સાવ સીધી સમજ મુજબ, અને તેનાં સાવ સરળ અને શુભભાવનાનાં સ્વરૂપમાં, આ પ્રવૃતિઓનો મૂળ આશય સંસ્થાના જૂનાજોગીઓ દ્વારા નવાસવાઓ સાથે ઓળખાણ કરવાનો ગણાય. જ્યારે આ પ્રવૃતિ સારી દાનતથી કરવામાં આવે ત્યારે રેગિંગ થકી નવાસવાઓને સંસ્થાની સંસ્કૃતિમાં (અવિધિસર રીતે) ઢાળવાની એક પરંપરા તરીકે આ પ્રવૃતિ અમલમાં મુકાતી હોય છે.
રેગિંગ સાથેનો મારો પહેલવહેલો પનારો પ્રવેશ કસૉટી દરમ્યાનના ખાલી દિવસોના પહેલેજ દિવસે સાજે શિવગંગા તરફ લટાર મારવાનીકળ્યો હતો ત્યારે પડ્યો હતો. જોકે હું હજુ એટલો બિનઅનુભવી (બાઘો) હતો કે તે સમયે તો એ મને એક સામાન્ય પરિચય કેળવનારી, થોડીક રોફ જમાવવાના અશયથી થતી, પંચાત જ લાગેલી. તેની સરખામણીમાં બીજા દિવસે થયેલો અનુભવ થોડો 'આકરો' હતો. ત્યારે મને સમજાઈ ગયું કે માત્ર ઓળખવિધિની પંચાત નથી. જોકે કે બન્ને ઘટનાઓમાં શરૂ શરૂની ઓળખવિધિ દરમ્યાન સ્વાભાવિકપણે એટલું સ્પષ્ટ થઈ જતું હતું કે હું હજુ બિઆઈટીએસનો વિદ્યાર્થી થયો નથી. એટલે, ક્દાચ, એ પડપુંછ બહુ લાબી નહોતી ચાલી.
વિદ્યાર્થી તરીકે વિધિસરનો પ્રવેશ મળ્યા પછી અમે જયપુરથી પાછા આવી ગયા તે પછીના બેત્રણ દિવસોમાં એક વાર મને એકલાને અને બીજી બેએકવાર બીજા બેત્રણ સહપાઠીઓ સાથે ફરીથી આ અનુભવ થયા. શરૂઆતની, અમારા ભોગે થતી મજાકમસ્તીભરી ઓળખવિધિ પછી, સામાન્ય રીતે બનતું હોય છે તેમ અમને એ 'જૂનાજોગી’ લોકોની રૂમ પર આવી જવાનું કહેવાયું હતું. જોકે અમે એમ કર્યું નહી - કોઈ બહાદુરીભર્યા આશયથી નહીં પણ સંસ્થાની ભૂગોળથી હજુ સાવા જ અજાણ હોવાને કારણે !
જોકે એ જ દિવસોમાં અમારા - બીજાં વર્ષની બેચના - કાયદેસરના 'સિનિયરો' સાથે પણ અમારી બે ત્રણ 'બેઠકો' થઈ ચુકી હતી. એ સમયે અમને એ લોકો તરફથી મિત્રતાપૂર્વકની પહેલી 'જાણ' એ કરાઈ હતી કે સ્નાતક કક્ષા સુધીના કોઈ સિનિયરો દ્વારા 'સભ્ય' પણે થતાં રેગિંગ કે એમની રૂમ પર જવાનાં કહેણ બાબતે સહકાર આપવો કે નહીં તે અનુસ્નાતક કક્ષાના 'જુનિયરો' તરીકે અમારી મુનસફીપર આધારિત છે. એ બાબતે દાદાગીરી કે અસભ્ય વર્તન થતું હોય તો અમે હક્કપૂર્વક ના પાડી શકીએ.
