Saturday, November 8, 2014

ફિલ્મી ગીતોમાં પત્રો (૨) - કન્વર્ઝેશન્સ ઑવર ચાય

૧૧ ઑક્ટોબર ૨૦૧૪ના રોજ આપણે ફિલ્મી ગીતોમાં પત્રોનો પૂર્વાર્ધ વાંચીને મમળાવ્યો. આજે હવે આગળ....
ચિઠીયાં હો તો હર કોઇ બાંચે, ભાગ ન બાંચે કોઈ.....સજનવા બૈરી હો ગયે હમાર - તીસરી કસમ (૧૯૬૬) - ગાયકઃ મુકેશ | સંગીતકાર : શંકર જયકિશન | ગીતકાર : શૈલેન્દ્ર
image
પરદેશ વસેલા , સૌતનના ચડાવેલા, સાંવરિયાનો નથી કોઇ સંદેશ કે નથી કોઈ ખબર. આને કારણે ભંવરમાં ડૂબી ચૂકેલી છટપટાતી મમતાની વેદનાની કથની સમા આ ગીતના શબ્દોનો પૂર્વાપર સંબંધ આ ક્લિપની એકદમ શરૂઆતમાં જોવા મળે છે.
નાયિકા હીરાબાઈ તેના 'સાંવરિયા'નો અલવિદાનો સંદેશ વાંચે છે, પણ ગળે નથી ઉતારી શકતી, અને તેમ છતાં તેનાં મનની વેદના "કભી કોઈ અપના નહીં ઈસ જમાનેમેં, ન આશિયાને કે બાહર ન આશિયાને કે અંદર' જેવી પંક્તિઓમાં હોઠ પરથી સરી પડે છે. એ વેદના તેના 'હમસફર' ગાડીવાન હીરામનનાં મોઢેથી આ ગીતનાં સ્વરૂપે પ્રતિબિંબિત થાય છે.
ખત લિખ દે સાંવરીયા કે નામ બાબુ - આયે દિન બહાર કે (૧૯૬૬) - ગાયિકા : આશા ભોસલે | સંગીતકાર : લક્ષ્મીકાન્ત પ્યારેલાલ | ગીતકાર : આનંદ બક્ષી
image

બહારગામ વસતા પ્રિયજનને પ્રિયતમા પોતાની તડપ પહોંચતી કરવા પણ 'ખત'નાં માધ્યમનો સહારો લે અને તેમાં હવે ટપાલી પત્રલેખનનો લહિયો બનવાનો પાઠ પણ નિભાવે એ લોક સંસ્કૃતિ કેટલી રૂઢ હશે એ સમયમાં, કે કૉલેજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં મંચ પર નૃત્યનાટિકા તરીકે ભજવવા માટે પણ પત્રલેખનનો વિષય સિક્કા પડાવે છે.
ફૂલ તુમ્હેં ભેજા હૈ ખતમેં, ફૂલ નહીં મેરા દિલ હૈ - સરસ્વતીચંદ્ર (૧૯૬૮) – ગાયક : લતા મંગેશકર અને મુકેશ | સંગીતકારઃ કલ્યાણજી આણંદજી | ગીતકાર ઈન્દીવર
image

તાજા જ પરિણયના તાંતણે જોડાયાં હોય કે જુગ જુગથી પ્રેમનો પ્રગાઢ સંબંધ હોય, પણ વિરહ એ બે પ્રેમીઓની લાગણીઓને અવનવા સ્વરૂપે અભિવ્યકત કરે જ છે. ગુજરાતીની સીમાચિહ્ન નવલકથા 'સરસ્વતીચંદ્ર' પરથી બનેલી એ જ નામની આ ફિલ્મમાં નાયિકા કુમુદ અને નાયક સરસ્વતીચંદ્રના પ્રણયના નવપલ્લવિત ફૂલને પત્ર દ્વારા મ્હોરતાં કરી મૂકવાની બહુ જ કાવ્યમય રજૂઆત અહીં જોવા/ સાંભળવા મળે છે.
લિખે જો ખત તુઝે વો તેરી યાદમેં સિતારે હો ગયે - કન્યાદાન (૧૯૬૯) ગાયક મોહમ્મદ રફી સંગીતકાર શંકર જયકિશન ગીતકાર નીરજ
image
પ્રેમની યાદમાં લખેલા પત્રો બધાજ રાતના સિતારા અને સવારે ફૂલો બની જાય તેવી છલોછલ ખુશીઓનું ગીત...
આયેગી જરૂર ચિઠ્ઠી - દુલ્હન (૧૯૭૪)- ગાયક : લતા મંગેશકર| સંગીતકાર : લક્ષ્મીકાન્ત પ્યારેલાલ | ગીતકાર આનંદ બક્ષી
image

લગ્નની પહેલી જ રાતે મૂત્યુ પામેલા પતિની યાદથી જેનું દિલ તૂટી ગયું છે પણ આશ નથી છૂટી , તેવી ગામ આખાની તેના માટેની દયા ખાવાની લાગણી ન સમજી શકતી દુલ્હન (?)ની સદા પ્યાસી આંખોમાં કદી ન આવનાર ચિઠ્ઠી જરૂર આવશે તેવો નાસમજ ભોળપણનો આગ્રહ આ ગીતમાં વણી લેવાયો છે.
ડાકિયા ડાક લાયા - પલકોંકી છાઓંમેં (૧૯૭૭) - ગાયકઃ કિશોર કુમાર | સંગીતકાર : લક્ષ્મીકાન્ત પ્યારેલાલ | ગીતકાર : ગુલઝાર
image
અહીં ઘેર ઘેર ટપાલ વહેંચતા અને ગામડાંના લોકોને તેમના પત્ર(ગાઈને) વાંચતા કે લખતા ટપાલીની છબીનું ચિત્રણ છે.

ગામડાનાં નિરક્ષર લોકોની પણ ભાવનાઓનો શબ્દદેહ તો બળૂકો જ હોય ! પોતાના પતિની રાહ જોતી વ્યથિત નારીનો સંદેશ પણ એક ખેપમાં ડાકિયો આ શબ્દોમાં ગાઈ લખી આપે છે - વિરહમાં રાતો કેમ કરીને પસાર કરવી, સાવનની ભીની ભીની ફુહારોમાં પણ વૈમનસ્ય કનડે છે, વરસાદનું ટીપે ટીપું તારી બાંવરીને અગ્નિની જ્વાળાને જેમ સળગાવે છે. આ મૂઈ નોકરી મૂકીને પણ હવે તો તું મારી પાસે જ આવતો રહે....
આ.. આ... ઈ....ઈઈ..માસ્ટરજીકી આયી ચિઠ્ઠી - કિતાબ (૧૯૭૭) - ગાયિકાઓ ઃ પદ્મિની અને શીવાંગી કોલ્હાપુરે | સંગીતકાર રાહુલ દેવ બર્મન | ગીતકાર ગુલઝાર
image

છોકરાંઓની (અપદ્યાગદ્ય) નિર્દોષ તોફાન મસ્તીની ગુલછડીઓની ધીંગામસ્તી...
અને હવે ગેરફિલ્મી પત્રોની કેટલીક વાત..
કાસિદકે આતે આતે તક ખત એક લીખ રખું - મિર્ઝા ગાલિબ (૧૯૮૮ની દૂરદર્શન પર પ્રસારીત થયેલ સીરીયલ) - ગાયક-સંગીતકારઃ જગજીત સિંગ | શાયર : મિર્ઝા ગાલિબ
તેરે ખુશ્બુમેં ડૂબે ખત મૈં જલાતા કૈસે - ગાયક અને સંગીતકાર - જગજીત સિંગ | શાયર : રાજેન્દ્રનાથ રાહબર
'૭૦ના દાયકા પછીની ફિલ્મોમાં પણ 'ખત', 'ચિઠ્ઠી' સમયે સમયે દેખા તો દે છે, પણ તેની વાત આપણી નિર્ધારિત સીમાઓની પેલે પાર છે.....
અને છેલ્લે, પત્ર, ખત વિષય પરની કેટલીક ફિલ્મોઃ
પ્રેમ પત્ર (૧૯૬૨) - નિર્દેશક : બિમલ રૉય | સંગીતકાર : સલીલ ચૌધરી
image
મેડીકલ કૉલેજમાં ભણતા નાયકને નાયિકાએ લખેલા પ્રેમ પત્રની આસપાસ ગુંથાયેલ એક બહુ સંવેશદનશીલ કથાનકવાળી ફિલ્મ ….
આખરી ખત (૧૯૬૬) - નિર્દેશક : ચેતન આનંદ | સંગીતકાર : ખય્યામ
image

મંદિરમાં ગાંધર્વ લગ્ન કરેલ નાયિકા અને નાયક વિધિસર એક નથી થઇ શક્તાં. અલગ થઇ ચૂકેલા નાયકને નાયિકા મળે છે પણ નાયક તેનો સ્વીકાર નથી કરતો. પણ તેમના પ્રેમનું પુષ્પ ધરતી પર અવતરી ચૂકે છે. નાયિકા નાયકને પત્ર લખીને બધી પરિસ્થિતિની જાણ કરે છે...એક સાવ નાના બાળકની આસપાસ ભમતી ફિલ્મનો એક અનોખો જ પ્રયોગ …..
વેલકમ ટુ સજ્જનપુર (૨૦૦૮) - નિર્દેશક : શ્યામ બેનેગલ | સંગીતકાર : શાંતનુ મોઈત્રા
image
પત્ર લેખન એ આ ફિલ્મના યુવાન નાયકની રોજીરોટીની જ કહાની માત્ર નથી ,પણ તેના પ્રેમની પણ વાત છે. ગ્રામ્યજીવનનાં સામાજિક, રાજકીય, કૌટુંબિક અને વ્યક્તિગત સ્તરે પણ ખતના માહાત્મ્યની પણ આ ફિલ્મ છે.
આશા કરીએ કે આ લેખ વાંચીને આપણને પત્રલેખનની ચાહત ફરીથી જાગશે...કંઇ નહીં તો સ-રસ મજાની કોમેન્ટ્સ તો લખતા રહેવાની મજા માણવાની અને મણાવવાની તો તલપ જાગશે જ...





"કન્વર્ઝેશન્સ ઑવર ચાય " પરના લેખોના અનુવાદ 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત કરવાની, બહુ પ્રોત્સાહક, સંમતિ આપવા બદલ 'ફિલ્મ સંગીતની સફર'ની સંકલન સમિતિ સુશ્રી અનુરાધા વૉરીયરનો હાર્દિક આભાર માને છે.

વેગુ પર પ્રકાશિત કર્યા તારીખ : ૮ નવેમ્બર, ૨૦૧૪

No comments: