Sunday, December 8, 2024

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૯મું સંસ્કરણ - ડિસેમ્બર ૨૦૨૪

 

સંગીતકાર સાથેનું મોહમ્મદ રફીનું સૌપ્રથમ યુગલ ગીત:
બીજો પંચવર્ષીય સમયખંડ ૧૯૪૯ -૧૯૫૩: વર્ષ ૧૯૫૩ (૧)

મોહમ્મદ રફીની સાડા ત્રણ દાયકાની સક્રિય કારકિર્દી દરમ્યાન  દરેક વર્ષે એક, અથવા વધુ, સંગીતકાર સાથે સર્વપ્રથમ સહયોગ કરવાનું તેમને બનતું જ રહ્યું.  મોહમ્મદ રફીના જન્મદિવસ [૨૪ ડીસેમ્બર, ૧૯૨૪] અને મૃત્યુ તિથિ [૩૧ જુલાઇ, ૧૯૮૦]ની યાદમાં આપણે મોહમ્મદ રફીનાં સંગીતકાર સાથેનાં પહેલવહેલાં સૉલો ગીતોને યાદ કરતી શ્રેણી ડીસેમ્બર ૨૦૧૬ થી ૨૦૨૦ સુધી કરી ચુક્યાં છીએ.

મોહમ્મદ રફીએ ગાયેલાં ગીતોમાં તેમનાં યુગલ ગીતોનું સ્થાન અદકેરું જ રહ્યું છે. તેથી સંગીતકાર સાથેનાં મોહમ્મદ રફીનાં પહેલવહેલાં યુગલ ગીતની શ્રેણીનું અનુસરણ સ્વાભાવિક ક્રમ જ બની રહે. આપણો મુખ્ય ઉદ્દેશ્ય મોહમ્મદ રફીનાં યુગલ ગીતોને યાદ કરવાનો છે એટલે જે વર્ષે કોઈ સંગીતકાર સાથે જે જે ફિલ્મમાં સૌ પ્રથમ વાર મોહમ્મદ રફીનું એક કે એકથી વધારે યુગલ ગીત નોંધાય એ બધી ફિલ્મોનાં એ યુગલ ગીતો સાંભળવાનો હવે ઉપક્રમ રાખેલ છે. જો સ્ત્રી -પુરુષ યુગલ ગીત અને પુરુષ - પુરુષ યુગલ ગીત અલગ અલગ વર્ષમાં આવેલ હોય તો એ સંગીતકાર સાથેનાં મોહમ્મદ રફીનાં યુગલ ગીત તે તે વર્ષમાં લઈશું. 

અત્યાર સુધી આપણે 

૧૯૪૪થી ૧૯૪૮નાં વર્ષોના પ્રથમ સમયખંડને ૨૦૨૧માં,

૧૯૪૯થી ૧૯૫૩ના બીજા પંચવર્ષીય સમયખંડનાં

૧૯૪૯નાં ગીતોનો પહેલો ભાગ જુલાઈ ૨૦૨૨માં,

૧૯૪૯નાં ગીતોનો બીજો ભાગ ડિસેમ્બર ૨૦૨૨માં,

૧૯૫૦નાં ગીતો જુલાઈ ૨૦૨૩માં,

૧૯૫૧નાં ગીતો ડિસેમ્બર ૨૦૨૩માં, અને 

૧૯૫૨નાં ગીતો જુલાઈ ૨૦૨૩માં

                           આવરી ચૂક્યાં છીએ. 

આજના મણકામાં આપણે સંગીતકાર સાથેનાં મોહમ્મદ રફીનાં ૧૯૫૩નાં સર્વ પ્રથમ યુગલ ગીતને યાદ કરીશું. વર્ષ ૧૯૫૩માં મોહમમ્દ રફીના ૧૫ સંગીતકારો સાથે ૫૧ જેટલાં યુગલ ગીતો છે, તેથી ૧૯૫૩નાં વર્ષને આપણે બે ભાગમાં વહેંચી નાખીશું.

વોહ ઝમાના ઔર થા યે ઝમાના ઔર હૈ - આગ કા દરિયા (૧૯૫૩) - ખાન મસ્તાના, કોરસ સાથે - ગીતકારઃ અઝીઝ કશ્મીરી -સંગીતઃ વિનોદ 

કવ્વાલી થાટમાં રચાયેલું આ ગીત કૉમેડી ગીત હોય એવું જણાય છે.



ચલ મેરી ગડીયે તુ છુક છુક ... - એક દો તીન (૧૯૫૩) - આશા ભોસલે અને મિનળ વાઘ સાથે - 

ભારતીય રેલ્વેમાં સ્ત્રી એન્જિન ડ્રાઈવરોને પ્રવેશ મળ્યો તેના ૪૦ /૫૦ વર્ષ પહેલાં પણ સ્ત્રી એન્જિન ડ્રાઈવરની કલ્પના કરાઈ છે. એટલું નહી. તેની હેલ્પર પણ સ્ત્રી છે. વધારાંમાં હિંદી ફિલ્મોના એન્જિન ડ્રાઈવરોની જેમ બન્ને જણાં સારૂં ગાય પણ છે! 

આનાથી પરથી પ્રેરણા લઈને આજના દિગ્દર્શકોએ ગીત ગાતી સ્ત્રી પાયલો કે સ્પેસ ક્રાફટ ચલાવતી સ્ત્રીની કલ્પના કરવી જોઈએ !



કેહતા થા ઝમાના મગર હમને ન માના - આગ કા દરિયા (૧૯૫૩) - આશ ભોસલે સાથે 

વિનોદ એક ઘણી કઠીન પણ ખુબ કર્ણપ્રિય ધુન રજુ કરે છે.



આગ કા દરિયા (૧૯૫૩)માં આ જ યુગલ સ્વરોમાં રચાયેલું બીજું યુગલ ગીત, જા ચલી જા ઓ ઘટા મોરે પિયા કા સંદેશા ન લા, પણ એટલી કઠીન ધુન છે. તેની સામે એક દો તીન (૧૯૫૩)ની આ ગાયકોનૉ બીજી બે યુગલ રચનાઓ ઓ જી પિયા બુલાએ અને તુમ્હે ચુપકે સે દિલ જો દિયા ખુબ સરળ અને રોમેન્ટીક છે.

નઝરોં સે નઝર કા ટકરાના - ફરિયાદી (૧૯૫૩) - પ્રમોદિની દેસાઈ સાથે - ગીતકારઃ મુઝફ્ફર શાહજહાનપુરી - સંગીત બલદેવ નાથ બાલી 

આ પણ કઠીન ધુન છે, પણ સામાન્ય રીતે ઊંચા સુરમાં ગાતા રફી અહીં પ્રમોદિની દેસાઈ કરતાં એકાદ સુર નીચે ગાય છે. 



તેરા મેરા હો ગયા પ્રેમ મૈં હું સાહબ તુ હૈ મેમ - ફર્માઈશ (૧૯૫૩) - શમશાદ બેગમ સાથે - ગીતકાર - ક઼મર જલાલાબાદી - સંગીતકારઃ હુસ્નલાલ ભગતરામ

આ પણ કૉમેડી જોડી પર ફિલ્માવાયેલું ગીત જણાય છે.


દુનિયા જવાન હૈ દિલ મહેરબાન હૈ - રેલકા ડિબ્બા (૧૯૫૩) - ગાંધારી સાથે - ગીતકારઃ શકીલ બદાયુની - ગીતકારઃ ગુલામ મોહમ્મદ 

શેરીમાં ભજવાતાં ગીત માં હરતા ફરતા હાર્મોનીયમ વાદકની ધ્યાન ખેંચતી હાજરી ન હોય તો એ પ્રકારનું ગીત કદાચે સમયમાં સ્વીકાર્ય પણ ન ગણાત !



બુલબુલ મેં હૈ .... આંખોંમેં હૈ તુ - લલા મજનુ (૧૯૫૩) - ખાન મસ્તાના સાથે - ગીતકારઃ શકીલ બદાયુની - ગીતકારઃ ગુલામ મોહમ્મદ

છે તો આ પણ શેરીમાં ભજવાતું ગીત, પણ આ પ્રકારમાં હીરો (કે હીરોઈન)ના મનના ભાવને ગાયકો કોઈ અકળ અંતઃસ્ફુરણાથી વાચા આપતા હોય છે. 



હોલે હોલે ધીરે દિલ મેરા લે કે ચલે - ગૌહર (૧૯૫૩) - આશા ભોસલે સાથે - ગીતકારઃ શકીલ બદાયુની - ગીતકારઃ ગુલામ મોહમ્મદ

ગુલામ મોહમ્મદ પણ ખુબ રમતિયા, રોમેન્ટીક, ધુન રજુ કરે છે.



આ જ ગાયકો પાસે ગુલામ મોહમ્મદ એટલી મધુર કરૂણ ભાવની યુગલ રચના તેરી યાદ આ રહી હૈ  દિલમેં (હઝાર રાતેં, ૧૯૫૩) પણ જુ કરે છે. 

હો ગયા તેરે મજનુ કો ઈશ્ક઼ કા બુખાર - હુસ્ન કા ચોર (૧૯૫૩) - આશા ભોસલે, વણઓળખાયેલ પુરુષ ગાયક સાથે - ગીતકારઃ રાજા મહેંદી અલી ખાન - સંંગીતઃ બુઓ સી રાની 

આ પણ કોમેડી રચના જ જણાય છે.



દિલ્ લગાનેવાલે આપસે હઝારોં હૈ અજી ઉનમેં સે એક હૈ - હુસ્ન કા ચોર (૧૯૫૩) - સંધ્યા મુખર્જી સાથે - ગીતકારઃ રાજા મહેંદી અલી ખાન - સંંગીતઃ બુલો સી રાની 

હળવા મિજાજમાં પ્રેમનો એકરાર કરાયો છે.



ઓ લગ ગયી અખિયાં તુમસે લગ ગયી અખિયાં - જીવન જ્યોતિ (૧૯૫૩) - ગીતા દત્ત સાથે -ગીતકારઃ સાહિર લુધીયાનવી - સંગીતઃ એસ ડી બર્મન 

યોગાનુયોગ, આ ગીતમં પણ પોતાન મનન ભાવને વાચા આપતાં શેરી ગીતનાં ગાયકોને જોઈ રહેલ હીરો શમ્મી કપૂર છે. એસ ડી બર્મને કોઈ લોકગીતની ધુનને હોર્મોનિયમના સુરોને પોતાની આગવી શૈલી સાથે રજુ કરી છે.



સંગીતકાર સાથેનાં મોહમ્મદ રફીનાં ૧૯૫૩નાં બાકી રહેલાં સર્વ પ્રથમ યુગલ ગીત આપણે જુલાઈ ૨૦૨૫ના મણકામાં સાંભળીશું.



આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.



 

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો શ્રેણીના મા વર્ષના બધા મણકા   વિસરાતી `યાદો...સદા યાદ રહેતાં ગીતો : વર્ષ ૯મું૨૦૨૪ પર ક્લિક કરવાથી વાંચી / ડાઉનલોડ કરી શકાય છે.


No comments: