન્દ્ર મુખર્જી જેવા બીજા ગાયકોએ પણ ઉત્તમ કુમાર માટે પાર્શ્વસ્વર આપ્યો જ હતો. '૭૦ના દાયકામાં મન્નાડે અને અમુક અંશે કિશોર કુમાર ઉત્તમ કુમારના પાર્શ્વસ્વર તરીકે આવી ગયા હતા. તેમ છતાં સામાન્ય છાપ તો એવી જ રહી કે ઉત્તમ કુમારનો પાર્શ્વસ્વર એટલે હેમંત કુમાર.   થોડા ઓછા જાણીતા કહી શકાય એવા સંગીતકારો માટે ઉત્તમ કુમાર માટે હેમંત કુમારે ગાયેલાં બેએક ગીતો સાંભળીએ.

અમી તો જાને (મને તો ખબર છે) - શેષ અંક (૧૯૬૩) - સંગીતકાર પબિત્ર ચેટરજી – ગીતકાર: શ્યામલ ગુપ્તા

'ચેઝ એ ક્રૂકેડ શૅડો' (૧૯૫૮) પરથી પ્રેરિત આ થ્રિલર ફિલ્મમાં ઉત્તમ કુમાર સાથે શર્મીલા ટાગોર, સબિતા ચેટર્જી, ઉત્પલ દત્ત વગેરે હતાં. 'શેષ અંક'નું ૧૯૬૪માં તમિળ સંસ્કરણ 'પુથિયા પરવાઈ' નામે પણ બનેલ છે.

કે જાને કો ઘંટા (કોણ જાણે કેટલા કલાક…) - સોનાર કાંચા (૧૯૭૩) - સંગીતકાર બીરેશ્વર ચેટર્જી – ગીતકાર: પુલક બંદોપાધ્યાય 

'સોનાર કાંચા' કરૂણ રસની એક અનોખી રોમાંટિક ફિલ્મ હતી. ફિલ્મમાં ઉત્તમ કુમાર સાથે અપર્ણા સેન મુખ્ય ભૂમિકામાં હતાં.


હવે પછીના મણકામાં આ અંકનાં હેમંત કુમારની કારકિર્દીનાં બે અન્ય વ્યક્તિત્વો - સૌમિત્ર ચેટર્જી અને બગાળી ગીતોના સંદર્ભમાં લતા મંગેશકર - વિશે વાત કરીશું.

+            +            +

Acknowledgements & References:

1. Anandadhara (as told by Hemanta Mukhopadhyay) by Abhik Chattopadhyay; Saptarshi Prakashan, Kolkata (2013) - Published earlier by New Bengal Press Pvt. Ltd. 1975

2. Amaar Swami Hemanta: (as told by Bela Mukhopadhyay) by Partha Ghosh; Sahityam, Kolkata, 1999

3. V. Shantaram: The Man Who Changed Indian Cinema by Madhura Pandit Jasraj, Hay House India, 2015

4. Lata Geet Kosh, Vol I, compiled and edited by Snehasis Chatterjee, Parul Prakashani 2008

5. List of songs & films: Compilation by Jaydeep Chakraborty; Assistance Sanjay Sengupta


+                   +                   +

  • શ્રી એન વેન્કટરામનના સોંગ્સ ઑફ યોર પર પ્રકાશિત મૂળ લેખ, Hemantayan – Part 2નો આંશિક અનુવાદ
  • શ્રી  એન વેન્ક્ટરામનનું વિજાણુ સંપર્ક સરનામું : venkatssa18@gmail.com
  • સોંગ્સ ઑફ યોર : https://www.songsofyore.com/