મદન મોહન અને મોહમ્મદ રફીનાં સોલો ગીતોઃ વર્ષ ૧૯૫૭ થી ૧૯૫૯
મદન મોહન (મૂળ નામ: મદન મોહન કોહલી) - જન્મ ૨૫ જૂન ૧૯૨૪ (બગદાદ બ્રિટિશ ઈરાક઼) । અવસાનઃ ૧૪ જુલાઈ, ૧૯૭૫ (મુંબઈ, મહારાષ્ટ્ર) – નું હિંદી ફિલ્મોમાં સ્વતંત્ર સંગીતકાર તરીકે પદાર્પણ આંખેં (૧૯૫૦) થી થયું. તેમાં એમણે એક ગીત મોહમ્મદ રફી પાસે પણ ગવડાવ્યું, જે સંગીતકાર અને પાર્શ્વગાયક તરીકેના બન્ને વચ્ચેના સંબંધોની પાયાની પહેલી ઈંટ બની રહ્યું.
મદન મોહન પ્રકૃતિદત્ત સંગીતકાર હતા. ગીતના બોલ અને ભાવની
આસપાસ તેઓ તેમની ધુનની બાંધણી કરે અને પછી ગાયકના સુરને એ ભાવ વ્યક્ત કરવા દે.
વાદ્યસંગીતની ભૂમિકા આ બધાંને પૂરક જ રહે. તેઓએ જે ગાયકની પસંદગી કરી હોય એ ગાયકની
ગાયકીને અનુરૂપ તેઓ ધુનની બાંધની કરતા કે ગાયક પાસે ધુનની માંગ અનુસાર ગાવાનો
આગ્રહ રાખતા એ વિશે ખાસ જાણવા નથી મળતું. પરંતુ તેમનાં દરેક ગીતો સંગીતના બધાં જ
પાસાંની ઉત્તમ ગોઠવણીથી સજ્જ રહેતાં એ વિશે કોઈ શક ન હોઈ શકે.
આપણી આ નવી શ્રેણીમાં આપણે મદન મોહન રચિત મોહમ્મદ રફીનાં ગીતો પર ધ્યાન કેન્દ્રિત કરીશું.
મદન મોહન અને મોહમ્મદ રફીનાં ગીતોની યાદો તાજી કરવાના
ઉપક્રમની શરૂઆત આપણે સૉલો ગીતોથી કરી. આપણી પાસે આવાં સોલો ગીતોની સંખ્યા લગભગ
૧૦૦થી થોડી વધુ છે, અને પહેલાં ઉલ્લેખ કર્યો છે તેવાં રીલીઝ
ન થયેલાં ગીતો સિવાયનાં બીજાં છએક ગીતો પણ છે.
વર્ષ ૧૯૫૭ થી ૧૯૫૯નાં ગીતો ૨૦૨૪માં
આપણે સાંભળી ચુક્યાં
આજના અંકમાં આપણે મદન મોહન અને
મોહમ્મદ રફીના વર્ષ ૧૯૫૭ થી ૧૯૫૯ના સૉલો ગીતો સાંભળીશું. આ
તબક્કામાં પણ તુઝે ક્યા સુનાઉં મૈં દિલરૂબા (આખરી દાવ, ૧૯૫૮ - ગીતકારળ
મજરૂહ સુલ્તાનપુરી) સદાબહાર ગીતોમાં સ્થાન મેળવી ચુંક્યું છે.
ચલ મેરે ઉડન ખટોલે
ઉડતા જા તૂ હોલે હોલે - ગેટવે ઑફ ઈન્ડીયા (૧૯૫૭) - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ
એ સમયમાં ચીની ધુન
તરીકે પ્રખ્યાત ગીત પ્રકાર પર ગીતો બનતાં. પ્રસ્તુત ગીત પણ એ જ ઢાળમાં રજુ કરાયું
છે.
હમ અભી આતા તુમ અભી
જાતા આંખ મિલા કે દિલ તડપા કે તુ અભી જાતા- ગેટવે ઑફ ઈન્ડીયા (૧૯૫૭) - ગીતકારઃ
રાજેન્દ્ર કૃષ્ણ
અનોખે બોલ અને
વાયોલિન સમુહનાં અનોખાં મિશ્રણની ભાત ગીતને આકર્ષક બનાવી રહે છે.
અગર તેરી દુનિયામેં ગમ રહેંગે - શેરૂ (૧૯૫૭) - ગીતકારઃ કૈફ ઈરાની
ઇશ્વરને ફરિયાદ
કરતાં ગીતોનો પણ એક આગવો પ્રકાર હતો. મોહમ્મદ રફી ગીતનો ઉપાડ એક્દમ ઉંચા સુરમાં
કરે, જાણે
ઊંચે આકાશમાં બેઠેલા ઈશ્વર સુધી એ રાવ પહંચાડવાની હોય ! એ પછી ગીત મધ્ય કે તેથી
થોડા નીચા સુરમાં સરીને ફરિયાદોની વ્યથા કહેવા લાગી જાય !
ઓ માટી કે પુતલે ઈતના ન કર ગુમાન - શેરૂ (૧૯૫૭) - ગીતકારઃ કૈફ ઈરાની
આ ગીત એના સમયમાં ખુબ પ્રચલિત થયું હતું.
અરે ઓ બન ઠનકે આયા તેરે દ્વારે ગોરી એક મનબસીયા હો તેરા રસીયા - શેરૂ (૧૯૫૭) - ગીતકારઃ કૈફ ઈરાની
ડમરૂ કે રાવણહથ્થા
જેવાંં વાદ્યથી ગીતનો ઉપાડ થાય અને જોગી પરમાત્માની ખોજમાં ગીત ગાતો નીકળી પડે એવા
ભાવની પાછળ પ્રેમી પોતાની પ્રેમિકાની ખોજ કરે એવી યોજનાઓ પર પણ હિંદી ફિલ્મોમાં
બહુ ગીતો બન્યાં છે.
ઈધર તો હાથ લા પ્યારે દીખાઉં દિન કો ભી તારે - આખરી દાવ (૧૯૫૮) - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી
મદન મોહનને જ્હોની
વૉકર માટેનાં ગીતોની પણ સારી ફાવટ આવી ગઈ છે !
બડા હી સીઆઈડી હૈ વો નીલી છત્રીવાલા - ચંદન (૧૯૫૮) - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ
પરદા પર ગીત જ્હોની વૉકર ગાતા એ હશે સહેજે કલ્પી શકાય તેવી રચનામાં પણ મદન મોહન નવી ભાત પાડે છે. ગાવામાં મુશ્કેલ ગીત હોવા છતાં એના સમયમાં રેડીયો સિલોન પર આ ગીતનો દબદબો હતો.
માલિક મૈં પુછતા હુંં ..... બતા મુઝે ઓ જહાં કે માલિક યે ક્યા નઝારે દીખા રહા હૈ - એક શોલા (૧૯૫૮) - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી
ઈશ્વરને ફરિયાદનું
એક વધુ ગીત !
હસીનો સંભાલો યે અપની દુનિયા - ખોટા પૈસા (૧૯૫૮) - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ
જ્હોની વૉકર
માટેનાં ગીત માટે મદન મોહન હજુ એક નવી ભાત પાડે છે.
બોલ બોલ માય લીટલ લવ - બાપ બેટે (૧૯૫૯) - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ
મદન મોહનની છાપ
નકલખોરની નહીં, પણ
અહી તો તેમણે પૉલ એન્કા ડાયનાનાં ગીત I’m so young
and you’re so old ની બેઠી નકલ કરી છે.
આડવાત :
પૉલ એન્કાનાં ગીતની
બીજી બેઠી નકલ કૌન યે આયા
મેહફિલમેં (દિલ દેકે દેખો, ૧૯૫૯)માં ઉષા ખન્નાએ પણ કરી છે.
હક઼ માંગતે હૈ પને
પસીનોંકા .... અધિકાર હમેંભી હૈ જીને કા - બાપ બેટે (૧૯૫૯) - ગીતકારઃ રાજેન્દ્ર
કૃષ્ણ
મજદુરોના હક માટે
અવાજ ઉઠાવતાં ગીતોનો પ્રકારની પણ સમાજવાદના એ સમયમાં ખાસ જગ્યા હતી. આ પ્રકારનાં
ગીતો પૈકી ઘણાં ગીતો ગીતની ભાવુક અસર અને ગીતની પોતાની ગુણવત્તાને કારણે ખાસ્સાં
લોકપ્રિય પણ બનતાં.
સાયકલ રેલીનું
માધ્યમ પણ એક ખાસ મહત્વ ધરાવતી !
સોચને કો લાખ બાતેં સોચે ઇન્સાન હોગી વહી પૂરી જિસે ચાહે ભગવાન - બાપ બેટે (૧૯૫૯) - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ
વાત વણસી પડે
ત્યારે ઈશ્વરને ભરોસે મુકી દેવી એ ભાવના હિંદુ માન્યતાનું બહુ જાણીતું પાસું છે. એ
ભાવ પર હિંદી ફિલ્મોમાં ગીતો પણ બહુ બન્યાં છે.
ઊંચે ઊંચે મેહલોંવાલે બન બૈઠે ભગવાન - જાગીર (૧૯૫૯) - ગીતકારઃ રાજા મેંહદી અલી ખાન
ધનવાનો અને ગરીબો
વચ્ચેની ખાઈને પણ ગરીબના સ્વરમાં ગીત સ્વરૂપે મુકવાનું ચલણ બહુ લોકપ્રિય બનતું.
મદન મોહન - મોહમ્મ રફીના સહયોગમાં '૬૦ના દાયકામાં કેવા ફેરફારો થયા તે હવે પછીના અંકોમાં જોઈશું.
આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને
નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.
નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના
મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી,
સાભાર, લીધેલ છે.