Sunday, December 11, 2022

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ડિસેમ્બર, ૨૦૨૨

 

સંગીતકાર સાથેનું મોહમ્મદ રફીનું સૌપ્રથમ યુગલ ગીત : બીજો પંચવર્ષીય સમયખંડ ૧૯૪૯ -૧૯૫૩ : વર્ષ ૧૯૪૯ - ભાગ [૨]

મોહમ્મદ રફીની જન્મ તિથિ (૨૪-૧૨-૧૯૨૪) અને અવસાન તિથિ (૩૧-૭-૧૯૮૦)ની યાદમાં આપણે મોહમ્મદ રફીએ કોઈ પણ સંગીતકાર સાથે ગાયેલ સૌ પ્રથમ (પુરુષ-પુરૂષ કે સ્ત્રી-પુરુષ) યુગલ ગીતોની યાદ તાજી કરવાનો ઉપક્રમ પ્રયોજેલ છે.

યાદોની આ સફરમાં આપણે વર્ષ ૨૦૨૧માં  પહેલા પંચવર્ષીય સમયખંડના ૧૯૪૪ થી ૧૯૪૭નાં યુગલ ગીતોની યાદ તાજી કરી. તે પછી જુલાઈ, ૨૦૨૨ના અંકમાં બીજા પંચવર્ષીય સમયખંડના ૧૯૪૯ના વર્ષના ભાગ ૧માં  મોહમ્મદ રફીએ નૌશાદ, હુસ્નલાલ ભગતરામ, શ્યામ સુંદર, હનુમાન પ્રસાદ,  સાથે ગાયેલાં પ્રથમ યુગલ ગીત આપણે સાંભળ્યાં.

આજે હવે  ભાગ ૨માં વર્ષ ૧૯૪૯નાં વર્ષ માટે બાકી ૯ સંગીતકારો સાથે મોહમ્મદ રફીનાં સર્વ પ્રથમ યુગલ ગીતની યાદ તાજી કરીશું.

અહીં એ વાતની પણ નોંધ લેવી આવશ્યક જણાય છે કે વસંત દેસાઈએ ફિલ્મ 'નરસિંહ અવતાર' માટે લતા મંગેશકર સાથે રચેલાં બે યુગલ ગીતો અને આબીદ હુસ્સૈન ખાને ઝોહરાબાઇ અંબાલેવાલી સાથે 'આખરી પૈગામ (ધ લાસ્ટ મેસેજ) માટે રચેલ યુગલ ગીત,ન ઠહર સકે ન તડપ સકે, ઇન્ટરનેટ પર મળી નથી શક્યાં.

વર્ષ ૧૯૪૯ માટે મોહમ્મદ રફી ૧૬ સંગીતકારો સાથે પહેલવહેલાં યુગલ ગીતો પૈકી બાકીના ૯ સંગીતકારો સાથેનાં સર્વપ્રથમ યુગલ ગીતો આજે સાંભળીશું.

વિનોદ (મૂળ નામ એરિક રોબર્ટ્સ)ની ધુનો એક છેડે સાવ રમતિયાળ તો બીજે છેડે ખુબ મુધુર સર્જનાત્મકતાનો બેમિસાલ આદર્શ ગણાતી. ૧૯૪૯મા 'એક થી લડકી' માટે વિનોદે મોહમ્મદ રફીની સાથે લતા મંગેશકરનો સ્વર ત્રણ યુગલ ગીતો અને બે ત્રિપુટી(+) સમુઃહ ગીતોમાં પ્રયોજેલ છે. બે ત્રિપુટી(+) સમુહ ગીતો પૈકી લારા લપ્પા …. લાઈ રખદા, આદી ટપ્પા (લતા મંગેશકર, મોહમ્મદ રફી, જી એમ દુર્રાની - ગીતકાર: અઝીઝ કશ્મીરી) તો આજ પણ લોકોને નાચતાં કરી મુકે છે. બીજું ત્રિપુટી (+) ગીત, હમ ચલે દૂર… દિલ હુઆ ચુર (લતા મંગેશકર, મોહમ્મદ રફી, સતીશ બત્રા – ગીતકાર: અઝીઝ કશ્મીરી) નાવ ગીતની લોકધુન પર રચાયેલું એક ખુબ ભાવવાહી રોમેન્ટીક ગીત છે.

યુગલ ગીતો પૈકી, અબ હાલ-એ-દિલ યા હાલ-એ-જિગર ન પુછીએ - લતા મંગેશકર – ગીતકાર:  અઝીઝ કશ્મીરી, માં રફી અને લતા મંગેશકરને સંવાદોની સાહજિકતાથી રોમેન્ટીક ભાવોને વ્યકત કરતાં રજુ કરે છે. ગીતના પહેલા અંતરા પછી યોડેલીંગના એક રમતિયાળ ટુકડાનો પ્રયોગ ગીત માધુર્યની સાથે સીચુએશનના હળવા મુડને વણી લે છે તે વિનોદની સર્જનાત્મક શૈલીનું એક સહજ ઉદાહરણ છે.

મોહમ્મદ રફી - લતા મંગેશકરનાં બીજાં બે યુગલ ગીતોમાંનું અબ શોખ સિતારે ઈક સોખ નઝર કી તરહ વૉલ્ઝ લય પર રચાયેલું રોમાન્સથી છલકે છે તો લમ્બી જોરૂ બડી મુસીબત હળવા ભાવ રજૂ કરતું સ્ટેજ ગીત છે.

મોહમ્મદ શફી સંગીતની પદ્ધતિસરની તાલીમબધ્ધ હોવાની સાથે ખુબ પ્રતિભાવાન સંગીતકાર હતા. તેમના નામે બે અનોખા રેકોર્ડ્સ નોંધાયેલા છે - સુમન કલ્યાણપુર (ત્યારે, હેમાડી)નું સર્વ પ્રથમ હિંદી ફિલ્મ ગીત - કોઈ પુકારે ધીરે સે તુમ્હેં (મંગુ, ૧૯૫૪) અને હેમલતાનું સર્વપ્રથમ હિંદી ફિલ્મ ગીત મૈં જાન કે બદલે, કે પછી સદીયોંકી નિશાની મૈં અનકહી કહાની, (ઈરાદા, ૧૯૭૧)

ફરિયાદ ન કરના હાયે કહીં ફરિયાદ ન કરના - ઘરાના - શ્યામા બાઈ સાથે – ગીતકાર: આલમ સ્યાહપોશ

અહીં મોહમમ્મ્દ શફીની સંગીત પ્રતિભાના અનેક ચમકારા જોવા મળે છે. શ્યામા બાઈની પાસે થોડા ઊંચા સુરમાં કરેલી શરૂઆત બાદ તેમના ભાગનું ગીત કરૂણ ભાવમાં ઘુંટાય છે. મોહમ્મદ રફી વિન્ટેજ એરાની શૈલીમાં છે પણ ગીતને પુરેપુરૂં  ભાવવાહી બનાવી રહે છે.


તે ઉપરાંત મોહમ્મદ શફીએ મોહમ્મદ રફી સાથે પારો દેવીનું પણ એક યુગલ ગીત - તુ કહાં હૈ બાલમ આ જા - પણ રચ્યું છે, જેમાં મિલનની આશાનો ભાવ પ્રેમીઓ આનંદપૂર્વક વ્યક્ત કરી રહે છે.


એસ મોહિન્દર (મૂળ નામ બક્ષી મોહિંન્દર સિંઘ સાર્ના)એ આમ તો પચાસેક જેટલી હિંદી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું, પણ તેમણે રચેલાં ગીતો ચીરસમરણીય ગીતોની યાદીમાં સ્થાન મેળવે છે. તેઓ શાસ્ત્રીય સંગીતની પરંપરામાં ઉછર્યા હોવા છતાં ફિલ્મોની જરૂરિયાત મુજબ રમતિયાળ ગીતો પણ તેમને સહજ હતાં.

ચંદા કી ગોદમેં તારોં કી છાંવ મેં રૂઠે હુએ હમ મનાયે રે - જીવન સાથી - ચાંદ વિર્ક સાથે – ગીતકાર: હમીદ ખુમર

એસ મોહિન્દરે પંજાબી ફિલ્મોમાં પણ બહુ નોંધપાત્ર યોગદાન કરેલું છે. અહીં તેઓએ મૂળતઃ પંજાબી ફિલ્મોનાં ગાયિકા, ચાંદ વિર્ક, પાસે ખુશીના ભાવનું, માધુર્યપૂર્ણ, યુગલ ગીત ગવડાવ્યું છે.

આ જ ફિલ્મમાં મોહમ્મદ રફીનું અમીરબાઈ કર્ણાટકી સાથે એક યુગલ ગીત - મૈં કૈસે કહ દું અપને દિલકી બાત ( ગીતકાર: સુરજિત શેઠી) અને શમશાદ બેગમ સાથે બે યુગલ ગીતો - મિલકર જાયેં હમ પ્રીત કે દીવાને અને મુહબ્બત રોગ બનકર દીલકી ધડકનમેં રહતી હૈ (ગીતકાર: હમિદ ખુમર) એમ બીજાં ત્રણ યુગલ ગીતો પણ હતાં.

કૃષ્ણ દયાલ સંગીતકારોમાં ખાસ જાણીતું નામ નથી. તેમણે સંગીત પણ પાંચેક હિંદી ફિલ્મો માટે જ આપ્યું છે. પણ હા, હિંદી ફિલ્મોનાં જુનાં ગીતોના ચાહકોને તેમણે સ્વરબધ્ધ કરેલું મુકેશ-સુરૈયાનું યુગલ ગીત, બદરા કી છાંઓ તલે નન્હી નહીં બુંદિયાં (લેખ, ૧૯૪૯),તો જરૂર યાદ હશે !

કર લે કિસી સે પ્યાર જવાની દો દિનકી - લેખ - આશા  ભોસલે સાથે – ગીતકાર: ક઼મર જલાલાબાદી

હું તો આ યુગલ ગીત પહેલી જ વાર સાંભળું છું. ગીતની ધુન પણ ગાવામાં મુશ્કેલ પડી તેવી છે.


પંડિત ગોવિંદરામ દ્વારા  હમારા સંસાર માટે તેમણે મોહમ્મ્દ રફી સાથે સ્વરબધ્ધ કરેલુંસર્વપ્રથમ ત્રિપુટી ગીત - છોટી સે એક બનાયેંગે નૈયા….ખુદ હી બનેંગે ઉસ કે ખેવૈયા (શમશાદ બેગમ અને ઝોહરાબાઈ અંબાલેવાલી સાથે) - આપણે આ શ્રેણીમાં પહેલાં સાંભળી ચુક્યાં છીએ. તેમણે મોહમ્મદ રફી સાથે રચેલું સર્વપ્રથમ યુગલ હવે ૧૯૪૯માં આવે છે.

તારોંકા યે ખજ઼ાના યે ચાંદની સુહાની - નિસ્બત - શમશાદ બેગમ સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

આ ગીત પણ પહેલી જ વાર સાંભળ્યું જ છે. શમશાદ બેગમ અને મોહમ્મદ રફીનો અવાજ અને ગાયન શૈલી પણ નવી જ લાગે છે.


ખેમચદ પ્રકાશે ૧૯૪૯નાં વર્ષને સુવર્ણ યુગનું નવલું પ્રભાત ગણાવા માટેનો દરવાજો મહલનાં આયેગા આનેવાલા (લતા મંગેશકર)નાં એક જ ગીતથી ખોલી નાખ્યો એમ કહી શકાય.

આ શ્રેણીમાં સમાજ કો બદલ ડાલો (૧૯૪૭)નાં ત્રિપુટી ગીત, અજી મત પુછો બાત કોલેજકી અલબેલી, ઈન્દ્રપુરી સાક્ષાત કોલેજ અલબેલી,માં તેમણે મોહમ્મદ રફીના સ્વરને અજમાવી જ લીધો હતો.

અહીં તેઓ મોહમ્મદ રફી સાથેનું સર્વપ્રથમ યુગલ ગીત રચે છે.

હવા તુ ઉનસે જા કર કહ દે દીવાના આયા હૈ - રિલ ઝિમ - રમોલા સાથે – ગીતકાર: મોતી બી એ

ખેમચંદ પ્રકાશ આવું હળવા મિજાજનું ગીત રચી આપે છે તે જ એક બહુ નોંધપાત્ર ઘટના ગણી શકાય. ગીતની બાંધણી કવ્વાલી થાટનાં માળખાં પર કરવામાં આવી છે. રમોલા તો માત્ર મશ્કરીના ઉદ્‍ગારો કાઢવા પુરતાં જ ગીતમાં જોડાયાં છે.


ખેમચંદ પ્રકાશે મોહમ્મદ રફીનું એક બીજું યુગલ ગીત પણ ૧૯૪૯માં રચ્યું છે. -

અય દિલ ના મુઝે યાદ દિલા બાતેં પુરાની - સાવન આયા રે - શમશાદ બેગમ સાથે – ગીતકાર: ભરત વ્યાસ

'૬૦ના દાયકામાં જ્યારે રેડિયો પર ફિલ્મી ગીતો સાંભળવાનો મારો શોખ પુરબહારમાં હતો ત્યારે આ યુગલ ગીત બહુ જ સંભળવા મળતું હતું.


ખાન મસ્તાના પણ વિન્ટેજ એરાના એક બહુ સન્માનીય સંગીતકાર તેમ જ પાર્શ્વગાયક  હતા.

તુમ હો જાઓ હમારે હમ જો હો જાય તુમ્હારે - રૂપ લેખા - સુરીંદર કૌર સાથે – ગીતકાર: ખુમાર બરાબંક્વી

તત્વતઃ વિન્ટેજ એરાની સંગીત પ્રથાન સંગીતકાર હોવા છતાં ખાન મસ્તાના બહુ જ તાજગીસભર રચના આપે છે.


સુધીર ફડકેએ હિંદી ફિલ્મ સંગીતમાં મરાઠી લોક સંગીતનો બહુ જ અસરકારક સુમેળ રચ્યો.

હરી હરી મેરે તો શ્રી હરિ નહી દૂજા - સંત જ્ઞાનબાઈ - લલિતા દેઉલકર સાથે – ગીતકાર: નરેન્દ્ર શર્મા

ભજનો ગાતી વખતે મોહમ્મદ રફી એક સાચા ભક્તની ભાવનાથી મહોરી ઊઠે છે.

https://youtu.be/Yma4vmzDVzM

અઝીઝ (ખાન) હિન્દવી'૪૦ના દાયકામાં કેટલીક ફિલ્મો માટે સંગીત પણ આપ્યું હતું.

મેહમાન બનકે આયે થે  …. અરમાન બન ગયે – શોહરત - હમીદા બાનો સાથે – ગીતકાર: ગુલશન ઝૂમા / પંડિત મધુપ  શર્મા

યુગલ ગીત  અને તેનાં સૉલો વર્ઝનની ગીત બાંધણી સમાન જ છે. અહીં આપેલી ક્લિપમાં બન્ને વર્ઝન સાંભળી શકાય છે.


હવે પછીના મણકામાં સંગીતકાર સાથેનું મોહમ્મદ રફીનાં સૌ પ્રથમ યુગલ ગીતના બીજા પંચવર્ષીય સમયખંડનાં ૧૯૫૦ના વર્ષનાં યુગલ ગીતો સાંભળીશું


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.


વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો શ્રેણીના ૭મા વર્ષના બધા મણકા   વિસરાતી `યાદો...સદા યાદ રહેતાં ગીતો : વર્ષ ૭મું - ૨૦૨૨ પર ક્લિક કરવાથી વાંચી / ડાઉનલોડ કરી શકાય છે.

No comments: