Sunday, December 10, 2023

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૮મું સંસ્કરણ - ડિસેમ્બર ૨૦૨૩

 

સંગીતકાર સાથેનું મોહમ્મદ રફીનું સૌપ્રથમ યુગલ ગીત  : બીજો પંચવર્ષીય સમયખંડ : ૧૯૪૯થી ૧૯૫૩ – ૧૯૫

મોહમ્મદ રફીની સાડા ત્રણ દાયકાની સક્રિય કારકિર્દી દરમ્યાન  દરેક વર્ષે એક, અથવા વધુ, સંગીતકાર સાથે સર્વપ્રથમ સહયોગ કરવાનું તેમને બનતું જ રહ્યું.  મોહમ્મદ રફીના જન્મદિવસ [૨૪ ડીસેમ્બર, ૧૯૨૪] અને મૃત્યુ તિથિ [૩૧ જુલાઇ, ૧૯૮૦]ની યાદમાં આપણે મોહમ્મદ રફીનાં સંગીતકાર સાથેનાં પહેલવહેલાં સૉલો ગીતોને યાદ કરતી શ્રેણી ડીસેમ્બર ૨૦૧૬ થી ૨૦૨૦ સુધી કરી ચુક્યાં છીએ.


મોહમ્મદ રફીએ ગાયેલાં ગીતોમાં તેમનાં યુગલ ગીતોનું સ્થાન અદકેરું જ રહ્યું છે. તેથી સંગીતકાર સાથેનાં પહેલવહેલાં યુગલ ગીતની શ્રેણીનું અનુસરણ સ્વાભાવિક ક્રમ જ બની રહે. આપણો મુખ્ય ઉદ્દેશ્ય મોહમ્મદ રફીનાં યુગલ ગીતોને યાદ કરવાનો છે એટલે જે વર્ષે કોઈ સંગીતકાર સાથે જે જે ફિલ્મમાં સૌ પ્રથમ વાર મોહમ્મદ રફીનું એક કે એકથી વધારે યુગલ ગીત નોંધાય એ બધી ફિલ્મોનાં એ યુગલ ગીતો સાંભળવાનો હવે ઉપક્રમ રાખેલ છે. જો સ્ત્રી -પુરુષ યુગલ ગીત અને પુરુષ - પુરુષ યુગલ ગીત અલગ અલગ વર્ષમાં આવેલ હોય તો એ સંગીતકાર સાથેનાં મોહમ્મદ રફીનાં યુગલ ગીત તે તે વર્ષમાં લઈશું. 

આ પહેલાં આપણે સંગીતકાર સાથેનાં મોહમ્મદ રફીનાં પહેલવહેલાં યુગલ ગીતની શ્રેણીના ૧૯૪૪થી ૧૯૪૮નાં વર્ષોના પ્રથમ સમયખંડને ૨૦૨૧માં આવરી ચૂક્યાં છીએ. 

હાલમાં આપણે ૧૯૪૯થી ૧૯૫૩ના બીજા પંચવર્ષીય સમયખંડનાં મોહમ્મદ રફીનાં સંગીતકાર સાથે પહેલવહેલી વાર ગવાયેલાં યુગલ ગીતોને યાદ કરી રહ્યાં છીએ અત્યાર સુધી 

જુલાઈ ૨૦૨૨માં ૧૯૪૯નાં ગીતોનો પહેલો ભાગ,

ડિસેમ્બર ૨૦૨૨માં ૧૯૪૯નાં ગીતોનો બીજો ભાગ, અને

જુલાઈ ૨૦૨૩માં વર્ષ ૧૯૫૦નાં ગીતો

સાંભળી ચુક્યાં છીએ

૧૯૫૦માં ૬૭ યુગલ ગીતો આવ્યાં હતાં, જે સંખ્યા ૧૯૫૧માં ૫૧ યુગલ ગીતોની રહી છે.

આજના મણકામાં આપણે વર્ષ ૧૯૫૧માં છ સંગીતકાર સાથેનાં મોહમ્મદ રફીનાં પહેલવહેલાં યુગલ ગીતોને સાંભળીશું.

ખેલ રે ખિલોને તેરી કાયા નહીં જાની રે - દશાવતાર - સુલોચના કદમ સાથે - ગીતકારઃ સરસ્વતી કુમાર દીપક - સંગીતકારઃ અવિનાશ વ્યાસ  

મોહમ્મદ રફીનું અવિનાશ વ્યાસ સાથેનું સૌ પ્રથમ સૉલૉ ગીત પણ 'દશાવતાર'માં જ છે. 

પ્રસ્તુત યુગલ ગીત માટે અવિનાશ વ્યાસે તેમણે જ મંગળફેરા (૧૯૪૯) માટે રચેલાં ગીતા દત્ત અને એ આર ઓઝાનાં સુપ્રખ્યાત યુગલ ગીત રાખનાં રમક્ડાં મારાં રામે રમતાં રાખ્યાં રેનો આધાર લીધો છે.



શ્યામ સુંદર મોહમ્મદ રફી સાથે સૌ પ્રથમ યુગલ ગીત છેક ૧૯૪૫માં રચી ચુક્યા છે, પરંતુ તે જી એમ દુર્રાની સાથેનું પુરુષ - પુરુષ યુગલ ગીત હતું. હવે તેઓએ મોહમ્મદ રફી સાથે, ચાર ગાયિકાઓ સાથે એક જ ફિલ્મમાં સૌ પ્રથમ વાર સ્ત્રી-પુરુષ યુગલ ગીતો રચેલ છે. 

હલ્લા ગુલ્લા લાઈલા ખુલ્લમ ખુલ્લા ... ઐશ કર લો કૉલેજ કી દીવારોંમેં કલ સે લીખે જાઓગે સબ કે સબ બેકારોંમેં = ઢોલક - સંશાદ બેગમ અને સાથૉ સાથે – ગીતકારઃ અઝીઝ કશ્મીરી - સંગીતકારઃ શ્યામ સુંદર

ખુબ જ મસ્તીભરી ધુનમાં બંધાયેલ આ ગીતે એ સમયે ધુમ મચાવી હતી. 



એક પલ્ર રૂક જાના સરકાર ન મારો દો નૈનો કે માર - ઢોલક - લતા મંગેશકર સાથે સાથે – ગીતકારઃ અઝીઝ કશ્મીરી - સંગીતકારઃ શ્યામ સુંદર

હળવા મિજાજનું આ રોમેંટીક ગીત આજે પણ સંભળવું ગમે છે.



ઐસે રસિયા કા ઐસે બલમા કા ક્યા ઐતબાર જૂઠા પ્યાર - ઢોલક - લતા મંગેશકર સાથે સાથે – ગીતકારઃ અઝીઝ કશ્મીરી - સંગીતકારઃ શ્યામ સુંદર

પ્રેમ વ્યક્ત કરવા માટે જૂઠમુઠ એક બીજાંને ચીડવવાનો આ પ્રયોગ પણ  યુવાન વર્ગે નોંધી રાખવા જેવો છે.



મગર અય હસીના -એ - બેખબર ઝરા ચુપકે સે દેખ એક નજ઼ર મૈં હું બેક઼રાર નહીં નહીં મુઝે તુમસે પ્યાર નહીં નહીં - ઢોલક - સુલોચના કદમ સાથે સાથે – ગીતકારઃ અઝીઝ કશ્મીરી - સંગીતકારઃ શ્યામ સુંદર

ફરી એક વાર એકબીજાંને ચીડવવાનો ડોળ કરીને અન્યોન્ય માટેના પ્રેમના રસના ઘુંટ્ડા ભરવા- ભરાવવાની લ્હાણ  કંઈક ઔર જ છે.



ચાંદકી સુંદર નગરીમેં પરીયોંકી રાની  .. રેહતી હૈ  - ઢોલક - ઉમા દેવી સાથે સાથે – ગીતકારઃ અઝીઝ કશ્મીરી - સંગીતકારઃ શ્યામ સુંદર

સંગીતનાં શિક્ષિકાનો જ સ્વર બેસુરો હોય એ વાત નાયક બર્દાસ્ત નથી કરી શકતો. પરંતુ એ સ્વરનાં બેસુરાંપણાને રજુ કરવા એમ સમયનાં ખ્યાતનામ પાર્શ્વગાયિકા ઉમાદેવીના સ્વરને રજુ કરવો દેખીતી રીતે અજુગતું લાગે.



મુઝે પ્રીત નગરિયા જાના હૈ - એક નજર - લતા મંગેશકર સાથે - ગીતકાર રાજેંન્દ્ર કૃષ્ણ - સંગીતકાર એસ ડી બર્મન 

એસ ડી બર્મનનાં યુગલ ગીતોની એક ખાસ મજા રહી છે. જોકે આ યુગલ ગીત એમણે રચેલાં યુગલ ગીતોમાં હવે ભુલાવા લાગેલ યુગલ ગીતોમાં  ગણી શકાય.



ઓ સુનલે સુનલે ઝરા જવાની કા જમાના હૈ સુહાના - નૌ જવાન - ગીતા દત્ત સાથે - ગીતકાર સાહિર લુધીયાનવી - સંગીતકાર એસ ડી બર્મન 

શેરીમાં ગીત ગાનાર પાત્રો ફિલ્મનાં મુખ્ય પાત્રોના જ ભાવમાં ગીત ગાય એવી પ્રથા એ સમયે બહુ પ્રચલિત હતી.

આ ગીતની સાથે એક બહુ રસપ્રદ વાત સંકળાયેલ છે. ફિલ્મમાં જે કોરસ ગાયકો છે તેમાં એક સંગીતકાર રવિ પણ છે. તેમને હજુ કામ નહોતું મળતું ત્યારની આ વાત છે. તેમના એક ઇન્ટરવ્યુમાં તેમણે ખુદ આ વાત કહી છે. - (MUSIC COMPOSER RAVI & THE GOLDEN AGE OF HINDI CINE MUSICમાં ૬.૩૦ પછી).



પનઘટ પે આઈ દેખો મિલનકી બેલા -  નૌ જવાન - ગીતા દત્ત સાથે - ગીતકાર સાહિર લુધીયાનવી - સંગીતકાર એસ ડી બર્મન

શેરીમાં ગીત ગાનાર પાત્રો ફિલ્મનાં મુખ્ય પાત્રોના જ ભાવમાં ગીત ગાય એવી પ્રથા પર આ ગીત આધારિત છે. અહીં એસ ડી બર્મને બંગાળી લોક ધુનનો બહુ સરસ પ્રયોગ કર્યો છે.



કિસ્મતકા સુન ફૈસલા .... જબ લાગી ચોટ પે ચોટ દિલ હો ગયા ચુર ચુર - જૌહરી - આશા ભોસલે સાથે - ગીતકારઃ સોલા ક઼હામવી - સંગીતકારઃ પંડિત હરબંસ લાલ 

ફિલ્મ કે સંગીતકાર ખાસ જાણીતાં નથી. જોકે આ ગીતની વાદ્ય સજ્જા બહુ ચીવટથી ગોઠવાઈ છે એ બતાવે છે કે જો ફિલ્મ નિષ્ફ્ળ ન ગઈ હોત તો કદાચ આ સગીતકારની પ્રતિભાને વધારે ન્યાય મળત.



દિલ કો વો છેડતી હૈ  ... તમન્ના તુમ હી હો .... આંખોકી જિંદગી મેરી દુનિયા તુમ હી હો - લચક - આશા ભોસલે સાથે - ગીતકારઃ હસરત જયપુરી - સંગીતકારઃ મોતીરામ

રફી અને આશા ભોસલેનાં પ્રારંભનાં યુગલ ગીતોમાં આશા ભોસલેની ગાયકી શૈલીને હજુ ઓ પી નય્યર સાથે કામ કરતાં જે અલગ ઘડતર મળ્યું તે નથી મળ્યું જણાતું.  



ઐસા ક્યા ક઼સૂર કિયા દિલ જો ચુર ચુર હો ગયા - નાદાન - લતા મંગેશકર સાથે - ગીતકારઃ પી એલ સંતોષી - સંગીતકારઃ ચિક ચોકલેટ 

પરદા પર આ ગીત મોહમ્મદ રફીના પાર્શ્વ સ્વરમાં  છે.


મજાની વાત એ છે કે રેકર્ડ માટે પુરુષ સ્વર ચીતળકરનો છે.

બન્ને સંસ્કરણો અલગ અલગ જ રચાયાં હશે કેમકે બન્નેમાં શબ્દોની તેમજ અમુક અંશે વાદ્ય સજ્જાની ગોઠવણી અલગ અલગ છે.

આ ક્લિપમાં લતા અને ચીતળકરનાં યુગલ ગીતનું સંસ્કરણ સાંભળી શકાય છે.


મોહમ્મદ રફીનાં સંગીતકાર સાથે પહેલવહેલી વાર ગવાયેલાં યુગલ ગીતોના  ૧૯૪૯થી ૧૯૫૩ના બીજા પંચવર્ષીય સમયખંડનાં ૧૯૫૨ અને ૧૯૫૩નાં વર્ષનાં ગીતો હવે પછીના મણકાઓમાં સાંભળીશું.


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.


વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો શ્રેણીના ૮મા વર્ષના બધા મણકા   વિસરાતી `યાદો...સદા યાદ રહેતાં ગીતો : વર્ષ ૭મું - ૨૦૨૩ પર ક્લિક કરવાથી વાંચી / ડાઉનલોડ કરી શકાય છે.

No comments: