Showing posts with label Manna_Dey_and_Lead_Actors. Show all posts
Showing posts with label Manna_Dey_and_Lead_Actors. Show all posts

Sunday, November 24, 2019

પ્રથમ હરોળના અભિનેતાઓ માટેનાં મન્નાડેનાં ગીતો [૭]

મન્ના ડેએ ફિલ્મના નાયક માટે ગાયેલાં ગીતોની આપણી સફરમાં આપણે તેમણે ગાયેલાં દિલીપકુમાર, દેવ આનંદ, રાજ કપૂર, અશોક કુમાર, બલરાજ સાહની, ડેવીડ અબ્રાહમ, ભારત ભુષણ, કિશોર કુમાર, શમ્મી કપૂર, ગુરુ દત્ત , રાજ કુમાર અને રાજેન્દ્ર કુમાર, પ્રેમ નાથ, પ્રદીપ કુમાર અને સુનિલ દત્ત ; ધર્મેન્દ્ર, શશી કપૂર, મનોજ કુમાર, પ્રાણ અને જોય મુખર્જી માટેનાં ગીતોને યાદ કરી ચુક્યાં છીએ.
 
આ સફરમાં આપણે અત્યાર સુધી જે અભિનેતાઓના સંદર્ભમાં મન્ના ડેદ્વારા ગવાયેલાં ગીતોની વાત કરી એ અભિનેતાઓને હિંદી ફિલ્મોના પહેલી અને બીજી પેઢીના અભિનેતાઓ કહી શકાય. આજે આપણે એવા બે અભિનેતાઓની વાત કરીશું જેઓ હવે ત્રીજી પેઢીના કળાકારો છે, અને બન્નેનું સ્થાન હિંદી ફિલ્મોના ઈતિહાસમાં ઘણાં ઊંચા આસને સ્વીકારાય છે. બન્નેની કારકીર્દીમાં પરંપરાગત વાણિજ્યિક ફિલ્મોના નાયકનાં, અને સમાંતર ફિલ્મોમાં કેડી ચાતરતા નાયકનાં, પાત્રોની એક હદ સુધી સરખાપણું પણ છે.
સંજીવ કુમાર (મૂળ નામ: હરિહર જેઠાલાલ જરીવાલા) સાથે

સંજીવ કુમારની હિંદી ફિલ્મોની કારકીર્દી 'હમ હિંદુસ્તાની' (૧૯૬૦)નાં પોલીસ અફસર તરીકેનાં પાત્રથી થઈ. તે પછી 'આઓ પ્યાર કરે' (૧૯૬૪)માં તેઓ યે ઝૂકી ઝૂકી નિગાહેંમાં જોય મુખરજીના 'ચમચા' મિત્રોનાં અતિ ગૌણ પાત્રમાં પણ જોવા મળ્યા. ફિલ્મના નાયક તરીકેની તેમની કારકીર્દીનું પહેલું પગથિયું, હોમી વાડિયા નિર્મિત, બી ગ્રેડની, એક ફિલ્મ 'નિશાન' (૧૯૬૫) હતી.
હમકદમ હમસફર હમનશી હમઝુબાં, મસ્ત અપને હાલ મેં ઝિંદા દિલોં કા કારવાં - નિશાન (૧૯૬૫) - ઉષા ખન્ના અને મહેન્દ્ર કપૂર સાથે – સંગીતકાર: ઉષા ખન્ના - ગીતકાર : જાવેદ અન્વર (જે અસલમાં ઉષા ખન્નાના પિતા,મનોહર લાલ શર્મા છે)
ગીતના મુખડામાં મૂછનો દોરો ફુટતા કિશોરમાંથી પહેલી કડીની શરૂઆતમાં સંજીવ કુમાર કબીલાના ભાવિ નેતા તરીકે ઊભરતા યુવાનમાં પરિવર્તિત થતા દેખાય છે.
અત્યાર સુધીની પેઢીઓના નાયકોની મન્ના ડેના ગાયક તરીકેના સંબંધમાં સાથે થતું આવ્યું છે તેમ અહીં પણ સંજીવ કુમારા માટે પાર્શ્વ સ્વર મહેન્દ્ર કપૂરનો છે.

અપને લિયે જીયે તો ક્યા જીયે - બાદલ (૧૯૬૬) – સંગીતકાર: ઉષા ખન્ના – ગીતકાર: જાવેદ અન્વર
સંજીવ કુમારની કારકીર્દી હજૂ પણ બી ગ્રેડની ફિલ્મોની સફરની બહાર નથી નીકળી.
ફિલ્મ નબળી પડે તો તેનાં ગીતોને પણ સીધી  અસર પણ થઈ શકે છે તે આ ગીતના કિસ્સામાં જોઈ શકાય છે. ફિલ્મ સફળ રહી હોત તો Part 1 અને Part 2 નાં આ જોડીયાં વર્ઝનવાળું ગીત વધારે માનથી યાદ કરાતું હોત.

મિત જોગી બનકે ઓ ગોરી આયા હૈ તેરે દ્વારે.. સૈંયાં સે નજ઼રેં મિલા લે - બાદલ (૧૯૬૬) – સંગીતકાર: ઉષા ખન્ના – ગીતકાર: અસદ ભોપાલી
ગીતના મસ્તીભર્યા, શરારતી મૂડને સંજીવ કુમાર પર્દા ઉપર અને મન્ના ડે પર્દાની પાછળ પૂરતો ન્યાય કરી રહે છે.


સોચ કે યે ગગન ઝૂમે, અભી ચાંદ નીકલ આયેગા - જ્યોતિ (૧૯૬૫) - લતા મંગેશકર સાથે = સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: આનંદ બક્ષી
સંજીવ કુમારને હવે સામાજિક ફિલ્મમાં મુખ નાયકની ભૂમિકાનું કામ મળવા લાગ્યું છે. એસ ડી બર્મનની કારકીર્દીના અંત સમયની આ ફિલ્મ ટિકિટબારી પર સરિયામપણે નિશ્ફળ રહી હતી. સંજીવ કુમારનાં ભાગ્યમાં નિયતિએ શરૂઆતની આવી અસફળતાઓ છતાં પણ પાછળથી અપ્રતિમ સફળતા લખી હતી, પણ ફિલ્મની નાયિકા નિવેદીતા માટે નિયતિને એવું મંજૂર નહોતું.

કન્હૈયા ઓ કન્હૈયા કોઈ બાંસુરી કી તાન સુના દે, મેરે તન મનકી આગ લગા દે - રાજા ઔર રંક (૧૯૬૮)- લતા મંગેશકર અને કૌમુદી મુન્શી સાથે – સંગીતકાર: લક્ષ્મીકાનત પ્યારેલાલ – ગીતકાર: આનંદ બક્ષી
સંજીવ કુમારની કારકીર્દીને હવે સફળતાની ભ્રમણકક્ષામાં તરફ લઈ જવામાં 'રાજા ઔર રંક'ની સફળતાનું યોગદાન મહત્ત્વનું ગણી શકાય. તકનીકી રીતે, મન્ના ડેએ ગાયેલી પંક્તિઓ બેકગ્રાઉન્ડમાંથી આવતા સ્વરના સ્વરૂપે છે, પણ ફિલ્મમાં ભજવાઈ રહેલ નૃત્ય નાટિકાના મચ પર એ બોલનો મૌન અભિનય સંજીવ કુમાર કૃષ્ણનાં પાત્રમાં ફિલ્મમાં ભજવાઈ રહેલ નૃત્ય નાટિકાના મચ પર કરે છે.

અય દોસ્ત મૈંને દુનિયા દેખી હૈ - સચ્ચાઈ (૧૯૬૯) - મુહમ્મદ રફી સાથે – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ
સંજીવ કુમાર હવે '' ગ્રેડની ફિલ્મોમાં સહનાયકની ભૂમિકા ભજવતા થઈ ચૂક્યા છે.
બે વર્ઝનમાં ફિલ્માવાયેલાં ગીતનાં પહેલાં વર્ઝનમાં સંજીવ કુમાર દાર્શનિક ભાવમાં છે.

 જ્યારે બીજા ભાગમાં શમ્મી કપૂર હવે એ ભૂમિકામાં આવી ગયા જણાય છે.

ફિર કહીં કોઈ ફૂલ ખીલા - અનુભવ (૧૯૭૧) – સંગીતકાર: કનુ રોય – ગીતકાર: કપિલ કુમાર
અહીં પણ મન્ના ડેના સ્વર સીધા સંજીવ કુમારના હોઠ પરથી નથી સરી રહ્યા, પણ આ ફિલ્મ સંજીવ કુમારની કારકીર્દીનું એક મહત્ત્વનું સીમા ચિહ્ન છે.  પરંપરાગત નાયક્ની ભૂમિકાથી એક કદમ હટીને વાણિજ્યિક ચમકદમકથી અળગી કેડી ચાતરતા અભિનય કળાને મહત્વ આપતાં પાત્રોમાં સંજીવ કુમારે, હિંમતથી બહુ નાની વયે કામ કર્યું અને આગવી સફળતા પણ હાંસિલ કરી. મન્ના ડેની કારકીર્દી પણ આવા જ વળાંકોમાંથી એક સમયે પસાર થઈ ચૂકી છે.

ગોયાકે ચુનાન્ચે... હો નાચે ગાયે ઝૂમકે - મનોરંજન (૧૯૭૪) - કિશોર કુમાર, આશા ભોસલે અને સાથીઓ સાથે – સંગીતકાર: આર ડી બર્મન – ગીતકાર: આનંદ બક્ષી 
ફિલ્મમાં સંજીવ કુમાર નાયક છે, પણ એક સામાન્ય પોલીસવાળાનાં પાત્રમાં તેઓ ફિલ્મની કથાને વહન કરે છે. 'સચ્ચાઈ'ની સરખામણીમાં શમ્મી કપૂર અને સંજીવ કુમારની ભૂમિકાઓ છેડા બદલી ચૂકી છે, જેનો પુરાવો સંજીવ કુમાર માટે કિશોર કુમારના અને શમ્મી કપૂર માટે મન્ના ડેના સ્વર ની પસંદગીમાં દેખાય છે.

બિંદીયા જગાયે બિંદીયા જગાયે હો રામા, નિંદીયા ન આયે બિંદીયા જગાયે - દાસી (૧૯૮૪) – સંગીતકાર: રવિન્દ્ર જૈન – ગીતકાર: રવિન્દ્ર જૈન
ગીત શાસ્ત્રીય તર્જ પર  વધારે ઝુકતું હોવાથી સંગીતકારે મન્ના ડેના સ્વરને પસંદ કર્યો હશે ! સંજીવ કુમાર હવે એક સર્વસ્વીકૃત અભિનયકળાનાં પ્રભુત્વવાળા નાયક બની ગયા છે તે પણ આ ફિલ્મમાં તેમના માટે પસંદ થયેલા પાર્શ્વગાયકોની પસંદગીમાં જોઈ શકાય છે. ફિલ્મમાં તેમના પર ફિલ્માવાયેલું બીજું એક ગીત ભુપિન્દરના સ્વરમાં છે.

રાજેશ ખન્ના (મૂળ નામ: જતીન ખન્ના) સાથે

ઓલ ઈન્ડિયા યુનાઇટેડ પ્રોડ્યુસર્સ ટેલન્ટ સ્પર્ધાના વિજેતાની રાહે, રાજેશ ખન્નાએ હિંદિ ફિલ્મ જગતામાં પદાર્પણ ચેતન આનંદની 'આખરી ખત'થી કર્યું. રવિબ્દ્ર દવેની તે પછી આવેલી રહસ્ય કથામય ફિલ્મ 'રાઝ' પણ તેમણે ફાળે એ વિજેતા તરીકે આવી હતી. તે સાથે જી પી સિપ્પી અને નાસીર હુસૈનની નજરમાં પણ તેઓ વસી ગયા.
ત્રીજી પેઢીના નાયકોમાં રાજેશ ખન્નાની ઓળખ મોટા ભાગે ગરમાગરમ વેંચાતાં દાળવડાં જેવા ટિકિટ બારી પરના પહેલવહેલા સુપર સ્ટાર તરીકેની રહી છે, પણ તેમણે સાથે સાથે ભાવાભિમુખ અભિનયનાં પાધાન્યવાળી ભૂમિકાઓ પણ એટલી જ સુપેરે નીભાવી હતી. મન્ના ડેનો રાજેશ ખન્ના સાથેનો સાથ આ ભાવપ્રધાન ભૂમિકાઓમાં રહ્યો.
ચુનરી સંભાલ ગોરી ઊડી ચલી જાયે રે, માર ન દે ડંખ કહીં નજ઼ર તોરી હાયે - બહારોં કે સપને (૧૯૬૭) - લતા મંગેશકર સાથે – સંગીતકાર: આર ડી બર્મન – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
નાસીર હુસૈનની મોટાં બજેટની ફિલ્મ 'તીસરી મંઝિલ'ના ધીમા વિકાસને કારણે તેમણે પોતાનાં યુનિટને વ્યસ્ત રાખવા એક ઓછાં બજેટવળી ફિલ્મ તરીકે 'બહારોં કે સપને'નું નિર્માણ કર્યું, અને એ રીતે રાજેશ ખન્નાને પણ મોટાં નિર્માણ ગૃહ સાથે કામ કરવાની તક મળી.
અત્યાર સુધી આપણે જોયું છે તેમ, ઊભરતા નાયકની શરૂઆતની કારકીર્દીમાં મન્ના ડેના સ્વરનો સીધો કે પરોક્ષ ફાળો પણ રહેતો આવ્યો છે. અહીં પણ એ ચલણ ચાલુ રહ્યું જણાય છે.
પરદા પર ગીત અન્વર હુસૈન પર ફિલ્માવાયું છે, પણ ગીતનાં કેન્દ્રમાં રાજેશ ખન્ના છે.
ઝિંદગી કૈસી હૈ યે પહેલી હાયે  - આનંદ (૧૯૭૨) – સંગીતકાર: સલીલ ચૌધરી – ગીતકાર: યોગેશ
'આરાધના' (૧૯૬૯) સાથે સફળતાનાં બુલંદ સીહાસને બેઠેલા રાજેશ ખન્ના વાણિજ્યિક ચમકદમક વિનાની ભૂમિકામાં પર્દા પર આવે છે. ગીતની સીચ્યુએશનના સંદર્ભમાં સલીલ ચૌધરી માટે મન્ના ડે આ ગીત માટે સ્વાભાવિક પસંદ હતા.
તુમ બીન જીવન કૈસા જીવન - બાવર્ચી (૧૯૭૨) – સંગીતકાર: મદન મોહન – ગીતકાર: કૈફી આઝમી
'બાવર્ચી' મસાલા ફિલ્મો પ્રકારની વાણિજ્યિક ફિલ્મ નહોતી. તેમાં પાછું ગીત શાસ્ત્રીય તરાહ પર આધારિત હોય, એટલે મદન મોહન પણ પોતાની પસંદગી મન્ના ડે પર સ્વાભાવિકપણે જ ઢોળે.

ભોર આયી ગયા અંધીરાયારા - બાવર્ચી (૧૯૭૨) - હૃદયનાથ ચટ્ટોપાધ્યાય, કિશોર કુમાર, નિર્મલા દેવી, લક્ષ્મી શંકર અને સાથી સાથે – સંગીતકાર: મદન મોહન – ગીતકાર: કૈફી આઝમી
ફિલ્મ કળાત્મક અને વાણિજ્યિક ફિલ્મોના પ્રકારના સંક્ર્મણ પ્રકારની છે તેનો લાભ લઈને મદન મોહને કિશોર કુમાર સિવાય અન્ય ગાયકો પણ પોતાની આગવી પસંદથી રજૂ કર્યાં છે, જેમાં મન્ના ડેનું સ્થાન તો અચળ જ રહે છે.

હસનેકી ચાહને કિતના હમેં રૂલાયા હૈ - આવિષ્કાર (૧૯૭૪) – સંગીતકાર: કનુ રોય – ગીતકાર: કપિલ કુમાર
ગીત તો બેકગ્રાઉન્ડમાં ગવાય છે, પણ રાજેશ ખન્નાની કારકીર્દીમાં તેમણે ભજવેલાં કળાપ્રધાન પાત્રોવાળી ફિલ્મોમાં 'આવિષ્કાર'ની નોંધ અચુક લેવાતી રહી છે તેની નોંધ આ ગીત દ્વારા આપણે પણ લઈએ છીએ.

મેરે લાલ તુમ તો હમેંશાં થે મેરે મન કી અભિલાષા મેં - આવિષ્કાર (૧૯૭૪) – સંગીતકાર: કનુ રોય – ગીતકાર: કપિલ કુમાર
આ ગીત પણ તકનીકી પરિભાષામાં તો બેકગ્રાઉન્ડ ગીત જ છે. પરંતુ મન્ના ડેની ગાયકીનાં અને રાજેશ ખન્નાના(તેમ જ ફિલ્મની નાયિકા શર્મિલા ટાગોરના) અભિનય વૈવિધ્યનાં સાયુજ્યનું આ ગીત સુંદર રૂપક ગણી શકાય છે તેથી તેને પણ અહીં સમાવી લીધું છે.

ગોરી તેરી પૈંજનિયાં.. મન ખોલે ભેદ - મહેબુબા (૧૭૬) – સંગીતકાર: આર ડી બર્મન – ગીતકાર: આનંદ બક્ષી
ફિલ્મમાં રાજેશ ખન્નાનાં મુખ્ય ગીતો કિશોર કુમારના સ્વરમાં છે, પણ અહીં તો રાજેશ ખન્ના છદ્મવેશમાં નૃત્યનાટિકામાં ભાગ લે છે, એટલે ગાયક પણ લગ હોય તો સારૂં ગણાય, એવા ફિલ્મોના એક વણલખ્યા નિયમના પાલનમાં મન્ના ડેની પસંદગી સાર્વત્રિક સમયે થતી રહી છે.
આમલી કી તામલી ગાંવમેં - પ્રેમ બંધન (૧૯૭૯) - આશા ભોસલે સાથે – સંગીતકાર: લક્ષ્મીકાંત પ્યારેલાલ – ગીતકાર: આનંદ બક્ષી
અહીં પણ રાજેશ ખના વેશપરિવર્તન ભૂમિકામાં છે, એટલે લક્ષ્મીકાંત પ્યારેલાલે પુરુષ પાર્શ્વગાયક તરીકે તો મન્ના ડેને ધ્યાનમાં લઈને જ ગીતની ગુંથણી કરી હશે.
મન્ના ડેનાં પર્દા પર ગાવયેલાં ફિલ્મના નાયક માટેનાં ગીતોમાંથી તેમનાં 'કોમેડી' પ્રકારનાં ગીતો તરફ વળવા માટે આપણે હવે પછીના અંકમાં તેમણે મહેમૂદ માટે ગાયેલાં ગીતો સાંભળીશું.


'પ્રથમ હરોળના અભિનેતાઓ માટેનાં મન્નાડેનાં ગીતો' લેખમાળાના સાતે સાત મણકા એકી સાથે વાંચવા / ડાઉન લોડ કરવા હાયપર લિંક પર ક્લિક કરો.

Sunday, November 3, 2019

પ્રથમ હરોળના અભિનેતાઓ માટેનાં મન્નાડેનાં ગીતો [૬]

મન્ના ડેએ ફિલ્મના નાયક માટે ગાયેલાં ગીતોની આપણી સફરમાં આપણે તેમણે ગાયેલાં દિલીપકુમાર, દેવ આનંદ, રાજ કપૂર, અશોક કુમાર, બલરાજ સાહની, ડેવીડ અબ્રાહમ, ભારત ભુષણ, કિશોર કુમાર, શમ્મી કપૂર, ગુરુ દત્ત , રાજ કુમાર અને રાજેન્દ્ર કુમાર, પ્રેમ નાથ, પ્રદીપ કુમાર અને સુનિલ દત્ત માટેનાં ગીતોને યાદ કરી ચુક્યાં છીએ.

મન્નાડેની પાર્શ્વગાયક તરીકેની કારકીર્દીમાં ફિલ્મના મુખ્ય અભિનેતા માટેના પાર્શ્વગાયનના અવાજ તરીકેની આગવી ઓળખની શોધની આ સફરના આજના આ પડાવમાં આપણે એવા નાયકથી શરૂઆત કરીએ છીએ જેમની સાથે મન્નાડેના સંગાથની શરૂઆત પરોક્ષ સંબંધથી થઈ અને નાયકની કારકીર્દી પરિપક્વતાની સીમામાં દાખલ થઈ ત્યારે સીધા સંબંધમાં ખીલી રહી.
ધર્મેન્દ્ર સાથે


આપણે વાત કરી રહ્યા હતા ફિલ્મ 'શોલા ઔર શબનમ'(૧૯૬૨)ની. ધર્મેન્દ્રએ પર્દા પર આ ફિલ્મ માટે અભિનિત કરેલં મોહમ્મદ રફીના સ્વરનાં જાને ક્યા ઢૂંઢતી ફિરતી હૈ યે આંખે અને જીત હી લેંગે બાજી હમ તુમ મોહમ્મદ રફીનાં, ફિલ્મના સંગીતકાર ખય્યામનાં તેમ જ તમામ હિંદી ફિલ્મનાં શ્રેષ્ઠ ગીતોમાં સ્થાન મેળવે છે.
ફિલ્મમાં મન્ના ડે ના સ્વરમાં ગવાયેલાં ગીતોનો પરોક્ષ સંબંધ દિલ્મના નાયક ધર્મેન્દ્ર સાથે છે.
અગર દિલ દિલસે ટકરાયે - શોલા ઔર શબનમ (૧૯૬૨) - મોહમ્મદ રફી અને ગીતા દત્ત સાથે – સંગીતકાર: ખય્યામ – ગીતકાર: કૈફી આઝમી
ગીતનો મોટો ભાગ તો પ્રણય ત્રિકોણનાં ત્રણ મુખ્ય પાત્રોનાં પર્તિબિંબ સ્રરખાં તેમનાં ત્રણ મિત્રો પરદા પર ભજવે છે.જોકે @૨.૦થી ૨.૧૬ અને પછીથી @૩.૦૬ થી ૩.૩૬ દરમ્યાન ધર્મેન્દ્ર પણ મોહમ્મદ રફીના સ્વરમાં ગીતની બાગડોર હાથમાં લઈ લે છે. પ્રણય ત્રિકોણના ત્રીજા ખૂણા સમાન મિત્ર પાત્ર ધર્મેન્દ્રની મશ્કરીનો, @૨. ૧૭ પર, મન્ના ડેના સ્વરમાં જવાબ વાળે છે.


ફિર નહીં આનેવાલે પ્યારે ઐસી મિલનકી રાત - શોલા ઔર શબનમ (૧૯૬૨) - આશા ભોસલે સાથે – સંગીતકાર: ખય્યામ – ગીતકાર: કૈફી આઝમી
મુખ્ય પાત્રોના મનના ભાવ જાહેરમાં ગીત ગાતાં પાત્રોના સ્વરમાં કહેવાતા હોય એવાં પ્રકારનાં ગીતોના પ્રકારની અહંઈ ખય્યામે પણ અસરકારકતાપૂર્વક અજમાયશ કરી છે. ગીતને લોકધુનના ઢાળમાં ઢાળીને દિલ ઝુમતું કરી મૂકે તેવો તાલ અને તાલવાદ્યોનો પ્રયોગ પણ દાદ માંગે છે.

હમને જલવા દિખાયા તો જલ જાઓગે - દિલને ફિર યાદ કિયા (૧૯૬૬) - આશા ભોસલે સાથે – સંગીતકાર: સોનિક ઓમી – ગીતકાર: જી એલ રવૈલ
ફિલ્મમાં ધર્મેન્દ્ર માટેનાં ગીત મોહમ્મદ રફીના સ્વરમાં જ રેકોર્ડ થયાં છે. પરમ્તુ અહીં ધર્મેન્દ્ર, તેમ જ નુતન,ને છદ્મવેશમાં રજૂ કરાયાં છે એટલે તેના પાર્શ્વ સ્વરમાં પણ બદલાવ કરાયો છે. કવ્વાલીની શૈલીમાં રચાયેલાં આ ગીત મટે મન્ના ડે અને આશા ભોસલે પણ તેમની નૈસર્ગિક શૈલીમાં ખીલી રહે છે.

અરે ઝીંદગી હૈ ખેલ કોઈ પાસ કોઈ ફેલ, ખીલાડી હૈ કોઈ અનાડી હૈ કોઈ - સીતા ઔર ગીતા (૧૯૭૨) - આશા ભોસલે સાથે – સંગીતકાર: આર ડી બર્મન – ગીતકાર: આનંદ બક્ષી
ડ્બલ રોલના એક પાત્રમાં હેમા માલીનીનો સાથ ધર્મેન્દ્ર આપે છે. પ્રસ્તુત ગીતમાં તેઓ શેરી ગીતને અભિનિત કરે છે . શેરીમાં ગીત ગાતાં પાત્રોના હોઠ પર જીવનની ફિલસૂફી બહુ જ સરળતાથી રજૂ કરવાની હિંદી ફિલ્મોની પરંપરા રહી છે.

અભી તો હાથમેં જામ હૈ, તૌબા કિતના કામ હૈ - સીતા ઔર ગીતા (૧૯૭૨) – સંગીતકાર: આર ડી બર્મન – ગીતકાર: આનંદ બક્ષી
નશામાં ડૂબેલ સ્વરમાં જીવનની ફિલસૂફી કહેવાનું બેવડું કામ મન્ના ડે અસરકારપણે પાર પાડે છે.

બંધુ રે યે મન ડોલે બોલે ક્યા રે કોઈ જાને, જલ ભરા મેઘ યે દિલ કે પ્યાસા યે મન સૂના - અનોખા મિલન (૧૯૭૨) – સંગીતકાર: સલીલ ચૌધરી – ગીતકાર: જેકી હમીદ
બંગાળી પૃષ્ઠભૂ પરની આ ફિલ્મમાં ધર્મેન્દ્ર બહુ સહજતાથી નાવીકની ભૂમિકા ભજવી રહ્યા છે. બંગાળી ગાયન શૈલીમાં નાવિકનું ગીત અને સલીલ ચૌધરીનું સંગીત એટલે મન્ના ડેનો મોસાળમાં ભાને બેઠા અને મા પીરસે એવો લાભ મળ્યો.

ધરતી અંબર નીંદ સે જાગે - ચૈતાલી (૧૯૭૫) - લતા મંગેશકર સાથે – સંગીતકાર: લક્ષ્મીકાન્ત પ્યારેલાલ – ગીતકાર: આનંદ બક્ષી
ઢીસૂમ ઢીસૂમ પાત્રોમાંથી ધર્મેન્દ્રની કારકીર્દીને ગંભીર ભૂમિકાઓનાં પાત્રો તરફ લઈ જવામાં હૃષિકેશ મુખર્જીનો ફાળો બહુ મહત્ત્વનો ગણાય છે. તેમના દ્વારા દિગ્દર્શિત, મૂળ બંગાળીમાં બનેલ ફિલ્મ,માં હવે ધર્મેન્દ્ર પણ સરળતાથી પરાકાયા પ્રવેશ કરી શકેલ જોવા મળે છે.

યે દોસ્તી હમ કભી ન તોડેંગે - શોલે (૧૯૭૫) - કિશોર કુમાર સાથે – સંગીતકાર: આર ડી બર્મન – ગીતકાર: આનંદ બક્ષી
'શોલે'ના કેટલાક સાર્વત્રિક લોકપસંદ સંવાદો જેટલું જ આ ગીત પણ લોકચાહના વર્યું હતું.

શશી કપૂર સાથે


શશી કપૂર માટે મના ડેનાં પાર્શગાયનનું એક જ ગીત મને મળ્યું છે.
આયા આયા અબ્દુલ્લા હે અબ્દુલ્લા - જુઆરી (૧૯૬૮) - લતા મંગેશકર સાથે – સંગીતકાર: કલ્યાણજી આણંદજી – ગીતકાર: આનંદ બક્ષી
ફિલ્મમાં શશી કપૂર માટે હમસફર અબ યે સફર કટ જાયેગા જેવાં ગંભીર ભાવનાં ગીત માટે મૂકેશનો અને જાને મન અલ્લાહ ખબર જેવાં ચુલબુલાં રોમેન્ટીક ગીત માટે મહેન્દ્ર કપૂરના સ્વરનો ઉપયોગ કરાયો છે. પ્રસ્તુત ગીતમાં શશી કપૂર મંચ પર આરબ પાત્ર અભિનિત કરે છે એટલે તેમના માટે મન્ના ડે પાર્શ્વસ્વર પૂરો પાડે છે !

મનોજ કુમાર સાથે


મનોજ કુમાર માટે પણ મને તેમન અમાટે ગાએલું મન્ના ડેનું એક જ (યુગલ)ગીત મળે છે. તે પણ મનોજ કુમારની બહુ શરૂઆતની ફિલ્મનું જ છે.
ઝુલ્ફોંકી ઘટા લેકર સાવનકી પરી આયી - રેશમી રૂમાલ (૧૯૬૧) – આશા ભોસલે સાથે - સંગીતકાર: બાબુલ – ગીતકાર: રાજા મહેંદી અલી ખાન
આપણી પસે ફરી એક વાર એવું (યુગલ) ગીત છે જે આજે પણ ચાહકોને મુગ્ધ કરી દે છે, પણ એ ગીતના ગુણી સર્જકને ત્યારે પણ તેમની કાબેલિયત અનુસાર મળવું જોઈતું હતી એટલી ચાહના નહોતી મળી.

મન્ના ડે- મનોજ કુમારના સંબંધનું એક બીજું પાસું છે જે આપણે ખાસ ધ્યાન પર લેવું જોઈએ. મનોજ કુમાર નિર્મિત એક એવી ફિલ્મમાં મન્ના ડે એક ગીત ગાયું જે તત્ક્ષણ લોક્ચાહના મેળવી ગયું, જે ગીતે પ્રાણની બીજી ઈનિંગ્સની આગવી છાપ ઊભી કરવામાં તેમની અભિનયની કાબેલિયતને વધારે નીખારી. એ ફિલ્મને કારણે મનોજકુમાર પણ મિ. ભારત તરીકે ઓળખાવા લાગ્યા.
પ્રાણ સાથે

કસમે વાદે પ્યાર વફા સબ બાતેં હૈં બાતોકા ક્યા - ઉપકાર (૧૯૬૭) – સંગીતકાર: કલ્યાણજી આણંદજી – ગીતકાર: ઈન્દીવર
આપણે આ ગીતની જ વાત કરી રહ્યા હતા એ તો બધાંને ખ્યાલ આવી જ ગયો હશે.'ઉપકાર'માં પ્રાણનો મંગલબાબા તરીકેનો અભિનય ફિલ્મની સફળતા માટેનું એક પ્રબળ પરિબળ બની ગયું હતું. પ્રસ્તુત ગીતે એ પાત્રને લોકોના હોઠ પર રમતું કરી મૂક્યું.

ક્યા માર સકેગી મૌત ઉસે, ઔરોંકે લિયે જો જીતા હૈ - સંન્યાસી (૧૯૭૫) - સંગીતકાર શંકર જયકિશન - ગીતકાર ઈન્દીવર
આ ગીતમાં પણ બીજી ઇનિંગ્સમાં ચરિત્ર પાત્રોને નીખારતા પ્રાણ મનોજ કુમાર અભિનિત પાત્રને કોઈ મહત્વનો સંદેશ પાઠવે છે.
હવે શંકર (જયકિશન) પણ તેમની બીજી ઇનિંગ્સમાં છે, ફરક માત્ર એટલો છે કે તેમની સાથે રમતમાં જયકિશન અને શૈલેન્દ્ર નથી રહ્યા.

પ્રાણની બીજી ઇનિંગ્સમાં તેમણે લગભગ દરેક ફિલ્મમાં એક ગીત તો ગાયું હશે, જેમાંનાં મોટા ભાગનાં ગીતોમાં સ્વર મન્ના ડેનો રહ્યો . જોકે આપણે બધાં ગીતોને અહીં નહીં સમાવીએ, પણ એક એવાં ગીતને જરૂર યાદ કરી લઈશું જે આજના અંકમાં આવરી લેવાયેલા એક અન્ય મુખ્ય નાયકને ઉદ્દેશીને ફિલ્મમાં ગવાયું છે.
રામ રામ રામ ક્રોધ લોભ માયા મૈં તજ કે - ક્રોધી (૧૯૮૧) - સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ - ગીતકાર આનંદ બક્ષી
અહીં જે નાયકનાં પાત્રને ઉદ્દેશીને આ ગીત ગવાયું છે તે ધર્મેન્દ્ર છે.

યારી હૈ ઈમાન મેરા યાર મેરી ઝિન્દગી - ઝંઝીર (૧૯૭૩)- સંગીતકાર કલ્યાણજી આણંદજી - ગીતકાર ગુલશન બાવરા
પ્રાણની બીજી ઇનિંગ્સની વાત કરીએ અને આગીતની વાત ન કરીએ તે તો અક્ષમ્ય બાબત જ ગણાય.

જોય મુખર્જી સાથે

જોય મુખર્જી સાથે પાર્શ્વગાયન માટે મોહમ્મદ રફીનો સ્વર જ સામાનયતાઃ પર્યોજાતો રહ્યો છે. એ દૃષ્ટિએ અહીં જે ગીત રજૂ કર્યું છે તે એક બહુ જ નોંધપાત્ર અપવાદ કહેવાય. ગીતમાં મુખ્ય આકર્ષણ કેન્દ્ર જોહ્ની વૉકર છે. આમ પણ જોહ્ની વૉકર, અને એક તબક્કે મહેમૂદ પણ, એટલા મોટા સ્ટાર હતા કે ફિલ્મમાં તેમને કામ આપવું હોય તો તેમની ઘણી બધી શરતોનું પાલન કરવું પડતું. પ્રતુત ગીતમાં પોતા માટે મોહમ્મદ રફીનો સ્વર જ હોવો જોઈએ એવો કદાચ જોહ્ની વૉકરનો આગ્રહ હશે એટલે જોય મુખર્જી ને ફાળે આવતી પંક્તિઓ માટે મન્ના ડેનો સ્વર પ્રયોજાયો હશે.

હમ ભી અગર બચ્ચે હોતે નામ હમારા હોતા બબલુ ગબલુ, ખાનેકો મિલતે લડ્ડુ - દૂરકી આવાઝ (૧૯૬૪) - મોહમમ્દ રફી અને આશ અભોસલે સાથે – સંગીતકાર: રવિ – ગીતકાર: શકીલ બદાયુની
એક સમયે બાળકોના જન્મદિવસમાં અચૂક આ ગીત સાંભળવા મળતું. જોહ્ની વૉકર પણ તેમની અભિનય શૈલીની જાનીપહચાની અદાઓથી ગીતનાં કેન્દ્રસ્થાન હોવાને ન્યાય કરે છે. મન્ના ડે એ જોય મુખર્જી માટે એટલી સાહજિકતાથી ગાયું છે કે જોય મુખર્જી માટે મોહમ્મદ રફીના સ્વરની ખોટ અનુભવાતી નથી.

આજના અંકનો અંત મન્ના ડેનાં પ્રેમ નાથ માટેનાં એક ગીતથી કરીશું, જે અગાઉના પ્રેમનાથના અંકમાં લેવાનું ચૂકાઈ ગયું હતું. જોકે પ્રસ્તુત ગીતનો બહુ જ ઊંડો સંબંધ મનોજ કુમાર સાથે પણ છે એટલે અ ગીતને અહીં લેવાનું સમયોચિત તો બની જ રહે છે.

જીવન ચલનેકા નામ ચલતે રહો સુબહ શામ - શોર (૧૯૭૨)- મહેન્દ્ર કપૂર અને શ્યામા ચિત્તર સાથે – સંગીતકાર: લક્ષ્મીકાન્ત પ્યારેલાલ – ગીતકાર: ઈન્દ્રજીત સિંહ તુલસી
દિઅવ્સરાત અખંડ સાયકલ ચલાવવાના કરતબ એક સમયે ગ્રામીણ અને નાનાં શએરોમાં બહુ પ્રચલિત પ્રથા હતી. પ્રસ્તુત ગીતમાં એ ખેલને વણી લેવાને કાર્ણે ગીત ખૂબ જ લોકપ્રિય થયું હતું.

હવે પછીના અંકમાં આપણે મન્ના ડેએ સંજીવ કુમાર અને રાજેશ ખન્ના જેવા ત્રીજી પેઢીના નાયકો માટે ગાયેલં ગીતો યાદ કરીશું.