મન્ના ડેએ ફિલ્મના નાયક માટે ગાયેલાં ગીતોની આપણી સફરમાં આપણે તેમણે ગાયેલાં દિલીપકુમાર, દેવ આનંદ, રાજ કપૂર, અશોક કુમાર, બલરાજ સાહની, ડેવીડ અબ્રાહમ, ભારત ભુષણ, કિશોર કુમાર, શમ્મી કપૂર, ગુરુ દત્ત માટેનાં ગીતોને યાદ કરી ચુક્યાં છીએ.મન્ના ડેની કારકીર્દીના એવા સમય ગાળાની આપને વાત કરી રહ્યાં છીએ જ્યાં બીજી પેઢીના ઉગતા સિતારાઓ માટે તેમણે ગાયેલાં ગીતો લોકપ્રિય થઈ રહ્યં હતા. અભિનેતાઓની આ પેઢી પણ જ્યારે સફળતાને વરી ત્યારે, બહુ મોટા ભાગના કિસ્સાઓમાં, તેમના પાર્શ્વગાયકનું સ્થાન ફરીથી મોહમ્મદ રફી પાસે જ રહ્યું
રાજકુમાર સાથે
રાજ કુમારે તેમની કારકિર્દીની શરૂઆતમાં પરંપરાગત હીરો પ્રકારની ભૂમિકાઓ ભજવી છે, પણ તેમને આપણે આજે યાદ કરીએ છીએ તેમની વિશેષ મુખ્ય ભૂમિકાઓ, જે પૈકી અમુક તો એન્ટિ-હીરો પ્રકારની પણ હતી, માટે. તેમની કારકિર્દીને આવો મોડ આપનાર એક ભૂમિકા હતી 'મધર ઇન્ડિયા' (૧૯૫૭)માં રાધા (નરગીસ)ના પતિ 'શામુ' તરીકેની તેમની ભૂમિકા.
ચુંદરીયા કટતી જાયે રે, ઉમરીયાં ઘટતી જાયે રે - મધર ઇન્ડિયા (૧૯૫૭) – સંગીતકાર: નૌશાદ - ગીતકાર: શકીલ બદાયુની
તકનીકી દૃષ્ટિએ તો ગીત, બેકગ્રાઉનડમાં ગવાતું ગીત છે, પણ આપણને તો તે 'શામુ'નાં દિલનાં મનોમથનોની વાચા તરીકે જ સંભળાય છે.
આ ગીત મન્ના ડેનાં એક બહુ જ યાદગાર ગીતોમાં મોખરાની હરોળમાં તો સ્થાન પામતું જ ન્રહ્યું છે, પણ મન્નાડે પાસે નૌશાદે બહુ જ ઓછાં ગીતો ગવડાવ્યાં હોવા છતાં નૌશાદનાં પણ સર્વકાલીન શ્રેષ્ઠ ગીતોમાં પણ સ્થાન શોભાવે છે.
દિલ કો બાંધા ઝુલ્ફકી ઝંઝીર સે, હોશ લૂટે હુસ્નકી તાસીર સે - ઝિંદગી (૧૯૬૪) – સંગીતકાર: શંકર જયકિશન- ગીતકાર: હસરત જયપુરી
કેટલાક શેરનાં પઠન દ્વારા વ્યક્ત કરવાનો આ શંકર જયકિશને કરેલ પ્રયોગ ફિલ્મમાં રાજ કુમારનાં પાત્રના એકપક્ષી પ્રેમના એકરારની સ્વગત સ્વીકૃતિ દર્શાવે છે.
જનક જનક તોરી બાજે પાયલિયા - મેરે હુઝૂર (૧૯૬૮) – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: હસરત જયપુરી
રાજ કુમારની બિનપરંપરાગત ભૂમિકાઓમાંની બહુ ખ્યાત ભૂમિકા માટે જ્યારે શાસ્ત્રીય ઢાળમાં ગીતની સિચ્યુએશન નક્કી કરવામાં આવી હશે ત્યારે શંકર જયકિશને કોઈ પણ જાતના ખચકાટ વિનાજ મન્ના ડેની પસંદગી કરી લીધી હશે.
હર તરફ યહી અફસાને હૈ, હમ તેરી આંખોંકે દીવાને હૈ - હિન્દુસ્તાનકી ક઼સમ (૧૯૭૪) – સંગીતકાર: મદન મોહન – ગીતકાર: કૈફી આઝમી
રાજ કુમારે પર્દા પર ભજવેલાં વાયુદળના અફસરનાં પાત્રના હોઠ પર જ્યારે પોતાના પ્રેમની યાદ કરતા શબ્દો ફૂટવા લાગે છે તેને પણ વાચા આપવા માટે મદન મોહનની પસંદગી પણ મન્ના ડે જ રહે છે.
અને છેલ્લે રેકોર્ડ પર જે ગીત માટે મન્ના ડેનું નામ નથી, પણ તેમના સ્વરથી શરૂઆત કરવામાં શંકર જયકિશને જે રીતે મન્નાડેના સ્વરનાઓ પ્રયોગ કર્યો છે, તેની નોંધ લઈએ -
હમ દિલકા કંવલ દેંગે ઉસકો હોગા કોઈ એક હજારોંમેં - ઝિંદગી (૧૯૬૪) - લતા મંગેશકર અને સાથીઓ – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: શૈલેન્દ્ર
કાર્યક્રમ પહેલાંના પૂર્વાભ્યાસમાં, રાજ કુમાર આ નૂત્યગીતના નિદર્શકની ભૂમિકામાં મુખડાની રજૂઆત કરી બતાવે છે જેને વૈજયંતિમાલા અને તેનું નૃત્ય સખીવૄંદ ઝીલી લે છે.
રાજેન્દ્ર કુમાર સાથે
રાજેન્દ્ર કુમારને 'જ્યુબિલી' કુમારનાં બીરૂદની પહેચાન મળી તે પહેલાંની તેમની ફિલ્મોમાં તેમને જૂદા જૂદા ગાયકોએ પાર્શ્વસ્વર પૂરો પાડ્યો હતો. એ ગીતો પૈકી મન્ના ડે એ રાજેન્દ્ર કુમારનાં ગીતોની અલગ ઓળખ બની હતી. અહીં પણ બે ગીતો એવાં છે જે રાજેન્દ્ર કુમાર સફળ બની રહ્યા પછી માત્ર મોહમ્મદ રફીના સ્વરનાં ગીતો જ પર્દા પર અભિનિત કરતા હતા એ સમયનાં છે. એક ગીત આપણે છેલ્લે સાંભળેલ ગીતની ફિલ્મ 'ઝિંદગી'નું છે, તો બીજું એક નિયમના અનુસરણની અને બીજા નિયમના અપવાદની પુષ્ટિ કરે છે.
મુસ્કુરા લાડલે મુસ્કુરા - ઝિંદગી (૧૯૬૪) – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: શૈલેન્દ્ર
મન્નાડે માટેના શંકર (જયકિશન)ના ખાસ લગાવને આપણે જણીએ છીએ એટલે આ ગીત માટે મન્ના ડેની પસંદગી શ્રોતાની દૃષ્ટિએ કદાચ ઓછી આશ્ચર્યકારક ગણી શકાય, પણ હવે 'સ્ટાર' બની ચૂકેલા રાજેન્દ્ર કુમારે પાર્શ્વ સ્વર તરીકે મન્ના ડેના સ્વરમાટે સંમતિ કેમ કરીને આપી હશે તે જાણવું જરૂર રસપ્રદ બની રહે.
તેરે નૈના તલાશ કરે જિસે - તલાશ (૧૯૬૯) – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
ઠેઠ રોમેંટિક યુગલ ગીતમાટે જેટલી ચોક્કસપણે એસ ડી બર્મને મોહમ્મદ રફીના સ્વરની પસંદગી કરી હશે એટલી જ નિશ્ચિત સહજતાથી શાસ્ત્રીય ઢાળ પર રચાયેલાં નૃત્ય ગીત માટે તેમની પસંદ મન્ના ડે જ રહ્યા હશે.
હવે ફરીથી આપણે હિંદી ફિલ્મ જગતનાં દલદલમાંથી બહાર નીકળી આવીને સફળતાની નક્કર જમીનની શોધના રાજેન્દ્ર કુમારના સમયની ફિલ્મોનાં ગીતોની કેડી પર ફરીથી આવીએ.
મેરે જીવનમેં કિરન બનકે બિખરનેવાલે બોલો તુમ કૌન હો - તલાક઼ (૧૯૫૮) - લતા મંગેશકર સાથે – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: પ્રદીપ
મુખ્ય કલાકારોના દિલના ભાવને (મોટા ભાગે) શેરી ગીત ગાનારાં કલાકારોનો મોંએથી વ્યકત કરતાં ગીતોનો પ્રકાર હિંદી ફિલ્મોમાં બહુ પ્રચલિત હતો. અહીં પણ રાજેન્દ્ર કુમાર અને કામિની કદમના દિલના ભાવોને જ પર્દા પર ગીત ગાઈ રહેલ યુગલ વાચા આપી રહ્યું છે તે વિષે કોઈ શંકા આપણને નથી રહેતી.
લતા મંગેશકરના સ્વરની નૈસર્ગિક મીઠાશ અને મૃદુતામાં ઉઘડતાં ગીતના મુખડાની સાથે કે અંતરામાં વાદ્ય સંગીતની સાથે ગવાતા આલાપની સાથે મન્ના ડે પણ એટલી સહજતાથી સુર અને ભાવ મેળવતા રહ્યા છે.
ઓ બાબુ ઓ મેમસાબ ક્યા રખા ઈસ તક઼રારમેં, ઝરા તો આંખેં દેખો મિલા કે બડા મઝા હૈ પ્યાર મેં - તલાક઼ (૧૯૫૮) - આશા ભોસલે સાથે – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: પ્રદીપ
રમુજના ભાવમાં રજૂ થયેલાં યુગલ ગીત માટે પણ સી રામચંદ્રની પસંદગી મન્નાડે પર ઉતરેલ છે.
બિગુલ બજ રહા આઝાદી કે નારોંકા - તલાક઼ (૧૯૫૮) - સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: પ્રદીપ
દેશપ્રેમના જોશને રજૂ કરવા માટે મન્ના ડેના સ્વરની પસંદગી સાહજિક હોય એ તો સમજાય છે. પણ જો ધ્યાનથી સાંભળીશું તો એવું લાગશે કે જો ગીતમાં સુરના બહુ મુશ્કેલ ઉતાર ચડાવ ન વણી લેવાયા હોત તો, 'પૈગામ' (૧૯૫૯)માં દૌલતને આજ પસીનેકો લાત હૈ મારી ગીતને જેમ સી રામચંદ્ર એ પોતાના જ સ્વરમાં રજૂ કરવાનું મુનાસિબ માન્યું તેમ આ ગીત પણ પોતે ગાશે તેવી ધારણાથી ગીતની બાંધણી કરવામાં આવેલી જણાય છે.
યે હવા યે નદીકા કિનારા - ઘર સંસાર (૧૯૫૮) - આશા ભોસલે સાથે – સંગીતકાર: રવિ – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
રવિ પણ આ રોમેન્ટીક યુગલ ગીત માટે મન્ના ડે પર જ પોતાની પસંદ ઉતારી રહ્યા છે. અથવા, મોહમ્મદ રફીનો સ્વર તેમણે ફિલ્મમાં જ્હોની વૉકર માટે પ્રયોજ્યો છે એટલે એ સમયે રાજેન્દ્ર કુમાર અભિનિત ફિલ્મોમાં રાજેન્દ્ર કુમારનાં ગીતો મન્નાડે ગાય તે તો સફળતાની સ્વીકૃત ચાવી પણ જણાય છે.
બોલે યે દિલકા ઈશારા, આંખોંને મિલ કે પુકારા - સંતાન (૧૯૫૯) - લતા મંગેશકર સાથે – સંગીતકાર: દત્તારામ – ગીતકાર: હસરત જયપુરી
આનંદ અને દુઃખના ભાવને રજૂ કરતાં, સરળ રોમેન્ટિક, જોડીયાં ગીત - દિલને ઉસે માન લિયા - મુકેશના સ્વરમાં અને પ્રસ્તુત રોમેન્ટિક રમતિયાળ યુગલ ગીત માટે મન્ના ડેના સ્વરને પસંદ કરીને, સફળતાનાં સિધ્ધ થયેલાં સમીકરણને જ અનુસરવાની સલામત નીતિ દત્તારામે અપનાવી હોય એમ લાગે છે.
ન જાને કહાં તુમ થે, ન જાને કહાં હમ થે , જાદુ યે દેખો હમતુમ મિલે હૈં - ઝિંદગી ઔર ખ્વાબ (૧૯૬૧) - સુમન કલ્યાણપુર સાથે – સંગીતકાર: દત્તારામ – ગીતકાર: પ્રદીપ
અહીં પણ દૂઃખના ભાવનું કભી કિસીકી ખુશિયાં કોઈ લૂટે ના મુકેશના સ્વરમાં રેકોર્ડ કરી અને પ્રસ્તુત યુગલ ગીત મન્નાડેના સ્વરમાં વણી લઈને સફળતાની સિધ્ધ થયેલ ચાવીને જ ફરીથી અજમાવી લેવી એ તો સાહજિક શાણપણ છે.
રાજેન્દ્ર કુમારે ગુજરાતી ફિલ્મ 'મહેંદી રંગ લાગ્યો' (૧૯૬૦)માં પણ કામ કર્યું છે. અહીં પણ મન્ના ડેએ તેમના માટે બે ગીત ગાયાં છે.
મહેંદી તે વાવી માળવે એનો રંગ ગયો ગુજરાત રે - મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦)- લતા મંગેશકર સાથે – સંગીતકાર: અવિનાશ વ્યાસ
અવિનાશ વ્યાસે ફિલ્મમાં રાજેન્દ્ર કુમાર દ્વારા અભિનિત એક યુગલ ગીતમાં મોહમ્મદ રફીનો અને બીજામાં મન્નાડેનો સ્વર રાજેન્દ્ર કુમાર માટે કેમ પસંદ કર્યો હશે તે વિષે તો કોઈ માહિતી નથી. પણ બન્ને ગીત સાંભળીએ છીએ તો આપણને બન્ને પાર્શ્વસ્વર રાજેન્દ્ર કુમારની અભિનય શૈલી સાથે બંધ બેસતા જણાય છે.
દરદ એક જ છે કે હું બેદરદ થાતો જાઉં છું - મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦) -સંગીતકાર: અવિનાશ વ્યાસ
હિંદી ફિલ્મમાં જો આ રચના રજૂ થઈ હોત તો મન્નાડેનાં શ્રેષ્ઠ ગીતોમાં સ્થાન મેળવવા માટે તેના તરફ ચાહકો અને વિવેચકોનું ધ્યાન જરૂરથી ખેંચાયું હોત.
અને છેલ્લે,
મેરે ઘરસે પ્યાર કી પાલક઼ી ચલી ગઈ - પાલક઼ી (૧૯૬૭) - મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર સાથે – સંગીતકાર: નૌશાદ – ગીતકાર: શકીલ બદાયુની
આ ગીતમાં મન્નાડેનો સ્વર તો પર્દા પર કોઈ ફકીર માટે પ્રયોજાયો છે. પણ ગીતનાં કેન્દ્રમાં રાજેન્દ્ર કુમાર (અને વહીદા રહેમાન) છે એટલે અહીં તેની નોંધ લેવાનું ઉચિત ગણ્યું છે.
૧૯૬૧ પછીથી રાજેન્દ્ર કુમારનો સિતારો વાદળોમાંથી બહાર અવીને પૂર્ણ પ્રકાશમાં ચમકવા લાગ્યો, પણ નિયતિએ (અને હિંદી ફિલ્મની વ્યાપારિક ગણતરીઓએ) હવે તેમના પાર્શ્વ સ્વર તરીકે મોહમ્મદ રફીને પ્રસ્થાપિત કરી મુક્યા હતા.
મન્ના ડેની કારકીર્દીને ફિલ્મોના પહેલી હરોળના ગણાતા મુખ્ય પુરુષ અભિનેતા માટેનો જ અચુક પાર્શ્વ સ્વર બનવા માટે હજૂ કેટલી વાર કપને હોઠથી આંગળી જેટલું છેટું રહી ગયું તેની દાસ્તાન યાદ કરવાની આપણી યાત્રા હજૂ ચાલુ છે.
No comments:
Post a Comment