Showing posts with label યાદોની ગલીઓમાં. Show all posts
Showing posts with label યાદોની ગલીઓમાં. Show all posts

Sunday, January 11, 2026

સુસ્મિતા - મારાં જીવનસંગિની .....

૧૯૭૬ના ઓગસ્ટ મહિનાના છેલ્લા દિવસોમાં હું નિમેશ (નરેશ પી. માંકડ - મારાં માસી ધનવિદ્યા પ્રદ્યુમ્નરાય માંકડના પુત્ર) અને તેમનાં પત્ની, પ્રતિભાભાભી, સાથે રહેવા માટે કરીને બેએક દિવસ માટે રાજકોટ ગયો હતો. પાછાં ફરતાં જ્યારે હું અમદાવાદ પહોંચ્યો ત્યારે ભારે વરસાદ પડી રહ્યો હતો. એવું લાગતું હતું કે છેલ્લા કેટલાક કલાકોથી જ વરસાદ એટલો ભારે હશે કે બસ સ્ટોપ પાસે કોઈ ઓટોરિક્ષા દેખાતી ન હતી. ત્યાં રાહ જોઈ રહેલા મારા જેવા કેટલાક અન્ય મુસાફરોએ મને કહ્યું કે તેઓ પણ ઘણા સમયથી રિક્ષાની નિરર્થકપણે રાહ જોઈ રહ્યા છે. પંદર વીસ મિનિટ તો મેં પણ રાહ જોઈ, પરંતુ પછી વધારે રાહ જોયા વિના લગભગ બધા રસ્તાઓ પર ભરાયેલાં પાણીમાંથી ચાલીને ઘરે મેં જવાનું નક્કી કર્યું. લગભગ દોઢેક કલાકના સંઘર્ષ પછી હું ઘરે પહોંચ્યો. બીજા દિવસના અખબારપત્રોમાં ગાયક મુકેશના નિધનના સમાચાર (પણ) હતા.

ત્યારબાદનું અઠવાડિયું નિયમિત કામકાજનું રહ્યું. આમ, જીવન તેની કુદરતી ઘટમાળની લયમાં ચાલી રહ્યું હતું.

તે પછીના અઠવાડિયા દરમિયાન જ્યારે હું એક દિવસે ઓફિસથી ઘરે પાછો ફર્યો, ત્યારે, મારાં મા, બેને મને પોસ્ટ ખાતાનું - સુસ્મિતાને યાદ છે તેમ ૭ સપ્ટેમ્બર ૧૯૭૬ના રોજ લખાયેલ અને પોસ્ટ કરાયેલ- પરબિડીયું  આપ્યું.[1]

તે પરબિડીયામાં રહેલી સામગ્રી એવી ઘટનાઓનાં ચક્રને ગતિ આપવાનું હતું જે હવે પછીનાં જીવનને નાટકીય રીતે બદલી નાખવાનું હતું..

પરબિડીયા પર મોકલનારનું નામ સુસ્મિતા અંજારિયા હતું અને બોમ્બેથી પોસ્ટ કરાયેલું હતું.  પરબિડીયાં પર 'અંગત' એવી નોંધ (કદાચ) હતી. મારા માસી ભાનુમાસી (મારા માના મોટા બહેન અને સુસ્મિતા અંજારિયાના કાકા - ડોલરરાય મોહનલાલ અંજારિયા-ના પત્ની )નાં ભત્રીજી, સુસ્મિતા અંજારીઆ, મને સંબોધીને પત્ર શા માટે લખે તે તો સમજાયું નહોતું. એટલે, પહેલાં તો અમે રાતનું જમવાનું પુરૂં કર્યુ. ત્યાર બાદ મેં પરબિડીયું ખોલ્યું અને પરબિડીયામાં રહેલો પત્ર વાંચ્યો.

પ્રસ્તાવ

પત્ર અમારા લગ્ન માટેનો તેમનો પ્રસ્તાવ હતો.

તેમણે બહુ જ સરળ રીતે કહ્યું હતું કે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે પોતાના લગ્નની વાતચીત ચાલે તે કરતાં મારા વિશે જે કંઈ તે જાણે છે તેના આધારે, લગ્નના આ પ્રસ્તાવ માટે સીધો મારો સંપર્ક કરવાનું તેમને વધારે યોગ્ય લાગ્યું. તેમણે બહુ જ સહજપણે એમ પણ લખ્યું હતું તે બરાબર સમજે છે કે લગ્ન બાબતે મારી પોતાની કે મારા માતાપિતાની  કોઈ અન્ય યોજનાઓ હોઈ શકે છે. એટલે પોતાના પ્રસ્તાવની સાથે મારી (અમારી) અસહમતિ હોય તો પણ અમે વિના સંકોચ તેમને જણાવી શકીએ છીએ.

કિંગ કે ક્રૉસ
હું હજુ સુધી મારા લગ્ન વિશે વિચારી રહ્યો ન હતો. તેથી, મને તાત્કાલિક કોઈ જવાબ તો સૂઝે એમ જ નહોતું. એટલે ત્યાર પુરતી તો મેં પત્રની વિગતની મહેશભાઈ અને બેનને જાણ કરી અને કહ્યું કે હું મારો જવાબ આપવા માટે બેએક દિવસ લઈશ.

તે દિવસે રાતે આ વિષય વિશે શું કરવું તે વિશે મારા મનમાં કોઈ ચોક્કસ પ્રક્રિયા સ્પષ્ટ થતી નહોતી. પરંતુ, બીજે દિવસે સવારે ઑફિસે જતી વખતે મેં આ બાબતે વિચારવાનું શરૂ કરી દીધું.

બસની એ મુસાફરી દરમ્યાન મને જે કંઇ યાદ આવ્યું તેના પરથી તો એટલું જ સમજાયું કે સુસ્મિતાના અમદાવાદ દરમ્યાન દેખીતી રીતે અમારો પરિચય નહોતો એમ તો ન કહેવાય. પરંતુ, એટલા પરિચયથી તેમને હા કે ના કહી શકવા જેટલી કોઈ ઓળખાણ પણ નહોતી બનતી. 

એ દિવસે રાતે હવે આ બાબતે વધારે વિગતે વિચારવાનું શરૂ કર્યું.

૧૯૫૮ સુધીના મારાં બાળપણના વર્ષોમાં, ભુજમાં દિવસનો મોટાભાગનો સમય તો હું ભાનુમાસીના પુત્રો, અક્ષય અને જસ્મીન સાથે, ભાનુમાસીને ઘરે, જ વીતાવતો. અક્ષય અને જસ્મીન સાથે તેમના દાદીના ઘરે ઘણી વાર રમવા પણ જતો. આમ, મને ખબર હતી કે તેમના એક પિતરાઈ ભાઈ દિવ્યભાષ છે. જોકે, સુસ્મિતા સાથેનો જે કંઈ પરિચય થયો તો તે જ્યારે તેમના સ્નાતક કક્ષાના અભ્યાસ માટે (૧૯૬૬) તેમના કાકા, ડોલરરાય મોહનલાલ અંજારીઆને  ત્યાં આવ્યાં ત્યારે જ થયો. તેમનું ભાનુમાસીનાં ભત્રીજી હોવું અને મારૂં ભાનુમાસીના ભાણેજ હોવું તો એક યોગાનુયોગ જ હતો. જોકે, તેને કારણે બહુ ઘણાં લોકોનું તો સજ્જડપણે એમ જ માનવું હતું કે એ સગપણને કારણે જ અમે બન્ને એકબીજાને સારી રીતે ઓળખતાં હતાં અને તેથી અમારી સગાઈ થવી એ એ લોકો માટે જરાય નવીનવાઈ નહોતી.

એ પણ સાચું હતું કે હું અને સુસ્મિતા બન્ને, મહેશભાઈ સાથે, નાગર મંડળ દ્વારા ચલાવવામાં આવતી બુક બેંકમાં પુસ્તકોની શોધમાં ગયાં હતાં. એટલું જ નહી, ડોલરકાકા મહેશભાઈના સાઢુભાઈ થાયે એ નાતે, ડોલરકાકાના ભત્રીજી તરીકે ચશ્માં બાબતે મહેશભાઈ સુસ્મિતાને ડૉ. લાલભાઈ માંકડ પાસે પણ લઈ ગયેલા. બીજા વર્ષે હું અને સુસ્મિતા એકલાં જ બુક બેંકની મુલાકાતે ગયા હતા.  જોકે, પરંપરાગત કૌટુંબિક વાતાવરણમાં ઉછરેલા હોવાથી, એ વર્ષો દરમ્યાન, કોઈ કામને લગતા થોડા શબ્દો સિવાય કોઈ વધારે વાતચીત અમે કરી હોય એવું મને યાદ નથી. .

સુસ્મિતાના સ્નાતક કક્ષાનો અભ્યાસ પુરો થયો એ વર્ષે (૧૯૭૦) હું હોસ્ટેલમાં રહેવા ગયો અને મહેશભાઈની નવસારી બદલી થઈ ગઈ. આમ, અમારો જે પણ નાનો-મોટો સંપર્ક હતો તે પણ પુરો થઈ ગયો. જોકેતેના મા, કુંજલતાબેન સાથે તેના ભાઈ દિવ્યભાષને ત્યાં સુસ્મિતાના બોમ્બે શિફ્ટ થવાના, (૧૯૭૨માં) બોમ્બે યુનિવર્સિટીમાંથી ગણિતમાં પોસ્ટ ગ્રેજ્યુએશન થવાના સમાચાર મને મળતા રહ્યા હતા.

સુસ્મિતા - કોન્વોકેશન પછીનો ઔપચારિક ફોટોગ્રાફ

૧૯૭૩માં ગુજરાત સ્ટીલ ટ્યુબ્સ લિમિટેડમાં જોડાયા પછી. મારા સત્તાવાર કામ માટે બોમ્બેમાં એકથી વધારે રાત રોકાવાની જરૂર મારે પડતી. આવી જ એક મુલાકાત દરમિયાન, મને નલીનભાઈ (અમૃતલાલ ધોળકિયાના પુત્ર, મહેશભાઈના મામા) ને મળવાની તક મળી હતી.  પેડર રોડ પર GSTના ગેસ્ટ હાઉસથી તેઓ બહુ દૂર નહોતા રહેતા. એવી મુલાકાતો દરમ્યાન નલીનભાઈએ મને પેડર રોડ પર જ આવેલાં દિવ્યભાષના ઘરે પણ, બેએક વાર, સાથે લઈ ગયા હતા. જોકે, એ મુલાકાતો સામાજિક ઔપચારિકતાથી વધારે સ્તરની નહોતી.

બીજે દિવસે સાંજ સુધીમાં તો મારા વિચારો આટલી બાબતે સ્પષ્ટ બની ચુક્યા હતા કે,

૧. હા પાડવા માટે મને કોઈ નક્કર કારણ નથી મળ્યું તેમ પ્રસ્તાવ ન સ્વીકારવા માટે પણ મારી પાસે કોઈ નક્કર આધાર નહોતો.

૨. હું અમારા પરિવારને સન્માનીય જીવન પુરૂં પાડીશ એવી આવડત વિશે મને મારા પર જ ભરોસો હોવો જોઈએ.

૩.  આપણા પરંપરાગત સમાજમાં, છોકરીને તેના પતિના ઘરે સ્થાયી થવું પડતું હતું અને તેના સાસરિયા સાથે એડજસ્ટ થવું પડતું હોય છે. સુસ્મિતાએ, આટલા પુરતો, પહેલો નિર્ણય તો લઈ જ લીધો હતો. જીવનની ચોપાટમાં મને તેમનો સહભાગી તરીકે પસંદ કરવાનો પહેલો દાવ તો તે ખેલી ચૂક્યાં હતાં.

૪. એક છોકરી તરીકે સુસ્મિતાએ આટલું સાહસિક પહેલું પગલું ભર્યું હતું, તો એક છોકરા તરીકે મારે તો, પ્રમાણમાં ઓછું ગુમાવવાનું છે.

સ્વીકાર

તેથી, તે દિવસે રાત્રે જમતી વખતે, મહેશભાઈ અને બેનને કોઈ વાંધો ન હોય તો સુસ્મિતાના પ્રસ્તાવને સ્વીકારવા હું તૈયાર છું એવો નિર્ણય મેં એ બન્નેને જણાવ્યો. એવું લાગતું હતું કે મહેશભાઈ અને બેને પણ આ બાબત પર વિચાર કર્યો હતો. તેઓએ જરા પણ સમય ગુમાવ્યા વિના જ  તેમની સહમતિ વ્યક્ત કરી.

એટલે તે પછી તરત હું પ્રસ્તાવની સ્વીકૃતિનો મારો જવાબ લખવા બેઠો. મહેશભાઈ અને બેને સુસ્મિતાના મા, કુંજલતબેનને અલગથી તેમની સહમતિનો ઔપચારિક પત્ર લખ્યો. મેં એ બન્ને પત્રો બીજા દિવસે પોસ્ટ કર્યા.[2]

અમને પણ તેમની સંમતિ ટૂંક સમયમાં મળી ગઈ.

સગપણે કુજલતાબેનના મામાના દીકરા, પણ સંબંધે મોટા દીકરા સમા, અને યોગાનુયોગ મારાં ફોઇ - મહેશભાઈનાં માસીનાં દીકરી, વાલીબેનફઈ (કિશોરબાળા ચમનલાલ ધોળકિયા)ના (પણ) દીકરા, સુધાકરભાઈને લખેલો કુંજલતાબેનનો પત્ર તે દિવસોના વાતાવરણને સરસ રીતે તાદૃશ કરે છે.



[1] સરનામું ક્યાંથી મળ્યું એ વિશે આજે હવે સુસ્મિતાને એવું યાદ છે કે મારી નોકરી  અંગેની નોંધ નાગર મંડળનાં મુખપત્રમાં આવી હતી તેમાથી મારી ઑફિસનું સરનામું તેને યાદ રહી ગયું હતું. એટલે તેણે તો પત્ર ઑફિસના સરનામે જ લખ્યો હતો. તેમની આ યાદ સામે મને એવું લાગે છે કે એ વાતને તો એ સમયે ત્રણેક વર્ષ થઈ ચુક્યાં હતાં. એટલે, કદાચ વધારે શક્ય એ હોઈ શકે કે ૧૯૭૪ થી ૧૯૭૬નાં વર્ષમાં બેએક વખતે હું નલીનભાઈ સાથે દિવ્યભાષના ઘરે મુંબઈ ગયો હતો ત્યારે કદાચ મારૂં વિઝિટીંગ કાર્ડ દિવ્યભાષને આપ્યું હોય અને તેમાંથી સરનામું મળ્યું હોય. જોકે મને પણ એ બે ટુંકી મુલાકાતો સમયે મારા વિશે ઉપરછલ્લી ઔપચારિક વાતથી વધારે કોઈ વાત થઈ હોય એવું યાદ નથી આવતું.

[2] જે દિવસે મેં સુસ્મિતાના પ્રસ્તાવના સ્વીકારનો જવાબ પૉસ્ટ કર્યો તે દિવસે સાંજે, સામાજિક દૃષ્ટિએ અમને ક્ષોભજનક સ્થિતિમાં મુકી શકે એવો અને અંગત રીતે મારા માટે આવી નાજુક બાબતોમાં વધારે ચોક્કસ્તા દાખવવાના બોધપાઠ સમાન, એક પ્રસંગ બન્યો. સમીર (પદ્માકાંત ધોળકિયા), મહેશ (દિલીપરાય માંક્ડ) અને કુસુમાકર (ભુપતરાય ધોળકિયા) એમ અમારે ચાર મિત્રોને એકબીજાને ઘરેથી રેકોર્ડ્સ લેવા મુકવા માટે ગમે ત્યારે એકબીજાને ઘરે અવવા જવાનો વાટકી વ્યવહાર હતો. રૂએ, મહેશ રેકોર્ડ લેવા ઘરે આવ્યા અને તેમની ચકોર નજરે ટેબલ પર પડેલું સુસ્મિતાએ મોકલેલુંં પરબિડીયું ચડી ગયું. આપણામાં કહેવાય છે તેમ ચોરને તો ચાંદરણું મળી ગયું. મહેશ માટે બે અને બે ચાર કરી લેવા માટે તો આટલું પુરતું હતું. મેં તેમને પરિસ્થિતિની ચોખવટ કરીને હજુ કંઈ નિર્ણય થયો નથી એવું સમજાવવાનો પુરો પ્રયત્ન કર્યો. પરંતુ, હું અને સુસ્મિતા એકબીજાને બહુ સારી રીતે ઓળખતાં હતાં ક્લબના મહેશ પણ સભ્ય હતા. તેમણે જેટલું જોયું, તે પછીથી તેમને ઝાલ્યા રખાય તેમ નહોતું. પોતાનાં માતાપિતાને અને કુસુમાકરને તો મહેશે વીજળીક ગતિથી 'સગપણ થઈ ગયાં છે' મતલબના સમાચાર પહોંચાડી દીધા.


Sunday, January 4, 2026

મારા પિતા - મહેશભાઈ પ્રાણલાલ વૈષ્ણવ : તબક્કો ત્રીજોઃ એલ કોલોની અને નવસારી - ૧૯૬૬ થી ૧૯૭૩

 મારા LDCE માં જોડાવાની સાથે જ અમે એલ કોલોની (૪૦/૧) માં રહેવા ગયાં. .

મારા એન્જિનીયરિંગના અભ્યાસના ખર્ચની જોગવાઈ કરવા માટે મહેશભાઈએ લોન શિષ્યવૃત્તિ લેવાનો માર્ગ લેવાનું નક્કી કર્યું. લોન શિષ્યવૃત્તિ ગુજરાત સરકારના કર્મચારીઓ માટે યોજના હતી, એ યોજના હાલ ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીને બેંકો દ્વારા અપાતી શૈક્ષણિક લોન જેવી જ હતી. લોનની રકમ દર વર્ષે રૂ. ૮૫૦ના હિસાબે મળવાની હતી. પહેલા વર્ષમાં, મને ગુલાબભાઈ (ગુલાબરાય એન મહેતા, વેસ્ટર્ન રેલ્વે, બરોડાના તત્કાલીન એક્ઝિક્યુટિવ એન્જિનિયર, અને મારા માનાં મોટાં બહેન મીનમાસી – લક્ષ્મીબેન- ના પતિ) પાસેથી એન્જિનિઅરિંગ કંપાસ, સ્લાઇડ રૂલ અને ડ્રોઇંગ બોર્ડ વગેરે જેવાં એન્જિનિઅરિંગ ડ્રોઇંગના સાધનો પૂરાં પાડ્યાં. નાગર મંડળ- અમારી ન્યાતનું સંગઠન -ની બુક બેંક અને અન્ય અમદાવાદમાં સેકન્ડ હેન્ડ બુક શોપમાંથી કેટલાક પુસ્તકો મેળવી શક્યા. બીજા વર્ષ દરમિયાન પણ એકાંદ બે પાઠ્યપુસ્તકો સિવાય, મોટાભાગના પુસ્તકો બુક બેંક અને સેકન્ડ હેન્ડ પુસ્તક બજારમાંથી મેળવી શકાયાં. આમ, પહેલા અને બીજા વર્ષની ટ્યુશન ફી ચૂકવ્યા પછી પણ લોન સ્કોલરશીપના પહેલા અને બીજા હપ્તામાંથી થોડી રકમ હજુ પણ બચી હતી. મહેશભાઈ અને બેને મારા માટે કૉલેજ જવા માટે સાયકલ ખરીદવા માટે એ બચતનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું.

અમે રાજકોટમાં તંતી નિવાસમાં રહેતાં હતાં ત્યારે ઘરેથી ઓફિસ જવા માટે સાયકલ ખરીદી હતી. તે સાયકલની સીટ અને પેડલ વચ્ચેનું અંતર મહેશભાઈની ઊંચાઈ કરતા ઘણું વધારે હતું. મારી સાઈકલ ખરીદતી વખતે આ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું ! કદાચ સીટ અને પેડલ વચ્ચેના ઘણાં અંતરને કારણે જ તે સાયકલ ખરીદ્યાના લગભગ છ કે નવ મહિના પછી ભારે વાહન સાથે મહેશભાઈનો અકસ્માત થયો હતો. ત્યાર પછીથી તેમણે ક્યારેય સાયકલ ચલાવી નહીં. જોકે, ગોરાકાકા (જનાર્દનભાઈ વૈષ્ણવ, મહેશભાઈના નાના ભાઈ) એ ઘણા વર્ષો સુધી એ સાઈકલનો ઉપયોગ કર્યો. જ્યારે મેં ઘરે જવા માટે 'મારી' સાયકલ ચલાવવાની તૈયારી બતાવી, ત્યારે મહેશભાઈ એક ક્ષણ માટે પણ અચકાયા નહીં. મારામાં આત્મવિશ્વાસ જગાડવા માટેની તાલીમ માટે જોખમ લેવાની પોતાના અનુભવને બાજુએ મૂકી શકવા તેઑ તૈયાર હતા !

મારા એન્જિનિઅરિંગના ચોથા વર્ષના શૈક્ષણિક વર્ષના અંત સુધીમાં, મહેશભાઈની બદલી નવસારીની કૃષિ વિજ્ઞાન કૉલેજમાં થઈ. તેથી, એન્જિનિઅરિંગનું પાંચમું વર્ષ મેં હોસ્ટેલમાં રહીને પુરૂં કર્યું. ઘર બદલટી વખતે બીજી બધી ઘરવખરી સાથે, અમારી પાસે મહેશભાઈએ રામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાંથી ખરીદેલ પુસ્તકો અને કુમાર, ધ ઇલસ્ટ્રેટેડ વીકલી, સ્પોર્ટ્સ એન્ડ પેસ્ટાઈમ, ઇન્દ્રજલ કોમિક્સ વગેરે સામયિકોના જૂના અંકો ભરેલાં બે મોટા બોક્સ હતાં. મહેશભાઈની ફરીથી અમદાવાદ બદલી થઈ ત્યારે શરૂઆતમાં મળેલું ભાડાનું ઘર ફક્ત એક ઓરડો અને એક રસોડું હતું. તેમાં ઘરની ઘરવખરી પણ સમાય તેમ નહોતું. તેથી ખૂબ જ ભારે હૃદયે, મહેશભાઈએ અને મેં તેમાંથી પુસ્તકો સિવાય બીજું બધું છોડી જવાનું નક્કી કર્યું.

નવસારીમાં, અમારૂં ભાડાનું ઘર, નવસારીનાં પરાં જેવાં, કાલિયાવાડી ગામમાં હતું. મહેશભાઈની કૉલેજના ચાર પાંચ પ્રોફેસરો પણ અમારા પડોશી હતા. તે બધા કૃષિ વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રોમાં પીએચ.ડી. થયા હતા. સરકારી કૃષિ કોલેજોના ફેકલ્ટીના કૌશલ્યના પાયાને વધારે સમર્થ કરવા માટે સરકારની યોજના હેઠળ તેઓએ અમેરિકન યુનિવર્સિટીઓમાં ડોક્ટરેટનો અભ્યાસ કર્યો હતો. મને તેમની સાથે સમય વિતાવવાની સારી તક મળી. મારા વેકેશન દરમિયાન તેમના સંશોધન ફાર્મની મુલાકાતનો સાવ નવો જ અનુભવ પણ મને મળ્યો.

મારા એન્જિનિઅરિંગના પાંચમા વર્ષના મધ્યમાં મહેશભાઈને તેમના મોટા ભાઈ કમળભાઈના નિધનનો આઘાત સહન કરવાનો આવ્યો.

મહેશભાઈના નવસારીના રહેવાસનાં બીજાં વર્ષની શરૂઆતમાં, મારો સ્નાતક કક્ષાનો એન્જિનીયરીંગનો અભ્યાસ પુરો થયો અને મેં BITS, પિલાણી, માં મૅનેજમૅન્ટ વિદ્યાશાખાના અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં પ્રવેશ લીધો. શાળા કક્ષા સુધીના મારા અભ્યાસ માટે જે જે તબક્કે પ્રવેશ માટે નિર્ણયો લેવાના હતા કે પ્રવેશ અંગે જે મહેનત કરવાની આવી તેનો બધો ભાર મહેશભાઇ પર હતો. એન્જિનિઅરિંગ અને મૅનેજમૅન્ટના અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવાના મારા નિર્ણયો મહદ્‍ અંશે મારા પોતાના હતા અને તે માટેની જરૂરી પ્રવેશ પ્રક્રિયા પણ મેં પુરી કરી હતી. શાળા કક્ષાના અભ્યાસ સુધી મારો મહેશભાઈ સાથેનો સંબંધ એક પુત્રનો તેના પિતા સાથેનો હોય એવો જ રહ્યો. પરંતુ એન્જિનિઅરિંગ અને મૅનેજમૅન્ટના અભ્યાસક્રમોના પ્રવેશનાં ઘટના ચક્રને પરિણામે અમારા સંબંધનું સમીકરણ તાત્વિક રીતે બદલી ગયું. એન્જિનિઅરિંગ માં પવેશ સમયે અમારાં મંતવ્યો અલગ હતાં છતાં જે રીતે મહેશભાઈનો મને ટેકો મળ્યો તેનાથી અમે એકબીજાંને વધારે સમજી શકવા લાગ્યા. મૅનેજમૅન્ટના અભ્યાસક્રમમાં પ્રવેશનો નિર્ણય મહેશભાઈના અનુસ્નાતક કક્ષાના અભ્યાસ માટેનાં સ્વપ્નને પુરૂં કરવાના ઉદ્દેશ્યથી જ લેવાયો હતો એમ તો નહોતું. પણ હા, BITS માટેની પ્રવેશ કસોટીને લગતા નિર્ણયો સમયે તેમના અભિગમમાં પોતાનાં સ્વપ્નની પૂર્તિનો સંતોષ મેં બહુ સ્પષ્ટપણે અનુભવ્યો હતો.[1]

એમબીએના પહેલા વર્ષના અંતે ઉનાળામાં ઇન્ટર્નશિપ માટે મારે મુંબઈ રહેવાનું હતું. મહેશભાઈએ તેમના ભાણેજ હર્ષવદન (મહેશભાઈના માસીનાં દીકરી, સારીબેનફાઈ, (કિશોરબાળા પદ્માકાંત વૈષ્ણવના પુત્ર) ને લખેલા એક પોસ્ટકાર્ડે મારાં માટેના એ કપરાં લાગતાં ચડાણને એક બહુ જ સુખદ અને સમૃદ્ધ અનુભવમાં ફેરવી નાખ્યો. મુંબઈમાં મારા રોકાણ માટે હર્ષવદનભાઈએ મને જે બધી મદદ અને માર્ગદર્શન આપ્યું, તેમાં મોટા ભાઈની હૂંફ અને સંભાળ હતી. પોણાબે મહિનાના એ રોકાણના અંત સુધીમાં, તેમની સાથેનો મોટા ભાઈનો સંબંધ ખૂબ જ ગાઢ મૈત્રીપૂર્ણ ભાઈ તરીકેના સંબંધનાં મૂળિયાં નાખી ચૂક્યો હતો અને મારા જીવનની મૂડીનો એક બહુ જ મહત્વનો હિસ્સો બની રહ્યો.

૧૯૭૩માં મહેશભાઈની ફરી અમદાવાદ બદલી થઈ અને BITS, પિલાનીમાં મૅનેજમૅન્ટના અભ્યાસનું મારું અનુસ્નાતક કક્ષાનું શિક્ષણ પુરૂં થયું, અમદાવાદ પહોંચ્યા પછી હું ગુજરાત સ્ટીલ ટ્યુબ્સ લિ.માં જોડાયો.

Thursday, December 18, 2025

મારા પિતા - મહેશભાઈ પ્રાણલાલ વૈષ્ણવ: બીજો તબક્કો - અમદાવાદઃ લાલ મિલ કોલોની અને એચ કોલોની - ૧૯૬૧ થી ૧૯૬૬

 માર્ચ ૧૯૬૧ની આસપાસ મહેશભાઈની બદલી અમદાવાદ થઈ. મારામાં હજુ નહોતી તો એટલી સમજણ આવી કે નહોતી તો એટલી પરિપક્વતા કે હું રાજકોટ કે અમદાવાદ રહેવાની (અ)મારી જીવનશૈલી કે વિચારસરણી પર શું અસર પડે તે વિચારી શકું. મારા માટે તો સૌથી મોટી વાત એ હતી કે રાજકોટથી અમદાવાદની ટ્રેનની મુસાફરી અમે જીવનમાં પહેલ વહેલી વાર  ફર્સ્ટ ક્લાસમાં કરવાનાં હતાં. જોકે, મુસાફરીના આગલા દિવસે જ એ આનંદ રોળાઈ ગયો.  બન્યું એવું કે આ જે પર્સમાં ટિકિટો રાખી હતી એ પર્સ પણ ટ્રકમાં લઈ જવાના સામાનમાં પેક થઈ ગયું હતું. તેથી, મહેશભાઈએ, હવે પોતાના ખીસ્સાના ખર્ચે, નવી ટિકિટો ખરીદવી પડી.

મહેશભાઈની બદલી થઈ ત્યારે હું ૭મા ધોરણમાં હતો. શૈક્ષણિક વર્ષની બધી પરીક્ષાઓ દરમિયાન દરેક વિષયમાં અમુક ટકાવારી કરતાં વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીને વિરાણી હાઈસ્કૂલમાં અંતિમ પરીક્ષામાં હાજર રહેવામાંથી છૂટ હતી. પરંતુ છેલ્લી પરીક્ષામાં ગણિતમાં મને ઓછા માર્ક આવ્યા. એટલે મારે એક વિષયની વાર્ષિક પરીક્ષા તો આપવી પડે તેમ હતું. મહેશ્ભાઈ માટે નવી જગ્યાએ જોડાવામાં મોડું કરવું શક્ય નહીં હોય, અને અમારે મારી ગણિતની પરીક્ષા પતે ત્યાં સુધી એકલાં પાછળ રાજકોટ રહી જવાનું પણ શક્ય નહીં હોય એટલે એમ નક્કી થયું કે પહેલાં તો અમદાવાદ પહોંચી જવું. 

જ્યારે રાજકોટ જવાનો સમય આવ્યો, ત્યારે મહેશભાઈએ નક્કી કર્યું કે મારે એકલા જવું જોઈએ. મહેશભાઈએ એવી ગોઠવણ કરી કે તેઓ અમદાવાદના બસ સ્ટેશને મુકવા અને પછી લેવા અને બચુભાઈ (બકુલભાઈ ડોલરરાય વૈદ્ય, જેનો ઉલ્લેખ પહેલા કર્યો છે એ મુક્તાફાઈના પુત્ર ) મને રાજકોટ બસ સ્ટેશન પર લેવા અને મુકવા આવે. બસમાં ખાવા માટે મને ટીમણ સાથે આપ્યું હતું, એટલે વચ્ચે ક્યાંય બસમાંથી ઉતરવાનો તો પ્રશ્ન જ નહોતો. રાજકોટમાં હું જનાર્દનભાઈ વૈદ્યને ઘરે રહ્યો. આમ દેખીતી રીતે મેં રાજકોટની બસ મુસાફરી અને એક વિષયની વાર્ષિક પરીક્ષા સ્વબળે આપી. જોકે, પશ્ચાત નજરે જોઊં છું તો એમ કહેવાનું મન થાય છે કે આ પહેલો પ્રસંગ હતો જેમાં મહેશભાઈએ મારા પગ પર ઊભા રહેવાની મારી ક્ષમતા પર પોતાનો વિશ્વાસ મૂક્યો, અને મેં તેમને નિરાશ પણ ન કર્યા.

તે સાથે એટલું પણ હવે કહી શકાય તેમ છે કે એ નિર્ણયે મને મને સ્વતંત્ર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. પછીથી જ્યારે બે બસ બદલીને એચ કોલોનીથી ગોમતીપુરમાં શાળાએ જવું પડ્યું, કે મારાં પ્રિ. સાયન્સનાં (વર્ષ વર્ષ ૧૯૬૫ - ૬૬) દરમ્યાન વિદ્યાનગર સુધી જાતે આવજા કરવી પડી અને હોસ્ટેલમાં રહેવું પડ્યું ત્યારે મને અને મહેશભાઈને, તેમજ બેનને પણ, મારી ક્ષમતા પર પૂરો વિશ્વાસ હતો કે હું બધે પહોંચી વળીશ.

અમદાવાદમાં અમારું પહેલું ઘર પૂર્વ અમદાવાદમાં, ગોમતીપુર નજીક આવેલ, રાજપુર - હીરપુર (લાલ મિલ્સ) સરકારી વસાહતનું એક રૂમ રસોડાનું ક્વાર્ટર હતું. અહીં હું ખરેખર મારા સમવયસ્ક મિત્રોના સાથમાં આવ્યો અને શરીરને કસે એવી બહારી, ખડતલ, રમતો રમતો થયો. મહેશભાઈએ ગોમતીપુરની ડેમોક્રેટિક હાઇસ્કૂલમાં નવમા ધોરણમાં મારો પ્રવેશ મેળવ્યો. સ્કૂલ લાલ મિલ કોલોનીથી બે એક કિલોમીટર દૂર હતું. તેથી, અમે લોકો ચાલીને જ સ્કૂલે જતા.

લાલ મિલનાં ઘરમાં જેવાં સ્થાયી થયાં તે સાથે જ મહેશ્ભાઈએ પોતાનાં અધુરાં રહી ગયેલાં પોસ્ટ-ગ્રેજ્યુએશનના સ્વપ્ન માટે પ્રવેશ મેળવી લીધો. તે સમયે તો હું તે નિર્ણયનું મહત્વ સમજવા માટે ખૂબ જ કાચો હતો. પરંતુ જ્યારે હું પૂરતો સમજણો થયો, ત્યારે મને સમજાયું કે ગ્રેજ્યુએશન પછી જ તેમને પોસ્ટ - ગ્રેજ્યુએશન કરવું હતું. એ સમયે જ બાપુ (તેમના પિતા) સેવાનિવૃત્ત થયા હતા. તેથી, તરત નોકરીમાં જોડાઈ જવું એ મહેશભાઈ માટે વધારે મહત્વનું હતું. નોકરી અને લગ્ન સાથેનું તેમનું ગૃહસ્થજીવન ભુજમાં થવાને કારણે પોસ્ટ -ગ્રેજ્યુએશન તો તેમણે કદાચ સાવ માડી વાળ્યું હશે. જોકે, મહેશભાઈ જેવી વ્યક્તિ પ્રત્યે નિયતિ પણ બહુ નિષ્ઠુર ન બની શકે ! અમદાવાદની બદલીના રૂપમાં નિયતિએ મહેશભાઈને તક આપી જેને મહેશભાઈએ ઝડપી લેવામાં હવે જરા પણ વિલંબ ન કર્યો. થોડા વર્ષો પછી, ગોરાકાકા (તેમના નાના ભાઈ, જનાર્દનભાઈ) ને પણ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી તરત જ પોસ્ટ ગ્રેજ્યુએશન લેવા માટે મહેશભાઈના આગ્રહ હતો. તે સમયે પણ, હું મહેશભાઈ માટે પોસ્ટ ગ્રેજ્યુએશન કેટલું પ્રિય હતું તેનું મહત્વ સમજી શક્યો ન હતો. જોકે, મહેશભાઈ માટે પોસ્ટ ગ્રેજ્યુએશનનું મૂલ્ય કેટલું મહત્વનું હતું તેની વાસ્તવિક સમજ મને ત્યારે સ્પષ્ટ થઈ ગઈ જ્યારે હું પોતે તે તબક્કે પહોંચ્યો.[1]

તેર વર્ષના વિરામ પછી ઉચ્ચ સ્તરનો અભ્યાસ કરવા માટે મહેશભાઈને માનસિક અને બૌદ્ધિક તો કેટલો શ્રમ પડ્યો હશે તે તો હવે કલ્પનાનો જ વિષય છે. પરંતુ શારીરિક રીતે આ ઉપક્રમ કેવી કસોટી હતી તે તો સાવ દેખીતું હતું. સિવિલ હોસ્પિટલ, અસારવા નજીક મેન્ટલ હોસ્પિટલ પરિસરમાં આવેલી તેમની ઓફિસે તેઓ સવારે ૯.૩૦ વાગ્યા સુધીમાં ઘરેથી નીકળી જતા હતા. તે સમયની પ્રચલિત પ્રથા મુજબ, તેઓ ઘરેથી જમીને જતા. ઓફિસનો સમય પુરો થાય એટલે સાંજની કૉલેજમાંહાજરી આપે. તે ઉપરાંતસંદર્ભ સામગ્રી વગેરે માટે એમ જે લાઇબ્રેરી (એલિસ બ્રિજ, અમદાવાદ ૩૮૦ ૦૦૬) પણ જતા. રાત્રે ઘરે પહોંચે ત્યારે ૯ - ૯.૩૦ વાગી જાય. તે પછી, લગભગ બાર કલાક પછી રાતનાં જમવા ભેગા થાય. આખા દિવસમાં એકાદ કપ ચાપણ નહીં પીતા હોય. પોતાના સ્વપ્નને સિદ્ધ કરવા તેમણે જે શારીરિક પરિશ્રમ ઉઠાવ્યો અને કષ્ટનો સામનો કર્યો હશે તે એ હકીકત પરથી અંદાજ લગાવી શકાય છે કે અમારું ઘર, મહેશભાઈની ઑફિસ અને એમ જે લાઇબ્રેરી એક ત્રિકોણના ત્રણ ખૂણા હતા, જેની દરેક બાજુ છ થી આઠ કિલોમીટર સુધીની હતી. દરરોજ આટલાં અંતરની દડમજલ તેઓ જાહેર પરિવહનની બસ દ્વારા જ કરતા !

મહેશભાઈ દર રવિવારે એલિસ બ્રિજ નીચે ભરાતા ગુજરી બજારમાંથી પાઠ્યપુસ્તકો અને સંદર્ભ પુસ્તકો ખરીદવા જતા. મહેશભાઈ ઘરે વાંચવા માટે ઈકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી, કોમર્સ ફોરમ ઑફ ફ્રી એંટરપ્રાઈઝની પુસ્તિકાઓ વગેરે સાહિત્ય તેઓ લઈ આવતા. આવાં સામયિકો અને અર્થકારણને લગતાં સમાચારપત્રોનાં નામોની મને ઓળખાણ થઈ, પણ એ વાંચવાની સમજણ હું BITS માં જોડાયો (૧૯૭૧ - ૧૯૭૩), ત્યારે મારામાં કેળવાઈ[2].  

મારાં નવમા ધોરણના શૈક્ષણિક વર્ષના અંતમાં, અમે પોલિટેકનિક (પાંજરાપોળ, અમદાવાદ) નજીક સરકારી કર્મચારી ક્વાર્ટર્સ સંકુલમાં આવેલ એચ કોલોની (૫૫/૧)માં રહેવા ગયાં. ગુજરાત સરકારનું સચિવાલય એ સમયે પોલિટેકનીકનાં પરિસરમાં હતું. લગભગ એક દોઢ મહિના સુધી, હું જાહેર પરિવહન સેવા દ્વારા એચ કોલોનીથી ડેમોક્રેટિક હાઇસ્કૂલ જતો હતો. શાળાએ જતી વખતે, મારે પોલિટેકનિકથી જાહેર બસ સેવા લેવી પડતી હતી અને લાલ દરવાજાથી ગોમતીપુર જવાના બીજા રૂટ પર જવું પડતું હતું. પરત ફરવાની મુસાફરી તે ક્રમને ઉલટાવીને થતી હતી. તે અનુભવે પણ મારામાં આપબળની ભાવના જગાવવામાં મદદ કરી.

તે સમયે મહેશભાઈની ઓફિસ પાલડી (સરદાર બ્રિજ પાસે) ખાતે કૃષિ ખાતાંનાં પોતાના પરિસરમાં શરૂ થઈ. પરિણામે, ઑફિસ આવવા-જવાના સમયના વ્યયમાં તેમને ઘણી રાહત મળી હશે!

મહેશભાઈ - તેમના સહકર્મીઓ સાથે

મારાં પાયાનાં ઘડતરમાં મહેશભાઈના પ્રભાવના સંદર્ભમાં, એચ કોલોનીના અમારા રહેવાસની બે યાદોની અહીં ખાસ નોંધ લઈશઃ 

પહેલી વાત મહેશભાઈના વાંચનના શોખ અને  તેના મારા પરના પ્રભાવની છે.

લાલ મિલમાં પણ મહેશભાઈ એક અંગ્રેજી (ઇન્ડીયન એક્ષપ્રેસ) અને એક ગુજરાતી (જનસત્તા) એમ બે અખબારપત્રો ઘરે મંગાવતા.  મારો વાંચનનો શોખ હજુ એ પ્રકારનાં વાંચનની કક્ષાએ નહોતો પહોંચ્યો. પરંતુ, લાલ મિલમાં મારે લાયક બીજું વાંચન મળતું નહીં એટલે એ બન્નેમાં ક્રિકેટના સમાચાર અને લેખો વાંચતો. જોકે, ઇન્ડીયન એક્ષપ્રેસ તો હું માત્ર વાંચતો જ, તેના અંગ્રેજીમાં મને જરાય સમજણ ન પડતી. એચ કોલોનીમાં આવ્યા પછી મહેશભાઈ અને બેન ગુજરીમાં ઘરવખરી ખરીદવા જતાં. એ મુલાકાતનો ઉપયોગ મહેશભાઈ તે સમયે બે ચાર આનામાં મળતી પેરી મેસનની જૂની પૉકેટબુક્સ ખરીદવામાં કરી લેતા. એવી એક મુલાકાતમાં તેઓ મારા માટે ઓક્ષ્ફર્ડ પ્રેસનો અંગ્રેજી - ગુજરાતી શબ્દકોશ લઈ આવ્યા. એ શબ્દકોશની મદદથી હવે ઇન્ડીયન એક્ષપ્રેસ વાંચતી વખતે ન સમજાય એ બધા અંગ્રેજી શબ્દોનો અર્થ એ શબ્દકોશમાં જોવાની મને ટેવ પડી. પરિણામે, માત્ર વધારે અંગ્રેજી શબ્દો શીખવા મળે એટલે પણ ઇન્ડીયન એક્ષપ્રેસનું મારૂં વાંચન વધ્યું. જોકે તેને રસપૂર્વકનું વાંચન તો એન્જિનીયરિંગમાં પહોંચ્યા પછી જ શરૂ થયું. અગિયારમા ધોરણમાં પહોંચ્યો ત્યાં સુધી ઇન્ડિયન એક્ષપ્રેસ વાંચવાની થોડી ફાવટ આવવા લાગી હતી. એટલે મેં પેરી મેસનનાં પુસ્તકો વાંચવાનું શરૂ કર્યુ. હવે મને સમજાય છે કે પેરી મેસન મહેશભાઈ પોતા માટે કરતાં વધારે મારૂં અંગ્રેજી સુધરે એ માટે વધારે ખરીદતા હશે.

પુસ્તકો જોવા (અને ખરીદવા ) મળશે એ આકર્ષણે હું પણ મહેશભાઈ અને બેન સાથે ગુજરી બજારની મુલાકાતે જતો. એમ કરતાં, મહેશભાઈએ મારો પરિચય 'કુમાર' સાથે કરાવ્યો. 'કુમાર'ના જૂના માસિક અંક બે એક આનામાં મલતા અને વિશેષ અંકો ચાર આનાની આસપાસ મળી જતા. બહુ થોડા સમયમાં, અમે 'કુમાર'ના જૂના અંકોનો ખાસ્સો મોટો સંગ્રહ ઊભો કરી લીધો હતો. 

મહેશભાઈનો વાંચન પ્રત્યેનો શોખ એક નવતર પ્રયોગમાં પ્રગટ થયો હતો. એ પ્રયોગનું મૂળ, કદાચ, તે મારા માસા ડોલરકાકા (મારી માતાની મોટી બહેન ભાનુમાસીના પતિ ડોલરરાય એમ અંજારિયા) સાથે દૈનિક ગુજરાતી અખબારોની આપ-લે કરવાની પ્રથાથી શરૂ થયો હતો એમ કહી શકાય. મહેશભાઈએ ફરતી લાઇબ્રેરીના વિચારની કલ્પનાને મૂર્ત કરી અને એ લાયબ્રેરીને સફળતાપૂર્વક ચલાવી પણ. એચ અને એલ કોલોનૉમાં રહેતા સાત કે આઠ પરિવારોને આ યોજનામાં જોડવા માટે તેમણે સમજાવ્યા. દરેક સભ્ય દર મહિને એક ગુજરાતી મેગેઝિન ખરીદવા માટે જેટલી રકમ સભ્યપદ તરીકે જોડે, અને એ કુલ રકમમાંથી જેટલાં મેગેઝિન મંગાવાય તે વારાફરતી, એક પછી એક પરિવારને ત્રણ ચાર દિવસ વાંચવા માટે મળે. જૂનાં મેગેઝિન લાંબો સમય વાંચવા માટે રાખી શકાય. આમ, દરેક પરિવારને દર મહિને આઠ થી દસ મેગેઝિન વાંચવા મળતાં. નવચેતન, અખંડ આનંદ, સવિતા, ચાંદની, બીજ, જી, કુમાર જેવાં તે સમયના બધા મુખ્ય ગુજરાતી માસિક, ઉપરાંત ધર્મયુગ, ઇલસ્ટ્રેટેડ વીકલી, સ્પોર્ટ્સ અને પાસ્ટાઈમ વગેરે બધાંને વાંચવા મળવા લાગ્યાં..

બીજો મામલો મારા પ્રિ -સાયન્સ અને એન્જિનિયરિંગના પહેલા વર્ષમાં પ્રવેશ સાથે સંબંધિત છે.

પ્રિ -સાયન્સમાં પ્રવેશનો કિસ્સોઃ હું પંદર વર્ષનો હતો ત્યારે મેં ૧૧મું ધોરણ પાસ કર્યું હતું. તે સમયે ૧૧મું ધોરણ રાજ્ય સ્તરની બોર્ડ પરીક્ષા હતી. જોકે, મેં ૧૫ વર્ષ પુરાં કર્યા ન હોવાથી, હું ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજોમાં પ્રિ-સાયન્સ માટે પ્રવેશ માટે લાયક નહોતો. બદુભાઈ વોરાએ મહેશભાઈ સાથે મળીને તે વયમર્યાદામાંથી મુક્તિ મેળવવા માટે અવિરત લડત ચલાવી. બદુભાઈ વિસ્તૃત આવેદન પત્રો તૈયાર કરતા, તેને ટાઇપ કરાવતા અને મહેશભાઈ રજિસ્ટર્ડ મેઇલ દ્વારા ગુજરાત યુનિવર્સિટી, રાજ્ય શિક્ષણ વિભાગ, રાજ્ય સચિવાલય અને કેન્દ્ર શિક્ષણ વિભાગ અને મંત્રાલયોના પણ દરેક લાગતા વળગતા સત્તાવાળાને પોસ્ટ કરવાની વ્યવસ્થા કરતા. બદુભાઈએ ચારથી પાંચ ટાઇપ કરેલા કાનૂની પાનાના કદના આ આવેદન પત્રો માટે બદુભાઈની શૈલી ક્લાસિક બ્રિટિશ વહીવટી શૈલીના અંગ્રેજીમાં હતી. મને આજે પણ બરાબર સમજાય છે કે બદુભાઈ માટે જે શૈલી બહુ જ સ્વાભાવિક અને સરળ રહી હશે તે ની એ તે, કદાચ, એ આવેદનપત્રોના મોટાભાગના વાંચકોની સમજણની બહાર હતી! આટલી બધી મહેનતનો પ્રતિભાવ અમલદારશાહીના વ્યવહારકુશળ શબ્દોમાં જવાબો રૂપે આવતો. જોકે બદુભાઈએ એવા 'શુષ્ક' નકારના જવાબ આક્રમકતાથી આપતા રહ્યા. ભીંત સાથે માથાં પછાડવા જેવું આ 'પત્ર યુદ્ધ' અણધારી રીતે સમાપ્ત થયું. આ બધા પ્રયાસોમાંથી એક એવી માહિતી બહાર આવી હતી જેણે આ મડાગાંઠમાં છટકબારી બતાવી, ગુજરાતમાં તે સમયે વડોદરામાં એમએસ યુનિવર્સિટી અને આણંદ નજીક વલ્લભ વિદ્યાનગર ખાતે એસ પી યુનિવર્સિટી એમ બીજી બે યુનિવર્સિટીઓ હતી. આ યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે `૧૬ વર્ષની લઘુતમ વયમર્યાદા સ્નાતક કક્ષાના પ્રવેશ સમયે લાગુ પડતી હતી. સીધી ભાષામાં કહીએ તો પ્રિ-સાયન્સ કક્ષાએ નહીં પણ સ્નાતક કક્ષાના પહેલાં વર્ષ - ફર્સ્ટ યર બી એસસી. વગેરે-માં પ્રવેશ સમયે ૧૬ વર્ષ પુરાં થયાં હોવાં જૉઇએ. મહેશભાઈએ બંને  યુનિવર્સિટીઓની રૂબરૂ મુલાકાત કરી.  છેવટે એસપી યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર સાથે જોડાયેલી વીપી સાયન્સ કોલેજમાં મને પ્રિ-સાયન્સ માટે પ્રવેશ મળ્યો.

એન્જિનિયરિંગમાં પ્રવેશનો કિસ્સો: મારા પ્રિ - સાયન્સના પરિણામના આધારે વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના મેડિકલ વિદ્યાશાખામાં પ્રવેશ માટે મળી શકે તેમ હતો. હું મેડિકલમાં ન જવા બાબતે બહુ સ્પષ્ટ અને મક્ક્મ હતો.[3] મેં જાતે લીધો હોય એવો આ પહેલો નિર્ણય હતો. મહેશભાઈ સાથેની ચર્ચા દરમિયાન, મને લાગ્યું કે હું મેડિકલમાં જોડાઉં તે કદાચ તેમને પસંદ હતું. પરંતુ તેમણે પોતાનો મત મને સ્પષ્ટપણે જણાવ્યો નહીં. તેના બદલે, તેમણે બહુ જ સારી રીતે મારા દૃષ્ટિકોણને સમજ્યો અને પૂરા દિલથી મને ટેકો આપ્યો.

આ પછીથી તો ઘણી વાર એવું બન્યું કે મારા અને મહેશભાઈના વિચારો અલગ હોય. જોકે, સામેનાના દૃષ્ટિકોણને સમજવાના તેમના સ્વભાવને કારણે, આ દરેક કિસ્સામાં અમે એકબીજાના દૃષ્ટિકોણની ભાવના અને પ્રક્રિયામાં સહમતિ આપવા માટે અસંમત થઈ શક્યા. ત્યારથી, મેં મહેશભાઈની વ્યક્ત, કે અવ્યક્ત, વિચાર પ્રક્રિયાને હું વધુ સારી રીતે સમજવા લાગ્યો. તે જ રીતે હું મારા દૃષ્ટિકોણને પણ તેમની દૃષ્ટિથી જોઈ શકવા લાગ્યો.

૧૯૬૪માં, એચ કોલોનીમાં અમારા રહેવાસ દરમિયાન, મહેશભાઈએ તેમના પિતા (પ્રાણલાલ વાઘજી વૈષ્ણવ - અમારા બધા માટે, બાપુ) ગુમાવ્યા.

Sunday, December 7, 2025

મારા પિતા - મહેશભાઈ પ્રાણલાલ વૈષ્ણવ :: પહેલો તબક્કો - ભુજ અને રાજકોટ : વર્ષ ૧૯૫૪ થી ૧૯૬૧

 


મારા પિતા, મહેશભાઈ (પ્રાણલાલ વૈષ્ણવ) - જન્મ: ૧૯૨૫ | મૃત્યુ: ૧૮-૧૨-૧૯૮૩ - પ્રાણલાલ અને રેવાકુંવર વૈષ્ણવના ત્રણ પુત્રોમાં બીજા હતા.


તેમણે ૧૯૪૭ ના કોઈક સમયે વાણિજ્ય વિદ્યાશાખામાં સ્નાતક થયા હતા. ૧૯૪૮ માં તેમના અને કિરણા (મારા મા, જેમને અમે બેન કહેતા) નાં લગ્ન થયાં.

ફાઇલ ફોટો: મહેશભાઈ સુશોભિત કારમાં વરઘોડામાં...

સ્નાતક થયા પછી, તેઓ ભુજ ખાતે સરકારી નોકરીમાં જોડાયા. મને યાદ છે ત્યાં સુધી, શરૂઆતમાં તેમણે થોડાં વર્ષ રેવન્યુ ખાતામાં નોકરી કરી. લગભગ ૧૯૫૨ માં કૃષિ વિભાગમાં જોડાયા. તેમના પિતા પણ રેવન્યુ ખાતામાંથી નિવૃત થયા તેને મહેશભાઈનાં રેવન્યુ ખાતાં જોડે જોડાવાનો સંબંધ છે કે કેમ તે તો મને ખબર નથી. તે જ રીતે રેવન્યુ ખાતું છોડવાને રેવન્યુ ખાતાંની બહુ બદનામ 'આડા હાથની કમાણી' સાથે તેમનો સ્વભાવગત સજ્જડ વિરોધ કારણભૂત હશે કે કેમ તે પણ મને ખબર નથી.

મહેશભાઈની મારી યાદો મારાં ચારેક વર્ષની ઉમર (૧૯૫૪)થી  શરૂ કરીને તેમના દેહાવસાનને કારણે તેમની જીવનમાંથી કાયમ માટેની નિવૃતિ (૧૯૮૩) સુધી સંકળાયેલી છે. આજે જ્યારે હું આ યાદોને મારાં મનની સુષુપ્ત યાદોમાંથી બહાર લાવતો જાઉં છું તેમ તેમ મને સમજાય છે કે મહેશભાઈનાં વ્યક્તિત્વ, સ્વભાવ અને તેમનાં મૂલ્યોની મારા પણ એક ચોક્કસ છાપ પડી છે. હા, તેમનાં મૂલ્યોને જીવનમાં સાકાર કરવાની તેમની પદ્ધતિ અને મારાં મૂલ્યો અને મારી પદ્ધતિમાં તાત્વિક સમાનતા છતાં દેખીતો ઘણો તફાવત પણ રહ્યો છે, તે પણ મને સમજાય છે. મારૂં એવું માનવું છે કે કોઈ પણ પિતા અને પુત્રએ પોતપોતાની ઝિંદગીઓ અલગ અલગ સંજોગોમાંથી પસાર થઈને જીવવાનું બને છે તેને કારણે હશે.

પશ્ચાતદૃષ્ટિ કરતાં મને એમ પણ જણાય છે કે મારી મહેશભાઈની યાદો અને તેની સાથે સંકળાતી અમારા સંબંધોની કડીઓને મહેશભાઈની નોકરીના તબક્કાઓ અને તેને કારણે અલગ અલગ શહેરોમાં / સ્થળોએ અમારે રહેવાનું થયું તેની સમયરેખા સાથે જોડવાથી રજૂઆતનો પ્રવાહ સહજ અને સરળ બનતો જાય છે. 

પહેલો તબક્કો - ભુજ અને રાજકોટ : વર્ષ ૧૯૫૪ થી ૧૯૬૧

મેં શાળાએ જવાનું શરૂ કર્યું ત્યારથી (૧૯૫૪) અમે રાજકોટ શિફ્ટ થયા (૧૯૫૮) સુધી, મહેશભાઈ મારા દરેક જન્મદિવસ પર મને એક પુસ્તક ભેટ આપતા.  તેનું એક સીધું પરિણમ એ આવ્યું કે મારી વાંચવાની આવડત બહુ વહેલેથી કેળવાવા લાગી, અને જે આગળ જતાં એક બહુ જ પ્રિય શોખનો વિષય બની રહી. પુસ્તકો ઉપરાંત તેમણે ગાંડિવ, રમકડું, ચાંદમામા વગેરે જેવા જાણીતા બાળ સામયિકોનાં લવાજમો પણ બંધાવ્યાં.  વાંચનની આદતનું આ બીજ મારામાં વવાયું તે, આગળ જતાં, ફક્ત મારા માટે માત્ર એક શોખની સાથે સાથે એક બહુ મહત્વનું સંસાધન તો બની જ રહ્યું, પરંતુ ઘરમાં વાંચવાનાં વાતાવરણે મારા પુત્ર (મહેશભાઈના પૌત્ર) તાદાત્મ્ય અને પછી તાદાત્મ્ય દ્વારા તેના પુત્ર તનય (મહેશભાઈના પ્રપૌત્ર) સુધી વાંચવાના  શોખનાં મૂળીયાં પ્રસારવામાં ઉદ્દીપકની પણ ભૂમિકા ભજવી.

મહેશભાઈ તાદાત્મ્ય સાથે (૧૯૮૩ ની આસપાસ)
મહેશભાઈના અવસાનના થોડા મહિના પહેલા

મહેશભાઈના રાજકોટ ટ્રાન્સફર થયા પહેલા મને યાદ આવતો એક સીમાચિહ્નરૂપ પ્રસંગ મારા યજ્ઞોપવિતનો પ્રસંગ (લગભગ મે ૧૯૫૮) હતો.

લગભગ બે કે ત્રણ મહિના પછી, મહેશભાઈની બદલી રાજકોટ થઈ.

રાજકોટ જતાં વેંત અમે મનહર પ્લોટના એક ઘરમાં રહ્યાં. એ ઘરનું ચોક્કસ સ્થળ મને યાદ નથી આવતું. થોડા મહિનામામ જ અમે એ ઘર બદલીને શેરી ન. ૮માં આવેલ તંતી નિવાસમાં સ્થાયી થયાં. તંતી નિવાસની એક બાજુ દૂર દૂર સુધી ખુલ્લુ મેદાન હતું, એ મેદાનમાં અમુક અમુક જગ્યાએ તો ઉંડી કોતરો પણ હતી. તે પછી ભક્તિનગર સ્ટેશન પાસેથી પસાર થતી રેલ્વે લાઈન હતી. એ રેલ્વે લાઇનની બાજુમાં જ વિરાણી વિવિધલક્ષી હાઈસ્કૂલ હતી. એ મેદાનની લગભગ વચ્ચે એક ઓઇલ મિલ હતી. તંતી નિવાસથી મહેશભાઈની ઑફિસ જતાં પણ એક મેદાન આવતું, એ મેદાન પાર કરો એટલે જાગનાથ પ્લૉટ આવે. વચ્ચે એક બાજુ રાજકુમાર કૉલેજ અને બીજી બાજુએ રેસ કોર્સ આવે એવો મુખ્ય માર્ગ હતો, જે હવે ડૉ. યાજ્ઞિક રોડ તરીકે ઓળખાય છે. રોડ પર પહોંચતાં એક તરફ ધર્મેન્દ્રસિંહજી કૉલેજ અને બીજી તરફ રામકૃષ્ણ આશ્રમ આવેલ હતા.

આશ્રમનું પુસ્તકાલય રામકૃષ્ણ મિશનનાં સાહિત્યથી ખુબ સમૃદ્ધ હતું. આશ્રમના પુસ્તકાલયને કારણે, મહેશભાઈ આશ્રમના તત્કાલીન વડા,- સ્વામી ભૂતેશાનંદજી,ના સંપર્કમાં આવ્યા. સાંજે મહેશભાઈ જ્યારે ઑફિસથી પાછા ફરે ત્યારે એ મેદાન પાર કરીને જ આવવાનું થાય.  ત્યારે સ્વામીજી સાંજના ફરવા નીકળ્યા હોય. આમ ઘણી વાર બન્ને સાથે થઈ જતા. તેમની આ મુલાકાતોને પરિણામે બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા.  સ્વામીજીના સંસર્ગ અને આશ્રમના પુસ્તકાલયમાં આવેલ રામકૃષ્ણ મિશનનાં સાહિત્યના વાંચનની અસરના પરિપાકરૂપ રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદની વિચારધારાની મહેશભાઈ પર બહુ જ ઊંડી છાપ પડી હતી. એ વર્ષોમાં દર મહિને થોડી થોડી બચત કરીને મહેશભાઈ રામકૃષ્ણ પરમહંસ, મા શારદામણિ દેવી અને સ્વામી વિવિકાનંદનું પુષ્કળ સાહિત્ય ખરીદ્યું. એ બધું મેં હમણાં સુધી સાચવી રાખ્યું હતું, પરંતુ પછી તેની જાળવણી ન થઈ શકે એવી એક કક્ષા આવી પહોંચી એટલે એ બધું સાહિત્ય ભુજની લાયબ્રેરીમાં જમા કરવાવું પડ્યું.

રાજકોટ છોડ્યા પછી જ્યારે પણ રાજકોટ જવાનું થાય ત્યારે મહેશભાઈ આશ્રમની મુલાકાત લેવાનું ક્યારે પણ ચુકતા નહીં. મહેશભાઈના અવસાન પછી મેં પણ એ પ્રણાલિકા જાળવવાનો સન્નિષ્ઠ પ્રયાસ કર્યો છે.

મહેશભાઈના અવસાનની મેં સ્વામી ભૂતેશાનંદને જાણ કરી હતી. રાજકોટ છોડ્યાને ત્રેવીસ વર્ષનાં વહાણાં વીતી ગયાં હતાં. સ્વામીજી ત્યારે રામકૃષ્ણ મઠ, બેલુર (કોલકાતા),ના વડા હતા. (તેમ છતાં) સ્વામીજીએ પોતાના હસ્તાક્ષરમાં જવાબ આપ્યો હતો, જેમાં મહેશભાઈ સાથેના તેમના ગાઢ સંબંધોને તેમણે બહુ જ આત્મીયતાથી યાદ કર્યા હતા. મારાં કમનસીબે, હું તે પત્ર સાચવી શક્યો નથી.

મહેશભાઈએ મને પણ આશ્રમની લાયબ્રેરીનો પરિચય કરાવ્યો હતો. હું લાયબ્રેરીમાં નિયમિત મુલાકાતી હતો અને બાળકો માટે ખાસ પ્રકાશિત આશ્રમના પ્રકાશનો વાંચવામાં સારો સમય વિતાવતો હતો. ઘણી વાર પાછા ફરતી વખતે, મહેશભાઈ અને સ્વામીજી ચાલતા જતા હોય ત્યારે હું પણ સાથે થઈ જતો. ક્યારેક સ્વામીજી એકલા હોય અને હું સાથે થઈ જાઉં, તો તેઓ મારી સાથે પણ બહુ પ્રેમથી વાતો કરતા અને મેં શું વાંચ્યું તે વિશે પૂછતા. દેખીતી રીતે, આવા પ્રબુદ્ધ વ્યક્તિ સાથે વાત કરવાનું મહત્વ સમજવા માટે હું ખૂબ નાનો અને ખૂબ જ કાચો હતો. જોકે, જેમ જેમ હું પાછળ જોઉં છું, ત્યારે હવે હું સમજી શકું છું કે તે વાતચીતોએ મારા મનમાં ધર્મ એક આસ્થા નહીં પણ શું સાચું અને શું ખોટું એ સમજવાની વિવેકબુદ્ધિ વિકસાવવા માટે ગર્ભિત રીતે બીજ વાવ્યાં હશે.  

મનહર પ્લોટમાં લગભગ એક વર્ષ રહ્યા પછી, મહેશભાઈને એક સરકારી ક્વાર્ટર ફાળવવામાં આવ્યું હતું. આ ક્વાર્ટર્સ રાજકોટ સિવિલ હોસ્પિટલ (સદર સર્કલ પાસે, જે હવે ડૉ. આંબેડકર સર્કલ તરીકે ઓળખાય છે) ના સ્ટાફ માટે હતા. આ ક્વાર્ટર્સમાં ઘર જોડાયેલ શૌચાલય નહોતું. અલગ શૌચાલય બ્લોકમાં જવા માટે લગભગ ૧૦૦ મીટર ચાલવું પડતું હતું. દરેકને કતારમાં પોતાનો વારો રાહ જોવી પડતી હતી.

અહીંના રહેવાસમાં મને મારાથી ઓછામાં ઓછા એક દાયકાથી મોટા 'મિત્રો'ના સંપર્કમાં આવવાની પહેલી તક મળી. હકીકતમાં, એવું કંઈ નહોતું જે મને એ લોકોના મિત્ર તરીકે સ્વીકૃતિ માટે લાયક બનાવે. તેમ છતાં ક્વાર્ટર્સમાં દર વર્ષે નવરાત્રીની ઉજવણી સમયે થતા દાંડિયા રાસમાં મને સાથે રખાતો. દાંડિયા રાસ રાત્રે આઠેક વાગ્યાથી બે ત્રણ કલાક, વણથંભ્યો, રમાતો. સાવ સહજપણે રમાતો એ દાંડિયા રાસને હું કેમ જીરવી શક્યો હોઈશ તે આજે પણ સમજાતું નથી, કેમકે એ લોકો કરતાં ઉમરમાં અને અનુભવમાં હું 'સાવ' બાળક જ હતો, અને મારી ઉમરને કારણે મને કોઈ જ દયાભાવની છૂટ પણ નહોતી મળતી.

રાજકોટના અમારા રહેવાસના હું અહીં એવા બે પ્રસંગ ટાંકવાનું પસંદ કરીશ જેમાં મહેશભાઈએ ભલે પિતા તરીકેની તેમની સ્વાભાવિક ભૂમિકા ભજવી હોય પણ તેમાં તેમની સાથે રહેવાને કારણે મારા વ્યક્તિત્વના ઘડતરમાં એ બન્ને પ્રસગોનું અનોખું મહત્વ બની રહ્યું છે. - 

જ્યારે અમે રાજકોટ પહોંચ્યા, ત્યારે મેં ભૂજની મિડલ સ્કૂલમાં મારા પાંચમા ધોરણનું પહેલો સત્ર પુરૂં કર્યું હતો, વિરાણી હાઇસ્કૂલ મનહર પ્લોટના તંતી નિવાસનાં અમારાં ઘરથી સૌથી નજીકની શાળા હતી. શૈક્ષણિક વર્ષની અધવચ્ચેથી પ્રવેશ માટે વિરાણી હાઇસ્કૂલમાં લેખિત પરીક્ષા પાસ કરવી જરૂરી હતી. મહેશભાઇએ તેમના મોસાળ પક્ષનાં બહેન મુક્તાફઇ (મોટા અમ્મા, મારાં  દાદી-નાં દીકરી) ના સાળા જનાર્દનભાઇ વૈદ્ય[1]ની મદદ લીધી. જનાર્દનભાઇ વિરાણીમાં અંગ્રેજીના શિક્ષક હતા. પ્રવેશ પરીક્ષા માટે મને તૈયાર આપવા માટે તેમની પાસે ભાગ્યે જ સમય હતો. જોકે મને વિરાણીમાં પ્રવેશ તો મળ્યો. મેં પરીક્ષામાં કંઈ સારૂં પ્રદર્શન કર્યું હોય એવું તો બહુ શક્ય નહોતું. પરંતુ જનાર્દનભાઇના પ્રયાસો અને તેમના વિશે શાળામાં જે માન હતું એ બે પરિબળોનો ફાળો જ રહ્યો હશે જેને કારણે મને પ્રવેશ મળ્યો હશે!

મારી શાળા, વિરાણી હાઇસ્કૂલ, અમે જે સરકારી ક્વાર્ટ્સમાં રહેવા ગયેલાં તેનાથી તે સમયના રાજકોટના લગભગ બીજા છેડા પર હતી. શાળા માટે મારી આવન જાવન ક્યાં તો સિટી બસ સેવા દ્વારા અથવા, મોટી ટાંકી થઈને અને નહીં તો  ચૌધરી હાઇસ્કૂલના રસ્તેથી થઈને આખા રસ્તે ચાલીને થતી. સ્વતંત્રપણે, કોઈ પણ નવા રસ્તા શીખવાનો મારાં જીવનનો એ પહેલ વહેલો પાઠ !

મને ખબર નથી કે કેવી રીતે અને કેમ, પણ હું આ કસોટીઓમાંથી પાર તો ઉતરી ગયો. જોકે એ સમયે પણ હું ખૂબ જ કાચો અને શિખાઉ હતો,. એટલે આ બધ અનુભવોમાંથી ભવિષ્યની આવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે કોઈ આત્મવિશ્વાસ કેળવી શક્યો એમ તો ન કહી શકાય, સિવાય કે ચોક્કસપણે એટલું તો કહી શકાય કે ભવિષ્યનાં મારાં ઘડતરમાં આ અનુભવો મહદ્ અંશે મહત્વપૂર્ણ પરિબળો તો જરૂર બની રહ્યાં કહેવાય. 

ત્યારબાદ, મહેશભાઈની બદલી જૂનાગઢ કૃષિ કોલેજમાં થઈ. ત્યાં તેઓ કદાચ નવેક મહિનાથી વધારે નહીં રહ્યા હોય. ભવિષ્યમાં તેમને નવસારી કૃષિ કોલેજ અને પછી ગુજરાત કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડા, જિલ્લો, બનાસકાંઠા, ગુજરાત કામ કરવાનું હશે એટલે નિયતિએ આવી કોઈ યોજના કરી હશે કે કેમ તે તો નિયતિ જ જાણે ! પરંતુ અમને પણ એક સમયના રાજાશાહી બાગની લ્હાણ લેવાની અને ગિરનાર ચડવાની  તક મળી. જોકે, જૂનાગઢના એ બાગની જવિક સમૃદ્ધિની ખરી સમજ તો ૧૯૭૦ થી ૧૯૭૩ દરમિયાન મહેશભા નવસારી જતા ત્યારે નવસારી કૃષિ કોલેજનાં ફાર્મ્સ ખેતરોની મુલાકાત લીધા પછી પડી.

આજે પાછળ નજર કરતાં બહુ જ ચોક્કસપણે જોઈ શકાય છે કે મહેશભાઈની રાજકોટ બદલી થઈ એ મારા વ્યક્તિત્વને ઘડવામાં ગેમ ચેન્જર ઘટના હતી.