Sunday, July 13, 2025

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૧૦મું સંસ્કરણ – જુલાઈ, ૨૦૨૫

 

સંગીતકાર સાથેનું મોહમ્મદ રફીનું સૌપ્રથમ યુગલ ગીત:

બીજો પંચવર્ષીય સમયખંડ ૧૯૪૯ -૧૯૫૩: વર્ષ ૧૯૫૩ ()


મોહમ્મદ રફીની સાડા ત્રણ દાયકાની સક્રિય કારકિર્દી દરમ્યાન  દરેક વર્ષે એક, અથવા વધુ, સંગીતકાર સાથે સર્વપ્રથમ સહયોગ કરવાનું તેમને બનતું જ રહ્યું.  મોહમ્મદ રફીના જન્મદિવસ [૨૪ ડીસેમ્બર, ૧૯૨૪] અને મૃત્યુ તિથિ [૩૧ જુલાઇ, ૧૯૮૦]ની યાદમાં આપણે મોહમ્મદ રફીનાં સંગીતકાર સાથેનાં પહેલવહેલાં સૉલો ગીતોને યાદ કરતી શ્રેણી ડીસેમ્બર ૨૦૧૬ થી ૨૦૨૦ સુધી કરી ચુક્યાં છીએ.

મોહમ્મદ રફીએ ગાયેલાં ગીતોમાં તેમનાં યુગલ ગીતોનું સ્થાન અદકેરું જ રહ્યું છે. તેથી સંગીતકાર સાથેનાં મોહમ્મદ રફીનાં પહેલવહેલાં યુગલ ગીતની શ્રેણીનું અનુસરણ સ્વાભાવિક ક્રમ જ બની રહે. આપણો મુખ્ય ઉદ્દેશ્ય મોહમ્મદ રફીનાં યુગલ ગીતોને યાદ કરવાનો છે એટલે જે વર્ષે કોઈ સંગીતકાર સાથે જે જે ફિલ્મમાં સૌ પ્રથમ વાર મોહમ્મદ રફીનું એક કે એકથી વધારે યુગલ ગીત નોંધાય એ બધી ફિલ્મોનાં એ યુગલ ગીતો સાંભળવાનો હવે ઉપક્રમ રાખેલ છે. જો સ્ત્રી -પુરુષ યુગલ ગીત અને પુરુષ - પુરુષ યુગલ ગીત અલગ અલગ વર્ષમાં આવેલ હોય તો એ સંગીતકાર સાથેનાં મોહમ્મદ રફીનાં યુગલ ગીત તે તે વર્ષમાં લઈશું. 

અત્યાર સુધી આપણે 

૧૯૪૪થી ૧૯૪૮નાં વર્ષોના પ્રથમ સમયખંડને ૨૦૨૧માં,

૧૯૪૯થી ૧૯૫૩ના બીજા પંચવર્ષીય સમયખંડનાં

૧૯૪૯નાં ગીતોનો પહેલો ભાગ જુલાઈ ૨૦૨૨માં,

૧૯૪૯નાં ગીતોનો બીજો ભાગ ડિસેમ્બર ૨૦૨૨માં,

૧૯૫૦નાં ગીતો જુલાઈ ૨૦૨૩માં,

૧૯૫૧નાં ગીતો ડિસેમ્બર ૨૦૨૩માં

૧૯૫૨નાં ગીતો જુલાઈ ૨૦૨૩માં, અને

૧૯૫૩ (૧)નાં ગીતો ડિસેમ્બર ૨૦૨૪માં

                           આવરી ચૂક્યાં છીએ. 

આપણે સંગીતકાર સાથેનાં મોહમ્મદ રફીનાં ૧૯૫૩નાં સર્વ પ્રથમ યુગલ ગીતની શ્રેણીમાં વર્ષ ૧૯૫૩માં મોહમ્મદ રફીના ૧૫ સંગીતકારો સાથે ૫૧ જેટલાં યુગલ ગીતોને બે ભાગ વહેંચી નાખ્યાં હતાં ડિસેમ્બર ૨૦૨૪માં આપણે વિનોદ બલદેવ નાથ બાલી, હુસ્નલાલ ભગતરામ, ગુલામ મોહમ્મદ, બુલો સી રાની અને એસ ડી બર્મન એમ સાત સંગીતકારો સાથેનાં મોહમમ્દ રફીએ ગાયેલાં પ્રથમ યુગલ ગીતોને સાંભળ્યાં. આજના મણ મણકામાં હવે બાકી રહેલ સંગીતકારો સાથેનાં મોહમ્મદ રફીના પ્રથમ યુગલ ગીતોને સાંભળીએ.

અજી હમ ન કહતે થે કે દુનિયા ઝોલ હૈ  - લેહરેં (૧૯૫૩) - સુંદર સાથે - ગીતકારઃ રાજેંદ્ર કૃષ્ણ – સંગીતઃ: સી રામચંદ્ર 

કવ્વાલીની શૈલીમાં રચાયેલ આ કોમેડી ગીત મોહમ્મદ રફીનાં પુરુષ - પુરુષ યુગલ ગીતોમાં બહુ આગવું છે. સુંદર (મૂળ નામ સુંદર સિંઘ)[1] ગીતનો ઉપાડ કરે છે અને પહેલો અંતરો પણ ગાય છે તે પછી બીજા અંતરામાં મોહમ્મદ રફી જોડાય છે. 



ધોતી ઔર પતલુનમેં એક દિન લડાઈ - માલકિન (૧૯૫૩) - કિશોર કુમાર અને રામ કમલાની[2] સાથે - ગીતકારઃ રાજેંદ્ર કૃષ્ણ - સંગીતઃ રોશન

મોહમ્મદ રફીના ત્રિપુટી ગીતોમાં પણ આ ગીત અનોખી ભાત પાડે છે. 



કહીં સે ઊંચી કહીં સે નીચી સડક ઝમાનેકી - માલકિન (૧૯૫૩) - કિશોર કુમાર સાથે - ગીતકારઃ રાજેંદ્ર કૃષ્ણ - સંગીતઃ રોશન 

મોહમ્મદ રફી અને કિશોર કુમારમાં ૫૯ યુગલ અને યુગલ (+) ગીતો પૈકી ૩૩ યુગલ ગીતોમાંથી આ યુગલ સૌ પ્રથમ છે એવી નોંધ જોવા મળે છે.



ભગવાન તેરે ઘરકા સિંગાર જા રહા હૈ - નાગ પંચમી (૧૯૫૩) - આશા ભોસલે સાથે - ગીતકારઃ જી એસ નેપાલી – સંગીત: ચિત્રગુપ્ત 

બેકગ્રાઉન્ડ ગીતોના પ્રકારમાં યુગલ ગીત જલદી સાંભળવા નથી મળતાં.



છમ છમ નાચે મેરે નૈનોં મેં પ્યાર - નવદુર્ગા (૧૯૫૩) - ગીતા દત્ત સાથે - ગીતકારઃ અંજુમ જયપુરી – સંગીત: એસ એન ત્રિપાઠી 

એસ એન ત્રિપાઠીની સંગીત શૈલીની છાંટ આ યુગલ ગીતનાં માધુર્યમાં સાંભળી શકાય છે.



હમ ઔર તુમ જો મિલ ગયે તો ખીલ ગઈ બહાર હૈ - નવદુર્ગા (૧૯૫૩) - ગીતા દત્ત સાથે - ગીતકારઃ રમેશ ચંદ્ર પાડેય - સંગીત એસ એન ત્રિપાઠી 

અજાણી ધાર્મિક ફિલ્મનાં ગીત તરીકે આ યુગલ ગીતને ધ્યાન ન આએ તો એક અનોખાં યુગલ ગીતને સાંભળવાની તક ગુમાવીએ એમ છે. ધીમા તાલમાં ઉપાડ થયા પછી તાલ થોડો વેગ પકડે અને મુખડો પુરો થતાં ફરી ધીમો પડે એમ તાલમાં ધીમી મધ્યમ લય વડે ગીતની સજાવટ કરવામાં આવી છે.



મેરી ઝિંદગી હૈ તુ મુઝકો તેરી જુસ્તજૂ - પાપી (૧૯૫૩) - આશા ભોસલે સાથે - ગીતકારઃ સુરજીત સેઠી - સંગીતઃ એસ મોહિન્દર 

રફી અને આશાના સ્વરમાં રાજ કપૂર અને નરગીસ રૂસણાં - મનામણાં કરે છે. 



દેવતા હો તુમ મેરા સહારા - દાએરા (૧૯૫૩) - મુબારક બેગમ સાથે - ગીતકારઃ કૈફ ભોપાલી - સંગીતઃ જમાલ સેન 

ધ્યાનથી સાંભળીએ તો આ ગીત આપણને અલૌકિક તંદ્રામાં લઈ જાય.  આ સમુહ સ્વરો સાથે પ્રયોજાયેલ આ યુગલ ગીતને હું હિંદી ફિલ્મોનાં શ્રેષ્ઠ યુગલ ગીતોમાં અગ્રસ્થાન આપીશ.


ધીરે ધીરે સંગ મેરે ગાઓ ઓ બાબુજી - રંગીલા (૧૯૫૩)[3] - આશા ભોસલે સાથે - ગીતકારઃ એસ એચ બિહારી - સંગીતઃ જમાલ સેન 

આ ફિલ્મમાં રફી અને આશા સાત યુગલ ગીતો છે તેમાંથી આ ગીત તો મેં કોઈ ખાસ કારણ વગર જ રજૂઆત માટે કર્યું, પણ પછી ગીત સાંભળતાંવેંજ જ જણાયું કે પરદા પર ગીત ગાતા ભગવાન માટે અતૂટ ગણાતા ચીતળકર (સી રામચંદ્ર)ના પાર્શ્વસ્વરમાં જ મોહમ્મદ રફીએ ગીતની રજૂઆત કરી છે ! 



રફી/ આશાનાં આ ફિલ્મનાં સાત યુગલ ગીતો પૈકી પાંચ એસ એહ બિહારીએ લખ્યાં છે. અહીં બીજાં ચાર ગીતોની નોંધ લઈએ -

રફી  / આશાનાં બાકીનાંબે યુગલ ગીતો એહસાન રિઝ્વીએ લખ્યાં છે - 

ગોકુલ કી ઈસ રાસકો કરને ચકના ચૂર - શ્રી ચૈતન્ય મહાપ્રભુ (૧૯૫૩) - ગીતકારઃ ભરત વ્યાસ - સંગીરઃ આર સી બોરાલ 

ખાસ્સી મુશ્કેલ ગીતબાંધણી છે. 



મોહમ્મદ રફી અને આશા ભોસલેનાં યુગલ ગીતોના જ બની રહેલા રસપ્રદ યોગાનુયોગ સાથે મોહમ્મદ રફીનાં ૧૯૫૩નાં સર્વ પ્રથમ યુગલ ગીતની શ્રેણીના ૧૯૪૭ - ૧૯૫૩ના બીજા પંચવર્ષીય ખંડની સમાપ્તિ કરીએ.


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.



[1] અરૂણકુમાર દેશમુખ તેમના લેખKehta hoon sach ke jhhoothh ki aadat nahin mujheમાં સુંદર વિશે બહુ વિગતે માહીતી રજૂ કરે છે.

[2] અરૂણકુમાર દેશમુખના લેખDhoti aur patloon mein ek din huyi ladaayiમાં આ ફિલ્મ અને રામ કમલાની વિશે બહુ રસપ્રદ માહીતી રજૂ કરાઈ છે.

[3] અરૂણકુમાર દેશમુખ તેમના લેખ Diyaa jale chamke taara માં નોંધ લે છે કે ભગવાનની લોકપ્રિયતાના જુવાળનાં વળતાં પાણીની શરૂઆત 'રંગીલા'થી થઈ ગણાય. તે પછી ભગવાને એ સુવર્ણ દિવસોની લોકપ્રિયતા મેળવવા બહુ હવાતિયાં માર્યાં, પણ નેવેથી ઉતરેલાં પાણી ફરી મોભે ન જ ચડ્યાં.

No comments: