Sunday, May 9, 2021

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : મે, ૨૦૨૧

 મન્ના ડે - ચલે જા રહેં હૈ… - ૧૯૫૪ -૧૯૫૫

મન્ના ડે - મૂળ નામ: પ્રબોધ ચંદ્ર ડે, (૧ મે, ૧૯૧૯ - ૨૪ ઓક્ટોબર, ૨૦૧૩) ના નામે બધી ભાષાઓમાં તેમણે ગાયેલાં ગીતો મળીને ૪,૦૦૦ જેટલાં ગીતો બોલે છે. તેઓ ભલે શાસ્ત્રીય ગીતોના આગવા ગાયક ગણાતા હતા, પણ તેમણે તેમના સમયના લગભગ બધા જ અભિનેતાઓ માટે ગાયેલાં અઢળક રોમેન્ટિક ગીતો આજે પણ લોકજીભે રમે છે. જોકે નસીબની દેવીના ચોપડે તો તેમનું નામ 'શ્રેષ્ઠ બીજો' તરીકે જ ચડ્યું. હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમણે એટલી હદે નિષ્ણાત ગણાતા હતા કે તેમની સાથે કામ કરવામાં ભલભલાને પોતાની જ ઉણપો  દેખાતી. એટલે નાછૂટકે જ મન્ના ડેને બોલાવવા એવી એક માન્યતા પણ પ્રસરેલી જણાતી. આમ ગાયકીની તેમની આગવી શૈલીએ જ જાણે તેમને એક ચોકઠામાં કેદ કરી નાખ્યા.

વર્ષ ૨૦૧૮થી આપણે મન્નાડેનાં ઓછાં જાણીતાં કહી શકાય તેવાં ગીતોને યાદ કરવાનો ઉપક્રમ, ચલે જા રહેં હૈ… , તેમના જન્મના મે મહિનાના આપણા આ મંચના અંકમાં કરવાનું શરૂ કરેલ છે.

૨૦૧૮માં મન્ના ડેનાં ૧૯૪૩થી ૧૯૪૬નાં વર્ષનાં ગીતો, અને,

૨૦૧૯માં તેમનાં ૧૯૪૭-૧૯૫૦નાં ગીતો

૨૦૨૦માં તેમનાં ૧૯૫૧-૧૯૩નાં ગીતો

આપણે સાંભળી ચૂક્યાં છીએ.

આજના અંકમાં આપણે મન્ના ડે એ વર્ષ ૧૯૫૪ અને ૧૯૫૫માં ગાયેલાં, પણ ઓછાં સાંભળવા મળતાં ગીતોને યાદ કરીશું. અહીં આપણે આ વર્ષોમાં તેમણે ગાયેલાં ધાર્મિક ફિલ્મોનાં ગીતોને ચાહી કરીને ગણતરીમાં નથી લીધાં.

૧૯૫૧માં 'આવારા' અને ૧૯૫૩ માં 'બુટ પોલિશ' કે 'દો બીઘા જ઼મીન'નાં મન્ના ડે એ ગાયેલાં ગીતો અલગ કેડીનાં હતાં પણ લોકપ્રિય બહુ  જ થયાં હતાં. આવી સફળતાઓને કારણે તેમના ભાગે ૧૯૫૪માં પણ હજુ બીન-રોમેન્ટીક ગીતો આવતાં રહ્યાં જણાય છે.

શામ-ઓ-સહર હૈ સહર હી સહર - ડંકા (૧૯૫૪) - આશા ભોસલે અને કોરસ સાથે – સંગીતકાર: અઝિઝ હિન્દી – ગીતકાર: આરશી અજમેરી

મન્ના ડેના ચોકઠાંને વધારે દૃઢ કરતાં એક વધારે  ગીત પ્રકાર - પ્રેરણાત્મક ગીતો-નું આ ગીત છે.

ઝીની ઝીની રે ભીની ચદરીયા - મહાત્મા કબીર (૧૯૫૪) – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: કબીર (લોક ગીત)

પરંપરાગત આ લોક ભજનને અનિલ બિશ્વાસનાં સંગીતનો આગવો સ્પર્શ  સાંપડ્યો છે.

સંગીત હી શક્તિ ઈશ્વર કી…. ભગત કે બસમેં હૈ ભગવાન માંગો મિલેગા સબકો દાન - શબાબ (૧૯૫૪) – સંગીતકાર: નૌશાદ – ગીતકાર: શકીલ બદાયુની

છે તો આપણ એક ભજન  જ જેને નૌશાદે અર્ધશાસ્ત્રીય ધુનમાં રચ્યું છે. મન્ના ડેનો જવલ્લે જ ઉપયોગ કરનારા નૌશાદે પણ આ પ્રકારનાં ગીત માટે મન્ના ડેની જ પસંદગી કરી એ જ બાબત સરવાળે મન્ના ડેને કેદ કરતાં ચોકઠાંને વધુ મજબુત કરવામાં કારણભૂત બનતી ગઈ હશે !!

જાતી જાતી હૈ …. આજ નૈયા મેરી …. નીલા હૈ આકાશ ધરતી હરી - બાદબાન (૧૯૫૪) – સંગીતકાર: તિમીર બરન, એસ કે પાલ – ગીતકાર: ઉદ્ધવ કુમાર

છે તો આ પણ પ્રેરણાત્મક ગીત , પરંતુ ફિલ્માં મન્નાડે અને આશા ભોસલેનું, બહુ લાક્ષણીક શૈલીમાં રચાયેલું, અન્ય યુગલ ગીત  - જય દેવા હો - પરંપરાગત ભજન છે તેથી બંગાળી લોક સંગીત પર રચાયેલ આ ગીત પર પસંદગી ઉતારી છે.

યે જગ રૈનબસેરા બંદે, ના તેરા ના મેરા - ઈલ્ઝામ (૧૯૫૪) સંગીતકાર: મદન મોહન – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

મદન મોહનની કારકિર્દીની શરૂઆતની આ ફિલ્મ છે.

રસ્તા પર એક ગાયક ગીત ગાતો નીકળે છે જે અવાજ સાંભળીને મીના કુમારી તેની પાછળ બાવરી બાવરી દોડે છે.

આમ મદન મોહન જેવા નવપ્રવશેકને પણ આ પ્રકારનાં 'આગવાં' ગીત માટે મન્ના  ડે તરફ ઢળવાનો રસ્તો જ પસંદ પડ્યો હશે !

૧૯૫૫માં શંકર જયકિશને મન્ના ડે ને બે 'સુપર હિટ' ફિલ્મો આપી. દિલ કા હાલ સુને દિલવાલા અને પ્યાર હુઆ ઈકરાર હુઆ બન્ને અલગ અલગ જ પ્રકારનાં ગીતો હતાં, તો વળી મુડ મુડ કે ન દેખ ની તો જમાવટ  હજુ વધારે અલગ હતી. દરેક ગીતમાં મન્ના ડે રાજ કપૂરના પાર્શ્વ સ્વર તરીકે એટલા બધા બંધબેસતા જણાયા કે આ ગીતો આજે પણ એટલી જ લોકચાહના મેળવે છે.  તૂ પ્યાર કા સાગર હૈ આમ તો એક ભજન જ ગણાય, પણ શંકર જયકિશનની આગવી બાંધણીને કારણે ઘણું અલગ જણાય છે.

આટઆટલી સફળતા છતાં પણ નસીબની દેવી માટે મન્ના ડે 'ખુબ સારા જરૂર પણ નંબર બીજો' જ રહ્યા.

મુરલી મનોહર ક્રિશ્ન કન્હૈયા, જમુના કે તટ પર વિરાજે હૈ … - ઝનક ઝનક પાયલ બાજે (૧૯૫૫) ઉસ્તાદ અમીર ખાં સાહેબ અને લતા મંગેશકર સાથે  - સંગીતકાર: વસંત દેસાઈ – ગીતકાર : દિવાન શરાર

વસંત દેસાઈ મન્ના ડેના સ્વરનો બહુ જ વ્યાપક પ્રકારનાં ગીતો માટે પ્રયોજતા હતા. પ્રસ્તુત ગીતમાં મન્ના ડેનો પ્રવેશ અમીર ખાં સાહેબની જમાવટ ભરી રજૂઆત પછી મુઝે ગોપગોપાલા કહતે હૈ થી બહુ જ નજ઼ાકતથી થાય છે.

આ ફિલ્મમાં મન્ના ડેને ફાળે અન્ય શાસ્ત્રીય / અર્ધશાસ્ત્રીય ગીતો પણ આવ્યાં છે. તે પૈકી મેરે અય દિલ બતા નો ઝ્કાવ વિરહ તરફ છે, તો ગુરુર બ્રહ્મા...ઋત બસંત આયી બન-બન ઉપવન ઋતુને રાગ સાથે સાંકળતી રાગમાળા છે.

ફિલ્મનું સંગીત અને મન્ના ડેનાં આ ગીતો  ખુબ જ લોકપ્રિય જરૂર થયાં, પણ ફિલ્મની પોતાની જ આગવી સફળતાને કારણે સંગીતની ભૂમિકા કંઈક એવી 'આવશ્યકપૂરક' જ ગણાઈ કે મન્ના ડે તો ઠીક વસંત દેસાઈને પણ તેનો બહુ  મોટો વાણિજ્યિક સફળતાનો કોઈ વધારાનો ફાયદો થયો એમ ન કહી શકાય.

ચલ ચલ પાની હમારી ઝિંદગાની, યે ચલ કે રૂકના જાને ના - અમાનત (૧૯૫૫) - આશા ભોસલે અને સાથીઓ સાથે – સંગીતકાર: સલીલ ચૌધરી ગીતકાર: શૈલેન્દ્ર

અહીં પણ એલક વૃદ્ધ ભિક્ષુક અને તેમની મદદનીશ શચરી દ્વારા ગવાતુ, અન્ય પાત્રના ભાવને  / સંદેશને વ્યક્ત કરતું, ચેત રે મુરખ ચેત રે, અવસર બીતા જાય રે ….રે મુરખ તૂ ક્યા જાને (આશા ભોસલે સાથે)ને ગણતરીમાં લેવાને બદલે ગામડામાં પાણી ભરવાની પ્રવૃતિને રૂપક તરીકે દર્શાવતું આ યુગલ ગીત લીધું છે.

