સાવ ટુંકમાં જ સુધીર દંડનાયકની મારે ઓળખાણ આપવી હોય તો આટલું જ પુરતું બની રહે. દેખીતી રીતે,
સહકર્મી તરીકે અમારો સંબંધ કદાચ ઔપચારિક સ્તરની સપાટીથી વધારે ઊંડો ગયો હોય એમ ન કહી શકાય. પરંતુ એક વ્યક્તિ તરીકે મારે જ્યારે જ્યારે તેમની મદદની જરૂર પડી હશે ત્યારે ત્યારે ત્યારે, ભૌતિક રીતે સાથે હોય કે ન હોય, પણ સુધીર હંમેશાં મારી પાસે જ રહ્યા છે.સુધીર અને મેં અમારી કારકિર્દીઓ લગભગ સાથે જ શરૂ કરી હતી. નિકાસ પ્રબંધનના અનુસ્નાતક અભ્યાસક્રમ પછી સુધીર ગુજરાત સ્ટીલ ટુબ્સ લિ., અમદાવાદ,ના નિકાસ વિભાગમાં જોડાયા. તે સમયે મારી ભૂમિકા ત્યાં કંપનીના વેલ્ડેડ સ્ટેનલેસ સ્ટીલ પાઈપ્સ અને ટ્યુબ્સનાં ઉત્પાદન માટેના એકડાથી શરૂઆત થતા હોય એવા સર્વ પ્રથમ પ્રકલ્પને સાકાર કરવાની હતી. આમ એક જ ઑફિસમાં કામ કરતાં હોવા છતાં અમારો પરિચય વધે તેવા દેખીતા કોઈ સંજોગો જ નહોતા. જોકે પ્રંબધનનાં પદ્ધતિસરનાં ઔપચારિક શિક્ષણ ધરાવતા બે નવશિખાઉ વ્યાવસાયિકો વચ્ચે જે પ્રકારની સાહજિક 'બંધુત્વ' ભાવના વિકસે એ અમારા વચ્ચે જરૂર વિકસી શકી હતી.
બેએક વર્ષ પછી 'વ્યાપાર નિકાસ ગૃહ' તરીકેનો દરજ્જો મેળવવા માટે કંપનીએ પોતાનાં ઉત્પાદનો સિવાય અન્ય કંપનીઓના અન્ય ઉત્પાદનોને નિકાસ કરવા નક્કી કર્યુ> એ માટેના પુરવઠાકારો વિકસાવવાનું કામ મને સોંપાયું, અને સુધીરને એ નિકાસ વિકસાવવાની ભૂમિકા મળી. કંપનીએ આ પહેલને આગળ ન વધારવી એમ નક્કી થયું એ પહેલાંના કેટલાક મહિનાઓમાં અમને બન્નેને સાથે રહીને કામ કરવાની તક મળી. એટલા ટુંકા ગાળામાં પણ સુધીરનાં વ્યક્તિત્વનાં અનોઃખાં પાસાંને કારણે માત્ર એક જ સ્થળે કામ કરતા બે નવશિખાઉઓ કરતાં અમારો સંબંધમાં અનૌપચારિકતાની વણકહી વણદેખાતી કળી વિકસી ચુકી હતી.
એકાદ દાયકા પછી, નિયતિએ અમને બન્નેને ફરીથી એક જ કંપની - રત્નમણિ પાઈપ્સ એન્ડ ટ્યુબ્સ લિ.,માં સાથે કામ કરવાની તક પુરી પડી આપી સુધીરની ભૂમિકા અંહીં પણ સ્ટેનલીસ સ્ટીલ પાઈપ્સ અને ટ્યુબ્સનાં નિકાસનો વિકાસ કરવાની હતી. અને ત્યારે મારી કાર્યભૂમિકા કંપનીની અન્ય ઉત્પાદન શ્રેણીનાં પ્રબંધનની હતી. જોકે નિયતિ અમને સાથે કામ કરાવવા જ માગતી હશે એટલે મને સ્ટેનલેસ સ્ટીલ વિભાગની ઉત્પાદન કામગીરીનું પ્રબંધન કરવાનું સોંપાયું.
એ સમયગાળામાં મને સુધીરનાં જે પાસાંની મારી કાયમની ઓળખ છે તે નજદીકથી અનુભવવાની મને તક મળી. પરંપરાગત કાર્યશૈલીઓની સંસ્કૃતિના પ્રતાપે જે પ્રકારની પેદાશો માટે તેમને નિકાસનાં બજાર વિકસાવવા હતાં તે માટે આવશ્યક સોનીની બારીક દૃષ્ટિની મનોભાવનાને સાથે સાથે પાગરવા જેવી ઉત્પાદન ટીમની અમારી જાડી નજરની લુહારી મનોભાવનામાં જગ્યા બની જ નહીં. તેમનો અને અમારો દૃષ્ટિકોણ આમનેસામને વહી રહેલા એક જ નદીમાંના બે પ્રવાહો જેવા જ રહ્યા. પરિણામે, બહુ ઘણા પ્રસંગોએ અમે તેમની અપેક્ષાએ નહોતા જ પહોંચી શકતા. આવા મૂળમાંથી અલગ પડતા બે સહકર્મીઓ વચ્ચે અનૌપચારિકતાની ઉષ્મા માટે કોઈ અવકાશ તો ન જ હોય પણ મોટા ભાગે કાયમ માટેનું અમુક અંતર પડી જાય એવું જ બનતું રહ્યું છે. પરંતુ અમારા સંબંધમાં એવું આંતર ક્યારે પણ ન પડ્યું એ માટેનું શ્રેય માત્ર અને માત્ર ગમે તેવા વિપરિત સંજોગોમાં પણ સ્વસ્થ રહી શકવાનાં સુધીરનાં વ્યક્તિત્વનાં અનોખાં પાસાંને જ આપવું ઘટે.
મારા અંગત કિસ્સામાં તો એવા કેટલાય પ્રસંગો બન્યા કે જેમાં વિષમ સંજોગો એમને બરાબરનો જક્ડી લીધો હોય. એવી પરિસ્થિતિઓમાં એમને સીધી રીતે કંઈ જ લાગે વળગે તેમ ન હોવા છતાં તેમનો ક્યારેક અપ્રત્યક્ષ તો ક્યારેક સીધો જ એવો સધિયારો મને મળી રહેતો કે એ પરિસ્થિતિ વચ્ચે, ગહન શાંતિ અને નવા જ ઉમંગ સાથે ધીરજ પૂર્વક નવી દિશા શોધવાની તાકાત મને મળી જતી.
રત્નમણિ છોડ્યા બાદ વ્યાવસાયિક કે અંગત કક્ષાએ અમે બહુ મળી નથી શકયા. પરંતુ જ્યારે જ્યારે ગુંચવણ પેદા કરતી પરિસ્થિતિઓનો સામનો કરવાનો આવ્યો હતો ત્યારે તેમની વિચારસરણીની યાદ દ્વારા મને એ તોફાનોને પાર કરી જવાની હામ મળી જ રહેતી.
સાવ યોગાનુયોગ તો જ નહીં હોય કે તેમની અવસાનનોંધમાં મુકાયેલી તેમની તસ્વીર- જે આ લેખની શરૂઆતમાં મેં મુકી છે -માં તેમના કપાળ પર જવાબદારીઓની જે સળોનો આભાસ થાય છે તેની સાથે તેમનાં હોઠ પર આશા, સ્વસ્થતા અને શાંતિને ઉજાગર કરતાં સ્મિતની હળવી રેખાઓ અછાની નથી રહેતી.
જે રીતે વણમાગ્યા સુધીર આપણી આસપાસ જ છે એવી
અનુભૂતિ અનુભવતા આપણા જેવા સુધીર દંડનાયકના સંબંધોનાં બાહ્ય વર્તુળના 'મિત્રો'ને તો
એવી એ વિચારે કદાચ ધરપત મળી રહે કે તેમને આ જન્મ તેમના સંપર્કમાં આવતાં દરેક
લોકોને મનની શાંતિ, સ્વસ્થતા અને પોતાના
વિચારો માટેની નિષ્ઠા કેળવવાની શક્તિ મળે એ કામ કરવા માટે જ મળ્યો હતો અને સમય
થતાં તેમની એ ભુમિકાને 'પેલા
અદૃષ્ય દિગ્દર્શકે' સંકેલી લીધી. પરંતુ એ
જ વ્યક્તિત્વના આમ અચાનક જ અવિનાશની સફરે જતાં રહેવાને કારણે તેમનાં અંગત
કુટુંબીજનો માટે જે અવકાશ સરજાયો હશે તે
પુરવો તો કદાચ અસંભવ જ ગણી શકાય. કે પછી કદાચ તેમની અપ્રત્યક્ષ હાજરી વડે
બીજાંઓમાં આશા અને હામ પુરી કરી શકવાની અનોખી લાક્ષણિકતા કદાચ એ અશક્યને સમયની
સાથે શક્ય બનાવી પણ આપે ! મારી તો એ જ નમ્ર અને હાર્દિક પ્રાર્થના છે…….