Showing posts with label Cartoon point of view. Show all posts
Showing posts with label Cartoon point of view. Show all posts

Sunday, March 15, 2020

વ્યંગ્ય નજરે - નાણાકીય વર્ષનો અંત


ભારતના પરંપરાગત વેપારી વર્ગ વિક્ર્મ સંવતની આખરી અમાસ, દિવાળી,ને દિવસે તેમના હિસાબી ચોપડામાં વર્ષ પૂરૂં કરતા. તે સમયે બધાં ખાતાંઓની લેતી દેતીની ચુકવણી કરીને બીજા દિવસથી નવાં વર્ષનાં 'ચોખ્ખાં' ખાતાંઓથી વેપારનું નવું વર્ષ શરૂ થતું. નવાં વર્ષ માટેના ચોપડાઓનું દિવાળીને રાતે પરંપરાગત વિધિઓથી પૂજન કરાતું. અંગ્રેજ રાજયમાં સરકાર બ્રિટનની પરંપરા મુજબ કરવેરાઓની આકારણી માટે ૩૧ માર્ચના દિવસે પૂરાં થયેલાં વર્ષનો હિસાબ ગણતી. એટલે મોટા ભાગની લિમિટેડ કંપનીઓએ પોતાનાં હિસાબી વર્ષ ૩૧ માર્ચે પૂરાં કરવાનો રસ્તો પકડ્યો.
આમ ધીરે ધીરે ૩૧ માર્ચના દિવસે હિસાબી વર્ષ પૂરૂં કરવાનું ચલણ રૂઢ બની ગયું. હિસાબી વર્ષ પૂરૂં થવાને કારણે તેની સાથે સંબંધિત લોકો તો તે માટેની તડામારા તૈયારીઓ કરતાં થઈ જ ગયાં, પણ તેની સાથે જે જે લોકોને તેમનાં લક્ષ્યાંકો પણ પૂરાં કરવાનાં હોય એ લોકો પણ રાતના ઉજાગરાઓ ખેંચવા ચાનાસ્તાની જ્યાફતો માણતાં માણતાં પોતાનાં કામ પૂરા કરવામાં વ્યસ્ત થવા લાગ્યાં.
વિવિધ પ્રવૃત્તિઓથી ધમધમતી આ ઘટના વ્યગ્ય ચિત્રકારની નજરે ન ચડે તે તો શક્ય જ નથી !કંઇ કહેતાં કંઈ ભાતનાં વ્યંગ્ય ચિત્રોનાં સર્જન માટે નાણાકીય વર્ષાન્ત પણ ઈંધણ પૂરૂં પાડતો રહ્યો છે. આપણે અહીં બહુ થોડાં, પ્રતિનિધિ વ્યંગ્ય ચિત્રો દ્વારા નાણાકીય વર્ષાન્તની પ્રવૃત્તિઓ પર સરસરી નજર કરીશું.
નાણાકીય વર્ષાન્ત નજદીકા આવતાંની સાથે લોકોની વ્યસ્તતામાં જે રઘવાટભરી દોડાદોડ મચી જાય છે તેને બિનય સિંહા બહુ સચોટપણે દર્શાવે છે. 
 +     +     +      +     +
નાણાંકીય વર્ષનાં લક્ષ્યાકો પૂરાં કરવામાં કાળા માથાનાં માનવીઓ જ નહીં પણ દેવો અને દેવદૂતો પણ બાકાત નથી રહેતા

 અને તે વાત અન્ય કામગીરીઓ સાથે સંકળાયેલા દેવોને પણ તેટલી જ લાગુ પડે,

+     +     +      +     +
એક મોટું કામ હોય છે વર્ષાન્તે વણવપરાયેલ નાણાકીય જોગવાઈઓને વાપરી નાખવાનું, જેથી આવતાં વર્ષની જોગવાઈઓને જાળવી શકાય

+     +     +      +     +
એક વર્ગ એવો પણ છે જે કરબચત માટેનાં રોકાણો પણ છેલ્લી ઘડીએ કરવાનું કરે છે. કોઈ વાર તેમાં જો અણધાર્યા વાંધા પડે તો બધી ગણતરીઓ જોખમાઈ શકે છે. ઈકોનોમિક ટાઈમ્સના પ્રીતિ મોતીઆણી આ વિશે ધ્યાન દોરે છે . લેખની સાથે નીચે મુજબનું ચિત્ર લેખને વધારે ધ્યાનાક્ર્ષક કરવામાં મદદરૂપ બને છે.
+     +     +      +     +
જે લોકો બે છેડા ભેગા કરવા એ છેડે પહોંચીને જાગે છે તેના માટે વેધક સંદેશ ફ્રેંક અને અર્નેસ્ટ આ વ્યંગ્યચિત્રમાં રજૂ કરે છે.  
 Frank and Ernest by Bob Thaves Tom Thaves (2007-10-26) Image #19154
+     +     +      +     +
આંકડાઓ બજેટના હોય કે નાણાકીય પરિણામોનાં હોય, તેને પડકારવાનો સૌથી સહેલો માર્ગ લોકો તેની ચોકસાઈને પડકારવાનો લેતાં હોય છે. આ પરિસ્થિતિઓનો એક સચોટ ઉપાય ડિલ્બર્ટનાં આ કાર્ટુનમાં બતાવાયો છે.

+     +     +      +     +
નાણાકીય આંકડાઓથી નીપજતાં ચિત્ર તો બહુધા બીહામણાં જ નીવડવાની શકયતાઓ રહેતી હોય છે. કાચાપોચાં હૃદયનાં લોકોએ તેના મટે ટેવ પાડવા હોરર ફિલ્મો જોવાનો અભ્યાસ કરવો જોઈએ !
                                                   By Andy Anderson
+     +     +      +     +
નાણાકીય અહેવલો વિશે આવા સંવાદો તમારે ઘેર સાંભળવાની પણ હવે તૈયારી રાખવી પડશે !

 એનો એક ઉપાય તો અહીં બતાવ્યો છે -

જો કોઈ કારી ન ફાવે તો આંકડાઓને રચનાત્મક ઢબે રજૂ કરવાનું કૌશલ્ય મેળવવાના તાલીમ વર્ગો પણ હવે શરૂ થશે !! –

એ કામગીરીમાં કેટલી સફળતા મળી તેનું એક સૂચક આ રહ્યું –
+     +     +      +     +
માર્ચના મંતના કામોનાં આપણા ભાગે આવેલાં કામો પર ધ્યાન આપવનું શરૂ કરતાં પહેલાં કેટલાક અલગ અલગ પડતા દૃષ્ટિકોણ પર નજર કરી લઈએ -
હિસાબકિતાબ સાથે સંકળાયેલાં લોકોનો દૃષ્ટિકોણ
Created by psayer
અને બીજાં બધાં લોકોનો દૃષ્ટિકોણ
                                      Created by Zach2602825
+     +     +      +     +
તમારૂં શું કહેવું છે?
અત્યારે સમય નથી એમ ને. કંઈ વાંધો નહીં, માર્ચ પૂરો થાય એટલે શ્વાસ હેઠો બેસે પછી જણાવજો. 
ત્યાં સુધી તમને હેરાન નહીં કરીએ, બસ…
પરંતુ જ્યારે જ્યારે બહુ તાણ અનુભવાય ત્યારે આ, અને આવાં અન્ય, વ્યંગ્ય ચિત્રો વડે એ તાણ હળવી કરવાનું ચૂકશો નહીં.
ફરી મળીએ, ત્યાં સુધી….આભાર….
Disclaimer:
The cartoons in this post have been taken from net purely for non-commercial purpose with due credits to cartoonists as far as possible. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.

Sunday, October 27, 2019

ISO સંચાલન તંત્રવ્યવસ્થા પ્રમાણિકીકરણ સ્ટાન્ડર્ડ્સ : વ્યંગ્ય નજરે [૨]


૧૫-૧૦-૨૦૧૯ના અંકમાં ISO સંચાલન તંત્રવ્યવસ્થા પ્રમાણિકીકરણ સ્ટાન્ડર્ડ્સના સંદર્ભમાં વાત કરતાં આપણે વિશ્વ સ્ટાન્ડરડ્સ દિવસની ઉજવણીની વાત પણ કરી હતી. તેના ભાગ રુએ દર વર્ષે એક પ્રતિયોગિતા પણ યોજવામાં આવે છે જેમાં એ વર્ષનાં થીમને અનુરૂપ સૌથી વધારે અસરકારક વિડીયોને સન્માનવામાં આવે છે.
વર્ષ ૨૦૧૯ માટે આ માન ઈરાનના મોહમ્મદ ખોદાદાદીને જાય છે. તેમણે સંવર્ધિત વાસ્તવિકતા ટેક્ન્લોલોજિનો ઉપયોગ શિક્ષણના ક્ષેત્રમાં કેમ કરી શકાય તે દર્શાવ્યું છે. તેમણે બનાવેલ વિડીયોમાં તબીબી શાખાનાં વિદ્યાર્થીને ખુલ્લાં હૃદય વિશે સમજવામાં સંવર્ધિત વાસ્તવિકત કેમ ઉપયોગી બનાવી શકાય તે દર્શાવ્યું છે.

હવે, કેટલાંક અન્ય વ્યંગ્ય ચિત્રોને માણીએ
ઈજિપ્તના ગંજાવર પિરામીડ જોઈને સૌથી પહેલો સવાલ એ થાય કે એ શી રીતે બાંધ્યા હશે?’ પણ અહીં પિરામિડ બાંધનારા કહે છે, પિરામિડ બનાવવા કરતાં અઘરું હતું આઈ.એસ.ઓ. પ્રમાણપત્ર મેળવવું. પ્રમાણિકીકરણની પ્રક્રિયા ખરેખર આટલી મુશ્કેલ છે કે નહીં તે મહત્ત્વનું નથી, પણ એક વર્ગની માન્યતા આ રહી છે એ હકીકત છે.

આ કાર્ટૂન શૉન મેકૉલીગ/Shaun McCallig નું છે.
****
ISO પ્રમાણિકીકરણ હકીકતમાં સાધન છે, જે આ પડકારો ઝીલવા માટે પધ્ધતિસરનો, સાતત્ત્યપૂર્ણ માર્ગ બતાવે છે. પણ તેને સાધ્ય માનીને વ્યાપાર-ઉદ્યોગના બધા પડકારોની સામે તેને ધરી દેવાથી હલ નથી નીકળવાના ! આટલી સાદી વાતને ન સમજવાવાળો વર્ગ પણ છે. અહીં એ વર્ગને માટે સંદેશ છે.


પી.કે./PK નામના આ કાર્ટૂનિસ્ટ વિશે વિશેષ જાણકારી ઉપલબ્ધ નથી.
****
વ્યાપાર-ઉદ્યોગનાં ઝડપથી બદલાતાં પરિબળોની અનિશ્ચિતતાથી ટેવાયેલો વ્યાવસાયિક દરેક પ્રસ્તાવમાં જો અને તોની છટકબારીઓની સલામતી એટલી હદે શોધતો થઈ ગયો છે કે લગ્નના પ્રસ્તાવ જેવી અંગત બાબતમાં પણ તે એને ટાળી નથી શકતો.

****
નવા નિયમનને કારણે સંસ્થાના દસ્તાવેજીકરણમાં થતા થોકબંધ ફેરફારો પર અહીં કટાક્ષ છે.

****

પ્રમાણિકીકરણ ઑડીટમાં આવશ્યકતાની પૂર્તિ ન થઈ હોય એવા વધારેમાં વધારે કિસ્સા ટાંકી શકો તો જ તમે સારૂં ઑડીટ કર્યું ગણાય. વ્યાવસાયિકોના એક વર્ગની આવી માન્યતા પર અહીં કટાક્ષ કરાયો છે.

****
પ્રમાણિકીકરણ ઓડીટ ભલે કોઈ પ્રક્રિયા આધારિત હોય, છતાં માનવ સહજ અહં નજરે પડતો જ હોય છે ! સાહેબ અહીં સાહેબ જ રહે છે.



****
ISO  સ્ટાન્ડર્ડ્સ સાથે સંકળાયેલાં પ્રમાણિકીકરણ, અમલીકરણ અને ઑડીટ જેવાં વિવિધ વ્યાવસાયિક ક્ષેત્રોની દુનિયાનાં વ્યંગ્યચિત્રો દ્વારા આ ક્ષેત્રોની ગતિવિધિઓની મુશ્કેલીઓ અને આનંદોનો વાંચનારને અંદાજ આવ્યો હશે એવી આશા સાથે 'માનકોના માનભંગને આટલેથી અટકાવીએ.

Monday, October 14, 2019

ISO સંચાલન તંત્રવ્યવસ્થા પ્રમાણિકીકરણ સ્ટાન્ડર્ડ્સ : વ્યંગ્ય નજરે [૧]


તેના વ્યાપક અર્થમાં, માનક (સ્ટાન્ડર્ડ) એ સંબંધિત હિતધારકો વચ્ચે આપસી સહમતિથી નક્કી થયેલ ધોરણ, પ્રણાલિ કે આવશ્યકતાઓનું એક સ્વીકૃત સ્વરૂપ છે. બીજા શબ્દોમાં કહીએ તો, કાંઇ પણ શી રીતે કરવું તેના સર્વસ્વીકૃત માપદંડને આપણે સ્ટાન્ડર્ડ તરીકે ઓળખીયે છીએ.
સ્ટાન્ડર્ડ્સ સામાન્યતઃ ચાર પ્રકારમાં વહેંચવાં આવતાં હોય છે -
૧.મૂળ સ્ટાન્ડર્ડ્સ - જે પારિભાષિક શબ્દો, વ્યાખ્યાઓ, એ સંદેશ વ્યવવહાર માટેની નિશાનીઓ કે પ્રતિકોને આવરી લેતાં હોય છે;
૨. ચકાસણી પદ્ધતિઓ અને વિશ્લેષણ માટેનાં સ્ટાન્ડર્ડ્સ, જેમાં પદાર્થ કે ઉત્પાદિત ચીજવસ્તુઓના ઉષ્ણાતામાન, વજન, તાકાત, જેવા ભૌતિક કે યાંત્રિક ગુણધર્મો કે તેનાં રાસાયણીક ઘટકો ને લગતાં રસાયણ કે ધાતુવિદ્યાના ગુણધર્મો જેવી બાબતોની ચકાસણીની અને ચકાસણી પરિણાંમોનાં વિશ્લેષણની પધ્ધતિઓ આવરી લેવાય છે;
3. ચોક્કસ વિગતવર્ણન (સ્પેસીફીકેશન)નાં સ્ટાન્ડર્ડ્સ, જેમાં પદાર્થ કે ઉત્પાદિત વસ્તુઓ કે સેવાઓની , સંબંધિત કાર્યમાં ઉપયોગ માટે, ગુણવત્તા, સલામતી, પ્રદૂષણનું પ્રમાણ, વસ્તુની આવરદા જેવી બાબતોને લગતા આવશ્યક ગુણધર્મો સૂચવાયા હોય છે ;
૪. સંસ્થાકીય સ્ટન્ડર્ડ્સ , જેમાં સંસ્થાને સંબંધિત કાર્ય ભૂમિકા અને તેના સંબંધો, ગૂણવત્તા પ્રતિતી અને નિયમન-ઉત્પાદન-માલહેરફેર જેવી બાબતો આવરી લેવાતી હોય છે. સંચાલન, સંપત્તિ જાળવણી, પરિયોજનાઓ કે તંત્રવ્યવસ્થા સંચાલન, નાણાંના હિસાબો અને તેનાં ઑડીટની પધ્ધતિઓ આવરી લેવાતી હોય છે.
આપણા આજના વિષયને લાગેવળગે છે ત્યાં સુધી આપણે આપણી ચર્ચા, સામાન્યતઃ જેમને સંચાલન તંત્રવ્યવસ્થા પ્રમાણિકીકરણ સ્ટાન્ડર્ડ્સ [ISO Management System Certification (MSCs)] તરીકે ઓળખવામાં આવે છે તે પ્રકારનાં સ્ટાન્ડર્ડ્સ પૂરતી મર્યાદિત રાખીશું.એ માટે અહીં જે સામગ્રી પસંદ કરી છે તે સંચાલન તંત્રવ્યવસ્થા પ્રમાણીકરણ સ્ટાન્ડર્ડ્સ સાથે સંકળાયેલ વ્યાવસાયિક સિવાયના વાચકોને પણ રસ પડે તે મુજબની કરેલ છે.
આજના આ વિષયની પ્રેરણાનું મૂળ કારણ છે ૧૪મી ઓક્ટોબરે થતી વિશ્વ સ્ટાન્ડર્ડ દિવસ (World Standards Day )ની ઉજવણી. વિશ્વ સ્ટાન્ડર્ડ દિવસની ઉજવણીનો મુખ્ય આશય આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડરડ તરીકે પ્રકાશિત થતાં તકનીકી સમજૂતીઓને ફળીભૂત કરવામાં યોગદાન આપતાં આ ક્ષેત્રનાં હજારો નિષ્ણાતોના પરિશ્રમની કદર કરવાનો હોય છે.
દર વર્ષે આ દિવસની ઉજવણી માટે એક થીમ નક્કી કરવામાં આવે છે. વિશ્વ સ્ટાન્ડર્ડ દિવસ -૨૦૧૯ માટે 'વૈશ્વિક મંચનાં ઘડતરમાં વિડીયો સ્ટાન્ડર્ડ્સ - Video standards create a global stage' છે. આ સ્ટાન્ડર્ડ્સને કારણે વૈશ્વિક નેટવર્ક્સમાં વિડીયોનો પ્રતયયન અને દસ્તાવેજીકરણ માટે ઉપયોગ એક આવશ્યક અંગ બની રહેલ છે. બળી કોઈ પણ સાધન કે કોઈ પણ ઓપરેટીંગ સિસ્ટમમાં આ સ્ટાન્ડર્ડ્સને અનુરૂપ બનેલ વિડીયો આસાનીથી જોઈ શકાય છે. વિડીયો તૈયાર કરવાની કે તેનાં ડિજિટલાઈઝેશનની તકનીકોમાં થતા સુધારાઓ પણ તે પહેલાં બનેલ વિડીયોને બીનઉપયોગી ન કરી દે વ્યવસ્થા પણ આ સ્ટાન્ડર્ડ્સમાં આવરી લેવાતી હોય છે.
આજે અને આવતી કાલે આપણે અવનવાં સર્જનો કરતાં રહીએ તે માટે એકબીજાં સાથે મળીને કામ કરવું પડે. સાથે કામ કરવું હોય એટલે પહેલી આવ્શ્યકતા બને છે એકબીજાંને સમજવાની. જ્ઞાન અને અનુભવોની આપલે થવી જોઈએ. આ બધાં માટે બધંને સમજણ પડે એવી એક ભાષ જોઈએ. ISO સંસ્થા દ્વારા પ્રકાશિત થતાં ઐચ્છિક આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ્સ આ દિશામાં નક્કર પાયારૂપ ભૂમિકા ભજવે છે.[1]
[]
આટલી પશ્ચાદભૂમિકા તૈયાર થયા પછી હવે આપણે આપણા મુખ્ય વિષય તરફ વળીએ.
વ્યંગ્યચિત્ર મૂળે તો ચિત્રકળામાં હાસ્યના હળવા રસની રેખાઓથી નિપજતાં ચિત્રો કાર્ટુન્સ તરીકે ઓળખાય છે. સ્ટાન્ડર્ડ્સના ગંભીર વિષય પણ વ્યંગ્યચિત્રકારની નજ઼રમાંથી છટકી નથી શક્યો.. સ્ટાન્ડર્ડ્સને લગતાં વ્યગ્યચિત્રોને ત્રણ કક્ષામાં વહેંચી શકાય.
પહેલો પ્રકાર છે, સ્ટાન્ડર્ડના વિષયનો પરિચય કરાવતાં વ્યંગ્યચિત્રો, જેવાં કે 

ISO માટે આ પ્રકારનાં ચિત્રકળાનાં કામ કરતાં કળાકાર પૈકી એક વ્યંગ્યચિત્રકાર,એલેક્ઝાનૅ રોઝાનું કહેવું છે કે, થોડીક કલ્પના અને થોડું હાસ્ય મેળવવાથી તકનીકી સ્ટાન્ડર્ડનાં માનવીય પાસાંને, મોટા ભાગે, કાર્ટુન્સ અને રંગબેરણ્ગી ચિત્રો દ્વારા સમજાવી શકાય છે.
સ્ટાન્ડરડ્સને લગતાં વ્યંગ્યચિત્રોનો બીજો પ્રકાર છે સ્ટાન્ડર્ડનાં વસ્તુને સરળતાથી સમજાવવા માટે તૈયાર કરાતી તાલીમી સામગ્રીઓમાં પ્રયોજાતાં વ્યંગ્ય ચિત્રો, જેવાં કે-

Source credit: ISO Training Institute

સ્ટાન્ડર્ડ્સના અમલથી થનારા લાભને વ્યાપક સ્તરે પ્રચલિત કરવા તૈયાર કરાંતાં પોસ્ટર્સમાં પણ વ્યંગ્યચિત્રકળાની મદદ લેવામાં આવે છે -
અહીં નીચે રજૂ કરેલ એક પોસ્ટરમાં 'નવાં સ્ટાન્ડર્ડ નવા આઈડીઆમાં રૂપાતર થાય છે - એ વિચારને સમજાવાયો છે. પોસ્ટરની નીચે જે લખાયું છે - એક વાર હાલનાં કામને નવી રીતે કરવાના રસ્તા ખોળી કાઢ્યા પછી અમે તેમને અમારી ગુણવત્તા તંત્રવ્યવસ્થામાં વણી લઈએ છીએ. ISO 9001 ના માળખાંનાં પાયા પર અમે અમારી તંત્રવ્યવસ્થાનું મકાન ચણીએ છીએ. - તેને આ ચિત્ર વડે સમજાવાયું છે.
Source credit © Richard Duszczak

ત્રીજો પ્રકાર છે આપણો સહુનો જાણીતો -માનીતો સ્ટાન્ડર્ડ્સ વિશે હાસ્ય અને કટાક્ષ વેરતાં ચિત્રોનો. આ કટાક્ષ સાવ હળવા, સુક્ષ્મથી લઈને સોંસરવા ઉતરી જાય એવા તિક્ષ્ણ સુધીની કક્ષાના પણ હોય છે. જોકે આ કટાક્ષની પાર થઈને જોઈ શકનાર સ્ટન્ડર્ડ્સનાં કાર્યક્ષેત્ર સંકળાયેલ વ્યાવસાયિક એ બધાં વ્યંગ્ય ચિત્રોમાંથી સ્ટાન્ડર્ડના અમલ સમયે શું કરવું, કે ન કરવું, જોઈએ તેવો સ્પષ્ટ સંદેશ પણ જરૂરથી મેળવી શકે  છે.  અહીં આપણે એવાં ચિત્રોને આજે જોઈશું જેમાં આ  દિશા સંકેત અભિપ્રેત હોય.  
+    +    +     +    +
પાંચ પ્રજ્ઞાચક્ષુઓ પોતપોતાની 'દૃષ્ટ'એ હાથીનું વર્ણન કરે છે તે જાણીતી બોધકથાને રૂપક તરીકે રજૂ કરતું આ ચિત્ર છે. સ્ટાન્ડર્ડને દરેક હિતધારક પોતપોતાના દૃષ્ટિકોણથી મૂલવે છે, એવો સંદેશ જણાવવા આ ચિત્રનો ઉપયોગ કરાતો હોય છે.  આ જ ઉદાહરણ વડે સંસ્થાની કામગીરીના સંદર્ભમાં સંભવિત તકો અને જોખમો વિશે પણ એક જ સંસ્થામાં, જૂદાં જૂદાં સ્તરે,કામ કરતાં લોકો અલગ અલગ દૃષ્ટિએ વિચારે છે એવું પણ સમજાવાતું હોય છે.
+    +    +     +    +
દરેક દેશનું પોતપોતાનું સ્ટાન્ડર્ડ હોય તે તો સમજાય પણ ઘણી વાર તો એક જ વિષય માટે એકથી વધારે સ્ટાન્ડર્ડ અપણ જોવા મળતાં હોય છે. તો વળી, ઘણી વાર લોકો બદલતા જતા સંદર્ભને અનુરૂપ પોતાનાં ધોરણો - સ્ટાન્ડર્ડ્સ - પણ બદલતાં રહે છે. આમ થવા પાછળ એક કારણ આ હોઈ શકે !
Source credit: https://xkcd.com/927/

આંતરરાષ્ટ્રીય સ્તરે, એક સર્વસામાન્ય સ્ટાન્ડરડની જરૂર વૈશ્વિકીકરણ પ્રવેગમાન બનતું ગયું તેમ તેમ અનુભવાતી ગઈ, જેમાંથી જન્મ થયો ISO સંસ્થાનો, જે આ પ્રકારનાં આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ તૈયાર કરીને પ્રકાશિત કરવાનૂં કાર્ય કરે છે. અત્યાર સુધી દ્વારા ૨૨,૮૧૨ સ્ટાન્ડર્ડ્સ પ્રકાશિત કરાઈ ચૂક્યાં છે.
+    +    +     +    +
કેટલાંક વ્યાવસાયિકો માટે  સ્ટાન્ડર્ડ (મહદ અંશે ગલતફહમીમાં) પથ્થર પરની લકીર જેમ અફર, આખરી, શબ્દ હોય છે !

                                                 +    +    +     +    +
સ્ટાન્ડર્ડ વિકસાવવા માટેનો મુખ્ય આશય તે ખુબ સરળતાથી સમજી શકાય તેમ કરવાનો કે શક્ય તેટલાં ઓછાં જૂદાં અર્થઘટનો ન થાય તેમ લખવાનો હોય છે. પણ વાસ્તવમા< જેમ જેમ સમય વિતતો જાય તેમ તેમ તેને લગતા "નિષ્ણાતો (!)"ના હાથે તે વધારેને વધારે ક્લિષ્ટ સ્વરૂપે રજૂ થાય છે અને (કમનસીબે) અમલ પણ થાય છે.
Source credit: Summarized ISO Standards = Levi Roundy

કોઈ પણ વિષય પર સૌથી વધારે વેધક કટાક્ષ જોવા હોય તો ડિલ્બર્ટનાં કાર્ટુન્સની સફરે નીકળી પડવું જોઈએ. (ડિલ્બર્ટનાં કાર્ટુન્સ એ ખુદ અલગ ચર્ચાનો વિષય છે.) આપણે અહીં કેટલાંક પ્રતિનિધિ કાર્ટુન્સ પસંદ કર્યાં છે.
પહેલી પટ્ટીમાં તંત્રવ્યવસ્થાના સંચાલક તેમના સાથીઓને તંત્રવ્યવસ્થનાં પ્રમાણિકીકરણ માટે તૈયારીઓ કરવા વિશે સમજાવી રહેલ છે. એ માટે દરેક વ્યક્તિએ પોતપોતાના ક્ષેત્રની કામગીરીને લગતો દસ્તાવેજ તૈયાર કરવાનું તેઓ કહે છે. તેઓ ભારપૂર્વક કહે છે કે એ દસ્તાવેજ નિરસ, ઢંગધડા વગરનો, ગાડો હોવો જોઈએ.તે બધાંને તેમના પ્રતિભાવ માટે મોકલીશું. જોકે મોટા ભાગનાં તો તેના મરી ગયેલાં રેકૂનથી વધારે ધ્યાન નહીં આપે.

બીજી સ્ટ્રીપમાં કોફી મશીન પર ઓળખ સ્ટીકર લગાડનાર અને કોફી મશીનનો ઉપયોગ કરનારનાં રૂપક દ્વારા કરવા ખાતર કરાતાં દસ્તાવેજીકરણ તરફ દિશા નિર્દેશ છે.
આ સ્ટ્રીપમાં પ્રમાણિકીકરણ પ્રક્રિયાના ભાગ રૂપે થતાં ઑડીટ પર કટાક્ષ છે. સંસ્થામાં કામ કરતાં લોકોની ક્ષમતામા, અને દેખાવમાં (જેની સાથે મૂળ વિષયને કોઈ સંબંધ નથી !) ભલે કાચાં પડતાં જણાય પણ તેઓ તેને બહુ આસાની આઘુંપાછું કરી શકે છે, એટલે ઑડીટનું પરિણામ તો ધાર્યુ જ - સુંદર પ્રમાણપત્ર -માં જ આવે છે.
પ્રમાણીકરણ અને વાસ્તવિકતા વચ્ચે કેટલું અંતર હોય છે તે આ સ્ટ્રીપ દર્શાવે છે. જેમ કોઈ મોંધેર અમહેમાની મુલાકાત પૂરતું સામાન્યપણે અસ્તવ્યસ્ત પડ્યાં રહેતાં ઘર  ચોક્ખુંચણાક કરી રખાતું હોય છે તેમ અહીં પણ બધાં ગરબડીવાળા દસ્તાવેજોને સંતાડી(ને બાળી નાખવા સુધ્ધાં) મુકવાનો બાવા આદમથી ચાલ્યો આવતો રસ્તો અપનાવાઈ રહ્યો છે.
અહીં કંપનીનાં મૅનેજમૅન્ટની ગુણવત્તા કરતાં ISO પ્રમાણપત્રને વધારે મહત્ત્વ આપતાં લોકોને હડફેટે લેવામાં આવ્યાં છે.  પુરવઠાકાર્નાં ઉત્પાદનોની ગુણવત્તા સારી હોવાનું સ્વીકારવા છતાં પણ ISO પ્રમાણપત્ર વગર તેમને કામ નહીં આપી શકાય એવું જણાવનાર સંચાલક પર પુરવઠાકાર ભારોભાર કટાક્ષ સાથે હાસ્ય વેરે છે.

અહીં લીધેલાં દરેક કાર્ટુનનો પરોક્ષ સંદેશો  સંચાલન તંત્રવ્યવ્સ્થાની અસરકારકતા સિધ્ધ કરવા ISO   સંચાલન તંત્રવ્યવ્સ્થા સ્ટાન્ડર્ડ જેવાં સાધનનો દુરુપયોગ કેમ ન કરવો તે જ રહેલ છે.
+    +    +     +    +
સ્ટાન્ડર્ડ્સના અમલને એટલું જટિલ, યાંત્રિક અને તુમારશાહીગત કરી મૂકવામાં આવે છે કે 'આપણો ધાર્યો ઉદ્દેશ્ય સિધ્ધ થતો હોય તો સ્ટાન્ડર્ડને મૂકો પૂળો' જેવી મનોવૃતિ ન પ્રસરે તો જ નવાઈ !
Source credit: gnurf
+    +    +     +    +
સંચાલન તંત્રવયવ્સ્થા માટેનાં ISO સ્ટાન્ડર્ડ્સના માળખા અનુસાર પોતાની તંત્રવ્યવસ્થાનું આયોજન કરનાર, અમલ કરનાર,કે પ્રમાણિકીકરણ માટે ઓડીટ કરનાર વ્યાવસાયિકોના મનમાં આ બધા પ્રયાસોને પરિણામે નિપજતી તંત્રવ્યસ્વ્સ્થા સંસ્થાના વ્યાપાર હેતુ સાથે, તેના વ્યૂહાત્મક દિશાનિર્દેશન માટે અને સંસ્થાએ સામનો કરવાં પડતાં જોખમો અને તકો સાથે સફળતાથી કામ લેતા રહેવામાં આ પ્રમાણિકીકરણ કેટલી હદે અસરકારક રહે છે તે બાબતના સવાલ તો હંમેશાં સજાગ રહેવા જોઈએ. સંસ્થાનાં વ્યાપક હિતધારકોની અપેક્ષાઓની એરણે જો સંસ્થા પોતાના લાંબા ગાળાના હેતુઓ સફળતાપૂર્વક સિધ્ધ કરવામાં ખરી ન ઉતરવાની હોય તો આ પ્રમાણપત્રોનું કોઈ મૂલ્ય નથી રહેતું. 
આ પ્રકારની સકારાત્મકતા તેમજ લાંબા ગાળાના પરિણામો અને માનવીય અભિગમને કેન્દ્રમાં રાખતાં સ્ટાન્ડર્ડ્સનાં નવાં માળખાંની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને ૨૦૧૨માં ISO દ્વારા ઉચ્ચ સ્તરીય માળખાં તરીકે ઓળખાતી ISO નાં સ્ટાન્ડર્ડ્સ લખવાની નવી માર્ગદર્શિકા અમલમાં આવી. તે પછી સુધારાતેલાં જૂનાં, કે પહેલી જ વાર પ્રકાશિત થતાં નવાં,  આ ઉચ્ચ સ્તરીય માળખાંને અનુસરીને જ તૈયાર થશે. તેમાંથી નિપજતાં સ્ટાન્ડર્ડ્સ વધારે સકારાત્મક, ભવિષયની સંભાવનાઓને વધારે મહત્ત્વ આપતાં અને સંસ્થા સામનો કરવાની તકો અને જોખમો વિશે પહેલેથી છેલ્લે સુધી વિચારતાં બનવા લાગ્યાં છે.
૨૦૧૨ પહેલાં
૨૦૧૨ બાદ
+    +    +     +    +
૨૭-૧૦-૨૦૧૯ના પ્રકાશિત થનારા આ લેખના બીજા ભાગમાં સ્ટાન્ડર્ડ્સ વિષે વિવિધ દૃષ્ટિએ પ્રયોજાયેલા કટાક્ષને જ કેન્દ્રમાં રાખતાં વ્યંગ્યચિત્રોની વાત કરીશું.



[1] Dare to dream BIG: Standards empower innovators