Showing posts with label Conversations Over Chai. Show all posts
Showing posts with label Conversations Over Chai. Show all posts

Saturday, November 8, 2014

ફિલ્મી ગીતોમાં પત્રો (૨) - કન્વર્ઝેશન્સ ઑવર ચાય

૧૧ ઑક્ટોબર ૨૦૧૪ના રોજ આપણે ફિલ્મી ગીતોમાં પત્રોનો પૂર્વાર્ધ વાંચીને મમળાવ્યો. આજે હવે આગળ....
ચિઠીયાં હો તો હર કોઇ બાંચે, ભાગ ન બાંચે કોઈ.....સજનવા બૈરી હો ગયે હમાર - તીસરી કસમ (૧૯૬૬) - ગાયકઃ મુકેશ | સંગીતકાર : શંકર જયકિશન | ગીતકાર : શૈલેન્દ્ર
image
પરદેશ વસેલા , સૌતનના ચડાવેલા, સાંવરિયાનો નથી કોઇ સંદેશ કે નથી કોઈ ખબર. આને કારણે ભંવરમાં ડૂબી ચૂકેલી છટપટાતી મમતાની વેદનાની કથની સમા આ ગીતના શબ્દોનો પૂર્વાપર સંબંધ આ ક્લિપની એકદમ શરૂઆતમાં જોવા મળે છે.
નાયિકા હીરાબાઈ તેના 'સાંવરિયા'નો અલવિદાનો સંદેશ વાંચે છે, પણ ગળે નથી ઉતારી શકતી, અને તેમ છતાં તેનાં મનની વેદના "કભી કોઈ અપના નહીં ઈસ જમાનેમેં, ન આશિયાને કે બાહર ન આશિયાને કે અંદર' જેવી પંક્તિઓમાં હોઠ પરથી સરી પડે છે. એ વેદના તેના 'હમસફર' ગાડીવાન હીરામનનાં મોઢેથી આ ગીતનાં સ્વરૂપે પ્રતિબિંબિત થાય છે.
ખત લિખ દે સાંવરીયા કે નામ બાબુ - આયે દિન બહાર કે (૧૯૬૬) - ગાયિકા : આશા ભોસલે | સંગીતકાર : લક્ષ્મીકાન્ત પ્યારેલાલ | ગીતકાર : આનંદ બક્ષી
image

બહારગામ વસતા પ્રિયજનને પ્રિયતમા પોતાની તડપ પહોંચતી કરવા પણ 'ખત'નાં માધ્યમનો સહારો લે અને તેમાં હવે ટપાલી પત્રલેખનનો લહિયો બનવાનો પાઠ પણ નિભાવે એ લોક સંસ્કૃતિ કેટલી રૂઢ હશે એ સમયમાં, કે કૉલેજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં મંચ પર નૃત્યનાટિકા તરીકે ભજવવા માટે પણ પત્રલેખનનો વિષય સિક્કા પડાવે છે.
ફૂલ તુમ્હેં ભેજા હૈ ખતમેં, ફૂલ નહીં મેરા દિલ હૈ - સરસ્વતીચંદ્ર (૧૯૬૮) – ગાયક : લતા મંગેશકર અને મુકેશ | સંગીતકારઃ કલ્યાણજી આણંદજી | ગીતકાર ઈન્દીવર
image

તાજા જ પરિણયના તાંતણે જોડાયાં હોય કે જુગ જુગથી પ્રેમનો પ્રગાઢ સંબંધ હોય, પણ વિરહ એ બે પ્રેમીઓની લાગણીઓને અવનવા સ્વરૂપે અભિવ્યકત કરે જ છે. ગુજરાતીની સીમાચિહ્ન નવલકથા 'સરસ્વતીચંદ્ર' પરથી બનેલી એ જ નામની આ ફિલ્મમાં નાયિકા કુમુદ અને નાયક સરસ્વતીચંદ્રના પ્રણયના નવપલ્લવિત ફૂલને પત્ર દ્વારા મ્હોરતાં કરી મૂકવાની બહુ જ કાવ્યમય રજૂઆત અહીં જોવા/ સાંભળવા મળે છે.
લિખે જો ખત તુઝે વો તેરી યાદમેં સિતારે હો ગયે - કન્યાદાન (૧૯૬૯) ગાયક મોહમ્મદ રફી સંગીતકાર શંકર જયકિશન ગીતકાર નીરજ
image
પ્રેમની યાદમાં લખેલા પત્રો બધાજ રાતના સિતારા અને સવારે ફૂલો બની જાય તેવી છલોછલ ખુશીઓનું ગીત...
આયેગી જરૂર ચિઠ્ઠી - દુલ્હન (૧૯૭૪)- ગાયક : લતા મંગેશકર| સંગીતકાર : લક્ષ્મીકાન્ત પ્યારેલાલ | ગીતકાર આનંદ બક્ષી
image

લગ્નની પહેલી જ રાતે મૂત્યુ પામેલા પતિની યાદથી જેનું દિલ તૂટી ગયું છે પણ આશ નથી છૂટી , તેવી ગામ આખાની તેના માટેની દયા ખાવાની લાગણી ન સમજી શકતી દુલ્હન (?)ની સદા પ્યાસી આંખોમાં કદી ન આવનાર ચિઠ્ઠી જરૂર આવશે તેવો નાસમજ ભોળપણનો આગ્રહ આ ગીતમાં વણી લેવાયો છે.
ડાકિયા ડાક લાયા - પલકોંકી છાઓંમેં (૧૯૭૭) - ગાયકઃ કિશોર કુમાર | સંગીતકાર : લક્ષ્મીકાન્ત પ્યારેલાલ | ગીતકાર : ગુલઝાર
image
અહીં ઘેર ઘેર ટપાલ વહેંચતા અને ગામડાંના લોકોને તેમના પત્ર(ગાઈને) વાંચતા કે લખતા ટપાલીની છબીનું ચિત્રણ છે.

ગામડાનાં નિરક્ષર લોકોની પણ ભાવનાઓનો શબ્દદેહ તો બળૂકો જ હોય ! પોતાના પતિની રાહ જોતી વ્યથિત નારીનો સંદેશ પણ એક ખેપમાં ડાકિયો આ શબ્દોમાં ગાઈ લખી આપે છે - વિરહમાં રાતો કેમ કરીને પસાર કરવી, સાવનની ભીની ભીની ફુહારોમાં પણ વૈમનસ્ય કનડે છે, વરસાદનું ટીપે ટીપું તારી બાંવરીને અગ્નિની જ્વાળાને જેમ સળગાવે છે. આ મૂઈ નોકરી મૂકીને પણ હવે તો તું મારી પાસે જ આવતો રહે....
આ.. આ... ઈ....ઈઈ..માસ્ટરજીકી આયી ચિઠ્ઠી - કિતાબ (૧૯૭૭) - ગાયિકાઓ ઃ પદ્મિની અને શીવાંગી કોલ્હાપુરે | સંગીતકાર રાહુલ દેવ બર્મન | ગીતકાર ગુલઝાર
image

