Sunday, April 9, 2023

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૮મું સંસ્કરણ - એપ્રિલ ૨૦૨૩

 

હસરત જયપુરી - શંકર જયકિશન સિવાયના સંગીતકારો માટે લખેલાં ગીતો : ૧૯૬૧


હસરત જયપુરી (મૂળ નામ - ઈક઼બાલ હુસ્સૈન- જન્મ: ૧૫ એપ્રિલ, ૧૯૨૨ | અવસાન: ૧૭ સપ્ટેમ્બર, ૧૯૯૯) બહુ સહજ કવિ હતા. ફિલ્મોમાં ગીતકારની ભૂમિકામાં પોતાને ગોઠવી લીધા પહેલાં, અને પછી પણ, તેઓ 'કવિ' તો રહ્યા જ હતા. ફિલ્મોમાં પરિસ્થિતિની માંગ મુજબ તેઓ ઉર્દુની છાંટ સાથે રોમેંટીક ગીતો લખતા, ગીતોના બોલ લોકભોગ્ય રહે તે વિશે ખાસ પણ રાખતા હશે. પણ તેને કારણે તેમનામાંનો 'કવિ' ક્યારે પણ મુર્ઝાઈ ન ગયો. તેમને ગીતકાર સિવાય પણ ઓળખતા ઉર્દુ પદ્યના જાણકારોમાં તેમનું સ્થાન હંમેશાં માન ભર્યું રહ્યું.

કવિ હોવા છતાં તેમનાં નાણાંની જરૂરિયાત વિશેની કોઠાસૂઝ પણ કંઈ કમ નહોતી. ફિલ્મોનાં ગીતો લખવાથી થતી આવકની બચતમાંથી તેમણે રિયલ એસ્ટેટમાં એ પ્રકારે રોકાણો કર્યાંકે તેમના ગીતકાર સિવાયના મુખ્ય આવક સ્રોત ઉપરાંત બીલકુલ અલગ જ પ્રવાહમાંથી આવતી આવક તેમના ગીતકાર તરીકેના નબળા દિવસોમાં પણ પોતાનં કુટૂંબની જરૂરિયાતો પુરી કરી શકે.

શૈલેંદ્ર સાથે શંકર જયકિશન સાથે ૧૯૦થી વધુ ફિલ્મોનાં ગીતો લખવા ઉપરાંત તેમણે અન્ય સંગીતકારો સાથે પણ સંખ્યાત્મક અને ગુણાત્મક સ્તરે એટલું જ માતબર કામ કર્યું. તેમણે અન્ય સંગીતકારો માટે રચેલાં ગીતો પૈકી ઓછાં સાંભળવા મળતાં ગીતોને આપણે દર એપ્રિલ મહિનામાં વર્ષ ૨૦૧૭થી શરૂ કરીને. હસરત જયપુરીએ અન્ય સંગીતકારો માટે રચેલાં ઓછાં સાંભળવા મળતાં ગીતો આપણે ખાસ કરીને સાંભળ્યાં છે . અત્યાર સુધી આપણે

૨૦૧૭માં ૧૯૫૦થી ૧૯૫૩નાં વર્ષોનાં,

૨૦૧૮માં ૧૯૫૩થી ૧૯૫૫નાં વર્ષોનાં,

૨૦૧૯માં ૧૯૫૬ અને ૧૯૫૭નાં વર્ષોનાં,

૨૦૨૦માં ૧૯૫૮નાં વર્ષનાં, ,

૨૦૨૧માં ૧૯૫૯નાં વર્ષનાં અને

૨૦૨૨માં ૧૯૬૦નાં વર્ષનાં

સાંભળ્યાં.

આજના અંકમાં આપણે હસરત જયપુરીએ હુસ્નલાલ ભગતરામ, એસ એન ત્રિપાઠી અને ઈક઼્બાલ ક઼ુરૈશી માટે રચેલાં  વર્ષ ૧૯૬૧નાં કેટલાંક ગીતો યાદ કરીશું.

હુસ્નલાલ ભગતરામ

ફિલ્મ: અપ્સરા

હર દમ તુમ્હીંસે પ્યાર કિયે જા રહી હું - આશા ભોસલે, તલત મહમુદ 

હુસ્નલાલ ભગતરામના અંતકાળ અને હસરત જયપુરીના મધ્યાહ્નના સમયનાં આ જોડાણે આપણને તલત મહમુદ અને આશા ભોસલેનાં  એક સાવ જ સ્મૃતિલોપમાં ધરબાઈ ગયેલ ગીતની વિરલ ભેટ આપી છે. 

એસ એન ત્રિપાઠી

ફિલ્મ: જાદુનગરી

ખુબ પ્રતિભાવાન હોવા છતાં પણ બી અને સી ગ્રેડની ફિલ્મોનાં સંગીત વડે  જેમણે પોતાની કારકીર્દીને ટકાવી રાખી એવા અનેકવિધ પ્રૈભામુખી સંગીતકારની એક વધારે સી ગ્રેડની ફિલ્મ માટે પણ સફળતાનાં મધ્યાહ્ને હસરત જયપુરીએ ન તો ગીતો લખવાનો છોછ રાખ્યો કે ન તો ગીતોનાં પોતાનાં ધોરણ જોડે કોઈ બાંધછોડ કરી.

આખેં મેરી જાદુ નગરી રૂપ રંગીલા જાદુ ઘર.....વહી દેખે પ્યાર કે સપને ડાલ દું જિસપે એક નજ઼ર - લતા મંગેશકર

દ્રુત લયમાં સજાવેલ આ નૃત્ય ગીત માટ ઈસ એન ત્રિપાઠીએ મુખડાની રચના મધય પૂર્વનાં સંગીતની ધુન પર કરી છે પણ અંતરામાં એ અસર સીધી નથી દેખાતી.

હસરત જયપુરી તો ફિલ્મનાં ટાઈટલને ગીતના બોલમાં વણી લેવા માટે જાણીતા છે જ !   



લુટ લિયા રે જિયા લુટ લિયા રે.... ગોરી ગોરી ચાંદની કા કોઇ કામિની કા મીઠી મીઠી રાગીની સે લુટ લિયા - આશા ભોસલે

ભવ્ય સેટ સાથે સ્વપ્નગીતનાં સ્વરૂપે રચાયેલાં નૃત્ય ગ્તને એસ એન ત્રિપાઠીએ કલ્પનાશીલ સર્જનાત્મકતાથી વણી લીધેલ છે. 


જાદુ ભરે તોરે નૈન કતીલે હમ પર જ઼ુલમ કરેં - મહેંદ્ર કપૂર, આશા ભોસલે 

નૃત્ય ગીતને એસ એન ત્રિપાઠીએ યુગલ ગીતમાં વણી લીધું છે.



નીગાહોંમેં તુમ હો .... ખયાલોમેં તુમ હો .... જિધર દેખતી હું નજ઼ર આ રહે હો - લતા મંગેશકર 

ગીતના બોલમાં સાખીના પ્રયોગ હસરત જયપુરીની શૈલીની એક આગવી પહેચાન રહી છે.



કૈસે વિદેશી સે નૈના લડે હૈ ..... એક પલ ભી આયે ના ચૈન રે - લતા મંગેશકર 

બોલની અનોખી રચના પણ ગીતમાં વણી લેવાની હસરત જયપુરી આગવી લાક્ષણિકતા રહી છે.


દેખો આયી બસંત બહાર ......  કે જિયા મોરા તુમ કો પુકારે હૈ ઓ સજના - લતા મંગેશકર 

ગીતના ભાવને સરળ બોલમાં વણી લેવાની હસરત જયપુરીની ખુબી અહીં ઉભરી આવે છે.


ઈક઼બાલ ક઼ુરૈશી

ફિલ્મ: ઉમ્ર ક઼ૈદ (૧૯૬૧)

ઈક઼બાલ ક઼ુરૈશી પણ ખુબ જ પ્રતિભાવાન હોવા છતાં બહુ થોડી ફિલ્મોમાં ચમક્યા બાદ બુઝાતા ગયેલા સંગીતકારોની હિંદી ફિલ્મ ક્લબના સભ્ય છે. હિંદી ફિલ્મોની નિયતિને કેવી વક્રતા છે કે ૧૯૫૮માં 'પંચાયત' (તા થૈયા કરકે આના - લતા મંગેશકર , ગીતા દત્ત) થી ફિલ્મ જગતમાં પદાર્પણ કર્યા બાદ બિંદિયા, ૧૯૬૦ (મૈં અપને આપ એ ઘબરા ગયા હું - મોહમ્મદ રફી), લવ ઈન સિમલા, ૧૯૬૦ (દર પર આયેં હૈ ક઼સમ લે - મુકેશ) , ચા ચા ચા ,૧૯૬૪ (સુબહ ન આઈ શામ ન આઈ, વો હમ ન થે વો તુમ ન થે - મોહમ્મદ રફી) જેવાં ગીતોના સર્જક ગુમનામીની ગર્તામાં ધકેલાઈ ગયા.

ફિલ્મનાં મુખ્ય કલાકારો સુધીર (મુઝે રાત દિન યે ખયાલ હૈ , મુકેશ), નઝીમા (ઓ પિયા જાના ના ... મેરી આંખોંકી નીંદે ચુરાના ના - આશા ભોસલે) અને હેલન (ખુબ સશક્ત પાત્રાલેખન સાથેની ભૂમિકા)ની કારકિર્દીને અનુક્રમે વિલનના ગોઠીયા, હીરો કે હીરોઈનની બહેન કે ક્લબ ડાંસર જેવી 'ઉમ્ર ક઼ૈદ'ની સજામાંથી જરા પણ રાહત ન અપાવી શક્યાં.

સુનો જી એક બાત તુમ હમારા દિલ હુઆ હૈ ગુમ - મુકેશ, સુમન કલ્યાણપુર 

રૂઠવું મનાઇ જવું એ હિંદિ ફિલ્મોમાં પ્રેમનિ એકરાર કરવા માટેનું બહુ હાથવગું સાધન હતું. સામાન્યપણે એ માટે પિકનીક કે બાગ બગીચાની મુલાકાતો પસંદ કરાતી, પણ અહીં બીચારાં યુવાન પ્રેમીઓએ (સેટ પરનીનાં) ઘરની અગાસી પર જ ગીત ગાઈ લઈને સંતોષ માની લેવો  પડ્યો છે !


દિલ વહાં હૈ જહાં હો તુમ આઓ ન કહાં હો તુમ - આશા ભોસલે 

ફિલ્મમાં ખુબ સશક્ત પાત્ર અને ખાસ્સો મોટો રોલ મળવા છતાં હેલનના ભાગે ગીત તો ક્લબમાં જ ગાવાનાં આવ્યાં.


કૈસી બેખુદી કા સામના ... દેખો અપને દિલ કો સામના કરના આ ગયા - આશા ભોસલે

ગીતની રચના ક્લબનાં ગીત તરીકે ન કરાઈ હોત તો પ્રેમના એકરાર માટેનું એક બહુ અનોખું ગીત બની શક્યું હોત, પણ હેલનની ઓળખ ક્લબ ડાંસર તરીકે જ થવા જ સર્જાઈ હશે એટલે ગીતને ક્લબનાં નૃત્ય ગીત તરીકે ગોઠવી દેવાયું ! 


શમા જો જલતી હૈ પરવાને ચલે આતે હૈં, હમ અપની આગમેં ખુદ કો જલાયે જાતે હૈં..... દિલકા ફસાના કોઈ ન જાના અપની ખુશીમેં જૂમે જમાના    - મહેંદ્ર કપૂર, આશા ભોસલે 

હસરત જયપુરીની મદહોશ કરતી સાખીથી ઉપાડ થતી કવ્વાલી પણ એ સમયે રેડીયો પર ઠીક ઠીક પ્રચલિત થયેલી. જોકે ગીતની વિડીયો ક્લિપમાં મોહન ચોટીને મજાકીયા અદાઓમાં ગીત ગાતાં જોઈને ગીતની મજા માણતાં માણતાં મોઢામાં કાંકરો ચવાઈ જવા જેવું અનુભવાય છે.......


બંબઈ પુરાની કલકત્તા પુરાના ...... જૈસી મેરી નાનીજી વૈસે મેરે નાના - મોહમ્મ્દ રફી, કમલ બારોટ 

શેરી ગીતને હસરત જયપુરી હલકા ફુલકા બોલથી સજાવી દે છે...


૧૯૬૧ના વર્ષમાં હસરત જયપુરીએ અન્ય સંગીતકારો માટે લખેલાં હજુ પણ કેટલાંક ગીતો હવે પછીના મણકામાં .....


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

No comments: