Sunday, January 10, 2021

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : જાન્યુઆરી, ૨૦૨૧

 જયદેવની તેજસ્વી સંગીત પ્રતિભાનું મૂલ્ય હંમેશાં ઓછું અંકાયું : ૧૯૭૨ - ૧૯૭૩

જયદેવ (વર્મા) - જન્મ ૩ ઓગસ્ટ ૧૯૧૯ । અવસાન ૬ જાન્યુઆરી, ૧૯૮૭ - ને વધારે યાદ એવા સંગીતકાર તરીકે કરાય છે જેમણે શાસ્ત્રીય અને લોક સંગીતને પોતાની આગવી શૈલીમાં રજૂ કર્યાં. તેમની આ ખાસિયતે જ કદાચ તેમને સંગીતકાર તરીકે સફળ સંગીતકારોની મનાતી વાડાબંધી દ્વારા પ્રેરીત તથાકથિત અસફળતા કે નસીબની ઉંધી ચાલના સામા પ્રવાહમાં પોતાની સર્જકતાને ટકાવી રાખવાનું બળ પુરૂં પાડ્યું. 

તેમની સક્રિય કારકિર્દી દરમ્યાન તેમને ફાળે આવેલી ફિલ્મોના પ્રકારના અનુસાર જો તેમની કારકિર્દીનાં વર્ષોને વર્ગીકૃત કરીએ તો કંઈક આવું ચિત્ર નિપજે -

  • ૧૯૫૫થી ૧૯૫૯નો જોરૂ કા ગુલામ, સમુંદરી ડાકુ, અંજલિ અને રાત કે રાહી જેવી ફિલ્મો વડે સ્થાન જમાવવા માટેના સંઘર્ષનો સમય,
  • ૧૯૬૧થી ૧૯૬૩નો પહેલી સફળતાનો હમ દોનો, કિનારે કિનારે અને મુઝે જીને દો જેવી સફળ ફિલ્મોનો સમય 
  • ૧૯૬૪થી ૧૯૭૧ નો નાનાં બજેટની નૈહર છૂટલ જાયે, હમારે ગમસે મત ખેલો,જિયો ઔર જિને દો, સપના, એક બુલબુલા પાની કા, શાદી કર લો,  દો બુંદ પાની જેવી ફિલ્મો માટે વધારે યોગ્ય એવી છાપ હેઠળનો સર્જન સમય,
  • ૧૯૭૧થી  ૧૯૭૩નો રેશ્મા ઔર શેરા જેવી જાણીતાં બૅનરની અને તે સાથે એક થી રીતા, ભાવનામાન જાઈયે અને પ્રેમ પર્બત જેવી ઓછાં બજેટવાળી ફિલ્મોનાં સંગીત દ્વારા નવપલ્લવિત થવાનો સમય, અને
  • ૧૯૭૪ થી - ગમન અને અનકહી જેવી સંગીત માટે રાષ્ટ્રીય ઍવોર્ડ વિજેતા ફિલ્મોનાં સર્જન સાથે - અંત ભણી વહી રહેલો સમય

આવા ખુબ અનોખા સંગીતકાર જયદેવનાં ગીતોને યાદ કરવાનો ઉપક્રમ આપણે આપણાં આ માધ્યમ પર ૨૦૧૮થી શરૂ કરેલ છે.

આપણે યાદ કરી ચુક્યાં છીએ

આજના આ અંકમાં આપણે જયદેવ દ્વારા રચિત ૧૯૭૨ની ભાવના અને માન જાઈયે અને ૧૯૭૩ની પ્રેમ પર્બતનાં ગીતોને યાદ કરીશું. 'ભાવના' અને માન જાઈયે' નાના બજેટની ફિલ્મો હતી તે અને અન્ય કારણોસર નિષ્ફળ ફિલ્મો લાંબી હરોળમા જઈ પડી. ૧૯૭૩ની 'પ્રેમ પર્બત' જનસામાન્યને નજરમાં રાખીને નહોતી બની એમ કહી શકાય, પણ ગુણવત્તા સિવાયનાંં જ માત્ર અને માત્ર વાણિજ્યિક પરિબળોને કારણે નિષ્ફળ બની ગઈ તેવો સર્વસામાન્ય મત છે. 'પ્રેમ પર્બત'નાં ગીતો એ સમયે વિવેચકો અને સામાન્ય શ્રોતા બન્નેને ખુબ પસંદ રહ્યાં હતા, ફિલ્મ સફળ રહી હોત તો આ ગીતોને પણ યાદગાર સફળ ગીતોની હરોળમાં સ્થાન મળત. આ કારણોસર, આ ફિલ્મોનાં જેટલાં ગીતોની યુ ટ્યુબ પર ક્લિપ મળી છે તે બધાં અહી સમાવી લીધાં છે.

ભાવના (૧૯૭૨)

ફિલ્મનાં મુખ્ય પાત્રોની ભૂમિકા દેવ કુમાર, સોનિયા સહાની, પદ્મા ખન્ના વગેરે એ ભજવી હતી.

ફિર મિલેંગી કહીં ઐસી તન્હાઈયાં - મુકેશ, આશા ભોસલે – ગીતકાર: નક઼્શ લ્યાલપુરી

ભલા ભોળા જણાતા મુકેશની સાથે તરવરાટભર્યા સ્વરમાં આશા ભોસલે જોડાઈને બહુ સરળ ભાવ અને ધુનમાં રચાયેલું સંવાદમય યુગલ ગીત સર્જે છે. ભલા ભાઈના 'ક્યા ઈરાદા હૈ?' સવાલના જવાબમાં મસ્તીખોર જવાબ વડે ગીતમાંનો રોમાંસ ખીલી ઊઠે છે.

મેરી ઈલ્તિજા હૈ સાક઼ી, બસ ઈલ્તીજા હૈ સાક઼ીયા તુ ભી આ - આશા ભોસલે – ગીતકાર: નક઼્શ લ્યાલપુરી

ઓછામાં ઓછાં વાદ્યો, થોડી સંકુલ ગીત બાંધણીમાં શાસ્ત્રીય કે લોક સંગીતનો આધાર લઈને ગીતની રચના એ હવે જયદેવની આગવી ઓળખ બની ગયેલ છે. આ ગીતનો મૂળભૂત પ્રકાર મુજરા ગીતનો છે, પણ જયદેવ તેને પોતાની શૈલીમાં રજૂ કરે છે.

બન્ને અંતરાની વાદ્ય સજ્જા જયદેવની વાદ્યસજ્જાનાં કૌશલ્યની સાહેદી પૂરે છે.

મૈં તેરી દાસી તુ મેરા દાતા - સુમન કલ્યાણપુર – ગીતકાર: નક઼્શ લ્યાલપુરી

ગીત મૂળતંઃ એક ભજન છે એટલે બોલ કે બાંધણીમાં, અનુક્રમે, નકશ લ્યાલપુરી કે જયદેવની આગવી છાંટ વર્તાવાથી વધારે અનાવશ્યક સંકુલતા સહજપણે નથી વર્તાતી.

યે દુનિયા વો દુનિયા હૈ જહાં ઈન્સાન કી કોઈ કિમત નહી - મોહમ્મદ રફી – ગીતકાર: નક઼્શ લ્યાલપુરી

બેકગ્રાઉન્ડમાં ગવાતું ગીત જણાય છે. મોહમ્મદ રફી બહુ સરળતાથી ગાતા  જરૂર જણાય, પણ ગીત ગાવું ખાસ્સું કઠિન છે.

આશા ભોસલે અને ઉષા મગેશકરનાં એક સ્ત્રી-સ્ત્રી યુગલ ગીત - હમ હૈ વહાં, તસ્સવુર ભી તેરા જહાં ન પહુંચે - ની યુ ટ્યુબ લિંક નથી મળી શકી.

માન જાઈયે (૧૯૭૨)

બી આર ઈશારા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકાઓ રાકેશ પાંડે અને રેહાના સુલ્તાનની છે અને જલાલ આઘાની પણ ખાસ ભુમિકા હતી.

ઓ મિતવા… બદરા છાયે રે કારે કજરા રે - લતા મંગેશકર – ગીતકાર: નક઼્શ લ્યાલપુરી

'મિતવા'ને ગીતના પૂર્વાલાપમાં ઉપયોગમાં લીધેલ છે. ગાયકીની દૃષ્ટિએ થોડી કઠીન કહી શકાય એવી રચનાને કારણે ગીતનું માધુર્ય નથી ઓછું થતું અનુભવાતું.

લે ચલો, લે ચલો, અબ કહીં ભી લે ચલો, સોચ લો, સોચ લો, એક તરહ ભી સોચ લો  - મુકેશ, વાણી જયરામ – ગીતકાર: નક઼્શ લ્યાલપુરી

મુકેશની સથે યુગલ સ્વર તરીકે વાણી જયરામના સ્વરનો પ્રયોગ જયદેવ અસરકારક કાર્યદક્ષતાથી રજૂ કરે છે.

યે વહી ગીત હૈ જિસકો મૈને ધડકનોમેં બસાયા હૈ - કિશોર કુમાર – ગીતકાર: નક઼્શ લ્યાલપુરી

પ્રેમપાત્રની હાજરી અનુભવતાં રહીને જલાલ આઘાએ એકપાત્રીય અભિનય દ્વારા આ પ્રણય ગીતને જીવંત કર્યું છે. ગીતને વૉલ્ત્ઝ લયમાં સજાવાયું છે.



પ્રેમ પર્બત (૧૯૭૩)

ઊંચે લોગ અને પરાયા ધન જેવી સફળ પ્રયોગાત્મક ફિલ્મો અને સન્યાસી અને બેઈમાન જેવી વાણિજ્યિક હેતુપ્રધાન ફિલ્મોના દિગ્દર્શક વેદ રાહી આ ફિલ્મના દિગ્દર્શક છે. એક અનાથ બાળ ૯રએહાના સુલ્તાન)ની લાગણીઓ તેના પ્રૌઢ વયના પતિ (નાન અપળશીકર) અને જંગલ્ખાતાં એક અધિકારી (સતીશ કૌશલ) વચ્ચેનાં દ્વંદ્વમાં ફસાય છે એ પ્રકારનું આ ફિલ્મનું કથાવસ્તુ છે. ફિલ્મ પુરી થયા સુધીમાં નાણા પ્રવાહની સખત ખેંચને કારણે ફિલ્મને નાણાં ધીરનારે ફિલ્મની પ્રિંટ્સ પડાવી લીધી હતી, તેથી ફિલ્મના પ્રસારને અવળી અસર થઈ. જો ફિલ્મ થોડે ઘણે અંશે પણ ચાલી શકી હોત, તો ફિલ્મનાં ગીતોની સફળતા અનેક ગણી વધી ગઈ હોત.

યે દિલ ઔર ઉનકી નિગાહોં કે સાયે,મુઝે ઘેર લેતે હૈ બાહોં કે સાયે  - લતા મંગેશકર – ગીતકાર: જાં નિસ્સાર અખ્તર

રાગ પહાડીમાંસજાવાયેલ આ ગીત એ સમયે ખુબ લોકપ્રિય રહ્યું હતું. ગીતમાં સંતુરવાદન શિવ કુમાર શર્મા અને વાંસળીવાદન હરિપ્રસાદ ચૌરસિયાએ સંભાળ્યું ઃએ, જે જયદેવની ઉચ્ચ ગુણવત્તા માટેની ચીવટની શાખ પૂરે છે.

યે નીર કહાં સે બરસે હૈ… યે બદરી કહાંસે આઈ હૈ - લતા મંગેશકર – ગીતકાર: પદ્મા સચદેવ

પદ્મા સચદેવ (જન્મ ૧૯૪૦) ડોગરી ભાષાનાં ખ્યાતનામ કવયિત્રી છે. તેમણે પછીથી આંખી દેખીં (૧૯૭૮, સંગીત: જે પી કૌશિક)માં મોહમમ્દ રફી અને સુલક્ષણા પંડિતના સ્વરનાં જાણીતાં યુગલ ગીત - સોના રેતુઝે કૈસે મિલું'  અને ગીતકાર યોગેશ સથે ફિલ્મ સાહસ (૧૯૭૯, સંગીત: આમીન સંગીત) માટે પણ ગીતો લખ્યાં છે.

પ્રસ્તુત ગીતમાં લોક સંગીત અને શાસ્ત્રીય સંગીતની લાક્ષણિકતાઓને માધુર્યસભર રીતે વણી લેવામાં આવેલ  છે જેને કારણે ગીતના બોલમાં કુદરતની નિશ્રામાં નાયિકાના મનના ભાવ નીખરી રહે છે.

મેરા છોટા સા ઘરબાર ….મેરે અંગના મેં મેર છોટા સા ઘરબાર – ગીતકાર: પદ્મા સચદેવ

ગીતના બોલ નાયિકાનાં પોતાનાં ઘરના સ્વપ્નને વાચા આપે છે. ગીતની બિનપરંપરાગત શૈલીમાં બાંધણી વડે આ સ્વપ્નને જયદેવ એક કસુત્રી સંવાદની જેમ, માધુર્યને જરા પણ ઝાંખપ ન લાગે તે રીતે, જીવંત કરે છે.

રાત પિયા કે સંગ જાગી રે સખી… ચૈન પડા જો અંગ લાગી રે સખી - મીનૂ પુરુષોત્તમ – ગીતકાર: જાં નિસ્સાર અખ્તર

મીનૂ પુરુષોત્તમના ફાળે બી / સી ગ્રેડની ફિલ્મોનાં સ્ત્રી યુગલ ગીતો ગાવાનું વધારે આવ્યું તેમનું સૌથી વધારે યાદગાર ગીત પણ એક એવું જ યુગલ ગીત - હઝૂરેવાલા જો હો ઇજ઼ાજ઼ત (યે રાત ફિર ન આયેગી, ૧૦૬૦ - આશ અભોસલે સાથે - સંગીતકાર ઓ પી નય્યર) ગણવામાં આવે છે.

પોતાના પ્રિયજન સાથે લાંબા વિરહ બાદ મિલનની જે મધુર ક્ષણો મળી તેનું લોકસંગીત શૈલીમાં હૂદયંગમ  વર્ણન ઝીલવા માટે જયદેવે મીનૂ પુરુષોત્તમના સ્વર પર પસંદગી ઉતારી છે. ગીત સાંભળવું જેટલું ગમે તેવું છે તેટલા જ શૃંગારમય તેના બોલ છે, જેને અહીં રજૂ કરવાની લાલચ રોકી નથી શકાતી.

સૈયાંજીને જાદૂ ફેરા

બાહોંકા ડાલા ઘેરા

અંચરા જો ખીંચા મેરા 

ગોદ પિયા કી તંગ લાગી રે સખી.


સૈયાજીને ડાકા ડાલા

ઉલજ઼ા જો લટોંમે બાલા

બીખરી ગલેકી માલા

ભડકી બદનકી જ્વાલા 

દેવધનુષ લાગી રે સખી 


ગજરા સુહાના ટૂટા

કજરા નયન કા છૂટા 

સબ તન ભયા રે ઝૂઠા 

જિતના સતાયા લૂટા

ઔર ભી બાંકે અંગ લાગી રે સખી

 

જયદેવની સક્રિય કારકીર્દીની યાદોને જીવંત કરતી આપણી આ સફરમાં અહી આપણે એક વાર્ષિક વિરામ લઈશું.


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

No comments: