Showing posts with label Sardar Malik. Show all posts
Showing posts with label Sardar Malik. Show all posts

Sunday, April 14, 2024

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૯મું સંસ્કરણ - એપ્રિલ ૨૦૨૪

 

હસરત જયપુરી - શંકર જયકિશન સિવાયના સંગીતકારો માટે લખેલાં ગીતો : ૧૯૬૧ -


હસરત જયપુરી
(મૂળ નામ - ઈક઼બાલ હુસ્સૈન- જન્મ: ૧૫ એપ્રિલ, ૧૯૨૨ | અવસાન: ૧૭ સપ્ટેમ્બર, ૧૯૯૯) બહુ સહજ કવિ હતા. તેમણે ફિલ્મો માટે પહેલવહેલું, અને એક માત્ર, ગીત 'શાયર (૧૯૪૯) માટે લખ્યું. એ ફિલ્મના સંગીતકાર ગુલામ મોહમ્મદ હતા. પરંતુ નિયતિએ હસરત જયપુરીના ફિલ્મ સંગીતના પ્રવેશ માટે અલગ વ્યવસ્થા વિચારી હતી. એટલે એ ગીતને ફિલ્મમાં પસંદગી ન પામ્યું. ઇતિહાસ તો તેમની રાજ કપુર સાથે ઓળખાણ થાય અને પછી શંકર જયકિશન અને શલેન્દ્ર સાથેના લાંબા સંગાથની અપેક્ષાએ રાહ જોતો હતો.

સામાન્ય પણે એવી માન્યતા પ્રવર્તે છે કે શૈલેન્દ્ર સાથે શંકર જયકિશન દ્વારા સંગીતબદ્ધ કરેલી ૧૯૦ ફિલ્મોમાં હસરત જયપુરીનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. દેખીતા આંકડાઓની દૃષ્ટિએ આ કથન સાવ ખોટું નથી. તો અન્ય સંગીતકારો સાથે હસરત જયપુરીએ લખેલાં ગીતો એટલાં વૈવિધ્યપૂર્ણ, સફળ અને ફિલ્મ સંગીતને સમૃદ્ધ કરતાં રહ્યાં છે એ વાતમાં પણ એટલું જ તથ્ય છે.

હસરત જયપુરીએ રચેલાં ઓછાં સાંભળવા મળતાં ગીતો આપણે ખાસ કરીને આપણે દર એપ્રિલ મહિનામાં વર્ષ ૨૦૧૭થી શરૂ કરીને સાંભળતાં રહ્યાં છીએ. અત્યાર સુધી આપણે

૨૦૧૭માં ૧૯૫૦થી ૧૯૫૩નાં વર્ષોનાં,

૨૦૧૮માં ૧૯૫૩થી ૧૯૫૫નાં વર્ષોનાં,

૨૦૧૯માં ૧૯૫૬ અને ૧૯૫૭નાં વર્ષોનાં,

૨૦૨૦માં ૧૯૫૮નાં વર્ષનાં, ,

૨૦૨૧માં ૧૯૫૯નાં વર્ષનાં,

૨૦૨૨માં ૧૯૬૦નાં વર્ષનાં અને

૨૦૨૩માં ૧૯૬૧નાં વર્ષનો ભાગ

સાંભળ્યાં.

વર્ષ ૧૯૬૧ માટે આપણે ભાગ ૧માં હુસ્નલાલ ભગતરામ, એસ એન ત્રિપાઠી અને ઈક઼્બાલ ક઼ુરૈશી માટે રચેલાં કેટલાંક ગીતો સાંભળ્યાં હતાં. આજના અંકમાં હવે વર્ષ ૧૯૬૧ માટે હસરત જયપુરીએ સરદાર મલિક માટે લખેલાં ગીતોની યાદ તાજી કરીશું.

સરદાર મલિક


મદન મંજરી (૧૯૬૧)

હિંદી ફિલ્મ સંગીતના ક્ષેત્રે એવા અનેક પ્રતિભાશાળી સંગીતકારો નોંધાયેલા છે જેમને તેમની પ્રતિભા અનુસારની સફળતા ન મળી. સરદાર મલિક આવા સંગીતકારો પૈકીના એક સંગીતકાર હતા. બી ગ્રેડની ફિલ્મો કહેવાય એવી સાંરંગા (૧૯૬૦)માં તેમનાં ગીતોને એ વર્ષ માટે મહત્તમ સફળતા મળી. નસીબ જેને થોડીક પણ યારી આપવા માગતું હોય તેને આટલી બધી સફળતાનો એટલો લાભ તો મળવાની અપેક્ષા કરાય કે હવે એ ગ્રેડની ફિલ્મોનું કામ પણ તેમને મળવા લાગશે. પરંતુ, સદરા મલિક જેવી પ્રતિભાઓને નસીબની એટલી યારી પણ સાથ નથી આપતી. એ પછી પણ્ર સરદાર મલિકને ફાળે બી ગ્રેડની ફિલ્મોને પોતાની માધુર્ય અને વૈવિધ્યપૂર્ણ રચાનાઓથી અજવાળતાં રહેવાનું જ લખાયેલું રહ્યું.

'મદન મંજરી' પણ આવી જ એક ફિલ્મ હતી. આવી ફિલ્મોનો એક નિશ્ચિત પ્રેક્ષક વર્ગ હતો, જેને માટે ફિલ્મનાં ગીતો થિયેટરમાં બેસીને ફિલ્મ સાથે માણવાનું એક અંગ હતું. આ વર્ગ પછીથી રેડિયો પર ફરમાયશો આપીને કે રેકોર્ડો ખરીદીને પોતાની પસંદગીને વધારે સમય સુધી જીવિત રાખી શકે તેવી તેમની સામાજિક કે આર્થિક સ્થિતિ ન રહેતી. એટલે આ પ્રકારની ફિલ્મોનાં ગીતો શ્રોતા વર્ગનાં દિલમાં બહુ લાંબા સમય સુધી યાદ ન રહેતાં.

સુન મોરે રસિયા મન બસીયા છોડ કે કભી નહી જાના .... પ્યાર નિભાઉંગા દિલસે ન જાઉંગા મૈં તો તેરા હી દિવાના - સુમન કલ્યાણપુર, મુકેશ

પ્રેમના એકરાર, પ્રેમાલાપ જેવી દૈવી સુખની ઘડીઓને માણતાં પ્રેમીપંખીડાંઓ પોતાની ભાવનાઓને વાચા આપવા માટે જે ગીતોનાં માધ્યમનો ઉપયોગ કરે એ ગીતોને સંગીતકારોએ ફિલ્મોમાં બહુ કલ્પનાશીલતાથી રચ્યાં છે. આ પ્રકારનાં ગીતોમાંના અનેક ગીતો લોકજીભે સહેલાઈથી રમવા લાગે.

દિલકી બાજી જીતકે ભી હારે હો ગયે ઈસ તરાહ પ્યાર કે ઈશારે - મોહમ્મદ રફી

પ્રેમની બાજીમાં દિલ હારો તો જ દિલ જીતાય. એ હારજીતની અનુભૂતિને અહીં મુક્તાનંદમાં રજુ કરાઈ છે. ગીતના ભાવ અને સંગીતરચનાની મજા માણવાને બદલે વધારે પડતી ચોખલાઈથી આલોચના કરનાર વર્ગને ભારતીય સંસ્કૃતિની પાર્શ્વભૂમિ પર રચાયેલી ફિલ્મમાં પાશ્ચાત્ય સંગીતનું મિશ્રણ ખુંચશે !


જાદુગર સૈયાં દેખો કર ગયા જાદુ લાખ મનાઉં દિલકો રહેં નહીં કાબૂ - લતા મંગેશકર

રાજકુટુંબની સ્ત્રીઓ પોતાના અંગત ભાવ પોતાની સહેલીઓ કે દાસીઓની હાજરીમાં જ વ્યક્ત કરે એવી પણ કોઈ પ્રથા હશે? તેમાં પણ જો એ અભિવ્યક્તિ શાસ્ત્રીય રાગમાં કરવામાં આવે તો નિર્મળ, શાલીન ગણાય !

 
છૈલ છબીલા રંગ રંગીલા કૌન નગરસે આયા , ઓ બાંકી હસીના દિલકા નગીના તેરે લિયે લાયા - મોહમ્મદ રફી, કમલ બારોટ

સભ્ય અને શાલીન ભાવથી હટીને મન ચાહે તેમ જો પ્રેમાલાપ કરવો હોય તો શેરી ગીત જેવી વ્યવસ્થા આડકતરો રસ્તો અપનાવવો પડે!


લે લો બાબુ પુડીયા ખાયેં બુઢ્ઢે બુઢ્ઢીયા બનજાયે ગુડ્ડા ગુડીયા - મોહમ્મદ રફી, મન્ના ડે

પોતે બનાવેલ ચીજ વસ્તુઓને પોતેજ વેંચવા નીકળવું એ નાના વેપારીઓ માટે એક મહત્ત્વનું સાધન રહ્યું છે. તેમાં પણ જો ગીત - નૃત્યની જાહેરાત કળા ઉમેરાય તો વેચાણકર્તા તેના ગ્રાહક સાથે સીધો સેતૂ બાંધી લઈ શકે ! તેમાં પણ અહી તો વળી બુઢાપાને ભગાવીને યુવાનીના રંગરાગ માણવાનો નુસ્ખો વેંચાઈ રહ્યો છે.


હમ અપને ગમકો સજા કર બહાર કર લેંગે ... તેરે ખ્યાલ કો થોડા પ્યાર કર લેંગે - આશા ભોસલે

ફિલ્મના વિષયને અનુરૂપ ગીત બનાવી આપીને બેસી રહેવાને બદલે પોતાની પ્રતિભાને અનુરૂપ રચના કરીને સરદાર મલિક પોતાની ક્ષમતાનું નિદર્શન કરવાની સાથે સાથે ફિલ્મ સંગીતની શ્રેષ્ઠ રચનાઓમાં સ્થાન મળે એવી ઉત્કૃષ્ટ કૃતિ રજુ કરે છે. 'સારંગા તેરી યાદમે' જેટલી કદાચ લોકચાહના કદાચ આ ગીતને સાંપડી નહીં હોય, પણ ગીતની ગુણવત્તા અને લોકપ્રિયતા સાથે સાથે જ ચાલતાં રહે એવું માંડ બનતું.

કહે કજરેકી ધાર ના ના ના - સુમન કલ્યાણપુર

ગીતની લય અસામાન્ય છે !


એક જ ગીત એવું છે કે જેમાં પાર્શ્વસ્વર ફરી વાર વપરાયો છે એ ગીત જ - કદર તેરા તસ્સવુર (આશા ભોસલે) - યુટ્યુબ પર નથી મળતું.

એકંદરે, આ ગીતો ફરી એક વાર સાબિત કરી રહે છે કે હસરત જયપુરી શંકર જયકિશન સિવાયના સંગીતકારો સાથે પણ એટલાં વૈવિધ્યપૂર્ણ અને ભાવવાહી ગીતો આપતા રહ્યા છે.

આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.