છોકરાંઓની (અપદ્યાગદ્ય) નિર્દોષ તોફાન મસ્તીની ગુલછડીઓની ધીંગામસ્તી...
અને હવે ગેરફિલ્મી પત્રોની કેટલીક વાત..
કાસિદકે આતે આતે તક ખત એક લીખ રખું - મિર્ઝા ગાલિબ (૧૯૮૮ની દૂરદર્શન પર પ્રસારીત થયેલ સીરીયલ) - ગાયક-સંગીતકારઃ જગજીત સિંગ | શાયર : મિર્ઝા ગાલિબ
તેરે ખુશ્બુમેં ડૂબે ખત મૈં જલાતા કૈસે - ગાયક અને સંગીતકાર - જગજીત સિંગ | શાયર : રાજેન્દ્રનાથ રાહબર
'૭૦ના દાયકા પછીની ફિલ્મોમાં પણ 'ખત', 'ચિઠ્ઠી' સમયે સમયે દેખા તો દે છે, પણ તેની વાત આપણી નિર્ધારિત સીમાઓની પેલે પાર છે.....
અને છેલ્લે, પત્ર, ખત વિષય પરની કેટલીક ફિલ્મોઃ
પ્રેમ પત્ર (૧૯૬૨) - નિર્દેશક : બિમલ રૉય | સંગીતકાર : સલીલ ચૌધરી
image
મેડીકલ કૉલેજમાં ભણતા નાયકને નાયિકાએ લખેલા પ્રેમ પત્રની આસપાસ ગુંથાયેલ એક બહુ સંવેશદનશીલ કથાનકવાળી ફિલ્મ ….
આખરી ખત (૧૯૬૬) - નિર્દેશક : ચેતન આનંદ | સંગીતકાર : ખય્યામ
image

મંદિરમાં ગાંધર્વ લગ્ન કરેલ નાયિકા અને નાયક વિધિસર એક નથી થઇ શક્તાં. અલગ થઇ ચૂકેલા નાયકને નાયિકા મળે છે પણ નાયક તેનો સ્વીકાર નથી કરતો. પણ તેમના પ્રેમનું પુષ્પ ધરતી પર અવતરી ચૂકે છે. નાયિકા નાયકને પત્ર લખીને બધી પરિસ્થિતિની જાણ કરે છે...એક સાવ નાના બાળકની આસપાસ ભમતી ફિલ્મનો એક અનોખો જ પ્રયોગ …..
વેલકમ ટુ સજ્જનપુર (૨૦૦૮) - નિર્દેશક : શ્યામ બેનેગલ | સંગીતકાર : શાંતનુ મોઈત્રા
image
પત્ર લેખન એ આ ફિલ્મના યુવાન નાયકની રોજીરોટીની જ કહાની માત્ર નથી ,પણ તેના પ્રેમની પણ વાત છે. ગ્રામ્યજીવનનાં સામાજિક, રાજકીય, કૌટુંબિક અને વ્યક્તિગત સ્તરે પણ ખતના માહાત્મ્યની પણ આ ફિલ્મ છે.
આશા કરીએ કે આ લેખ વાંચીને આપણને પત્રલેખનની ચાહત ફરીથી જાગશે...કંઇ નહીં તો સ-રસ મજાની કોમેન્ટ્સ તો લખતા રહેવાની મજા માણવાની અને મણાવવાની તો તલપ જાગશે જ...





"કન્વર્ઝેશન્સ ઑવર ચાય " પરના લેખોના અનુવાદ 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત કરવાની, બહુ પ્રોત્સાહક, સંમતિ આપવા બદલ 'ફિલ્મ સંગીતની સફર'ની સંકલન સમિતિ સુશ્રી અનુરાધા વૉરીયરનો હાર્દિક આભાર માને છે.

વેગુ પર પ્રકાશિત કર્યા તારીખ : ૮ નવેમ્બર, ૨૦૧૪

Saturday, October 11, 2014

ફિલ્મી ગીતોમાં પત્રો (૧) - કન્વર્ઝેશન્સ ઑવર ચાય


એક સમય હતો જ્યારે માધ્યમિક શાળા કક્ષા સુધીનાં ભાષાનાં પ્રશ્નપત્રોમાં વિધવિધ વિષયો પર પત્રલેખન એ બહુ મહત્ત્વનો પ્રશ્ન હતો. તેને કારણે કેટલીયે પેઢીઓને પત્ર લખવાનું શાસ્ત્રીય જ્ઞાન મળ્યું હશે, જેને લોકોએ પોતાનાં મિત્રો, પ્રેમીજનો, વ્યાવહારિક કારકીર્દીમાં લખેલા પત્રો દ્વારા એક કળા તરીકે પણ વિકસાવ્યું. પત્રોના સંકલન પરથી કેટલાંય બેનમૂન પુસ્તકોએ 'પત્રલેખન'ને સાહિત્યના એક મહત્ત્વના પાસા તરીકે બહુ જ આગવો દરજ્જો પણ અપાવ્યો છે.

પૉસ્ટ કાર્ડ, આંતર્દેશીય પત્રો કે નોટબુકોમાંથી ફાડેલાં પાનાંઓથી માંડીને ખૂબ જ કળાત્મક રીતે બનાવાયેલ કાગળો પર ઘસડી મારવાથી માંડીને મોતીના દાણા જેવા અક્ષરોમાં, ખાસ સમય લઇને પત્ર લખવા બેસવું તે એ પત્રોને વાંચવા જેવો જ એક લ્હાવો હતો. દરરોજ એ પત્રો માટે ટપાલીની કાગ ડોળે રાહ જોવી એ પણ એક સમયની સંસ્કૃતિનું એટલું જ રસપ્રદ પાસું પણ હતું.

ઇન્ટરનેટને કારણે ઘણા ફાયદાઓ તો થયા પણ, બહુ પ્રચલિત થયેલ કારણે પત્ર લેખન / વાંચન અને આપલે એ ભૂતકાળની ગર્તાઓમાં અશ્મિભૂત થઇ ચુક્યું છે. તેમાં વળી હવે મોબાઈલ ટેક્નોલોજીએ ટુંકા સંદેશાઓની જે લત લગાડી છે, તેણે તો 'હા'ને બદલે 'હ'થી કેમ કામ લેવું તેની એક નવી જ સંદેશા વ્યવહાર પદ્ધતિ અને શબ્દકોષમાં તેના માટેના પારિભાષિક શબ્દોની એક માતબર શ્રેણી વિકસાવી દીધી છે.

પત્ર લેખનની આ મીઠી યાદ વાગોળવાનું કારણ એ કે ફિલ્મી ગીતોમાં પણ પત્રોની આગવી ભુમિકાને ઉજાગર કરતાં કેટલાંક યાદગાર ગીતોની આજે વાત કરવી છે.

અફસાના લીખ રહી હૂં દિલ-એ-બેકરારકા - દર્દ (૧૯૪૭)- ગાયિકાઃ ઉમા દેવી | સંગીતકાર : નૌશાદ |ગીતકાર : શકીલ બદાયુનીimage
ઉમા દેવીએ આના સિવાય કોઈ બીજું ગીત ન ગાયું હોત તો પણ તેમનું નામ ફિલ્મ સંગીતની પરોઢની પાર્શ્વગાયિકાઓમાં પ્રથમ હરોળમાં રહ્યું હોત તે વિષે કોઇ શંકા ન હોઈ શકે.

અને તેમાં વળી પત્ર લખવા માટે સદાબહાર એવો પ્રિયજનના ઈતઝારનો વિષય મળે, પછી કંઈ પૂછવાપણું થોડું રહે !

ભગવાન તુઝે મૈં ખત લિખતા પર તેરા પતા માલૂમ નહીં - મનચલા (૧૯૫૩) - ગાયક અને સંગીતકાર : ચિત્રગુપ્ત | ગીતકાર : રાજા મહેંદી અલી ખાન

ઈશ્વર માટે ફરિયાદોની યાદી લાંબી તો ઘણી છે, પણ તે કહેવા માટે ખત લખવો હોય તો ક્યાં લખવો…….

દિલકી શિકાયત નઝર કે શીકવે - ચાંદની ચૌક (૧૯૫૪) - ગાયિકા લતા મંગેશકર | સંગીતકારઃ રોશન | ગીતકાર શૈલેન્દ્રimage
મૃત્યુ પામેલા મનાતા પતિના ઊડતા ઊડતા ખબર મળ્યાથી નાયિકાનાં દિલમાં પહેલી વાર જ ખુશીની લહેર દોડી ગઈ છે. પત્રમાંનાં તેનાં અરમાનો, સપનાંઓ, તેની નાની નાની શિકાયતોને, ખતમાં જ્યાં આંસુનું ટીપું દેખાય ત્યાં મારો પ્રેમ નજર સામે કરજે અને થોડું લખ્યું ઝાઝું સમજજે; છૂપ્યાં છુપાય નહીં અને કહ્યાં કહેવાય નહી એવાં યુવાન થઇ ચૂકેલાં દરદ જેવા, માત્ર તેનો પતિ જ સમજી શકે તેવા, ભાવ આ પત્રમાંથી છલકે છે.

તેરા ખત લે કે સનમ, પાંવ કહીં રખતે હૈ હમ - અર્ધાંગિની (૧૯૫૯) - ગાયિકા લતા મંગેશકર | સંગીતઃ વસંત દેસાઇ | ગીત લેખક : મજરૂહ સુલ્તાનપુરીimage

ટપાલીની સાઇકલની ઘંટડી વાગતાં જ મનમાં આપણી અપેક્ષાઓની વાગી ઊઠતી ઘંટડીઓના રણઝણાટને આ ગીત વાચા આપે છે. પ્રિયજનના પત્રમાં શું શું લખ્યું હશે તેની કલ્પનાઓને કારણે હવે તો પગલાં પણ અહીં રાખવાં છે પણ પેલી બાજુ પડવા લાગ્યાં છે. પત્રમાં શું લખ્યું છે તે જાણવાની ઉત્સુકતાને કારણે વધી ઉઠેલી હૃદયની ધડકનો અને આમતેમ ફરકતી નજરને શાંત રાખવા હૈયું બિચારું કેટલાય પ્રયાસો કરીને બે ઘડી હોશમાં આવવા મથી રહ્યું છે.

પય્યામ-એ-ઈશ્ક-ઓ-મુહબ્બત હમેં પસંદ નહીં - બાબર (૧૯૬૦) ગાયિકા - સુધા મલ્હોત્રા સંગીતકાર : રોશન ગીતકાર : સાહિર લુધ્યાનવી

image મુગલ સલ્તનતના પાદશાહ બાબરનો શાહજાદો હુમાયું બાબરની દાસી મિરઝા સાહિબની બેટી હમીદા બાનુ સાથે ગળાડૂબ પ્રેમમાં છે. સામાન્ય લોકોમાં સમજ પણ વધારે ઝડપથી ઘડાઇ જતી હોય છે એ ન્યાયે હમીદા સમજે છે કે તખ્ત અને મોહબ્બતની લડાઈમાં મોહબ્બતો હંમેશાં શહીદ જ થતી આવી છે. બસ, 'હુઝૂર યે ઈનાયત હમેં પસંદ નહીં' જેવા શબ્દોમાં વાસ્તવિકતાની એ સમજના ભાવ એ આ પત્રમાં ઠાલવે છે.

તુમ એક બાર મુહબ્બતકા ઈમ્તિહાન તો લો - બાબર (૧૯૬૦) - ગાયક : મોહમ્મદ રફી | સંગીતકાર : રોશન ગીતકાર : સાહિર લુધ્યાનવી

image આની પહેલાંના ગીતના સંદેશના જવાબમાં દિલનાં ઊંડાણમાંથી ઊઠેલી એક ટીસ છે આ ગીતમાં - આજે મારી જાન તને કુરબાન કરું ,તો જ તને ઐતબાર થશે કે ઝિંદગીમાં તારાથી વધારે મને કશું જ નથી. ચાલો, એમ તો એમ; મારી ચાહતની એક પરીક્ષાની તક તો મને આપ !

દુનિયાની સમજદારીની થપ્પડો ખાઈને ગમે તેટલું દિલ બુઠ્ઠું થઇ ગયું હોય તો પણ મોહમ્મદ રફીના અવાજમાં રહેલ માર્દવની કસકભરી દિલકશ આજીજીઓના પ્રવાહમાં પીગળ્યે જ છૂટકો છે...

ઓ નિર્દયી પ્રીતમ..પ્રણય જગાકે...હૃદય ચુરાકે ચુપ હુએ ક્યોં તુમ - સ્ત્રી (૧૯૬૧) - ગાયિકા : લતા મંગેશકર | સંગીતકાર સી. રામચંદ્ર | ગીતકાર : ભરત વ્યાસ image
પ્રણય જગાડી હૃદય ચોરી કરીને ચુપ થઈ ગયેલા પ્રીતમ દુષ્યંતને વિરહિણી શકુંતલા સમજાવે છે કે તારી સાથે જે જે પ્રેમનાં મધુરાં રૂપ દેખાતાં હતાં તે બધાં જ રૂપકોની પીડા તને નિર્દયી તરીકે સંબોધન કરવા સુધી મજબૂર કરી ચૂકી છે.

યે મેરા પ્રેમ પર પઢકર, કે તુમ નારાઝ ના હોના, કે તુમ મેરી ઝીંદગી હો કે તુમ મેરી બંદગી હો - સંગમ (૧૯૬૪) - ગાયક : મોહમ્મદ રફી | સંગીતકારઃ શંકર જયકિશન | ગીતકાર: હસરત જયપુરી

ફિલ્મી ગીતોમાં પ્રેમની અભિવ્યક્તિ માટેની ખુબજ કળાત્મક રજૂઆત માટે આ ગીત નમૂનારૂપ ગણાય છે.

image સિતારના રૂમઝૂમતા સૂર પ્રેમપત્રથી ઝણઝણી ઊઠતી લાગણીઓને લગભગ સો એક વાયોલિન અને પિયાનાઓની સંગતથી બાગ બાગ કરી આપતું પ્રીલ્યુડનું સંગીત અને છેક છેલ્લે નાયિકાનું એ પત્રરૂપે લતા મંગેશકરના અવાજમાં ગણગણવું, ક્લિપના અંત ભાગમાં ફિલ્મનાં અંતિમ દૃશ્યમાં ગંગા-જમુનાના સંગમ પર મિત્રનાં અસ્થિ વિસર્જન કરતી વખતે 'તુમ નારાઝ ના હોના' સ્વરનું ફાની વિદાયની કરૂણાથી ભરી દેવું, રાજ કપુરનાં 'શ્રેષ્ઠ શૉમેન'ના બિરુદને એક વધારે વાર બિરદાવી રહે છે.

ઉન્હે કિસ્સા-એ-ગમ લીખને બૈઠે તો - નયા કાનુન (૧૯૬૫) - ગાયિકાઃ આશા ભોસલે | સંગીતકાર : મદન મોહન | ગીતકાર હસરત જયપુરી

image ચિઠ્ઠી લખવા માટેની વેદના કહેવા બેઠાં તો દિલની કલમ મુરઝાઇ ગઇ, હવે આંસુઓમાં છુપાએલાં તોફાનોને સમજાવવાં તો સમજાવવાં કેમ કરીને....

પત્ર વાંચવાની એક ખાસિયત એ છે કે લાંબો હોય કે ટુંકો તેને વારંવાર વાંચવાની મજ કંઇક ઑર જ હોય. જો કે આપણે તો લેખને સુવાચ્ય બનાવી રાખવા માટે આપણી પત્રલેખનની આ સફરમાં અહીં 'મધ્યાંતર' વિરામ પાડીએ છીએ.
પત્ર લેખનની આપણી સફર ૮ નવેમ્બર, ૨૦૧૪ના રોજ આગળ ચલાવીશું.....






વેગુ પર પ્રકાશિત કર્યા તારીખ : ૧૧ ઑક્ટોબર, ૨૦૧૪