મન્ના ડે @૧.૪૦ એ આલાપ સાથે તેમની આગવી શૈલીમાં પ્રવેશે છે પછીના અંતરામાં ગામના એક લુહાર વતી અંતરો ગાય છે.

આન મિલો આન મિલો શામ સાવરે - દેવદાસ (૧૯૫૫) - ગીતા દત્ત સાથે – સંગીતકાર: સચિન દેવ બર્મન – ગીતકાર: સાહિર લુધ્યાનવી

અહીં બંગાળી લોક સંગીતની બાઉલ શૈલીમાં રચાયેલાં ગીતમાં એક સાધુ અને તેમનાં સહચરી શિષ્યા નાની પારોના મનના ભાવને વ્યક્ત કરી જાય છે.

સાજનકી હો ગયી ગૌરી - દેવદાસ (૧૯૫૫) - ગીતા દત્ત સાથે – સંગીતકાર: સચિન દેવ બર્મન – ગીતકાર: સાહિર લુધ્યાનવી

પારો હવે મોટી થઈ ગયેલ છે. ઉપરનાં ગીતનાં જ સાધુ અને તેનાં શિષ્યા ફરીથી આવી ચડે છે અને ફરી એક વાર પારોના મનના ભાવને વ્યક્ત કરે છે.

ગીતની શૈલી બાઉલ શૈલી પર જ આધારિત રહેવા દેવાઈ છે પણ બન્ને ગાયકોની ભાવવ્યક્તિમાં સૂક્ષ્મ ફેરફાર નોંધપાત્ર બની રહે છે.

હોશ મેં આ ઓ મુરખ બંદે - કુંદન (૧૯૫૫) – સંગીતકાર: ગુલામ મોહમ્મદ – ગીતકાર: શકીલ બદાયુની

મૂળતઃ પશ્વાદમાં ગવાતાં આ ગીતમાં સંદેશ તો ફિલ્મનાં પરદા પર દેખાતાં પાત્ર માટે જ છે. મન્ના ડેનો બહુ ઉપયોગ ન કરનારા ગુલામ મોહમ્મદ માટે આ પ્રકારનાં 'ખાસ' ગીત માટે મન્ના ડે જ હાથવાટકો બની રહેતા જણાય છે !

હા, મૈં લંકા નરેશ… મેરે દસ હૈ શિશ - ઈન્સાનિયત (૧૯૫૫) - મોહમ્મદ રફી સાથે – સંગીતકાર: સી રામચંદ્ર ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

અહીં ફરી કે વાર મન્ના ડે ના ભાગે ગૌણ પાત્ર માટે પાર્શ્વ સ્વર આપવાનું આવ્યું છે. આ નૃત્ય નાટકમાં પરદા પર સાચા રાવણ માટે મન્ના ડે ગાય છે જ્યારે પરદા પર ભુલથી ઘુસી આવેલ આગા માટે મોહમ્મદ રફીનો સ્વર લેવાયો છે.


નૈનોમેં નીર લિયે, હૃદયમેં પીર લિયે - ઊંચી હવેલી (૧૯૫૫) – સંગીતકાર: શિવરામ કૃષ્ણ – ગીતકાર: ભરત વ્યાસ -પણ બેકગ્રાઉન્ડ ગીત જ હશે તેમ માની કેમ કે આ ગીતની ડિજિટલ કડી મળી નથી શકી.

તે જ રીતે, ભારત માતા કે લાડલોમેં હોવે ન લડાઈ - તીન ભાઈ (૧૯૫૫)- લક્ષ્મીશંકર સાથે – સંગીતકાર: અરૂણ કુમાર ગીતકાર: ભરત વ્યાસ પણ એક રસપ્રદ બેકગ્રાઉન્ડ ગીત છે જે રામાયણની વાત પરથી બોધ આપતું ગીત છે.

આમ બીન-રોમેન્ટિક ગીતો ગાવાની નિયતિને મન્ના ડે એ પોતાની ગાયકી પર જરા પણ હાવી નથી થવા દીધી. તેમને ગમે તે ભાવનું ગીત આપો, તે ગીતના એ ભાવને બરાબર ન્યાય કરી જ શકતા રહ્યા છે. તેમની આ ગાયકીની આ બહુમુખી પ્રતિભાને શ્રેષ્ઠતા જ તેમની સફળતાની ચરમ સીમા આડે ગ્રહણ બની બેઠી છે.

મન્ના ડેના ચાહકો માટે આ ગીતોને યાદ કરવાં એક અનેરો અવસર છે તો અન્યો માટે મન્ના ડેનાં ગીતોના આ છુપા ખજાનાને માણવાની સોનેરી તક છે.


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

No comments: