Thursday, December 29, 2022

મોહમ્મદ રફીનાં ગુજરાતી ગીત અને ગઝલ - ભૂલે ચૂકે મળે તો મુલાકાત માગશું

 

મોહમ્મદ રફી (જન્મ: ૨૪ ડિસેમ્બર, ૧૯૨૪ – ઇંતકાલ: ૩૧ જુલાઈ ૧૯૮૦)ની ૯૮મી જન્મજયંતિની યાદાંજલિ

૩૧ જુલાઇ, ૨૦૨૧ના રોજ ,મોહમ્મદ રફીની ૪૧મી પુણ્યતિથિના રોજ ક્યા યાદ તુમ્હેં હમ આયેંગે    ૨૪ ડિસેંબર ૨૦૨૧ના રોજ ૯૭મી જન્મજયંતિએ મેરે ગીતોંકા સિંગાર હો તુમ શીર્ષક હેઠળ મોહમમ્દ રફીનાં હિંદી ગૈરફિલ્મી માટે યુ ટ્યુબ પર શોધખોળ કરતો હતો ત્યારે સાથે સાથે તેમનાં ગુજરાતી ગૈરફિલ્મી ગીતો પણ હાથે ચડી રહ્યાં હતાં. '૭૦ના દાયકામાં એ ગીતો રેડીઓ પર ખુબ સાંભળવા મળતાં. એટલે મોહમ્મદ રફીની આજે ૯૮મી જન્મજયંતિની અંજલિ પણ એ ગૈરફિલ્મી ગુજરાતી ગીતોને યાદ કરીને આપીએ એવું મનમાં વસ્યું.

જોકે યુ ટ્યુબ પર તો ત્રણ ખુબ જાણીતાં જ ગુજરાતી ગૈર ફિલ્મી ગીતો મળ્યાં.  એટલે નજર દોડાવી માવજીભાઈ.કોમના ગીત ગુંજન વિભાગમાંના ગુજરાતી ગીતોપર. અહીં પણ મેં ધારી હતી એ માત્રામાં મોહમ્મદ રફીનાં ગુજરાતી ગૈર ફિલ્મી ગીતો ન મળ્યાં. એટલે ગુજરાતી ફિલ્મોનાં મોહમ્મદ રફીએ એવાં ગીતોને અહીં સમાવવાનું નક્કી કર્યું જે હિંદી ફિલ્મોના સંગીતકારોએ સંગીતબદ્ધ કર્યાં હોય.

એકંદરે મોહમ્મદ રફીનાં અવિનાશ વ્યાસ રચિત 'નૈન ચક્ચુર છે' કે દિલીપ ધોળકિયા રચિત 'મીઠડી નજરૂં વાગી' જેવાં ખુબ લોકપ્રિય ગીતો ઉપરંત કેટલાંક ઓછાં જાણીતાં ગીતો સાંભળવાની તક મળી તેનો તો સંતોષ થયો જ પણ તે સાથે મોહમ્મદ રફીનાં આ તબક્કે ઉપલબ્ધ ગુજરાતી ગીતોને એક સાથે સાંભળવાની તક મળી.

હિંદી ગૈરફિલ્મી ગીતોની જેમ ગુજરાતી ગૈર ફિલ્મોના પણ તત્ત્વતઃ એવી કાવ્ય રચનાઓ છે જેમાં મોહમ્મદ રફીના સ્વરની વિવિધ ઉર્મિઓની રજુઆત અનુભવી શકાય. જે ગુજરાતી ફિલ્મી ગીતો મળ્યાં છે તે બધાં જ બેકગ્રાઉંન્ડ પ્રકારનાં જ ગીતો છે. આવું થવા પાછળનાં કારણો ગુજરાતી ફિલ્મોના પ્રવાહોના અભ્યાસ કરનાર વિવેચકો અને ઇતોહાસકારો જ કહી શકે.  તેથી આપણે તો એ ગીતોને એક સાથે સંભળવાની મજા માણીને મોહમ્મદ રફીને તેમની ૯૮મી જન્મજયંતિની યાદાંજલિ આપીએ.    

ભૂલે ચૂકે મળે તો મુલાકાત માગશું, શણગારવા હૃદયને એક આઘાત માગશું – (૧૯૭૧)  - ગીતકાર: બદરી કાચવાલા - સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય

પ્રણયમાં વિઘ્નો કે નિષ્ફળતાને કારણે હૃદયભગ્ન પ્રેમીની લાગણીઓને વાચા આપતી પદ્ય રચનાઓ ગૈર ફિલ્મી ગીતો માટે એક બહુ આદર્શ વિષય બની રહે છે.

અહીં કવિ પ્રેમીને 'જેની સવાર ના પડે એ રાત માંગશું' એવી પહેલી મુલાકાત સુદ્ધાં ઈચ્છતો બતાવે છે. પ્રેમી જાણે છે કે 'માન્યું કે જેને મળવું છે તેઓ નહિ મળે' તો પણ તે સકારાત્મક દૃષ્ટિએ 'મૃત્યુ પછીની લાખ મૂલાકાત માંગશું' ની અભિલાષા સેવે છે.

નિરાશામાંના આશાવાદી સુરને સંગીતકાર અને ગાયકે અહીં તાદૃષ કરેલ છે.



કહું છુ જવાની ને પાછી વળી જા, કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે - ગીતકાર: અવિનાશ વ્યાસ - સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય

અહીં પણ કવિ આશાવાદનો સુર ઘૂટે છે.

મનને ન ગમતું ઘડપણનું ડહાપણ
પણ તન તારું સગપણ ભુલાવી રહ્યું છે..

અને પ્રેમી આજે પણ જીવનનાં રંગીન સ્વપ્નાં જૂએ છે.



દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી - (૧૯૭૦) ગીતકાર:  ‘ગનીદહીંવાલા - સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય

જુદાઈના દિવસો પણ મિલન સુધી જ લઈ જશે એ આશાવાદ કેવો પ્રેરક છે. 

ગની દહીવાળાની સર્વોત્તમ રચનાઓ પૈકી અગ્રણી એવી આ રચનાને સંગીતકાર અને ગાયક બન્નેએ કેવો ભાવવાહી ન્યાય કર્યો છે !


પાગલ છું તારા પ્યારમાં પાગલ છું તારા પ્યારમાં અલી ઓ... - ગીત-સંગીતઃ જયંતી જોષી

અહીં વળી પ્રેમના એકરારને પરિણામે મનમાંથી છલકતા આનંદની વાત માંડી છે. 
ગીતની બાંધણી પણ એ જ ભાવને અનુરૂપ છે અને મોહમ્મદ રફીના સ્વરમાં પણ હવે વિચારમગ્નતા
કે કારુણ્ય ભાવની ગહરાઈને બદલે આનંદની છોળો ઉડે છે.




હો તારી આંખોમાં જાદુના તીર ભર્યાં રે - ? - ?

ગીતના ગીતકાર કે સંગીતકારની વિગતો નથી મળી શકતાં. પરંતુ મોહમ્મદ રફી તેમના મૂળ રંગમાં ખીલે છે.



મિલનના  દીપક સૌ  બુઝાઈ  ગયા છે, વિરહના તિમિર પણ ગહન થઈ ગયાં છે - સ્નેહ બંધન (૧૯૬૭) ગીતકાર: બરકત વિરાણીબેફામ’  -સંગીત: દિલીપ ધોળકીયા  

સાંભળતાંવેંત, આ ગીત ફિલ્મમાં બેકગ્રાઉંડમં મુકાયું હોય તેમ જણાઈ આવે. ગીતની બાંધણી પણ એ જ પ્રમાણે કરી લાગે છે. પણ ગીતના બોલ ધ્યાનથી સાંભળતાં જે વાત ખાસ ધ્યાન પર આવ્યા વિના નથી રહેતી તે છે ગીતમાં રહેલું મૂળ કાવ્યતત્વ. આખું કાવ્ય વિરહની ઊંડી વેદનાનું એટલું હૃદયસ્પર્શી વર્ણન કરે છે કે રેકોર્ડ પર જે પંક્તિઓ નથી સમાવાઇ

કવિ-દિલ વિના પ્રકૃતિના સિતમને

બીજું કોણ 'બેફામ' સુંદર બનાવે

મળ્યાં દર્દ અમને જે એના તરફથી

અમારા તરફથી કવન થઈ ગયાં છે

તેનો અફસોસ નથી રહેતો.

  

કર્મની ગત કોણે જાણી? - મોટી બા (૧૯૬૬) - ગીતકાર દુશ્યંત જોગીશ - સંગીત વસંત દેસાઈ

ઊંચા સુરમાં થતા ઉપાડથી શરૂ થતું ભજનના ઢાળમાં રચાયેલાં ગીતનું દરેક અંગ સર્વાંગપણે બેકગ્રાઉંડ ગીતોના પ્રકારનું નિરૂપણ છે. 

વસંત દેસાઈએ હિંદી ફિલ્મોમાં મોહમ્મદ રફીના સ્વરનો બહુ વ્યાપકપણે પ્રયોગ નથી કર્યો. આ ફિલ્મમાંનાં એક અન્ય રોમેંટીક યુગલ ગીતમં પણ એ સમયે જેમ વધારે ચલણ હતું તેમ મહેંદ્ર કપુરનો સ્વર પ્રયોજવામાં આવ્યો છે. એ દૃષ્ટિએ બેકગ્રાઉંડ ગીત માટે મોહમ્મદ રફીની પસંદગી ધ્યાનપાત્ર જરૂર લાગે. 


વિધિએ લખેલી વાત કોઈએ ન જાણી - વિધિના લેખ (૧૯૬૯)ગીતઃ પિનાકીન શાહ સંગીત: સુરેશ કુમાર

કોપી બુક બેકગ્રાઉંડ ગીત છે પણ સંગીતકાર સાવ જ અજાણ્યા છે.



કંધોતર દિકરાની મોંઘી જનેતા આજ અધવચ્ચમાં હડદોલા ખાય .... અરે આજ કળીએ કાળજડાં કપાય - પિયરવાટ (૧૯૭૮) - ગીતકાર સુરેન ઠાકર 'મેહુલ' - નવીન કંથારિયા

ગૂજરાતી ગીતોમાં માની વેદનાના બહુ સચોટ વર્ણનો થતાં આવ્યાં છે. અહીં એ પરંપરા જળવાઈ રહે છે.



તમારી નજર વિંધી અમારા જિગરને ગઈ  - જે પીડ પરાઈ જાણે (૧૯૮૨) - ગીતકાર અમરસિંહ લોઢા - સંગીત વનરાજ ભાટીયા

વનરાજ ભાટીઆએ પણ મોહમ્મદ રફીના સ્વરનો બહુ ઉપયોગ નથી કર્યો. પરંતુ  ધીમી લયમાં ઘૂંટાતાં દર્દની વ્યથા વ્યક્ત કરવા તેમણે મોહમમ્દ રફીના સ્વરનો , રફીની કારકિર્દીના છેક અંતકાળમં પણ, પ્રયોગ કર્યો છે તે વાત ધ્યાન ખેંચે છે.



આ સિવાય જો મોહમ્મદ રફીએ ગાયેલં અન્ય ગૈર ફિલ્મી ગીતોની આપને ધ્યાનમાં હોય તો અહીં પ્રતિભાવમાં જરૂરથી જાણ કરશો.


No comments: