Friday, December 24, 2021

મોહમ્મદ રફીનાં ગૈર-ફિલ્મી ગીત અને ગઝલ : મેરે ગીતોંકા સિંગાર હો તુમ

મોહમ્મદ રફી (જન્મ: ૨૪ ડિસેમ્બર, ૧૯૨૪ – ઇંતકાલ: ૩૧ જુલાઈ ૧૯૮૦)ની ૯૭મી જન્મજયંતિની યાદાંજલિ


૩૧ જુલાઇ, ૨૦૨૧ના રોજ ,મોહમ્મદ રફીની ૪૧મી પુણ્યતિથિના રોજ ક્યા યાદ તુમ્હેં હમ આયેંગે    શીર્ષક હોઠળ તેમનાં ગૈર ફિલ્મી ગીતો અને ગ઼ઝલોમાંથી કેટલાંક ગીતો તેમજ ગ઼ઝલોને યાદ કર્યાં ત્યારે મોહમદ રફીનાં ગૈર ફિલ્મી ગીતોની યાદોને એક લેખમાળાના ઉપક્રમે લખી શકાશે એવો સભાન ખયાલ નહોતો. પરંતુ તેમની ૯૭મી પુણ્યતિથિના સંદર્ભે એ લેખ માટે ચુંટી કાઢેલાં ગીતોમાંથી જે નહોતાં સમાવી શકાયાં તે ગીતોની યાદી પર  નજર કરતાં એમ જણાયું કે મોહમ્મદ રફીના જન્મની શતાબ્દી સુધી ઈન્ટરનેટ પરથી જેટલાં મળે તેટલાં તેમનાં ગૈર ફિલ્મી ગીતોને એક લેખમાળામાં પરોવી લેવાનો પ્રયાસ કરવામાં માત્ર વધારેમાં વધારે ગીતોને ફરીથી યાદ કરવાનો લ્હાવો જરૂર લેવો જોઇએ. પણ તે સાથે મોહમ્મદ રફીના ચાહકોએ જે જહેમત ઉઠાવીને આ બધાં ગીતોને ક્યાંય ક્યાંયથી શોધીને ઈન્ટરનેટ પર મુકવાની જે પ્રતિબધ્ધતા દાખવી છે તેમને પરોક્ષપણે બીરદાવી લેવાની તક પણ  એ રીતે ઝડપી લેવી જોઈએ.

તો આવો યાદ કરીએ મોહમ્મદ રફીનાં ગૈરફિલ્મી ગીતોના ખજાનામાંથી ગીતો અને ગ઼ઝલોનાં અન્ય કેટલાંક રત્નોને…... 

ઝિક્ર ઉસ પરિવશ કા ઔર ફિર બયાં અપના, બન ગયા વો રક઼ીબ આખિર થા જો રાઝદાન અપના – ગીતકાર: મિર્ઝા ગ઼ાલિબ – સંગીતકાર: ખય્યામ

'૬૦ના દાયકામાં ખય્યામે ગૈર ફિલ્મી ગીતોને ક્ષેત્ર આપણને અનેક ચિરસ્મરણીય રચનાઓ આપી હતી. તેમાં પણ તેમને રચેલ મોહમ્મદ રફીનાં ગૈર ફિલ્મી ગીતોની ભાત જ સાવ અનોખી હતી.

પ્રસ્તુત રચનામાં રજુ થયેલ ગ઼ાલિબની ગ઼ઝલના બોલ સામાન્ય શ્રોતાને સમજાય એટલા સહેલા તો નથી જ, પરંતુ તેના શુદ્ધ ઉ્ચ્ચારો પણ કદાચ ખબર ન હોય એમ પણ બને. પરંતુ ખય્યામે આ ગ઼ઝલની બાંધણી જે રીતે કરી છે તેમાં શ્રોતા ગ઼ઝલના ભાવમાં તો મગ્ન થઈ જ ઊઠે છે તો મોહમ્મદ રફી એ ભાવને શુદ્ધ ઉ્ચ્ચારો સાથે બરાબર ઝીલી લે છે.

સામાન્ય શ્રોતા માટે મહદ અંશે અજાણી, કદાચ થોડી અઘરી, પદ્ય રચનાની રજુઆત એવી રીતે કરવી કે શ્રોતા તેના ભાવમાં ખેંચાયા વગર રહી જ ન શકે એ તો મોટા ભાગનાં ગૈર ફિલ્મી ગીતોની રજુઆતની અલગ શૈલી જ બની રહી .


હવે જોઈએ બોલ સમજવામાં સરળ જણાતાં ગીતની રજુઆત ખય્યામ કેવી રીતે કરે છે. –

મેરે ગીતોંકા સિંગાર હો તુમ. જીવનકા પહેલા પ્યાર હો તુમ – ગીતકાર: મધુકર રાજસ્થાની સંગીતકાર: ખય્યામ 

પોતાના પહેલા પ્રેમની અસર પ્રેમીનાં જીવનનાં દરેક અંગમાં પ્રસરી રહે એ અનુભૂતિને કવિ, સંગીતકાર અને ગાયક ત્રણેય પોતપોતાની રીતે તાદૃશ કરી છે.


મોહમ્મદ રફીનાં હવે એવાં જાણીતાં ગૈર ફિલ્મી ગીતો સાંભળીશું જેના ગીતકાર કે સંગીતકારનાં કદાચ આપણે નામ પણ ન સાંભળ્યાં હોય. આ વિષય પર પણ જો ચીવટથી શોધખોળ કરીએ તો એ દરેક નામની પાછળ ગૈર ફિલ્મી ગીતોના ખજાનાઓ મળી આવવાની સંભાવનાઓ નિશ્ચિત છે. પણ હાલ પુરતી એ વાત હવે પછી ક્યારેક….

હાયે મહેમાન કહાં તે ગ઼મ-એ-જાના હોગા, ખાના-એ-દિલ તો કોઈ રોજ઼મેં વિરાં હોગા -  ગીતકાર: દાગ દહેલવી – સંગીતકાર: તાજ અહેમદ ખાન

દાગ દહેલવી જોકે ઉર્દુ શાયરીનાં ક્ષેત્રે ઓછું જાણીતું નામ ન જ કહેવાય. જે લોકોએ ગૈર ફિલ્મી ગીતો સાથે સારો એવો મહાવરો કેળવ્યો છે તેમને તો તાજ અહેમદ ખાન નામ પણ કદાચ જાણીતું જ હશે. પરંતુ દેખીતી રીતે ગાવામાં બહુજ અઘરી જણાય એવી રચનાને એકદમ ભાવવાહી , કર્ણપ્રિય (ગૈર ફિલ્મી) રચનાઓમાં, અને તે પણ ઓછામાં ઓછાં વાદ્યોના સાથ વડે, ઢાળનાર આ તાજ અહેમદ ખાન ફિલ્મોમાં કેમ નહીં જ આવ્યા હોય એ સવાલનો જવાબ જાણવા જેવું તો ખરૂં !

તાજ મોહમદ ખાનની મોહમ્મ્દ રફીના સ્વરમાં રચાયેલી હજુ એક વધારે રચના પણ સાંભળી જ લઈએ...

દિયા યે દિલ અગર ઉસકો બશર હૈ ક્યા કહિયે, હુઆ રક઼ીબ તો હો નામબાર હૈ ક્યા કહિયે - ગીતકાર:- મિર્ઝા ગ઼ાલિબ – સંગીતકાર:  તાજ અહેમદ ખાન

'એક સમયે જેને દિલ સોંપ્યું હતું તે જ આજે પ્રેમમાં હરીફ બને તો હવે સંદેશવાહ્ક કોને બનાવીએ' જેવી તીવ્ર ઘુટનને વાચા આપતા ગ઼ાલિબના  સંયમિત બોલને એટલી જ તીવ ઉત્ક્ટતાની બાવનામાં ગીત સ્વરૂપે રજુ કરતી સંગીતમય બાંધણી એટલી જ સંયમિત હોય તેવું તાજ અહેમદ ખાન કરી બતાવે છે અને તેની તાદૃશ રજુઆત મોહમ્મદ રફી કરે છે.  



ઇન્ટરનેટ પર તાજ અહેમદ ખાન વિશે ભલે બહુ માહિતી ન જોવા મળે, પણ તેમની ગીત રચનાઓ તો મન ભરીને સાંભળવા મળે છે. પરંતુ આપણે હવે બીજા સંગીતકારો તરફ વળીશું.

કેહ કે ભી ન આયે મુલાક઼ાત કો, ચાંદ તારે ભી ખુબ હસે કલ આર્ત કો – ગીતકાર: લક્ષ્મણ શાહાબાદી – સંગીતકાર: શ્યામ શર્મા

સંગીતકારે મોહમ્મદ રફી પાસે મુખડાનો ઉપાડ એક્દમ મૃદુતાથી કરાવીને બોલમાં રહેલી પ્રેમીની ચાંદ તારોએ કરેલી હાંસીની પીડાને કેટલી પ્રેમમય આર્દ્ર રજુઆતમાં ઢાળી દીધી છે!

જી ન સકેગી પ્રીત કુંવારી મેરી સારી રાત….. અનદેખે દુખકી છાયામેં ઘેરી સારી રાત - ગીતકાર: મધુકર રાજસ્થાની – સંગીત્કાર: સુનિલ કુમાર

'જી ના સકેગી' પર જે અનોખી શૈલીમાં ભાર મુકીને ગીતના કેન્દ્ર ભાવને અદૂભૂત ઉઠાવ આપવાના સર્વહક્કો માત્ર 'સફળ' સંગીતકારોને જ સ્વાધીન હોય તેવું જરૂરી થોડું છે! એ તડપનો અંજામ કેવો આવશે તે જાણવાની ઉત્સુકતા આપણને પણ આખાં ગીત દરમ્યાન તડપાવે છે.


શામ કે દીપક જલે મન કા દીયા બુજ઼ને લગા, ચાંદની તો આ ગયી…. મધુબન મેરા જલને લગા – ગીતકાર: મધુકર રાજસ્થાની – સંગીતકાર: વિનોદ ચેટર્જી

મધુકર રાજસ્થાની તેમની કવિતામાં ઈંતજ઼ારની તડપને જે રૂપકોથી ઘુંટી છે તેને એટલી જ અસરકારક ગીતરચનામાં ઢાળવાની હિંમત તો 'અજાણ' સંગીતકાર કોઈ ગૈર ફિલ્મી ગીતનાં સ્વરુપે જ દાખવી શકે કેમકે તેને એટલી તો ખાત્રી છે કે એ ભાવને તાદૃશ કરી આપે એવા ગાયક મોહમ્મદ રફીની હૈયા ઉકલત પર પુરેપુરો વિશ્વાસ કરી શકાય !

જબ તેરે પ્યારકા અફસાના લિખા હૈ મૈને, હર જગહ અપને કો દીવાના લીખાહૈ મૈને – ગીતકાર: આશિષ કંવલ  - સંગીતકાર: મક઼બુલ / ઈક઼બાલ હુસ્સૈન

ગીતના બોલ અને તેની સંગીતમય ધુનમાં બાંધણી એ બન્ને દષ્ટિએ ગીતને હૃદયને સ્પર્શી જાય એ ભાવથી ગાયકીમાં રજુ કરવું સરળ તો નથી જ જણાતું. પણ મોહમ્મદ રફીને સાંભળીએ ત્યારે એ બધા વિચારો સૂર્યપ્રકાશ ઉગતાં સાથે વીખરાઈ જતાં ધુમ્મસ પેઠે દૂર થઈ જાય છે.….

સામાન્ય રીતે હું કોઈ પણ કામ કરતો હોઉં ત્યારે મને ગમતાં ગીતો બેકગ્રાઉન્ડમાં - કાઉન્ટર મૅલોડીની જેમ - વાગ્યા કરતાં હોય ! આ ગીત એ ગીતોમાંનું એક ગીત છે કે જેવું તે વાગવાનું શરૂ  થાય એટલે અભાનપણે જ મારૂં કામ કરતું સજાગ મન થંભી જાય…….આ ગીતોની પકડ આટલી બધી અવશ કરી નાખનારી હોય છે……..


કીસીકી યાદમેં પાયી જબ કમી હમને…. તો આંસુ સે જલા દી હૈ હમને ગીતકાર: નક્શ લ્યાલપુરી – સંગીતકાર: મક઼્બુલ / ઈક઼઼બાલ હુસ્સૈન

નક઼્શ લ્યાલપુરીની પદ્ય રચનાઓ સામાન્યપણે સરળ નથી જ હોતી, પણ અહીં સંગીતકારે તેની બાંધણી ખુબ કર્ણપ્રિય ધુનમાં કરી છે…...ગીતની એક બીજી નોંધપાત્ર બાબત મને લાગી છે તે રફીનો બહુ જવલ્લે જ સાંભળવા મળે એવા ઘેરા સુર અને તેને વધારે ઘુંટી આપવાનો અનુભવ કરાવતી રેકોર્ડિંગની તકનીક….અને તેમ છતાં આ ગીત સરવાળે તો બહુ જ ટાંચાં સાધનોથી રચાયેલું એક 'અદનું' ગૈર ફિલ્મી ગીત જ છે ! !


મોહમ્મદ રફીની તિથિની યાદને અંજલિ આપવા પુરતી મર્યાદિત તૈયારીથી કોઈ યોજના સિવાય પસંદ કરેલં ગીતોને જ્યારે લેખનાં સ્વરૂપમાં મુકી દીધી ત્યારે મોહમ્મદ રફીનાં ગૈર ફિલ્મી ગીતો દ્વારા જ મોહમ્મદ રફીની જન્મ શતાબ્દી સુધીને દરેક તિથિઓએ તેમણે ગાયેલાં ગૈર ફિલ્મી ગીતો દ્વારા અંજલિ આપતાં રહેવાનું મારાથી  નક્કી થઈ ગયું તે આટલાં ગીતો સાંભળીને આપ સૌને પણ અજુગતું નહી જણાય એ આશા સાથે  ફરી મળવાનાં વચન સાથે, અહીં, વિશ્રામ લઈએ….

No comments: