Sunday, May 26, 2019

પ્રથમ હરોળના અભિનેતાઓ માટેનાં મન્નાડેનાં ગીતો [૧]

૨૦૧૯નું વર્ષ મન્ના ડેની જન્મ શતાબ્દીનું વર્ષ છે. તેમની યાદને તાજી કરવની જરૂર ભાગ્યે જ કોઈને પડે. પણ હવે પછીના કેટલાક લેખો દ્વારા આપણી તેમની ઓળખને આપણે જૂદા જૂદા દૃષ્ટિકોણથી તેમની ઓળખને જૂદા જૂદા આયામોના સ્તરે વધારે ઘનિષ્ઠ કરવાનો પ્રયાસ કરીશું.
આપણી ચર્ચાને '૭૦ના દાયકાના અંત સુધીનાં વર્ષો પૂરતી આપણે સીમિત રાખીશું.

સત્યજીત રેએ એક વાર કહ્યું હતું કે મોટા ભાગનાં શ્રોતાઓને તેમની પસંદના છ ગાયકો સિવાયનાં ગાયકને સાંભળીને આંચકો લાગશે. તેમણે જે 'છ'નો આંકડો કહ્યો છે તે કદાચ તેમનો અનુભવસિધ્ધ અંદાજ હશે, પણ ગાયક તરીકેની મન્નાડેની કારકીર્દીને સિધ્ધાંત તથાતથ બંધ બેસે છે. ફિલ્મના મુખ્ય પુરુષ પાત્ર માટે ગાયકની પસંદગી કરવાની આવી હોય ત્યારે મન્ના ડે, ખાસ ગાયકની આગવી ભૂમિકા હેઠળ, હંમેશાં, સાતમા ગાયક જ ગણાતા રહ્યા. [1]

મન્ના ડે (મૂળ નામ પ્રબોધ ચંદ્ર ડે જન્મ ૧ મે ૧૯૧૯/\ અવસાન ૨૪ ઓક્ટોબર, ૨૦૧૩)ની શાસ્ત્રીય સંગીતની તાલીમ તેમનાં બાળપણથી જ થઈ હતી. એ તાલીમને કારણે તેઓ તેમનાં પોતાના ગાયનમાં પણ જેટલા સૂરની સર્વોત્કૃષ્ટતાના આગ્રહી રહ્યા તેટલા જ અન્ય પ્રકારોના ગાયન માટેના પ્રયોગો પણ એટલી જ પ્રતિબધ્ધતાથી કરતા રહ્યા. તેઓ એટલી ઊંડાઈ સુધી ગાયક તરીકે નિષ્ઠાવાન હતા કે તેમને પોતાની કારકીર્દીની વ્યાવસાયિક સફળતાના માપદંડનું સ્વાભાવિક આક્રર્ષણ જ નહોતું.

તેમની સર્વતોમુખીતાની સાબિતી તેમણે ૧૬ જેટલી ભાષાઓમાં અલગ પ્રકાર અને ભાવની ગાયેલી રચનાઓ છે. તેમણે ગાયેલ શાસ્ત્રીય રાગ પર આધારિત ગીતો સંગીત વિવેચકોને જેટલાં પસંદ આવ્યાં, એટલાં જ સામાન્ય શ્રોતાઓને પણ ગમ્યાં. તેમણે ગાયનોના જે પ્રકારને સ્પર્શ કર્યો તે પ્રકાર માટે તેઓ ટાઈપકાસ્ટ થઈ ગયા, સિવાય કે ફિલ્મના હીરોના મુખ્ય પાર્શ્વગાયક થવું. તેમણે તેમના સમયના ઘણા મુખ્ય ધારાના પુરુષ અભિનેતાઓ માટે સફળ ગીતો તો ગાયાં, પણ એ હીરો માટેનો એક નક્કી અવાજ રફી કે મુકેશ કે કિશોર કુમાર કે મહેન્દ્ર કપૂર જ ગણાયા. વળી જેમને બી ગ્રેડની ફિલ્મો કહેવાય છે તેવી ફિલ્મોના ઓછાં જાણીતા હીરો માટેનાં તેમનાં ગીતો સફળ તો રહ્યાં પરંતુ વિધાતાની વાંકી દૃષ્ટિને કારણે એ હીરો એ ગીતની સફળતાને સહારે દુરોગામી સફળતા ન પામી શક્યા. એટલે મન્ના ડેના ફાળે સન્માન બહુ જ રહ્યું પણ તે જ સન્માને તેમને 'વિશિષ્ટ' ગાયકનાં સિંહાસનથી નીચે ન આવવા દીધા.

આજના આપણા લેખમાં આપણે મન્નાડે ગાયેલાં તેમના સમયના મુખ્ય ધારાનાં પ્રથમ હરોળના અભિનેતાઓ માટે પાર્શ્વગાયન કરેલાં ગીતોને યાદ કરીશું. આપણો આશય એ ગીતોની સાથે જોડાયેલાં 'કેમ?'ની ચર્ચા કરવાનો નથી, પણ મુખ્ય ધારાના અભિનેતાઓનાં ગીતોના પ્રકારના દૃષ્ટિકોણના સંદર્ભમાં મન્ના ડેનાં જાણીતાં તેમ ઓછાં જાણીતાં ગીતોને એક મંચ પર લાવવાનો છે.

મન્ના ડેના મોટા ભાગના સુજ્ઞ ચાહકોને જાણ જ હશે કે તેમની હિંદી ફિલ્મ ગાયનની કારકીર્દી કે સી ડેનાં સંગીત નિદર્શન હેઠળ તમન્ના (૧૯૪૨)નાં સુરૈયા સાથેનાં યુગલ ગીત જાગો આયી ઊષા પંછી બોલે થી થઈ હતી. ગીતનું ફિલ્માંકન એક ભિક્ષુક અને તેની અનુયાયી બાલિકા પર કરવામાં આવ્યં હતું. ભિક્ષુક માટેનો સ્વર મન્ના ડેનો અને બાલિકા માટે સ્વર ખુદ પણ હજૂ બાલિકા જ હતી એવી સુરૈયાનો હતો. તેમની બીજી ફિલ્મ 'રામ રાજ્ય' (૧૯૪૩)માં તેમણે 'ભજન' પ્રકાર તરીકે ઓળખાતાં ગીતો ગાવાનાં આવ્યાં.

શરૂઆતથી જ આ પ્રકારનું કામ મળતું હતું એ વાસ્તવિકતાની સામે તેમની સાથે જ ઉભરી રહેલા અન્ય સમકાલીન ગાયકોની જેમ તેમને પણ એ સમયના ઉભરતા નવા અભિનેતાઓ માટે પાર્શ્વગાયન કરવાની તક પણ મળવની હતી. હિંદી ફિલ્મ જગતની 'ત્રિમુર્તિ' તરીકે ઓળખાવાના હતા એવા દિલીપ કુમાર, દેવ આનંદ અને રાજ કપૂર પણ જ્યારે પોતાનું સ્થાન જમાવી રહ્યા હતા એ સમયે જ મન્ના ડેને પણ તેમનાં સાન્નિધ્યની તક મળવામાં પણ હવે બહુ સમય નહોતો.

દિલીપ કુમાર માટે

મન્ના ડે અને દિલીપ કુમારનો પહેલો મેળાપ તો દિલીપ કુમારની સૌ પ્રથમ ફિલ્મ 'જ્વાર ભાટા'(૧૯૪૪)માં થયો. પણ એ મેળાપ દિલીપ કુમારના હોઠ પર ગવાતાં ગીતમાં પરિણમી ન શક્યો. ફિલ્મમાં મના ડેના સ્વરમાં અનિલ બિશ્વાસે ભુલા ભટકા પથ હારા મૈં શરણ તુમ્હારી આયા, કહ દો હે ગોપાલ ગીત રેકોર્ડ કર્યું છે. ગીતની બાંધણી બંગાળના સાધુ ભજનિકોની લોક ગીતની બાઉલ શૈલીમાં કરવામાં આવી છે. એટલે ગીત ફિલ્મના નાયક દિલીપ કુમારના ફાળે ગાવાનું આવ્યું હોય તે સંભવ નથી જણાતું. ફિલ્મમાં એક બીજું પુરુષ ગીત શામકી બેલા પંછી અકેલા છે જે અરૂણ કુમાર મુકર્જીના સ્વરમાં છે. આ ગીત ક્યાં તો પર્દા પર અરૂણ કુમારે અથવા તો દિલીપ કુમારે ગાયું હશે. એ પછી આ બન્ને કલાકરો પાર્શ્વગાયનની દૃષ્ટિએ બહુ જ નજદીક આવ્યા હોય એવું ગીત ઈન્સાન કા ઈન્સાન સે હો ભાઈચારા (પૈગામ, ૧૯૫૮; સંગીતકાર સી રામચંદ્ર; ગીતકાર પ્રદીપજી ) કહી શકાય. આ ગીતમાં પર્દા પર કેન્દ્રમાં દિલીપ કુમાર છે અને ગીત બેકગ્રાઉન્ડમાં મન્નાડે એ ગાયું છે.

આ સિવાય મન્નાડે એ દિલીપ કુમાર માટે કોઈ ગીત નથી ગાયું.

દેવ આનંદ માટે

દેવ આનંદ માટે પણ મન્ના ડેએ દેવ આનંદની બહુ જ શરૂઆતની ફિલ્મોથી ગીતો ગાયાં છે. 'આગે બઢો (૧૯૪૭)નું ખુબ જ જાણીતું યુગલ ગીત સાવનકી ઘટાઓ ધીરે ધીરે આના (સંગીતકાર: સુધીર ફડકે – ગીતકાર: અમર વર્મા) દેવ આનંદ અને ખુર્શીદ પર ફિલ્માવાયું છે. હિંદી ફિલ્મ ગીત કોષ અનુસાર પાર્શ્વ ગાયનમાં પુરુષ સ્વર મન્ના ડે અને સ્ત્રી સ્વર સ્વયં ખુર્શીદનો છે.
આડવાત :
જોકે મોહમ્મદ રફીના ચાહકો બહુ દૃઢપણે માને છે કે હિંદી ફિલ્મ ગીત કોષની અહીં ભૂલ જ હોવી જોઇએ કેમકે આ સ્વર તો મોહમ્મદ રફીનો જ છે.
તે પછીનાં જ વર્ષમાં ફરીથી, હવે કોઈ જ બેમત ન હોય તે રીતે, મન્ના ડેએ દેવ આનંદ માટે પાર્શ્વ ગાયન કર્યું. ‘હમ ભી ઇન્સાન હૈ’ (સંગીતકાર એચ પી દાસ, સહાયક મન્ના ડે; ગીતકાર જી એસ નેપલી)માં દેવ આનંદ બાળકો માટેની કોઈ સંસ્થા માટે પ્રાર્થના સ્વરૂપે હમ તેરે હૈ હમકો ન ઠુકરાના ઓ ભારત કે ભગવાન ચલે આના ગાય છે.

ફિલ્મનાં બીજાં, એક ભાગ ૧ અને ભાગ ૨માં ગવાયેલ, ગીત ઓ ઘર ઘર કે દિયે બુઝાકર બને હુએ ધનવાનમાં સમાજવાદનો આદર્શ વણી લેવાયો છે.


પરંતુ એ પછીની તરતની ફિલ્મોમાં દેવ આનંદનાં ગીતો મુકેશે ગાયા. દેવ આનંદ માટે ફરીથી મન્નાડેનો સ્વર 'અમર દીપ' (૧૯૫૮)માં સી રામચંદ્રએ ઉપયોગમાં લીધો. 'ઇસ જહાં કા પ્યાર જૂઠા (ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ) ત્રિપુટી નૃત્ય ગીત્ છે. ગીતનો પહેલો અંતરો જ્હોની વૉકર માટે મોહમ્મદ રફી ગાય છે. બીજા અંતરામાં નાચતા આવતા દેવ આનંદ માટે @૩.૪૭ મન્નાડે બુલંદ આલાપથી પાર્શ્વસંગત કરે છે અને પડકારભર્યા સ્વરમાં ગાયન ઉપાડે છે - અબ કહાં વો પહેલે જૈસે દિલબરી કે રંગ….
આડવાત :
'અમર દીપ'માં એક જોડીયાં વર્ઝનવાળુ યુગલ ગીત દેખ હમેં આવાઝ ન દેના હતું. ફિલ્મમાં આ ગીત મુખ્ય કલાકાર બેલડી દેવ આનંદ અને વૈજયંતિમાલા પર ફિલ્માવાયું હતું. મોહમ્મ્દ રફીનો સ્વર દેવ આનંદમાટે પાર્શ્વગાયકની ભૂમિકા છે.
 ફિલ્મમાં બીજું એક સૉલો ગીત - લેને કો તૈયાર નહીં દેને કો તૈયાર નહીં- પણ દેવ આનંદ પર ફિલ્માવાયું હતું, જે પણ મોહમ્મદ રફીના સ્વરમાં છે.
એ પછી મન્નાડેને દેવ આનંદનાં ગીતો ગાવાની તક એસ ડી બર્મને ૧૯૬૦માં રચેલાં ગીતો તક ધુમ તક ધુમ બાજે (બંબઈ કા બાબુ), સાંજ ઢલી દિલકી લગી થક ચલી પુકારકે (કાલા બાઝાર; આશા ભોસલે સાથે); ચાંદ ઔર મૈં ઔર તુ, અયે કાશ ચલતે મિલ કે (આશા ભોસલે સાથે), હમદમ સે મિલે હમ દમ સે ગયે અને અબ કિસે પતા કલ હો ન હો (મંઝિલ)માં મળી.

આ ગીતો રોમેન્ટીક ભાવનાં જરૂર હતાં, પણ એ દરેક ફિલ્મમાં મન્ના ડેની પસંદ પેલા 'સાતમા' ખેલાડી તરીકે જ થઈ હતી.

૧૯૬૨માં જયદેવે દેવ આનંદે પર્દા પર ગાયેલું, મન્ના ડેનાં શ્રેષ્ઠ ગીતોમાં માન ભર્યું સ્થાન મેળવતું ગીત, ચલે જા રહે હૈ કિનારે કિનારે (કિનારે કિનારે, ગીતકાર: ન્યાય શર્મા) રેકોર્ડ કર્યું, જે મન્ના ડેની કિનારે જ કાયમ રહેલી કારકીર્દીને જાણે વાચા આપતું હતું.

રાજ કપુર માટે

મન્ના ડેને રાજ કપુર માટે સર્વપ્રથમ વાર પાર્શ્વગાયન કરવાની તક આર કેની ૧૯૫૧ની ફિલ્મ 'આવારા'માં મળી. ફિલ્મમાં સ્વપ્ન-નૃત્ય ગીત તરીકે ફિલ્માયેલાં તેરે બિના આગ યે ચાંદની…. ઘર આયા મેરા પરદેસીમાં દુનિયાથી ત્રસ્ત નાયકના સ્વરને પાર્શ્વવાચા મન્ના ડેના સ્વરમાં આપવામાં આવી. એ પછી મન્ના ડે - રાજ કપુર- શકર જયકિશનનાં સંયોજને આર કેની ફિલ્મોમાં તેમ જ તે સિવાયની ફિલ્મોમાં મન્ના ડેના સ્વરમાં ખુબ જ લોકપ્રિય થયેલાં રોમેન્ટીક ગીતો સહિત એટલાં ગીતો રચ્યાં છે કે તેને આવરી લેવા માટે લેખોની અલગ શ્રેણી કરવી જોઈશે.

અન્ય સંગીતકારોએ પણ રાજ કપુરમાટે મન્ના ડેના સ્વરનો બહુ જ સફળતાપૂર્વક કર્યો છે.

અહીં આપણે બે એક પ્રતિનિધિ ગીતોની નોંધ લઈશું.

દુનિયાને તો મુઝકો છોડ દિયા, ખૂબ કિયા અરે ખૂબ કિયા = શારદા (૧૯૫૭) – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

હસ કર હસા મસ્તીમે ગા, કલ હોગા ક્યા હો ગા ક્યા ભૂલ જા - બહુરૂપિયા (૧૯૬૪, રીલીઝ નથી થયેલ) – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: શલેન્દ્ર

યોગનુયોગ હિંદી ફિલ્મની આ ત્રિમૂર્તિનાં શરૂઆતનાં વર્ષો મન્ના ડેની પણ કારકીર્દીનાં શરૂઆતનાં વર્ષો હતાં. એટલે હવે પછીનો લેખ પણ મન્ના ડેની કારકીર્દીની સમાંતર જ ચલાવીશું.

'૫૦ પહેલાં હિંદી ફિલ્મોમાં દાખલ થયેલ આ ત્રિમૂર્તિ સિવાયના એવા કોઈ પ્રથમ હરોળના મુખ્ય અભિનેતાઓ યાદ નથી આવતા જેના માટે મન્ના ડેનો સ્વર પાર્શ્વગાયક તરીકે વ્યાપક પણે ઉપયોગમાં લેવાયો હોય, સિવાય કે અશોક કુમાર માટે.

અશોક કુમાર અને મન્ના ડેનો પહેલો મેળાપ 'મશાલ' (૧૯૫૦)માં થયો. મન્નાડેની, અને એસ ડી બર્મનની પણ, કારકીર્દીને પ્રબળ પ્રવેગ આપનાર ફિલ્મમાંનાં ગીત ઉપર ગગન વિશાલ મહદ અંશે બેકગ્રાઉન્ડમાં ગવાય છે. છેલ્લે પર્દા પર જે ગાયક બતાવાય છે તે ગાડીવાન છે અને અશોક કુમાર ગીતના ભાવને સમજવા/ માણવા માગતા શ્રોતા છે.

એ પછીથી '૫૦ના દશકમાં અશોક કુમાર મુખ્ય અભિનેતા હોય એવી ફિલ્મો આવતી રહી, પણ તેમાં મોટા ભાગે અશોક કુમારની ભૂમિકા રોમેંટીક પાત્રની નહોતી. આ સંજોગોમાં અશોક કુમારનાં જે ગીતો મન્ના ડે ગાયાં છે તે બહુ રસપ્રદ કહી શકાય એવાં છે.

છુપ્પા છુપ્પી આગડ બાગડ જાએ રે - સવેરા (૧૯૫૮) - લતા મંગેશકર સાથે – સંગીતકાર: શૈલેશ મુખર્જી – ગીતકાર: શૈલેન્દ્ર

ગીત મુખ્યત્વે બાળકોને ઉદ્દેશીને ગવાયું છે.

ફિલ્મમાં મન્ના ડેનું એક બીજું સૉલો ગીત છે - જીવન કે રાસ્તે હજ઼ાર - જે ફિલ્માવાયું છે અશોક કુમાર પર, પણ મૂળ્તઃ બેકગ્રાઉન્ડમાં ગવાતું ગીત છે.

આ જ વર્ષમાં અશોક કુમારે મન્ના ડેના સ્વરમાં ગવાયેલું બાબુ સમજો ઈશારે (ચલતી કા નામ ગાડી, સંગીતકાર એસ ડી બર્મન, ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી) પણ ગાયું, જેમાં મન્ના ડે કિશોર કુમારની બધી જ હરકતોની સામે એટલી જ સહજતાથી સુર મેળવી આપે છે.

મન્ના ડે એ અશોક કુમાર માટે શાસ્ત્રીય થાટ પર આધારિત કૉમેડી ગીત પણ ગાયું છે.

જા રે બેઈમાન તુઝે જાન લિયા જાન લિયા - પ્રાઈવેટ સેક્રેટરી (૧૯૬૨) - સંગીતકાર દિલીપ ધોળકિયા ગીતકાર પ્રેમ ધવન

આ પ્રકારનાં ગીત માટે મન્ના ડે એટલી હદે ટાઈપકાસ્ટ કેમ મનાવા લાગ્યા હશે તેની પાછળનાં કારણો આવાં સફળ ગીતો રહ્યાં હશે.

૧૯૬૩માં મન્ના ડે એ અશોક કુમાર માટે તેમનાં શ્રેષ્ઠતમ ગીતોમાં સ્થાન પામતાં ગીતોમાંનું પૂછો ન કૈસે મૈંને રૈન બીતાઈ (મેરી સુરત તેરી આંખેં, ૧૯૬૩; સંગીતકાર: એસ ડી બર્મન; ગીતકાર: શૈલેન્દ્ર) ગાયું.
આહિર ભૈરવ રાગ પર આધારિત ગીતે મન્ના ડેને ચીરસ્મરણીય પ્રતિષ્ઠા જરૂર અપાવી, પણ સોનાની થાળીમાં મેખના ન્યાય જેવાં અશોક કુમાર પર ફિલ્માવાયેલાં નાચે મન મોરા મગન તિકરી ધીગી ધીગી (ગાય્ક મોહમ્મદ રફી) ગીત પણ તેમની કારકીર્દીની વાસ્તવિકતા છે.

એ પછી છેક ૧૯૭૭માં ફરી એક વાર મન્ના ડેએ ફિલ્મ 'અનુરોધ' (સંગીતકાર: લક્ષ્મીકાંત પ્યારેલાલ, ગીતકાર: આનંદ બક્ષી) નાં ગીત - તુમ બેસહારા હો તો - અશોક કુમાર માટે સીધું પાર્શ્વ ગાયન કર્યું.

ગીતનું પહેલું વર્ઝન આનંદના ભાવનું છે જેમાં અશોક કુમાર બાળકો સાથે રમતાં રમતામ ગીત દ્વારા જીવનનો સંદેશ સમજાવે છે.
બીજો ભાગ બળકોની સામે પ્રાર્થનાના રૂપે છે જેને કારણે ફિલ્મના મુખ્ય અભિનેતા, વિનોદ મહેરા,ને પણ પોતાની પરિસ્થિતિનો સામનો કરવાની આશા જન્મે છે.

હવે પછીના હપ્તામાં આપણે '૫૦ના દાયકામાં જ હિંદી સિનેમામાં પદાર્પણ કરેલ 'નવી પેઢી'ના મુખ્ય ધારાના અભિનેતાઓ માટે મન્ના ડે એ ગાયેલાં ગીતોને યાદ કરીશું.

[1] On Manna Dey’s 100th Birth Anniversary, a Look Back at His Journey

No comments: