Sunday, August 1, 2021

મોહમ્મદ રફીનાં ગૈર-ફિલ્મી ગીત અને ગઝલ : ક્યા યાદ તુમ્હેં હમ આયેંગે

 મોહમ્મદ રફી (જન્મ: ૨૪ ડિસેમ્બર, ૧૯૨૪ – ઇંતકાલ: ૩૧ જુલાઈ ૧૯૮૦)ની ૪૧મી પુણ્યતિથિની યાદની અંજલિ 

’૩૦ અને ‘૪૦ના દાયકાઓમાં રેકોર્ડિંગ કંપની સમાન્યપણે ગાયકોનાં ગીતોના બધાજ પ્રકાશન હક્કો તેમની પાસે રહે એ મુજબના કરારો કરી લેતી. એ સંજોગોમાં અન્ય, નવીસવી કે રહી ગયેલી, કંપનીઓ પોતાની હાજરીની નોંધ લેવાય એટલે બીજાં ગાયકોની ગૈર-ફિલ્મી ગીતોની રેકોર્ડ બહાર પાડતી. ગૈર-ફિલ્મી ગીતોની પધ્ધતિસરની રેકોર્ડ બહાર પાડવાનાં ચલણની શરૂઆત કદાચ અહીંથી થઈ ગણી શકાય. તે પછીની પેઢીના ગાયકો તો ફ્રીલાન્સ રહેવાનું પસંદ કરવા લાગ્યા, એટલે રેકોર્ડ કંપનીઓ આખીને આખી ફિલ્મોનાં ગીતોના જ હક્કો ખરીદવાનું ચાલુ કર્યું. એટલે વળી અન્ય નાની કંપનીઓ વર્ઝન ગીતોની ગૈર-ફિલ્મી રેકોર્ડ બહાર પાડવા તરફ વળી. ’૫૦ અને ૬૦ના દાયકાઓનાં બજારલક્ષી પરિબળો ફરી નવાં સ્વરૂપે ઉભરવા લાગ્યાં હતાં, પણ તે દરમ્યાન ગૈર-ફિલ્મી ગીતોનો એક અલગ ચાહક વર્ગ ઊભો થઈ ચૂક્યો હતો, જેણે ગૈર-ફિલ્મી ગીતોના પ્રકારને એક અલગ ઓળખ બક્ષી અને એ ઓળખને વિકસાવી અને સંવારી પણ.

ફિલ્મોનાં ગીતોની સરખામણીમાં ગૈર-ફિલ્મી ગીતોની કક્ષા કઇંક અંશે ગૌણ રહેતી મનાવા છતાં એ સમયના પ્રથમ હરોળના લગભગ દરેક ગાયક માટે ગૈર-ફિલ્મી ગીતોનું અલગ સ્થાન જળવાતું રહ્યું. એ બધાં જ ગાયકોએ ગૈર-ફિલ્મી ગીતોને માટે પૂરી લગન પણ દર્શાવી. ‘૫૦ના દશકનાં ઘણાં ગાયકો માટે ‘૬૦ના દાયકાનાં શ્રોતાઓની બદલાતી પસંદને અનુરૂપ બહાર પડતો ફિલ્મી ગીતોનો ફાલ નાણાં જરૂર રળતો હતો પણ આત્મસંતોષ નહોતો આપતો. નવાં ફિલ્મી ગીતોની ચમકદમકમાં ખોવાતી જતી દેખાતી તેમની મૂળ ઓળખ તેમને ગૈર-ફિલ્મી ગીતોના શીળા છાંયડામાં મળતી અનુભવાતી. આમાંનાં કેટલાંય ગૈર-ફિલ્મી ગીતો તો એ ગાયકોની સમગ્ર કારકિર્દીનાં શ્રેષ્ઠ ગીતોમાં પણ સ્થાન પામ્યાં.

મોહમ્મદ રફી પણ આવા જ એક ગાયક હતા જેમને માટે ગૈર-ફિલ્મી ગીતો એક અલગ જ અને અનેરૂં મહત્ત્વ ધરાવતાં રહ્યાં. મોહમ્મદ રફીએ ગાયેલાં ૪૫૦૦ થી ૬૦૦૦ ગીતોના એક અંદાજમાં ગૈર ફિલ્મી ગીતોની સંખ્યાનો અંદાજ ૩૦૦થી ૭૦૦ ગીતોની વચ્ચે મનાય છે. પરંતુ, મોટા ભાગના જાણકારોના મત મુજબ, સહેલાઈથી પ્રાપ્ત રહેલ ગીતોની સંખ્યા માંડ સોએક ગીતો જેટલી હશે. આમાંના એક પણ આંકડાને સાચો યા ખોટો કહેવા માટે મારી પાસે કોઈ પૂર્ણત: વિશ્વનીય આધાર નથી. તેથી આજના આ લેખ માટેનાં ગીતોની ખોજ કરવા માટે મેં ઇન્ટરનેટ પર મળતા સંદર્ભો પર આધાર રાખ્યો છે..

એ રીતે એકઠાં કરેલાં મોહમ્મદ રફીનાં ગૈર-ફિલ્મી ગીતો અને ગઝાલોમાંથી મને ગમતાં, કેટલાંક જાણીતાં અને કેટલાંક પ્રમાણમાં ઓછાં જાણીતાં ગૈર-ફિલ્મી ગીતો અને ગઝલોને આજે મોહમ્મદ રફીની યાદમાં અહીં રજુ કરેલ છે. આ ગીતોમાં મોહમંદ રફીએ ગાયેલ ભક્તિભાવનાં ગૈર-ફિલ્મો ભજનો અને નાતને નથી આવરી લીધાં. તે જ રીતે તેમણે ગાયેલાં ગૈર-ફિલ્મી દેશપ્રેમનાં ગીતોને પણ બાકાત રાખ્યાં છે.

+ + +

’૬૦ના દાયકાના બીજા ભાગમાં રેડીયો સિલોન કે વિવિધ ભારતી કે સ્થાનિક રેડીયો સ્ટેશનો પર આવતા કેટલાક કાર્યક્રમો સાંભળતાં સાંભળતાં હિંદી ફિલ્મોનાં ગીતો સાંભળવાનો મારો શોખ કેળવાયો. ‘૭૩માં મારા પહેલા પગારમાંથી ખરીદેલ એચએમવીનાં એક સાદાં રેકોર્ડપ્લેયર અને ચાર રેકોર્ડોએ એ શોખને વધારે ઘૂંટ્યો. તે પછીથી બહુ થોડા જ સમયમાં મેં લગભગ એક દસકાથી વધારે સમયથી ચલણી રહેલી એક લોંગપ્લે કોર્ડ ખરીદી જેનું શીર્ષક હતું ‘This is Mohammad Rafi’. આ રેકોર્ડમાં એક તરફ મોહમ્મદ રફીએ ગાયેલ ગૈર ફિલ્મી ગીતો અને ગઝલો હતી અને બીજી તરફ ગૈર-ફિલ્મી ભજનો હતાં. હિંદી અને ઉર્દુ પદ્ય સાહિત્યના જાણીતા કવિઓ અને શાયરોની રચનાઓને સંગીતકાર ખય્યામે તેમની આગવી અને બીનપરંપરાગત શૈલીથી સ્વરબધ્ધ કરેલ.

હિંદી (તેમજ ગુજરાતી) ગૈર-ફિલ્મી ગીતોની મારી આજ સુધી જીવંત રહેલ ચાહતનું બીજ આ રેકોર્ડનાં અનેકવાર સાંભળવામાં રોપાયું. એ પછી મેં રફીની અન્ય ગૈર-ફિલ્મી ગીતોની રેકોર્ડો અને તે સાથે મન્ના ડે, તલત મહમુદ, સુમન કલ્યાણપુર જેવાં બીજાં ગાયકોની પણ રેકોર્ડ અને કેસેટ્સ પણ વસાવી. જોકે આ બધાં ગીતોનો હું ગંભીરપણે સંગ્રાહક ક્યારે પણ નહોતો એટલે મારો એ સંગ્રહ, અને મને સાંભળવા મળેલાં ગીતોની સંખ્યા પણ, અતિમર્યાદિત જ રહ્યાં. ખેર, એ વિષયાંતરને અટકાવીને આપણાં મૂળ વિષય તરફ પાછાં વળીએ.

મોહમંદ રફી અને ખય્યામના એ સહયોગની સાથે અનેક કહાનીઓનાં અનેક સ્વરૂપો સંકળાયેલાં છે, જેની સાથે આપણને નિસબત નથી. પરંતું આજના આ લેખની શરૂઆત આ બંનેની સહરચનાઓથી કરવા માટે તેનાથી વધારે ઉપયુક્ત કોઈ અન્ય આધાર હોઇ પણ ન શકે.

પૂછ ન હમસે દિલ કે ફસાને, ઈશ્ક કી બાતેં ઇશ્ક હી જાને – ગીતકાર: જાં નિસ્સાર અખ્તર – સંગીતકાર: ખય્યામ

પૂર્ણત: સાહિત્યિક રચના હોવા છતાં બોલ એટલા સરળ છે કે ભાવ બરાબર સમજાઈ જ જાય. એટલી જ ભાવાત્મક રીતે મોહમ્મદ રફી એ ભાવને રજૂ કરીને આપણને પણ ભાવના સમુદ્રમાં તલ્લીન કરી દે છે.


જે રેકોર્ડમાં આવાં ગીતો હોય તે ચપોચપ ઊપડતી ન રહે તો જ નવાઈ કહેવાય. કહેવાય છે કે ફાસ્ટ ગીતોને પસંદ કરતી પેઢીના સમયમાં આ રેકોર્ડે શાંત, અર્થપૂર્ણ અને ભાવવાહી ગૈર-ફિલ્મો માટે એક આગવું સ્થાન ઊભું કર્યું.

મોહમ્મદ રફીનાં અન્ય સંગીતકારોએ રચેલાં ગૈર-ફિલ્મ ગીતો તરફ વળતાં પહેલાં ખય્યામે રચેલું એક બીજું ગીત સાંભળીએ.

તુમ આઓ રૂમઝુમ કરતી પાયલકી ઝંકાર લિયે, નૈન બીછાએ બેઠા કોઈ ફૂલોંકી બહાર લિયે = ગીતકાર: મધુકર રાજસ્થાની - સંગીતકાર: ખય્યામ

હિંદી ફિલ્મોમાં તેમનાં ગીતો બહુ પ્રચલિત ન થયાં પણ ગૈર-ફિલ્મી ગીતો અને ભજનો દ્વારા મધુકર રાજસ્થાની પોતાનું આગવું સ્થાન બનાવી રહ્યા.

અહીં તેમણે હૃદયનાં ઊંડાણમાંથી ઉદભવતા પ્રેમના ધ્વનિને ગીતના બોલમાં રજૂ કર્યો છે. મોહમ્મદ રફી પણ ગીતની એ સંવેદનાને પૂરેપૂરો ન્યાય કરે છે.મોહમ્મદ રફીનાં ગૈર-ફિલ્મી ગીતો સામાન્યત: ગૈર-ફિલ્મી કવિઓ/શાયરોની રચનાઓ પર ગૈર-ફિલ્મી સંગીતકારોએ જ રેકોર્ડ કર્યાં છે. પરંતું મને ખ્યાલ છે તેમાં એક બહુ જ નોંધપાત્ર કહી શકાય એવો અપવાદ હવે પછીનું ગીત છે, જે હિંદી ફિલ્મોના બહુ જ જાણીતા ગીતકાર અને સંગીતકારે રચ્યું છે.

ઈસ દિલસે તેરી યાદ ભુલાઈ નહીં જાતી, યે પ્યાર કી દૌલત હૈ લુટાઈ નહીં જાતી – ગીતકાર: રાજેન્દ્ર ક્રુષ્ણ – સંગીતકાર: હંસરાજ બહલ

હંસરાજ બહલ – મોહમ્મદ રફીએ કે રાજેન્દ્ર કૃષ્ણ – મોહમ્મદ રફીએ આપણને અનેક યાદગાર ફિલ્મી ગીતો આપ્યાં છે.

અહીં રફી મુખડાથી જ ‘યા..દ ’ની સાથે નજાકતભરી હરકત કરે છે અને પછી ઊંચા સુરમાંથી નીચા સુરમાં સરી આવવાની તેમની હવે ખાસી જાણીતી શેલી પણ અહીં અખત્યાર કરે છે. ‘યે.. પ્યા ર કી દૌલત હૈ’ની તેમની હરકત પણ દિલમોહક છે. ફિલ્મી ગીતોની આટલી બધી ખાસીયતો છતાં પણ ગીત તત્ત્વતઃ: ગૈર-ફિલ્મી ગીતની આગવી પહેચાન જાળવી રાખે છે.


મોહમ્મદ રફીનાં ગૈર-ફિલ્મી ગીતોની એક ખાસિયત એ હતી કે એ ગીતોના સંગીતકારોમાં, અને મહદ અંશે ગીતકારો, પણ સામાન્ય શ્રોતા વર્ગને માટે બહુ જાણીતા નહોતા. ગીત કે ગઝલો તો મોટા ભાગે સાહિત્યિક રચનાઓમાંથી પસંદ કરાતાં.

આવા એક સંગીતકાર છે તાજ અહમદ ખાન. નેટ પર તેમની બહુબધી રચનાઓ સાંભળવા મળે છે. જોકે તેમના વિશે લગભગ કંઇ જ માહિતી નેટ પર નથી મળતી. ઉર્દુ પદ્ય સાહિત્યનાં ખૂબ જ સન્માનીય ગણાય એવા શાયરોની રચનાઓને તેમણે ગૈર-ફિલ્મી ગીતો સ્વરૂપે મોહમ્મદ રફીનાં સ્વરમાં સ્વરબધ્ધ કરેલ છે. આ બધી જ પદ્ય રચનાઓ સામાન્યપણે હિંદી ફિલ્મી ગીતોમાં પ્રયોજાતી રચનાઓ કરતાં સમજવામાં વધારે કઠીન પણ જણાય. પરંતુ ધુનની બાંધણી અને ગાયકીમાં એવી ખૂબી હોય કે બોલના અર્થ ન સમજાય તો પણ ગીત સાંભળ્યા કરવું જરૂર ગમે.

દિલકી બાત કહી નહીં જાતી ... ચુપકે રહના થાના હે, હાલ અગર એસા હી હે તો...જી સે જાનહ જાના હોગા – ગીતકાર: મીર તકી મીર – સંગીતકાર: તાજ અહમદ ખાન

મીર તકી મીર અઢારમી સદીના મિર્ઝા ગાલિબ જેટલા જ સન્માન્ય શાયર હતા.

આ પ્રકારની રચનાઓને અન્ય કલાકારોએ કેવી રીતે ગાઈ છે તે જાણવા પુરતું બેગમ અખ્તરના સ્વરમાં આ રચના સાંભળીએ.


ગાયકી કે ગીત રચનાની જરા સરખી પણ સરખામણીમાં ઉતર્યા વગર આ જ રચનાને તાજ અહમદ ખાને મોહમ્મદ રફીના સ્વરમાં રજૂ કરી છે તે સાંભળીશું તો સમજી શકાશે કે મોહમ્મદ રફીનાં ગૈર ફિલ્મી ગીતો કેવાં અલગ જ અંદાજમાં રચાય છે.

બંને ગાયકોએ “જાનહ જાના હોગા” માં ‘જાનહ’ અને ‘જાના’ જેવા સામાન્યપણે એક જ સરખો ઉચ્ચાર કરાતો હોય એવા બે અલગ અર્થના (જાનહ = જાન અને જાના = જવું) શબ્દોને કેટલી ચીવટ અને શુધ્ધતાથી ગાયાં છે તે ખાસ ધ્યાન આપવાજોગ છે.


ક્યા યાદ તુમ્હેં હમ આયેંગે ઈતની સી બાત બતાયેંગે – ગીતકાર: મધુકર રાજસ્થાની – સંગીતકાર: વિનોદ ચેટર્જી

મોહમ્મદ રફીનાં ગૈર-ફિલ્મી ગીતોને દરેક સંગીતકારે કેવાં અનુપમ રીતે સ્વરબધ્ધ કરેલ છે તેના અનેક શ્રેષ્ઠ ઉદાહરણો પૈકી આ એક ઉદાહરણ છે.

સીતારના બહુ જ સ્પષ્ટ રણકારનો પૂર્વાલાપ અને મોહમ્મદ રફીના આલાપનો એક નાનોસો ટુકડો તેમ જ ક્યાં... યા દ... તું.. મ્હેં...... હ.. મ... આ યેં ગે એવી શરૂઆત ગીતમાં રહેલા અરજના ભાવને પહેલેજ પગલે ઘૂંટે છે. ગીતમાં જે બોલ ફરી ફરીને આવે તે દરેકને અલગ અલગ જ અંદાજમાં રજૂ કરવાની મોહમ્મદ રફીની ‘હરકત’ ગીતના ભાવને વધારે નાજુક સ્વરૂપે રજૂ કરે છે॰

આટલું ઓછું પડતું હોય તેમ @2.25 પર ‘સ...બ.. ‘ને રફી જે રીતે લડાવે છે તે તો અદભુત છે.


નોંધ: આ ગીતના ગીતકાર અને સંગીતકારની માહિતી ઉપલબદ્ધ કરવા માટે શ્રી અરૂણ કુમાર દેશમુખે જે શ્રમ લીધો છે તેનો તો આભાર માનીએ તેટલો ઓછો પડે. તેમના મિત્ર, શ્રી દીપક ચૌધરી, પાસે આ રેકોર્ડ હાજરાહજૂર છે. !


હંસા બીચ ગગન રોયે, કોમલ પંખોં પર યે મૂરખ દેખો પરબત ઢોયે– ગીત અને સંગીત: શ્યામ શર્મા

શ્યામ શર્મા એચએમવીના કર્મચારી હતા. એચ એમ વી અને તેના જેવી રેકોર્ડ કપનીઓ પધ્ધતિસરનો સંગીત વિભાગ નીભાવતી, જે નવા નવા કલાકારોને શોધીને અથવા તો જાણીતા કલાકારો સાથે ગૈર-ફિલ્મી ગીતો રેકોર્ડ કરવામાં મદદરૂપ બનતાં. .શ્યામ શર્માએ સુમન કલ્યાણપુર સાથે પણ આ ક્ષેત્રે બહુ નોંધપાત્ર કામ કરેલ છે.


કાશ ખ્વાબોંમેં હી આ જાઓ, બહુત તન્હા હું – ગીતકાર: સબા અફઘાની – સંગીતકાર: ઇકબાલ

પોતાની એકલતાને દૂર કરવા સ્વપ્નમાં (પણ) આવી જવાની અરજ આટલા ભાવથી કોઈ પ્રેમી કરે તો કઈ પ્રેમિકા સામે જ આવીને ઊભી ન રહે !

રફી જે નાજુક ભાવથી ગીતની શરૂઆત કરે છે તે તો ખરેખર અલૌકિક જ છે. આખું ગીત સ્વગતોક્તિના સ્વરૂપે જ કહેવાય છે તે પણ કેટલું સ્પષ્ટ થઈ રહે છે !


જિને કા રાઝ મુહબ્બત મેં પા લિયા, જિસકા ભી ગમ હુઆ ઉસે અપના બના લિયા - ગીતકાર: મુઝ્ઝફર શાહજહાનપુરી – સંગીતકાર: ઇકબાલ કુરેશી

એકદમ ઘૂટાયેલો આલાપ અને એટલી જ મૃદુ બોલની શરૂઆત પ્રેમની અનુભૂતિના ભાવને એટલા સ્વાભાવિક ભાવથી રજૂ કરે છે જે કદાચ આટલી ઉત્કટતાથી વાસ્તવિક જીવનમાં પણ ન અનુભવાય !


મેં તો રાહોંમેં પડા પથ્થર હું સબ મુઝે ચુપચાપ રૌંદ કે ચલે ગયે - ગીતકાર: ? – સંગીતકાર: કમલ રાજસ્થાની

ગીતના ઉપાડથી જ એવું લાગ્યા કરે કે આ ગીત અને મૈં ટુટી હુઈ એક નૈયા હું (આદમી, ૧૯૬૮)માં ઘણી સામ્યતા છે. જોકે આ ગીત કયાં વર્ષમાં રચાયું છે તેને માહિતી મારી પાસે નથી એટલે કયું ગીત બીજાની પ્રેરણા લઈને બનાવાયું હશે એવો તુક્કો પણ ન લડાવવો જોઈએ..

ખેર, એ વાત મહત્ત્વની પણ નથી. મોહમ્મદ રફી દ્વારા નીચા સુરની રજુઆતમાં કરાયેલ ગમની પીડાની અદાયગી જ અહીં માણવાની છે. છેલ્લી કડીમાં એ વ્યથા જાણે સીમા પાર કરી જતી હોય તેમ રફી ઊંચા સુરમાં જાય છે અને પછી એવી લાગણીઓની વ્યર્થતા સમજાતી હોય તેમ પાછા મૂળ સુરમાં પાછા આવે છે.


હવે પછીનાં ગીતનો ક્રમ આ ગીત પાછળ ગોઠવવાનો બીજો કોઈ જ આશય નથી એ ચોખવટ ભારપૂર્વક કરવાની સાથે એટલું જ કહેવાનું કે આજના આ લેખનો અંત આ ગીતથી લાવવામાં માત્ર અને માત્ર તેના બોલને જ ધ્યાનમાં રાખેલ છે.

બીતે દીનોંકી યાદ સતાતી હૈ આજ ભી, ક્યા ઝમાને વાપસ નહીં આયેંગે - ગીતકાર: શકીલ બદાયુની – સંગીતકાર: નૌશાદ

ગીત ઠીકઠીક ઊંચા સુરમાં છે, પણ મોહમ્મદ રફી જરા પણ ‘લાઉડ’ નથી જણાતા..


 મોહમ્મદ રફીનાં ગૈર-ફિલ્મી ગીતો અને ગઝલોની આ યાદ ફરી કોઈ પ્રસંગે તાજા કરતાં રહીશું.

1 comment:

Samir said...

લગભગ બધા ગીતો દિલ અને દિમાગ પર અંકાયલા છે. પણ એક જ જગ્યાએ આપી ને તમે ખૂબ સરળતા ઉભી કરી આપી છે.તેના માટે ખુબ ખુબ આભાર.
ગૈર ફિલ્મી ગીતો નું એક અલગ સ્થાન છે.તેમાં કાયમ સંગીત નિયોજન માં ઓછા માં ઓછા વાદ્યો નો ઉપયોગ ન ઉપયોગ થી કેટલા હ્રદયસ્પર્શી ગીતો આપણને મળ્યા છે.
ફરી થી ખૂબ ખૂબ આભાર