Sunday, January 5, 2020

મન્ના ડેનાં હાસ્યરસપ્રધાન ગીતો - મેહમૂદ [૧]


તેમની આગવી શૈલી અને ભૂલ્યો ન ભુલાય તેવો સ્વર, મન્ના ડેને '૫૦ના દાયકાના ચાર મુખ્ય ગાયકો -
મોહમ્મ્દ રફી, મુકેશ, તલત મહમૂદ અને કિશોર કુમારના ચતુષ્કોણને પુરુષ ગાયકોના પંચ પરમેશ્વરનું બિરુદ બક્ષવાથી અલગ તારવી રહેતાં હતાં. ગાયક તરીકેની તેમની સર્વતોમુખીતા તેમને ઉચ્ચ સ્થાન અપાવી રહેતી રહી છે. માનવ જીવનની અનેકવિધ લાગણીઓને તેમના સ્વરમાં વાચા મળતી. અતિ ગંભીર ભાવનાં ગીતોથી માંડીને હલકાં ફુલકાં રમુજી ગીતો પર તેમની એકસરખી ફાવટ રહેતી. '૫૦ના દાયકાનાં તેમનાં એવાં અનેક ગીતો આજે પણ એટલી જ ઉત્કટતાથી યાદ કરાય છે.
મન્ના ડેની જન્મ શતાબ્દી નિમિત્તે આપણે શરૂ કરેલી આ પહેલાંની લેખ શ્રેણીના પહેલા અધ્યાય, 'પ્રથમ હરોળના અભિનેતાઓ માટેનાં મન્નાડેનાં ગીતો',માં આપણે તેમણે ગાયેલાં, મુખ્ય પુરુષ કલાકારો માટેનાં, અનેક પ્રકારના અલગ અલગ ભાવનાં ગીતો યાદ કર્યાં હતાં. '૫૦ના દાયકાનાં વર્ષો વિતવાની સાથે હિંદી ફિલ્મોનું કલેવર બદલાવા લાગ્યું. તે સાથે હવે મન્ના ડેનાં ફાળે રોમેન્ટીક ગીતો ઓછાં ફાળવાતાં થવા લાગ્યાં હતાં. એટલે ધીમે ધીમે બીજા કોઈ ગાયકો ગાવાનું જોખમ ન ખેડે તેવાં, મોટા ભાગે ચરિત્ર બૂમિકાઓ બ્જવતા કલાકારો પર ફિલ્માવાયેલાં, 'અઘરાં' ગીતો ગાવા તરફ, મન્ના ડેએ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું.
શાસ્ત્રીય ગાયકીનાં મૂળ પર વિકસેલ તેમની ગાયન શૈલી બીજાં દરેક પ્રકારનાં ગીતોની માંગ માટે બહુ આસાનીથી અનુકુલન સાધી લેતી હતી. ખયાલ અને ઠુમરીથી માંડીને રમતિયાળ રોમેન્ટીક ગીતો કે પાશ્ચાત્ય ધુનો પરનાં ફાસ્ટ ગીતો, કે પરંપરાગત લોક ગીતોથી ભજન કે કીર્તન કે સ્તવનો, કે બંગાળની રવિન્દ્ર સંગીત શૈલીથી માંડીને અન્ય ભાષાઓની આગવી ગાયન શૈલીઓ પર તેમનું એકસરખું પ્રભુતવ બની રહેતું. આમ તેમના અવાજની આ ખાસીયતે તેમને શાસ્ત્રીય ગાયકીના ઢાળમાં ઢળેલાં હાસ્યપ્રધાન ગીતો ગાવા માટે અગ્રીમ પસંદ તરીકે સંગીતકારોને દેખાયા.
'૬૦ના દાયકાની શરૂઆતનો સમય મેહમૂદની પણ હાસ્ય કલાકાર તરીકેની કારકીર્દીના પ્રારંભનો સમય હતો. એટલે હાસ્ય કલાકાર તરીકે પોતાનું આગવું સ્થાન ઊભું કરવામાં મન્ના ડેના આગવા સ્વરની ભૂમિકા સહજ પણે જ વણાઈ ગઈ.

મેહમૂદ

મેહમૂદ (જન્મ ૨૯-૯-૧૯૩૨ - અવસાન ૨૩-૭-૨૦૦૪) '૪૦ના દાયકાના નૃત્યકાર સ્ટાર મુમતાઝ અલીના સૌથી મોટા પુત્ર હતા. અભિન્ય, નૃત્ય, ગાયન જેવી વિવિધ કળાઓમાં તેમની નિપુણતા જાણે વારસાગત હતી. જોકે હિંદી ફિલ્મના ઈતિહાસમાં મેહમૂદની ઓળખ એવા હાસ્ય કલાકાર તરીકેની રહેશે જેમણે હાસ્ય કલાકારોની ઓળખને માનભર્યાં, મહત્ત્વનાં,સારૂં રળતાં સ્થાન સુધીની ઊંચાઈએ પહોંચાડી આપ્યું. એ જ્યારે સસ્તી વેવલાઈ કે આંસુ સારતા લાગણીવેડા પર ન ઉતરી આવ્યા હોય ત્યારે માત્ર ચહેરાના ભાવોની શારીરીક અંગભંગીઓથી અને અણીને સમયે સંવાદની લઢણ દ્વારા પણ તે હાસ્યની છોળૉ સર્જી શકતા હતા. 
દો બીઘા જમીન, ૧૯૫૩ (પાન વેંચવા વાળૉ); નાસ્તીક, ૧૯૫૪; પ્યાસા, ૧૯૫૭ (હીરોનો લાલચુ ભાઈ); સી આઈ ડી, ૧૯૬૦ (કેમેરામેન) કે કાગઝ કે ફૂલ (૧૯૫૯) જેવી ફિલ્મોને ધ્યાનથી જોઈશું તો તેમની કારકીર્દીના પ્રારંભના વર્ષોમાં મેહમૂદના ભાગે આવેલા નાના પાત્રમાં તેમની અભિનયક્ષમતાની ઝલક દેખાશે. છોટી બહેન (૧૯૫૯)માં તેમની ભુમિકા માટે મેહમૂદ શ્રેષ્ડ સહાયક અભિનેતાના પારિતોષિક માટેની પેનલ સુધી પહોંચી ગયા.
[૧]
મન્ના ડે અને મેહમૂદના સંગાથનું પહેલું પગલું એક સાવ અજાણ ફિલ્મનાં અજાણ ગીત દ્વારા પડ્યું.
છોડ અયોધ્યા કે મહલ - સતી પરીક્ષા (૧૯૫૭) – સંગીતકાર: સન્મુખ બાબુ – ગીતકાર: સરસ્વતી કુમાર 'દીપક'
ફિલ્મમાં મુખ્ય પુરુષ અભિનેતા તરીકે કોઈ દલજીતનું નામ છે. મેહમૂદનાં પાત્રનું ફિલ્મમાં અગત્ય કેટલું હશે તે તો ખબર નથી પડતી, પણ મેહમૂદનું નામ ક્રેડીટ્સમાં જોવા મળે છે.
૧૯૫૯ / ૧૯૬૦ પછી મેહમૂદને મુખ્ય પુરુષ પાત્રોની ભૂમિકાઓ પણ મળેલી જોવા મળે છે. એવી એક પ્રમુખ ભૂમિકામાં તેમના પર એક યુગલ ગીત ફિલ્માવાયું હતું.
પ્યાર ભરી યે ઘટાયેં, રાગ મિલનકે સુનાએ - ક઼ૈદી નં ૯૧૧ (૧૯૫૯) - લતા મંગેશકર સાથે – સંગીતકાર: દત્તા રામ – ગીતકાર: હસરત જયપુરી 
મેહમૂદની જોડી અહીં નંદા સાથે બનેલી જોવા મળે છે !
તે પછી 'પ્યાસે પંછી' (૧૯૬૧)માં પણ તે હીરોના પાત્રમાં હતા.
બાબુ બોલ કૈસા રોકા હમને ઢુંઢા કૈસા મૌકા - પ્યાસે પંછી (૧૯૬૧) - ગીતા દત્ત સાથે – સંગીતકાર: કલ્યાણજી આણંદજી – ગીતકાર: ક઼મર જલાલાબાદી 
હિંદી ફિલ્મોમાં છેડછાડ પ્રકારનાં ગીતો તરીકે ઓળખાતા પ્રકારનું આ ગીત છે, ફરક એટલો છે કે અહીં હીરોઈન (અમીતા) હીરો (મેહમૂદ)ની ખીંચાઈ કરે છે. મેહમૂદના ચહેરા પર 'નિર્દોષ ભોળપણ'ના ભાવ સરાહનીયપણે જોવા મળે છે.
ગીતની ખાસ નોંધપાત્ર બાબત એ છે કે હીરોઈનની 'મસ્તીખોરી'ના ભાવને સ્વરમાં રજૂ કરવા માટે કલ્યાણજી આનંદજીએ ગીતા દત્તના અવાજને પસંદ કર્યો છે.

૧૯૬૧માં જ મેહમૂદે પોતાનાં નિર્માણ બૅનર હેઠળ પહેલવહેલી ફિલ્મ 'છોટે નવાબ' બનાવી. આર ડી બર્મનને સ્વતંત્ર સંગીતકાર તરીકે તેમણે સૌ પહેલી તક આ ફિલ્મમાં આપી. ફિલ્મમાં મહેમૂદે પર્દા પર ગાયેલાં ગીતો માટે સ્વર મોહમ્મદ રફીનો હતો.
એ પછી ૧૯૬૫માં મેહમૂદે 'ભૂત બંગલા'નું નિર્માણ કર્યું. 'ભૂત બંગલા' એક હાસ્યપ્રધાન હોરર ફિલ્મ હતી. તેમાં પણ સંગીત ફરી એક વાર આર ડી બર્મનનું હતું. આ વખતે આર ડી બર્મને મેહમૂદ માટે બે ગીતમાં મન્ના ડે અને બે ગીતમાં કિશોર કુમારના સ્વરનો પ્રયોગ કરવાની હિંમત કરી હતી.
આઓ ટ્વિસ્ટ કરેં - ભૂત બંગલા (૧૯૬૫)- સંગીતકાર: આર ડી બર્મન – ગીતકાર: હસરત જયપુરી
આ ગીત ચબી ચેકરનાં ૧૯૬૧નાં હિટ 'Let's Twist Again' પરથી પ્રેરિત છે. ફિલ્મમાં યુવા સંગીતની એક હરિફાઈમાં તનુજા દ્વારા પેશ કરાયેલ એક શાસ્ત્રીય ઢાળનાં ગીત ઓ મેરે પ્યાર આ જા પછી આ ગીત એવાં ગીતો હવે આજની પેઢીને ન ગમે એવી મજાક સ્વરૂપે રજૂ કરાયું હતું. (આડકતરી રીતે, જૂની પેઢીના સંગીતકારોને પણ ઈશારો છે?  )
ખેર, ગીત પોતે પશ્ચિમની ધુન પર બની રહેલાં ગીતોમાં નવી તરાહ કંડારતું હતું.
મન્ના ડે એ પણ ગીતમાંના યૌવન થનગનાટને વાચા આપવામાં કોઈ કસર નથી છોડી. 'જા..ગ ઊઠા.. હૈ મૌસમ' ને તેમણે જે રીતે રમતું કરે છે તેમાં ફિલ્મમાં કિશોર કુમારનાં બે ગીતો - એક સવાલ હૈ તુમ સે યે મેરા અને જા..ગો સોનેવાલો' -માટે પડકાર રૂપ હરિફાઈનો માનદંડ તેમણે સ્થાપી મૂક્યો છે.
પ્યાર કરતા જા દિલ કહેતા હૈ, કાંટોમેં ભી ફૂલ ખીલા - ભૂત બંગલા (૧૯૬૫)- સંગીતકાર: આર ડી બર્મન – ગીતકાર: હસરત જયપુરી
યુવા મસ્તીથી છલકતાં ગીતમાં મન્ના ડે ફરી એક વાર પોતાની શૈલીથી નીખરી રહે છે. ગીતનાં પૂર્વાલાપમાં અને પ્યાર કરતા જા પંક્તિ પુરી કરતી વખતે તેમણે યોડેલીંગનાં પણ નવાં કીર્તિમાન સ્પાપી દીધાં છે.
પર્દા પર ગીતને અભિનિત કરતી વખતે મેહમૂદ પોતાની અંદર રહેલા કોમેડીયનને છુપાવી નથી શક્યા!
સમાંતરે, મેહમૂદની કારકીર્દી કોમેડી ભૂમિકાની કેડી પર ધમ્ધમાટ આગળ વધી રહી હતી. સસુરાલ (૧૯૬૨), રાખી (૧૯૬૩), દિલ તેરા દીવાના (૧૯૬૩) જેવી ફિલ્મોમાં તેમની કોમેડી ભૂમિકાઓ મહત્ત્વનાં સ્થાન પર રહેવા લાગી હતી. તેમના માટે દરેક ફિલ્મમાં એક ગીત પણ જરૂર મુકાવા લાગ્યું હતું, જો કે હજુ એ ગીતો મુકેશ કે મોહમ્મદ રફી જ ગાતા હતા. હાસ્યરસપ્રધાન ગીતો માટે મેહમૂદ અને મન્ના ડેનો સંગાથ કરવાનું શ્રેય મંઝિલ (૧૯૬૦)માં એસ ડી બર્મનને ફાળે જાય છે.
હટો કાહે કો જૂઠી બનાઓ બતીયાં - મંઝિલ (૧૯૬૦) - સંગીતકાર: એસ ડી બર્મન - ગીતકાર: મજરૂહ સુલ્તાન્પુરી
ઉસ્તાદ ફૈયાઝ ખાં સાહેબે ગાયેલ મૂળ ભૈરવી ઠુમરી અરે બતીયાં બનાઓ ચલો કાહે કો જૂઠીનું એસ ડી બર્મને બહુ જ સન્નિષ્ઠ સ્તરનું પેરોડી સ્વરૂપ અહીં કલ્પ્યું છે, જેને સ્વરદેહ આપવા માટે મન્ના ડે સિવાય બીજી કોઈ પસંદગી શક્ય જ ન હોઈ શકે !
ગીતને પરદા પર અભિનિત કરતી વખતે મેહમૂદે પણ પોતાની ચહેરાની અંગભંગિઓને અદ્‍ભૂત કળાત્મક નિખાર આપ્યો છે.

એ પછી ફરી એક વાર એસ ડી બર્મનને મેહમૂદ માટે હાસ્યપ્રધાન ગીતો રચવાની તક 'ઝીદ્દી' (૧૯૬૪)માં મળી. જેમાં તેમણે 'મઝિલ'ની કેડીની નજાકત જાળવી રાખી.
પ્યારકી આગમેં તનબદન જલ ગયા - ઝીદ્દી (૧૯૬૪) – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: હસરત જયપુરી  
કોમેડી ગીતને શાસ્ત્રીય સંગીતના ઢાળમાં રજૂ કરવાની પ્રથાનાં પોતે જ સ્થાપિત કરેલાં ઊંચાં માનકને એસ ડી બર્મન મહદ અંશે જાળવી રહે છે.

મૈં તેરે પ્યારમેં ક્યા ક્યા ન બના દિલબર - ઝીદ્દી (૧૯૬૪) - ગીતા દત્ત સાથે – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: હસરત જયપુરી
અહીં એસ ડી બર્મને હવે યુગલ ગીતના રોમેન્ટીક ભાવને કોમેડીના રંગમાં મઢી લીધું છે. બહુ ઘણાં વર્ષો બાદ ગીતા દત્તના સ્વરનો પણ આબાદ પ્રયોગ કરી લેવામાં તેમની સંગીતકાર તરીકેની અનોખી સુઝ પણ ગીતને અલગ આયામ બક્ષી આપે છે..
મન્ના ડે -મહેમૂદના હાસ્યપ્રધાન ગીતોના સંગાથની વર્ષવાર તવારીખ પર આગળ વધતાં પહેલાં પછીનાં વર્ષ સુધીનો કૂદકો મારીને એસ ડી બર્મનનાં રચેલાં આ જોડી માટેનાં છેલ્લાં ગીતની - સખેદ- નોંધ લઈને આજના અંકને પૂરો કરીએ..
આયા મૈં લાયા ચલતા ફીરતા હૉટલ - નયા ઝમાના (૧૯૭૧) – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: આનંદ બક્ષી 
હાસ્યપ્રધાન ગીતોને જે ઊંચાઈ પર લઈ જવામાં એસ ડી બર્મનનો સિંહ ફાળો હતો તેમના હાથે જ ગીતના પ્રકારને છેક સાતમા પાતાળની ઊંડાઈ સુધી પહોંચાડવામાં એસ ડી બર્મન ભાગ ભજવે છે એ વાતે ખરેખર દુઃખ થાય.

જોકે હજૂ આગળ જતાં જોશું તેમ હાસ્યપ્રધાન ગીતોના પ્રકારને જે જે સંગીતકારોએ સન્માનીય સ્થાન અપાવ્યું એ જ સંગીતકારોએ પોતાનાં જ ધોરણ કરતાં અનેકગણાં નીમ્ન સ્તરનાં ગીતો પણ આપ્યાં છે.
હાસ્યપ્રધાન ગીતોની વાતમાં આટલી દુઃખદ રાગીણીના સુરને અહીં જ વિરામ આપીને હવે પછીના અંકમાં ફરીથી આપણે આપણી મૂળ સફર ચાલુ રાખીશું.

No comments: