Sunday, January 12, 2020

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : જાન્યુઆરી, ૨૦૨૦


જયદેવની તેજસ્વી સંગીત પ્રતિભાનું મૂલ્ય હંમેશાં ઓછું અંકાયું : ૧૯૭૧
જયદેવ (વર્મા) - જન્મ ૩ ઓગસ્ટ ૧૯૧૯ । અવસાન ૬ જાન્યુઆરી, ૧૯૮૭ -ને તેમનાં જન્મ શતાબ્દીનાં વર્ષમાં
એવા સંગીતકાર તરીકે યાદ કરાઈ રહ્ય છે જેમણે શાસ્ત્રીય સંગીત તેમ જ લોક સંગીતને પોતાની આગવી શૈલીમાં રજૂ કર્યું. તેમની ફિલ્મોમાટે એક તરફ જ્યારે નાણાંની જોગવાઈઓ સંકડાતી જણાતી ત્યારે તેમણે ભુપિન્દર, દિલરાજ કૌર, હરિહરન, છાયા ગાંગુલી, પિનાસ મસાણી કે રૂના લૈલા જેવાં ગાયકોને તક આપવાના, અને બીજી તરફ પરવીન સુલ્તાના, લક્ષ્મી શંકર કે ભીમસેન જોશી જેવાં શાસ્ત્રીય ગાયકો પાસે ગીતો ગવડાવવાના પ્રયોગો પણ કર્યા.
હિંદી ફિલ્મોના સંગીતકારોમાંથી સંગીતકાર તરીકે ત્રણ રાષ્ટ્રીય પુરસ્કારો - રેશમા ઉર શેરા (૧૯૭૨), ગમન (૧૯૭૯) અને અનકહી (૧૯૮૫)=થી નવાજાયેલા એક માત્ર સંગીતકાર હોવા છતાં અમુક અપવાદરૂપ ફિલ્મોને બાદ કરતાં તે હિંદી ફિલ્મ જગતે તેમને મુખ્ય ધારાની ફિલ્મોના સંગીતકાર તરીકે પોતાનું સ્થાન ન આપ્યું.
આવા ખુબ અનોખા સંગીતકાર જયદેવનાં ગીતોને યાદ કરવાનો ઉપક્રમ આપણે આપણાં આ માધ્યમ પર ૨૦૧૮થી શરૂ કરેલ છે. તેમની સૌથી વધારે સફળ ફિલ્મો સાથે સંકલાયેલો ગણાય તેવાં ૧૯૫૪થી ૧૯૬૩નાં વર્ષોનાં તેમનાં ગીતોની યાદ ૨૦૧૮માં તાજી કર્યા બાદ, ૨૦૧૯માં તેમની ૧૯૬૪થી ૧૯૭૦નાં વર્ષોની ઓછી જાણીતી ફિલ્મોનાં ઓછાં જાણીતાં ગીતોને આપણે યાદ કર્યાં હતાં. આજે હવે અસફળ રહેલી ફિલ્મોનાં તેમનાં ખુબ વખણાયેલાં ૧૯૭૧નાં વર્ષનાં ગીતોને આપણે યાદ કરીશું. આજની ફિલ્મોમાંથી બે - દો બુંદ પાની અને રેશ્મા ઔર શેરા - રાજસ્થાનની પૃષ્ઠભૂપર બનેલ છે જ્યારે ત્રીજી ફિલ્મ - એક થી રીટા -  શહેરી વાતાવરણની હાસ્યપ્રધાન થ્રીલર ફિલ્મ છે.
નિષ્ફળ રહેલી ફિલ્મોમાં સફળ રહેલું જયદેવનું સંગીત
૧૯૭૧
દો બુંદ પાની
ખ્વાજા અહમદ અબ્બાસ દ્વારા લખાયેલ, નિર્મિત અને દિગ્દર્શીત 'દો બૂંદ પાની' રાજસ્થાનનાં ગ્રામીણ પરિવેશમાં ફિલ્માવાયેલ આર્થિક વિકાસ યોજનાઓનાં સંકુલ સામાજિક અને માનવીય સમીકરણોની કહાની છે. ફિલ્મનાં કથાવસ્તુ દુષ્કાળગ્રસ્ત પ્રદેશમાં કાયમી ઉપાય તરીકે બંધાઈ રહેલ ડેમને લગતા પ્રશ્નોની આસપાસ વિકસે છે. ફિલ્મમાં સિમી ગરેવાલ, જલાલ આગા, મધુ ચંદા મુખ્ય ભૂમિકાઓમાં છે. કિરણ કુમાર આ ફિલ્મથી પદાર્પણ કરી રહ્યા છે. ફિલ્મને ૧૯૭૨નો નરગીસ દત્ત રાષ્ટ્રીય એકીકરણનો શ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મળેલ છે. ફિલ્મમાં જયદેવનાં સંગીતને 'અદ્‍ભૂત' દરજ્જાનું ગણાયું હતું. ફિલ્મ જોકે ટિકિટબારી પર નિષ્ફળ રહી હતી.
બન્ની તેરી બિંદીયા કે લે લું બલ્લૈયાં - લક્ષ્મી શંકર – ગીતકાર: બાલકવિ બૈરાગી
જયદેવે ગીતની બાંધણી પરંપરાગત લોકગીતની તરજ પર બહુ સરળ ધુનમાં કરી છે. અંતરાનાં સંગીતમાં શરણાઈના કરૂણ સ્વર પ્રયોગ લગ્નપ્રસંગોએ શરણાઇ-નગારાંવાદનની પરંપરાને અનુસરે છે.
ગીતનાં ઓડીયો વર્ઝનમાં બન્ને અંતરા સાંભળવા મળે છે.

જા રી પવનીયા પિયા કે દેસ જા - આશા ભોસલે – ગીતકાર: કૈફી આઝમી
પ્રિયતમાના સંદેશને શબ્દ દેહ આપવામાં કૈફી આઝમી તેમની કાવ્યકૌશલ્ય કળાના બધા રંગ ઠાલવી દે છે -
તન મન પ્યાસા, પ્યાસી નજરીયાં,
પ્યાસી પ્યાસી ગગરીયાં,
અમ્બર પ્યાસા, ધરતી પ્યાસી,
પ્યાસી સારી નગરીયાં
જયદેવે ગીતની અંદર ઘુંટાતા વિરહની પ્યાસના ભાવને જીવંત કરવા માટે આશા ભોસલેના સ્વરનો ઉપયોગ કર્યો છે. અંતરા સાથે જોવા મળતાં દૃશ્યો ડેમનાં બાંધકામ સાથે નાયિકાના વિરહને વણી લે છે.

પીતલકી મેરી ગાગરી દિલડીસે મોલ મંગાયી રે = પરવીન સુલ્તાના, મિનુ પુરૂષોત્તમ – ગીતકાર: કૈફી આઝમી
રાજસ્થાની ગ્રામીણ સામાજિક જીવનને જયદેવે બહુ જ સરળતાથી રાજસ્થાની માંડ લોકગીતની બાંધણીમાં જડી દીધું છે. પરવીન સુલ્તાના અને મિનુ પુરુષોત્તમના યુગલ સ્વરોનો પ્રયોગ ગીતને વાસ્તવિકતાની અનોખી આભા બક્ષે છે.
ગીતનાં ઓડીયો વર્ઝનમાં સ્પષ્ટ ધ્વનિકરણની સાથે એક વધારાના અંતરાનો પણ લાભ મળે છે.

ગીતનું બહુ જ કરૂણ ભાવનું, પરવીન સુલ્તાનાના એકલ સ્વરનું પણ એક સ્વરૂપ છે.

અપને વતનમેં આજ દો બુંદ પાની  નહીં - મુકેશ, મિનુ પુરૂષોત્તમ – ગીતકાર: કૈફી આઝમી
ગીતના બોલ અને પર્દા પરનાં દૃશ્યોમાં દુકાળને કારણે ગામડાંઓમાંથી લોકોની પાણીનાં નવા સ્રોય=તની શોધમાટે થઈ રહેલ હિજ઼રતની વ્યથા અનુભવાય છે.

રેશમા ઔર શેરા
રેશમા ઔર શેરા સુનિલ દત્ત દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત ફિલ્મ હતી. ફિલ્મ્નું  શુટીંગ જેસમલ્મેર અને તેની આસપાસ કરવામાં આવ્યું હતું. રોમિઓ-જુલિએટની વાર્તાને સમાંતર ભારતમાં પણ અનેક લોકકથાઓ પડી છે, તેવી જ લોકકથાનાં પોતમાં રાજપુત કબીલાઓ વચ્ચેનાં પેઢી દર પેઢી ચાલ્યાં આવતાં વેરની વચ્ચે બે યુવાન હૈયાંની પાંગરતી અને રોળાતી પ્રેમકથાની આસપાસ ફિલ્મ વણી લેવાઈ છે.
ફિલ્મને આંતરરાષ્ટ્રીય  કક્ષાએ બહુ સ્વીકૃતિ મળી હતી   ફિલ્મની ફિલ્મોગ્રાફીની જેમ જયદેવનાં સંગીતમાં પણ રાજસ્થાની પરિવેશ ઘુંટાએલો જોવા મળે છે. તૂ ચંદા મૈં ચાંદબી (ગીતકાર :બાલ કવિ બૈરાગી) અને એક મીઠી સી ચુભન (ગીતકાર: ઉધ્ધવ કુમાર) જેવાં લતા મંગેશકરનાં અદ્‍ભુત સૉલો ગીતોની સાથે ફિલ્મનાં સંગીતને ૧૯૭૨નો રાષ્ટ્રીય પુરસ્કાર અપાયો હતો.
આડ વાત 
'ઝંઝીર'ની ભૂમિકા માટે અમિતાભ બ્ચ્ચનને મળેલી બેહિસાબ સફળતા પહેલાં તેમણે જે સશક્ત પાત્રો ભજવ્યાં હતાં તેમાં 'રેશમા ઔર શેરા'માં તેમણે ભજવેલ સુનિલ દત્તના ગુંગા નાના ભાઈની ભૂમિકાનું પણ આગવું સ્થાન રહ્યું છે.
જબ સે લગન લગાયી.. ઉમર ભર નીંદ ન આયી - આશા ભોસલે – ગીતકાર: નીરજ
પ્રેમમાં પડેલી નાયિકાની મીઠી ફરિયાદને આશા ભોસલે બહુ સહજતાથી રમતી મેલે છે.

તૌબા તૌબા મેરી તૌબા.. એક તો યે ભરપુર જવાની ઉસ પર યે તનહાઈ - આશા ભોસલે – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ
પદ્મા ખન્ના પર ફિલ્માવાયેલ આ મુજરા નૃત્ય ગીતને જયદેવે અભિનવ તાલ અને અંતરાનાં વાદ્યસંગીત સાથે સજાવ્યું છે.

ઝાલિમ મેરી શરાબમેં યે ક્યા મિલા દિયા - મન્ના ડે અને સાથી – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ
કવ્વાલી ઢાળમાં સજાવાયેલ આ ગીતમાં ૧૨ વર્ષનો નાનકડો સંજય દત્ત પણ ફિલ્મ અભિનય ક્ષેત્રે પદાર્પણ કરે છે.

એક થી રીટા
એક થી રીટા એક્શન હાસ્યપ્રધાન થ્રીલર છે. ફિલ્મનું દિગ્દર્શન રૂપ કે શોરીએ સંભાળ્યું છે. ફિલ્મ તેમની ૧૯૪૯ની ખુબ જ સફળ નીવડેલી 'એક થી લડકી'ની પુનઃઆવૃતિ છે.'એક થી લડકી'નાં વિનોદ દ્વારા રચાયેલાં ગીતોએ પણ ઘૂમ મચાવેલી (લારા લપ્પા લારા લપ્પા લાઈ લપજા યાદ આવે છેને !) પરંતુ સફળતાનું એ સમીકરણ હવે ફરીથી કામયાબ નથી નીવડ્યું. 'એક થી રીટા'નું તો જયદેવના અઠંગ ચાહકો સિવાય કદાચ કોઈને નામ પણ ખબર નહીં હોય. મારા માટે પણ આ ફિલ્મનાં ગીતો પહેલી જ વાર સાંભળવાનું થયું છે. ફિલ્મમાં વિનોદ મહેરા, તનુજા અને આઈ એસ જોહર મુખ્ય ભૂમિકામાં છે.
ફિલ્મમાં દસ ગીત છે, એટલે આપણે તેમાંથી કેટલાંક પ્રતિનિધિ ગીતો જ અહીં પસંદ કર્યાં છે.
હો બલમા બેઈમાન ન માને - મન્ના ડે અને સરલા કપૂર – ગીતકાર: વિકલ સાકેતી
ગીત ભોજપુરી શૈલીમાં ગૂંથવામાં આવ્યું છે. જયદેવે સરલા કપૂર જેવાં સાવ નવાં જ ગાયિકાને તક આપવાનો પ્રયોગ પણ કરી લીધો છે.

બાતોં બાતોં મેં બાત બઢતી હૈ.. યે હૈં પ્યાર કે નઝારે  - આશા ભોસલે, જગજિત સિંઘ – ગીતકાર: પ્રેમ જાલંધરી
પિકનિક જેવા પ્રસંગે છેડછાડ પ્રકારનું આ ગીત છે. છોકરીઓ દ્વારા કરાતી છેડછાડનો જવાબ છેલ્લા અંતરામાં જગજિત સિંધના સ્વરમાં છે. જગજિત સિંધનું આ પહેલવહેલું રેકોર્ડૅડ ગીત ગણાય છે.

પાની મેં જો હમ ડૂબે, તો ડૂબતે ગયે હૈરાની મેં.. વાહ વાહ લછ્છી તેરા પલ્લુ લટકે - આશા ભોસલે, સરલા કપૂર – ગીતકાર: સર્શાર શૈલાની
નદી કે તળાવને કિનારે યુવાન સખીઓ એકઠી થઈને મસ્તીમાં ગીત ગાતી હશે તેમ જણાઈ આવે છે. ગીતના હળવા ભાવને જયદેવે બહુ સહજતાથી ધુનમાં વણી લીધેલ છે.

ગૈર ફિલ્મી ગીતો
આપણે 'એક થી રીટા'નાં બીજાં બે ગીતો તરફ આગળ વધીએ તે પહેલાં ૧૯૭૧માં જયદેવે રચેલાં બે ગૈર ફિલ્મી ગીતોની પણ નોંધ લેવાનું ન ચૂકવું જોઈએ.
કારવાં ગુજ઼રા કિયા હમ રાહગુજ઼ર દેખા કિયે - આશા ભોસલે – ગીતકાર: ફાની બદાયુની (મૂળ નામ શૌકત અલી ખાન)
ગીતમાં જયદેવ અવર્ણનીય ભાવ સર્જી રહે છે.

જયતે જયતે સત્યમેવ જયતે - લતા મંગેશકર - ગીતકાર: ઉધ્ધવ કુમાર
સત્યનો જય થાઓ જેવા મુશ્કેલ વિષયને બહુ સહેલાઈથી હોઠ પર લાવી આપે એવી ધુન જયદેવે રચી છે.

હવે 'એક થી રીટા'નાં બે ગીતો પર પાછાં ફરીશું. બન્ને ગીતો મોહમ્મદ રફીના સ્વરમાં છે. આમ આપણા દરેક અંકને મોહમ્મદ રફીનાં ગીતથી પુરો કરવાની પ્રથા પણ જળવાઈ રહે છે.
જો પ્યાર પર ભી જો હો શક઼ તો કર લો દિલ સાફ બેશક઼, દરીન-એ-શક઼ દરીઅ-એ-શક઼ - આશા ભોસલે સાથે - ગીતકાર પ્રેમ જાલંધરી
પરિણય હવે એવા તબક્કે પહોંચી ચૂક્યો છે કે હો જરા સરખા પણ શકની ક્યાંય પણ ગુંજાઈશ હોય તો તેને બેશક઼ સાફ કરી લેવો જોઈએ એમ બન્ને યુવા પ્રેમીઓ આમને સામને કબૂલે છે.

હૈ શોર યે ગલી ગલી કે વો જવાન હો ચલી – ગીતકાર: સ્રર્શાર શૈલાની
જેના પર પોતાની નજર અને દિલ અટક્યાં છે તે હવે પુરબહાર યૌવનમાં ખીલી ઉઠી છે તેવી દિલફેંક લાગણીઓને જયદેવે રમતી મૂકી છે. ગીતની બાંધણી જોકે સરળ નથી પણ મોહમ્મદ રફી એ બધા ઉતાર ચડાવ અને આડાવળા વળાંકોંમાંથી સરસરાટ નીકળતા રહે છે.

છેક ૧૯૭૧ સુધી પણ જયદેવે મોહમ્મદ રફીનો આટલો સહજ ઉપયોગ કર્યો છે તે સહર્ષ નોંધ સાથે જયદેવની ફિલ્મ સંગીત કારકીર્દીની સફર આપણે હવે પછીના અંકમાં પણ આગળ ચલાવીશું.
આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.
નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

No comments: