Showing posts with label Sweta Patel. Show all posts
Showing posts with label Sweta Patel. Show all posts

Sunday, May 26, 2024

Should've Been Dead - એક ચસકેલ વ્યસનીની વ્યસન - મુક્તિની સાથે વણાયેલ શરમ અને ગુન્હાહિત માનસમાંથી છુટકારાની પ્રેરક ગાથા

 


એકાદ દાયકા સુધીનાં કોકેનના ઉન્માદી વ્યસનમાંથી મુક્ત થઈને આજે હવે ગૃહ - સુધારણાના લાખો ડોલરના વ્યાવસયિક અમેરિકનના જીવનના અનુભવોને બે વર્ષ સુધી ચાલેલા સંવાદો દ્વારા ત્યાંની શાળાની એક શિક્ષિકા દ્વારા  આ પુસ્તકમાં ઝીલાયા છે. એ શિક્ષિકા પચાસેક વર્ષ પહેલાં અમેરિકા સ્થળાંતર થયેલાં ગુજરાતી માબાપની અમેરિકામાં જન્મેલી, ઉછરેલી અને શિક્ષિત થયેલ દીકરી છે એ બાબતનું મહત્ત્વ પણ આપણા, અહીના તેમ જ વિદેશોમાં વસેલા, સમુદાયને અમુક હદથી વધારે ન હોય તે પણ સ્વાભાવિક છે. કોકેઈન જેવા નશાના બંધાણીની વ્યસન મુક્તિ સાથે, તમાકુ જેવાં આપણા સમાજનાં બહુવ્યાપક થયેલાં વ્યસનો પણ દેખીતી રીતે આપણી શાળાઓમાં બહુ વ્યાપક ન થયેલાં જણાતાં હોવાને કારણે આજનાં ગુજરાતી સમાજનાં માબાપોને આ પુસ્તકનું અગત્ય ન જણાય એ પણ સમજી શકાય. જે કપડાં ધોવાનાં મશીનોની આડશમાં હાડકાં થીજાવતી ઠંડી સામે રક્ષણ મેળવ્યું તેને જ ખરીદીને તેમાંથી ગૃહ - સુધારણાનો વ્યવસાય ઊભો કર્યો એ વાત પણ અમેરિકન સમાજ જેવા સમાજના, ચીંથરેહાલ સ્થિતિમાંથી લાખોની દોલતના માલિક બનનારા, અનેક લોકોને વાસ્તવિક જીવનમાં સિદ્ધ કરવી એ દિવાસ્વપ્ન જેવી વધારે લાગે એમાં પણ કોઈ નવાઈ નથી. એ શિક્ષિકા જ્યારે આ અનુભવો એ વ્યક્તિના મોઢે જ પોતાની શાળાઓનાં વિદ્યાર્થીઓ સાથે વહેચતાં ત્યારે આવા કલ્પનાતીત જીવનપલટાની વાત રૂબરૂમાં સાભળવા મળે છે એ બાબત વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ નીવડતી હતી એ પણ અમેરિકાનાં વાતાવરણ માટે કદાચ નવી પણ કહેવાય.

આ પુસ્તકની કથાના નાયક, રોરી લૉન્ડરના જીવનના એ વર્ષોના અનુભવોને ૧૨ પદાર્થપાઠમાં વહેંચાયેલાં પ્રકરણોના આ પુસ્તકનું  મહત્વ, શિક્ષિકા-લેખિકા, શ્વેતા પટેલ આ રીતે રજુ કરે છે –

મેં શાળામાં મારાં શૈક્ષણિક કામ દરમ્યાન ડ્રગ વ્યસનીઓ, કડવા સંબંધોવાળાં કુટુંબો, સુધારણા ગૃહો, માથાભારે વિદ્યાર્થૉઓ, હતાશાઓ, આપધાતના પ્રયાસો જેવી ખુંચે એવી બધી વાસ્તવિકતાઓની કેટલીય વાતો સાંભળી છે. કેટલીક ઘટનાઓના તો સ્વાનુભવો પણ થયા હતા. આ બધી ઘટનાઓમાં જે એક સુર કાયમ જોવા મળતો તે ઊંડી પીડાની વેદનાનો હતો. આ વિદ્યાર્થીઓ માટે શાળા પછીની કારકિર્દીનો વિચાર તો ભૂલેચુકે જ ક્યાંય જોવા નહોતો મળતો.

પણ, રોરી લૉડર આ બધાંથી સાવ જ નોખો હતો, આજે તે પચાસ વર્ષનો છે, અને તેની પાસે પોતાનું એક વર્તમાન છે. તે હવે કાયમ Rory’s Home Improvement ભરત કામ કરેલાં હુડી અને સફેદ પેન્ટમાં જ જોવા મળે છે. વિદ્યાર્થી સામે પોતાની વાત ચાલુ કરતાં પહેલાં તે પોતાના માથાં પર એક બે વાર ટપલી મારે, તેના માટે મુકાયેલી ખુર્શીમાં થોડીક ઢળતી બેઠક જમાવે, વિદ્યાર્થીઓની આંખોમાં આંખો પરોવે અને પછી તેમની કક્ષાએ જ આવીને પોતાની વાતને વહેવા દે. 

કોવીડ પછી જ્યારે મેં તેમને ઓનલાઈન વ્યકત્વો આપવા વિશે પુછાવ્યૂં ત્યારે તેમને બદલે તેમના સહાયક તરફથી જે જવાબ આવ્યો તે દિલ વલોવી નાખે તેવો હતો. રૉરીને ચોથા સ્ટેજનું ફેફસાંનું કેન્સર હતું. થોડો સમય વીત્યા પછી તેમના ધીમા સુધારાના સમાચાર આવતા થયા ત્યારે મારા જીવમાં જીવ આવ્યો. આવા બધા વિવારોનાં વલોણામાંથી રૉરીની જીવનગાથાને પુસ્તકરૂપે ઉતારવાનો વિચાર જન્મ્યો. 

રોરી અને તેમનાં કુટુંબના સભ્યો સાથે મારી જે લાંબી વાતો થઈ તેને પુસ્તક સ્વરૂપે ઉતારવામાં મારાં સંતાનોના ઉછેર અને શાળાની જવાબદારીઓ સાથે સમય કાઢવો બહુ મુશ્કેલ હતો. એટલે ૨૦૨૨ - ૨૦૨૩નનાં શૈક્ષણિક વર્ષ માટે મેં ચાલુ નોકરીએ રજા લીધી. રૉરીની જીવનગાથા માત્ર અસ્તિત્વ ટકાવી રાખવાની વાત નથી,પણ જીવનને માણતાં માણતાં જીવી જવાની વાત છે.

રોરી ડ્રગના એક અઠંગ વ્યસનીમાંથી એક સફળ ઉદ્યોગપતિ કેમ બની શક્યા એ અનુભવો અમારી શાળાના વિદ્યાર્થીઓને પ્રેરણા પુરી પાડતા રહે એ માટે  અમારી શાળામાં પાંચ વર્ષ સુધી વ્યકત્વ્યો આપવા આવતા રહ્યા. તેમના અનુભવોની વાતો તેઓ એક વ્યસનીની જ ભાષામાં કહેતા, જેમાં વર્ગના અમેરિકન તરૂણો વાપરે તેવા અપશબ્દો પણ છૂટથી વપરાતા હતા.

રોરી કહેતા કે એક દિવસ નશામાં ધુત થઈને મોટેલની એક રૂમમાં પડ્યા હતા ત્યારે ટીવીના પડદા પર તેમનાં કારનામાંની કથા કહેવાઈ રહી હતી. રોરી હવે 'મોસ્ટ વોન્ટેડ' ગુનેગાર બની ગયા હતા. રોરી કહે છે કે તે રાત્રે તેમને ભાન થયું કે 'મને શું જોઈએ છે તે તો ખબર નથી, પણ આ તો નથી જ જોઈતું.તેમણે વ્યસન મુક્તિધામોની સારવાર હેઠળ વ્યસન સામે યુદ્ધ આદર્યું.

તેઓ આગળ વધતાં કહે છે કે આજે હવે જ્યારે લોકો તેમનાં વ્યસનની જૂની વાત સાંભળે છે ત્યારે તેમને મારા નામ સાથે મારા ગૃહ સુધારણા વ્યવસાયની, મેં મારા સમુદાયમાં કરેલા સ્વયંસેવાના કામોની, મારી પત્ની સાથેના સુખી ઘરસંસારનીની જ યાદો આવે છે. આ માણસ કેમ સુધર્યો તેનો કોયડો ઉકેલવાના તેમના આ  પ્રયત્નોમાં મારા આવા જવાબો તેમને વધુ ગુંચવે છે -

¾    મારો ઉછેર ખુબ પ્રેમાળ માતાપિતા પાસે થયો હતો.

¾    યહુદી શાળામાં હું ભણ્યો છું. મારી ચાલચલગત બહુ જ સારી હતી. હું હંમેશાં ઑનર્સ કક્ષાનો વિદ્યાથી રહ્યો હતો.

¾    મારે પણ મારાં સપનાં હતાં. ત્યાંના એક રેસ્તરાંનો હું આશાસ્પદ શેફ હતો.

એટલે, તે પછીનો સ્વાભાવિક સવાલ પુછતાં પહેલાં એ લોકો અચુક થોડી વાર થોભી જતાં. અને પછી એક જ સવાલ આવતો : તો પછી આવું બધું કેમ થાય? કેમ શક્ય બને?

અને મારી કથનીનાં પડ ઉખળવા લાગતાં.......” 

એ પછી શ્વેતા પટેલ અને રોરી લૉન્ડર વચે જે મુલાકાતોનો દૌર ચાલ્યો તે આ પુસ્તકના ૧૨ પ્રકરણોમાં બહુ મુલ્ય અનુભવોના સ્વરૂપે પ્રતિબિંબિત થયો છે. એ દરેક પ્રકરણો રોરીનો, આપણા સૌ માટેનો, પ્રેરણા આપતો, નિરાશાઓમાંથી બહાર કાઢી આપતો, આપણી જીવનદૃષ્ટિને બદલી નાખતો અને જીવનને આગળ ધપાવાવાનો જુસ્સો પુરો પાડતો, વારસો છે.

રોરીની જીવન કથની પુસ્તક પુરું થતાંની સાથે પુરી નથી થતી. તે તો તે પછી, વણબોલ્યે પણ, આપણા મનમાં પડઘાય છે. શ્વેતા પટેલ તો કહે જ છે કે રોરીના સંદેશાઓએ તેમનામાં જે જાદુઈ ફેરફાર કર્યો તેને લીધે તેમનો આત્મવિશ્વાસ તો વધ્યો જ, પણ તે સાથે તેમના વિદ્યાર્થીઓ સાથેના, અને પોતાની જાત સાથેના, સંબંધો વધારે ગહન, વધારે સહજ અને વધારે આપસી સમજવાળા બન્યા.

આમ, રોરી લૉન્ડરના જીવનના પદાર્થપાઠો માત્ર કોઈ વ્યસની પુરતા જ મર્યાદિત નથી બની રહેતા.

દરેક વ્યક્તિની જીવન શૈલી બીજાને માટે દીવાદાંડી બની રહે તો એનાથી વધારે સારી જીવનસ્વપ્નની સિદ્ધિ બીજી કોઈ ન હોઈ શકે. 

પુસ્તક વિશેઃ

 Should've Been Dead – Lessons From A Crack Pot Addict Who Broke Free

લેખકોઃ શ્વેતા પટેલ, રોરી લૉન્ડર સાથે (https://www.shouldvebeendead.com/ )

પૃષ્ઠ સંખ્યાઃ ૨૯૨ । © 2023 by BookSplash Publishing

કિંમત - પેપરબેક - રૂ. ૬૪૦ । કિંડલઃ રૂ. ૪૪૯