Monday, November 3, 2014

કલમ કાંતે કચ્છ : ગ્રંથ -૪ : દરિયાની આંખે આંસુ

શ્રી કીર્તિ ખત્રીના 'કચ્છમિત્ર' સાથેના કાર્યકાળના લેખો પરથી શ્રી માણેકલાલ પટેલ દ્વારા સંપાદિત 'કલમ કાંતે કચ્છ'પુસ્તક શ્રેણીના ૪થા પુસ્તક "દરિયાની આંખે આંસુ"ની વાત આજે કરીશું.

સંપાદન કરતી વખતે લેખક અને સંપાદકે દરેક પુસ્તકના વિષયને બહુ જ સબળ શીર્ષકની મદદથી સ્પષ્ટ કર્યો છે.

કચ્છનો કાંઠો એક સમયે દાણચોરો માટે સ્વર્ગ મનાતો. ભૌગોલિક, ઐતિહાસિક અને રાજકીય કારણોસર કચ્છના દરિયા કિનારાનો સીમાડો દુર્ગમ અને જટિલ રહ્યો છે.તેમ છતાં (અથવા કદાચ, તેને કારણે)દાણચોરીની પ્રવૃત્તિનાં પરિમાણો સમગ્ર રાષ્ટ્રની સલામતી સુધી પોતાનો પ્રભાવ ફેલાવતાં રહ્યાં છે. કીર્તિભાઇની કલમ દેશવિરોધી પ્રવૃત્તિઓની સામે જેહાદ, જાસૂસીની ચકચાર અને આપણી જે તે સમયની સરકારોને જાગતા રહેવાની આલબેલ પોકારતી રહી છે.

દરેક પુસ્તકની શરૂઆતમાં કીર્તિભાઇ સાથે સંપર્કમાં આવેલ વ્યક્તિઓ તેમજ 'કચ્છમિત્ર'ના તેમના સહકાર્યકરોના લેખ મુકાયા છે. સમગ્ર શ્રેણીમાં જે કેટલાંક પુસ્તકોમાં આ લેખો વિષય પ્રવેશકની બહુ જ અસરકારક ભૂમિકામાં રજૂ થયા છે, તેમાંનું એક આ પુસ્તક 'દરિયાની આંખે આંસુ' છે.

પહેલા પ્રવેશક લેખ 'આદર્શ તંત્રીની સાકાર કલ્પના'(પૃ. ૧૩-૧૭)માં ગુજરાતી એબીપી ન્યૂઝના બ્યૂરૉ ચીફ શ્રી બ્રીજેશકુમાર સિંહ કીર્તિભાઇ સાથેના કેટલાક યાદગાર પ્રવાસોને યાદ કરે છે. તે પૈકી જખૌથી સાંઘી સિમેન્ટ એકમ સુધીના દરિયાઇ માર્ગે કરાયેલા પ્રવાસનાં વર્ણનમાં કીર્તિભાઇના કચ્છને સ્પર્શતા અનેક વિષયોના એનસાઇક્લોપીડિક વ્યાપનો, અને એ જ્ઞાન મેળવવા માટે જાતે જ સ્થળો પર જઇને પ્રશ્નોની વિગતોને અલગ અલગ બાજુએથી સમજવાની તેમની ચીવટ અને જહેમતનો ચિતાર વાચક સમક્ષ તાદૃશ થઇ રહે છે.

આ એક પ્રવાસ ઉપરાંત શ્રી બ્રિજેશકુમાર સિંહે આ પુસ્તકને સ્પર્શતા અન્ય મુદ્દાઓની પણ દાદ પણ એક સમકાલીન વ્યાવસાયિકની નજરે લીધેલ છે.ઉદાહરણ તરીકે એક જ ટાંક બહુ થઇ રહેશે :'ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ દશક કરતાં પણ વધુ સમયથી વિવાદોનું કારણ રહેલા ૬૮ કિલોમીટરના નાળાનું સાચું નામ "સિરક્રીક"......અહીં મોટા પ્રમાણમાં મળી આવતી 'સિરિ' નામની માછલીને કારણે પડ્યું (છે)....કોઇ બ્રિટિશકાલીન 'સર'ને કારણે નહીં'

[પરિચયકર્તાની નોંધઃ આવી જાણકારીનું મહત્ત્વ સમજવું હોય તો 'સિર ક્રિક' 'કોરી ક્રીક' કે 'હરામી નાળા' જેવા શબ્દોની ઇન્ટરનેટ પર ખોજ કરી જોવી જોઇએ, જેથી આ વિષયો પર માહિતી વિષેના સ્રોત કેટલા મર્યાદિત છે, અને જે કંઇ માહિતી મળે તે કેટલી અપૂરતી અને અછડતી હોઇ શકે છે તેનો સાચો અંદાજ આવે!]

'કીર્તિભાઈનાં લખાણો સંખ્યાબંધ પત્રકારો માટે પાઠ્યપુસ્તક જેવાં બની રહ્યાં છે'(પૃ. ૧૮ -૨૬)માં કચ્છમિત્રના મદદનીશ તંત્રી નિખિલ પંડ્યા “સરહદી સલામતી વિષય..(પર)..કીર્તિભાઇએ અત્યાર સુધી આપેલાં યોગદાનની વાત કોઇ ફિલ્મના કથાનક જેવી રસપ્રદ” ગણે છે. તેમણે કીર્તિભાઇના આ વિષયો પરના ઊંડાણભર્યા અહેવાલ અને તે માટેની મહેનત અને દિલધડક પ્રવાસોના "ભારે રોમાંચ” અહીં વર્ણવ્યા છે.

પુસ્તકમાં આવરી લેવાયેલા વિષયોની વાત માંડતાં પહેલાં કીર્તિભાઇ પત્રકારત્વનાં હાર્દની સાથે સાથે દેશહિત અને એવા અન્ય વિરોધાભાસી દૃષ્ટિકોણ વચ્ચે સંતુલન કેમ જાળવતા રહ્યા તે સમજી શકાય તેવા એક કિસ્સાનો શ્રી નિખિલ પંડ્યાએ એમના લેખના અંતમાં કરેલો ઉલ્લેખ (પૃ. ૨૬)અહીં અસ્થાને નહીં ગણાયઃ 'પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ‘જીયે સિંધ’ ચળવળ ચાલતી હતી તે અરસામાં કોટેશ્વરની જેટી પર એક નૌકામાં અમુક લોકો ઊતર્યા અને બસમાં બેસીને જતા રહ્યા... આ શંકાનું પગેરું દાબવામાં આવતાં વળતો જવાબ આવ્યો કે કોટેશ્વરની જેટી પર ઊતરેલા શખ્શો ‘જીયે સિંધ’ ચળવળ સાથે સંકળાયેલા હતા અને તાલીમ લેવા આવ્યા હતા. કોઇ પણ અખબાર માટે કે પત્રકાર માટે આ આંતરરાષ્ટ્રીય મહત્ત્વના સમાચાર હતા. શંકાને સમર્થન આપનાર અધિકારીની, દેશહિતમાં એ સમાચાર ન છાપવાની ભારપૂર્વકની વિનંતિને કીર્તિભાઇએ પ્રાધાન્ય આપ્યું હતું.'

'દરિયાની આંખે આંસુ'માં કુલ ૪૭ લેખોમાં ૧૯૮૫થી છેક ૨૦૧૩ના સમયખંડને આવરી લેવાયો છે.

૧૯૮૫ અને ૧૯૮૭ના સમયના લેખોનાં 'કચ્છની નધણિયાતી દરિયાઈ સીમાઓ' (પૃ.૫૦થી ૫૮), ‘જખૌ નજીક નાપાક ચાંચિયાગીરી : ઊંડા કાવતરાંનો પ્રથમ અંક?’ (પૃ. ૩૭-૪૪) કે 'કચ્છના દાણચોરો દ્વારા એક કાંકરે ત્રણ પક્ષી મારવા પ્રયાસ?' (પ્રુ.૬૦-૬૨) શીર્ષકો જ સમગ્ર વિષયના ફલકને નજર સમક્ષ કરી આપે છે. લેખની વિગતો પ્રશ્નોની તત્કાલીન તાસીર સમજવામાં પડદા પાછળ, અને પડદા પર ભજવાતા, ઘટનાપ્રવાહોની સમજ આપવામાં મદદરૂપ થાય છે.

૧૯૯૩ના લેખ 'મરદ દોસ્ત 'લાલ ટોપી'ને સો સો સલામ' (પૃ. ૮૬-૮૯)માં એક તરફ '૮૦ના દાયકાનાં શરૂઆતનાં ચાર પાંચ વર્ષોમાં કસ્ટમ ખાતાના જિંદાદિલ, નિષ્ઠાવાન અધિકારીઓએ દાણચોરોને તોબા પોકરાવી દીધી હોવાનું બયાન છે. એ જ લેખમાં બીજી બાજુએ, જેને ૧૯૮૭માં રાષ્ટ્રપતિનો એવૉર્ડ પણ મળી ચૂક્યો તેવા કસ્ટમના એક અધિકારી એલ. ડી. અરોડાની હત્યા ૧૯૯૩માં જ શા માટે કરાઇ છે તેનાં સંભવિત કારણોમાં 'કોણ જાણે કેટલાયે મહાનુભાવોના પગમાં રેલા લાવી દે' જેવા બેધડક ઉલ્લેખ પુસ્તકના શીર્ષકમાં 'આંસુ'ના મહત્ત્વને સ્પષ્ટ કરી આપે છે.

૧૯૯૪ના લેખ 'ચરસ પ્રકરણના સૂચિતાર્થો' (પ્રુ. ૯૦-૯૧)માં કીર્તિભાઇ નાર્કો-ટેરરિઝમના છેડા કચ્છ સુધી લંબાતા જોઈ શકે છે. તે જ રીતે ૧૯૯૬ના લેખ 'કચ્છમાં વધુ એક નાપાક જાલીનોટ કૌભાંડ' (પૃ. ૯૨-૯૪)માં 'એકના એક ઇસમ વારંવાર કેમ પકડાય છે', 'અગાઉ નોટ ભારતમાં છપાયેલી હતી, જ્યારે હાલના કિસ્સામાં નોટો પાકિસ્તાનથી આવેલી છે અને ત્યાં જ છપાઇ છે' જેવાં સૂચક નિરીક્ષણોની મદદથી, આ પ્રકારના કિસ્સાઓમાં બંને પક્ષોની મોડસ ઑપરેન્ડીના વિગતવાર વર્ણન સાથે તેનાં લેખાંજોખાંની પણ ચર્ચા જોવા મળે છે.

૧૯૯૯ના લેખ 'કારગિલની ભાવનાને ઝારાની લાગણીમાં પલટાવીએ' (પૃ.૧૦૭-૧૦૯) જેવાં શીર્ષકોમાં તત્કાલીન ઘટનાઓ અને પ્રખ્યાત પાત્રોને મૂકવાથી લેખ તરફ આકર્ષણ તો જન્મે જ છે, પણ તે સાથે લેખ વાંચ્યા પછી તેનો સંદેશ પણ વાચકના દિમાગમાંથી દિલ સુધી અસર કરી જાય છે. જેમ કે, "જાસૂસી વિમાનને અબડાસા પાસે ફૂંકી મારવાની ઘટનાથી કચ્છની ક્રીકની સીમાઓ સમાચાર માધ્યમોમાં ચમકતી થઇ ગઇ હતી. તે કારણે પાકિસ્તાનમાં પેદા થયેલી લાગણીઓના ઊભરાને શાંત કરવા ઘુસણખોર ટુકડીઓને કચ્છની દરિયાઈ સરહદ વાટે ઘુસાડવાની પેરવીઓ થઇ હતી. એમાંના મોટા ભાગના તો દેખાવ અને ભાષાને કારણે જુદા તરી આવે તેથી કદાચ પોલીસ કે અન્ય સલામતી દળો માટે તેમને શોધી કાઢવામાં ખાસ વાંધો ન આવે...પણ રણકાંધીઓ કે સંવેદનશીલ દરિયાકાંઠાની પટ્ટીએ બેઠેલી પ્રજાની એ ફરજ છે કે કોઈ વિદેશી તત્ત્વ નજરે ચડે તો તરત જ તેને ખુલ્લો પડે.'

૧૯૯૯ના બીજા એક લેખ 'જો જો સિરક્રીક બીજું છાડબેટ ન બને !' (પૃ.૧૩૦-૧૩૬)માં 'નધણિયાતી સીમાઓ પર ઘુસી આવીને અડ્ડો જમાવી દીધા પછી વિવાદ ઊભો કરવાની..ખંધી અને નફ્ફટ મોડસ ઓપરેન્ડી' વિષે આલબેલ પોકારતાંની સાથે ૨૦૦૪ની સાલ સુધીમાં ખંડીય છાજલી બાબતના દાવા યુનો સમક્ષ નોંધાવી દેવા, એ વિષેના જે તે સમયની કચ્છની રાજાશાહી સરકાર અને સિંધ (મુંબઇ સરકાર) વચ્ચેના કરાર જેવા પ્રશ્નનાં વિવિધ ઐતિહાસિક પાસાંઓની બહુ જ વિગતે છણાવટ પણ રજૂ કરાઇ છે. આ વિસ્તાર પર પાકિસ્તાનનો ડોળો માત્ર ઘુસણખોરી કે ત્રાસવાદને દાખલ કરવાની બારી જેટલો જ મર્યાદિત ન હોઇને એ વિસ્તારમાંના તેલ અને ગેસના ભંડારો જેવી કુદરતી સંપત્તિ પર પણ કબજો દબાવવાની દાનત હોવાની શકયતા વિષે પણ લેખક પોતાની ચિંતા વ્યક્ત કરે છે.

તે પછીના સમયને સ્પર્શતા લેખો - ક્રીક સીમાએ તરતી ચોકી (૨૦૦૨), ક્રીક સીમાએ આક્ર્મક બોટ (૨૦૦૫), સિરક્રીક વિવાદના જળમાં એક વધુ નાપાક પથરો (૨૦૧૨), કચ્છી 'હરામી નાલો' સીલ કરે જ છૂટકો (૨૦૦૧), શારકામમાં ખચકાટ શાને? (૨૦૦૪)-માં આ વિષયની સમયોચિત ચર્ચાનો દૌર ચાલુ જ રહે છે. તેમાં પુસ્તકના અંતમાં આવેલા બે લેખ ખાસ ધ્યાન ખેંચે છેઃ

('કચ્છમિત્ર'ના વિશેષાંક 'સાઠ વરસનાં સંભારણાં) ૨૦૦૮ના લેખ 'દાણચોરોની સ્વર્ગભૂમિઃ સોનાચાંદીથી આર.ડી.એક્સ.'માં ૧૯૫૦થી ૨૦૦૮નાં વર્ષનો, દાણચોરી, શસ્ત્રો, ઘુસણખોરી અને જાસૂસી એવા પેટા વિભાગોમાં, (કચ્છના દરિયા સીમાડાઓથી ચાલતી) દેશ વિરોધી પ્રવૃતિઓનો ઘટનાક્રમનું દસ્તાવેજીકરણ આ પુસ્તકના મૂલ્યને અનેકગણું વધારી નાખે છે.

તે જ રીતે ૨૦૧૩ના, પુસ્તકના છેલ્લા લેખ – ‘સાવધાન, સોનાની દાણચોરી ફરી શરૂ થઈ ચૂકી છે’ -માં જાણે આંખમાં આંસુ સાથે લેખક પોતાનાં દિલનાં દર્દને આ રીતે વાચા આપે છે :'૧૯૯૨માં સુવર્ણ અંકુશ ધારો રદ્દ થતાં કચ્છથી કેરળ સુધીના વિસ્તારોમાં બંધ થયેલી સોનાની દાણચોરી હાલમાં સોનાની આયાત પરની ડ્યૂટી ૧ ટકાથી વધારીને ક્રમશઃ ૬ ટકાની કરી દેવાતાં...દાણચોરી શરૂ થઇ ગઇ હોવાનો એકરાર કસ્ટમ અને ડી.આર.આઈ. સત્તાવાળાઓ કરી રહ્યા છે....ભૂતકાળની જેમ ફરી મોટા પાયે સંગઠિત..દાણચોરીનો દૌર શરૂ થશે તો રોગ કરતાં ઈલાજ વધારે ખતરનાક બની જશે...આખરે આવી જ દાણચોરીના નેટવર્કનો ઉપયોગ ભારત સામે આતંક ફેલાવવામાં થયો હતો ..એ યાદ ..(કરવું)…એ સમયનો તકાદો છે.'

દરિયાઇ સીમાડે થતી રહેતી દેશવિરોધી પ્રવૃત્તિઓનનાં વિવિધ પાસાંઓની ચર્ચા વચ્ચે '-ને હવે ભુજના જેલ સત્તાવાળાઓનું વલણ વિવાદ સર્જે છે'’ (૧૯૮૭), 'ભુજમાં જેલફોડીનું નાપાક કાવતરું’(૧૯૯૨), ‘જોઈન્ટ ઈન્ટરોગેશન સેન્ટરમાંથી સંદિગ્ધ ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરતા ઈસમોનું નાસી છૂટવું’ (૨૦૦૨),'છ પાકિસ્તાની ભાગી જતાં પોલીસને માથે કલંક' (૨૦૦૮), 'શંકાની સોય કસ્ટમ તરફ' (૧૯૯૪), ‘કોસ્ટ ગાર્ડ શંકાના વમળમાં' (૨૦૦૭), 'કસ્ટમ કચેરી કે દારૂહાટ ?'(૨૦૦૭)જેવા લેખોમાં કૂડા સાથે વસવાને કારણે સરકારનાં વિવિધ તંત્રોમાં પેસી જતા કોહવાટના પાસની આડ અસર માટે ચિંતાની લાગણીનો સૂર જોવા મળે છે.

કચ્છની દરિયાઇ સીમાઓની વાત કરતાં પુસ્તકમાં આપણે અત્યાર સુધી જોયા તેવા જ વિષયો સ્વાભાવિકપણે લગભગ બધી જ જગ્યા રોકી લે તેમ માની લેવાય. પણ કચ્છના દરિયા સાથે કચ્છના ઐતિહાસિક, સામાજિક અને આર્થિક જન જીવનને સ્પર્શતાં બે અન્ય પાસાંઓની વાત કર્યા વગર કચ્છના દરિયાની સમસ્યાઓ પરનું કોઇ પણ પુસ્તક અધૂરું તો રહે જ.

એમાંનું એક પાસું છે માછીમારી. અહીં પણ 'નાના માછીમારોની સમસ્યા' (૧૯૯૭),'પગડિયા માછીમારોનો પ્રશ્ન'(૨૦૦૦),'માછીમારો માટે 'કોમન' ફિશિંગ ઝોન' (૨૦૦૪) અને 'જાનના જોખમે માછીમારી’ (૨૦૦૫)એ ચાર લેખોમાં આ બાબતનો અછડતો કહી શકાય તેવો ઉલ્લેખ છે.

એટલો જ બીજો મહત્ત્વનો મુદ્દો છે કચ્છના દરિયાકાંઠેથી (એક સમયે તો બહુ જ નોંધ પાત્ર કક્ષાએ) થતા આંતરરાષ્ટ્રીય અને આંતર્દેશીય પરિવહન અને વેપારનો, તેમ જ તેની સાથે સંકળાયેલ કચ્છનાં બંદરોઅનેકચ્છના વહાણ બાંધવાના ઉદ્યોગની સમસ્યાઓનો. અહીં આ બાબતની વાત કરતા 'માંડવી બંદરની દુર્દશા!' (૧૯૯૯), માંડવીમાં જહાજનિર્માણ યુનિવર્સિટી (૨૦૦૫) અને 'મુંદરા બંદર પરનું જોખમ' (૨૦૦૨) એવા ત્રણ જ લેખ જોવા મળે છે.

એમ માનીએ કે કીર્તિભાઇના ૩૦૦૦થી વધુ લેખોમાંથી જે લેખો આ પુસ્તકોમાં નથી સમાવી શકાયા તેમાં આ વિષયો પરના લેખો હશે અને ભવિષ્યમાં તેમનાં મહત્ત્વને અનુરૂપ અલગ પુસ્તક સ્વરૂપે આપણી સમક્ષ આવશે. અથવા તો આ પ્રશ્નોએ આ પુસ્તકોના સમયખંડમાં કચ્છના સમાચારોમાં જ બહુ દેખા ન દીધી હોય, એટલે કીર્તિભાઇને તેમના પર બહુ લેખો કરવાનો મોકો જ ન મળ્યો હોય !

એટલે જ, કદાચ, "કચ્છમિત્ર"ના તંત્રીપદે રહીને ૩૩ વર્ષની .. પ્રજાલક્ષી પત્રકારત્વની કારકિર્દી પછી નિવૃત્ત થયા બાદ' લખાયેલા, અને દરેક પુસ્તકના પ્રારંભમાં મુકાયેલા, કીર્તિભાઇના લેખનું શીર્ષક છે :"કચ્છની કેટલીયે લાક્ષણિકતાઓ હજુ આપણે પિછાણી શક્યા નથી."......!!!???


કલમ કાંતે કચ્છ : ગ્રંથ -૪: દરિયાની આંખે આંસુ
લેખકઃ કીર્તિ ખત્રી
શ્રી કીર્તિ ખત્રીનું ઇ-સરનામું : kirtikhatri@hotmail.com
સંપાદક : માણેકલાલ પટેલ || પ્રથમ આવૃત્તિ : જૂન ૨૦૧૪
પ્રકાશક :
ગોરધન પટેલ 'કવિ;
વિવેકગ્રામ પ્રકાશન
શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ,
નાગલપુર રોડ, માંડવી (ક્ચ્છ), ગુજરાત
મુખ્ય વિક્રેતા :
રંગદ્વાર પ્રકાશન,
જી-૧૫ / યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબનાં પગલાં પાસે,
નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯
ઇ-મેલ સરનામું:rangdwar.prakashan@gmail.com

વેબ ગુર્જરી પર  October 22, 2014ના રોજ પ્રકાશિત થયેલ.
Post a Comment