Sunday, July 10, 2022

વિસરાતી યાદો…સદા યાદ રહેતાં ગીતો : જુલાઈ, ૨૦૨૨

સંગીતકાર સાથેનું મોહમ્મદ રફીનું સૌપ્રથમ યુગલ ગીત  : બીજો પંચવર્ષીય સમયખંડ : ૧૯૪૯થી ૧૯૫૩ - ૧૯૪૯ ભાગ [૧]

હિંદી ફિલ્મ સંગીતનાં સુવર્ણ યુગનાં બે પ્રમુખ ગાયકો, લતા મંગેશકર  અને મોહમ્મદ રફી,ની મુખ્ય મંચ પર સ્થાન પામતાં જવાની ક્રિયા જે રીતે ૧૯૪૯માં હનુમાન કુદકો મારતી જણાવા લાગી તેને પરિણામે હિંદી ફિલ્મ સંગીતના મોટા ભાગના ઇતિહાસકારો ૧૯૪૯નાં વર્ષને તવારીખનું મહત્ત્વનું સંક્રાંતિ સોપાન ગણે છે.  માત્ર યુગલ ગીતોનાં પરિમાણને જ ગણતરીમાં લઈએ તો પણ સુવર્ણ યુગના અગ્રણી સંગીતકારો સાથેનાં મોહમ્મદ રફીનાં યુગલ ગીતોની સંખ્યા જે રીતે વધી ગઈ છે તે જોતાં મોહમ્મદ રફીના કિસ્સા પુરતી આ  પૂર્વધારણાની સાબિતી ૧૯૪૯-૧૯૫૩ના બીજા સમયખંડનાં ૧૯૪૯નાં વર્ષમાં જ મળી જતી જોવા મળે છે.

આપણે તો મોહમ્મદ રફીની જન્મ અને અવસાન જયંતિઓની યાદોને અંજલિ આપવા માટે મોહમ્મદ રફીનાં કોઈ પણ સંગીતકાર સાથેનાં પહેલવહેલાં યુગલ ગીતને યાદ કરવાનો ઉપક્રમ કરી રહ્યાં છીએ. તે અનુસાર આ પહેલાં આપણે ૨૦૨૧માં ૧૯૪૪થી ૧૯૪૮નાં વર્ષોના પ્રથમ સમયખંડને આવરી ચૂક્યાં છીએ. આ શ્રેણીમાં મોહમ્મદ રફીનાં અન્ય ગાયિકાઓ સાથેનાં યુગલ ગીતો ઉપરાંત અન્ય ગાયકો સાથેનાં યુગલ ગીતો ઉપરાંત ત્રિપુટી કે તેથી વધારે ગાયકો સાથેનાં એ સંગીતકાર સાથે ગવાયેલાં ગીતોને પણ આ શ્રેણીમાં સ્થાન આપેલ છે.

આપણે હવે આ શ્રેણી માટે ૧૯૪૯થી ૧૯૫૩નાં વર્ષોના બીજા પંચવર્ષીય સમયખંડ પર પર આપણું ધ્યાન આપીશું.

૧૯૪૯

૧૯૪૯માં મોહમ્મદ રફીનાં યુગલ ગીતોની સંખ્યા તેમનાં સૉલો ગીતો કરતાં લગભગ બમણી કહી શકાય તેટલી છે. એ યુગલ ગીતોમાંથી વસંત દેસાઈ અને અઝીઝ હિન્દી એમ સંગીતકારો સાથેનાં ૧૯૪૯નાં યુગલ ગીતો ઇન્ટરનેટ પર પ્રાપ્ય નથી જણાતાં, તો પણ ૧૪ સંગીતકારો સાથેનાં યુગલ ગીતોને તો આપણે અહીં આવરી લીધાં છે.

તો આટલા બધાં સંગીતકારોનાં માત્ર પહેલી જ ફિલ્મ સાથે થયેલાં યુગલ ગીતોને સારી રીતે માણી શકવા માટે આપણે ૧૯૪૯નાં મોહમમ્દ રફીનાં જુદા જુદા સંગીતકારો સાથેનાં પ્રથમ યુગલ ગીતને બે મણકામાં વહેંચી નાખ્યાં છે.

નૌશાદે મોહમ્મદ રફી સાથે પહેલવહેલાં યુગલ ગીતો ૧૯૪૪ની ફિલ્મ 'પહેલે આપ'માં રેકાર્ડ કરયાં હતાં તે તો આપણે અગાઉ જોઈ ચુક્યાં છીએ. પરંતુ આ બન્ને યુગલ ગીતો પુરુષ પુરુષ ગીતો હતાં. સ્ત્રી-પુરુષ યુગલ ગીત માટે મોહમ્મદ રફીનો ઉપયોગ નૌશાદ છેક હવે ૧૯૪૯માં કરી રહ્યા છે.

અહીં પણ હજુ 'અંદાઝ'માં તો ફિલ્મના પ્રણય ત્રિકોણનાં મુખ્ય કહી શકાય એવાં પાત્ર દિલીપ કુમાર માટે તો મોહમ્મદ રફી પાર્શ્વ  સ્વર તરીકે પસંદગી નથી જ પામ્યા. મોહમ્મદ રફીને ફાળે બે  યુગલ ગીતો આવ્યાં  જે પૈકી લતા મંગેશકર સાથેનું યું તો આપસમેં બિગડતે હૈં ખફા હોતે હૈં ફિલ્મમાં આવરી લેવાયું પણ ધારી અસર ન કરી શક્યું. બીજું યુગલ ગીત

સુન લો દિલકા અફસાના હો ઓ ઓ દુનિયા દિલકી બસાકે ભુલ ન જાના - અંદાઝ - લતા મંગેશકર સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

ફિલ્મમાં સમાવેશ ન પામ્યું, એટલે શ્રોતાઓની નજરમાંથી ખસી ગયું.

૧૯૪૯માં નૌશાદે બીજી બે ફિલ્મો 'ચાંદની રાત' અને 'દુલારી' માટે પણ સંગીત આપ્યું. આ બન્ને ફિલ્મોમાં તેમણે મોહમ્મદ રફીને મુખ્ય પુરુષ ગાયક તરીકે અજમાવ્યા. 'ચાંદની રાત'નાં શમશાદ બેગમ સાથેનાં ત્રણ યુગલ ગીતો - છીન કે દિલ ક્યું ફેર લી આંખેં, કૈસે બજે દિલકી સિતાર અને ખબર ક્યાથી કી ગમ ઉઠાના પડેગા - માંથી પહેલાં બે ગીતો તો બહુ ઉપડ્યાં હતાં. 'દુલારી'માં નૌશાદે મોહમ્મદ રફી અને લતા મંગેશકરને બે યુગલ ગીતો - મિલ મિલકે ગાયેંગે દો દિલ યહાં અને રાત રંગીલી મસ્ત નઝારે, ગીત સુનાયેં ચાંદ સિતારે - માટે પસંદ કર્યાં, અને બન્ને યુગલ ગીતો ખુબ લોકપ્રિય પણ થયાં.

હુસ્નલાલ ભગતરામે તો મોહમ્મદ રફી માટે ૧૯૪૯માં અહીં રજુ કરેલાં યુગલ ગીત ઉપરાંત પાંચ યુગલ ગીતો અને પાંચ ત્રિપુટી ગીતોની કતાર ખડી કરી નાખી હતી. આટલી વિશાળ પસંદગીની શ્રેણીમાંથી સુરૈયા સાથેનું એક યુગલ ગીત અને લતા મંગેશકર અને ગીતા દત્ત સાથેનું એક ત્રિપુટી ગીત એટલા સારુ પસંદ કર્યાં કે આ સમગ્ર મણકામાં આપણને રફી સાથે વિવિધ ગાયકો એ વિવિધ સીચ્યુએસન માટે ગાયેલાં ગીતો સાંભળવાનો લહાવો મળે.

આતા હૈ ઝિંદગીમેં ભલા પ્યાર કિસ તરહા - બાલમ - સુરૈયા સાથે – ગીતકાર: ક઼મર જલાલાબાદી

આ ગીત મેં અહીં પહેલી જ વાર સાંભળ્યું અને વિન્ટેજ એરાની ઘણી અસરો હોવા છતાં સાંભળતાં વેંત ગમ્યું પણ ખરું. આમ થવાનું મુખ્ય કારણ કદાચ એ હશે કે '૫૦ના દાયકાં જે રફીને આપણે સાંભળ્યા છે તે જ અહીં સાંભળવા મળે છે અને સુરૈયા તો હંમેશાં આટલાં જ સુમધુર હોય છે ને!

હુસ્નલાલ ભગતરામે સુરૈયા સાથે મોહમ્મદ રફીનાં બીજાં બે યુગલ ગીતો - અય ઈશ્ક હમેં બરબાદ ન કર (ગીતકાર: શર્શાર સૈલાની) અને છાયા સમા સુહાના (ગીતકાર: કૈફ ઈર્ફાની) -'નાચ' (૧૯૪૯)માટે રચ્યાં. મોહમ્મદ રફી સાથેનું લતા મંગેશકરનું એક યુગલ ગીત - ઝરા તુમને દેખા તો પ્યાર હો ગયા (ગીતકાર: કૈફ ઈર્ફાની) અને શમશાદ બેગમ સાથે બીજું એક યુગલ ગીત - મુસાફિર સદા ગીત ગાતા ચલ (ગીતકાર: સુદર્શન ફ઼ાકિર) 'જલતરંગ' માટે પણ રચ્યાં.

અને હવે ત્રિપુટી ગીતો

લબ પે ફરિયાદ હૈ દિલ બરબાદ હૈ - નાચ - લતા મંગેશકર , ગીતા દત્ત સાથે – ગીતકાર: મુલ્ક રાજ ભાખરી

ગીતનો હીરો જે વિચારોમાં ખોવાયેલો છે છે તે બે ગાયિકાઓના સ્વરમાં રજુ થાય છે ! હિંદી ફિલ્મોનાં શેરી નૂત્યોનાં કલાકારોને ફિલ્મનાં મુખ્ય પાત્રના વિચારોને વાંચી લેવાની કોઈ અદ્‍ભૂત ઈશ્વરીય બક્ષિસ મળેલી હોય છે, જેવું કે  પ્રસ્તુત ગીતમાં થતું જણાઈ રહ્યું છે. નૃત્ય કરતી ગાયિકાઓ હીરોના મનમાં ઘુમરાતા વિરહના ગમના વિચારોને અદ્દ્લ વાંચીને એક જ પંક્તિમાં રજુ કરી દે છે. કદાચ તેનાથી પ્રેરણા લઈને હીરો પણ પોતાનાં મનની વાત વ્યક્ત કરીને હળવો થતો હશે !

મને યાદ આવે છે કે આ ગીત પણ એ '૬૦ના વર્ષોમાં રેડિયો પર બહુ સાંભળવા મળતું. ગીતના અંતમાં રફી આર્તનાદને ઊંચા સ્વરમાં રજૂ કરે છે ! પરદા પર ગીત શી રીતે રજુ કરાયું હશે તે જાણવા મળે તો તો ગીતનો સંદર્ભ સમજી પણ શકાય.

આ જ ફિલ્મમાં બીજાં બે ત્રિપુટી ગીતો હતાં - ક્યું કરતા માન જવાની કા (લતા મંગેશકર અને ગીતા દત્ત સાથે; ગીતકાર: મુલ્ક રાજ ભાખરી) અને નમસ્તે જી નમસ્તે જી હમારા તુમ્હારા જીવન બીતે હંસતે હંસતે (શમશાદ બેગમ અને ઝોહરાબાઈ અંબાલેવાલી; ગીતકાર: નઝીમ પાનીપતી)

'હમારા સંસાર'નાં બે ત્રિપુટી ગીતો પૈકી બદલા હુઆ દુનિયામેં ઉલ્ફત કા ઝમાના હૈ, વો ઔર ઝમાના થા યે ઔર ઝમાના હૈ માટે હિંદી ફિલ્મ ગીત કોશ મોહમ્મદ રફી, લતા મંગેશકર અને સાથીઓ નિર્દિષ્ટ કરે છે અને અંધેરે સે ન ડર કાંટે બનેગી કલિયાં માટે મોહમ્મદ રફી, ગીતા દત્ત અને અન્ય સ્વર જણાવે છે, જ્યારે બન્ને ગીતોમાં યુટ્યુબ પર એસ ડી બાતિશનો ત્રીજા ગાયક તરીકે ઉલ્લેખ છે.

શ્યામ સુંદરને મોહમ્મદ રફી પાસે  હિંદી ફિલ્મોનું તેમનું પહેલવહેલું, ગાંવકી ગોરી (૧૯૪૫) માટેનું, ત્રિપુટી, ગીત ગવડાવવાનું શ્રેય આપવામાં આવે છે. હવે ૧૯૪૯નાં વર્ષમાં શ્યામ સુંદર મોહમ્મદ રફી માટે 'બાઝાર'માં લતા મંગેશકર સાથે બે ખુબ ઉત્કૃષ્ટ યુગલ ગીતો અને શમશાદ બેગમ અને સતિશ બાત્રા સાથે એક ત્રિપુટી  ગીત - છલ્લા દે જા નિશાની તેરી મહેરબાની (ગીતકાર: ક઼મર જલાલાબાદી) રચે છે.

અય મોહબ્બત ઉનસે મિલને કા બહાના બન ગયા - બાઝાર – ગીતકાર: ક઼મર જલાલાબાદી

રફી અને લતાના સ્વરોનાં સુયોગ્ય સંયોજનથી ઓપતું આ યુગલ ગીત અને ફિલ્મનું તેમના જ સ્વરોમાં ગવાયેલું બીજું યુગલ ગીત અપની નઝર સે દૂર વોહ હિંદી ફિલ્મોનાં શ્રેષ્ઠ યુગલ ગીતોમાં અગ્રણી હરોળમાં સ્થાન મેળવી રહ્યાં છે.

હાયે યે ભોલી સુરતવાલે - ચાર દિન - એસ ડી બાતિશ, ઈક઼્બાલ, રાજકુમારી, લતા મંગેશકર, ઝોહરાબાઈ અંબાલેવાલી – ગીતકાર: શકીલ બદાયુની

છ છ ગાયકોને અજમાવતું સમુહ ગીત હિંદી ફિલ્મોમાં સામાન્યપણે કવ્વાલી ગીત જ હોય છે.


હનુમાન પ્રસાદ વિન્ટેજ એરાના એક ગણમાન્ય સંગીતકાર છે.

જલે જલાનેવાલે હમકો જૈસે મોમબત્તી - ચિલમન - મુકેશ સાથે – ગીતકાર: પી એલ સંતોષી

પોતાની જીવનશૈલીની દુનિયાની ટીકાટીપ્પણીઓને બે મિત્રો હસવામાં કાઢી નાખે છે.



કેવો સ-રસ યોગાનુયોગ છે કે આ વર્ષમાં જ મુકેશ અને મોહમ્મદ રફીનું એક બીજું યુગલ ગીત પણ છે.

સ્નેહલ ભાટકરે હિંદી ફિલ્મ સંગીતમાં મારાઠી (લોક) ગીતોના ભાવને સ્થાન અપાવવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.

બાત તો કુછ ભી નહીં દિલ હૈ કી ભર આયા હૈ - ઠેસ - મુકેશ સાથે - ગીતકાર કેદાર શર્મા

મુકેશને ગમથી વ્યાકુળ મિત્ર માટે અને મોહમ્મદ રફીને તેને સાંત્વના આપતા મિત્રના પાર્શ્વ સ્વરની ભૂમિકા સોંપાઈ છે.

૧૯૪૯નાં વર્ષ માટે મોહમ્મદ રફીએ જેમની સાથે સૌ પ્રથમ વાર યુગલ ગીત ગાયું હોય એવા અન્ય સંગીતકારો અને તેમની યુગલ ગીત રચનાઓની બાકીની વાત હવે ડિસેમ્બર ૨૦૨૨ના અંકમાં કરીશું.


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

No comments: