Sunday, August 15, 2021

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ઓગસ્ટ, ૨૦૨૧

 

શૈલેન્દ્રનાં સાર્દુલ ક્વાત્રા અને મુકુલ રોય સાથેનાં ગીતો


શૈલેન્દ્રનાં (મૂળ નામ: શંકરદાસ કેસરીલાલ (જન્મ: ૩૦ ઓગસ્ટ, ૧૯૩૩ – અવસાન: ૧૪ ડિસેમ્બર ૧૯૯૬) ગીતોમાં શંકર જયકિશન સાથેનાં ગીતો જ સિંહફાળે છે. તેમાં હજુ એસ ડી બર્મન અને સલીલ ચૌધરી સાથેનાં ગીતો મેળવ્યા બાદ તો જાણે શૈલેન્દ્રનાં યાદગાર ગીતોનો અધ્યાય જ પુરો થઈ ગયો હોય એમ સામાન્ય છાપ રહે. આ વિચારને ચકાસવા માટે ૨૦૧૭માં આપણે શૈલેન્દ્રનાં અન્ય સંગીતકારો સાથેનો લેખ -શૈલેન્દ્રનાં 'અન્ય' સંગીતકારો સાથેનાં ગીતો - કર્યો. એ લેખમાંથી બહુ સ્પષ્ટપણે ફલિત થયું કે અન્ય સંગીતકારો સાથેના શૈલેન્દ્રનાં ગીતોનું એક અલગ જ વિશ્વ છે. 

એટલે,  શૈલેન્દ્રની યાદને તાજી કરવા માટે આપણે, વર્ષ ૨૦૧થી, દર ઓગસ્ટ મહિને તેમનાં 'અન્ય' સંગીતકારો સાથેનાં ગીતોને આ મંચ પર યાદ કરી રહ્યાં છીએ. અત્યાર સુધી આપણે

૨૦૧૮ - શૈલેન્દ્ર અને રોશન

૨૦૧૯ -  શૈલેન્દ્ર અને હેમંત કુમાર, રવિ અને કલ્યાણજી (આણંદજી)

૨૦૨૦ – શૈલેન્દ્ર અને એસ એન ત્રિપાઠી, અનિલ બિશ્વાસ અને સી રામચંદ્ર

નાં ગીતો સાંભળી ચુક્યાં છીએ.

આજના અંકમાં આપણે શૈલેન્દ્ર અને સાર્દુલ ક્વાત્રા અને મુકુલ રોયનાં ગીતોને યાદ કરીશું.

શૈલેન્દ્ર અને સાર્દુલ ક્વાત્રા

સાર્દુલ (સિંગ) ક્વાત્રા - ૧૯૨૮| ૨૦૦૫ - પંજાબી ગીતોના માહિર સંગીતકાર હતા. તેમની પહેલવહેલી હિંદી ફિલ્મ 'એક તેરી નિશાની' (૧૯૪૯) હતી. એ ફિલ્મ તો ટિકિટબારીએ નિષ્ફળ ગઈ પણ સાર્દુલ ક્વાત્રાનાં સંગીતની નોંધ જરૂર લેવાઈ.  સાર્દુલ ક્વાત્રાએ બધું મળીને ૨૨ હિંદી ફિલ્મો અને ૧૫ પંજાબી ફિલ્મોમાં સંગીત આપ્યું. 'મિર્ઝા સાહિબાન' (૧૯૫૭) નાં તેમણે રચેલાં ગીતો બહુ લોકપ્રિય થયાં હતાં.

પીપલી સાહેબ (૧૯૫૪)

ફિલ્મનાં ૯ ગીતો ત્રણ ગીતકારોમાં વહેચાયેલાં છે - હસરત જયપુરી:, વર્મા મલિક: ૧ અને શૈલેન્દ્ર:

સપનોંકી દુનિયામેં હાયે રંગ લાયા ઓ મન ભાયા ફાગુન આયા - ઉષા મંગેશકર, મીના મંગેશકર, શમિન્દર પાલ

લોકગીત પર આધારીત ગીતને સાર્દુલ ક્વાત્રા બહુ જ સરળ ધુન અને સાદાં વાદ્યવૃંદથી સજાવી લીધી છે.

ચાંદ સિતારોંમેં કૌન બુલાયે રે … પહલુ સે દિલ ઉડા જાયે રે - લતા મંગેશકર, શમિન્દર

શમિન્દર પંજાબનાં સમૃદ્ધ ખેડૂત કુટુંબમાં જન્ય અને ઉછર્યા હતા પણ તેમને ગાયકીનો જ શોખ હતો. મુંબઈ આવ્યા બાદ સાર્દુલ ક્વાત્રાએ તેમને પહેલવહેલી તક આપી. તે પછી અન્ય સંગીતકારો માટે પણ ગીતો ગાયાં.

લતા મંગેશકર સાથે ગીત ગાવું એ તેમનું સ્વપ્ન હતું, જે અહીં સાકાર થયું છે.

તીસ માર ખાં (૧૯૫૫)

ફિલ્મમાં ૧૦ ગીતો હતાં જે પૈકી બાકીનાં ૮ ગીતો પ્રેમ ધવને લખેલાં છે.

જિનકી નિગાહોં ને છીના હૈ દિલ મેરા દેખોજી ઉનકા નિશાના કહીં ઔર હૈ - લતા મંગેશકર 

પ્રેમની યાદોની મીઠી મીઠી ફરિયાદોની ખુશી વ્યકત કરતા બોલના ભાવને ધુનમાં જીવંત થતા સાભળી શકાય છે.

ઢુંઢતી હૈ તુજ઼કો નિગાહેં (આશા ભોસલે) યુ ટ્યુબ પર નથી મળ્યું.

શૈલેન્દ્ર અને મુકુલ રોય

મુકુલ રોય (જન્મ ૧૬-૮-૧૯૨૬ અવસાન ૮-૧૧-૨૦૦૯) ગીતો (રોય)દત્તના મોટા ભાઈ હતા. તેમણે ત્રણ જ હિંદી ફિલ્મો સંગીત આપ્યું. તે ઉપરાંત બે બંગાળી ફિલ્મો (ગૃહપ્રવેશ અને કે હિનેર કહિની ) અને ૧ ગુજરાતી ફિલ્મમાં તેમણે સંગીત આપ્યું હતું. 

સૈલાબ (૧૯૫૬)

ફિલ્મનું નિર્માણ પણ મુકુલ રોયે(ગીતા દત્ત સાથે મળીને જ સ્તો)કર્યું હતું અને રવિન્દ્ર દવે એ થોડા જ સમયમાં ફિલ્મ છોડી દેતાં દિગ્દર્શન ગુરુ દત્તે સંભાળ્યું હતું. ફિલ્મનાં અન્ય ગીતો મજરૂહ સુલ્તાનપુરી (૪), હસરત જયપુરી (૨) અને મધુકર રાજસ્થાની (૧) વચ્ચે વહેંચાયેલાં છે.

યે રુત યે રાત જવાં બેકલ દિલ કે અરમાં, ઐસેમેં તુ કહાં મેરે દિલબર આ - ગીતા દત્ત

ક્લબનાં ગીતની શરાબી મસ્તીને ગીતા દત્ત તેમના નશીલા સ્વરમાં ઘૂંટે છે.

આ ગયી …. રે રાત રંગભરી આ ગયી….બચપનકા હાથ છૂટા - ગીતા દત્ત 

ગીતા દત્તના સ્વરની એક અનોખી જ ઓળખ અહીં થાય છે.

ડીટેક્ટીવ (૧૯૫૮)

ફિલ્મનાં બધાં જ ગીતો શૈલેન્દ્રએ લખ્યાં છે.

આંખોપે ભરોસા મત કર દુનિયા જાદુકા ખેલ હૈ - મોહમ્મદ રફી, સુધા મલ્હોત્રા

હીરોઈન (માલા સિંહા)ને રીઝવવા હીરો (પ્રદીપ કુમાર) તેના બાળસાથી (ડેઈઝી ઈરાની) સાથે તાગડા રચે છે.

કલ તલક હમ ઠીક થા આજ હમેં ક્યા હો ગયા - મોહમ્મદ રફી, ગીતા દત્ત

ફિલ્મમાં ગીત જોહ્ની વૉકર અને (હવામેં ઉડતા જાય વાળાં નહી) બિમલા કુમારી પર ફિલ્માવાયું છે.

બિમલા કુમારીનું પાત્ર એંગ્લો_ઇન્ડીયન છે એટલે એમના નામે ચડેલી તળપદી બોલીની શૈલીને શૈલેન્દ્રએ બોલમાં વણી લીધેલ છે.

છોડીયે ગુસ્સા હુઝૂર, ઐસી નારાઝગી ભી ક્યા - મોહમ્મદ રફી

રીસામણાં-મનામણાં પ્રકારનાં ગીતો માટે હિંદી ફિલ્મોમાં હંમેશાં ખાસ જગ્યા રખાતી.

આજા કર લે મુક઼ાબલા યે બાજી પ્યાર કી - મોહમ્મદ રફી, ગીતા દત્ત

જોહ્ની વૉકર મૅટડૉરના અને બિમલા કુમારી 'આખલા"ના વેશમાં સ્ટેજ પર ખેલ કરે છે અને પાછળ કંઈક રંધાતું જોવા મળે છે.

મુજ઼કો તુમ જો મિલે, યે જહાન મિલ ગયા - હેમત કુમાર, ગીતા દત્ત

ખુબ જ જાણીતાં યુગલ ગીતોમાં આ ગીત સ્થાન પામતું રહ્યું છે.

હિંદી ગીતમાલામાં ગીતા દત્તના સૉલો સ્વરમાં પણ ગવાયેલ ગીતનો ઉલ્લેખ છે, જે ફિલ્મમાં કદાચ એક ટુકડા રૂપે પ્રયોજાયેલ હશે.

રાહી ચલ સંભલ સંભલકે બડા કઠીન હૈ રાસ્તા - આશા ભોસલે

હિંદી ફિલ્મોમાં શેરી ગીત દેખીતી રીતે પેટીયું કમાવા ગાતાં ફરતાં લોકોનું ગીત હોય, પણ ગીતના બોલમાં મુખ્ય પાત્ર માટે કંઈક સંદેશ પણ તેમાં હોય જ.

અહીં પણ એવું જ બનતું જણાય છે. સામાન્ય શ્રોતા વર્ગને આ વિશે કંઈ શંકા ન રહે એટલે વિલન લોકોની હિલચાલનાં દૃશ્યો વચ્ચે વચ્ચે  બતાવાતાં રહે છે.

દો ચમકતી આંખોમેં ખલ ખ્વાબ સુહાના થા જિનકા - ગીતા દત્ત

હિંદી ફિલ્મોની વાર્તાનું ચક્ર અહીં ફરી ચુકે છે. એક સમયે જેને મનાવવા ભાઈ કેટલાંય લટુડાં પટુડાં કરતા એ હવે એકલતાની ઉદાસી અનુભવે છે. ભાઈશ્રી હોટલો અને ક્લબોમાં રખડતા ફરે છે.

ગીતા દત્ત ગીતના ભાવને બહુ જ અસરકારકપણે રજુ કરે છે.

આ ગીત ગીતા દત્તનાં ગીતોમાં પ્રથમ હરોળમાં સ્થાન પામતું ગીત રહ્યું છે.

શૈલેન્દ્રનાં અન્ય સંગીતકારો સાથેનાં ગીતોની આપણી આ સફર આગળ પણ હજુ ચાલુ જ રહે છે.


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

No comments: