Showing posts with label Susmita Ashok Vaishnav. Show all posts
Showing posts with label Susmita Ashok Vaishnav. Show all posts

Sunday, January 25, 2026

સુસ્મિતા - મારાં જીવનસંગિની .....- ઓળખાણ અને પ્રેમસંબંધ સંવનન

 "પ્રસ્તાવ અને સ્વીકાર"થી આગળ

ઓળખાણ

એકબીજાને જીવનસાથી તરીકે સ્વીકારવાની સહમતિ થયા બાદ અમારા વર્તમાન અંગેની જેટલૉ બને એટલી આવશ્યક બાબતો વિશે એકબીજાને અપડેટ કરવામાં અમે સમય ન ગુમાવ્યો. પહેલા એકાદ અઠવાડીયામાં જ એકબીજા વિશે જાણવા માટે જરૂરી કહી શકાય એવાં ઘણાં પાસાંઓનું વિગતવાર વર્ણન કરતા બેએક પત્રો એકબીજાને લખી નાખ્યા. તે પછીના બીજા બે એક પત્રોમાં પહેલા પત્રોના જે જે મુદ્દાઓ અંગે સ્પષ્ટતાઓ કરવાની હતી કે વધારે માહિતીનાં ઉમેરણ કરવાનાં હતાં તે પણ જણાવી લીધાં.

સુસ્મિતા - મુંબઈ ખાતેના તેમના વ્યાખ્યાતા તરીકેના કાર્યકાળ દરમિયાન એક કાર્યક્રમમાં ...

એ દરમ્યાન મારાં ઑફિસના કામ અંગે મુંબઈ જવાની એક તક ખુલી. એક જ દિવસમાં પાછા ફરવાને બદલે એક રાત રોકાઈ શકાય એ માટે મેં ઑફિસ પાસે પરવાનગી માંગી. એ મંજુરી મળી અને આવવા જવાની ટિકિટોની વ્યવસ્થા થઈ ગઈ, એટલે મેં સુસ્મિતાને આ અંગે જાણ કરી અને આ મુલાકાતનો વધારેમાં વધારે લાભ કેવી રીતે લઈ શકાય તે જણાવવા કહ્યું. પછીથી તો  ફોન પર જ અમે આખું આયોજ્ન ગોઠવી કાઢ્યું. જાહેરમાં પણ પોતાની અંગત પળો માણી શકાય એ મુંબઈની જીવન શૈલીનું એક મોટું સકારાત્મક પાસું છે. તેનો લાભ લઈને કોલેજ (બોમ્બે યુનિવર્સિટી)થી સુસ્મિતાના હંમેશના પાછા ફરવાના સમયે મારે સુસ્મિતાને સાંજે ફ્લોરા ફાઉન્ટેન પાસે મળવાનું નક્કી કર્યું. ત્યાંથી અમે સાથે બસમાં તેમના ઘરે - પર્લ પેલેસ (સાંતાક્રુઝ,પશ્ચિમ) - સાથે જઈએ તો અમને ૪૫થી ૬૦ મિનિટનો સમય એકબીજા સાથે ગાળવા મળી શકે તેમ હતું. 

મુંબઈની મારી મુલાકાતો દરમ્યાન મને જ્યારે સમય મળે ત્યારે હું રિધમ હાઉસ (કાલા ઘોડા)થી રેકોર્ડ ખરીદવા જતો. નક્કી કરેલા દિવસે હું મોડો ન પડું એટલે પહેલાં તો રિધમ હાઉસ પહોંચી ગયો. પરિણામે, બસ સ્ટોપ પર પહોંચીને માંડ પાંચેક મિનિટ રાહ જોઈ હશે એટલી જ વારમાં મેં સુસ્મિતાને બીજી બાજુથી આવતી જોઈ. જ્યારે અમે બે ત્રણ મિનિટનાં અંતર જેટલાં દૂર હતા, ત્યારે એકબીજા સાથે નજર મળી. સુસ્મિતાના પ્રસ્તાવ-પત્રને વાંચતાંની સાથે એકબીજા વિશે ભાગ્યે જ કંઈ જાણતાં હોવાની જે લાગણી જન્મી હતી તે તો નજર મળતાંવેંત ઓગળી ગઈ. હવે એકબીજાને સ્વીકારવા બદલ આભારવશતા અને પહેલી વાર એકબીજાને રૂબરૂ જોવાનો આનંદ અમારી આંખોમાં તરી રહ્યો. એકબીજાંને 'કેમ છો' એટલું પુછી શકીએ તે પહેલાં, અમારી બસ આવી ગઈ. બે માળની બસના ઉપરના માળે બાજુ બાજુની સીટ પર બેઠાં અને ટિકિટ ખરીદી તે પછી જ અમારી ઓળખાણની શરૂઆતનું 'કેમ છો' અભિવાદન થઈ શક્યું.

જોકે તેનું વળતર પછીની પીસતાળીક  મિનિટમાં મળી ગયું. ઉતરવાનું સ્ટેન્ડ આવ્યું ત્યાં સુધી સુધી અમે અનેક વિષયો પર એવી રીતે વાત કરી જાણે કે અમે ઘણા વર્ષોથી એકબીજાને ઓળખતાં હોઈએ. અમારી ચર્ચાનો સુર એટલો અનૌપચારિક હતો કે એકબીજાની બાજુમાં બેઠાં હોવાની અનુભૂતિ કરતાં માનસિક રીતે અમારી વચ્ચેનું અંતર ખતમ થઈ જવાની ઓળખાણનો ભાવ બહુ સહજપણે અનુભવાયો.

ઘરે પહોંચ્યા પછી, (સુસ્મિતાના મા) કુંજલતાબેનને પણ પહેલી જ વાર મળ્યો. પરંતુ, હવે તેમને સાસુ તરીકે મળવાનો કોઈ ભાર મને ન લાગ્યો. રાત્રે જમતાં પહેલાં, અમારી ચર્ચાઓનો મુખ્ય વિષય સગપણના સમાચાર જાણ્યા પછી બંને પક્ષના સંબંધીઓની પ્રતિક્રિયાઓમાં સાવેસાવ આશ્ચર્યથી લઈને યે તો હોના હી થા' સુધીનાં પ્રતિભાવોને યાદ કરવાનો રહ્યો. 'જમાઈ' તરીકેની મારી પહેલવહેલી મુલાકાતનૂ ઉજવણી રૂપે મિઠાઈ તરીકે સેવી (सेवैयां) બનાવી હતી. જમતાં જમતાં મને બીજું શું શું ભાવે એવી વાતો દ્વારા ઓળખાણની પ્રક્રિયા આગળ ચાલતી રહી. જમી લીધા પછી, ભોજન પછીની અમારી ચર્ચાઓ દિવ્યભાષની વ્યાવસાયિક પ્રવૃત્તિઓ, કિન્શાશા (ઝાયર)માં તેમની જીવનશૈલી જેવી બાબતોને આવરી રહી. એકંદરે, તે એક મુલાકાતે અમને બધાને એકબીજાની જીવનશૈલીનાં મોટાભાગનાં આવશ્યક પાસાઓથી અવગત કરી આપ્યાં. 

કુંજલતાબેન, દિવ્યભાષ, કર્ણિકા, સુસ્મીતા

આજે હવે પાછળ નજર કરતાં જણાય છે કે એ મુલાકાતની ફળશ્રુતિ રૂપે લગ્ન કેવી રીતે ગોઠવવાં જેવી મુશ્કેલ ચર્ચાઓ વખતે હું કુંજલતાબેન સમક્ષ હું મારા વલણને બહુ મોકળાશથી રજૂ કરી શક્યો એટલું જ નહીં પણ (જોરદાર રીતે) મારો બચાવ પણ કરી શક્યો હતો.

કુંજલતાબેન અને મારા સંબંધમાં કેટલી સહજતા આવી ગઈ હતી તેનાં ઉદાહરણ તરીકે મને એક ખૂબ જ રસપ્રદ ઘટના યાદ આવે છે. એકવાર અમે હર્ષવદનભાઈ અને સુરભીને મળવા જવા માટે બસની રાહ જોઈ રહ્યા હતા. સુસ્મિતા અને હું કુજલતાબેનની આગળ ઊભાં હતા. એટલે સ્વાભાવિકપણે કુંજલતાબેનની નજર સુસ્મિતા અને મારી ઊંચાઈમાંના ફરક પર ગઈ હશે. આપણા સમાજમાં આવી નાની નાની બાબતો વિશે લોકો, વણમાગ્યે, પોતાના 'સ્પષ્ટ' અભિપાયો સંભળાવી જતાં હોય છે. અમારા કિસ્સામાં, કમસે ક્મ આ આબતે, સાંભળવું નહીં પડે એવી રાહતના સુરમાં, કુંજલતાબહેને કહ્યું કે અશોક સુસ્મિતા કરતા થોડા ઊંચા છે તે જોઈને સારું લાગ્યું.

એ પછી મુંબઈની કેટલીક મુલાકાતો દરમિયાન, ભુજંગીભાઈ અંતાણી @ ઇર્લા), વિજયાફાઈ પરિવાર (@ બાણગંગા) અને પ્રિયવદનભાઈ અને કોકિલાબેન બક્ષી (@કોલાબા) જેવાં તેમનાં અન્ય નજીકના સંબંધીઓ અને પરિચિતોને મળવા પણ અમે ગયાં  રામકૃષ્ણ આશ્રમ સાથે મહેશભાઈના સંબંધ વિશે જાણ્યા પછી, કુંજલતાબેન મને સાંતાક્રુઝ (પશ્ચિમ) ખાતેના રામકૃષ્ણ આશ્રમની મુલાકાતે લઈ ગયાં હતાં. તે દિવસે અમે મારાં માસી, મીનમાસી (લક્ષ્મીબેન ગુલાબરાય મહેતા)નાં દીકરી બકુલાબેન (જયવંતભાઈ વૈદ્ય)ને ઘરે પણ ગયાં હતાં.

આમ એ સમયનીની મારી મુંબઈની મુલાકાતોને પરિણામે મને અને સુસ્મિતાને  તેમજ મને અને કુંજલતાબેનને એકબીજાને ઓળખવાનું શક્ય બન્યું.

પ્રેમસંબંધ સંવનન

અમારા અંગત સ્તરે, અમારી સૌ પ્રથમ રૂબરૂ મુલાકાતની બસની સફરનો એ કલાક તે પછીના અમારા પત્રવ્યવહારનો પાયો બની ગયો. અમારા પત્રોના વિષયો અમારા વિચારો અને પસંદનાપસંદને પ્રતિબિંબીત કરતા, પરંતુ તેમાંની રજૂઆતમાં આદર્શ કે આડંબરને બદલે અમારી સ્વાભાવિક મૌલિક અભિવ્યક્તિ જ જળવાતી. એમ કહી શકાય કે અમે જેવાં હતાં તેવાં જ દેખાઈએ એવો પત્રનો સુર રહેતો. એકબીજાના પત્રના વિષય પરના અમારા પ્રતિભાવ પણ સહજ રહેતા હતા.

કામ સાથે સંકળાયેલી મારી મુંબઈનો મુલાકાતો દરમ્યાન વાતોના વિષય તરીકે પણ અમને એવા, પોતપોતાના રોજબરોજના જીવન વ્યવહારોના પ્રસંગો બહુ સહજપણે મળી રહેતા. જો પુરતો સમય હોય તો જુહુ બીચ સુધી ચાલતાં જવું અને ત્યાં થોડી વાર બેસવું અમને બહુ અનુકુળ જણાતું.

રૂબરૂ કે પત્ર દ્વારા થતી મુલાકાતમાં નવી નવી સગાઈ થયેલ બે અલ્પ-પરિચિત વ્યક્તિઓની જેટલી ઉત્કટ મુગ્ધતા હતી તેટલી જ જાણે વર્ષોથી એકબીજાને ઓળખતાં હોઈએ એવી વિષયોની પસંદગી અને રજૂઆત રહેતી. આગામી દરેક પત્ર કે મુલાકાતનો અમને પહેલા પત્ર કે મુલાકાત જેટલી જ આતુરતાથી ઈતજાર રહેતો. પત્ર ખોલતાં વેંત તેમાં શું હશે તે જાણવાની ઉત્કટતા પણ એટલી જ હતી અને દરેક મુલાકાતમાં, પહેલી મુલાકાત સમયે આંખોના પહેલવહેલા સંપર્કમાં જે ચમક હતી તેવી જ ચમક ઝળકતી રહી હતી.

આ સમયગાળા દરમિયાન અમારી વચ્ચેના સ્વાભાવિક દૈહિક પ્રેમાકર્ષણને નિષ્કામ સંબંધના સ્તરે લઈ જવામાં ત્રણ સાંસારિક ઘટનાઓનો ફાળો અત્યારે ખાસ યાદ આવે છેઃ 

દિવાળીના દિવસો દરમ્યાન સુસ્મીતા અને કુંજલતાબેન અમદાવાદ આવ્યાં. સુસ્મિતા માટે, તે વૈષ્ણવોની જીવનશૈલીનો પહેલો, ઔપચારિક અને સંપૂર્ણ પરિચય હતો. અમારા બન્ને માટે, તે અમારા ભાવિ લગ્ન જીવનના એક પાસાનું લાઇવ ડ્રેસ-રિહર્સલ હતું.

એ દિવસોમાં મૉટા અમ્માએ (૧૯૯૧થી રિવાજો અને નિયમોમાં છૂટછાટ તરીકે હવે જાણીતાં) 'ઉદારીકરણ'ની બીજી વાર એક મહત્વની જાહેરાત કરી. તેમણે સુસ્મિતાને જાહેરમાં કહ્યું કે તેમની હાજરીમાં, અને સુસ્મિતાના સસરા (તેમના સમયથી પ્રચલિત એવા રિવાજ મુજબ મોટાં અમ્મા તેમના દીકરાઓને નામથી બોલાવતાં નહીં)ને જો વાંધો ન હોય તો તેમની હાજરીમાં પણ, સુસ્મિતા મને નામથી બોલાવી શકે છે. તે જ રીતે હું પણ સુસ્મિતાને નામથી બોલાવી શકું છું અને બધાંની હાજરીમાં અમે વાતચીત પણ કરી શકીએ છીએ. આ પહેલાં (મારા મોટા પિતરાઈ ભાઈ, મારા કાકા કમલભાઈ પ્રાણલાલ વૈષ્ણવના મોટા પુત્ર) દિવ્યકુમારભાઈના લગ્ન પછી તેમની પહેલી આવી ઘોષણા કરી હતી કે હવેથી પરિવારની પત્નીઓએ પરિવારના (પુરુષ) વડીલોના માનમાં લાજ કાધવાની જરૂર નથી. જેમણે ખૂબ જ રૂઢિચુસ્ત સમાજમાં પોતાનું જીવન વિતાવ્યું હતું એવાં, કુટુંબનાં મોભી દ્વારા આવી સ્વપ્રેરિત જાહેરાત મોટા અમ્માની ઉદાર વિચારસરણી અને નવી પેઢી પ્રત્યેના તેમના પ્રેમ અને નવી પેઢીની બદલતી તાસીર પ્રત્યે તેમની પરવાની ચીવટની દ્યોતક હતી !

[નોંધ: ત્યારથી પરિવારમાં લાજ કાઢવાનો શિષ્ટાચાર જાળવવાની પ્રથા તો નીકળી જ ગઈ. હા, સુસ્મિતા હજુ પણ મને નામથી નથી બોલાવતાં ! પતિને નામથી નામથી બોલાવવાની શરૂઆત લગભગ દોઢ દાયકા પછી, દર્શન (મારા નાના પિતરાઈ ભાઈ, મારા નાના કાકા, જનાર્દનભાઈ વૈષ્ણવના દીકરા)નાં લગ્ન પછી તેનાં પત્ની અમી (આશ્લેષા) એ કરી.

સુસ્મિતા યાદ કરે છે કે મોટા અમ્માની પરવાનગી પછી, તેણે અને મહેશભાઈ (મારા પિતા)એ એકબીજા સાથે કામકાજ સબબ સીધી વાત કરવાનું શરૂ કર્યું હતું. જોકે, આવા પ્રસંગો વખતે  મહેશભાઈ આંખનો સીધો સંપર્ક ટાળવાનું ધ્યાન રાખતા !]

બીજો પ્રસંગ મારાં માસી, ભાનુમાસી (ભાનુગૌરી ડોલરરાય અંજારિયા)ના અને સુસ્મિતાના પણ કાકા, (ડોલરરાય મોહનલાલ અંજારિયા) ના દીકરા- અક્ષય- ના લગ્નનો હતો. વરરાજાની જાનમાં લગભગ નાનાં મોટાં મળીને વીસેક સભ્યોનો સમાવેશ થતો હતો. ટ્રેન દ્વારા અમદાવાદથી જેતપુર (સૌરાષ્ટ્ર) સુધીની રાતની મુસાફરી કરવાની હતી. અમે ચાર હરોળની બેઠકોવાળા નાના કંપાર્ટમેન્ટમાં જગ્યા મળી. જાનના કેટલાક સભ્યોને ઉપર સામાનની છાજલી પર સુવાડવાની વ્યવસ્થા કરાઈ, ચારેક લોકોએ સીટોની વચ્ચેની જમીન પર 'પથારી' કરી. તેમ છતાં અમારામાંથી પાંચ, છ લોકોને નીચે બેસવાની 'સીટો' મળી. મને અને સુસ્મિતાને બાજુ-બાજુમાં બેસવાની (ખાસ) વ્યવસ્થા થઈ ગઈ. અમે એકબીજાના ખભા પર માથું ટેકવીને અમારી ઊંઘ 'માણી' !

ત્રીજો પ્રસંગ અમારાં લગ્નનું આયોજન કેવી રીતે કરવું તે અંગેની ચર્ચા સાથે સંબંધિત હતો. મારો મત હતો કે લગ્નનું આયોજન ખૂબ જ સાદાઈથી કરવુંવું જોઈએ જેથી તમામ ખર્ચ ટાળી શકાય. મારો પ્રસ્તાવ કોઈ આદર્શવાદ પર નહીં પણ મારાં ભણવાના ખર્ચ અને  પ્રગતિનગરનાં ઘરની ખરીદી પછીની અમારી આર્થિ સ્થિતિની વાસ્તવિકતા પર આધારિત હતો. આપણા રિવાજ મુજબ, વરરાજાના પક્ષે લગ્નવિધિ માટે કન્યા પક્ષને ત્યાં જવાનું હોય છે.  એ દૃષ્ટિએ, લગ્ન જો મુંબઈમાં થાય, તો અમારે અમારા બધાં સગાં સંબંધીઓનો અમદાવાદથી મુંબઈ સુધીના પ્રવાસનો ખર્ચ ઉઠાવવો પડે.આમ પણ, દરેકને અમદાવાદ આવવા-જવા માટે તો ખર્ચ તો  જ હોય છે. તે જ રીતે, કુંજલતાબેનના પક્ષે પણ તેમનાં લગભગ બધાં સગાંં મુંબઈની બહારથી આવવાનાં હતાં એટલે તેમના ભાગે પણ અમારા તેમ જ તેમના પક્ષને ઉતારા વગેરેની સગવડનો વધારાનો ખર્ચ ઉઠાવવો પદે તેમ થતું હતું.  મારો પ્રસ્તાવ એ હતો કે જો લગ્ન કોર્ટમાં નોંધણી કરાવીને કરવામાં આવે તો પરંપરાગત હિન્દુ રિવાજ પ્રમાણે લગ્ન નથી થઈ રહ્યાં એટલે ફક્ત કુટુંબનાં નજીકના સભ્યોની હાજરીમાં લગ્નવિધિ સંપન્ન કરી શકાય. પરિણામે પરંપરાગત હિન્દુ રિવાજ સંબંધિત વિધિઓ સાથે સંકળાયેલ તમામ ખર્ચ ટાળી શકીએ છીએ. 

મેં મારો મત પહેલાં તો સુસ્મિતાને  જણાવ્યો. તે તો તરત જ સહમત થઈ ગયાં. મારા પ્રસ્તાવને મહેશભાઈ અને બેન કે કુંજલતાબેન દ્વારા ન સ્વીકારાયો. પરિણામે, મેં તેમને મારો દૃષ્ટિકોણ સમજાવવા માટે મારે તેમની સાથે લાંબી ચર્ચાઓ કરવાની આવી. અંતે, એમ નક્કી થયું કે લગ્નનું સ્થળ અમદાવાદ રાખવું અને લગ્ન વિધિમાં રિવાજને નહીં પણ સાદાઈને અગ્રતા આપવી. મારા પ્રસ્તાવનો એકમાત્ર ભાગ જે બદલાયો નહીં તે કોર્ટમાં નોંધણી દ્વારા લગ્ન સંપન્ન કરવાનો હતો. લગ્ન નોંધણી અધિકારી પણ લગ્ન સ્થળે આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી. આખી પ્રક્રિયા દરમિયાન, જીવનની ઘણી બાબતોને મારી 'શુષ્ક' નજરે જોવાના મારા સ્વભાવનાં એક પાસાંનો અનુભવ સુસ્મીતાને થયો ! ભવિષ્યના ઘણા પ્રસંગોમાં વખતે અમે કોઈ બાબત પર સંમત થવા કે ન થવા પાછળ અમારાં કારણો અલગ હોઈ શકે છે અને અમારો અભિગમ પણ જુદો પડી શકે છે એ બાબતનું આ ટ્રેલર હતુ ! એકબીજાના વિચારોને  સ્વીકારવા માટે અસહમત થવા માટે સહમત થવા જેટલું એકબીજાને સમજી શકીશું એ વિશ્વાસનો પાયો ઘડવામાં આ પ્રસંગનું યોગદાન કેટલું હતું તે આજે હવે વિચારતાં બહુ સ્પષ્ટપણે સમજાય છે.

લગ્નની તારીખ ૧૭ માર્ચ, ૧૯૭૭ નક્કી થઈ. 

Sunday, January 11, 2026

સુસ્મિતા - મારાં જીવનસંગિની .....- પ્રસ્તાવ અને સ્વીકાર

૧૯૭૬ના ઓગસ્ટ મહિનાના છેલ્લા દિવસોમાં હું નિમેશ (નરેશ પી. માંકડ - મારાં માસી ધનવિદ્યા પ્રદ્યુમ્નરાય માંકડના પુત્ર) અને તેમનાં પત્ની, પ્રતિભાભાભી, સાથે રહેવા માટે કરીને બેએક દિવસ માટે રાજકોટ ગયો હતો. પાછાં ફરતાં જ્યારે હું અમદાવાદ પહોંચ્યો ત્યારે ભારે વરસાદ પડી રહ્યો હતો. એવું લાગતું હતું કે છેલ્લા કેટલાક કલાકોથી જ વરસાદ એટલો ભારે હશે કે બસ સ્ટોપ પાસે કોઈ ઓટોરિક્ષા દેખાતી ન હતી. ત્યાં રાહ જોઈ રહેલા મારા જેવા કેટલાક અન્ય મુસાફરોએ મને કહ્યું કે તેઓ પણ ઘણા સમયથી રિક્ષાની નિરર્થકપણે રાહ જોઈ રહ્યા છે. પંદર વીસ મિનિટ તો મેં પણ રાહ જોઈ, પરંતુ પછી વધારે રાહ જોયા વિના લગભગ બધા રસ્તાઓ પર ભરાયેલાં પાણીમાંથી ચાલીને ઘરે મેં જવાનું નક્કી કર્યું. લગભગ દોઢેક કલાકના સંઘર્ષ પછી હું ઘરે પહોંચ્યો. બીજા દિવસના અખબારપત્રોમાં ગાયક મુકેશના નિધનના સમાચાર (પણ) હતા.

ત્યારબાદનું અઠવાડિયું નિયમિત કામકાજનું રહ્યું. આમ, જીવન તેની કુદરતી ઘટમાળની લયમાં ચાલી રહ્યું હતું.

તે પછીના અઠવાડિયા દરમિયાન જ્યારે હું એક દિવસે ઓફિસથી ઘરે પાછો ફર્યો, ત્યારે, મારાં મા, બેને મને પોસ્ટ ખાતાનું - સુસ્મિતાને યાદ છે તેમ ૭ સપ્ટેમ્બર ૧૯૭૬ના રોજ લખાયેલ અને પોસ્ટ કરાયેલ- પરબિડીયું  આપ્યું.[1]

તે પરબિડીયામાં રહેલી સામગ્રી એવી ઘટનાઓનાં ચક્રને ગતિ આપવાનું હતું જે હવે પછીનાં જીવનને નાટકીય રીતે બદલી નાખવાનું હતું..

પરબિડીયા પર મોકલનારનું નામ સુસ્મિતા અંજારિયા હતું અને બોમ્બેથી પોસ્ટ કરાયેલું હતું.  પરબિડીયાં પર 'અંગત' એવી નોંધ (કદાચ) હતી. મારા માસી ભાનુમાસી (મારા માના મોટા બહેન અને સુસ્મિતા અંજારિયાના કાકા - ડોલરરાય મોહનલાલ અંજારિયા-ના પત્ની )નાં ભત્રીજી, સુસ્મિતા અંજારીઆ, મને સંબોધીને પત્ર શા માટે લખે તે તો સમજાયું નહોતું. એટલે, પહેલાં તો અમે રાતનું જમવાનું પુરૂં કર્યુ. ત્યાર બાદ મેં પરબિડીયું ખોલ્યું અને પરબિડીયામાં રહેલો પત્ર વાંચ્યો.

પ્રસ્તાવ

પત્ર અમારા લગ્ન માટેનો તેમનો પ્રસ્તાવ હતો.

તેમણે બહુ જ સરળ રીતે કહ્યું હતું કે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે પોતાના લગ્નની વાતચીત ચાલે તે કરતાં મારા વિશે જે કંઈ તે જાણે છે તેના આધારે, લગ્નના આ પ્રસ્તાવ માટે સીધો મારો સંપર્ક કરવાનું તેમને વધારે યોગ્ય લાગ્યું. તેમણે બહુ જ સહજપણે એમ પણ લખ્યું હતું તે બરાબર સમજે છે કે લગ્ન બાબતે મારી પોતાની કે મારા માતાપિતાની  કોઈ અન્ય યોજનાઓ હોઈ શકે છે. એટલે પોતાના પ્રસ્તાવની સાથે મારી (અમારી) અસહમતિ હોય તો પણ અમે વિના સંકોચ તેમને જણાવી શકીએ છીએ.

કિંગ કે ક્રૉસ
હું હજુ સુધી મારા લગ્ન વિશે વિચારી રહ્યો ન હતો. તેથી, મને તાત્કાલિક કોઈ જવાબ તો સૂઝે એમ જ નહોતું. એટલે ત્યાર પુરતી તો મેં પત્રની વિગતની મહેશભાઈ અને બેનને જાણ કરી અને કહ્યું કે હું મારો જવાબ આપવા માટે બેએક દિવસ લઈશ.

તે દિવસે રાતે આ વિષય વિશે શું કરવું તે વિશે મારા મનમાં કોઈ ચોક્કસ પ્રક્રિયા સ્પષ્ટ થતી નહોતી. પરંતુ, બીજે દિવસે સવારે ઑફિસે જતી વખતે મેં આ બાબતે વિચારવાનું શરૂ કરી દીધું.

બસની એ મુસાફરી દરમ્યાન મને જે કંઇ યાદ આવ્યું તેના પરથી તો એટલું જ સમજાયું કે સુસ્મિતાના અમદાવાદ દરમ્યાન દેખીતી રીતે અમારો પરિચય નહોતો એમ તો ન કહેવાય. પરંતુ, એટલા પરિચયથી તેમને હા કે ના કહી શકવા જેટલી કોઈ ઓળખાણ પણ નહોતી બનતી. 

એ દિવસે રાતે હવે આ બાબતે વધારે વિગતે વિચારવાનું શરૂ કર્યું.

૧૯૫૮ સુધીના મારાં બાળપણના વર્ષોમાં, ભુજમાં દિવસનો મોટાભાગનો સમય તો હું ભાનુમાસીના પુત્રો, અક્ષય અને જસ્મીન સાથે, ભાનુમાસીને ઘરે, જ વીતાવતો. અક્ષય અને જસ્મીન સાથે તેમના દાદીના ઘરે ઘણી વાર રમવા પણ જતો. આમ, મને ખબર હતી કે તેમના એક પિતરાઈ ભાઈ દિવ્યભાષ છે. જોકે, સુસ્મિતા સાથેનો જે કંઈ પરિચય થયો તો તે જ્યારે તેમના સ્નાતક કક્ષાના અભ્યાસ માટે (૧૯૬૬) તેમના કાકા, ડોલરરાય મોહનલાલ અંજારીઆને  ત્યાં આવ્યાં ત્યારે જ થયો. તેમનું ભાનુમાસીનાં ભત્રીજી હોવું અને મારૂં ભાનુમાસીના ભાણેજ હોવું તો એક યોગાનુયોગ જ હતો. જોકે, તેને કારણે બહુ ઘણાં લોકોનું તો સજ્જડપણે એમ જ માનવું હતું કે એ સગપણને કારણે જ અમે બન્ને એકબીજાને સારી રીતે ઓળખતાં હતાં અને તેથી અમારી સગાઈ થવી એ એ લોકો માટે જરાય નવીનવાઈ નહોતી.

એ પણ સાચું હતું કે હું અને સુસ્મિતા બન્ને, મહેશભાઈ સાથે, નાગર મંડળ દ્વારા ચલાવવામાં આવતી બુક બેંકમાં પુસ્તકોની શોધમાં ગયાં હતાં. એટલું જ નહી, ડોલરકાકા મહેશભાઈના સાઢુભાઈ થાયે એ નાતે, ડોલરકાકાના ભત્રીજી તરીકે ચશ્માં બાબતે મહેશભાઈ સુસ્મિતાને ડૉ. લાલભાઈ માંકડ પાસે પણ લઈ ગયેલા. બીજા વર્ષે હું અને સુસ્મિતા એકલાં જ બુક બેંકની મુલાકાતે ગયા હતા.  જોકે, પરંપરાગત કૌટુંબિક વાતાવરણમાં ઉછરેલા હોવાથી, એ વર્ષો દરમ્યાન, કોઈ કામને લગતા થોડા શબ્દો સિવાય કોઈ વધારે વાતચીત અમે કરી હોય એવું મને યાદ નથી. .

સુસ્મિતાના સ્નાતક કક્ષાનો અભ્યાસ પુરો થયો એ વર્ષે (૧૯૭૦) હું હોસ્ટેલમાં રહેવા ગયો અને મહેશભાઈની નવસારી બદલી થઈ ગઈ. આમ, અમારો જે પણ નાનો-મોટો સંપર્ક હતો તે પણ પુરો થઈ ગયો. જોકેતેના મા, કુંજલતાબેન સાથે તેના ભાઈ દિવ્યભાષને ત્યાં સુસ્મિતાના બોમ્બે શિફ્ટ થવાના, (૧૯૭૨માં) બોમ્બે યુનિવર્સિટીમાંથી ગણિતમાં પોસ્ટ ગ્રેજ્યુએશન થવાના સમાચાર મને મળતા રહ્યા હતા.

સુસ્મિતા - કોન્વોકેશન પછીનો ઔપચારિક ફોટોગ્રાફ

૧૯૭૩માં ગુજરાત સ્ટીલ ટ્યુબ્સ લિમિટેડમાં જોડાયા પછી. મારા સત્તાવાર કામ માટે બોમ્બેમાં એકથી વધારે રાત રોકાવાની જરૂર મારે પડતી. આવી જ એક મુલાકાત દરમિયાન, મને નલીનભાઈ (અમૃતલાલ ધોળકિયાના પુત્ર, મહેશભાઈના મામા) ને મળવાની તક મળી હતી.  પેડર રોડ પર GSTના ગેસ્ટ હાઉસથી તેઓ બહુ દૂર નહોતા રહેતા. એવી મુલાકાતો દરમ્યાન નલીનભાઈએ મને પેડર રોડ પર જ આવેલાં દિવ્યભાષના ઘરે પણ, બેએક વાર, સાથે લઈ ગયા હતા. જોકે, એ મુલાકાતો સામાજિક ઔપચારિકતાથી વધારે સ્તરની નહોતી.

બીજે દિવસે સાંજ સુધીમાં તો મારા વિચારો આટલી બાબતે સ્પષ્ટ બની ચુક્યા હતા કે,

૧. હા પાડવા માટે મને કોઈ નક્કર કારણ નથી મળ્યું તેમ પ્રસ્તાવ ન સ્વીકારવા માટે પણ મારી પાસે કોઈ નક્કર આધાર નહોતો.

૨. હું અમારા પરિવારને સન્માનીય જીવન પુરૂં પાડીશ એવી આવડત વિશે મને મારા પર જ ભરોસો હોવો જોઈએ.

૩.  આપણા પરંપરાગત સમાજમાં, છોકરીને તેના પતિના ઘરે સ્થાયી થવું પડતું હતું અને તેના સાસરિયા સાથે એડજસ્ટ થવું પડતું હોય છે. સુસ્મિતાએ, આટલા પુરતો, પહેલો નિર્ણય તો લઈ જ લીધો હતો. જીવનની ચોપાટમાં મને તેમનો સહભાગી તરીકે પસંદ કરવાનો પહેલો દાવ તો તે ખેલી ચૂક્યાં હતાં.

૪. એક છોકરી તરીકે સુસ્મિતાએ આટલું સાહસિક પહેલું પગલું ભર્યું હતું, તો એક છોકરા તરીકે મારે તો, પ્રમાણમાં ઓછું ગુમાવવાનું છે.

સ્વીકાર

તેથી, તે દિવસે રાત્રે જમતી વખતે, મહેશભાઈ અને બેનને કોઈ વાંધો ન હોય તો સુસ્મિતાના પ્રસ્તાવને સ્વીકારવા હું તૈયાર છું એવો નિર્ણય મેં એ બન્નેને જણાવ્યો. એવું લાગતું હતું કે મહેશભાઈ અને બેને પણ આ બાબત પર વિચાર કર્યો હતો. તેઓએ જરા પણ સમય ગુમાવ્યા વિના જ  તેમની સહમતિ વ્યક્ત કરી.

એટલે તે પછી તરત હું પ્રસ્તાવની સ્વીકૃતિનો મારો જવાબ લખવા બેઠો. મહેશભાઈ અને બેને સુસ્મિતાના મા, કુંજલતબેનને અલગથી તેમની સહમતિનો ઔપચારિક પત્ર લખ્યો. મેં એ બન્ને પત્રો બીજા દિવસે પોસ્ટ કર્યા.[2]

અમને પણ તેમની સંમતિ ટૂંક સમયમાં મળી ગઈ.

સગપણે કુજલતાબેનના મામાના દીકરા, પણ સંબંધે મોટા દીકરા સમા, અને યોગાનુયોગ મારાં ફોઇ - મહેશભાઈનાં માસીનાં દીકરી, વાલીબેનફઈ (કિશોરબાળા ચમનલાલ ધોળકિયા)ના (પણ) દીકરા, સુધાકરભાઈને લખેલો કુંજલતાબેનનો પત્ર તે દિવસોના વાતાવરણને સરસ રીતે તાદૃશ કરે છે.



[1] સરનામું ક્યાંથી મળ્યું એ વિશે આજે હવે સુસ્મિતાને એવું યાદ છે કે મારી નોકરી  અંગેની નોંધ નાગર મંડળનાં મુખપત્રમાં આવી હતી તેમાથી મારી ઑફિસનું સરનામું તેને યાદ રહી ગયું હતું. એટલે તેણે તો પત્ર ઑફિસના સરનામે જ લખ્યો હતો. તેમની આ યાદ સામે મને એવું લાગે છે કે એ વાતને તો એ સમયે ત્રણેક વર્ષ થઈ ચુક્યાં હતાં. એટલે, કદાચ વધારે શક્ય એ હોઈ શકે કે ૧૯૭૪ થી ૧૯૭૬નાં વર્ષમાં બેએક વખતે હું નલીનભાઈ સાથે દિવ્યભાષના ઘરે મુંબઈ ગયો હતો ત્યારે કદાચ મારૂં વિઝિટીંગ કાર્ડ દિવ્યભાષને આપ્યું હોય અને તેમાંથી સરનામું મળ્યું હોય. જોકે મને પણ એ બે ટુંકી મુલાકાતો સમયે મારા વિશે ઉપરછલ્લી ઔપચારિક વાતથી વધારે કોઈ વાત થઈ હોય એવું યાદ નથી આવતું.

[2] જે દિવસે મેં સુસ્મિતાના પ્રસ્તાવના સ્વીકારનો જવાબ પૉસ્ટ કર્યો તે દિવસે સાંજે, સામાજિક દૃષ્ટિએ અમને ક્ષોભજનક સ્થિતિમાં મુકી શકે એવો અને અંગત રીતે મારા માટે આવી નાજુક બાબતોમાં વધારે ચોક્કસ્તા દાખવવાના બોધપાઠ સમાન, એક પ્રસંગ બન્યો. સમીર (પદ્માકાંત ધોળકિયા), મહેશ (દિલીપરાય માંક્ડ) અને કુસુમાકર (ભુપતરાય ધોળકિયા) એમ અમારે ચાર મિત્રોને એકબીજાને ઘરેથી રેકોર્ડ્સ લેવા મુકવા માટે ગમે ત્યારે એકબીજાને ઘરે અવવા જવાનો વાટકી વ્યવહાર હતો. રૂએ, મહેશ રેકોર્ડ લેવા ઘરે આવ્યા અને તેમની ચકોર નજરે ટેબલ પર પડેલું સુસ્મિતાએ મોકલેલુંં પરબિડીયું ચડી ગયું. આપણામાં કહેવાય છે તેમ ચોરને તો ચાંદરણું મળી ગયું. મહેશ માટે બે અને બે ચાર કરી લેવા માટે તો આટલું પુરતું હતું. મેં તેમને પરિસ્થિતિની ચોખવટ કરીને હજુ કંઈ નિર્ણય થયો નથી એવું સમજાવવાનો પુરો પ્રયત્ન કર્યો. પરંતુ, હું અને સુસ્મિતા એકબીજાને બહુ સારી રીતે ઓળખતાં હતાં ક્લબના મહેશ પણ સભ્ય હતા. તેમણે જેટલું જોયું, તે પછીથી તેમને ઝાલ્યા રખાય તેમ નહોતું. પોતાનાં માતાપિતાને અને કુસુમાકરને તો મહેશે વીજળીક ગતિથી 'સગપણ થઈ ગયાં છે' મતલબના સમાચાર પહોંચાડી દીધા.