તલત મહમૂદનાં યુગલ ગીતો શમશાદ બેગમ સાથે
તલત મહમૂદ (૨૪ ફેબ્રુઆરી ૧૯૨૪ - ૯ મે ૧૯૯૬)ની હિંદી ફિલ્મ જગતની કારકિર્દીની શરૂઆત તો ૧૯૪૫ થી થઈ હતી, પરંતુ તેને ખરો વેગ તો અય દિલ મુજ઼ લે ચલ જહાં કોઈ ન હો (આરઝૂ,૧૯૫૦- ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી – સંગીતકાર: અનિલ બિશ્વાસ)ની સફળતાથી જ મળ્યો ગણાય છે. આ એ કાળખંડ હતો જ્યારે તલત મહમૂદના સમકાલીન મુકેશ અને મોહમ્મદ રફીની કારકિર્દીઓ પણ વેગ પકડી રહી હતી. આટલું ઓછું હોય તેમ તલત મહમૂદનું ધ્યાન તેમની ગાયક અને અભિનેતા તરીકેની ભૂમિકાઓ વચ્ચે પણ વહેંચાયેલું હતું. તેમ છતાં તેમની કારકિર્દી સમગ્રપણે લગભગ ચાર દાયકા સુધી જીવંત રહી અને તેમના મુલાયમ સ્વરને આજે પણ 'ગ઼ઝલના શહેનશાહ' તરીકે યાદ કરવામાં આવે છે.શમશાદ બેગમ (૧૪ એપ્રિલ ૧૯૧૯ -૨૩ એપ્રિલ ૨૦૧૩)ને 'હિંદી ફિલ્મોનાં સૌ પહેલાં પાર્શ્વગાયિકા' તરીકે યાદ કરવામાં આવે છે. પાર્શ્વગાયનનાં ક્ષેત્રે તેમની અલગ ઓળખ ઊભી કરી અને એક આગવું સ્થાન રચવામાં તેમના સ્વરની સાવ જ અલગ ભાત મુખ્ય પરિબળ હતી. નુરજહાં, કાનન બાલા, સુરૈયા, અમીરબાઈ કર્ણાટકી , ઝોહરાબાઈ અંબાલેવાલી વગેરે જેવાં '૪૦ના દશકાનાં કે લતા મંગેશકર, ગીતા દત્ત કે આશા ભોસલે જેવાં '૫૦-'૬૦ના દશકાઓનાં પાર્શ્વગાયિકાઓ કરતાં તેમનો સ્વર સહજપણે અલગ પડી રહેતો. તેમની કારકિર્દીની બહુ જ શરૂઆતની ફિલ્મો , ખજાનચી (૧૯૪૧) અને ખાનદાન (૧૯૪૨),નાં ગીતોની સફળતાએ તેમને અગ્ર હરોળમાં મુકી આપેલ. ૧૯૫૦થી ૧૯૫૫ દરમ્યાન અને પછી થોડો સમય ૧૯૬૭-૧૯૬૮માં પણ તેમના સ્વરનાં ચાહકોની સંખ્યા બહોળી જ રહી હતી.
આમ, આ બન્ને કલાકારોના પુરેપુરા ખીલેલા સમયનો સંગાથ તો માંડ ૧૯૫૦થી ૧૯૫૫ સુધી રહ્યો. આ સંગાથનો, ચકાચૌંધ સફળતા વરેલ, આરંભ બાબુલ (૧૯૫૦ - મુખ્ય કલાકારો દિલીપ કુમાર, નરગીસ, મુન્નવર સુલ્તાના - સંગીત નૌશાદ)નાં યુગલ ગીતોથી થયો. પરંતુ ફિલ્મ જગતની નિયતિની નોંધ હવે પછી એવી ફંટાઈ કે તલત મહમૂદને બદલે નૌશાદ (દિલીપ કુમાર માટે) મોહમમ્દ રફી તરફ વળી ગયા. વળી 'અંદાઝ' (૧૯૪૦)થી નૌશાદનાં મુખ્ય પ્રાશ્વગાયિકા તો લતા મંગેશકર બની જ ચુક્યાં હતાં, એટલે શમશાદ બેગમની 'બાબુલ'ની સફળતા તો 'સમાંતર' હીરોઈન મુન્નવર સુલતાના માટેનાં ગીતોની જ હતી. હવે પછી એવાં પાત્રો સાથેની ફિલ્મો આવે તો શમશાદ બેગમનું સ્થાન જળવાય ! એસ ડી બર્મન, સી રામચંદ્ર, શંકર જયકિશન, મદન મોહન, રોશન જેવા પ્રથમ હરોળમાં કહી શકાય એવા અન્ય સંગીતકારો તલત મહમૂદ સાથે કામ કરતા રહ્યા, પણ શમશાદ બેગમ તેમની પસંદનાં મુખ્ય પાર્શ્વગાયિકા નહોતાં રહ્યાં. ઓ પી નય્યર શમશાદ બેગમને મુખ્ય ગાયિકા ગણીને કામ કરતા હતા પણ તલત મહમૂદ તેમની પહેલી પસંદના ગાયક નહોતા.
સંજોગો અને નસીબના આ ખેલનું પરિણામ આવ્યું તલત મહમૂદ અને શમશાદ બેગમ જેવાં અનોખાં ગાયકોનાં માત્ર આંગળીને વેઢે ગણાય એટલાં યુગલ ગીતોનાં સ્વરૂપે, જેમાં પણ ત્રણ તો ત્રિપુટી ગીતો છે. આટલું ઓછું હોય તેમ આ ગીતો પણ વહેંચાઈ જાય છે છ એવા અલગ અલગ સંગીતકારોમાં જેમને પ્રથમ હરોળના સંગીતકારોમાં નિર્વિવાદપણે સ્થાન નહોતું મળ્યું, પછી આ છ સંગીતકારોમાંથી, વિનોદ, મોહમ્મદ શફી અને લછ્છીરામ જેવા ત્રણ ભલેને ખુબ જ પ્રતિભાવાન સંગીતકારો કેમ ન હોય !
એક તરફ હિંદી ફિલ્મ સંગીતના ઇતિહાસનાં શ્રેષ્ઠ ગીતોમાં સ્થાન પામતાં તલત મહમૂદનાં યુગલ ગીતોની સાથે ગીતમાં કઈક ને કંઈક ખુબી હોવા છતાં, તલત મહમૂદના જન્મદિવસના મહિનામાં, વિસારે પડી ગયેલાં તલત મહમૂદનાં યુગલ ગીતોની યાદ તાજી કરવાનો ઉપક્રમ, એટલે જ આપણે પ્રયોજ્યો છે.. તે અનુસાર, આપણે
૨૦૧૭માં તલત મહમૂદનાં વિસારે પડેલાં કેટલાંક યુગલ ગીતો
૨૦૧૮માં તલત મહમૂદ: ઓછો સંગાથ થયેલાં સહકલાકારો સાથેનાં યુગલ ગીતો
૨૦૧૯માં તલત મહમુદનાં મુબારક બેગમ અને મધુબાલા ઝવેરી સાથેનાં યુગલ ગીતો,
૨૦૨૦માં તલત મહેમૂદનાં યુગલ ગીતો - ગીતા (રોય) દત્ત સાથે - ૧૯૫૦થી ૧૯૫૨, અને
૨૦૨૧માં તલત મહમૂદનાં યુગલ ગીતો ગીતા દત્ત સાથે - ૧૯૫૪ થી ૧૯૫૭
સાંભળ્યાં છે.
આજે આપણે તલત મહમૂદ અને શમશાદ બેગમનાં યુગલ ગીતો સાંભળીશું.
મિલતે હી આંખેં દિલ હુઆ દિવાના કિસીકા - બાબુલ (૧૯૫૦) – ગીતકાર: શકીલ બદાયુની – સંગીતકાર: નૌશાદ
શમશાદ બેગમના સ્વરની તલત મહમૂદ જેટલી જ કુમળાશ એક એવું ખા પરિબળ છે જેને કારણે આ યુગલ ગીત હિદી ફિલ્મ સંગીતનાં યુગલ ગીતોમાં પ્રથમ હરોળમાં ત્યારે પણ અને આ્જે પણ સ્થાન ધરાવે છે.
દુનિયા બદલ ગયી, મેરી દુનિયા બદલ ગયી - - બાબુલ (૧૯૫૦) – ગીતકાર: શકીલ બદાયુની – સંગીતકાર: નૌશાદ
આ કરૂણ ભાવનાં ગીતમાં બન્ને ગાયકોએ જે સંવેદનાપૂર્ણ સ્વર પુર્યો છે તેને નૌશાદ દ્વારા પ્રયોજિત ખુબ જ સમૃદ્ધ વાદ્યસજ્જાએ વધારે ઘુંટેલ છે.
ખાસ નોંધપાત્ર વાત તો એ પણ છે કે તલત મહમૂદના સ્વર માટે કરૂણ ભાવ સહજ ગણાતો હતો એટલો જ સહજ કરૂણ ભાવ શમશાદ બેગમનો પણ લાગે છે, જે શમશાદ બેગમના સ્વરની બહુમુખી પ્રતિભાનું એક જીવંત પ્રમાણ છે.
નદીયામેં ઊઠા હૈ શોર છાયી હૈ ઘટા ઘનઘોર જાના દૂર હૈ …..નદી કિનારે સાથ હમારે શામ સુહાની આયી – મોહમ્મદ રફી અને કોરસ સાથે - - બાબુલ (૧૯૫૦) – ગીતકાર: શકીલ બદાયુની – સંગીતકાર: નૌશાદ
મોહમ્મદ રફી જેવા ગાયકની હાજરીને કારણે જ આ ગીત તકનીકી રીતે ત્રિપુટી ગીતમાં વર્ગીકરણ પામે છે, જોકે મોહમમ્દ રફીને તો સંગીતકારે નદીના પ્રવાહમાં વહેતી નાવનો ભાવ પેદા કરતા નાવિકના સ્વર તરીકે વાદ્યસજ્જાના એક ભાગ રૂપે જ કરેલ છે.
છોડ બાબુલ કા ઘર મુજે જાના પડા - બાબુલ (૧૯૫૦) – ગીતકાર: શકીલ બદાયુની – સંગીતકાર: નૌશાદ
શમશાદ બેગમનું ક્રેડિટ ટાઈટલ સૉલો, રમતિયાળ નૃત્ય ગીત જેમાં તલ્ત મહમૂદ માત્ર સાખી ગાય છે, તલત મહમૂદના સ્વરમાં અતંત મંદ લયનું કરૂણ પ્રેમાનુરાગ ભાવનું અને ફિલ્મના અંતમાં ઉદ્વેગની ચરમસીમા દર્શાવવા મોહમમ્દ રફીના ઊંચા સુરમાં એમ અનેક સ્વરૂપે આ ગીત ફિલ્મમાં આવે છે.એ દૃષ્ટિએ તલ્ત મહમૂદ- શમશાદ બેગમનાં યુગલ ગીત તરીકે તો આ ગીત જરૂર ન ગણાય પણ બન્ને ગાયકોના સ્વર અને ગાયકીની 'રેન્જ'નો આ એક જ ગીત પુરતો પુરાવો બની રહી શકે છે. એક તરફ આ બાબતે જેટલો ગર્વ થાય એટલી બીજી તરફ તેમને યુગલ ગીતો પુરતો ન્યાય ન મળવાનો અફસોસ પણ થાય!
જવાનીકે ઝમાનેમેં જો દિલ ન લગેગા - મધુબાલા (૧૯૫૦) – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ – સંગીતકાર: લછ્છીરામ
આવાં રમતિયાળ ગીતને પણ તલત મહમૂદ કેટલો સહજપણ એન્યાય આપી શકે છે તે અહીં જોઈ શકાય છે. મધુબાલા અને દેવ આનંદ જેવાં કલાકારો હોવા છતાં ફિલ્મની અન્ય બાબતોમાં નબળી હતી તેથી ટિકિટ્બારી પર ખા કંઈ ઉકાળી ન શકી. પરિણામે ફિલ્મનાં ગીતો પણ વિસ્મૃતિઓની ધુળના થર ચડી ગયા.
લૈલા લૈલા પુકારૂં મૈં વનમેં - મિ. સંપટ (૧૯૫૨)- ગીતકાર: પંડિત ઈન્દ્ર – સંગીતકાર: બાલકૃષ્ણ કલ્લા
આર કે નારાયણની વાર્તા, ,મિ. સંપટ - ધ પ્રિન્ટર ઑફ માલગુડી, પરથી બનેલી આ ફિલ્મમાં પદ્મિની એક એવી અભિનેત્રીની ભૂમિકા કરે છે. પ્રસ્તુત ગીતમાં પરદ અપર તેણે ભજવેલી ફિલ્મોના ટુકડાઓ દર્શાવાયા છે, જેમાં અલગ અલગ ગીતો ભજવાય છે. આમ આ ગીત ખરા અર્થમાં તો યુગલ ગીત નથી.
ઓ મૃગનયની મધુબહિની મેનકા તુમ હો કહાં - મિ. સંપટ (૧૯૫૨)- ગીતકાર: પંડિત ઈન્દ્ર – સંગીતકાર: બાલકૃષ્ણ કલ્લા
અહીં એટલી નોંધ લેવી જોઈશે કે અમુક અમુક સંદર્ભમાં આ યુગલ ગીત પી જી કૃષ્ણવેણી અને ગીતા દત્તનાં યુગલ ગીત તરીકે પણ બતાવાયું છે.
બુરા હુઆ જો ઇનસે હમારે નૈના લડ ગયે - લાડલા (૧૯૫૪) -મોહમ્મદ રફી અને આશા ભોસલે સાથે - ગીતકાર રાજા મહેંદી અલી ખાન - સંગીત વિનોદ
પ્રેમીઓની 'નોંક-જોંક' પર બનતાં ગીતો હંદી ફિલ્મોનો એક પ્રચલિત પ્રકાર છે, પણ અહીં તો પ્રેમીઓની બે જોડીઓની નોંક જોંક સમાવાઈ છે !
મોહબ્બત બસ દિલ કે ઈતને સે અફસાને કો કહતે હૈ - મંગુ (૧૯૫૪) - ગીતકાર એસ એચ બિહારી - સંગીતકાર મોહમ્મદ શફી
કવ્વાલીની થાટમાં રચાયેલ આ ગીતમાં પણ તલત મહમૂદ મસ્તીના ભાવને બહુ સહજપણે ન્યાય આપે છે. શમશાદ બેગમ પણ વધારે ઝીણા સ્વરમાં ખુંચતાં નથી.
આડવાત –
ફિલ્મમાં અર્ધે રસ્તે મોહમમ્દ શફીની જગ્યાએ ઓ પી નય્યરને લાવવામાં આવ્યા હતા. તેમણે આ ફિલ્માં સૌ પ્રથમ વાર આશા ભોસલેના સ્વરનો પ્રયોગ કર્યો. મોહમમ્દ શફીએ ફિલ્મમાં સુમન કલ્યાણપુરના સ્વરને હિંદી ફિલ્મનાં ગીતો માટે સૌ પ્રથમ વાર પ્રયોજેલ.
કેહના મેરા માન લે અય યાર - શાન-એ-હાતિમ (૧૯૫૮) - બલબીર સાથે - ગીતકાર રાજા મહેંદી અલી ખાન - સંગીતકાર એ આર ક઼ુરેશી
નેટ પર ઉપલબ્ધ સંદર્ભો આ ગીતને ત્રિપુટી ગીત દર્શાવે છે, પરંતુ યુટ્યુબ પરની આ ક્લિપમાં તો માત્ર બલબીતનો જ સ્વર સાંભળવા મળે છે. ફિલ્મ અને ગીત એટલાં બધાં અજાણ્યાં છે કે સાચું શું છે તે જાણી નથી શકાયું.
દેખો બરસ રહી બરસાત -તીતલી / ફોર લેડીઝ ઓનલી (૧૯૫૧) - ગીતકાર સહરાઈ - સંગીતકાર વિનોદની ડિજિટલ આવૃતિ મળી નથી શકી.
'બાબુલ'નાં ગીતોની પ્રસિદ્ધિના પ્રકાશમાં તલત મહમૂદ અને શમશાદ બેગમનાં અન્ય યુગલ ગીતોમાં તેમના સ્વરનાં સંયોજનનાં વૈવિધ્ય ઝાંખાં પડતાં દેખાય છે તે પણ વિધિની કેવી વક્રતા છે - જે ગીતોને કારણે પ્રસિદ્ધિ મળી એ કક્ષાનું કામ ન મળ્યું અને જે કામ મળ્યું તેમાં તેમની પ્રતિભાને ન્યાય ન થયો ! જોકે હિંદી ફિલ્મ સંગીતના ક્ષેત્રે તો નસીબની દેવીની આવી ઝપટે ચડેલાં ઉદાહરણોની ખોટ જ નથી !
તલત મહમૂદનાં યુગલ ગીતોની આ શ્રેણીમાં હવે પછી તેમનાં આશા ભોસલે સાથેનાં યુગલ ગીતોની વાત કરીશું.