Sunday, July 14, 2024

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૯મું સંસ્કરણ - જુલાઈ ૨૦૨૪

 

સંગીતકાર સાથેનું મોહમ્મદ રફીનું સૌપ્રથમ યુગલ ગીત:
બીજો પંચવર્ષીય સમયખંડ ૧૯૪૯ -૧૯૫૩: વર્ષ ૧૯૫૨

મોહમ્મદ રફીની સાડા ત્રણ દાયકાની સક્રિય કારકિર્દી દરમ્યાન  દરેક વર્ષે એક, અથવા વધુ, સંગીતકાર સાથે સર્વપ્રથમ સહયોગ કરવાનું તેમને બનતું જ રહ્યું.  મોહમ્મદ રફીના જન્મદિવસ [૨૪ ડીસેમ્બર, ૧૯૨૪] અને મૃત્યુ તિથિ [૩૧ જુલાઇ, ૧૯૮૦]ની યાદમાં આપણે મોહમ્મદ રફીનાં સંગીતકાર સાથેનાં પહેલવહેલાં સૉલો ગીતોને યાદ કરતી શ્રેણી ડીસેમ્બર ૨૦૧૬ થી ૨૦૨૦ સુધી કરી ચુક્યાં છીએ.


મોહમ્મદ રફીએ ગાયેલાં ગીતોમાં તેમનાં યુગલ ગીતોનું સ્થાન અદકેરું જ રહ્યું છે. તેથી સંગીતકાર સાથેનાં
મોહમ્મદ રફીનાં પહેલવહેલાં યુગલ ગીતની શ્રેણીનું અનુસરણ સ્વાભાવિક ક્રમ જ બની રહે. આપણો મુખ્ય ઉદ્દેશ્ય મોહમ્મદ રફીનાં યુગલ ગીતોને યાદ કરવાનો છે એટલે જે વર્ષે કોઈ સંગીતકાર સાથે જે જે ફિલ્મમાં સૌ પ્રથમ વાર મોહમ્મદ રફીનું એક કે એકથી વધારે યુગલ ગીત નોંધાય એ બધી ફિલ્મોનાં એ યુગલ ગીતો સાંભળવાનો હવે ઉપક્રમ રાખેલ છે. જો સ્ત્રી -પુરુષ યુગલ ગીત અને પુરુષ - પુરુષ યુગલ ગીત અલગ અલગ વર્ષમાં આવેલ હોય તો એ સંગીતકાર સાથેનાં મોહમ્મદ રફીનાં યુગલ ગીત તે તે વર્ષમાં લઈશું. 

અત્યાર સુધી આપણે 

૧૯૪૪થી ૧૯૪૮નાં વર્ષોના પ્રથમ સમયખંડને ૨૦૨૧માં,

૧૯૪૯થી ૧૯૫૩ના બીજા પંચવર્ષીય સમયખંડનાં

૧૯૪૯નાં ગીતોનો પહેલો ભાગ જુલાઈ ૨૦૨૨માં,

૧૯૪૯નાં ગીતોનો બીજો ભાગ ડિસેમ્બર ૨૦૨૨માં,

૧૯૫૦નાં ગીતો જુલાઈ ૨૦૨૩માં, અને

૧૯૫૧નાં ગીતો ડિસેમ્બર ૨૦૨૩માં 

                           આવરી ચૂક્યાં છીએ. 

આજના મણકામાં આપણે વર્ષ ૧૯૫૨ દરમ્યાન સંગીતકાર સાથેનાં મોહમ્મદ રફીનાં સૌપ્રથમ યુગલ ગીત દ્વારા મોહમ્મદ રફીનાં ઓછાં સાંભળળવા મળતાં યુગલ ગીતોની યાદ તાજી કરીશું. ૧૯૫૨નાં વર્ષ દરમ્યાન મોહમ્મદ રફીએ બધું મળીને ૪૭ જેટલાં યુગલ / યુગલ (+) ગીતો ગાયાં છે.

આ વર્ષમાં ગુલામ મોહમ્મદે સંગીતબદ્ધ કરેલી બે ફિલ્મોમાં મોહમ્મદ રફીનાં યુગલ ગીતો સાંભળવા મળે છે.

દો દિન કી ઝિંન્દગી મેં એક બાર મુસ્કરા દો - અજીબ લડકી (૧૯૫૨) - જી એમ દુર્રાની , શમશાદ બેગમ સાથે - ગીતકારઃ શકીલ બદાયુની   સંગીતઃ ગુલામ મોહમ્મદ 

ફિલ્મમાં તલત મહમુદ અને લતા મંગેશકરનાં બે અને જી એમ દુર્રાની અને શમશાદ બેગમનું એક યુગલ ગીત છે. એ પરથી એમ માની શકાય કે તલત /લતાનાં યુગલ ગીતો ફિલ્મનાં મુખ્ય પાત્રો પર ફિલ્માવાયાં હશે, જ્યારે પ્રસ્તુત ગીત 'અન્ય' પાત્રો પર ફિલ્માવાયું હશે. 



લાયા હું સંદુક મેં ભર કે નૈનો કી બંદુક - અંબર (૧૯૫૨) - શમશાદ બેગમ સાથે - ગીતકારઃ શકીલ બદાયુની   સંગીતઃ ગુલામ મોહમ્મદ 

દરબારમાં મનોરંજન માટે રજુ થતાં નૃત્ય ગીત તરીકે આ ગીત રજુ થાય છે, એટલે ગીત હળવા મનોભાવમાં રચાયું છે. ગીત ખાસ્સું લાંબું છે. ગીતમાં બીજાં પુરુષ પાત્રોને ભાગે જે પંક્તિઓ ગાવાની આવે છે તે કોઈ અન્ય પુરુષ સ્વરોમાં હોય એવું જણાય છે.


   

આ જ બન્ને ગાયકોના સ્વરમાં બીજું પણ એક યુગલ ગીત, અલાર યમા ચૂમ છકારે રોતે હૈં નૈના ગમકે મારે દેખ રહી હું મૈં દિનકે તારે 

શમા જલી પરવાના આયા ... પ્ય્રાકી આગમેં જલ જાને કો - અંબર (૧૯૫૨) - લતા મંગેશકર  સાથે - ગીતકારઃ શકીલ બદાયુની   સંગીતઃ ગુલામ મોહમ્મદ 

આ બન્ને ગાયકોના સ્વરનાં બીજાં બે યુગલ ગીતો - હમતુમ યે બહાર દેખો રંગ લાયા પ્યાર બરસાતકે મહીનેમેં  અને દુનિયામેં નહીં કોઈ યાર વફાદાર જ઼માના સચ કહતા હૈ -ના પ્રમાણમાં આ ગીત ઓછું લોકભોગ્ય બન્યું હતું. 



બતા દિલકે કફસમેં જવાની ઘુટકે મરતી હૈ .... યું હી ઉલ્ફતકે મારોં પર યે દુનિયા જ઼ુલ્મ કરતી હૈ - અલ્લાદીન ઔર જાદુઈ ચિરાગ (૧૯૫૨) - શમશાદ બેગમ સાથે - ગીતકારઃ રમેશ ચંદ્ર પાંડે - સંગીતકારઃ એસ એન ત્રિપાઠી 

સફળ ગણાતાં મોટા ભાગનાંકલાક્રોને શરૂઆતમાં ટુંકાં બજેટની ફિલ્મોમાં કામ કરવું જ પડતું હોય છે. મીના કુમારીનું જેમ 'બૈજુ બાવરા'માં નસીબ આડેથી પાંદડું ખસી ગયું એમ થાય તો પછી આવી 'નબળી' ફિલ્મોમાં એ લોકોએ કામ કર્યું હતું એ ભુલાઈ જાય છે. 



હો સકે તો દિલકે બદલે દિલ ઈનાયત કિજિયે, કહ રહી નજર હમસે પ્યાર કિજિયે - અલ્લાદીન ઔર જાદુઈ ચિરાગ (૧૯૫૨) - શમશાદ બેગમ, આશા ભોસલે, ચિત્રગુપ્ત સાથે - ગીતકારઃ રમેશ ચંદ્ર પાંડે - સંગીતકારઃ એસ એન ત્રિપાઠી 

'અન્ય'કલાકારો ગીત ઉપાડે અને તેમાંથી મુખ્ય કલાકારો ગીતને ઉપાડી લે એવાં ગીતો એ સમયે બહુ ચલણમાં હતાં. અહીં મુખડા અને અંતરામાં શરૂઆત 'અન્ય' કાલાકારો કરે પછી મુખ્ય કલાકારો એ જ ભાવમાં પોતાની વાત કહી જાય છે.


ઋત મસ્તાની સામને હૈ રાની યહી યહી જવાની મસ્તાની - અન્જામ (૧૯૫૨) - ચાંદબાલા સાથે - ગીતકારઃ ક઼મર જલાલાબાદી - સંગીતઃ મદન મોહન 

મદન મોહને પાશ્ચાત્ય ધુન પર ક્લબ સોંગ તરીકે આ ગીતની રચના કરી છે. જોકે ચાંદબાલા નામ અજાણ્યું છે.


ઓ પ્યારે જી ચલો બાગકી સૈર કો તેરા મેરા પ્યાર કોઈ ચોરી નહીં - બદનામ (૧૯૫૨) - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતકારઃ બસંત પ્રકાશ 

હસરત જયપુરીએ પણ આ ફિલ્મમાં ગીતો લખ્યા છે. 'બરસાત' અને 'આવારા' પછી આ બન્ને ગીતકારો અન્ય સંગીતકારો સાથે પણ કામ કરવાની શરૂઆત કરવાના શ્રીગણેશ કદાચ આ ફિલ્મથી કર્યા હશે! 



ગુંજ નહીં યે પર્બત કી .... ઓ મેરી મેના ખાલી હૈ દિલકા કોના - ગુંજ (૧૯૫૨) - સુરૈયા સાથે - ગીતકારઃ પ્રકાશ બક્ષી - સંગીતઃ શાર્દુલ ક્વાત્રા 

મુખડાના આવા બોલ સાથે આ ગીતને ફિલ્મમાં કેમ ગોઠવ્યું હશે તે સમજવું મુશ્કેલ છે.



યે લહરાતે બલ્ખાતે રાસ્તે, કુદરત ને બનાયે તેરે વાસ્તે ... સંભલ સંભલ કર જાના દિલકી માર ન ખાના .... યે દેશ બેગાના -  ગુંજ (૧૯૫૨) - ઉમાદેવી અને ત્રિલોક કપુર સાથે - ગીતકારઃ ડી એન મધોક - સંગીતકારઃ શાર્દુલ ક્વાત્રા 

આમ તો એક સામાન્ય પ્રેરણાત્મક ગીત છે, પણ ઉમાદેવીની સાથે મોહમ્મદ રફીનાં યુગલ બહુ જ ભાગ્યે મળી શકે એવાં ગીત તરીકે આ ગીત મહત્ત્વનું બની રહે છે. 




ત્રણ ફિલ્મો, પાંચ સહગાયકો અને ત્રણ યુગલ અને ત્રણ યુગલ (+) ગીતો સાથે સી રામચંદ્રએ મોહમ્મદ રફી સાથેનાં ખાતામાં ધુમધડાકાથી શરૂઆત કરી. તે પછી, જોકે, આ વ્યાવસાયિક સંબંધોનો બાગ બહુ જલદી સુકાઈ ગયો. 

દિલ કીસીકો દિજિયે દિલ કીસીકા લિજિયે, ઝિન્દગી હૈ ચાર દિન - ઘુંઘરૂ (૧૯૫૨) - ઝોહરાબાઈ અંબાલેવાલી સાથે  - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ સી રામચંદ્ર 

આ સ્ટેજ શો માટે ભજવાતું ગીત લાગે છે.


હવા હૈ ઠંડી ઠંડી, ...ઉલ્ફતકી ઝિન્દગીકે જો સાલ હો હજ઼ાર - હંગામા (૧૯૫૨) - લતા મંગેશકર, ચિતળકર સાથે - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ સી રામચંદ્ર

એ સમયમાં ચટપટાં ત્રિપુટી ગીતો બનાવવામાં સી રામચંદ્રને સારી ફાવટ આવી ગઈ હતી ! 


લડ લડ ગયી નઝર મેરી લડ ગયી ... દિલકી ગાડી હો અડ ગયી - હંગામા (૧૯૫૨) - લતા મંગેશકર, ચિતળકર સાથે - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ સી રામચંદ્ર

સી રામચંદ્રની ચટપટાં ગીતોની ગાડી તો પુરવેગે ચાલી નીકળી છે ... !


મેરી સખી બતા ક્યા બતાઉં ... મેરી સખી બતા તેરી પી બીન કૈસી ગુજરી રાત - હંગામા (૧૯૫૨) - ચિતળકર સાથે - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ સી રામચંદ્ર

પુરુષ - પુરુષ યુગલ ગીત હોવા છતાં સી રામચંદ્રની આગવી કુમાશ ગીત પર છવાયેલી રહે છે.


આ ગયી હૈ ઈશ્ક઼ પે બહાર ખત્મ હુઆ હૈ ઈન્તજ઼ાર ... ઝિન્દગી ભી રંગ બદલ ગયી - સાક઼ી (૧૯૫૨) - લતા મંગેશકર સાથે - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ સી રામચંદ્ર 

મધ્ય પૂર્વની સંગીત શૈલીમાં ગીતની બાંધણી કરવા છતાં સી રામચંદ્રનાં સંગીતની કુમાશ અકબંધ છે.


નમકીન તુમ્હારી સુરત હૈ અર્રે નૈન તોરે મતવાલે હૈં - જલપરી (૧૯૫૨) - આશા ભોસલે સાથે - ગીતકારઃ ? - સંગીત પંડિત ગોવિંદરામ 

પ્રસ્તુત ગીતની સાથે સાથે ફિલ્મનાં બીજાં બે યુગલ ગીતો, બનાનેવાલે ક્યા તુને યહી(ગીતકારઃ ક઼મર જલાલાબાદી) અને સુનો સુનો ગગન કે તારે (ગીતકારઃ રમેશ ગુપ્તા) તો ક્યાંથી જ સાંભળ્યાં હોય જ્યારે ફિલ્મનું નામ પણ પહેલી જ વાર સાંભળ્યું હોય ! 



ઈસ દુનિયામેં કૌન બડા હૈ, કહો પુરુષ યા નારી જી, સોચ સમજકર બોલો રે ચતુરજાન - કાફિલા (૧૯૫૨) - ગીતકારઃ કવિ પ્રદીપ - સંગીતઃ ભોલા શ્રેષ્ઠ 

આ ગીત શેરી ગીત જણાય છે.


તેરા મેરા મેરા તેરા પ્યાર હો પ્યારી  ... કરતે હૈ નૈનો સે નૈના મિલને કા ઈકરાર - મમતા (૧૯૫૨) - સુલોચના કદમ સાથે - ગીતકારઃ શ્યામ હિન્દી - સંગીતઃ સોનિક 

બન્ને તરફ પ્રેમથી ભીજાયેલ પ્રેમીઓના મુગ્ધ ભાવને આ યુગલ ગીતમાં પ્રતિબિંબિત થતો જોવા મળે છે. 


ક્યા બતાઉં મોહબ્બત હૈ ક્યા .... સીનેમેં રહ રહ કર દર્દ ઊઠ રહા હૈ ... મગર આ રહા હૈ મજ઼ા - પર્બત (૧૯૫૨) - લતા મંગેશકર, ગીતા દત્ત સાથે - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન

શંકર જયકિશનનાં ગીતા દત્ત સાથેનાં ગીત પણ આંગળીને વેઢે ગણાઈ રહે એટલાં માંડ હશે, તેમા< રફી, લતા અને ગીતા દતનું તેમણે રચેલું  ત્રિપુટી ગીત તો કલ્પનાતીત જ લાગે.


ઘનન ઘનન ઘન ગરજે ... બા બા બરદા બાદલ કે દિલ મેં અરે ગોરીકી અંખેં મિલ ગયી .... યે કિસને દેખા - સપના (૧૯૫૨) - શમશાદ બેગમ સાથે - ગીતકારઃ ભરત વ્યાસ - સંગીત શ્યામ બાબુ પાઠક

વાદળ ગર્જનાની ઉર્જા ગીતમાં ઝીલાઈ છે. ફિલમ્નું બીજું યુગલ ગીત લકડી કે ટુકડે કરતી હૈ આરી .... અજી દિલકે ટુકડે કરતી હૈ મેરી કટારી જણાય છે તો પ્રેમ ગીત પણ તેનું ફિલ્માંકન કલ્પી નથી શકાતું. 



સિંદબાદ સિંદબાદ સિંદબાદ .... ધરતી આઝાદ હૈ આસમાન આઝાદ લેહરોંકી ગોદમેં આબાદ હૈ જિંદગી આબાદ - સિંદબાદ ધ સેલર - ચિત્રગુપ્ત સાથે - ગીતકારઃ અંજુમ જયપુરી – સંગીત: ચિત્રગુપ્ત

પુરુષ - પુરુષ યુગલ ગીત  બેકગ્રાઉન્ડ ગીત તરીકે સાંભળવા મળવું એ લ્હાવો છે.


આજ અંક પુરો કરતાં કરતાં પાછળ નજર પડે છે ત્યારે આખાં વર્ષમાં એક પણ ગીત આ પહેલાં સાંભળેલું ન હોય એ એક ખાસ્સી આશ્ચર્યજનક ઘટના ગણી શાક્ય એમ અનુભવાય છે. જોકે, મોહમ્મદ રફીનાં કોઈ પણ સંગીતકાર સાથેનાં પહેલવહેલાં યુગલ ગીતની ખોજમાં આવાં આશ્ચર્યો ન આવે તો જ નવાઈ કહેવાય !


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

No comments: