Showing posts with label Trip to XLRI_Jamshedpur. Show all posts
Showing posts with label Trip to XLRI_Jamshedpur. Show all posts

Sunday, November 3, 2024

BITS, પિલાણીઃ વર્ષ ૧૯૭૧-૧૯૭૩ - સહ - અભ્યાસિક પ્રવૃત્તિઓ : મહામૂલો અવસર અને એક્સએલઆરઆઈ, જમશેદપુરનો પ્રવાસ 

 

મહામૂલો અવસર

વાર્ષિક ઘટનાઓમાં સૌથી યાદગાર ઘટના હતી શ્રી જીડી બાબુ - ઘનશ્યામ દાસ બિડલા - કેમ્પસ મુલાકાત. બિરલા ઔદ્યોગિક ગૃપના સ્થાપક અને વડા અને ઈન્સ્ટિટ્યૂટના એ સમયના ચીફ પેટ્રન, જીડી બાબુ વર્ષે એક વાર પિલાણીની મુલાકાત અવશ્ય લેતા. તેમની મુલાકાત સમયે એક સ્વીકૃત ધારો હતો કે દરેક ફેકલ્ટીના છેલ્લાં વર્ષના બે થી ત્રણ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનાં એક ગૃપની તેમની સાથે અર્ધા કલાકની મુલાકાત ગોઠવાતી.  બીજાં વર્ષના વિદ્યાર્થીઓ અમારાં પહેલાં વર્ષમાં મૅનેજમૅન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે એક અલગ  અર્ધા કલાકની મુલાકાત ગોઠવી શકેલા. એ મુલાકાતો દરમ્યાન કોણ, શું , કેટલું, ક્યારે અને કઈ રીતે બોલશે તે માટેનાં રિહર્સલ જ પંદરેક દિવસથી ગોઠવાતાં.

એ બે વર્ષની મુલાકાતોમાંથી મને જીવનભરના આ બે પાઠ મળ્યા -

૧. સફળ લોકો માટે, તેમણે સ્વીકારેલી દરેક જવાબદારી એવું ધર્મયુદ્ધ છે જેમાં વાંછિત લક્ષ્ય મેળવવા માટેકરો ય મરોએ જ તેમનો ધર્મ છે. 'કેમ કામ ન થઈ શક્યું' એ માટેનાં બધાં જ સાચાં કારણો (તેમના શબ્દોના ભાવાર્થ અનુસાર, મૅનેજમૅન્ટના વિદ્યાર્થીઓ જેમને 'કન્સ્ટ્રેઈન્ટ્સ' કહે છે) તે તો માત્ર બહાનાં છે.

૨. સમસ્યા વ્યાખ્યાયિત કરવા માટે અને તેના સંભવિત ઉકેલોના વિકલ્પો માટેની વિશ્લેષણની સંખ્યાત્મક અને ગુણાત્મક પધ્ધતિઓની બધી કસરત કર્યા પછી એક સંચાલક તરીકે તમારે જે નિર્ણય લેવાનો આવે છે તે તો ચપટી વગાડવા માટે મળે એટલા સમયમાં જ લેવાનો હોય છે. એ માટે આ બધાં વિશ્લેષણને મગજમાં ગોઠવી અને તમારું આંતરમન, માહિતીસામગ્રીના અતિરેકમાંથી પેદા થતી અનિશ્ચિતતામાં નીર અને ક્ષીર અલગ પાડી શકે તેવી હંસ ન્યાયની કોઠાસૂઝ કેળવજો. 

એક્સએલઆરઆઈ, જમશેદપુરનો પ્રવાસ 

પહેલાં વર્ષના બીજા સમેસ્ટરમાં મૅનેજમૅન્ટ ફેકલ્ટીને મળેલી જાણ થઈ અમને એક્સએલઆરઆઈ, જમશેદપુર ખાતે યોજાતા મૅનેજમૅન્ટ ફેસ્ટ વિશે જાણવા મળ્યું. 

એક નવીસવી ઇન્સિટ્યુટનાં અને (તથાકથિત) પ્રથમ હરોળની ઇન્સિટ્યુટનાં શિક્ષણનાં સ્તરમાં કેવો અને કેટલો ફરક હોઈ શકે તે જાણવાની બીજા વર્ષની બૅચને તેમાં તક જણાઈ. આ તાર્કિક આધારનો ઉપયોગ કરીને અમે લોકો તેમાં ભાગ લઈએ એવી (અ)વિધિસરની સંમતિ તેઓ મેળવી શક્યા. (અ)વિધિસર એટલે બિઆઇટીએસ, પિલાણીની મૅનેજમૅન્ટ ફેકલ્ટીના અધિકૃત વિદ્યાર્થીઓ તરીકે અમે ત્યાં પ્રતિનિધિત્વ કરી શકીએ, પણ મુસાફરી, રહેવાની સગવડ જેવી બધી જ વ્યવસ્થાઓ અમારે અમારી જાતે કરી લેવાની. હા, અમને એટલા દિવસની ગેરહાજરીની મંજૂરી વિધિસરની હતી.

ફરી એક વાર, બીજાં અને પહેલાં વર્ષના અન્ય કયા સહવિદ્યાર્થીઓ સાથે હતા તે તો મને યાદ નથી આવતું. એ ઉત્સવની બીજી વિગતો પણ મને યાદ નથી આવતી. પરંતુ એ તો બહુ ચૂકસપણે યાદ છે કે  એ સમયનાં ભારતના  મૅનેજમૅન્ટ પ્રવાહો વિષે સાંભળવા એ દોહ્યલો અવસર ગણાય એવા ટાટા ગૃપના બે સુખ્યાત અગ્રણીઓ, રુસી મોદી અને ડૉ. જે જે ઈરાની,ને સાવ બિનઔપચારિક પરિપ્રેક્ષ્યમાં સાંભળવા મળ્યા.

અંગત રીતે, ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી થઈને પસાર થતી ટ્રેનની એ મુસાફરી જે નામો માત્ર સાંભળ્યાં જ હતાં એવાં શહેરો પાસેથી પસાર થવાનો મને અવસર સાંપડ્યો હતો.