Showing posts with label Manna Dey - Chale Jaa Rahein Hai. Show all posts
Showing posts with label Manna Dey - Chale Jaa Rahein Hai. Show all posts

Sunday, May 12, 2024

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૯મું સંસ્કરણ - મે ૨૦૨૪

 મન્ના ડે - ચલે જા રહેં હૈ… - ૧૯૫૭ -

મન્ના ડે - મૂળ નામ: પ્રબોધ ચંદ્ર ડે, (૧ મે, ૧૯૧૯ - ૨૪ ઓક્ટોબર, ૨૦૧૩) ની શુદ્ધ શાસ્ત્રીય ગાયકી અને અવાજની સહજ બુલંદીને કારણે હિંદી ફિલ્મ જગતે તેમને શાસ્ત્રીય સંગીત પર આધારિત ગીતો કે ધાર્મિક  ભાવનાં કે દેશભક્તિ કે કુદરતની નિશ્રામાં ગવાતાં ગીતોનાં ચોકઠામાં ગોઠવી નાખ્યા હતા. એમણે ફિલ્મના હીરો માટે, રોમાંસનાં, ગીતો નથી ગાયાં એમ તો છે જ નહીં. રાજ કપૂરનાં આવારા (૧૯૫૧) થી મેરા જામ જોકર (૧૯૭)સુધીનાં કેટલાંય ગીતો આજે પ લોકોને હોઠે છે. રાજેંદ્ર કુમાર, મનોજ કુમાર વગેરે એવા કેટલાય હીરો છે જેમની કારકિર્દીનાં શરૂઆતનાં ગીતો મન્ના ડેના સ્વરમાં હતાં, અને એટલાં સફળ રહ્યાં હતાં કે આ કલાકારોની કારકિર્દીઓને શરૂઆતનૂં ચાલક બળ મળી રહ્યું.

૧૯૫૭નું વર્ષ હિંદી ફિલ્મો માટે બહુ અનોખું હતું. '૫૦ના દાયકાના લગભગ બધા જ સંગીતકારોએ ૧૯૫૭માં એક કે એકથી વધારે ફિલ્મ કરી હશે. મન્ના ડે માટે ૧૯૫૭નું વરસ ફિલ્મો અને ગીતોની સંખ્યાની દૃષ્ટિએ બહુ ફળદાયી હતું. ગીતોના વિષય અને ભાવ બાબતે ગુણાત્મક વૈવિધ્યનાં ત્રણ ઉદાહરણો તો પાછાં બહુ જ સફળ ગીતો પણ ગાય છે. કૌન આયા મેરે મનકે દ્વારે (દેખ કબીરા રોયા -  ગીતકારઃ રાજેંદ્ર ક્રુષ્ણ - સંગીતઃ મદન મોહન), હો ઉમડ ઘુમડેકે આયી રે ઘટા ( દો આંખેં બારહ હાથ - લતા મંગેશકર અને સાથીઓ સાથે ગીતકારઃ ભરત વ્યાસ - સંગીતકારઃ વસંત દેસાઈ) કે ગુજરીયા કટતી જાયે રે ઉમરિયા ઘટતી જાય રે (મધર ઇન્ડીયા, ગીતકારઃ શકીલ બદાયુની, સંગીતકારઃ નૌશાદ) ફિલ્મમાં કયા કલાકારોએ ગાયું છે તે કદચ યાદ ન હોય, તો પણ ગીતની સફળતા તો પણ તસુભાર ઓછી નથી થતી. એટલે એમ જણાય કે નિયતિએ મનમાં એવી ગાંઠવાળી હશે કે મન્ના ડેની સફળતા જે તેમની બેડી બની રહે તેમની સફળતા નિયતિને ક્યારેય સફળતા ન લાગી! મન્ના ડે સફળ ગીત ગાય એટલે સફળ જ થાય એટલા માટે તેમને ગીતો ફાળવવાં ન આવતાં! જે ગીત કોઈ નહીં ગાઈ શકે એમ લાગે એવાં ગીતો જ તેમને ફાળે આવતાં. 

મન્ના ડેના જન્મના મહિનામાં તેમનાં આ ઓછાં સાંભળવા મળેલ, ઓછાં લોકપ્રિય થયેલ ગીતોની યાદને તાજી કરવાનો ઉપક્રમ આપણે ચલે જા રહેં હૈ લેખમાળામાં કરી રહ્યાં છીએ. અત્યાર સુધીમાં આપણે

૨૦૧૮માં મન્ના ડેનાં ૧૯૪૩થી ૧૯૪૬નાં વર્ષનાં ગીતો,

૨૦૧૯માં તેમનાં ૧૯૪૭-૧૯૫૦નાં ગીતો

૨૦૨૦માં તેમનાં ૧૯૫૧-૧૯૫૩નાં ગીતો,

૨૦૨૧માં તેમનાં ૧૯૫૪-૧૯૫૫નાં ગીતો,

૨૦૨૨માં તેમનાં ૧૯૫૬નાં ગીતો, અને,

૨૦૨૩માં તેમનાં ૧૯૫૭નાં ગીતોનો ભાગ ૧

સાંભળી ચૂક્યાં છીએ.

આજના મણકામાં આપણે ૧૯૫૭ના  મન્ના ડેનાં ગીતોને આવરી લેતી કેટલીક બીજી ફિલ્મોની વાત કરીશું.

બૈરન હો ગયી રૈના - દેખ કબીરા રોયા - ગીતકારઃ રાજેંદ્ર કૃષ્ણ - સંગીતકારઃ મદન મોહન

મન્ના ડે હવે રાગ જયજયવંતી પર આધારીત ગીત રજુ કરે છે. આ ગીત કૌન આયા મેરે મન કે દ્વારે જેટલું કદાચ લોકપ્રિય નથી થયું, પણ મન્ના ડે દ્વારા ગવાયેલાં ગીતોમાં તેનું બહુ માનભર્યું સ્થાન છે.


આડવાત

આપણા જેવા શાસ્ત્રીય સંગીતના ઓછા જાણકાર લોકોને પણ નાર્વણરાઓ શહાણે શુધ્ધ શાસ્ત્રીય ગાયકીમાં રજૂ કરેલ આ રચના સાભળવી ગમશે.

ડૉ. પ્રભા અત્રે એ આ મુખડામાં રચાયેલ રચના રાગ મિશ્ર કાનકાંગીમાં ઠુમરી શૈલીમાં રજુ કરી છે. 

દિન હોલી કા આ ગયા રંગ ડાલો - એક ગાંવકી કહાની - લતા મંગેશકર અને સાથીઓ સાથે - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતકારઃ સલીલ ચૌધરી 

ફિલ્મના નાયક, તલત મહમુદ, આવાં મસ્તીના હીલોળા લેતાં ગીતને ન્યાય ન આપી શકે એવી ગણતરીએ ગામના અન્ય લોકો હોળીના આ તહેવારની ઉજવણી કરે છે તેવી ગોઠવણી કરી હશે. એટલે પછી બે ત્રણ કલાકારો માટે સ્વર તો મન્ના ડેનો જ વાપરી લેવાયો છે.


છુક છુક છૈયા ખુબ તેરી ગાડી વાહ દેખો સૈયા - લાલ બત્તી - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી  - સંગીતકારઃ સલીલ ચૌધરી 

એ સમયમાં ફિલ્મના તેમ જ ગીતોના વિષયોમાં સમાજવાદને આવરી લેવાનું ચલણ બહુ વ્યાપક હતું.


દેસી ક્યા બિદેસી ક્યા ગોરા ભી કિતના અછ્છા કાલા ભી કિતના સુંદર, યારોં હૌઈ કૈસી પશ્ચિમ ને મન પે ડાલા પૂરબકા જાદુ મન્તર - લાલ બત્તી - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી  - સંગીતકારઃ સલીલ ચૌધરી 

સમાજવાદના રંગે રંગાયેલ જમણવારમાં પણ રોક એન રોલના મસાલા વગર તો જમણ ફીક્કું પડી જાય ! એ જ વિચારસરણીમાં રંગાયેલા સલીલ ચૌધરી પણ ફિલ્મ જગતની વ્યાવસાયિક વાસ્તવીકતાઓની માંગ બહુ સજ્જપણે પુરી કરી રહે છે. જોકે, ગીતની ધુન મનમાં રમતી રહે તેવી છે.



ટેઢી ટેઢી હમસે ફીરે સારી દુનિયા .... હર કોઈ નજ઼ર બચાકે ચલા જાયે દેખો  ... જાને કાહે કટે સારી દુનિયા - મુસાફિર - શમશાદ બેગમ સાથે - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતલારઃસલીલ ચૌધરી 

બુટ પોલિસ (૧૯૫૪)ના ચલી કૌનસે દેશ ગુજરીયા તુ સજ઼ ધજ઼ કે પછી શૈલેન્દ્ર બીજી વાર પરદા પર ગીત ગાવા આવ્યા છે. જોકે તેમનો અભિનય બહુ સચોટ છે એ બાબતની નોંધ તો લેવી રહે. ગીતમાં તેમનાં સહઅભિનેત્રી હીરા સાવંત છે.

તદુપરાંત , આ ફિલ્મ દ્વારા હૃષિકેશ મુખર્જીએ દિગ્દર્શન ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. તેથી વધારે ધ્યાન ખેંચતું પદાર્પણ કેષ્ટો મુખર્જીનું છે. અહી તેઓએ ઑટીસ્ટિક અસરથી પિડીત વ્યક્તિની ભૂમિકા કરી છે, પણ પાત્રને લાચાર નથી બનવા દીધું.

આડવાત :

બહ આશ્ચર્યની વાત છે કે મન્ના ડે અને શમશાદ બેગમે માત્ર છ ગીત જ સાથે ગાયાં છે, જેમાનાં બે તો સમુહ ગાન છે

અલ્લહ નિગેહબાન સફર હૈ ઉમ્મીદો કી નિશાની નઈ મંઝિ હૈ નયા દાના પાની - જહાજી લુટેરા - આશા ભોસલે સાથે - ગીતકારઃ સરતાજ રહમાની - સંગીતઃ બુલો સી રાની 

બુલો સી રાની જેવા ધરખમ સંગીતકાર પણ બી ગ્રેડની ફિલ્મનું ટિકિટબારી પરનાં નસીબને બદલાવી નથી શક્યા.



તન કે તંબુરેમેં દો સાંસો કે તાર બોલે જય રાધે શ્યામ જય સીતા રામ - જનમ જનમ કે ફેરે - ગીતકારઃ ભરત વ્યાસ - સંગીતઃ એસ એન ત્રિપાઠી

સરખામણી કરવાનો કોઈ અર્થ નથી પણ એક જ ફિલ્મમાં મોહમ્મદ રફીનાં પશ્ચાદભૂનાં ગીત યે હૈ જનમ જનમ કે ફેરે ગીતને ખુબ પ્રસિદ્ધિ મળે છે તો આ ગીતની ખાસ નોંધ નથી લેવાતી. 

રંગ બીરંગે ફુલોં કી ઝૂમે રે ડાલીયાં કલી કલી આંખોંકી છલકે રે પાયલીયા તુ પ્યાર કા તાર તોડ કહાં ચલા રે ઐસી પ્યારી દુનિયા કો છોડ કહાં ચલા રે - જનમ જનમ કે ફેરે - ગીતકારઃ ભરત વ્યાસ - સંગીતઃ એસ એન ત્રિપાઠી 

અહીં આપણે વર્ષના બધા રેકોર્ડ તોડી કાઢનાર મોહમ્મદ રફી - લતા મંગેશકરનાં યુગલ ગીત જરા સામને તો આ છલીએની સરખામણી કરવાનૂં મન થઈ આવે 


પીપલ તલે ઘર મેરા કબી ભુલે સે સજન મારો ફેરા - જીવન સાથી - સુધા મહોત્રા સાથે - ગીતકારઃ ડી એન મધોક - સંગીતઃ બુલો સી રાની 

'જહાજી લુટેરા'થી વિપરિત આ ફિલ્મ સામાજિક વિષયની છે. અદાકારો પણ અશોક કુમાર, ઉષા કિર્ણ, અનૂપ કુમાર, પ્રતીમા દેવી, ડેસી ઈરાની, શમ્મી, મુરાદ, જબીનલી જેવાં ધરખમ છે. તેમ છતાં નસીબે કોઈને પણ સાથ ન આપવાનું જ નક્કી કર્યૂં હશે. 


ડીંગ ડીંગ દૈયા ચલે પુરવૈયા ચલે વહીયા વહીયા હો.... કાલી ઘટાયેં આકાશમેં ઘીર આયી નૈયા ડગમગ હોકે ડોલે જી - જય અમ્બે - લતા મંગેશકર સાથે - ગીતકારઃ ભરત વ્યાસ - સંગીત શિવરામ

દક્ષિણની ફિલ્મની રીમેક હોય કે ધાર્મિક ફિલ્મ હોય એટલે ગીત કર્ણપ્રિય ન હોય એવું ક્યારે પણ નથી બનતું  જોવા મળતું. 


મતલબી યાર કિસકે, ખાયા પિયા ઔર ખિસકે - જાસૂસ - આશા ભોસલે સાથે - ગીતકારઃ ઈંદીવર - સંગીતઃ અનિલ બિશ્વાસ 

ધુન એટલી અઘરી છે કે થિયેટરમાં ફિલ્મ દરમ્યાન જ ગીત પુરૂ થયા બાદ પ્રેક્ષકોને યાદ નહીં રહ્યું હોય !


અત્યાર સુધી સાંભળ્યાં એ ૧૯૫૭નાં મન્ના ડેનાં ઓછાં સાંભળવા મળતાં ગીતો ખરેખર એટલાં ઓછાં જાણીતાં કહી શકાય એવાં છે કે આટલાં ગીતોને બરાબર સાંભળવા માટે આજના મણકાને અહીં વિરામ આપવો જોઈશે. હવે પછીના અંકમાં મન્ના ડેનાં ૧૯૫૭ માટેનાં બાકી રહેલાં ઓછાં જાણીતો ગીતોને યાદ કરીશું.


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

Sunday, May 14, 2023

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૮મું સંસ્કરણ - મે ૨૦૨૩

 મન્ના ડે - ચલે જા રહેં હૈ… - ૧૯૫૭ -

મન્ના ડે - મૂળ નામ: પ્રબોધ ચંદ્ર ડે, (૧ મે, ૧૯૧૯ - ૨૪ ઓક્ટોબર, ૨૦૧૩) ની શુદ્ધ શાસ્ત્રીય ગાયકી અને અવાજની સહજ બુલંદીને કારણે હિંદી ફિલ્મ જગતે તેમને શાસ્ત્રીય સંગીત પર આધારિત ગીતો કે ધાર્મિક  ભાવનાં કે દેશભક્તિ કે કુદરતની નિશ્રામાં ગવાતાં ગીતોનાં ચોકઠામાં ગોઠવી નાખ્યા હતા. પરંતુ શંકર જયકિશને શ્રી ૪૨૦ (૧૯૫૫)માં રાજ કપુરના પાર્શ્વ સ્વર તરીકે પ્યાર હુઆ ઈક઼રાર હુઆ, દિલ કા હાલ સુને દિલવાલા કે મુડ મુડ મુડ કે ન દેખ જેવાં ગીતોથી મન્ના ડેની પાર્શ્વ ગાયક તરીકેને રૂઢ થતી જતી છાપને બદલી નાખવામાં બહુ મોટો ફાળો આપ્યો. તે પછી, ચોરી ચોરી (૧૯૫૬)નાં આ જા સનમ મધુર ચાંદનીમેં હમ, યે રાત ભીગી ભીગી અને જહાં મૈં જાતી હું જેવાં રોમાંસ નીતરતાં ગીતો પછી તો મન્ના ડેની રોમાંસ ભર્યાં ગીતો ગાવાની ક્ષમતા વિશે કોઇ શંકાને સ્થાન જ ન રહ્યું એમ કહી શકાય. ૧૯૫૬ અને તે પછીથી અન્ય સંગીતકારો પણ તેમને માટે હવે રોમાંસનાં સૉલો કે યુગલ ગીતો માટે સર્જતા થઈ ગયા હતા. ૧૯૫૬ પછીથી તેમને મળતાં ગીતોની સંખ્યામાં ખુબ વધારો જરૂર થયો પણ હિંદી ફિલ્મ જગતની નિયતિની અવળચંડાઈએ તેમને મુખ્ય પાર્શ્વ ગાયકનાં  સ્થાન માટે હંમેશાં વધારે પડતા લાયકનો દરજ્જો તો ધરાર પકડાવી જ દીધો !

મન્ના ડેના જન્મના મહિનામાં તેમનાં આ ઓછાં સાંભળવા મળેલ, ઓછાં લોકપ્રિય થયેલ ગીતોની યાદને તાજી કરવાનો ઉપક્રમ આપણે ચલે જા રહેં હૈ લેખમાળામાં કરી રહ્યાં છીએ. અત્યાર સુધીમાં આપણે

૨૦૧૮માં મન્ના ડેનાં ૧૯૪૩થી ૧૯૪૬નાં વર્ષનાં ગીતો,

૨૦૧૯માં તેમનાં ૧૯૪૭-૧૯૫૦નાં ગીતો

૨૦૨૦માં તેમનાં ૧૯૫૧-૧૯૫૩નાં ગીતો,

૨૦૨૧માં તેમનાં ૧૯૫૪-૧૯૫૫નાં ગીતો, અને,


૨૦૨૨માં
તેમનાં ૧૯૫૬નાં ગીતો

સાંભળી ચૂક્યાં છીએ.

૧૯૫૭માં મન્ના ડે એ ગાયેલાં ગીતોની સંખ્યા ૯૫ ગીતોના આંકડાની ટોચને આંબવા લાગી. આટલાં ગીતોમાંથી, કૌન આયા મેરે મન કે દ્વારે પાયલકી ઝંકાર લિયે (દેખ કબીરા રોયા - ગીતકાર રાજેંદ્ર કૃષ્ણ - સંગીતકાર મદન મોહન) જેવાં શાસ્ત્રીય રાગ પર આધારિત પણ ખુબ જાણીતાં એવાં ગીતોને છીડી દઈને, ઓછાં સાંભળવા મળતાં ગીતોને પણ ન્યાય કરવા માટે આપણને એકથી વધારે મણકાની જરૂર પડશે એ નોંધ સાથે આજના અંકની શરૂઆત કરીએ. 

ઓ મિસ્ટર ઓ મિસ્ટર સુનો એક બાત, બડી બેવફા હૈ યે મર્દોંકી જાત બદલતે હી રંગ પલમેં હજ઼ાર, કરે ઈનકે વાદોં પે ઈતબાર યે કરનેકો તો કર લે હૈ ભી સ્વીકાર પર એક હી નઝરમેં હૈ કીસકા ઈતબાર - આગ્રા રોડ - ગીતા દત્ત, કોરસ સાથે – ગીતકાર: પ્રેમ ધવન – સંગીતકાર: રોશન 

વિજય આનંદનાં હીરો તરીકેનાં પદાર્પણને નવાજવા રોશને અન્ય ગીતોમાં ભલે મોહમ્મદ રફીને પસંદ કર્યા પણ વૉલ્ઝની ધુન પર સજ્જ કરેલાં આ પાર્ટી ગીતમાં વિજય આનંદના પાર્શ્વ અવાજ તરીકે મન્ના ડેની પસંદ કરીને નવો ચીલો કોતર્યો.  જોકે ફિલ્મને સફળતા ન મળી એટલે વિજય આનંદ હીરો તરીકે ચાલ્યા નહીં અને મન્ના ડેને મુખ્ય અભિનેતાના પાર્શ્વ સ્વરનાં સ્થાનને પણ માન્યતા મળવામાં કંઈક અંશે ઓછપ આવી.


 

તુમ કો પુકારતી હૈ પ્રતાપકી કહાનિયાં  ….. ક્યા ઉંચાઈ ઈંસાન કી - અમર સિંગ રાઠોડ – ગીતકાર: ભરત વ્યાસ – સંગીતકાર: સન્મુખ બાબુ 

દેશ ભક્તિનાં ગીતો માટે જ સર્જાયા હોવાની છાપને ઘુંટવામાં મદદ કરતાં ગીતમાં મન્ના ડે કરૂણ રસને પણ એટલી જ સહજતાથી ન્યાય આપી શકેલ છે. 

ફિર વહી દર્દ હૈ ફિર વહી જિગર, ફિર વહી રાત હૈ ફિર વહી હૈ ડર - અપરાધી કૌન – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી – સંગીતકાર: સલીલ ચૌધરી 

હાસ્ય ગીતમાં પણ શરાબીપણાંનો સ્પર્શ આપવામાં પણ મન્ના ડે એટલા જ માહિર અનુભવાય છે.


હૈ પ્યાર કે દો મતવાલે ... એક હમ હૈ ઔર એક તુમ  - અપરાધી કૌન - ગીતા દત્ત સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી – સંગીતકાર: સલીલ ચૌધરી

સલીલ ચૌધરીએ હાસ્ય કલાકારો દ્વારા ગવાતાં રોમેંટીક યુગલ ગીતોના પ્રકારમાં મન્ના ડેના સ્વરને પ્રયોજ્યો છે.  એક હમ ઔર તુંને મન્ના ડે જે રીતે અલગ અલગ પ્રકારે ઘુંટે છે તે તેમની ગાયકીની અનન્ય લવચીકતાને સિદ્ધ કરે છે. 

મા તેરી મમતા કિતની પ્યારી કિતના પ્યાર જતાતી હૈ - બંસરી બાલા – ગીતકાર: પંડિત ફણિ – સંગીતકાર: કમલ મિત્ર 

ધર્મની આસ્થાના ભાવમાં દેવીનાં સ્વરૂપમાં મા માટેના પ્રેમની લાગણીને પણ વ્યક્ત કરવામાં મન્ના ડે તેમના સ્વરને કેટલો કોમળ કરી શક્યા છે !


એક બડે બાપ કી બેટી કો હૈ ઘરકી મુંશીકે સંગ.. અરે દેખા ઘુલ મિલ બતીયાં કરતે ઔર જમાતે રંગ - બંદી – ગીતકાર
: રાજેંદ્ર કૃષ્ણ – સંગીતકાર: હેમંત કુમાર 

મનોરંજન માટે ગામમાં થતા શેરી કાર્યક્રમોમાં તે સમયના રિવાજોને વણી લેવાતા. લોક ગીતના ઢાળમાં રચયેલ આ ગીતના હળવા કટાક્ષમય ભાવને  મન્ના ડે બહુ જ સજ્જતાથી વ્યક્ત કરી રહે છે.


હૈ બહોત દિનોંકી બાત એક થા મજનુ ઔર એક  લૈલા - ભાભી - એસ બલબીર અને મોહમ્મ્દ રફી સાથે – ગીતકાર: રાજેંદ્ર કૃષ્ણ – સંગીતકાર: ચિત્રગુપ્ત 

બલબીર જેવા તળ પંજાબી થાટના અને મોહમ્મદ રફી જેવા બહુમુખી સિદ્ધ થઈ રહેલા ગાયક સાથે, પંજાબી લોકકથાની લોક શૈલીમાં  પણ મન્ના ડેનો "બંગાળી", "શાસ્ત્રીય"  સ્વર ખુબ સરળતાથી ભળી જાય છે.


દુનિયા તેરી દુનિયા કા તુ યું ડાલીમેં પાત તેરા મેરા જનમ જનમ કા સાથ - ભક્ત ધ્રુવ - ગીતા દત્ત સાથે – ગીતકાર: પંડિત મધુર સંગીતકાર: અવિનાશ વ્યાસ 

પરંપરાગત ભક્તિભાવનાં ગીતમાં પણ અવિનાશ વ્યાસ મન્ના ડે અને ગીતા દત એમ બન્ને અલગ જ પ્રકારનાં સુરનાં ગાયકોની ખુબીઓને ખીલવે છે. 


દિન અલબેલે પ્યાર કા મૌસમ ચંચલ મનમેં તુફાન, ઐસેમેં કર લો પ્યાર - બેગુનાહ - લતા મંગેશકર સાથે -  ગીતકાર: હસરત જયપુરી – સંગીત: શંકર જયકિશન 

મન્ના ડેના સ્વર માટે શંકર જયકિશનને ખાસ લગાવ તો હતો જ. તેમાં 'ચોરી ચોરી'નાં મન્ના ડેનાં ગીતોની સફળતા પછી રોમેંટિક ગીતો માટે શંકર જયકિશન મન્ના ડે તરફ વધારે ઢળે તે સ્વભાવિક જણાય. પણ હિંદી ફિલ્મ જગતના પ્રવાહો એટલા સરળ નથી હોતા. શંકર જયકિશનને મુકેશ માટે પણ એટલી જ લાગણી હતી. વચ્ચેનાં વર્ષોમાં મુકેશની પોતાની અભિનય કારકિર્દીની તમન્નાએ તેમને અન્ય સંગીતકારો માટે બહુ ઉપલબ્ધ નહોતા રાખ્યા. એટલે મન્ના ડે આમ પણ સ્વાભાવિક પસંદ બને. પણ મુકેશ ફરીથી ગાયક તરીકે સક્રિય થવા તૈયાર હતા ત્યારે શંકર જયકિશન જેવા મિત્રો તેમને માટે અય પ્યાસે દિલ બેજુબાં જેવાં ખાસ ગીતોની રચનાઓ કરે તેને મન્ના ડેનાં કમનસીબનો જ દોષ માનવો રહ્યો.


તુમ મેરે અંતર્યામી માત પિતા તુ મેરે - છોટે બાબુ - ઉષા મંગેશકર સાથે - ગીતકાર પી એલ સંતોષી - સંગીતકાર મદન મોહન 

'દેખ કબીરા રોયા'માં મન્નાડેને ખુબ અસરકારક રીતે રજુ કર્યા બાદ પણ મદન મોહનને મન્ના ડેને ધાર્મિક ભાવનાં ગીતોના ગાયકની છાપ અનુસાર આ ગીત આપવું યોગ્ય લાગ્યું. તેની સામે સ્પર્ધાત્મક પરિબળોને કારણે મુખ્ય અભિનેતા માટેનાં દો દિન કી મોહબ્બતમેં હમને કુછ ખોયા હૈ કુછ પાયા હૈ કે તેરી ચમકતી આંખોંકે આગે યે સિતારે કુછ ભી નહી જેવાં ગીતો એ સમયે વધારે ચલણી ગણાતા તલત મહમુદને ફાળવવાં પડ્યાં છે.  



આ જાઓ સાવન કે દિન આયે - ચંપાકલી - લતા મંગેશકર સાથે - ગીતકાર રાજેંદ્ર કૃષ્ણ - સંગીતકાર હેમંત કુમાર 

મન્ના ડેને ફાળે ફરી એક વાર ઋતુઓના ભાવની બુલંદીને વ્યક્ત કરવાનું આવી રહ્યું. જોકે તે સાથે મન્ના ડે પોતાના પ્રેમના એકરારના ભાવને પણ વ્યક્ત કરવાનો તો હતો જ.

 

૧૯૫૭નાં આટલાં ગીતોમાં જ આપણને મન્ના ડેની બહુમુખી પ્રતિભાનો ફરી એક વાર પરિચય થાય છે. તે સાથે તેમનાં નસીબના આટાપાટાના ખેલ પણ આપણને જોવા મળે છે.  મન્ના ડેની કારકિર્દીનાં આ કેલિડોસ્કૉપ જેવાં બદલતાં સ્વરૂપોનો ખેલ હજુ પણ ચાલુ જ છે.  


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

Sunday, May 15, 2022

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : મે, ૨૦૨૨

મન્ના ડે - ચલે જા રહેં હૈ… ૧૯૫૬

મન્ના ડે - મૂળ નામ: પ્રબોધ ચંદ્ર ડે, (૧ મે, ૧૯૧૯ - ૨૪ ઓક્ટોબર, ૨૦૧૩)ની બાળપણમાં તાલીમ કુસ્તીદાવોમાં મહારથ માટે થયેલી. પરંતુ કુસ્તીના કોશેટાનાં સખત આવરણને ભેદીને મન્ના ડેનાં કુટુંબની સંગીતની અસર તેમને ગાયક બનવા ભણી ખેંચી ગઈ. તે સાથે તેમને શાસ્ત્રીય સંગીતના ગાયકી અંગની ઘનિષ્ઠ તાલીમ પણ મળી. આવા સુસજ્જ ગાયકની હિંદી ફિલ્મ સંગીતની શરૂઆતની કારકિર્દી પર નજર કરીએ તો એવું જણાય કે એક કોશેટાનાં કોચલામાંથી બહાર નીકળ્યા પછી નિયતિએ તેમને અમુકતમુક ગીતોના ગાયક તરીકેના જડબેસલાક ફાંસલામાં કેદ રાખવાનું નિર્ધાર્યું હશે. પરંતુ કુસ્તીદાવોની તેમની બાળપણની તાલીમે તેમને હવે દરેક પરિસ્થિતિ સામે લડવાની શક્તિ પ્રદાન કરી હતી. એટલે ફિલ્મ ઈન્ડસ્ટ્રી તેમને જે તક આપે તેને તેઓ અવનવા પ્રયોગાત્મક સ્વરૂપે રજુ કરતા ગયા અને તેમનાં આગવાં સ્થાનને મજબુત બનાવતા રહ્યા. અનિલ બિશ્વાસ કે એસ ડી બર્મન જેવા સંગીતકારો ચોક્કસપણે એમ માનતા કે ગમે તે ગીત મન્ના ડેને આપો, તો  પણ મન્ના ડે એ સહજતાથી ગાઈ બતાવશે. એટલું જ નહીં પણ એમના એ સમયના અન્ય ગાયકો જે કંઈ ગાઈ શકે તે મન્ના ડે તો ગાઈ જ શકે, પરંતુ મન્ના ડે જે ગાય, અને જે રીતે ગાય, તે બધા ન કરી શકે, એવી પણ માન્યતા બહુ વ્યાપક હતી.

'૪૦ના દાયકાના અંત સુધીમાં મન્ના ડે ભક્તિ ગીતો કે પ્રેરણાભાવનાં ગીતો ઉપરાંત રોમેન્ટીક ગીતોનાં ક્ષેત્રમાં પણ પોતાનું સ્થાન બનાવી ચુક્યા હતા. આ પરિસ્થિતિને વધારે મજબૂત કરવામાં શંકર જયકિશને મન્નાડેના સ્વરમાં રજુ કરેલ ૧૯૫૧ અને ૧૯૫૩નાં ગીતોની ભૂમિકા પણ અદકેરી રહી. મન્નાડેના રોમેન્ટીક, શાસ્ત્રીય ગીતોની સાથે કવ્વાલી, પાશ્ચાત્ય ઢાળનાં કે હશીમજાકનાં લોકપ્રિય ગીતો તો ફિલ્મ સંગીત ચાહકોની દરેક પેઢીને મનમોહિત કરતાં જ રહ્યાં છે. પરંતુ મન્ના ડેનાં જે ગીતોને લોકપ્રિયતા ન મળી, તે ગીતોમાં પણ મન્ના ડેના સ્વરે જીવન રેડ્યું છે અને તે ગીતોને પણ કાલાતીત કરેલ છે.

મન્ના ડેના જન્મમહિનામાં તેમનાં આ ઓછાં સાંભળવા મળેલ, ઓછાં લોકપ્રિય થયેલ ગીતોની યાદને તાજી કરવાનો ઉપક્રમ આપણે ચલે જા રહેં હૈ લેખમાળામાં કરી રહ્યાં છીએ. અત્યાર સુધીમાં આપણે

૨૦૧૮માં મન્ના ડેનાં ૧૯૪૩થી ૧૯૪૬નાં વર્ષનાં ગીતો,

૨૦૧૯માં તેમનાં ૧૯૪૭-૧૯૫૦નાં ગીતો

૨૦૨૦માં તેમનાં ૧૯૫૧-૧૯૫૩નાં ગીતો, અને,

૨૦૨૧માં તેમનાં ૧૯૫૪-૧૯૫૫નાં ગીતો

સાંભળી ચૂક્યાં છીએ.

પહેલાં આપણે એ વાતની જરૂર નોંધ લઈશું કે ૧૯૫૬નાં વર્ષમાં મન્ના ડેની કારકિર્દીના શ્રેષ્ઠ ગીતોમાં ગણાય એવાં જા તો સે નહીં બોલું કન્હૈયા (પરિવાર- લતા મંગેશકર સાથે – ગીતકાર: શૈલેન્દ્ર – સંગીત:  સલીલ ચૌધરી); ચલે સિપાહી ધુલ ઉડાતે કહાં કિધર કોઈ ક્યા જાને  (રાજહઠ – ગીતકાર:: શૈલેન્દ્ર – સંગીત:: શંકર જયકિશન); નૈન મિલે ચૈન કહાં સાંવરે (બસંત બહાર - લતા મંગેશકર સાથે – ગીતકાર: શૈલેન્દ્ર – સંગીત: શંકર જયકિશન) જેવાં રોમેન્ટીક ગીતો, નિર્બલ સે લડાઈ બલવાનકી (તૂફાન ઔર દિયા – ગીતકાર: ભરત વ્યાસ – સંગીત: વસંત દેસાઈ) જેવાં પ્રેરણાત્મક બેકગ્રાઉન્ડ ગીત, કે ભય ભંજના વંદના સુન હમારી, સુર ના સજે ક્યા ગાઉં મૈં અને કેતકી ગુલાબ જુહી - ભીમસેન જોશી સાથે - (બસંત બહાર- ગીતકાર: શૈલેન્દ્ર – સંગીત: શંકર જયકિશન) જેવાં શાસ્ત્રીય ગીતો પણ હતાં.

આજના આ મણકામાં આપણે વર્ષ  ૧૯૫૬ માટેનાં મન્ના ડેનાં ઓછાં સાંભળવા મળતાં ગીતોને યાદ કરીશું.


જોડી મિલે ના મિલે શાદી રચાયે ચલે - ગૌરી પૂજા – ગીતકાર: જી એસ નેપાલી – સંગીત: મન્ના ડે

એ સમયમાં પોતાના પિતાની લાજ રાખવા દીકરીઓએ પોતાની પસંદને બાજુએ કરીને જે પાનું પડ્યું તે ખુશી ખુશી નિભાવી લેવાનું રહેતું હતું તે ભાવ પણ અહીં આપણને સ્પર્શે છે.

કહ દો જી કહ દો છુપાઓ ન પ્યાર, કભી કભી આતી હૈ ઝુમતી બહાર - કિસ્મત કા ખેલ - લતા મંગેશકર સાથે – ગીતકાર: હસરત જયપુરી – સંગીત: શંકર જયકિશન

શંકર જયકિશનનો મન્ના ડેના સ્વર માટેનો ખાસ ભાવ આ એક્દમ ભાવવાહી રોમેન્ટીક ગીત માટેની પસંદ દ્વારા છતો થઈ રહે છે. '૫૦ના દાયકાનાં હવે પછીનાં વર્ષોમાં નવા ઉભરતા અભિનેતાઓ માટે મન્ના ડેના સ્વરમાં રોમેન્ટીક ગીતો મુકવાનું ચલણ વધારે વ્યાપક બન્યું, તેમ છતાં જ્યારે એ અભિનેતાઓ સફળ થયા ત્યારે મન્ના ડે તેમનો પાર્શ્વસ્વર ન બની શક્યા એ પણ નસીબની બલિહારી છે.  

એ વર્ષોમાં શંકર  જયકિશન આટલી જીવંત ધડકનો ઝીલતાં, પ્રેમભીના ભાવનાં, રોમેન્ટીક ગીતો કેટલી આસાનીથી બનાવી લેતા હતા !


એક દિન તેરા ભી સવેરા આયેગા - સતી અનસુયા – ગીતકાર: ભરત વ્યાસ સંગીત: શિવરામ કૃષ્ણ

ફિલ્મના પર્દા પર અદાકાર સામાજિક કે અંગત મુશ્કેલીઓથી હતાશ થઈ ચુકેલ હોય ત્યારે તેની હતાશાને ખંખેરી કાઢવા માટે બેકગ્રાઉન્ડમાંથી સંભળાતાં પ્રેરણાત્મક ગીતનો આ પ્રકાર મન્ના ડે, અથવા તો મોહમમ્દ રફી, ને ફાળે જ હોય, માત્ર બન્નેની અદાયગીની શૈલી અલગ હોય.

વો દેખો ઉધર ચાંદ નિકલા ગગનમેં, ઈધર આ ગયી ચાંદની મુસ્કરાતી - રૂપ કુમારી - ગીતા દત્ત સાથે – ગીતકાર: બી ડી શર્મા – સંગીત: એસ એન ત્રિપાઠી

હિંદી ફિલ્મ સંગીતમાં ઘણાં પ્રતિભાશાળી કલાકારોને ભાગે બી કે સી ગ્રેડની ફિલ્મો જ આવતી રહી છે. એસ એન ત્રિપાઠી પણ આવા જ એક અનેક કૌશલ્યો ધરાવતા કલાકાર હતા. આ યુગલ ગીત તેમની પ્રતિભા શક્તિનો સંગીતમય નમૂનો કહી શકાય તેમ છે.

આડવાત: યુટ્યુબ પરના જાણકાર શ્રોતાએ આ ગીતની કોમેન્ટમાં જણાવ્યું છે કે આ જ ધુન ફરી એક વાર એસ એન ત્રિપાઠીએ નિગાહોંમેં તુમ હો (જાદુ નગરી - લતા મંગેશકર સાથે - ગીતકાર હસરત જયપુરી) માટે પ્રયોગ કરી છે.

ખેલ ખિલાડી જિસસે ન ખેલ અપની જાનસે - બાદશાહ સલામત – ગીતકાર: વિનય કુમાર- સંગી: બુલો સી રાની

ગીતના બોલ પરથી તો એવું જણાય છે કે આ ગીત કોઈ 'ફકીર' પર્દા પર ગાતા હશે આ પ્રકારનાં ગીતો ગાવાની મન્ના ડેની પોતાની આગવી શૈલી હતી.

છોડ ભી દે આકાશ સિંગાસન, ફિર ધરતી પર આ જા રે - ૨૬ જાન્યુઆરી – ગીતકાર: રાજેન્દ્ર ક્રુષ્ણ – સંગીત: સી રામચંદ્ર

ગીતના બોલ પરથી આ પણ પ્રેરણાત્મક ગીત છે તેટલું જણાય છે, પણ ગીત કે ફિલ્મ વિશે મારી પાસે અન્ય કોઈ માહિતી નથી.

આજ કી બાતેં રાજા ભુલ મત જૈયો જી…..હમ તો નહીં ભૂલે તુમ ના ભૂ જૈયો - ઢોલા મારૂ - આશા ભોસલે સાથે – ગીતકાર: ભરત વ્યાસ – સંગીત: એસ કે પાલ

રાજસ્થાની લોક ગીતોની શૈલીમાં સંગીતબધ્ધ થયેલ આ સરળ ગીતને આશા ભોસલે અને મન્ના ડે પુરતું રસપ્રચુર બનાવી લે છે.

બહતા પાની બહતા જાય રાહ તકે ન તેરી, એજી સમય કા હાલ હૈ ન કર દેર ઘનેરી - ઢાકે કી મલમલ - આશા ભોસલે અને કિશોર કુમાર  સાથે – ગીતકાર: ડી એન મધોક – સંગીત: રોબિન બેનર્જી

આ ફિલ્મના બીજાં બધાં ગીત ઓ પી નય્યરે સંગીતબધ્ધ કરેલ છે.  ગીતની સીચ્યુએશનનો  સંબંધ નાવ પર ગવાતાં ગીત સાથે હશે એટલે રોબિન બેનર્જીને પસંદ કર્યા હશે કે જેથી બંગાળી લોક ધુનના સહજ આધાર પર ગીતની રચના થઈ શકે? ગીતમાં પ્રયોજાયેલ વિવિધ લય ગીતને અનોખી ભાતમાં રજુ કરે છે.

મુડકર ભી ન દેખ સુહાગન મહલોંકી યે શાન,ઈસ દુનિયામેં અબ તેરા બસ પતી હી ભગવાન…. ઉધર ચલી જા જાનકી જીધર ચલે તેરે રામ - દેવતા – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ – સંગીત: સી રામચંદ્ર

ફિલ્મોમાં જે વાત સંવાદોથી સમજાવી શકાય તેમ ન હોય તેને બેક્ગ્રાઉન્ડ ગીતની મદદથી શ્રોતાને સમજાવી દેવાની આ પ્રથા પણ બહુ મહત્ત્વની ગણાતી હતી.

નિયતિ જે અને જેવા પતિ સાથે લગ્નબંધન સર્જ્યું તે હવે સ્વીકારી લેવું  તે એક સમયની રાજકુમારી માટે કેટલું દુષ્કર હશે તેમ છતાં એક આદર્શ પતિવ્રતા નારી તરીકે તે સંજોગની સાથે કેમ  કામ પાર પાડે છે તેવી વાર્તાને આ ગીત દ્વારા સમજાવાઈ છે. (જોકે, આજના સમયમાં તો આ વાત કેમે કરતાં ગળે ન જ ઉતરે!)

૧૯૫૬નાં વર્ષ માટે મન્ના ડેએ ગાયેલાં પણ ઓછાં સાભળવા મળતાં આટલાં ગીતો ઉપરાંત https://mannadey.weebly.com/  અને http://www.mannadey.in/  પર લાલ-એ-યમન, કર ભલા, જંગલ ક્વીન, ઈન્દ્રલીલા, ગ્રાંડ હોટેલ, ઝરીના, સુદર્શન ચક્ર, સ્કાઉટ કેમ્પ, સતી નાગકન્યા, રાજરાણી મીરા, અયોધ્યાપતિ, અનુરાગ અને દયાર-એ-હબીબ જેવી બીજી ફિલ્મોમાં પણ મન્ના ડેનાં એક એક ગીતોનો ઉલ્લેખ છે. પરંતુ એ ફિલ્મોની ઘોર નિષ્ફળતાને કારણે આ ગીતો પણ નામશેષ થઈ ગયાં હશે તેમ માની શકાય. સંખ્યાત્મક રીતે થયેલાં નુકસાન કરતાં મન્ના ડેનાં ગીતોનાં વૈવિધ્યનાં ગુણાત્મક સ્તરે જે નુકસાન થયું હશે તે કળી શકાય તેમ નથી.

આટલી સખેદ નોંધ સાથે આજના આ મણકાને અહીં પુરો કરીએ અને હવે પછીનાં વર્ષોનાં ભાવિમાં શું સમાયું હશે તેની રાહ જોઈએ.