મારા બીજા, મારા કરતાં આ વિષયમાં (ઘણા) વધારે અનુભવી સહજુનિયરોએ મને એ પણ સમજાવી દીધું હતું કે આવા બનાવો દરમ્યાન 'બહુ ડર'થી કે 'બહુ ચાલાકી'થી પેશ ન આવવું 'બીકણ બાળકો'નાં બચપનનાં તો પુરેપુરી રૂક્ષતાથી છોતરાં ઉડાડવામાં આવે છે. વળી, એક વાર જો 'બીકણ' જેવી છાપ પડી ગઈ તો પછી ગમે એટલી બહાદુરી બતાવો તો પણ એ 'પહેલવહેલી' છાપ સાવેસાવ ભુંસાતી નથી. 'બહુ ચાલાક' લોકોને પણ સારી રીતે ઠમઠોરીને સમજણ પાડી દેવામાં આવતી હોય છે, પોતાની જાતને ગમે એટલો મોટો મીર ગણતા હો પણ અહી તો 'બધા સમાન' છે.
રેગિંગના મારા અંગત અનુભવો કોઈ ખાસ રીતે નોંધપાત્ર કે અનિચ્છનિય કહી શકાય એવા ન રહ્યા. મને યાદ છે કે જુની ફિલ્મોનાં ગીતો સાંભળવાના કે વાંચનના મારા શોખની ઢાલ બનાવીને હું એ પ્રશ્નોતરીને મને અનુકૂળ દિશામાં વાળી દઈ શકતો હતો. જોકે મારા શૉખની એ વાતો ટાઢા પોરનાં ગપ્પાં નથી એ મારે જરૂર સાબિત કરવું પડ્યું હતું. કયું ગીત કઈ ફિલ્મનું છે, કોણ સંગીતકાર કે ગીતકાર છે, તેની ખૂબી (કે સામાન્યતા) શું છે એવી બાબતો વડે હુ થોડી સારી છાપ પણ પણ પાડી શક્યો હોઈશ . (આનો મને જે આડકતરો લાભ મળ્યો તેની વાત આગળ ઉપર ઉચિત સંદર્ભમાં કરીશ). એ જ રીતે ગુજરાતી ભાષાનાં પુસ્તકોનાં વાંચન વિશે તો ત્યાં કોઈ પડકારી શકે એવું હોય નહીં એટલે એ વિષય પર તો હું બહુ સહેલાઈથી રજુઆત કરી શક્તો હતો. તે ઉપરાંત જેમ્સ હેડલી ચેઝ, આર્થર કોનન ડોયલ, અગાથા ક્રિશ્ટી કે અર્લ સ્ટેન્લી ગાર્ડનર અને એયન રેન્ડને તુંબડે મારૂં અંગ્રેજી વાંચન પણ વૈતરણી પાર કરાવી જતું રહ્યું.
આ બધી ઘટનાઓ દરમ્યાન એક પ્રશ્ન એવો હતો જેણે મારી જાણનાં ક્ષેત્રોની અંદર ધરબાઈ રહેલા 'અજાણ'નાં જામી રહેલા થરને ખુલ્લા કરી નાખ્યા. 'મૅનેજમૅન્ટનો આગળ અભાસ શા માટે પસંદ કર્યો' એ સવાલે મને અહીનાં બે વર્ષ, અને પછીથી મારી સક્રિય વ્યાવસાયિક કારકિર્દી, દરમ્યાન આ સંદર્ભે અનેક વાર વિચારમંથન કરવાની તકો ઓળખી શકવાની સૂઝ કેળવી આપી છે. જોકે, આ સવાલનો મને આજે પણ તર્ક્પૂર્ણ, અર્થપૂર્ણ કે સંતોષકારક, જવાબ મળ્યો નથી એ એક અલગ ચર્ચાનો વિષય છે. પરંતુ, હું મારી જે કંઈ ઉણપો ઓછી કરી શકયો છું તેમાં આ પ્રશ્નનો ફાળો ઘણો જ મોટો એટલું તો ચોક્કસ કહી શકાય છે.
અમારા કાયદેસરનાં સિનિયરો સાથેની અમારી બેઠકો બન્ને પક્ષે ગ્રૂપમાં વહેંચાઈને થતી. આવી બેઠકોને અંતે અમને એ લોકો સાથે ઓળખાણ થવાનો તો લાભ મળ્યો, પણ તે સાથે અમે એકબીજા સાથે પણ સારી એવી ઓળખાણ કરી શક્યા. આ બેઠકો દરમ્યાન સિનિયરોનો એક વધારે મુખ્ય આશય અમને સંસ્થાની (અમારી) મૅનેજમેન્ટ વિદ્યાશાખાનો પરિચય કરાવવાનો અને તેની બારીકીઓને જણાવવાનો પણ હતો. તે સાથે એ લોકોએ આ તક ઝડપીને અમારી વિદ્યાશાખા નવીસવી હતી એટલે હવે પછીના સમયમાં (તથાકથિત) બહુખ્યાત સંસ્થાઓના વિદ્યાર્થીઓ સાથેની સ્પર્ધાનો સામનો શી રીતે કરવો જોઈએ એ અંગેનાંં તેમનાં મંતવ્યોની રૂપરેખા પણ મને સમજાવી. આ બધી ચર્ચાની ફલશ્રુતિરૂપે પછીનાં વર્ષમાં અમે જેકાર્યક્રમો કરી શક્યા તેની વાત પણ આગળ જતાં યથોચિત સંદર્ભમાં કરીશ. અને હા, આ આખી પ્રક્રિયાને કારણે અમારા વચ્ચે થયેલી આપસી ઓળખાણનો અમને એક અનપેક્ષિત, પણ ખુબ જ લાભદાયક આડફાયદો એ થયો કે આગળ જતાં વિવ્ધ શૈક્ષણિક, સહશૈક્ષણિક કે ઇતર પ્રવૃત્તિઓને અનુરૂપ અલગ અલગ ટીમો બનાવવાની જરૂર પડતી ત્યારે અમારૂં કામ સાવા આસાન બની જતું. વાત નીકળી જ છે તો એક સામાન્ય કહી શકાય એવું,પણ મારાં એ સમયનાં બોલચાલની અગ્રેજીનાં જ્ઞાનની મર્યાદા બતાવતું એક સરસ ઉદાહરણ યાદ આવે છે. એક સાંજે, એક સિનેયરે મને કૉનોટ પ્લેસથી પેડલ રીક્ષામા સાથે બેસીને તેની રૂમમાં વાત કરવા બોલાવ્યો. રીક્ષામાંથી ઉતરતાં તેણે મને રીક્ષાવાળાને 'Two bucks' ચુકવી દેવા કહ્યું. હું તો તેની સામે અને રીક્ષાવાળા સામે વારાફરતી જોઇ રહ્યો, કેમકે મને Two એટલે 'બે' એ તો સમજાયું હતું, પણ 'bucks' અર્થ સમજાયો નહોતો!!!
સ્નાતક કક્ષાના 'સિનિયરો' સાથેની અમારી વાતચીતોને કારણે અમને સંસ્થાનાં વિદ્યાર્થી જગતના આંતરપ્રવાહોને સમજવાનો લાભ મળ્યો. જેને પરિણામે એ વર્ષની સ્ટુડન્ટ યુનિયનની ચુંટણીમાં આમે લોકો સામુહીક રીતે બહુ સક્રિય ભૂમિકા ભજવી શક્યા. મને અંગત પણે બીજો એક લાભ એ થયો કે એ બધાંઓમાં અન્ય ઇતર ક્ષેત્રોના પ્રતિભાવાન વિદ્યાર્થીઓની પણ ઓળ્કહ થઈ, જેનો પણ મને એ વર્ષ દરમ્યાન સારો ફાયદો મળ્યો. એ વાત પણ આગળ જતાં યથા યોગ્ય સમયે કરીશ.
બીજાં વર્ષ દરમ્યાન હું, અને અમારી ઘનિષ્ઠ મિત્રોની આખી ટુકડી, જ્યારે 'સિનિયર' કક્ષાના સ્થાને પહોંચ્યા ત્યારે બહુ જ સ્પષ્ટ સમાજ્ણથી અને બીજાંને દેખાય સમાજાય એ રીતે રેગિંગ બાબતે સદંતર નિષ્ક્રિય રહ્યા.