Showing posts with label Rare Duets of Talat Mahmood. Show all posts
Showing posts with label Rare Duets of Talat Mahmood. Show all posts

Sunday, February 11, 2024

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૯મું સંસ્કરણ - ફેબ્રુઆરી ૨૦૨૪

 તલત મહેમૂદનાં યુગલ ગીતો:  આશા ભોસલે સાથે - ૧૯૫૪ - ૧૯૫૫

તલત મહેમૂદ (૨૪ ફેબ્રુઆરી ૧૯૨૪ - ૯ મે ૧૯૯૬) નો સ્વર '૫૦ના દાયકાના શ્રોતાઓ પર તો જાદુઈ સંમોહિની ની માફક છવાયેલો હતો. મુકેશ, મન્ના ડે, મોહમ્મદ રફી કે કિશોર કુમાર જેવા એ સમયના સાથી - સ્પર્ધક ગાયકોની સામે તલત મહમૂદનો મખમલી અવાજ પોતાનું અલગ સ્થાન પ્રસ્થાપિત કરી ચુક્યો હતો. ૧૨ ભારતીય ભાષાઓમાં ૭૪૭ જેટલાં ગીતોના ધની તલત મહેમુદે ૧૨ ફિલ્મોમાં અભિનય પણ કરેલ છે.

હિંદી ફિલ્મનાં ગીતોની તવારીખમાં તલત મહેમૂદનાં અન્ય સ્ત્રી ગાયિકાઓ સાથેનાં યુગલ ગીતો એક અનોખું પ્રકરણ છે. તેથી, તલત મહેમૂદના જન્મ દિવસના મહિનામાં તેમનાં ગીતોને યાદ કરવાના આપણા ઉપક્રમમાં આપણે ઓછાં સાભળવા મળતાં તલત મહેમૂદનાં યુગલ ગીતોની સફરની કેડી પકડી છે. તે અનુસાર, આપણે

૨૦૧૭માં તલત મહેમૂદનાં વિસારે પડેલાં કેટલાંક યુગલ ગીતો

૨૦૧૮માં તલત મહેમૂદ: ઓછો સંગાથ થયેલાં સહકલાકારો સાથેનાં યુગલ ગીતો

૨૦૧૯માં તલત મહમુદનાં મુબારક બેગમ અને મધુબાલા ઝવેરી સાથેનાં યુગલ ગીતો,

૨૦૨૦માં તલત મહેમૂદનાં યુગલ ગીતો - ગીતા (રોય) દત્ત સાથે - ૧૯૫૦થી ૧૯૫૨

૨૦૨૧માં તલત મહેમૂદનાં યુગલ ગીતો  ગીતા દત્ત સાથે - ૧૯૫૪ થી ૧૯૫૭,

૨૦૨૨માં તલત મહેમૂદ અને શમશાદ બેગમનાં યુગલ ગીતો અને

૨૦૨૩માં તલત મહેમૂદ અને આશા ભોસલેનાં વર્ષ ૧૯૫૧, ૧૯૫૨ અંને ૧૯૫૩નાં યુગલ ગીતો

સાંભળ્યાં છે 

આપણે ગત મણકામાં જોયું કે તલત મહેમૂદ અને આશા ભોસલેની કારકીર્દીઓ અલગ અલગ સમયે પોતપોતાની પરાકાષ્ટાએ પહોંચતી હતી તેમ છતાં તેમનાં દરેક સમયનાં યુગલ ગીતોમાં બન્નેના સ્વરનું એક અજબ સંયોજન રચાતું હતું. એ મણકામાં ૧૯૫૧, ૧૯૫૨ અને ૧૯૫૩ના વર્ષોનાં તલત મહેમૂદ અને આશા ભોસલેનાં યુગલ ગીતોને યાદ કર્યા પછી હવે ૧૯૫૪ અને ૧૯૫૫નાં વર્ષોનાં યુગલ ગીતોને યાદ કરીશું.


ચલી કૌનસે દેશ ગુજરીયા તુ સજ ધજ કે - બુટ પોલિશ (૧૯૫૪) - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન 

શૈલેન્દ્રનાં અનેક ભાવવાહી ગીતોને શંકર જયકિશને એટલી જ ભાહવાહી ધુનોથી સજાવ્યાં છે. પ્રસ્તુત ગીતમાં આશા ભોસલે સાવ નાની છોકરી માટે ગાય છે તો પણ પોતાના 'પિયા'ને ઘેર સજ ધજ કે, પરણીને  જવા માટેની ઉત્કંઠા, આનંદ તેમના સ્વરમાં બાળસહજ ભોળપણ રીતે અનુભવાય છે.



દિલકી દુનિયા જગમગાયી .... ન જાને આજ ક્યું આજ ક્યું મુસ્કુરાયે આજ ક્યું દિલકી દુનિયા - ડાક બાબુ (૧૯૫૪) - ગીતકારઃ ચાંદ પંડિત -સંગીત ધનીરામ 

ધનીરામ બહુ જાણીતા સંગીતકાર નથી, પણ આ ગીતમાં તેઓ જે પ્રેમભીની લાગણી લઈ આવ્યા છે તે આ ભુલાયેલાં રત્નને અન્મોલ બનાવી દે છે.



બુરા હુઆ જો ઇનસે નૈના લડ ગયે જી, બનકે મુસીબત યે જો હમારે પીછે પડ ગયે જી - લાડલા (૧૯૫૪) - મોહમ્મદ રફી, શમશાદ બેગમ સાથે - ગીતકારઃ રાજા મહેંદી અલી ખાન - સંગીતઃ વિનોદ 

મોહમ્મદ રફી અને શમશાદ બેગમના સ્વરોની મસ્તી સાથે તલત મહેમૂદ પણ સુર મેળવીને મજાક મસ્તીમાં ભળે છે.



યે ખોઈ ખોઈ સી નજરોંમેં પ્યાર કિસકા હૈ યે ઢૂંઢતે હો કિસે ઈંજ઼ાર કિસકા હૈ, પ્યાર નહીં છુપતા છુપાને સે... દેખ લિઆ સુના થા - લાડલા (૧૯૫૪) - ગીતકારઃ કૈફ ઈર્ફાની - સંગીતઃ વિનોદ

ગીતની સાખીના બોલ અપરિચિત લાગે પણ મુખડાના ઉપાડ સાથે ગીતની યાદ તરોતાજા બની રહે છે.



આડ વાતઃ

'લાડલા' નામની બીજી બે ફિલ્મ ૧૯૬૬ અને ૧૯૯૪માં રજુ થઈ છે.

શમા પર જલકે ભી પરવાના ફના હોતા નહીં - મિનાર (૧૯૫૪) - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ સી રામચંદ્ર 

મૂળ ગીતમાં જે તલત મહેમૂદના સ્વરમાં જે સાખી છે તે ફિલ્મમાં નથી લેવાઈ. એટલે ગીતની વિડીયો ક્લિપમાં સાખી આશા ભોસલેના સ્વરમાં છે. 



મેરે જીવનમેં આયા હૈ કૌન - પ્યાસે નૈન (૧૯૫૪) - ગીતકારઃ વાહીદ ક઼ુરૈશી - સંગીતઃ એસ કે પાલ 

ગીતમાં આશા ભોસલે તો કાઉન્ટર મેલોડી સ્વરૂપના આલાપમાં  જ સાથ આપે છે.


 

દિલ - એ -નાદાં જમાનેમેં મુહોબ્બત એક ધોખા હૈ, યે સબ કહને કી બાતેં હૈ કિસી કા કૌન હોતા હૈ - મસ્ત કલંદર (૧૯૫૫) - ગીતકારઃ અસદ ભોપાલી - સંગીતઃ હંસરાજ બહલ

યુગલ ગીતમાં તલત મહમૂદ પોતાનાં દુઃખોની પીડાઓ કહે છે એતો આશા ભોસલે પ્રેમનો મલમ લગાડવાની ભૂમિકા ભજવે છે.

શ્રેષ્ઠ યુગલ ગીતોમાં આ યુગલ ગીતનું સ્થાન હજુ પણ જળાવયેલું રહે છે.



દિલ કી મહેફિલ સજાને રોજ આ જાઓ તો જાને, મુલાક઼ાત હો બાત હો રાત હો જી હો - મસ્ત કલંદર (૧૯૫૫) - ગીતકારઃ અસદ ભોપાલી - સંગીતઃ હંસરાજ બહલ 

આ સુમધુર યુગલ ગીત વિસારે પડેલું રત્ન છે.



અભી તક હૈ યે રાઝ જીના બસ જીના મોહબ્બતમેં મુશ્કિલ હૈ મરના કે જીના, મોહબ્બત્મેં જીના હૈ, તુફાન મેં જીના, મચલતે હૈ અરમાં ધડકતા હૈ સીના - રફ્તાર (૧૯૫૫) -ગીતકારઃ નક્શાબ ઝરાચ્વી - સંગીતઃ શિવરામ

યુગલ ગીત અજાણ્યું છે. પરંતુ, ગીતકાર જ ફિલ્મના દિગ્દર્શક છે અને તલત મહમૂદ ફિલ્મના નાયક છે એ વાત નોંધપાત્ર બની રહે!



યું હી કરકે બહાના ચલી આયા કરો ...... મુઝે હર રોજ મુખડા દિખાયા કરો, દર્દ - એ -દિલકી હસીં ન ઉડાયા કરો .જાઓ જાઓ ના બાતેં બનાયા કરો - શાહ બેહરામ (૧૯૫૫) - ગીતકારઃ અસદ ભોપાલી - સંગીતઃ હંસરાજ બહલ 

પ્રેમની મીઠી નોકઝોકની લાગણીઓ બન્ને ગાયકો ખુબ સહજતાથી તાદૂશ કરે છે.



પથ્થર દિલ હો ગયા દુનિયાકા ન કોઈ તેરી સુને ન કોઈ મેરી સુને ….. ફરીયાદોંંમેં કોઈ અસર ન રહા ન કોઈ તેરી સુને ન કોઈ મેરી સુને - શાહ બેહરામ (૧૯૫૫) - ગીતકારઃ અસદ ભોપાલી - સંગીતઃ હંસરાજ બહલ

હવે બન્ને પ્રેમીઓના સ્વરમાં પોતાના પ્રેમની દુનિયા દ્વારા થતી રૂખી અવગણનાની ફરિયાદ છે.



કફસમેં ડાલા મુજ઼ે અપને રાઝદારોંને મેરે ચમન કો હૈ લુટા મેરી બહારોંને, ખુદા ગવાહ હૈ સનમ મેરી બેગુનાહીકા દિયા ફરેબ તક઼દીર કે સિતારોંને - તાતર કો ચોર (૧૯૫૫) - મુબારક બેગમ સાથે - ગીતકારઃ પ્રેમ ધવન - સંગીતઃ ખય્યામ

તલત મહેમૂદ, આશા ભોસલે અને મુબારક બેગમ, એમ ત્રણ સાવ અલગ જ પ્રકારના સ્વરોનું અહીં એક અનોખું સંયોજન રચાયું છે જે મુખડાના બોલથી જ પોતાનો જાદુ પ્રસારે છે.



તલત મહેમૂદનાં આશા બોસલે સાથેના યુગલ ગીતોની સફર હજુ આગળ ધપતી રહેશે ........ 


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

Sunday, February 12, 2023

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૮મું સંસ્કરણ - ફેબ્રુઆરી ૨૦૨૩

 

તલત મહેમૂદનાં યુગલ ગીતો:  આશા ભોસલે સાથે - ૧૯૫૧, ૧૯૫૨ અને ૧૯૫૩

તલત મહેમૂદ (૨૪ ફેબ્રુઆરી ૧૯૨૪ - ૯ મે ૧૯૯૬)ની હિંદી ફિલ્મ જગતની કારકિર્દીની  આમ તો ૧૯૪૫ થી ૧૯૮૧ સુધી સક્રિય રહી ગણાય, પણ તેની કળાનો સિતારાની ચમક્દમક '૫૦ના દાયકામાં સોળે કળાએ પ્રકાસહતી રહી ગણાય. યોગાનુયોગ છે કે '૫૦ના દાયકામાં બીજા બે ગાયક સિતારાઓ - અમેરિકામાં એલ્વીસ પ્રિસ્લી અને ઈંગ્લૅંડમાં ક્લિફ રિચાર્ડ - પણ એવી જ રીતે નિખરતા રહ્યા હતા.  પોતપોતાના અવાજની અદ્ભૂત સંમોહિની ઉપરાંત તેઓમાં ખુબ દેખાવડા હોવાનું, હંમેશ સુંદર અને આક્રર્ષક વસ્ત્ર પરિધાનથી સજ્જજ રહેવાનું પણ અજબ સામ્ય હતું.

 તલત મહમુદે તેમની કારકિર્દી દરમ્યાન ૭૫૦ જેટલાં ગીતો ગાયાં હશે જે પૈકી તેમના સમયનાં લગભગ દરેક ગાયિકા સાથેનાં યુગલ ગીતોમાં તલત મહેમૂદની ગાયકીની અલગ અલગ ઝાંય વર્તાતી રહી છે. એટલે જ એમના જન્મ દિવસના મહિનામાં તેમનાં ગીતોને યાદ કરવાના આપણા ઉપક્રમમાં આપણે ઓછાં સાભળવા મળતાં તલત મહેમૂદનાં યુગલ ગીતોની સફરની કેડી પકડી છે.

તે અનુસાર, આપણે

૨૦૧૭માં તલત મહેમૂદનાં વિસારે પડેલાં કેટલાંક યુગલ ગીતો

૨૦૧૮માં તલત મહેમૂદ: ઓછો સંગાથ થયેલાં સહકલાકારો સાથેનાં યુગલ ગીતો

૨૦૧૯માં તલત મહમુદનાં મુબારક બેગમ અને મધુબાલા ઝવેરી સાથેનાં યુગલ ગીતો,

૨૦૨૦માં તલત મહેમૂદનાં યુગલ ગીતો - ગીતા (રોય) દત્ત સાથે - ૧૯૫૦થી ૧૯૫૨

૨૦૨૧માં તલત મહેમૂદનાં યુગલ ગીતો  ગીતા દત્ત સાથે - ૧૯૫૪ થી ૧૯૫૭, અને

૨૦૨૨માં તલત મહેમૂદ અને શમશાદ બેગમનાં યુગલ ગીતો 

સાંભળ્યાં છે 

હવે પછી આપણે તલત મહેમૂદ અને આશા ભોસલેનાં યુગલ ગીતો સાંભળીશું.


તલત મહેમૂદની કારકિર્દીનો સિતારો જ્યારે બુલંદ હતો એ '૫૦નો દાયકો આશા ભોસલેના લતા મંગેશકરના પડછાયામાંથી બહાર નીકળીને પોતાનાં અલગ અસ્તિત્વને પ્રસ્થાપિત કરવાના સંઘર્ષનો હતો.  તલત મહેમૂદ અને આશા ભોસલેનાં યુગલ ગીતોની કુલ સંખ્યા વિશે આધારભૂત માહિતી નથી મળી શકી પરંતુ એ યુગલ ગીતોમાંથી ૧૯૫૧થી ૧૯૫૯ના તલત મહેમૂદના સુવર્ણ કાળ અને આઅશા ભોસલેનાં સંઘર્ષનાં વર્ષોમાં બન્નેએ ૫૧ જેટલાં જે યુગલ ગીતો ગાયાં છે તે યુગલ ગીતોને યાદ કરવાં એ જ એક અનોખો અનુભવ  બની રહે એ વાતની પ્રતીતિ આપણે જાતે જ કરી લઈએ.

આજના અંકમાં આપણે તલત મહેમૂદ અને આશા ભોસલેની વર્ષ ૧૯૫૧થી શરૂ થયેલ યુગલ ગીતોની સફરનાં ૧૯૫૧માં બે, ૧૯૫૨નું એક અને ૧૯૫૩નાં  યુગલ ગીતો સાંભળીશું. 

૫૦ના દાયકામાં જે સંગીતકારોએ તલત મહેમૂદનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરતા હતા તે લતા મંગેશકરના સ્વર સાથેના પ્રયોગો કરી અને પોત પોતાનું સ્થાન સુનિશ્ચિત કરવા પર વધારે ધ્યાન આપી રહ્યા હતા. એ સંજોગોમાં આશા ભોસલે માટે જે કંઈ તકો મળતી હતી તે એ સમયના પ્રથમ હરોળમાં સ્થાન મેળવી ચુકેલા (કે રહેલા) સંગીતકારો સિવાયના સંગીતકારો પાસેથી જ મળતી હતી. આ વલણ '૫૧ -'૫૯નાં તલત મહેમૂદ - આશા ભોસલેનાં યુગલ ગીતોમાં સ્પષ્ટપણે વર્તાઈ રહે છે.    

મેરા મન ઝૂમ ઝૂમ લહરાયે  - તિતલી  (ફૉર લેડિઝ ઑન્લી) (૧૯૫૧) – ગીતકાર: મનોહર સિંગ સહરાઈ – સંગીત: વિનોદ

તલત મહેમૂદ અને આશા ભોસલેનાં યુગલ ગીતો સાંભળવાની શરૂઆત આ યુગલ ગીતથી વધારે સારી ન થઈ શકી હોત. '

આ રમતિયાળ ગીતમાં આશા ભોસલેને પોતાના સ્વરની મસ્તીની ખુબીઓ રજુ કરવાની તક મળે છે અને તલત મહેમૂદ પણ ગીતનાં એ રમતિયાળ અંગોને એટલી જ સહજતાથી ન્યાય આપે છે.


તુમ બડે વો હો મુહબ્બતકા મઝા ક્યા જાનો - ઈમાન (૧૯૫૧) - રજુઆત ન પામેલ ફિલ્મ - ગીતકાર: હસરત જયપુરી  - સંગીત: મોતી રામ

ગીતના બોલ વાંચતાં સાથે જ ગીત ગીતનો ભાવ પ્રેમીઓના વાર્તાલાપની સોમેંટિક પળોનો હશે તે સમજાઈ જાય. આશા ભોસલે જેટલાં રમતિયાળ અનુભવાય છે તેના પ્રમાણમાં તલત મહેમૂદ કંઈક અંશે ઓછા ખુલતા અનુભવાય છે. જોકે એકંદરે ગીત સાંભળવું જરૂર ગમે છે.    


પ્યાર ભી આતા હૈ ગુસ્સાભી આતા હૈ, તુમ હી કહો ઐસે કોઈ કિસી કો છોડકે ભી જાતા હૈ  - ગુંજ (૧૯૫૨) -  ગીતકાર:ડી એન મધોક - સંગીત: સાર્દુલ ક્વાત્રા

પોતાનાં ગીતોમાં લોક ગીતોના તાલને ખુબ સહજતાથી વણી લેતા સાર્દુલ ક્વાત્રા પણ હિંદી ફિલ્મોમાં અપેક્ષિત સફળતા ન મેળવી શક્યા.

ફિલ્મમાં છેલ્લે ન સ્વીકારાયેલાં  કહેવાતાં આ યુગલ ગીતમાં તલત મહેમૂદ પોતાના મુલાયમ સ્વરને પણ નિર્ભેળ રોમાંસના આનંદમાં વહેતો મુકી શક્યા છે. 


કિસીને નઝર સે નઝર જબ મિલા દી મેરી ઝિંદગી.. ઝૂમ કે મુસ્કુરા દી - હમસફર (૧૯૫૩) - ગીતકાર: સાહિર લુધીયાનવી - સંગીત: અલી અકબર ખાન

બન્ને પ્રેમીઓ નજર મિલાપના સંમોહનમાં છે.  તલત મહમૂદે ગાયેલા ભાગમાં તેમનાં એ સમયનાં ગૈર ફિલ્મી ગીતોની છાંટ અનુભવાયા વિના નથી રહેવાતું.

આ યુગલ ગીત વિશે ની બીજી એક ખાસ વાત એ છે કે ફિલ્મમાં બીજાં ગીતોમાં પુરુષ સ્વર કિશોર કુમારનો અને સ્ત્રી સ્વરો લતા મંગેશકર કે ગીતા દત્તના છે !  


એસ ડી બર્મન જેમ જેમ સફળ થતા ગયા તેમ તેમ તેઓ મોહમ્મદ રફી કે કિશોર કુમારના તેમ જ લતા મંગેશકરના સ્વરોને બધારે વાપરતા થયા. અશા ભોસલેનો પણ તેઓએ મુખ્ય ગાયિકા તરીકે ઉપયોગ લતા મંગેશકર સાથેના અણબનાવનાં વર્ષો દરમ્યાન જ વધારે કર્યો. આવા જ બધા સંજોગોને કારણે એ સમયના પ્રથમ હરોળમાં સ્થાન પામતા સંગીતકારો પાસેથી આપણને તલત મહેમૂદ અને આશા ભોસલેનાં  બહુ જૂજ યુગલ ગીતો મળે છે.

ચાહે કિતના તુમ મુઝે બુલાઓગે નહીં બોલુંગી .... બોલ ન બોલ અય જાનેવાલે સુન તો લે અય દિવાનોંકી - અરમાન (૧૯૫૩) - ગીતકાર: સાહિર લુધીયાનવી - સંગીત: એસ ડી બર્મન 

બન્ને પ્રેમીઓ અલગ પડી જવાનાં દુઃખને પોતપોતાની રીતે વ્યક્ત કરે છે. 

અહીં આશા ભોસલેની ગાયકીમાં ગીતા દત્તની શૈલી છાંટ અનુભવાય છે.

તલત મહેમૂદનું સૉલો વર્ઝન પણ છે -


આડવાતઃ

૧૯૫૩ની 'બાબલા' અને 'અરમાન' સાથે સાહિર લુધીયાનવી અને એસ ડી બર્મનની ૧૮ ફિલ્મોની સળંગ સફળ સહયાત્રા શરૂ થઈ જે ૧૯૫૭ની 'પ્યાસા' સાથે થંભી ગઈ. 

તેરી મર્ઝી હૈ જહાં મુઝે લે ચલ તુ વહાં - ઘર  બાર (૧૯૫૩) - ગીતકાર: ઈંદીવર - સંગીત: વસંત પ્રભુ

મરાઠી ફિલ્મોના ખુબ સફળ સંગીતકાર વસંત પ્રભુએ આ એક માત્ર હિંદી ફિલ્મ માટે સંગીત આપ્યું છે.

ગીતનો ઉપાડ આશા ભોસલેના સ્વરમાં નૃત્ય ગીતની શૈલીમાં થાય છે તો તલત મહેમૂદ ધીર ગંભીર રહે છે. જોકે તે પછી તલત મહેમૂદ પણ ગીતના આનંદના ભાવમાં પળોટાયાએલા રહે હે. 


બહારોંકી દુનિયા પુકારે તુ આ જા .. તેરે મુંઝિર હૈ સિતારે આ જા -  લૈલા મજનુ (૧૯૫૩) -  ગીતકાર: શકીલ બદાયુની - સંગીત: સરદાર મલિક 

શમ્મી કપુરની શરૂઆતની ફિલ્મોમાં જ્યારે તલત મહમુદ તેમનો પાર્શ્વસ્વર હતા એ સમયનું એક ખુબ લોકપ્રિય યુગલ ગીત આજે પણ એટલું જ સાંભળવું ગમે છે.


દેખ લી તેરી અય તેરી મહેરબાની દેખ લી -  લૈલા મજનુ (૧૯૫૩) -  ગીતકાર: શકીલ બદાયુની - સંગીત: સરદાર મલિક  

પૂર્ણતઃ કરૂણ ભાવનાં આ યુગલ ગીતમાં આશા ભોસલે પણ તલત મહેમૂદની બરાબરી કરવામાં પાછાં નથી પડી રહ્યાં.


રાત ચાંદની સાથ તુમ્હારા રંગ મુહબ્બત લાયી, કભી નજ઼રમેં તુમ લહરાયેં, કભી નજ઼ર લહરાઈ - પેહલી શાદી (૧૯૫૩) - ગીતકાર: કૈફ ઈર્ફાની - સંગીત: રોબિન બેનર્જી 

ચાંદની રાતમાં બે પ્રેમીઓ સાથે હોય તો દિલ ખુશીથી કેવું ઊછળવા લાગે એ ભાવ સંગીતકારે ધુનમાં અને બન્ને ગાયકોએ ગાયકીમાં તાદૃશ કરી આપેલ છે. 


આજના અંક માટે ૧૯૫૩નાં તલત મહેમૂદ અને આશા ભોસલેનાં યુગલ ગીતો ખોળતાં ખોળતાં આ બન્નેએ ગાયેલું એક પંજાબી યુગલ ગીત હાથ લાગી ગયું.

મેરે દિલ દી સેજ દીયે રાનીયે ની - લારા લપ્પા ૧૯૫૩) - ગીતકાર: એમ એસ સેહરાઈ - સંગીત: ધનીરામ 

ધનીરામ વિશે વિગતે પરિચય  આવતા અંકમાં તેમનાં 'ડાક બાબુ' (૧૯૫૪)નાં તલત મહેમૂદ - આશા ભોસલેનાં યુગલ ગીતને સાંભળતી વખતે કરીશું અત્યારે તો તેમનાં લડકી (૧૯૫૩)નાં એક બહુ જાણીતાં ગીત - મૈં હું ભારતકી એક નાર લડને મરને કો તૈયાર -ને યાદ કરીને તેમને યાદ કરી લઈએ.  

ધનીરામનાં સંગીતમાં જેટલું પ્રાધાન્ય શાસ્ત્રીય સંગીતનું જોવા મળે છે, એટલું જ પ્રાધાન્ય પ્રસંગોચિત ઉત્તર પ્રદેશ ને પંજાબનાં લોક સંગીતનું જોવા મળે છે. જેમકે પ્રસ્તુત ગીતમાં તેમણે પંજાબી લોકધુનને કેટલી અસરકારક રીતે વણી લીધી છે.


હવે પછીના અંકમાં તલત મહેમૂદ અને આશા ભોસલેનાં યુગલ ગીતોની આ સફર આગળ ધપાવીશું.


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

Sunday, February 13, 2022

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ફેબ્રુઆરી, ૨૦૨૨

તલત મહમૂદનાં યુગલ ગીતો  શમશાદ બેગમ સાથે

તલત મહમૂદ
(૨૪ ફેબ્રુઆરી ૧૯૨૪ - ૯ મે ૧૯૯૬)ની હિંદી ફિલ્મ જગતની કારકિર્દીની શરૂઆત તો ૧૯૪૫ થી થઈ હતી, પરંતુ તેને ખરો વેગ તો અય દિલ મુજ઼ લે ચલ જહાં કોઈ ન હો (આરઝૂ,૧૯૫૦- ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી – સંગીતકાર: અનિલ બિશ્વાસ)ની સફળતાથી જ મળ્યો ગણાય છે. આ એ કાળખંડ હતો જ્યારે તલત મહમૂદના સમકાલીન મુકેશ અને મોહમ્મદ રફીની કારકિર્દીઓ પણ વેગ પકડી રહી હતી. આટલું ઓછું હોય તેમ તલત મહમૂદનું ધ્યાન તેમની ગાયક અને અભિનેતા તરીકેની ભૂમિકાઓ વચ્ચે પણ વહેંચાયેલું હતું. તેમ છતાં તેમની કારકિર્દી સમગ્રપણે લગભગ ચાર દાયકા સુધી જીવંત રહી અને તેમના મુલાયમ સ્વરને આજે પણ 'ગ઼ઝલના શહેનશાહ' તરીકે યાદ કરવામાં આવે છે.

શમશાદ બેગમ (૧૪ એપ્રિલ ૧૯૧૯ -૨૩ એપ્રિલ ૨૦૧૩)ને 'હિંદી ફિલ્મોનાં સૌ પહેલાં પાર્શ્વગાયિકા' તરીકે યાદ કરવામાં આવે છે. પાર્શ્વગાયનનાં ક્ષેત્રે તેમની અલગ ઓળખ ઊભી કરી અને એક આગવું સ્થાન રચવામાં તેમના સ્વરની સાવ જ અલગ ભાત મુખ્ય પરિબળ હતી. નુરજહાં, કાનન બાલા, સુરૈયા, અમીરબાઈ કર્ણાટકી , ઝોહરાબાઈ અંબાલેવાલી વગેરે જેવાં '૪૦ના દશકાનાં કે લતા મંગેશકર, ગીતા દત્ત કે આશા ભોસલે જેવાં '૫૦-'૬૦ના દશકાઓનાં પાર્શ્વગાયિકાઓ કરતાં તેમનો સ્વર સહજપણે અલગ પડી રહેતો. તેમની કારકિર્દીની બહુ જ શરૂઆતની ફિલ્મો , ખજાનચી (૧૯૪૧) અને ખાનદાન (૧૯૪૨),નાં ગીતોની સફળતાએ તેમને અગ્ર હરોળમાં મુકી આપેલ. ૧૯૫૦થી ૧૯૫૫ દરમ્યાન અને પછી થોડો સમય ૧૯૬૭-૧૯૬૮માં પણ તેમના સ્વરનાં ચાહકોની સંખ્યા બહોળી જ રહી હતી.

આમ, આ બન્ને કલાકારોના પુરેપુરા ખીલેલા સમયનો સંગાથ તો માંડ ૧૯૫૦થી ૧૯૫૫ સુધી રહ્યો. આ સંગાથનો, ચકાચૌંધ સફળતા વરેલ, આરંભ બાબુલ (૧૯૫૦ - મુખ્ય કલાકારો દિલીપ કુમાર, નરગીસ, મુન્નવર સુલ્તાના - સંગીત નૌશાદ)નાં યુગલ ગીતોથી થયો. પરંતુ ફિલ્મ જગતની નિયતિની નોંધ હવે પછી એવી ફંટાઈ કે તલત મહમૂદને બદલે નૌશાદ (દિલીપ કુમાર માટે) મોહમમ્દ રફી તરફ વળી ગયા. વળી 'અંદાઝ' (૧૯૪૦)થી નૌશાદનાં મુખ્ય પ્રાશ્વગાયિકા તો લતા મંગેશકર બની જ ચુક્યાં હતાં, એટલે શમશાદ બેગમની 'બાબુલ'ની સફળતા તો 'સમાંતર' હીરોઈન મુન્નવર સુલતાના માટેનાં ગીતોની જ હતી. હવે પછી એવાં પાત્રો સાથેની ફિલ્મો આવે તો શમશાદ બેગમનું સ્થાન જળવાય ! એસ ડી બર્મન, સી રામચંદ્ર, શંકર જયકિશન, મદન મોહન, રોશન જેવા પ્રથમ હરોળમાં કહી શકાય એવા અન્ય સંગીતકારો તલત મહમૂદ સાથે કામ કરતા રહ્યા, પણ શમશાદ બેગમ તેમની પસંદનાં મુખ્ય પાર્શ્વગાયિકા નહોતાં રહ્યાં. ઓ પી નય્યર શમશાદ બેગમને મુખ્ય ગાયિકા ગણીને કામ કરતા હતા પણ તલત મહમૂદ તેમની પહેલી પસંદના ગાયક નહોતા.

સંજોગો અને નસીબના આ ખેલનું પરિણામ આવ્યું તલત મહમૂદ અને શમશાદ બેગમ જેવાં અનોખાં ગાયકોનાં માત્ર આંગળીને વેઢે ગણાય એટલાં યુગલ ગીતોનાં સ્વરૂપે, જેમાં પણ ત્રણ તો ત્રિપુટી ગીતો છે. આટલું ઓછું હોય તેમ આ ગીતો પણ વહેંચાઈ જાય છે છ એવા અલગ અલગ સંગીતકારોમાં જેમને પ્રથમ હરોળના સંગીતકારોમાં નિર્વિવાદપણે સ્થાન નહોતું મળ્યું, પછી આ છ સંગીતકારોમાંથી, વિનોદ, મોહમ્મદ શફી અને લછ્છીરામ જેવા ત્રણ ભલેને ખુબ જ પ્રતિભાવાન સંગીતકારો કેમ ન હોય !

એક તરફ હિંદી ફિલ્મ સંગીતના ઇતિહાસનાં શ્રેષ્ઠ ગીતોમાં સ્થાન પામતાં તલત મહમૂદનાં યુગલ ગીતોની સાથે ગીતમાં કઈક ને કંઈક ખુબી હોવા છતાં, તલત મહમૂદના જન્મદિવસના મહિનામાં, વિસારે પડી ગયેલાં તલત મહમૂદનાં યુગલ ગીતોની યાદ તાજી કરવાનો ઉપક્રમ, એટલે જ આપણે પ્રયોજ્યો છે.. તે અનુસાર, આપણે

૨૦૧૭માં તલત મહમૂદનાં વિસારે પડેલાં કેટલાંક યુગલ ગીતો

૨૦૧૮માં તલત મહમૂદ: ઓછો સંગાથ થયેલાં સહકલાકારો સાથેનાં યુગલ ગીતો

૨૦૧૯માં તલત મહમુદનાં મુબારક બેગમ અને મધુબાલા ઝવેરી સાથેનાં યુગલ ગીતો,

૨૦૨૦માં તલત મહેમૂદનાં યુગલ ગીતો - ગીતા (રોય) દત્ત સાથે - ૧૯૫૦થી ૧૯૫૨, અને

૨૦૨૧માં તલત મહમૂદનાં યુગલ ગીતો ગીતા દત્ત સાથે - ૧૯૫૪ થી ૧૯૫૭

સાંભળ્યાં છે.

આજે આપણે તલત મહમૂદ અને શમશાદ બેગમનાં યુગલ ગીતો સાંભળીશું.

મિલતે હી આંખેં દિલ હુઆ દિવાના કિસીકા - બાબુલ (૧૯૫૦) – ગીતકાર: શકીલ બદાયુની – સંગીતકાર: નૌશાદ

શમશાદ બેગમના સ્વરની તલત મહમૂદ જેટલી જ કુમળાશ એક એવું ખા પરિબળ છે જેને કારણે આ યુગલ ગીત હિદી ફિલ્મ સંગીતનાં યુગલ ગીતોમાં પ્રથમ હરોળમાં ત્યારે પણ અને આ્જે પણ સ્થાન ધરાવે છે.

દુનિયા બદલ ગયી, મેરી દુનિયા બદલ ગયી - - બાબુલ (૧૯૫૦) – ગીતકાર: શકીલ બદાયુની – સંગીતકાર: નૌશાદ

આ કરૂણ ભાવનાં ગીતમાં બન્ને ગાયકોએ જે સંવેદનાપૂર્ણ સ્વર પુર્યો છે તેને નૌશાદ દ્વારા પ્રયોજિત ખુબ જ સમૃદ્ધ વાદ્યસજ્જાએ વધારે ઘુંટેલ છે.

ખાસ નોંધપાત્ર વાત તો એ પણ છે કે તલત મહમૂદના સ્વર માટે કરૂણ ભાવ સહજ ગણાતો હતો એટલો જ સહજ કરૂણ ભાવ શમશાદ બેગમનો પણ લાગે છે, જે શમશાદ બેગમના સ્વરની બહુમુખી પ્રતિભાનું એક જીવંત પ્રમાણ છે.

નદીયામેં ઊઠા હૈ શોર છાયી હૈ ઘટા ઘનઘોર જાના દૂર હૈ …..નદી કિનારે સાથ હમારે શામ સુહાની આયી – મોહમ્મદ રફી અને કોરસ સાથે - - બાબુલ (૧૯૫૦) – ગીતકાર: શકીલ બદાયુની – સંગીતકાર: નૌશાદ

મોહમ્મદ રફી જેવા ગાયકની હાજરીને કારણે જ આ ગીત તકનીકી રીતે ત્રિપુટી ગીતમાં વર્ગીકરણ પામે છે, જોકે મોહમમ્દ રફીને તો સંગીતકારે નદીના પ્રવાહમાં વહેતી નાવનો ભાવ પેદા કરતા નાવિકના સ્વર તરીકે વાદ્યસજ્જાના એક ભાગ રૂપે જ કરેલ છે.

છોડ બાબુલ કા ઘર મુજે જાના પડા - બાબુલ (૧૯૫૦) – ગીતકાર: શકીલ બદાયુની – સંગીતકાર: નૌશાદ

શમશાદ બેગમનું ક્રેડિટ ટાઈટલ સૉલો, રમતિયાળ નૃત્ય ગીત જેમાં તલ્ત મહમૂદ માત્ર સાખી ગાય છે, તલત મહમૂદના સ્વરમાં અતંત મંદ લયનું કરૂણ પ્રેમાનુરાગ ભાવનું અને ફિલ્મના અંતમાં ઉદ્વેગની ચરમસીમા દર્શાવવા મોહમમ્દ રફીના ઊંચા સુરમાં એમ અનેક સ્વરૂપે આ ગીત ફિલ્મમાં આવે છે.એ દૃષ્ટિએ તલ્ત મહમૂદ- શમશાદ બેગમનાં યુગલ ગીત તરીકે તો આ ગીત જરૂર ન ગણાય પણ બન્ને ગાયકોના સ્વર અને ગાયકીની 'રેન્જ'નો આ એક જ ગીત પુરતો પુરાવો બની રહી શકે છે. એક તરફ આ બાબતે જેટલો ગર્વ થાય એટલી બીજી તરફ તેમને યુગલ ગીતો પુરતો ન્યાય ન મળવાનો અફસોસ પણ થાય!

જવાનીકે ઝમાનેમેં જો દિલ ન લગેગા - મધુબાલા (૧૯૫૦) – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ – સંગીતકાર: લછ્છીરામ

આવાં રમતિયાળ ગીતને પણ તલત મહમૂદ કેટલો સહજપણ એન્યાય આપી શકે છે તે અહીં જોઈ શકાય છે. મધુબાલા અને દેવ આનંદ જેવાં કલાકારો હોવા છતાં ફિલ્મની અન્ય બાબતોમાં નબળી હતી તેથી ટિકિટ્બારી પર ખા કંઈ ઉકાળી ન શકી. પરિણામે ફિલ્મનાં ગીતો પણ વિસ્મૃતિઓની ધુળના થર ચડી ગયા.

લૈલા લૈલા પુકારૂં મૈં વનમેં - મિ. સંપટ (૧૯૫૨)- ગીતકાર: પંડિત ઈન્દ્ર – સંગીતકાર: બાલકૃષ્ણ કલ્લા

આર કે નારાયણની વાર્તા, ,મિ. સંપટ - ધ પ્રિન્ટર ઑફ માલગુડી, પરથી બનેલી આ ફિલ્મમાં પદ્મિની એક એવી અભિનેત્રીની ભૂમિકા કરે છે. પ્રસ્તુત ગીતમાં પરદ અપર તેણે ભજવેલી ફિલ્મોના ટુકડાઓ દર્શાવાયા છે, જેમાં અલગ અલગ ગીતો ભજવાય છે. આમ આ ગીત ખરા અર્થમાં તો યુગલ ગીત નથી.

ઓ મૃગનયની મધુબહિની મેનકા તુમ હો કહાં - મિ. સંપટ (૧૯૫૨)- ગીતકાર: પંડિત ઈન્દ્ર – સંગીતકાર: બાલકૃષ્ણ કલ્લા

અહીં એટલી નોંધ લેવી જોઈશે કે અમુક અમુક સંદર્ભમાં આ યુગલ ગીત પી જી કૃષ્ણવેણી અને ગીતા દત્તનાં યુગલ ગીત તરીકે પણ બતાવાયું છે.

બુરા હુઆ જો ઇનસે હમારે નૈના લડ ગયે - લાડલા (૧૯૫૪) -મોહમ્મદ રફી અને આશા ભોસલે સાથે - ગીતકાર રાજા મહેંદી અલી ખાન - સંગીત વિનોદ

પ્રેમીઓની 'નોંક-જોંક' પર બનતાં ગીતો હંદી ફિલ્મોનો એક પ્રચલિત પ્રકાર છે, પણ અહીં તો પ્રેમીઓની બે જોડીઓની નોંક જોંક સમાવાઈ છે !

મોહબ્બત બસ દિલ કે ઈતને સે અફસાને કો કહતે હૈ - મંગુ (૧૯૫૪) - ગીતકાર એસ એચ બિહારી - સંગીતકાર મોહમ્મદ શફી

કવ્વાલીની થાટમાં રચાયેલ આ ગીતમાં પણ તલત મહમૂદ મસ્તીના ભાવને બહુ સહજપણે ન્યાય આપે છે. શમશાદ બેગમ પણ વધારે ઝીણા સ્વરમાં ખુંચતાં નથી.
આડવાત

ફિલ્મમાં અર્ધે રસ્તે મોહમમ્દ શફીની જગ્યાએ ઓ પી નય્યરને લાવવામાં આવ્યા હતા. તેમણે આ ફિલ્માં સૌ પ્રથમ વાર આશા ભોસલેના સ્વરનો પ્રયોગ કર્યો. મોહમમ્દ શફીએ ફિલ્મમાં સુમન કલ્યાણપુરના સ્વરને હિંદી ફિલ્મનાં ગીતો માટે સૌ પ્રથમ વાર પ્રયોજેલ.

કેહના મેરા માન લે અય યાર - શાન-એ-હાતિમ (૧૯૫૮) - બલબીર સાથે - ગીતકાર રાજા મહેંદી અલી ખાન - સંગીતકાર એ આર ક઼ુરેશી 

નેટ પર ઉપલબ્ધ સંદર્ભો આ ગીતને ત્રિપુટી ગીત દર્શાવે છે, પરંતુ યુટ્યુબ પરની આ ક્લિપમાં તો માત્ર બલબીતનો જ સ્વર સાંભળવા મળે છે. ફિલ્મ અને ગીત એટલાં બધાં અજાણ્યાં છે કે સાચું શું છે તે જાણી નથી શકાયું.

દેખો બરસ રહી બરસાત -તીતલી / ફોર લેડીઝ ઓનલી (૧૯૫૧) - ગીતકાર સહરાઈ - સંગીતકાર વિનોદની ડિજિટલ આવૃતિ મળી નથી શકી.

'બાબુલ'નાં ગીતોની પ્રસિદ્ધિના પ્રકાશમાં તલત મહમૂદ અને શમશાદ બેગમનાં અન્ય યુગલ ગીતોમાં તેમના સ્વરનાં સંયોજનનાં વૈવિધ્ય ઝાંખાં પડતાં દેખાય છે તે પણ વિધિની કેવી વક્રતા છે - જે ગીતોને કારણે પ્રસિદ્ધિ મળી એ કક્ષાનું કામ ન મળ્યું અને જે કામ મળ્યું તેમાં તેમની પ્રતિભાને ન્યાય ન થયો ! જોકે હિંદી ફિલ્મ સંગીતના ક્ષેત્રે તો નસીબની દેવીની આવી ઝપટે ચડેલાં ઉદાહરણોની ખોટ જ નથી !

તલત મહમૂદનાં યુગલ ગીતોની આ શ્રેણીમાં હવે પછી તેમનાં આશા ભોસલે સાથેનાં યુગલ ગીતોની વાત કરીશું.

Sunday, February 14, 2021

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ફેબ્રુઆરી, ૨૦૨૧

 તલત મહેમૂદનાં યુગલ ગીતો - ગીતા (રોય) દત્ત સાથે :

મખમલી સ્વર અને મધુર કંઠનું વિરલ સંમિશ્રણ

તલત મહમૂદ(જન્મ: ૨૪ ફેબ્રુઆરી, ૧૯૨૪ | અવસાન: ૮ મે ૧૯૯૮) નાં ગીતોમાં નીચા સુરે મખમલી સ્વરનું પ્રાધાન્ય  જોવા મળે છે. તેમની ગાયકીનો, એ કારણે, એક એવો અલગ અંદાજ હતો કે સંગીતકારે પોતાની શૈલીને તેમની ગાયકીના ઢાળમાં ઢાળવી પડે. ગીતા દત્ત (મૂળ નામ - ગીતા ઘોષ રોય ચૌધરી, જન્મ : ૨૩ નવેમ્બર, ૧૯૩૦ | અવસાન: ૨૦ જુલાઈ ૧૯૭૮) ઈશ્વરદત્ત સુમધુર કંઠની સાથે બહોળી રેન્જની ગાયકીનાં ગાયિકા હતાં. બે અલગ અલગ પ્રકારની ગાયન શૈલીનાં સમકાલીન ગાયકોનાં યુગલ ગીતની રચનાઓ કરવી એ સંગીતકારો માટે એક અણખૂટ ખજાનામાંથી મનપસંદ રત્નો વીણવા જેવી તક ગણાય. પરંતુ બન્નેની કારકીર્દીને તેમની નિયતિઓએ એવા વળાંકો વચ્ચે ખીલવી કે સંખ્યાની દૃષ્ટિએ આ બે ગાયકોનાં યુગલ ગીતોની સંખ્યા (બહુ) મર્યાદિત રહી.

સંખ્યાની દૃષ્ટિએ તલત મહમૂદ - ગીતા દત્તાના યુગલ ગીતોનો આંકડો તલત મહમૂદ- લતા મંગેશકર અને તલત મહમૂદ - આશા ભોસલેનાં યુગલ ગીતો પછીના ક્રમે આવે છે. પરંતુ, આ બન્ને ગાયકોનાં અન્ય ગીતોની જેમ તેમનાં યુગલ ગીતોને પણ માત્ર સંખ્યાની દૃષ્ટિએ ન તો મુલવી શકાય કે ન તો માણી શકાય. તલત મહમૂદનો મખમલી સ્વર ગીતા દત્તના આગવા મધુર કંઠ સાથે જે સંમિશ્રણ સર્જે તેની અનુભૂતિ તો સાંભળ્યે જ પરખાય.

તલત મહમૂદની યાદને આપણે આ મંચ પર તેમના જન્મદિવસના મહિનામાં તેમનાં વિસારે પડી રહેલાં ગીતોને યાદ કરીને તાજી કરવાનો ઉપક્રમ રાખ્યો છે. તે અનુસાર, આપણે

૨૦૧૭માં તલત મહમૂદનાં વિસારે પડેલાં કેટલાંક યુગલ ગીતો

૨૦૧૮માં તલત મહમૂદ: ઓછો સંગાથ થયેલાં સહકલાકારો સાથેનાં યુગલ ગીતો

૨૦૧૯માં તલત મહમુદનાં મુબારક બેગમ અને મધુબાલા ઝવેરી સાથેનાં યુગલ ગીતો, અને

૨૦૨૦માં તલત મહેમૂદનાં યુગલ ગીતો - ગીતા (રોય) દત્ત સાથે - ૧૯૫૦થી ૧૯૫૨

સાંભળ્યાં છે

આજના અંકમાં હવે આપણે તલત મહમૂદ અને ગીતા દત્તનાં યુગલ ગીતોની આપણી સફર આગળ ધપાવીશું.

કહ રહી હૈ ધડકને પુકાર કર, ચુપકે ચુપકે ધીરે ધીરે પ્યાર કર - લાલ પરી (૧૯૫૪)- સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: અસદ ભોપાલી

ગીતા દત્તનાં કે / અને તલત મહમૂદનાં ચાહકો માટે આ ગીત યાદોની એવી દુનિયામાં લઈ જાય તેમાં ભુતકાળની આવી અનેક અવિસ્મરણીય યાદો ઢબુરાઈને પડી હોય છે.

મુહબ્બત કી દુનિયા મેં બરબાદ રહેના મગર કુછ ન કહેના - લકીરેં – સગીતકાર: હફીઝ ખાન – ગીતકાર: શેવાન રિઝ્વી

નીચા સુરમાં વહેતું ગીત ગીતના કરૂણ ભાવને ઘૂંટે છે.

વાહ રે વાહ ભગવાન...હજ઼ાર હાથવાલે, મંદિર કે દ્વાર ખુલે ઔર તેરે મુંહ પર તાલે - મહા પૂજા (૧૯૫૪) – સંગીતકાર: અવિનાશ વ્યાસ – ગીતકાર: રમેશ ગુપ્તા

અવિનાશ વ્યાસ અને ગીતા દતના સંગાથે એ સમયની ગુજરાતી ફિલ્મોમાં બહુ જ લોકપ્રિય ગીતો આપ્યાં છે. બન્નેની સાથે કામ કરવાની ફાવટ પ્રસ્તુત ગીતમાં સહજ બની રહે છે. ગીતા દત્તનો સ્વર ખાસ સુરમાં, ઊંચા સુરમાં સાખીથી શરૂઆત કરતા તલત મહમૂદની સાથે, અકળ લીલા કરી રહેલ ઈશ્વરની સામે ફરિયાદ કરવા જોડાય છે.

આયે તો કૈસે આયે… મજબુર કર દિયા હૈ,,,,મિલ જાયે કોઈ તુમ સે આ કે સહર નહી કોઈ - સંગમ (૧૯૫૪) - સંગીતકાર: રામ ગાંગુલી – ગીતકાર: હસરત જયપુરી

અહીં ગીતા દત્ત ઊંચા સુરમાં સાખી ઉપાડે છે જેને વાદ્યવૃંદનો સમુહ સાથ પુરાવે છે. ગીતા દત્ત ગીતને પણ પ્રમાણમાં ઊચા સુરમાં જ ગાય છે જેની સાથે તલત મહમૂદનો સ્વર અનોખી જુગલબંધી રચીને ગીતના નિરાશામાંથી પ્રગટતા ક્રોધના ભાવને જીવંત કરે છે.

રાત હૈ અરમાન ભરી...ઔર ક્યા સુહાની રાત હૈ, આજ બીછડે દિલ મિલે હૈ, તેરા મેરા સાથ હૈ - સંગમ (૧૯૫૪) – સંગીતકાર: રામ ગાંગુલી – ગીતકાર: હસરત જયપુરી

ગીતનો ઉપાડ ઊંચા સુરમાં ગવાતાં, હલેસાં મારતાં નાવિકો પોતાનો તાલ મેળવવ અગાતં હોય એવાં,  સમુહ ગાન થી થાય છે. ગીતનો ભાવ પ્રસ્થાપિત કરવા માટે આટલું સમુહ ગાન પુરતું છે. આપણને ખ્યાલ આવી જ જાય છે કે આ દૃશ્ય મંદ પ્રવાહે વહેતી નદીમાં એક નાવમાં ખુલ્લી ચાંદની રાતનું હશે. ગીતના બોલ પછીથી પ્રેમી યુગલનાં મિલનની આ ઘડીની પૂર્તિ કરે છે.

તલત મહમૂદ - ગીતા દત્તનાં ખુબ લોકપ્રિય ગણાતાં યુગલ ગીતો પૈકીનું આ યુગલ ગીત આજે પણ સાંભળવું એટલું જ ગમે છે.

દેખો દેખો જી બલમ, દે કે બિરહા કા ગમ મેરા નન્હા સા જિયા તડપાના ના - બહુ (૧૫૫) – સંગીતકાર: હેમંત કુમાર – ગીતકાર: એસ એચ બિહારી

ગાયન અને વાદ્યસજાવટની એવી સ-રસ અગુંથણી કરાઈ છે કે ઝડપી લયમાં હોવા છતાં ગીતનાં માધુર્યને ઝાંખપ નથી લાગતી. ગીતા દત્ત પણ સુરની રમતિયાળ ચડઉતરની મજા લેતાં અનુભવાય છે.

ઠંડી ઠંડી હવાઓમેં, તારોં કી છાઓંમે, આજ બલમ ડોલે મોરા જિયા - બહુ (૧૯૫૫) – સંગીતકાર: હેમંત કુમાર ગીતકાર: એસ એચ બિહારી

ગીત સાંભળતાં એવું અનુભવાય કે પરદા પર આ ગીત ઘોડા ગાડી કે એ સમયે વધારે પ્રચલિત હતી એવી સાયકલ જેવાં વાહન પર સવારી કરતાં ગવાતું હશે  એ મુજબની ગીતની બાંધણી સરળ ઝડપી ધુન પર રચવામાં આવી છે. સમય રાતનો હશે?

ક્યા પાયા દુનિયા ને….દો પ્યાર ભરે દિલ તોડ કર ક્યા પાયા દુનિયા ને - દરબાર (૧૯૫૫) – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: અસદ ભોપાલી/પ્રેમ ધવન

બે યુવાન દિલોના સહજ પ્રેમની સાથે દુનિયા જે રીતે વર્તે છે તેની સામે, કરૂણ ભાવમય ગીતમાં સવાલ ઊઠાવાયેલ છે.

દોનો જહાં કે માલિક, તેરા હી આસરા હૈ… રાઝી હૈ હમ ઉસીમેં જિસ મેં તેરી રજ઼ા હૈ - ખુલ જા સિમ સિમ (૧૯૫૬) – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: અસદ ભોપાલી

માત્ર યોગાનુયોગ જ છે - ઉપરનાં જ ગીતની ટીમ હવે ઈશ્વર સામે લાચારી ભરી અરજ ગુજારીને દુનિયાના સિતમો સામે પનાહ માગે છે.ઊંચા સુરમાં જવાનો વારો હવે તલત મહમૂદનો જણાય છે. 

ઓ અરબપતી કી છોરી… ગોરી ગોરી...દિલ્લી દૂર નહીં - મખ્ખીચૂસ (૧૯૫૬) – સંગીતકાર: વિનોદ – ગીતકાર: પંડિત ઈન્દ્ર

ગીત છે તો હિંદી ફિલ્મોમાં બહુ પ્રચલિત એવા છેડ છાડ પ્રકારનું, ફરક માત્ર એટલો કે એ છેડ છાડ પ્રેમ થઈ ગયા પછીની મસ્તીનો છે. તલત મહમૂદને રમતિયાળ ગીત ગાવાનો લાભ મળ્યો છે તે સાથે મહિપાલને પણ સૂટટાઈમાં સજ્જ થઈ પરદા પર રમતિયાળ ગીત ગાવા મળવાની દુર્લભ તક મળી ગઈ છે !

સારે જગ સે નૈન ચુરાકે હો ગયી મૈં તેરી - નાગ પદ્મિની (૧૯૫૭) - સંગીતકાર: સન્મુખ બાબુ ઉપાધ્યાય - ગીતકાર: પ્રેમ ધવન

ફરી રમતિયાળ પ્રેમ છલકાવતું એક ગીત, જે ગીતા દત્તને ગાવું સહજ નીવડ્યું હશે, પણ તલત મહમૂદ પણ એટલી જ સહજતાથી ભાવ ઝીલે છે.

દિલ કો લગા કે ભુલ સે દિલ કા નિશાં મિટા દિયા - ડૉક્ટર ઝેડ - સંગીતકાર મનોહર - ગીતકાર અખ્તર રોમાની

ફિલ્મ નું નામ પણ અજાણ્યું છે અને સંગીતકાર પણ ખાસ જાણીતા નથી.પરંતુ તલત મહમૂદ અને ગીતા દત્ત વારાફરતી અંતરામાં જે રીતે આલાપ દ્વારા ગીતન અબોલ ઝીલે છે તે તેમના સ્વર પરના કાબુનું સચોટ ઉદાહરણ બની રહે છે. ઢોલકનો તાલ વાદ્ય તરીકે ઉપયોગ કરીને વૉલ્ઝની ધુનનો પ્રયોગ કરાયો છે. ગીત ગાવાં સરળ નથી જણાતું , પણ બન્ને ગાયકોએ ગીતને જે રીએ ન્યાય આપ્યો છે તેને કારણે ગીત ફરી ફરી સાંભળવું ગમે છે.

તુમ સા મિત મિલા દિલ કા ફૂલ ખીલા, ચલતે રહેં યું હી સનમ, ખુશીયોંકા કાફિલા - મિડનાઈટ (૧૯૭૨) – સંગીતકાર: સુબીર સેન - ગીતકાર ?

ફિલ્મ પરદા પર રિલીઝ થઈ જ નહીં. પણ કેટલાં ગીતોની રેકર્ડ્સ બહાર પડી ગઈ હતી, જેને કારણે તલત મહમૂદ અને ગીતા દત્તે સાથે ગાયું હોય એવું આ છેલ્લું ગીત આપણને સાંભળવા મળી રહ્યું છે.

તલત મહમૂદ - ગીતા દત્તનાં યુગલ ગીતોમાં 'તુમ્હારી મોહબ્બત કા બદલા' (સંગીતકાર દાન સિંગ - ફિલ્મ બહાદુર શાહ ઝફર [!?])નો ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ ગીત નેટ પર નથી મળી શક્યું. તે જ રીતે જિમ્મી દ્વારા સંગીતબધ્ધ થયેલ ગૈર ફિલ્મી યુગલ ગીત 'ચંદા હંસે હસ રહી ચાંદની' પણ નેટ પર નથી મળી શક્યું.

તલત મહમૂદ અને ગીતા દત્તનાં યુગલ ગીતો પર ફરી એક નજર કરતાં મુખ્ય પ્રવાહના સંગીતકારોની ગેરહાજરી ખાસ ધ્યાન પર આવે છે. મુખ્ય પ્રવાહના જે જે સંગીતકારોએ મોટાં નિર્માણ ગૃહોની ફિલ્મો માટે એ સમયે સંગીત આપ્યું તેમાં જો તલત મહમૂદ મુખ્ય ગાયક હોય તો ગીતા દત્ત મુખ્ય ગાયિકા ન હોય એવું વધારે બનતું તે એક ખાસ કારણ આમ થવ અપાછળ હોઈ શકે. જોકે આપણને જે ગીતૉ અહીં સંભળવાં મળે છે તે બધાં જ ખુબ જ પ્રતિભાશાળી, પણ પ્રચલિત અર્થમાં સફળ ન રહી શક્યા હોય એવા સંગીતકારો દ્વારા રચાયાં છે. જેથી તલત મહમૂદના મખમલી સ્વર અને ગીતા દત્તના કંઠની મિઠાશનાં અનોખાં સંમિશ્રણનો  એક ચીરસ્મરણીય યાદનો અવસર આપણા માટે ફરી વાર મુકી ગયો છે.


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.


પાદ નોંધ:  તલત મહેમૂદનાં ગીતા (રોય) દત્ત સાથે યુગલ ગીતો અને તેનાં અંગ્રેજી સંસ્કરણ Talat Mahmood: Duets with Geeta Dutt એક સાથે વાંચવા /ડાઉનલોડ કરવા માટે તલત મહેમૂદનાં ગીતા (રોય) દત્ત સાથે યુગલ ગીતો ।  Talat Mahmood: Duets with Geeta Dutt પર ક્લિક કરશો.