Sunday, August 10, 2025

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૧૦મું સંસ્કરણ – ઓગસ્ટ, ૨૦૨૫

 

શૈલેન્દ્રનાં ગીતોની આર ડી બર્મન દ્વારા સ્વરબદ્ધ કરાયેલી રચનાઓ

શૈલેન્દ્ર  - શંકરદાસ કેસરીલાલ, (જન્મ ૩૦ ઓગસ્ટ, ૧૯૨૩ - અવસાન ૧૪ ડીસેમ્બર, ૧૯૬૬) - ની ફિલ્મ ગીતોની રચનાઓની વાત આવે એટલે તેમણે હસરત જયપુરી સાથે શંકર જયકિશનની રચનાઓની જ યાદ સામાન્ય રીતે આવે.

શૈલેન્દ્ર અને હસરત જયપુરીએ ક્યારેક અલગ અલગ તો ક્યારેક સાથે મળીને અન્ય સંગીતકારો સાથે પણ અનેક યાદગાર ગીતો લખ્યાં છે. તે ઉપરાંત બીજા સંગીતકારો સાથે કોઈ ફિલ્મમાં અન્ય ગીતકારો સાથે અમુકતમુક ગીતો લખ્યાં હોય એવી પણ છએક ફિલ્મો હશે.

શૈલેન્દ્ર - એસ ડી બર્મનનું સહકાર્ય અને સલીલ ચૌધરીની સાથે તેમણે કરેલ સહકાર્ય તો શંકર જયકિશન બાદ સંખ્યાત્મક અને ગુણાત્મક બન્ને દૃષ્ટિએ મહત્ત્વનું રહ્યું છે. આપણે શૈલેન્દ્ર - એસ ડી બર્મનનાં સહકાર્યની શ્રેણી યોગ્ય સમયે અલગથી આ મંચ પર કરીશું.

૨૦૧૭માં આપણે શૈલેન્દ્રનાં અન્ય સંગીતકારો સાથેનો લેખ -શૈલેન્દ્રનાં 'અન્ય' સંગીતકારો સાથેનાં ગીતોકર્યો તે પછીથી  આપણે

૨૦૧૮ - શૈલેન્દ્ર અને રોશન

૨૦૧૯ -  શૈલેન્દ્ર અને હેમંત કુમાર, રવિ અને કલ્યાણજી (આણંદજી)

૨૦૨૦શૈલેન્દ્ર અને એસ એન ત્રિપાઠી, અનિલ બિશ્વાસ અને સી રામચંદ્ર

૨૦૨૧ - શૈલેન્દ્ર અને શાર્દુલ ક્વાત્રા અને મુકુલ રોય,

૨૦૨૨ - શૈલેન્દ્ર અને કિશોર કુમાર 

૨૦૨૩ - બસંત પ્રકાશ અને શૈલેશ મુખર્જી અને

૨૦૨૪ - નીનુ મઝુમદાર 

નાં ગીતો સાંભળી ચુક્યાં છીએ.

આજના અંકમાં આપણે શૈલેન્દ્રનાં આર ડી બર્મને સંગીતબદ્ધ કરેલાં ગીતો સાંભળીશું.

આર ડી બર્મન સાથે શૈલેન્દ્રએ એક જ ફિલ્મ - છૉટે નવાબ (૧૯૬૧) - માટે ગીતો લખ્યા. સ્વતંત્ર સંગીતકાર તરીકે છોટે નવાબ આર ડી બર્મનની સૌ પ્રથમ ફિલ્મ હતી. 

છૉટે નવાબ નાં આઠ ગીતોમાં બે લતા મંગેશકરનાં સોલો, ત્રણ રફી - લતાનાં યુગલ ગીતો, એક રફી, શમશાદ બેગમનું યુગલ ગીત અને બે રફીનાં સોલો ગીતો હતાં.


ઘર આજા ઘીર આયે બદરીયા - લતા મંગેશકર 

ફિલ્મને ટિકિટ બારીપર સફળતા મળી હોત તો માલગુંજી રાગમાં સ્વરબદ્ધ આ ગીત જેવાં બીજાં ઘણાં ગીતો આર ડી બર્મન પાસેથી સાંભળવા મળી શક્યાં હોત. પરંતુ નિયતિની ચાલ કંઈક જુદી જ હશે એટલે આર ડી બર્મને પોતાનાં આગવા સ્થાનને સ્થાયી કરવા પાશ્ચાત્ય સંગીતનો આધાર લીધો.



ચુરા કે દિલ બન રહે હૈ ભોલે જૈસે કુછ જાનતે નહીં - લતા મંગેશકર 

મુજ઼રા ગીતોની આગવી શૈલીને અનુરૂપ આ ગીત રાગ ખમાજમાં સ્વરબદ્ધ કરાયું છે. 



કોઈ આને કો હૈ દિલ મચલને લગા - મોહમ્મદ રફી, શમશાદ બેગમ, સાથીઓ

કવ્વાલી થાટમાં સ્વરબદ્ધ થયેલાં આ એક માત્ર ગીત એવું છે જે શ્રાવ્ય સ્વરૂપમાં મળે છે. ગીતને ફિલ્મમાં નહીં લેવાયું હોય. એટલે જ, ફિલ્મનાં આઠ ગીતોમાંથી આ એક જ ગીત એવું છે, જે 'અજાણ્યું' કહી શકાય તેમ છે.


આજ હુઆ મેરા દિલ મતવાલા - મોહમ્મદ રફી, લતા મંગેશકર 

એકદમ ઝડપી લયમાં સ્વરબદ્ધ થયેલ ગીતમાં આર ડી બર્મને અંતરામાં ભારતીય તાલ વાદ્યોનો ઉપયોગ કર્યો છે. જોકે ગીત ઘણું જ કર્ણપ્રીય બન્યું છે.


મતવાલી આંખોવાલે ઓ અલબેલે દિલવાલે - મોહમ્મદ રફી, લતા મંગેશકર

ક્લબ ગીતમાં પણ આર ડી ગીતનું માધુર્ય બરકરાર રાખે છે.


   

જીનેવાલે મુસ્કરા કે જી - મોહમ્મદ રફી, લતા મંગેશકર,મહેમુદ 

જ્હોની વૉકરને પણ તેમનું 'ફરજીયાત ફાળવવું પડે' એવું ગીત મળે છે. જોકે શ્રોતા તરીકે આપણને તો એક વધુ સાંભળવું ગમે એવું હલકું ફુલકું ગીત મળ્યું છે.



આમચુમ તામચુમ કાલા બદામ ચુમ - મોહમ્મદ રફી, સાથીઓ 

મહેમૂદનો માનસિક વિકાસ નથી થયો એ બતાવવા માટે એક બાળગીત મુક્યું છે.  ઓછા માનસિક વિકાસ પર ભાર મુકવા  ઉસકે બાદ લોઝ શામ માં તોતડાતા ઉચ્ચારનો પ્રયોગ પણ કરાયો છે.



ઈલાહી તુ સુન લે હમાલી દુઆ - મોહમ્મદ રફી

આ ગીતને આર ડી બર્મનનાં સવકાલીન શ્રેષ્ઠ ગીતોમાં સ્થાન મળવું જોઈએ.



અન્ય સંગીતકારો દ્વારા સ્વરબદ્ધ થયેલાં શૈલેન્દ્રનાં ગીતોની સફર હજુ પણ ચાલ રહે છે ........


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

No comments: