Showing posts with label mubarak Begum. Show all posts
Showing posts with label mubarak Begum. Show all posts

Sunday, February 10, 2019

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ફેબ્રુઆરી, ૨૦૧૯

તલત મહમુદનાં મુબારક બેગમ અને મધુબાલા ઝવેરી સાથેનાં યુગલ ગીતો

તલત મહમૂદ[1]ની જન્મતિથિ (૨૪ ફેબ્રુઆરી, ૧૯૨૪)ની યાદમાં આપણે 'તલત મહમૂદનાં ઓછાં સાંભળવા
મળતાં યુગલ ગીતો'ની વાર્ષિક લેખમાળા ૨૦૧૭થી શરૂ કરી છે. ૨૦૧૭ના સૌ પહેલા અકમાં આપણે, તલત મહમૂદનાં વિસારે પડેલાં કેટલાંક યુગલ ગીતો માં તલત મહમૂદના કૉઈપણ સહગાયક સાથેનું એક તેમ જ એક જ સંગીતકારનું એક એવાં વિસારે પડેલાં યુગલ ગીતો ને યાદ કર્યાં હતાં. તે પછી ૨૦૧૮માં એક પગથિયું વધારે ઊંડા ઉતરીને, તલત મહમૂદ: ઓછો સંગાથ થયેલાં સહકલાકારો સાથેનાં યુગલ ગીતો માં જેમની સાથે બહુ જ ઓછી સંખ્યામાં યુગલ ગીતો થયાં હોય એવાં તલત મહમૂદનાં સહગાયકો સાથેનાં યુગલ ગીતોને યાદ કર્યાં હતાં.

આ વર્ષથી હવે આપણે તલત મહમૂદનાં જે સહગાયકો સાથે ઓછાં યુગલ ગીતો થયાં હોય એવાં એક એક શગાયકો સાથેનાં યુગલ ગીતોને યાદ કરીશું, જેમાં સૌપ્રથમ મુબારક બેગમ અને મધુબાલા ઝવેરી સાથેનાં યુગલ ગીતોને આજના અંકમાં સાંભળીશું.

તલત મહમૂદ અને મુબારક બેગમ


મુબારક બેગમ[2]નું સ્થાન હિંદી ફિલ્મનાં પાર્શ્વગાયિકાઓમાં જરૂર સન્માનભર્યું રહ્યું છે, પુરુષ પાર્શ્વગાયકોમાં તલત મહમૂદનું સ્થાન જેટલું આગલી હરોળમાં ગણાતું એવું સ્થાન કદાચ સ્ત્રી પાશ્વગાયિકાઓમાં મુબારક બેગમના ફાળે ક્દાચ નથી ગણાતું. તેમ છતાં, એ પણ હકીકત છે કે તેમનાં ઘણાં સૉલો ગીતો હિંદી ફિલ્મનાં સર્વકાલીન શ્રેષ્ઠ સૉલો ગીતોમાં સ્થાન મેળવે છે. તેની સરખામણીમાં એ કક્ષાનાં યુગલ ગીતોમાં મુબારક બેગમનાં યુગલ ગીતોની સંખ્યા પાંખી કહી શકાય એટલી રહી છે. તલત મહમૂદ અને મુબારક બેગમનાં યુગલ ગીતોને આ માપદંડોથી ન માપી શકાય. તલત મહમૂદ અને મુબારક બેગમનાં હિંદી ફિલ્મનાં યુગલ ગીતોની સંખ્યા (માત્ર) ૬ છે. તેમાં ૧ ત્રિપુટી ગીત અને ૧ ગૈરફિલ્મી યુગલ ગીત ઉમેરીએ તો સંખ્યા માંડ ૮ ગીતોની થાય. પરંતુ તેમાંથી કમસે કમ બેએક ગીતો તો સર્વકાલીન યુગલ ગીતોની કક્ષાનાં છે તદુપરાંત, બાકીનાં યુગલ ગીતો ઓછાં સંભળાયેલાં કદાચ હશે, પણ ગીતમાધુર્યમાં જરા પણ ઉણાં નથી પડતાં.

મુબારક બેગમની કારકીર્દી '૫૦ના દાયકાની શરૂઆતનાં વર્ષોમાં શરૂ થઈ. તેમનાં તલત મહમૂદ સાથેનાં (૬+૧) યુગલ ગીતો પૈકી ૪ યુગલ ગીતો એવાં વર્ષોમાં રેકોર્ડ થયાં છે જેને આપણે તલત મહમૂદની કારકીર્દીના મધ્યાહ્નનાં અંતનાં વર્ષો કહી શકીએ. બાકીનાં ગીતો પછી છેક '૬૦ના દાયકાના મધ્યમાં છે જ્યારે તલત મહમૂદનો સીતારો આથમવા પહેલાં પોતાની મૂળ ચમક દર્શાવતો હતો. તલત મહમૂદ અને મુબારક બેગમનાં ચાહકો માટે આ ગીતો ભલે અજાણ્યાં નથી, પરંતુ એ કઈ ફિલ્મોનાં છે તે તો એ સમયે પણ ભાગ્યે જ કોઈને યાદ રહ્યું હશે, તો આજે તો ક્યાંથી જ યાદ હોય !

ઘિર ઘિર આયે બદરવા કારે...રંગ ભરે રસ ભરે પ્યારે - ડાક બાબુ (૧૯૫૪) – સંગીતકાર: ધની રામ – ગીતકાર: પ્રેમ ધવન

વર્ષાનાં ઘુમરાતાં કાળાં વાદળોની હાજરીમાં ખીલતા પ્રણય ભાવનું આ ગીત, સાંભળતાં વેંત જ યાદ આવી જાય એટલું જ ભુલાયું હશે !


તેરા બચપન એક કહાની...ભૂલ ન જાના બાલાપનકી કહાની - સંગમ (૧૯૫૪) – સંગીતકાર: રામ ગાંગુલી – ગીતકાર: એસ એચ બિહારી

ગીતના મુખડાનો અને દરેક અંતરાનો પ્રારંભ તલત મહમૂદના સ્વરમાં થાય છે. દરેક અંતરાના અંતમાં મુબારક બેગમ તલત મહમૂદ દ્વારા યાદ કરાતી બાળપણની ક્ષણોની સાથે આજની ક્ષણોનો તરવરાટ ઉમેરે છે. અંતરાનો અંત યુગલ સ્વરોમાં થાય છે. ગીતની બાંધણીની આ ખુબી ઉપરાંત મુબારક બેગમની સૉલો પંક્તિઓ માટે પ્રયોજાયેલ લયનો ફેરફાર પણ નોંધપાત્ર છે.
આડવાત :
હિદી ફિલ્મની તવારીખમાં 'સંગમ' શીર્ષકની, ૧૯૪૧ની, પ્રસ્તુત ગીત સાંભળ્યું તે ૧૯૫૪ની અને સૌથી વધારે લોકપ્રિય બનેલી રાજ કપૂરની ૧૯૬૪ની, ત્રણ ફિલ્મો નોંધાયેલ છે.
મેરી ભી દાસ્તાન ક્યા દાસ્તાન હૈ… - તતાર કા ચોર (૧૯૫૫) - આશા ભોસલે સાથેનું ત્રિપુટી ગીત – સંગીતકાર: ખય્યામ – ગીતકાર: પેમ ધવન

ફિલ્મનાં શીર્ષક પરથી જણાય છે કે ફિલ્મનો વિષય વોલ્ગા નદીના કિનારા પર આવેલ એક રાજ્ય, તતારસ્તાન,ની કોઈ લોક કથા પર આધારિત હશે. ગીતની શરૂઆત સાખીથી થાય છે, જેના શેર તલત મહમૂદ અને આશા ભોસલે રજૂ કરે છે તેનાં અનુસંધાને મુબારક બેગમ મુખડાને ઉપાડી લે છે. બહુ અનોખી ઢબનું ગીત બનાવ્યું છે.

મેં આ ગીત પહેલી જ વાર સાંભળ્યું છે.
આડ વાત :
'ખય્યામ' તખલ્લુસ અપનાવ્યા પછીની ખય્યામની આ ત્રીજી ફિલ્મ છે. પહેલી ‘ફૂટપાથ’ (૧૯૫૩) અને બીજી ‘ધોબી ડૉક્ટર’ (૧૯૫૪) હતી. 'ફૂટપાથ'નાં ગીતોને પ્રસિધ્ધિ મળી હતી, પણ ફિલ્મને ટિકિટબારી પર બહુ સફળતા નહોતી મળી. 'ધોબી ડૉક્ટર' અને 'તતાર કા ચોર' 'એ' ગ્રેડની ફિલ્મોમં ન જ ગણાય. આમ ખય્યામ પણ હજૂ સંઘર્ષના તબક્કામાં જ છે. તેમને સફળતા મળવાની હજૂ વાર હતી.
રાત કીતની હસીન, ઝિંદગી મહેરબાં, બાત કુછ નહીં બન ગયી દાસ્તાન - બાદલ ઔર બીજલી (૧૯૫૬)– સંગીતકાર: બિપીન બાબુલ – ગીતકાર: અન્જુમ જયપુરી

હિંદી ફિલ્મ સંગીતની કેવી વિચિત્રતાઓ છે કે આટલું કાવ્યમય, કર્ણપ્રિય ગીત, જે તે સમયે ઠીકઠીક પ્રચલિત પણ રહ્યું હશે, તે ફિલ્મ બોક્ષ ઑફિસ પર પીટાઈ જવાની સાથે આજે ગુમનનામી વિસરાવે ચડ્યું છે.

ચંદા કા રંગ લિયે, તારોંકે રંગ લિયે, સપનોંકી દુનિયા મેં આજ આ - હરિહર ભક્તિ (૧૯૫૬) – સંગીતકાર: કે દત્તા – ગીતકાર: એસ પી કલ્લા

કે દત્તા વિન્ટેજ એરાના બહુ સન્માનીય સંગીતકાર હતા પરંતુ સમયની ઓટમાં તેમણે આવી ધાર્મિક ફિલ્મો માટે સંગીત આપવું પડી રહ્યું છે.

બજેટ ગમે તેટલું ટુંકું હોય, પણ ફિલ્મનાં સર્જન પાછળ દરેક ક્સબી પોતાના પ્રાણ રેડી દેતો હોય છે, ત્યારે નસીબમાં આટલી ઘોર ઉપેક્ષા લખી છે તેવી તો તેમાના કોઈને જાણ પણ નહીં હોતી હોય ! આ ગીત જેટલી વાર સાંભળીશું તેટલી વાર આ વાત આપણાં મનમાં ઘુમરાયા કરે છે.

મુબારક બેગમે ગીતમાં એટલી કમાલ કરી છે કે યુટ્યુબ પર અપલોડ કરનાર કેટલાક મિત્રોએ ગીત લતા મંગેશકરે ગાયું છે તેમ નોંધ્યું છે.

ઈતને ક઼રીબ આકે ભી ક્યા જાને કિસ લિયે, કુછ અજનબીસે આપ હૈ, કુછ અજનબીસે હમ - શગૂન (૧૯૬૪) – સંગીતકાર: ખય્યામ – ગીતકાર: સાહિર લુધ્યાનવી

તલત મહમૂદની કારકીર્દીના અંત ભાગમાં તલત મહમૂદના ફાળે જેટલા યાદગાર ગીતો આવ્યાં હતાં એટલાં કારકીર્દીના મધ્યાહ્ન દરમ્યાન મળતાં રહ્યાં હોત તો ઇતિહાસ કદાચ અલગ હોત એવી ચર્ચાને વધારે પ્રજ્વલિત રાખવામાં આ યુગલ ગીતનો પણ મહત્ત્વનો ફાળો હતો.

'શગૂન'નાં એકોએક ગીત આજે પણ યાદ કરાય છે, પણ ફિલ્મ ત્યારે પણ નિષ્ફળ રહી હતી અને આજે પણ ભુલાયેલી જ ગણાય છે.

ઝરા કહ દો ફિઝાઓંસે તુમ્હારી યાદ દિલાયે ના - ગોગોલ (૧૯૬૬) – સંગીતકાર: રોય ફ્રેન્ક – ગીતકાર: બાલકવિ બૈરાગી

બુઝતી શમાની રોશની વધારે પ્રકાશ કરે એ ઉક્તિનો પુરાવો જોઈતો હોય તો તલત મહમૂદના સંદર્ભમાં આ યુગલ ગીત એક વધારે પુરાવો છે.

'બી' ગ્રેડની પણ કદાચ ન ગણાય એવી સ્ટંટ ફિલ્મ. સાવ અજાણ્યા સંગીતકાર, પણ ગીત આજે પણ યાદ કરાય છે.
તલત મહમૂદ અને મુબરક બેગમનાં યુગલ ગીતોનું સમાપન એક ગૈર ફિલ્મી ગીતથી કરીશું.

હમ સુનાતે હૈં મોહમ્મદ મુસ્તફાકી દાસ્તાન

આ મોહમ્મદ પયંગબર સાહેબની સ્તુતિમાં ગવાતી સ્તુતિ - નાટ- છે.


તલત મહમૂદ - મધુબાલા ઝવેરી

મધુબાલા ઝવેરી[3] (જન્મ: ૧૯-૧-૧૯૩૫ / અવસાન: ૧૧-૯-૨૦૧૩)ની ફિલ્મ સંગીતનાં ક્ષેત્રની સક્રિય કારકીર્દી ૧૯૫૧ થી ૧૯૫૮-૫૯નાં આઠેક વર્ષની રહી. આ સમયમાં તેમણે ૨૭ મરાઠી અને ૩ ગુજરાતી એમ મળીને લગભગ ૧૧૦ જેટલાં ગીતો ગાયાં છે.મૂળ મરાઠી હોવા છતાં તેમણે તેમનં ગીતોમાં લગભગ બધા પ્રકારની ગાયકીને સફળપણે અદા કરી હતી, જેમકે ૧૯૫૫ની ફિલ્મ 'મૂળુ માણેક'માં કરસનદાસ માણેકની આ શુધ્ધ કાવ્ય રચનાની કવ્વાલીની શૈલીમાં આ રજૂઆત -

મને એ સમજાતું નથી કે (સંગીતકાર: ઈન્દુકુમાર પારેખ)

તલત મહમૂદ અને મધુબાલા ઝવેરીનાં યુગલ ગીતો સંખ્યાની દૃષ્ટિએ બહુ જ થોડાં છે. તેમાનાં મોટા ભાગનાં તો બહુ સાંભળેલાં પણ નથી. પરંતુ એક વાત ચોક્કસ છે કે આ યુગલ ગીતો એક વાર સાંભળ્યા પછી એ જલદી ભૂલાશે નહીં.

જાઓ જાઓ આ ગયા બુલાવા જંગકા - રાજપુત (૧૯૫૧)- મન્નાડે સાથેનું ત્રિપુટી ગીત – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: ભરત વ્યાસ

પહેલાં રજૂ થવાની દૃષ્ટિએ 'રજપૂત' મધુબાલા ઝવેરીએ ગાયેલાં ગીતોની પહેલી ફિલ્મ હતી. મધુબાલા ઝવેરી એ સમયેમાત્ર ૧૬ વર્ષનાં હતાં. અને તેમ છતાં તેમના સ્વરમાં ગીતના ભાવને અનુરૂપ રોમેન્ટિક લાગણીથી ભરેલો ઉપાલંભ સ્પષ્ટપણે સંભળાય છે.

તુમ કૌન હો રાજકુમારી, યે ચંદા સા મુખડા ઈધર તો કરો - રાજપુત (૧૯૫૧) – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: ભરત વ્યાસ

ગીતની સીચ્યુએશન સ્વયંવરની સાથે સંકળાયેલી જણાય છે. મધુબાલા ઝવેરીના સ્વરમાં સ્વયંવર માટે ઉત્સુક મુગ્ધાવસ્થાની સાથે એજ રાજકુંવરીની ગરીમા અછતી નથી રહેતી.

પ્યારકી ઋત દોરંગી સજના મનમેં હોલી આંખોંમેં સાવન - અપની ઈઝ્ઝત (૧૯૫૨) – સંગીતકાર: હંસરાજ બહલ - ગીતકાર: અસદ ભોપાલી

પ્રેમમાં ડૂબેલ વ્યક્તિની વાચા હરાઈ જાય, મનમાં ફૂટતી હર્ષની સરવાણીઓ આંખમાં આવતાં આવતાં આંસુઓ બનીને વહી નીકળે - તલત મહમૂદ માટે આ પ્રકારના ભાવને મૃદુ સ્વરમાં રજૂ કરવા એ સહજ હતું, તો મધુબાલા ઝવેરી પણ એટલાં જ સ્વાભાવિક બની રહે છે.

દિલ મેરા તેરા દીવાના.. બસ ઈતના મેરા ફસાના હૈ - અપની ઈઝ્ઝત (૧૯૫૨) – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: પંડિત ફણિ

અ ન્યોન્ય માટેના પ્રેમના ઈકરાર કરવાની ખુશી છલકતી હોય એવાં યુગલ ગીતોના ઉત્તમ નમૂના તરીકે જગ્યા મેળવી શકે તેવી રચના -.બન્ને ગાયકો એક પંક્તિ સાથે ગાય ત્યારે બન્નેના અવાજ પૂર્ણપણે એકસુર બની રહે..

જબસે મૈને દિલ લગાયા, દિલ કહીં લગતા નહીં - દોસ્ત (૧૯૫૪) – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: અસદ ભોપાલી

ગીતની લય પંજાબી લોકગીત પર આધારિત છે, બન્ને ગાયકો ગીતના રમતિયાળ ભાવને સહજતાથી ન્યાય આપે છે.

અય ઝમાને બતા દો દિલો કી ખ઼તા હમકો બરબાદ કરકે તુઝે ક્યા મિલા - દોસ્ત (૧૯૫૪) – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: અસદ ભોપાલી

પ્રેમી જનોના ભાગે પણ કરૂણાના સ્વર વહાવવાની ઘડીઓ પણ આવતી જ હોય છે. આ પ્રકારનાં ગીતો માટે તલત મહમૂદના સ્વરની અંદર જે કુદરતી કુમાશ હતી તેની સાથે મધુબાલા ઝવેરી પણ સુર મેળવે છે.

કહને કો બહોત કુછ કહેના થા ટકરાયી નઝર શરમા હી ગયે…- દીવાલી કી રાત (૧૯૫૬) – સંગીતકાર: સ્નેહલ ભાટકર – ગીતકાર: મધુકર રાજસ્થાની

બે પ્રેમીજનો એકાંતમાં મળે, પણ મિલનના રોમાંચને કારણે જે કહેવાનું છે તે નજર મળતાં જ વિસરાઈ જાય..

બન્ને ગાયકોના સ્વર ગીતના ભાવમાં તરબોળ જણાય છે.

હાફીઝ ખુદા તુમ્હારા હમેં ભૂલ ન જાના - નક઼ાબપોશ (૧૯૫૬) – સંગીતકાર: ધની રામ – ગીતકાર: મુનિર આરઝૂ કાઝ્મી

ફારસી -ઉર્દૂ બોલ મિશ્રિત રચનાની મધ્ય એ શિયાની સંસ્કૃતિને અનુરૂપ બાંધણીમાં પણ મધુબાલા ઝવેરીના સ્વરવિહારમાં કયાંય કચાશ નથી જણાતી….

દરેક અંકનું સમાપન મોહમ્મદ રફીના ગીતથી કરવાની પરંપરાને અનુસરવા માટે આપણે આજના અંકના મૂળ વિષયથી થોડી અલગ કેડી લઈશું.

કવિતા નામ હૈ જ્ઞાનકા ઈસે લીખનેવાલે જ્ઞાની - કવિ (૧૯૫૪) - તલત મહમૂદ અને મોહમ્મદ રફી – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

ગીતની બાંધણી ભજનની લયમાં છે પણ વિષય બે વ્યક્તિઓ વચ્ચે કવિ તરીકેની લાયકાત સિધ્ધ કરવા માટેના વિવાદનો છે. મોહમ્મદ રફીના ભાગે કવિનાં મોભાની ગર્વિષ્ઠતા સિધ્ધ કરવાનું આવ્યું છે તો તલત મહમૂદના ભાગે, નાતજાત, વંશવારસાથી પર, કવિની કાવ્યજનક સહજ મૃદુ પ્રકૃતિને રજૂ કરવાનું આવ્યું છે.


તલત મહમૂદનાં અન્ય સહગાયકો સાથેનાં વિસારે પડી રહેતાં યુગલ ગીતોને યાદ કરવાનો ઉપક્રમ આવતાં વર્ષોમાં પણ આગળ ધપાવતાં રહીશું…..

[1] Talat Mahmood – Documentary


[2] A Films Division film on Mubarak Begum


[3] મધુબાલા ઝવેરીનો સ્વરવિલય



આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.
નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.