આ સદીના બીજા દશકના અંત સુધીમાં હિંદી ફિલ્મોમાં ૮૦,૦૦૦થી વધુ ગીતો રચાઈ ચુક્યાં છે. આ બધાં ગીતોને ગીતની બાંધણી, બોલ, ગાયકી, લોકપ્રિયતા જેવા કોઈ પણ માપદંડ પર મુલવીએ તો 'સરેરાશથી સારાં' કહી શકાય એવાં ગીતોની સંખ્યા બહુખ્યાત ૮૦:૨૦ના નિયમનું ઉલટું પ્રતિબિંબ દેખાય એવું વિધાન કરીએ તો ખોટાં પડવાની સંભાવના ઓછી રહે તેમ કહી શકાય.
કોઈ પણ પ્રમાણ્ય વિતરણ આલેખ (normal distribution curve)માં ૧૦ % ઉત્તમ, ૧૫% 'સરેરાશથી સારાં'. ૫૦% (ઠીક ઠીક અપેક્ષા મુજબ) હોય
છે. તેનાથી નીચે ૧૫ % 'અપેક્ષાથી ઊણા' અને
છેલ્લા ૧૦% તો 'સાવ કાઢી નાખવા' જેવાં
હોય છે.
મોહમ્મદ રફીનાં ગીતોમાં 'સદાબહાર', બહુ સારાં'
"ઠીક ઠીક', 'ચાલી જશે' અને 'સાવ કાઢી નાખવા જેવાં' એવો
ક્રમ પણ આ જ ઢાળ પર જતો હોવો બહુ સ્વાભાવિક જ છે. જોકે,
દરેક ક્રમનાં ગીતોને વધારે ઊંડાણથી જોઈએ તો દરેક ક્રમમાં એવાં ગીતો
જરૂર મળી રહેશે 'જે બીજાં ગીતોની પાછળ 'ઢંકાઈ' ગયાં હોય.
પ્રસ્તુત લેખમાં આપણો ઉપક્રમ મોહમ્મદ રફીનાં 'સદાબહાર' અને બહુ સારાં' ગીતોમાંથી આવાં
મોહમ્મદ રફી માટે ૫૦નો દાયકો
તેની કારકિર્દીનો શ્રેષ્ઠ સમય ગણાય છે. આ સમયમાં તેમણે તલત મહ્મુદ, મુકેશ કે મન્ના ડે તેવા પોતાના જ સમકક્ષ સમકાલીનો
સામે પોતાનું અગ્રીમ સ્થાન સ્થાપિત કર્યું. '૬૦ના દાયકામાં
ગીતોની સંખ્યા વધતી જવાનાં અને લોકચાહના તરફ વધારે ઢળતાં
ગીતો રચાવાના ફિલ્મ સંગીતના બદલતાં જતાં કલેવરમાં મોહમ્મદ રફીનાં સામાન્ય શ્રોતા
તરફથી મળતી લોકપ્રિયતા અને સંગીતના ગુણીલોકોની સ્વીકૃતિના માપદંડે પણ રફી ટોચ પર
રહ્યા. એવામાં ૧૯૬૯માં 'આરાધના' આવી
અને કિશોર કુમારના ભાવ રાતોરાત આકાશ આંબવા લાગ્યા. મોહમ્મદ રફીની આગવી ગુણવત્તામાં
ક્યાંય ઝાંખપ ન આવી હોવા છતાં હવે તેઓ 'બીજાં સ્થાન '
પર ગણાવા લાગ્યા. આ પરિપ્રેક્ષ્યમાં આજના લેખ માટેનાં ગીતોનો સમય
કાળ ૧૯૬૯ સુધી મર્યાદિત કરેલ છે.
આજના લેખમાં ગીતોની ગોઠવણી
મોહમ્મદ રફીએ એ સંગીતકાર માટે પહેલવહેલું ગીત જે વર્ષમાં ગાયું (દરેક ગીતમાં
સંગીતકારનાં નામ પછી એ વર્ષ મુક્યું છે) તે વર્ષના ચડતા ક્રમ મુજબ કરેલ છે.
મૈં ખો ગયા યહીં કહીં, જવાં હૈ ઋત સમા હસીં - ૧૨ ઑ' ક્લૉક - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી - સંગીત - ઓ પી નય્યર (૧૯૫૩)
મોહમ્મદ રફીને સામાન્ય વર્ગના
શ્રોતાના પણ મનપસંદ ગાયક બનાવવામાં ઓ પી નય્યરનો સિંહફાળો રહ્યો છે એમ કહી શકાય. ઓ
પી નય્યરનાં ગીતોમાંથી મોહમ્મદ રફીનાં 'સરેરાશથી
વધુ સારાં’ ગીતો શોધવા માટે કોઈએ ફિલ્મ સંગીતના ખાસ જાણકાર
હોવાની પણ જરૂર ન પડે.
'પ્યાસા' (૧૯૫૭)
પહેલાં ગુરુ દત્તે બનાવેલી બધી જ ફિલ્મો હળવા મુડની થ્રિલર ફિલ્મો હતી જેની
સફળતામાં ઓ પી નય્યરનો ફાળો પણ ઘણો મોટો હતો. રોમેન્ટીક પ્રકારની ભૂમિકો પણ્કરી
શકે છે એવા એક અભિનેતા તરીકે ગુરુ દત્તની છાપ પ્રસ્થાપિત કરવામાં પણ આ ગીતોએ
મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
જોકે, પ્રસ્તુત ગીત એટલું બધું રોમેન્ટીક છે કે
હિંદી ફિલ્મોમાં જેમની છાપ જ રોમેન્ટીક હીરોની હોય એવા અભિનેતાને પણ પરદા પર આ ગીત
રજુ કરવામાં સરખાં ફાંફાં પડ્યાં હોત. વળી ઓ પી નય્યરમાં બીજાં ગીતોની સરખામણીમાં
આ ગીતની ધુન ગાવામાં સહેલી પડે એવી પણ નથી.
તુમ એક બાર મોહબ્બત કા ઈમ્તિહાન તો લો, મેરે જૂનુન મેરી વહસત કા ઈમ્તિહાન તો લો - બાબર (૧૯૬૦) - ગીતકારઃ સાહિર લુધિયાનવી - સંગીત રોશન (૧૯૫૪)
રોશન અને મોહમ્મદ રફીના સંગાથની
શરૂઆત તો ૧૯૫૪થી થઈ ગયેલ. પરંતુ, શરૂઆતનાં
વર્ષોમાં રોશને મુકેશને તલત મહમુદ પાસે ગવડાવેલાં ગીતો વધારે નોંધપાત્ર રહ્યાં
છે.
રોશન અને મોહમ્મદ રફીનાં ખુબ
ઉત્તમ અને લોકપ્રિયા ગીતોનું ઘોડાપુર તો બરસાતકી રાત પછી જ આવ્યું ગણાય છે. એ
ફિલ્મે તો રોશન અને સાહિરનાં સંગાથને કાયમ માટે હરિયાળો બનાવી રાખ્યો.
રોશન અને સાહિરનાં એક એકથી ચડે
એવાં ગીતોની આ હેલીમાં તેમની પહેલવહેલી ફિલ્મ 'બાબર' (૧૯૬૦) તેનાં ઊંચી કક્ષામાં ગીતો છતાં આ હેલીમાં સાવ કોરાં જ રહ્યાં.
જાને કહાં દેખા હૈ તુમ્હેં કહાં
દેખા હૈ તુમ્હેં, જાગી જાગી
અખિયોકે સપનોંમેં કહાં દેખા હૈ તુમ્હેં - બીવી ઔર મકાન (૧૯૬૬) - ગીતકારઃ ગુલઝાર -
સંગીત હેમંત કુમાર (૧૯૫૪)
હેમંત કુમારનાં સંગીતમાં કોઈ પણ
પુરુષ ગાયકને ફાળે ફિલ્મનું હીરો દ્વારા પરદા પર ગવાયું હોય એવું રોમેન્ટીક ગીત તો
ભાગ્યે જ મળી આવે એવી જ સામાન્ય છાપ ગણાય. તેમાં પાછી, બીવી ઔર મકાન આમ તો કોમેડી પ્રકારની ફિલ્મ
ગણાય ! અને પાછું ફિલ્મનું મુખ્ય પાત્ર રોમેન્ટીક હીરો બિશ્વજીત નહીં પણ મહેમુદ!
આવી ફિલ્મમાં બહુ જ યાદગાર એવું રોમેન્ટીક ગીત, અને તે પણ
પાછું રફીના સ્વરમાં, હશે એવી કલ્પના પણ ક્યંથી થાય !
જોકે, આમ કહેતી વખતે બિશ્વજીત માટે જ એટલું જ
યાદગાર રોમેન્ટીક ગીત - તેરા હુસ્ન રહે મેરા ઇશ્ક઼ રહે (દો દિલ, ૧૯૬૫) -
ગીતકારઃ કૈફી આઝમી) હેમંત
કુમાર આપી ચુક્યા હતા એ નોંધ તો અવશ્ય લેવી જ પડે.
મેરી મહેબુબ મેરે સાથ હી ચલના હૈ તુમ્હેં, રોશની લેકે અંધેરેસે નીકલના હૈ તુમ્હેં - ગ્યારહ હજાર લડકીયાં (૧૯૬૨) - ગીતકારઃઃ કૈફી આઝમી - સંગીતઃ એન દત્તા (૧૯૫૫)
ફોલ્મ ટિકિટબારી પર બહુ સફળ ન
થઈ હોય તો પણ મોહમમ્દ રફીનાં શ્રેષ્ઠ કહી શકાય એવાં ગીતો પરદા પર ગાયં હોય એવા
હીરોમાં ભારત ભુષણનું નામ બહુ ઈર્ષા સાથે લેવાય.
પ્રસ્તુત ગીતને ફિલ્મમાં એન
દત્તાનાં શ્રેષ્ઠ યુગલ ગીતો પૈકી એક ગણાતાં દિલકી તમન્નાથી મસ્તીમેં મંઝિલસે ભી દુર નિકલતે એ જ ઢાંકી દીધું છે !
સરદાર મલિકની ગણના 'પ્રતિભાવાન પણ સફળ ન રહ્યા' હોય એવાં સંગીતકારોમાં થાય. એટલે એમનાં જે ગીતો બહુ જ લોકપ્રિય રહ્યાં
તેમને 'અપવાદ' તરીકે ગણવામાં આવે! 'સારંગા તેરી યાદમેં (સારંગા,
૧૯૬૧ - મુકેશ - ગીતકાર ભરત વ્યાસ) એવાં
ગીતોમાંનું શીરમોર ગીત. આ તો ભલું થજો યુ ટ્યુબ પર અનેક અપ્રાપ્ય ગીતો મુકનારાઓનું
કે આ ગીતને પહેલં રફી પાસે પણ ગવડાવાયું હતું એની નોંધ મળી આવે છે.
તેરી તસવીર ભી તુઝ જૈસી હસીન હૈ લેકિન, ઈસ પે ક઼ુરબાન મેરી જાન - એ - હઝીન હૈ લેકિન,યે મેરે ઝખ્મી ઉમંગોકા મદાહાવા તો નહીં - કિનારે કિનારે (૧૯૬૩) - ગીતકારઃ ન્યાય શર્મા - સંગીતઃ જયદેવ (૧૯૫૭)
'તસવીર' પરનાં
મોહમ્મદ રફીનાં બધાં જ ગીતો ખુબ જ જાણીતાં થયાં ગણાય છે. આટલું સારૂ એવું ગીત એમાં
કેમ અપવાદ રહી ગયું હશે? ચેતન આનંદ પર ફિલ્માવાયું છે એટલે
હશે? કે પછી 'કિનારે કિનારે'નાં બીજાં ગાયકોએ ગાયેલાં ગીતોની લોકસ્વીકૃતિ કારણભૂત હશે?
ઝરા સુન હસીના - એ - નાઝનીન
મેરા દિલ તુઝ હી પર નિસ્સાર હૈ ..
તેરે દમ પે હી મેરે દિલરૂબા મેરી ઝિંદગીમેં બહાર હૈ - કૌન અપના કૌન
પરાયા (૧૯૬૩) - ગીતકારઃ શકીલ બદાયુની - સંગીતઃ રવિ (૧૯૫૭)
રવિની કારકિર્દીને 'ચૌદહવી કા ચાંદ (૧૯૬૦) એ કાયમ માટે ચાર ચાંદ
લગાડી આપ્યાં. તે પછી તેમણે બનાવેલાં રફીનાં બધં જ ગીતોએ ડંકો વગાડ્યો હશે ! કોઈ
રડ્યાં ખડ્યાં 'સામાન્ય' કહી શકાય એવાં
ગીતો પણ તે સમયે તો સફળ થયાં જ હતાં.
પ્રસ્તુત ગીત રવિનાં ઉત્તમ ગીતો પૈકી એકમાં ગણના પામે. શકીલ બદાયુનીના
બોલ અને રફીની ગાયકી પણ એટલાં જ સુંદર છે. એટલે (જ્હોની વૉકરના ભાઈ) વિજય કુમારને
મળેલી સરિયામ અસ્વીકૃતિએ આ ગીતને ઢાંકી દીધું હોય એમ કહી શકાય.
મેરી નિગાહને ક્યા કામ લાજવાબ કિયા ઉન્હીં કો લાખોં હસીનોમેં ઇન્તકાબ કિયા - મોહબ્બત ઇસકો કહતે હૈ (૧૯૬૫) - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી - સંગીતઃ ખય્યામ (૧૯૫૮, એમનાં પોતાનાં નામથી રફી સાથેનું પહેલું ગીત)
આ ગીતની સામે મારી પાસે ઔર કુછ દેર ઠહર ઔર કુછ દેર ન જા (આખરી ખત, ૧૯૬૬) -
ગીતકારઃ કૈફી આઝમી) પડ્યું છે.
જોકે આ બન્ને ગીતને એ ગીતોની
ફિલ્મોનાં બીજાં ગીતોએ પણ ઢાં દીધાં તો હતાં જ. એ ગીતો છેઃ 'મહોબ્બત ઈસકો કહતે હૈં' નાં ઠહરીયે હોશમેં આઉં તો ચલે જાઈયેગા (રફી, સુમન
કલ્યાણપુર); જો હમ પે ગુજરતી હૈ તન્હા કિસે સમજાએં (સુમન કલ્યાણપુર) અને ઇતના હુસ્નપે હુઝુર ન ગુરૂર કિજિયે (મુકેશ). 'આખરી ખત'નાં લતાનં બે સોલો - બહારોં મેરા જીવન ભી સંવારો અને મેરે ચંદા મેરે નન્હે તેમજ ભુપિન્દરનું ઋત જવાં જવાં રાત મહેરબાં
દિલ કે આઈનેમેં તેરી તસવીર રહેતી હૈ ... મૈં યે સમજ઼ા કે કોઈ ઝન્નત કી પરી રહતી હૈ - આઓ પ્યાર કરેં (૯૧૬૪) - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ ઉષા ખન્ના (૧૯૫૯)
રફીનાં પાંચ સોલો અને એક યુગલ
ગીતને કારણે આ ફિલ્મ ઉષા ખન્નાએ રફીની ભરપુર ઉપયોગ કર્યો હોયે પૈકીની એક ફિલ્મ
ગણાય. જોકે, આમ પણ ઉષા ખન્ના અને રફીનાં ગીતો તો
અલગ લેખનો વિષય છે !
આ લેખ માટે ઉષા ખન્નાનાં ગીતોએ
ફંફોસતો હતો ત્યારે યાદીમાં આપેલા મુખડાના બોલ પરથી આખું ગીત યાદ ન આવ્યું. એટલે
આખું ગીત સાંભળ્યું. તે પછી વસવસો રહ્યા કરે છે એક આવું સરસ ગીત કેમ યાદ ન આવ્યું?
હમને દેખા હૈ તુમ્હેં ઐસા ગુમાં
હોત હૈ, ... આંખ મિલતી હૈ તો ક્યોં દર્દ જવાં હોતા
હૈ - જી ચાહતા હૈ (૧૯૭૧) - ગીતકારઃ હસરત જયપુરી - સંગીતઃ કલ્યાણજી આણંદજી (
સાચી યા ખોટી પણ એક એવી સામાન્ય
છાપ રહી છે કે કલ્યાણજી આણંદજી પાસે જ્યાં સુધી કોઈ વિકલ્પ હોય ત્યાં સુધી એ લોકો
રફીને લેવાનું ટાળે. જોકે તેઓએ રફી પાસે ગવડાવેલાં ગીતોની સંખ્યા અને ગુણવત્ત કંઈ
કમ તો નહોતી જ. આપણે પ્રસ્તુત ફિલ્મની જ વાત લઈએ. આ ફિલ્મમાં રફીનાં બે સોલો, બે યુગલ ગીતો અને એક ટ્વીન ગીત છે. આ ગીતો
એ સમયે લોકપ્રિય પણ થયેલાં. પણ મુકેશ પાસે ગવડાવેલું એક જ ગીત, હમ છોડ ચલે હૈ મહેફિલ કો યાદ આયે કભી તો મત રોના, બધાંને ઢાંકી દે છે.
પ્રસ્તુત ગીતના બોલ પરથી અને
ગીતની બાંધણી પરથી એવો ભાસ થાય કે ગીતમાં કરૂણ ભાવની છાંટ પણ છે. પણ ફિલ્માંકન જોતાં એવું લાગે કે પ્રેમ સંબંધની ખાતી મીઠી કડવી યાદોના વિચારોમાં નાયક ઊંડો ઉતરી
ગયો છે.. કદાચ ભાવનાં આવાં અસ્પષ્ટ નિરૂપણને કારણે આ ગીત ઢંકાઈ ગયું હશે.
તુમ્હેં દેખા હૈ મૈને
ગુલિસ્તાંમેં. કે જન્નત ઢુંઢ લી હૈ મૈને ઈસ જહાં મેં - ચંદન કા પલના (૧૯૬૭) -
ગીતકારઃ આનંદ બક્ષી- સંગીતઃ આર ડી બર્મન (૧૯૬૧)
રફી પાસે આર ડી બર્મને ૧૯૬૯ પછી
તો ભાગ્યે જ કોઈ ગીત ગવડાવ્યાં હશે એવા મત વિષેની ચર્ચામાં બન્ને પક્ષ હંમેશાં
ઉગ્ર વિવાદે ચડી જતા રહ્યા છે. એ ચર્ચાથી આપણે દુર રહીને એટલી નોંધ લઈ શું કે
મોહમ્મદ રફીનાં આર ડીએ ગવડાવેલાં બધાં ગીતોમાંથી માત્ર ત્રીજા ભાગનાં ગીતો જ ૧૯૭૦
સુધીનાં છે.
આ લેખ માટે ગીતોની શોધ દરમ્યાન ૧૯૭૦ પહેલાંના આર ડીનાં રફીનાં
ગીતોમાંથી બે એક ગીતો જ મારા માટે ઓછાં પરિચિત જણાયાં . જેમાનું એક ગીત આ પ્રસ્તુત
ગીત છે. ખુબીની વાત એ છે કે આ ગીત આર ડીની શૈલીનું જરા પણ લાગ્તું નથી. અને એટલે જ
ક્દાચ, ઢંકાઈ ગયું હશે !
અભી કમસીન હો નાદાં હો જાન - એ - જાના .. ક્યા કરોગી મેરા દિલ તોડ દોગી દોગી મેરા દિલ પહલે સીખો દેલ લગાના - આયા તૂફાન (૧૯૬૪) - ગીતકાર અસદ ભોપાલી - સંગીત લક્ષ્મીકાન્ત પ્યારેલાલ
લક્ષ્મી પ્યારેની શરૂઆતની
ફિલ્મો ટુંકા બજેટની બી કે સી ગ્રેડની ફિલ્મો હતી. પણ એ ફિલ્મોનાં બધાં જ ગીતો
તેમનાં સૌથી સારાં ગીતોમાં માનભર્યું સ્થાન ભોગવે છે. પ્રસ્તુત ગીત ખુબ મજાનું ગીત
છે, પણ એક બાજુ પારસમણી (૧૯૬૩) અને બીજી બાજુ
દોસ્તી (૧૯૬૪)નાં ગીતોની અઢળક લોકચાહના વચ્ચે તે પીસાઈ ગયું છે.
હવે પઃછી મોહમ્મદ રફીનાં ૧૯૭૦ સુધીનાં ઓછાં સાભળવા મળતાં સૉલો રત્ન સમાં ગીતોને યાદ કરીશું.