Showing posts with label Remembering Jaidev. Show all posts
Showing posts with label Remembering Jaidev. Show all posts

Sunday, January 15, 2023

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૮મું સંસ્કરણ - જાન્યુઆરી ૨૦૨૩

 

જયદેવની તેજસ્વી સંગીત પ્રતિભાનું મૂલ્ય હંમેશાં ઓછું અંકાયું : ૧૯૭૬ -૧૯૭૭


જયદેવ
(વર્મા, જન્મ ૩ ઓગસ્ટ, ૧૯૧૯ - અવસાન ૬ જાન્યુઆરી, ૧૯૮૭) શાસ્ત્રીય કે લોક સંગીત પર આધારિત ફિલ્મી ગીત રચનાઓ પણ ખુબ માધુર્યસભર હોઈ શકે તે iતો નિર્વિવાદ સાબિત કરી ચુક્યા હતા. તેમની કારકિર્દીની શરૂઆતમાં જ તેમના જાદુઈ સ્પર્શની સંમોહક અસર તેમને ટોચની હરોળમાં સ્થાન અપાવી ચુકી હતી. પરતુ, ફિલ્મ ઉદ્યોગમાં અસ્વીકાર્ય એવી કેટલીક  તેમની સ્વભાવગત લાક્ષણિકતાઓ અને કૅટલીક ટોચમાં ચાલતી અર્હેતી હરિફાઇની વરવી વાસ્તવિકતાઓએ તેમની કારકિર્દીને ઊંડી ખીણ તરફ ઘસડવા લાગી. પ્રથમ  હરોળની ફિલ્મો ન મળતાં, જે કોઈ ફિલ્મોમાં તેમને તક મળી એ ફિલ્મો ટિકિટબારી પર અસફળ રહી એટલે જયદેવનાં સંગીતને પણ તેનું ગ્રહણ ગ્રસવા લાગ્યું. '૭૦ના દાયકા સુધીમાં તો હવે તેમને એવા જ નિર્માતાઓ કે દિગ્દર્શકો પાસેથી કામ મળતું જે પોતાની ફિલ્મનં વસ્તુનાં હાર્દની સાથે ગીતોની બાબતમાં કોઈ જ છૂટ લેવા ન માગતા હોય. આ તબક્કે જયદેવની રચનાઓનું તળ માધુર્ય સુકાયું નહોતું, એટલે કળારસિક પ્રેક્ષકો અને પારખુ શ્રોતાઓએ તેમનાં ગીતોને પોંખવાનું ચાલુ રાખ્યું. આવા સકારાત્મક પ્રતિભાવની સર રૂપે જયદેવ હવે નવા નવા ગાયકોને તક આપવાના પ્રયોગો પણ કરી શકવા લાગ્યા. 

ખુબ અનોખા સંગીતકાર જયદેવનાં ગીતોને યાદ કરવાનો ઉપક્રમ આપણે આપણાં આ માધ્યમ પર ૨૦૧૮થી શરૂ કરેલ છે.

§  ૨૦૧૮ માં ૧૯૫૪થી ૧૯૬૩નાં વર્ષોનાં તેમની સૌથી વધારે સફળ ફિલ્મો ગણી શકાય એવી ફિલ્મોનાં ગીતો

§  ૨૦૧૯માં તેમની ૧૯૬૪થી ૧૯૭૦નાં વર્ષોની ઓછી જાણીતી ફિલ્મોનાં ઓછાં જાણીતાં ગીતો,

§  ૨૦૨૦ માં ૧૯૭૧ નાં  અસફળ રહેલી ફિલ્મોનાં તેમનાં ખુબ વખણાયેલાં ગીતોને,

§  ૨૦૨૧માં ૧૯૭૨-૭૩માં ફિલ્મોની નિષ્ફળતાએ જે ગીતોને પણ ભુલાવી દીધાં તે ગીતોને, અને

§  ૨૦૨૨માં ૧૯૭૪ - ૧૯૭૫નાં વર્ષોની ભુલાવા લાગેલી ફિલ્મોની કેટલીક સુરાવલીઓને

આપણે યાદ કરી ચુક્યાં છીએ.

આજના અંકમાં આપણે જયદેવ રચિત ૧૯૭૬ની ફિલ્મ 'લૈલા મજનુ' અને ૧૯૭૭ની ફિલ્મો 'આલાપ' અને 'ઘરૌંદા'નાં ગીતોની યાદ તાજી કરીશું.

લૈલા મજનુ (૧૯૭૬)

ફિલ્મો માટે લૈલા મજનુ એ સદાબહાર પ્રેમ કહની રહી છે. હિંદી ફિલ્મ ક્ષેત્રે છેક ૧૯૩૧થી લૈલા મજનુ પર ફિલ્મો બનતી રહી છે. આ પ્રકારની પ્રેમ કથાઓમાં કથા નિરૂપણ, એ સમયની સામાજિક, આર્થિક વાસ્તવિકતાઓનું યથાર્થ ચિત્રણ અને પાત્રોના વ્યક્તિત્વોનું સહજ દર્શન કરાવી શકે એવો અભિનેતાઓનો અભિનય એક જ વાર્તા પરથી બનેલી ફિલ્મોને અલગ પાડી આપવાની જે ભૂમિકા ભજવે છે તે બધાંની સામે એકલપંડે ઊભું રહી શકે એવું ફિલ્મનાં સંગીતનું પણ પાસું છે.

૧૯૭૭માં કંપનીના કામે અમે બે ત્રણ સાથી કર્મચારીઓ ઈંદોર હતા. એક રાત્રે શહેરમાં ટહેલતાં ટહેલતાં  'લૈલા મજનુ' ચાલી રહી હોય એવું થિયેટર જોવા મળ્યું. છેલ્લ શૉનો સમય હતો એટલે સમય પસાર કરવા ઘુસી જવાય તેમ તો હતું. ફિલ્મોનાં આટલાં બધાં સંસ્કરણોમાંથી મને તા માત્ર ૧૯૫૬નાં સંસ્કરણનાં ગીતો જ યાદ આવે.  ગુલામ મોહમમદે રચેલં તલત મહમૂદનાં એકાદ બે ગીતો તો તે જ સમય મનમાં વાગવા લાગ્યાં . સામે ફિલ્મનાં પોસ્ટરમાં સંગીતકારો તરીકે મદન મોહન અને જયદેવનાં નામો વાંચીને એટલો સધિયારો મળ્યો એ ફિલ્મ જોવા જેવી કદાચ ન પણ નીકળે તો પણ ગીતોને કારણે બે અઢી કલાક તો નીકળી જ જશે, એમ ધારીને અમે એ ફિલ્મ જોઈ જ પાડેલી. બહાર નીકળ્યા ત્યારે અમારી એ ધારણા તો ખોટી  નહોતી પડી.

પછીથી જે જાણકારી મળતી ગઈ એ મુજબ ખબર પડી કે ફિલ્મનાં ત્રણેક ગીતો અને બેકગ્રાઉંડ સંગીતનું કામ બાકી હતું તેવામાં જ મદન મોહનનું અવસાન થયેલું. ઍટલે એ અધુરાં કામો પુરા કરવા માટે જયદેવની પસંદગી થયેલી. સાહિર લુધિયાનવીએ ફિલ્મનાં બધાં ગીતો લખેલાં. જયદેવ રચિત ત્રણ ગીતોમાંથી કહેના એક દીવાના તેરી યાદમેં આહેં ભરતા હૈ.. અને લિખ કર તેરા નામ જમી પર ઉસકો સજદે કરતા હૈ (બન્નેનાં ગાયકો મોહમ્મદ રફી અને લતા મંગેશકર) તો બહુ જ લોકભોગ્ય બન્યું હતું

આપણે અહીં બાકીનાં બે ઓછાં જાણીતાં ગીતોને યાદ કરીશું. 

કજ઼ા જાલિમ સહી યે ઝુલ્મ વો ભી કર નહીં શકતી
જહાં મેં ક઼ૈસ જિંદા હૈ, તબ તક લયલા મર નહીં સકતી
યે દાવા દુનિયા ભરસે મનવાનેકી ખાતિર આ
યે દિવાનેકી જીદ હૈ ....
.  
- મોહમ્મદ રફી

થિયેટરમાં પહેલી જ વાર સાંભળતાં જ મનમાં ગીત વસી ગયું હતું. ત્યારે ખબર નહોતી કે આવાં યદગાર ગીતો ગાવા માટે મોહમ્મદ રફી બહુ લાંબું આપણી વચ્ચે નહીં હોય !

લૈલા મજનુ દો બદન એક જાન થે - રાજકુમાર રિઝવી, પ્રીતી સાગર, અનુરાધા પૌડવાલ

ટાઈટલ ગીત તરીકે આ ગીત લૈલા મજનુની આખી કહાની કહી જાય છે.

સાવ નવાં જ ગાયકો પાસે ગીત ગવડાવવાની જયદેવની પ્રયોગશીલ સર્જકતાનું એક વધુ ઉદાહરણ.....


 

આલાપ (૧૯૭૭)

મુળ બંગાળી સમાજની પૃષ્ઠભુ પર પથરાયેલ વાર્તાવસ્તુમાં હૃષિકેશ મુખર્જી ફરી એક વાર અમિતાભ બચ્ચનને બહારથી શાંત દેખાતા પણ અંદરથી ધખધખતા જ્વાળામુખી જેવા 'એંગ્રી યંગ મેન' તરીકે રજૂ કરે છે. '૭૭માં જ્યારે એકશન ફિલ્મોનું ચલણ હતું ત્યારે એક ગંભીર સમાજિક વિષય પરની ફિલ્મ બનવી એ પોતે જ એક અનોખી કેડી ગણાય. આ પહેલાંની કે પછીની ત્રણ ચાર ફિલ્મોમાં એસ ડી બર્મન કે આર ડી બર્મનને સંગીત સોંપ્યા બાદ, હૃષિકેશ મુખર્જીએ આ ફિલ્મનું સંગીત જયદેવને સોંપ્યું..

ફિલ્મની ક્રેડીટ ટાઈટલ રચના માતા સરસ્વતી શારદા (ગીતકારઃ પારંપારિક - ગાયકો યેસુદાસ, લતા મંગેશકર, દિલરાજ કૌર, મધુરાણી) તો મોટા ભાગની શાળાઓમાં પાર્થના તરીકે જ સ્થાન પામી ગયેલ.  તે જ રીતે મુખ્ય અભિનેતા માટે કિશોર કુમારનો જ સ્વર હોય એ પ્રસ્થાપિત થઈ ચુકેલ સમયમાં જયદેવે યેસુદાસને પસંદ કર્યા. યેસુદાસના સ્વરમાં ગવાયેલું કોઈ ગાતા મૈં સો જાતા (ગીતકાર: હરિવંશરાય બચ્ચન) તો ખુબ લોકભોગ્ય થયું હતું.

હવે પછી જે ગીતો સાંભળીશું તે ડો. રાહી માસૂમ રજ઼ાએ લખેલાં છે.

ચાંદ અકેલા જાયે રે સખી રી... - યેસુદાસ

એક કવિને છાજે એવી ક્લ્પનાથી પોતાનાં પ્રિયજનથી અલગ પડી ગયેલ પ્રેમીના મનોભાવને રજુ કરી શકે એ વ્યક્તિ સમાજની સામે બળવો કરવા બેસે ત્યારે કેવો ભભુકી પણ શકે છે એવી અમિતાભ બચ્ચનનં પાત્રની લાક્ષણિકતાને  વ્યક્ત કરવા એક રોમેંટિક ગીતના મધ્યાલાપમાં તેનો સમાજ પ્રત્યે ક્રોધ દેખીતી હળવાશથી રજુ કરીને દિગ્દર્શકની સંગીતકારની રચનાને અભિનવ રીતે પ્રયોજી લે છે.


કાહે મનવા નાચે હમરા, સખી રે કોઈ ઈસે અબ સમજાયે - લતા મંગેશકર

એક મુગ્ધાના મનના ભાવોને વ્યક્ત કરતાં ગીતના ભાવને દિગ્દર્શકે નાયિકાના ચાંદરણા સાથેના ખેલમાં ઝીલી લીધેલ છે. 


 નયી રી લગન ઔર મીઠી બતીયાં પિયા જાને ઔર જિયા મોરા - મધુરાણી (ફૈઝાબાદી), (કુમારી) ફૈયાઝ, યેસુદાસ

રાગ યમન, બિહગ, ભૈરવી, પટ્દીપ અને સુર મલ્હારની રાગમાળાને સહજ ન્યાય મળી રહે એટલે જયદેવ પ્રખ્યાત ગઝલ ગાયિકા મધુરાણી, મરાઠી નાટ્ય સંગીતમાં ખુબ ખ્યાત ફૈયાઝ અને યેસુદાસને પ્રયોજવાની અભિનવ કેડી કોતરે છે.

આઈ ઋતુ સાવનકી પિયા મોરા જાયે રે - કુમારી ફૈયાઝ, ભુપિંદર

સાવન આવે ત્યારે જ પ્રિયતમ (કે પ્રિયતમા) અલગ થઈ જાય એ વિરહની વેદના જયદેવ રાગ દેશમાં વ્યકત કરે છે.


હો રામા ડર  લાગે અપની ઉમરિયા સે – અસરાની


બિનતી સુન લે તનિક, નટખટ ગોરી બિનતી સુન લે - અસરાની

અસરાનીને આ પારંપારિક્ર રચનાઓની પૅરોડીમાં રજુ કરવાની કલ્પના હૃષિકેશ મુખર્જી જ કરી શકે અને તેને યથાર્થ જયદેવ જ કરી શકે.


ઘરૌંદા (૧૯૭૭)

દિગ્દર્શક ભીમસેન દ્વારા દિગ્દર્શિત 'ઘરૌંદા' પણ મુખ્ય ધારાના ઢાળમાં બનેલી પ્રાયોગિક કળા ફિલ્મ જ હતી. 'ઘરોંદા' માટે ડૉ. શ્રીરામ લાગુને શ્રેષ્ઠ સહાયક અભિનેતા તરીકે ગુલઝારને એક અકેલા ઇસ શરમેં માટે શ્રેષ્ઠ ગીતકાર તરીકેના ફિલ્મફેર એવૉર્ડ મળેલા.

અહીં આપણે ભીમસેન વિષે ટુંકી વાત કરી લઈએ.

ભીમસેન ભારતમાં એનિમેશન ફિલ્મોના જનક તરીકે ઓળખાય છે. તેમણે અનેક વિષયો પર આવી એનિમેશન ફિલ્મો રચી હતી. રાષ્ટ્રીય એકતા પરની એક, અનેક ઔર એકતા તો ખુબ જ જાણીતી કૃતિ છે, ૨૬ હપ્તાની સૌથી લાંબી ટીવી સિરિયલ વર્તમાન (૧૯૯૪) બનાવવાનું શ્રેય પણ તેમને નામે છે.

ગુલઝારે લખેલાં દો દિવાને સહરમેં  (ભુપિંદર, રૂના લૈલા) અને એક અકેલા ઇસ સહરમેં (ભુપિંદર) તો આજે પણ ખુબ જ લોકપ્રિયતા મેળવે છે.

બાંગલા દેશના વિશ્વ પ્રસિદ્ધ ગાયિકા રૂના લૈલાનો ભારતના શ્રોતાને પરિચય કરાવવાનું શ્રેય જયદેવને નામે ગણી શકાય

 તુમ્હેં હો ન હો, મુઝકો તો ઇતના યકીન હૈ મુઝે તુમસે પ્યાર નહીં નહી - રૂના લૈલા - ગીતકાર નક્શ લ્યાલપુરી

રૂના લૈલા જેવાં ગઝલ ગાયિકાને જયદેવ કેવી રમતિયાળ અદામાં સહજ સ્વરૂપે રજુ કરી શકે છે !


આ ગીતનું એક બીજું કરૂણ વર્ઝન પણ છે જે આ ક્લિપમાં ૫.૦૪થી સાંભળી શકાય છે



જયદેવની કારકિર્દીના અંતની શરૂઆતમાં પણ તેમની સર્જનાત્મકતા અને પ્રયોગશીલતા હજુ તરોતાજા છે. તેમનાં હવે પછીના વર્ષોનાં ગીતોને સાંભળવાની આતુરતા વધતી જ જાય છે.....


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

Sunday, January 9, 2022

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : જાન્યુઆરી ૨૦૨૨

 

જયદેવની તેજસ્વી સંગીત પ્રતિભાનું મૂલ્ય હંમેશાં ઓછું અંકાયું : ૧૯૭૪-૧૯૭૫


જયદેવ
(વર્મા, જન્મ ૩ ઓગસ્ટ, ૧૯૧૯ - અવસાન ૬ જાન્યુઆરી, ૧૯૮૭)ની કારકિર્દીનાં ૧૯૩૩માં માંડેલાં પહેલાં પગરણથી તેમનાં ૧૯૮૭માં અવસાન સુધી આ અત્યંત પ્રતિભાશાળી સંગીતકાર સાથે નિયતિનું વર્તન ઓરમાયું જ રહ્યું. એક સમયે જેમણે અત્યંત માધર્યપુર્ણ અને વાણિજ્યિક દૃષ્ટિએ સફળ પણ, ગીતો રચ્યાં તે પછી તરત જ 'સમાંતર સિનેમા'ના સંગીતકાર તરીકે જયદેવ હાંસિયામાં ધકેલાઈ ગયા. જે મુખ્ય ધારાની ફિલ્મોનાં ગીતોની ધુમ સફળતા તેમને 'ફિલ્મફેર' જેવા લોકચાહનાના માપદંડ ગણાતા પારિતોષિકો ન અપાવી શકી એવા જયદેવને 'સમાંતર સિનેમા'નાં ગીતોએ ત્રણ ત્રણ રાષ્ટ્રીય પુરસ્કારો અપાવ્યા, જે એમની પેઢીના સંગીતકારોના સંદર્ભે અનોખો રેકોર્ડ છે.

જે સમયમાં જયદેવ સક્રિય હતા એ સમયમાં સમાંતર સિનેમા અમુક ચોક્કસ દર્શક વર્ગની પસંદ અનુસાર જ બનતી, એટલે એ ફિલ્મોનું સંગીત પણ વ્યાપક લોકચાહના મેળવે એવી કોઈ અપેક્ષા જ ન રખાતી હોય. જો ક્દાચ સંગીત એ બરનું હોય, તો સમાંતર સિનેમાનાં ટાંચાં બજેટમાં  ફિલ્મની જ પબ્લિસિટિ માટે જોગવાઈ ન કરાતી હોય ત્યાં એ ફિલ્મોનાં સંગીતને માટે તો કંઈ જોગવાઈ હોય એવી તો આશા જ ન રખાય.

પરંતુ જયદેવમાંના તળ કલાકારે સમાંતર સિનેમાની પ્રસિદ્ધિ આડેના આ બધા અવરોધોને સાવ જ નવાં ગાયકોને તક આપવા જેવી  પોતાની પ્રયોગશીલતાને ખીલવા માટેના અવસરમાં ફેરવી કાઢ્યો. આ પ્રકારનાંગીતોમાંથી મોટા ભાગનાં ગીતોએ આ ગાયકોને તો માનભર્યું સ્થાન અપાવ્યું જ, પણ તે સાથે ફિલ્મ સંગીતનાં સાવ નીચાં જઈ રહેલાં મનાતાં ધોરણને નવી જ દિશા ચીંધવાનું પણ કામ કર્યું એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી લાગતી.

ખુબ અનોખા સંગીતકાર જયદેવનાં ગીતોને યાદ કરવાનો ઉપક્રમ આપણે આપણાં આ માધ્યમ પર ૨૦૧૮થી શરૂ કરેલ છે.

§  ૨૦૧૮ માં ૧૯૫૪થી ૧૯૬૩નાં વર્ષોનાં તેમની સૌથી વધારે સફળ ફિલ્મો ગણી શકાય એવી ફિલ્મોનાં ગીતો

§  ૨૦૧૯માં તેમની ૧૯૬૪થી ૧૯૭૦નાં વર્ષોની ઓછી જાણીતી ફિલ્મોનાં ઓછાં જાણીતાં ગીતો,

§  ૨૦૨૦ માં ૧૯૭૧ નાં  અસફળ રહેલી ફિલ્મોનાં તેમનાં ખુબ વખણાયેલાં ગીતોને, અને

§  ૨૦૨૧માં ૧૯૭૨-૭૩માં ફિલ્મોની નિષ્ફળતાએ જે ગીતોને પણ ભુલાવી દીધાં તે ગીતોને;

આપણે યાદ કરી ચુક્યાં છીએ.

આજના અંકમાં આપણે ૧૯૭૪ની 'આલિંગન', 'ફાસલા' અને 'પરિણય' અને ૧૯૭૫ની 'એક હંસ કા જોડા' અને 'આંદોલન' ફિલ્મોનાં જે ગીતો યાદ કરીશું તે ગીતો આપણને તેમનાં સંગીતમાં જરા પણ ન કરમાયેલી તાજગી અને પ્રયોગશીલતાની ખુબીનો પણ આસ્વાદ કરાવે છે.

આલિંગન (૧૯૭૪)

હમારે દિલ કો તુમને દિલ બના લિયા - મોહમ્મદ રફી, આશા ભોસલે  - ગીતકાર: જાં નિસ્સાર અખ્તર

ગીતના પૂર્વાલાપમાં મોટરબાઈકની ગતિ અનુભવાય છે જે ગીતના વૉલ્ઝના ઝડપી તાલમાં ફેરવાઇ જાય છે. મોહમમ્દ રફી અને આશા ભોસલેની ગાયકીની ખુબીઓને પણ જયદેવે બહુ ગીતમાં વણી લીધી છે.  


પ્યાસ થી ફિર ભી તક઼ાઝા ન કિયા - મન્ના ડે – ગીતકાર: જાં નિસ્સાર અખ્તર

લાગણીઓની રજુઆતને ગીતના ઉપાડમાં મન્ના ડે એકદમ મૃદુતાથી કરે છે, પરંતુ જેમ જેમ ઉત્કટતા વધતી જાય છે તેમ તેમ સુર ઊંચે જતો જાય છે. સેક્સોફોનનો સંગાથ વાતાવરણમાં ઘુટાય છે જે પણ ઉત્તેજનાને હવા દે છે. 

  

ફાસલા (૧૯૭૪)

આ ઉઠા લે અપના જામ ક્યા તુજ઼ે કિસી સે કામ - રાનુ  મુખર્જી – ગીતકાર: કૈફી આઝમી

રાનુ મુખરજીના ભારી સ્વરનો પ્રયોગ જયદેવે ક્લબ ડાન્સનાં ગીતનાં ઉત્તેજક વાતાવરણને ઘુંટવામાં કર્યો છે.


ઝિંદગી સિગરેટકા ધુંઆ, યે ધુઆં જાતા હૈ કહાં - ભુપિન્દર – ગીતકાર: કૈફી આઝમી

જયદેવ, કૈફી આઝમી અને ભુપિન્દરનું સંયોજન ઝિંદગી તો સિગરેટનો ધુમાડો છે, જે ક્યાં જાય છે તે ન પુછો જેવા ગંભીર ભાવથી શરૂ થતાં પ્રેરણાત્મક ગીતને સાવ હળવા અંદાજમાં રજુ કરે છે. 



પરિણય (૧૯૭૪)

જૈસે સુરજકી ગર્મી સે જલતે હુયે તન કો - દીનબન્ધુ શર્મા,રામાનન્દ શર્મા, સાથીઓ-  ગીતકાર: રામાનન્દ શર્મા

જયદેવનો સ્પર્શ ભજન ગીતોના સુપ્રસિદ્ધ ગાયકો શર્મા બંધુઓની ગાયકી  અને રાગ જૌનપુરીમાં થયેલ ગુંથણીને લોકપ્રિયતાની વધારે ઊંચાઈએ લઈ જવામાં પોતાની આગવી ભૂમિકા ભજવે છે.


મિતવા મિતવા મોરે મન મિતવા આજા રે આજા - મન્ના ડે, વાણી જયરામ – ગીતકાર: નક઼્શ લ્યાલપુરી

જયદેવ યુગલ ગીતમાં '૫૦ના દાયકાનું માધુર્ય જીવંત કરે છે. આવું મધુર અને છતાં બાંધણીમં સહજ ગીત મન્ના ડેના ચાહકોમાં તેમ જ ફિલ્મ સંગીતની ખુબીઓ માટે ખાસ ચાહત ધરાવતા શ્રોતા વર્ગમાં લોકપ્રિય ન થયું હોત તો જ નવાઈ કહેવાય  !


આડવાત :

'પરિણય'ને ૧૯૭૪નાં વર્ષ માટેનો રાષ્ટ્રીય એકતા માટેના ખાસ નરગીસ દત્ત રજત કમળ પુરસ્કાર એનાયત થયો હતો.

ફિલ્મના દિગદર્શક કાંતિલાલ રાઠોડ છે જેમની ગુજરાતી ફિલ્મ 'કંકુ' ((૧૯૬૯)ને પણ શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ માટે અને તેમની અનેક નોંધપાત્ર દસ્તાવેજી ફિલ્મો પૈકી  Cloven Horizon (૧૯૬૫)માટે બળકો માટેની ફિલ્મનો પુરસ્કાર મળ્યા હતા.

એક હંસકા જોડા (૧૯૭૫)

સાથી મિલતે હૈં બડી મુશ્ક઼ીલ સે, કિસીકા સાથ ન છોડના - કિશોર કુમાર – ગીતકાર: ઈન્દીવર

જયદેવ અને કિશોરકુમારનો સંગાથ, બન્નેની બીજી ઇનિંગ્સમાં પણ, થવો એ પોતાની રીતે જ એક વિરલ ઘટના છે. ખુબ ભાવવાહી ગીતને અનુરૂપ જયદેવ સંગીતની બાંધણી પિયાનોના મૃદુ સુરોની સાથે કિશોર કુમારના સ્વરને પણ એ ઉપર જતા અને નીચે રહેતા સુરમાં વણી લે છે.


એક હંસ કા જોડા જિસને પ્યાર મેં હર બંધન તોડા - અજિત સિંઘ – ગીતકાર: ગૌહર કાનપુરી

ગૌહર કાનપુરી જેવા શાયરના બોલની અજિત સિંઘ જેવા પોપ ગાયકના સ્વરમાં, ગિટાર અને ફુંક વાદ્યોના હળવા સુરોમાં વણાયેલ પોપ સંગીતની શૈલીમાં જ, બાંધણી કર્યા પછી પણ ગીતનું માધુર્ય જાળવવું એ જયદેવ જેવા '૫૦ના દાયકાના સંગીતકારની પ્રયોગશીલતા જ કરી શકે. 


મેરે દિલમેં તેરી તસવીર સદા રહેતી હૈ - ભુપીન્દર, આશા ભોસલે – ગીતકાર: ઈન્દીવર

ભુપીન્દરના સ્વરને તો નાયિકાને ભૂતકાળની યાદોમાં લઈ જતી સાખી પુરતો જ પ્રયોજ્યો છે. 



આંદોલન (૧૯૭૫)

દર-ઓ-દિવાર પે હસરત-એ-નઝર કરતે હૈં, ખુશ રહો અહલ-એ-વતન હમ તો સફર કરતે હૈં - ભુપીન્દર - ગીતકાર રામપ્રસાદ 'બિસ્મિલ'

ફિલ્મ વિશે જે કંઈ થોડી માહિતી મળે છે તેના પરથી એટલો ખયાલ બેસે છે કે ફિલ્મ સ્વાતંત્ર્ય સંગ્રામના સમયકાળનામ કથાવસ્તુ પર નિર્માણ પામી છે. કમર્શિયલ ફિલ્મોના કાબેલ અને સફળ દિગ્દર્શક હોવા છતાં નીતુ સિંઘને બાદ કરતાં મોટા ભાગનાં અન્ય કળાકારો આર્ટ સિનેમા' સાથે વધારે સંકળાયેલાં ગણાતાં હતાં એટલે કદાચ ફિલ્મને 'સમાંતર સિનેમા' તરીકે વર્ગીકૃત કરાઈ હશે!

ગીતમાં લેવાયેલ 'સાખી' લખનૌના નવાબ વાઝિદ અલી શાહને કલકતાની જેલમાં 'દેશનિકાલ' કરાઈ રહયા હતા ત્યારે તેમણે કરેલી વિખ્યાત રચનાનો એક હિસ્સો છે.


મઝલૂમ કિસી કૌમ કે જબ ખ્વાબ જગતે હૈં - મન્ના ડે - ગીતકાર વર્મા મલિક

'અગ્રેજ ' સરકારની પોલીસના દમન સામે પોતાની દેશદાઝને બુલંદ રાખી રહેલ સ્વાતંત્ર્ય વીરના મનોભાવને તાદૃશ કરવા મન્ના ડે જેવા બુલંદ સ્વર પર જયદેવ પોતાની પસંદ ઉતારે છે.


પાંચ રૂપૈયા અરે પાંચ રૂપૈયા દે દે બલમવા મેલા દેખન જાઉંગી - મિનુ પુરુષોત્તમ, કૃષ્ણા કલ્લે - ગીતકાર જાં નિસ્સાર અખ્તર

ફિલ્મનાં કોઈ પાત્રને દુશ્મનથી સાવચેતા કરવા કે તેને ભાગવાની પુરતી તક મળી રહે એ પુરતું 'પેલાઓ'ને આડે રસ્તે રોકી રાખવાના આશય સારૂં પણ હિંદી ફિલ્મોમાં શેરી 'તમાશા' ગીતો ઘણાં હાથવગાં ગણાતાં રહ્યાં છે.


આડવાત :

ગીતમાં @૩.૪૧ પર સ્પષ્ટપણે જોવા મળતાં દાઢી ચશ્માવાળા 'રઈસ' પાત્રમાં વિન્ટેજ એરાના ખ્યાતનામ ગાયક જી એમ દુર્રાની છે.

પિયા કો મિલન કૈસે હોયે રી મૈં જાનું નહીં - આશા ભોસલે - ગીતકાર મીરાબાઈ

જયદેવે આ પહેલાં સાંગિતીક દૃષ્ટિએ જટિલ કહી શકાય છતાં ખુબ જ કર્ણપ્રિય એવી તૂ ચંદા મૈં ચાંદની (ગીતકાર :બાલ કવિ બૈરાગી) અને એક મીઠી સી ચુભન (ગીતકાર: ઉધ્ધવ કુમાર - (રેશ્મા ઔર શેરા, ૧૯૭૧) કે યે દિલ ઔર ઉનકી નિગાહોં કે સાયે,મુઝે ઘેર લેતે હૈ બાહોં કે સાયે (ગીતકાર: જાં નિસ્સાર અખ્તર) અને યે નીર કહાં સે બરસે હૈ… યે બદરી કહાંસે આઈ હૈ  (ગીતકાર: પદ્મા સચદેવ)  (પ્રેમ પર્બત, ૧૯૭૩) જેવી રચનાઓનો જયદેવનો જદુઈ સ્પર્શ અહીં નથી જોવા મળતો !

જયદેવની કારકિર્દીનાં આ પાનાંની યાદો મમળાવતાં મમળાવતાં આજે અહીં વિરામ લઈએ. જોકે જયદેવ રચિત અદ્‍ભૂત ગીતોની વિસરાતી દાસ્તાનની આપણી આ સફર તો હજૂ ચાલુ જ રહે છે…….


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.