Showing posts with label Mohammad Rafi Anniversary Remembrance. Show all posts
Showing posts with label Mohammad Rafi Anniversary Remembrance. Show all posts

Sunday, July 16, 2023

મોહમ્મદ રફીનાં ઉસ્તાદ તાજ અહમદ ખાન રચિત ગૈર-ફિલ્મી ગીત અને ગઝલ

 મોહમ્મદ રફી (જન્મ: ૨૪ ડિસેમ્બર, ૧૯૨૪ – ઇંતકાલ: ૩૧ જુલાઈ ૧૯૮૦)ની ૪૩મી પુણ્યતિથિની યાદાંજલિ એક હી બાત જમાનેકી કિતાબોમેં નહીં

એમની ગૈર ફિલ્મી રચનાઓમાં પ્રાધાન્ય રચનાના ભાવને જ હોય, એટલે   મોહમ્મદ રફીનાં ગૈર ફિલ્મી ગીતો સાંભળવાની મજા અનોખી જ રહી છે. '૬૦ના દાયકાના અંતભાગમાં રેડિયો પર સાંભળવાં મળેલ આવાં ગૈર ફિલ્મી ગીતોએ મને પછીથી રેકોર્ડ્સ અને કેસેટ્સ તેમ જ સીડી ખરીદવા ભણી પણ પ્રેર્યો. તે પછીથી નેટ પર ગીતો ડીજિટલ સ્વરૂપે ઉપલબ્ધ થવા લાગ્યાં ત્યારે સમજાવા લાગ્યું કે અત્યાર સુધી મોહમમ્દ રફીનાં જેટલાં પણ ગૈરફિલ્મી ગીતો સાંભળ્યાં છે તે તો હવે ઉપલબ્ધ ગીતોની હિમશીલાનાં ટોચકાં જેટલાં જ છે. એટલે ૨૦૨૧માં મોહમ્મદ રફીનાં નેટ (યુ ટ્યુબ) પર મળતાં ગીતોને શોધી શોધીને સાંભળવાં અને તેમની જન્મ જયંતિ અને પુણ્ય તિથિઓના દિવસોની અંજલિ સ્વરૂપે મોહમ્મદ રફીનાં ગૈર-ફિલ્મી ગીતોને એક જગ્યાએ સંગ્રહ કરવાં એમ નક્કી કર્યું. 

અત્યાર સુધી 

૨૦૨૧માં 

૪૧મી પુણ્યતિથિ પ્રસંગે ક્યા યાદ તુમ્હેં હમ આયેંગે  

અને

૯૭મી જન્મ જયંતિ પ્રસંગે મેરે ગીતોંકા સિંગાર હો તુમ  

અને પછી

૨૦૨૨માં

૯૮મી જન્મજયંતિ પ્રસંગે ભૂલે ચૂકે મળે તો મુલાકાત માગશું 

શીર્ષકો હેઠળ કેટલાંક ગૈર-ફિલ્મી ગીત અને ગઝલ ગીતો આપણે યાદ કરી ચુક્યાં છીએ. 

આ ગીતો સાંભળતી વખતે ખય્યામ અને તાજ અહમદ ખાન દ્વારા સંગીતબદ્ધ કરાયેલાં ગીતો શ્રવણીય પાસાંઓ અને સંખ્યાએ ધ્યાન ખેંચેલ. ખય્યામ દ્વારા રચિત મોહમ્મદ રફીનાં  ગૈર ફિલ્મી ગીતો વધારે સાંભળેલ હતાં, પણ દિલકી બાત કહી નહીં જાતી (ગીતકાર મિર તકી મીર), હાયે મહેમાન કહાં તે ગ઼મ-એ-જાના હોગા (ગીતકાર: દાગ દહેલવી) અને દિયા યે દિલ અગર ઉસકો બશર હૈ ક્યા કહિયે (ગીતકાર: મિર્ઝા ગ઼ાલિબ) જેવી  રચનાઓ જે ખુબ સાંભળેલી હતી, પણ તેમના સંગીતકાર તાજ અહમદ ખાન છે તે તો ઉપરોક્ત પ્રસંગો નિમિત્તે મોહમ્મ્દ રફીનાં ગૈર-ફિલ્મી ગીતોને વ્યવસ્થિત રીતે દસ્તાવેજિત કરતી વખતે જ ધ્યાન પર આવ્યું. એટલે મોહમ્મદ રફીની ૪૩મી પુણ્યતિથીની અંજલિ માટે મોહમ્મદ રફીનાં ઉસ્તાદ તાજ અહમદ ખાન દ્વરા સંગીતબદ્ધ કરાયેલાં ગૈર-ફિલ્મી ગીતોનો એક અલગ મણકો કરવો એમ નક્કી કર્યું.

નેટ પર ઉસ્તાદ તાજ અહમદ ખાન વિશેની શોધખોળ પછી પણ તેઓ એક સંગીતકાર, ગાયક અને હાર્મોનિયમ વાદક હતા તે સિવાય તેમને વિશે ખાસ કોઈ માહિતી નથી મળી શકી. કોઈ કોઇ જગ્યાએ એવું જણાવાયું છે કે તેઓએ શાસ્ત્રીય સંગીતનાં ગાયિકા શુભા જોશી, મોહમ્મદ રફી, તલત મહમુદ વગેરે જેવાં ઘણાં ગાયકોને સંગીતની તાલીમ આપેલી. જોકે તેમણે સ્વરબદ્ધ કરેલ, અપનોંકે સિતમ હમ સે બતાયેં નહીં જાતે (બેગમ અખ્તર - ગીતકારઃ સુદર્શન ફકીર), હમ તો યું અપની ઝિંદગીસે મિલે (શોભા ગુર્તુ - ગીતકારઃ સુદર્શન ફકીર), દિલમેં અબ યું તેરે દિયે ગમ યાદ આતે હૈ (શુભા જોશી - ગીતકારઃ ફૈઝ અહમદ ફૈઝ)કોઈ આરઝૂ નહીં અને દિલકે બહેલાનેકી તબદીર તો હૈ (તલત મહમુદ - ગીતકારઃ શકીલ બદાયુની) જેવા જાણીતાં ગાયકો દ્વારા ગાયેલી કેટલીક રચનાઓ યુ ટ્યુબ પર તો મન ભરીને સાંભળવા મળે છે.

તાજ અહમદ ખાને જે ગઝલો મોહમ્મદ રફીના સ્વરમાં રજુ કરી છે તે બધી જ શુદ્ધ ઉર્દુ કે ફારસી ભાષામાં લખાયેલ પદ્યરચનાઓ છે. એટલે એ શબ્દોના અર્થ જાણવા માટે ક્યાં તો ઉર્દુ શબ્દકોશ કે પછી ગુગલની જ મદદ લેવી પડે. પણ એમ કરતાં ગઝલની શ્રવણીયતા  માણાવાનું એક તરફ રહી જાય. એટલે ગઝલનો ભાવ જાણી શકાય એટલી જ વિગત મુકીને સંતોષ માની લીધો છે. આમ પણ આપણો મુળ આશય તો તાજ અહમદ ખાનની  ગૈર - ફિલ્મી રચનાઓનું વૈવિધ્ય ઝીલવામાં મોહમ્મ્દ રફી પણ કેવા સહજ બની જાય છે એ માણવાનો છે ને ! તો ચાલો, હવે આપણે આજના વિષય, મોહમ્મદ રફીનાં ઉસ્તાદ તાજ અહમદ ખાન દ્વારા સંગીતબદ્ધ કરાયેલાં ગૈર-ફિલ્મી ગીતો અને ગઝલો તરફ આપણું ધ્યાન કેન્દ્રીત કરીએ.       

એક હી બાત ઝમાનેકી કિતાબોંમેં નહીં.... જો ગ઼મ -એ - દોસ્તમેં નશા હૈ શરાબોંમેં નહીં - રચનાઃ સુદર્શન ફ઼ાક઼ીર

વાંસળીના મૃદુ સુરની સાથે રફીનું હં... અ .. અ નું મનોમન ગણગણવું આપણને પણ મનોવિચારમાં ઉતારી લઈ જાય છે. બસ, પછી તો શાયરની સાથે સાથે આપણે પણ જીવનની કિતાબમાં ન લખાયેલ વાતોની યાદમાં ખોવાઈ જઈએ છીએ.



ફ઼લસફે ઈશ્ક઼ મેં પેશ આયે સવાલોંકી તરહ, હમ પરેશાં હી રહે અપને ખયાલોં કી તરહ - રચનાઃ સુદર્શન ફ઼ાક઼ીર

વિચારમગ્ન દશામાં ખોવાયેલ શાયરની એક બીજી ગઝલ, પણ તાજ અહમદ ખાન તેને ગમની વ્યથાની ધીમે ધીમે ઝુલસતી તડપના ભાવમાં રજુ કરે છે. 



તલ્ખી-એ-મય મેં ઝરા તલ્ખી-એ-દિલ ભી ઘોલેં.. ઔર કુછ દેર યહાં બૈઠ કર પી લેં રો લેં - રચનાઃ કૃષ્ણ અદીબ

મદ્યની કડવાશના નશામાં દિલની કડવાશ પણ ઘોળી જઈને બે ઘડી રોઈ લેવાની કોશિશ સમયે જે થોડો સમય બેફિકરાશની અનુભૂતિ થાય તેને મોહમ્મદ રફી પોતાની ગાયકીમાં વ્યક્ત કરી રહે છે. 



ન શૌક઼ -એ - વસ્લ કા મૌકા ન જ઼િક્ર -એ-આશ્નાઈ કા, મૈં એક નાચીજ઼ બંદા ઔર ઉસે દાવા ખુદાઈ  કા - રચનાઃ અમીર મીનાઈ 

મોહમ્મદ રફીના સ્વરની આવી મિઠાશ ફિલ્મી ગીતોમાં ભાગ્યે જ સાંભળવા મળતી હશે. 



સાક઼ી કી હર નિગાહ પે બલ્ખા કે પી ગયા લહરોં સે ખેલતા હુઆ લેહરોંકો પી ગયા  - રચનાઃ જિગર મોરાદાબાદી 

પ્યાલીઓ પર પ્યાલીઓ પી જવા માટે સાક઼ીની મદહોશ કરતી નજરનું બહાનું ભલે કરે પણ ખરેખર તો જમાનાની આસર હેઠળ કરેલ પોતાની ભુલો માટે માફી માગવામાં દિલની વ્યથા ઠલવાઈ રહી છે. 

રાજન પી પર્રિકરના બ્લોગ પર ગઝલની રચનાને રાગ તોડીમાં બતાવાઈ છે. 

મોહમમ્દ રફીનાં ગીતો બહુ અભ્યાસપૂર્ણ રીતે પોતાના અવાજમાં રજુ કરતા કલાકાર સંજીવ રામભદ્રને મોહમ્મદ રફીની ૪૦મી પુણ્યતિથિ જે ૪૦ ગીતો રજુ કર્યાં હતાં તેમાં આ ગઝલની પસંદગી કરી હતી. તેના પરથી આ ગઝલ પણ મોહમ્મદ રફીની ગાયકીનો કેવો આદર્શ નમુનો હશે તે કલ્પી શકાય.  



હળવે હાથે આડવાતઃ 

જગજિત સીંઘે  આ ગઝલને પંજાબી થાટમાં મૈં ઝિંદગીકા સાથ નિભાતા ચલા ગયાની ધુન પર પોતાના એક કાર્યક્રમમાં રમતી મુકી હતી.

હમકો મિટા સકે યે જ઼માનેમેં દમ નહીં, હમસે જ઼માના ખુદ હૈ જ઼માને સે હમ નહીં - રચનાઃ જિગર મોરાદાબાદી

પોતાના હોવા માટે જે ગરૂર ગઝલમાં વ્યક્ત થાય છે તેને મોહમ્મદ રફી આત્મવિશ્વાસપૂર્ણ બેફિકરાઈથી રજુ કરે છે. અંતરામાં આવતાં આ બેફિકરાઈની સાથે વિચારમગ્ન થવાની અનુભૂતિ પણ ભળે છે.



જલવા બક઼દ્ર-એ-ઝર્ફ-એ-નજ઼ર દેખતે રહે ક્યા દેખતે હમ ઉનકો મગર દેખતે રહે - રચનાઃ જિગર મોરાદાબાદી

અહીં જિગર મોરાદાબાદી રોમેન્ટીક ભાવમાં છે. તેઓ કહે છે કે એમનાં દર્શનની ભવ્યતાને કદરભરી નજરથી જોઈ રહ્યા સિવાય બીજું કશું કરી જ શકાય તેમ નહોતું. તાજ મોહમ્મ્દ ખાન મોહમ્મદ રફીના સ્વરમાં આ અભિભૂતિને સાકાર કરે છે.

તાજ અહમદ ખાન અને રફીનાં સંયોજનની ખુબીને સમજવા માટે આપણે આ જ ગઝલને આબીદા પરવીનના સ્વરમાં સાંભળીએ –

ગઝલ ગાયકીની આ શૈલીમાં પદ્યના ભાવને બદલે ગાયકીને વધુ મહત્ત્વ અપાતું હોય છે. 


મૈને જબ સે તુજ઼ે જાન -એ-ગઝલ દેખા હૈ ... મુસ્કુરાતા હુઆ ઈસ દિલમેં કમલ ખિલતા હૈ - રચનાઃ સબા અફઘાની

જેને જોતાંવેંત દિલમાં કમલ ખીલવા માંડે, એની નજર સાથે નજર મળે તો એની પલકોંની ઘેરી છાયામાં તાજ મહલ દેખાય, જેમનાં સ્મિતમાં નવપલ્લવિત કળીયોની તાજગી છે, જેમની અવાજમાં મસ્તીથી વહેતાં ઝરણાંનો કલકલાટ છે, જેના હોઠ પરનું સ્મિત, કપાળમાં પડતા સલ કે લહરાતી ઝુલ્ફમાં પ્રભાતની હવાની ખુશનુમા આત્મા છે  એવી પ્રિયતમાની યાદને વર્ણવતી આ ગઝલ રફી એક અનોખી મૃદુતાથી રજુ કરે છે.



જીને કા રાઝ મૈંને મોહબ્બતમેં પા લિયા ... જિસકા ભી ગમ હુઆ ઉસે અપના બના લિયા - રચનાઃ મિર્ઝા ગાલિબ 

પ્રેમનું રહસ્ય સંબંધોમાં દિલને પહોંચતી ઠેસને સ્વીકારી લેવામાં છે. એ દુખની અસર રોવાથી ઓછી નથી થતી પણ હાસ્યની આડશ તેને સંતાડવામાં  અસરકારક નીવડે છે.  જો આપણી વાત સાંભળનાર ન મળે તો સામે અરીસો રાખીને વાત કહી જ દેવી. ગાલિબની આ જિંદાદીલ જીવનદૃષ્ટિને મોહમ્મદ રફી એટલી સહજતાથી કહી શકે છે.



મૈંને સોચા થા અગર મૌત સે પહલે પહલે, મૈંને સોચા થા અગર દુનિયા કે વીરાનોંમેંમૈંને સોચા થા અગર હસ્તીકે શમશાનોંમેં,  કિસી ઇન્સાન કો બસ એક ભી ઇન્સાનકી ગર સચી બેલાગ મુહબ્બત મિલ જાય - રચનાઃ મિર્ઝા ગાલીબ 

માણસની અપેક્ષાઓ તો અપાર, અનંત, અખૂટ જ હોય છે. મોટા ભાગની એવી અપેક્ષાઓ અધુરી જ રહેવા પામતી હોય છે, તો પણ માનવીનું મન એ ઉમ્મીદોને ટેકે ટેકે જીવન સાગર પાર કરી લેવાની મનસા છોડી નથી શકતો. ગાલિબની ગઝલોમાં જે ગહન જીવનદૃષ્ટિ હોય છે તે અહીં પણ એટલી જ ઊંડાણથી કહેવાઈ છે. 



યું બેખુદી સે કામ લિયા હૈ કભી કભી અર્સ-એ- બરી કો થામ લિયા હૈ કભી કભી .... મૈંને તુમ્હેં પુકાર લિયા હૈ તો ક્યા જ઼ુલ્મ કિયા તુમને ભી મેરા નામ લિયા હૈ કભી કભી   - રચનાઃ મિર્ઝા ગાલીબ 

પ્રિયતમાને યાદ કરી લેવાની મુર્ખતા કરી લીધી તો એવડો કયો મોટો ગુનો કરી નાખ્યો એવી ફરિયાદ મોહમ્મ્દ રફીના સ્વરની તડપમાં ધારદાર અનુભવાય છે. 

https://youtu.be/BC3IBiypDcU

નક઼ાબ રૂખસે ઉઠાયે મેરે નસીબ કહાં, વો મુજ઼કો અપના બનાયે મેરે વો નસીબ કહાં - રચનાકાર જાણી નથી શકાયા 

પ્રિયતમાની એક ઝલક માટે પણ સમાજનાં જે બંધનો આડે આવે છે, તેમ છતાં જો એ, બસ, એક પળ  પણ મળે તો પણ કેવાં સદનસીબ .... બીચારો પ્રેમી આનાથી વધારે દાદ પણ શું માગે !



કિતની રાહત હૈ દિલ ટૂટ જાને કે બાદ .. જિંદગીસે મિલે મૌત આને કે બાદ – રચના : શમીમ જયપુરી

દિલ તૂટ્યા પહેલાની પીડા ભોગવતા રહેવા કરતાં એક વાર તે તૂટી જાય તો જે કાયમની રાહત મળવાની પણ જે નિરાંત છે તેની ટીસ મોહમ્મદ રફીના સ્વરમાં ઘુંટાય છે.



છેલ્લે એક ગીત સાંભળીએ -

ફલક સે ઉતરે ઝમીં પર તારે  ...  ચિરાગ બન બનકે ઝીલમીલાયે ... કહાંસે આયી હૈ યે દિવાલી ખુશી કે નગમેં દીલોંને ગાયે - રચનાઃ મધુકર રાજસ્થાની 

દિવાળીના અવસરની ખુશીને મધુકર રાજસ્થાનીએ જેટલા અલગ અંદાજમાં વર્ણવી છે એટલા જ અનોખા ભાવમાં તાજ અહમદ ખાન એ ખુશીને સંગીતમાં ઝીલી લે છે. 



હાલ પુરતી તો મને આટલી જ રચનાઓ મળી છે, પણ મોહમ્મદ રફીએ ગાયેલ તાજ મોહમ્મ્દ ખાનની અન્ય રચનાઓ પણ આપ સૌનાં ધ્યાનમાં આવે તો જરૂર જણાવશો.

Thursday, December 29, 2022

મોહમ્મદ રફીનાં ગુજરાતી ગીત અને ગઝલ - ભૂલે ચૂકે મળે તો મુલાકાત માગશું

 

મોહમ્મદ રફી (જન્મ: ૨૪ ડિસેમ્બર, ૧૯૨૪ – ઇંતકાલ: ૩૧ જુલાઈ ૧૯૮૦)ની ૯૮મી જન્મજયંતિની યાદાંજલિ

૩૧ જુલાઇ, ૨૦૨૧ના રોજ ,મોહમ્મદ રફીની ૪૧મી પુણ્યતિથિના રોજ ક્યા યાદ તુમ્હેં હમ આયેંગે    ૨૪ ડિસેંબર ૨૦૨૧ના રોજ ૯૭મી જન્મજયંતિએ મેરે ગીતોંકા સિંગાર હો તુમ શીર્ષક હેઠળ મોહમમ્દ રફીનાં હિંદી ગૈરફિલ્મી માટે યુ ટ્યુબ પર શોધખોળ કરતો હતો ત્યારે સાથે સાથે તેમનાં ગુજરાતી ગૈરફિલ્મી ગીતો પણ હાથે ચડી રહ્યાં હતાં. '૭૦ના દાયકામાં એ ગીતો રેડીઓ પર ખુબ સાંભળવા મળતાં. એટલે મોહમ્મદ રફીની આજે ૯૮મી જન્મજયંતિની અંજલિ પણ એ ગૈરફિલ્મી ગુજરાતી ગીતોને યાદ કરીને આપીએ એવું મનમાં વસ્યું.

જોકે યુ ટ્યુબ પર તો ત્રણ ખુબ જાણીતાં જ ગુજરાતી ગૈર ફિલ્મી ગીતો મળ્યાં.  એટલે નજર દોડાવી માવજીભાઈ.કોમના ગીત ગુંજન વિભાગમાંના ગુજરાતી ગીતોપર. અહીં પણ મેં ધારી હતી એ માત્રામાં મોહમ્મદ રફીનાં ગુજરાતી ગૈર ફિલ્મી ગીતો ન મળ્યાં. એટલે ગુજરાતી ફિલ્મોનાં મોહમ્મદ રફીએ એવાં ગીતોને અહીં સમાવવાનું નક્કી કર્યું જે હિંદી ફિલ્મોના સંગીતકારોએ સંગીતબદ્ધ કર્યાં હોય.

એકંદરે મોહમ્મદ રફીનાં અવિનાશ વ્યાસ રચિત 'નૈન ચક્ચુર છે' કે દિલીપ ધોળકિયા રચિત 'મીઠડી નજરૂં વાગી' જેવાં ખુબ લોકપ્રિય ગીતો ઉપરંત કેટલાંક ઓછાં જાણીતાં ગીતો સાંભળવાની તક મળી તેનો તો સંતોષ થયો જ પણ તે સાથે મોહમ્મદ રફીનાં આ તબક્કે ઉપલબ્ધ ગુજરાતી ગીતોને એક સાથે સાંભળવાની તક મળી.

હિંદી ગૈરફિલ્મી ગીતોની જેમ ગુજરાતી ગૈર ફિલ્મોના પણ તત્ત્વતઃ એવી કાવ્ય રચનાઓ છે જેમાં મોહમ્મદ રફીના સ્વરની વિવિધ ઉર્મિઓની રજુઆત અનુભવી શકાય. જે ગુજરાતી ફિલ્મી ગીતો મળ્યાં છે તે બધાં જ બેકગ્રાઉંન્ડ પ્રકારનાં જ ગીતો છે. આવું થવા પાછળનાં કારણો ગુજરાતી ફિલ્મોના પ્રવાહોના અભ્યાસ કરનાર વિવેચકો અને ઇતોહાસકારો જ કહી શકે.  તેથી આપણે તો એ ગીતોને એક સાથે સંભળવાની મજા માણીને મોહમ્મદ રફીને તેમની ૯૮મી જન્મજયંતિની યાદાંજલિ આપીએ.    

ભૂલે ચૂકે મળે તો મુલાકાત માગશું, શણગારવા હૃદયને એક આઘાત માગશું – (૧૯૭૧)  - ગીતકાર: બદરી કાચવાલા - સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય

પ્રણયમાં વિઘ્નો કે નિષ્ફળતાને કારણે હૃદયભગ્ન પ્રેમીની લાગણીઓને વાચા આપતી પદ્ય રચનાઓ ગૈર ફિલ્મી ગીતો માટે એક બહુ આદર્શ વિષય બની રહે છે.

અહીં કવિ પ્રેમીને 'જેની સવાર ના પડે એ રાત માંગશું' એવી પહેલી મુલાકાત સુદ્ધાં ઈચ્છતો બતાવે છે. પ્રેમી જાણે છે કે 'માન્યું કે જેને મળવું છે તેઓ નહિ મળે' તો પણ તે સકારાત્મક દૃષ્ટિએ 'મૃત્યુ પછીની લાખ મૂલાકાત માંગશું' ની અભિલાષા સેવે છે.

નિરાશામાંના આશાવાદી સુરને સંગીતકાર અને ગાયકે અહીં તાદૃષ કરેલ છે.



કહું છુ જવાની ને પાછી વળી જા, કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે - ગીતકાર: અવિનાશ વ્યાસ - સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય

અહીં પણ કવિ આશાવાદનો સુર ઘૂટે છે.

મનને ન ગમતું ઘડપણનું ડહાપણ
પણ તન તારું સગપણ ભુલાવી રહ્યું છે..

અને પ્રેમી આજે પણ જીવનનાં રંગીન સ્વપ્નાં જૂએ છે.



દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી - (૧૯૭૦) ગીતકાર:  ‘ગનીદહીંવાલા - સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય

જુદાઈના દિવસો પણ મિલન સુધી જ લઈ જશે એ આશાવાદ કેવો પ્રેરક છે. 

ગની દહીવાળાની સર્વોત્તમ રચનાઓ પૈકી અગ્રણી એવી આ રચનાને સંગીતકાર અને ગાયક બન્નેએ કેવો ભાવવાહી ન્યાય કર્યો છે !


પાગલ છું તારા પ્યારમાં પાગલ છું તારા પ્યારમાં અલી ઓ... - ગીત-સંગીતઃ જયંતી જોષી

અહીં વળી પ્રેમના એકરારને પરિણામે મનમાંથી છલકતા આનંદની વાત માંડી છે. 
ગીતની બાંધણી પણ એ જ ભાવને અનુરૂપ છે અને મોહમ્મદ રફીના સ્વરમાં પણ હવે વિચારમગ્નતા
કે કારુણ્ય ભાવની ગહરાઈને બદલે આનંદની છોળો ઉડે છે.




હો તારી આંખોમાં જાદુના તીર ભર્યાં રે - ? - ?

ગીતના ગીતકાર કે સંગીતકારની વિગતો નથી મળી શકતાં. પરંતુ મોહમ્મદ રફી તેમના મૂળ રંગમાં ખીલે છે.



મિલનના  દીપક સૌ  બુઝાઈ  ગયા છે, વિરહના તિમિર પણ ગહન થઈ ગયાં છે - સ્નેહ બંધન (૧૯૬૭) ગીતકાર: બરકત વિરાણીબેફામ’  -સંગીત: દિલીપ ધોળકીયા  

સાંભળતાંવેંત, આ ગીત ફિલ્મમાં બેકગ્રાઉંડમં મુકાયું હોય તેમ જણાઈ આવે. ગીતની બાંધણી પણ એ જ પ્રમાણે કરી લાગે છે. પણ ગીતના બોલ ધ્યાનથી સાંભળતાં જે વાત ખાસ ધ્યાન પર આવ્યા વિના નથી રહેતી તે છે ગીતમાં રહેલું મૂળ કાવ્યતત્વ. આખું કાવ્ય વિરહની ઊંડી વેદનાનું એટલું હૃદયસ્પર્શી વર્ણન કરે છે કે રેકોર્ડ પર જે પંક્તિઓ નથી સમાવાઇ

કવિ-દિલ વિના પ્રકૃતિના સિતમને

બીજું કોણ 'બેફામ' સુંદર બનાવે

મળ્યાં દર્દ અમને જે એના તરફથી

અમારા તરફથી કવન થઈ ગયાં છે

તેનો અફસોસ નથી રહેતો.

  

કર્મની ગત કોણે જાણી? - મોટી બા (૧૯૬૬) - ગીતકાર દુશ્યંત જોગીશ - સંગીત વસંત દેસાઈ

ઊંચા સુરમાં થતા ઉપાડથી શરૂ થતું ભજનના ઢાળમાં રચાયેલાં ગીતનું દરેક અંગ સર્વાંગપણે બેકગ્રાઉંડ ગીતોના પ્રકારનું નિરૂપણ છે. 

વસંત દેસાઈએ હિંદી ફિલ્મોમાં મોહમ્મદ રફીના સ્વરનો બહુ વ્યાપકપણે પ્રયોગ નથી કર્યો. આ ફિલ્મમાંનાં એક અન્ય રોમેંટીક યુગલ ગીતમં પણ એ સમયે જેમ વધારે ચલણ હતું તેમ મહેંદ્ર કપુરનો સ્વર પ્રયોજવામાં આવ્યો છે. એ દૃષ્ટિએ બેકગ્રાઉંડ ગીત માટે મોહમ્મદ રફીની પસંદગી ધ્યાનપાત્ર જરૂર લાગે. 


વિધિએ લખેલી વાત કોઈએ ન જાણી - વિધિના લેખ (૧૯૬૯)ગીતઃ પિનાકીન શાહ સંગીત: સુરેશ કુમાર

કોપી બુક બેકગ્રાઉંડ ગીત છે પણ સંગીતકાર સાવ જ અજાણ્યા છે.



કંધોતર દિકરાની મોંઘી જનેતા આજ અધવચ્ચમાં હડદોલા ખાય .... અરે આજ કળીએ કાળજડાં કપાય - પિયરવાટ (૧૯૭૮) - ગીતકાર સુરેન ઠાકર 'મેહુલ' - નવીન કંથારિયા

ગૂજરાતી ગીતોમાં માની વેદનાના બહુ સચોટ વર્ણનો થતાં આવ્યાં છે. અહીં એ પરંપરા જળવાઈ રહે છે.



તમારી નજર વિંધી અમારા જિગરને ગઈ  - જે પીડ પરાઈ જાણે (૧૯૮૨) - ગીતકાર અમરસિંહ લોઢા - સંગીત વનરાજ ભાટીયા

વનરાજ ભાટીઆએ પણ મોહમ્મદ રફીના સ્વરનો બહુ ઉપયોગ નથી કર્યો. પરંતુ  ધીમી લયમાં ઘૂંટાતાં દર્દની વ્યથા વ્યક્ત કરવા તેમણે મોહમમ્દ રફીના સ્વરનો , રફીની કારકિર્દીના છેક અંતકાળમં પણ, પ્રયોગ કર્યો છે તે વાત ધ્યાન ખેંચે છે.



આ સિવાય જો મોહમ્મદ રફીએ ગાયેલં અન્ય ગૈર ફિલ્મી ગીતોની આપને ધ્યાનમાં હોય તો અહીં પ્રતિભાવમાં જરૂરથી જાણ કરશો.