Sunday, August 11, 2024

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૯મું સંસ્કરણ - ઓગસ્ટ ૨૦૨૪

 

શૈલેન્દ્રનાં ગીતોની નીનુ મજુમદાર દ્વારા સ્વરબદ્ધ કરાયેલી રચનાઓ


શૈલેન્દ્ર - શંકરદાસ કેસરીલાલ, (જન્મ ૩૦ ઓગસ્ટ, ૧૯૨૩ - અવસાન ૧૪ ડીસેમ્બર, ૧૯૬૬) - ની ફિલ્મ ગીતોની રચનાઓની વાત આવે એટલે તેમણે હસરત જયપુરી સાથે શંકર જયકિશનની રચનાઓની જ યાદ સામાન્ય રીતે આવે.

શૈલેન્દ્ર અને હસરત જયપુરીએ ક્યારેક અલગ અલગ તો ક્યારેક સાથે મળીને અન્ય સંગીતકારો સાથે પણ અનેક યાદગાર ગીતો લખ્યાં છે. તે ઉપરાંત બીજા સંગીતકારો સાથે કોઈ ફિલ્મમાં અન્ય ગીતકારો સાથે અમુકતમુક ગીતો લખ્યાં હોય એવી પણ છએક ફિલ્મો હશે.

શૈલેન્દ્ર - એસ ડી બર્મનનું સહકાર્ય અને સલીલ ચૌધરીની સાથે તેમણે કરેલ સહકાર્ય તો શંકર જયકિશન બાદ સંખ્યાત્મક અને ગુણાત્મક બન્ને દૃષ્ટિએ મહત્ત્વનું રહ્યું છે. આપણે શૈલેન્દ્ર - એસ ડી બર્મનનાં સહકાર્યની શ્રેણી યોગ્ય સમયે અલગથી આ મંચ પર કરીશું.

૨૦૧૭માં આપણે શૈલેન્દ્રનાં અન્ય સંગીતકારો સાથેનો લેખ -શૈલેન્દ્રનાં 'અન્ય' સંગીતકારો સાથેનાં ગીતો – કર્યો તે પછીથી આપણે

૨૦૧૮ - શૈલેન્દ્ર અને રોશન

૨૦૧૯ - શૈલેન્દ્ર અને હેમંત કુમાર, રવિ અને કલ્યાણજી (આણંદજી)

૨૦૨૦ – શૈલેન્દ્ર અને એસ એન ત્રિપાઠી, અનિલ બિશ્વાસ અને સી રામચંદ્ર

૨૦૨૧ - શૈલેન્દ્ર અને શાર્દુલ ક્વાત્રા અને મુકુલ રોય,

૨૦૨૨ - શૈલેન્દ્ર અને કિશોર કુમાર અને

૨૦૨૩ - બસંત પ્રકાશ અને શૈલેશ મુખર્જી

નાં ગીતો સાંભળી ચુક્યાં છીએ.

આજના અંકમાં આપણે શૈલેન્દ્રની નીનુ મજુમદાર દ્વારા એક જ ફિલ્મ, ભાઈ સાહેબ (૧૯૫૪), માં રચાયેલી રચનાઓ યાદ કરીશું.
  

નીનુ મજુમદારે (જન્મઃ ૯-૯-૧૯૧૫ । અવસાનઃ ૩-૩-૨૦૦૦) અમાનત  (૧૯૪૩)થી શરૂ થયેલી તેમની હિંદી ફિલ્મોની કારકિર્દીમાં ૨૦ ફિલ્મો માટે સંગીત આપ્યું.[1] એ પણ યોગાનુયોગ છે કે આજના લેખની નીનુ મજુમદાર અને
શૈલેન્દ્રનાં સહકાર્યની પહેલી અને એક માત્ર ફિલ્મ, ભાઈ સાહેબ (૧૯૫૪), નીનુ મજુમદારની છેલ્લી હિંદી ફિલ્મ હતી. આ યોગાનુયોગની સાથે આ ફિલ્મ સાથે બીજા પણ કેટલાક રસપ્રદ યોગાનુયોગો સંકળાયેલા છે. કૌમુદી મુન્શી અહીં સી એચ આત્મા સાથે યુગલ ગીતમાં સાથ આપે છે. આ જ વર્ષમાં તેઓ નીનુ મજુમદાર સાથે પણ જીવનભરનો સાથ આપવા તેઓ જોડાઈ ગયાં. લતા મંગેશકર સાથે કામ કરવાની નીનુ મજુમદારની મનોકામના પણ આ ફિલ્મનાંં બે ગીતો દ્વારા સંતોષાઈ. આ ફિલ્મ પછી નીનુ મજુમદારે ઓલ ઇન્ડીયા રેડીઓ (મુંબઈ) સાથે ગુજરાતી સંગીતના કાર્યક્રમોના નિર્દેશક તરીકે જોડાયા. અહી તેમણે વીસ વર્ષ સુધી સુગમ સંગીતક્ષેત્રે અનેક પ્રયોગો કર્યા અને તેને સમૃદ્ધ કર્યું.

ગીરતા હૈ ગર અંધેરા ગ઼મ ન કર ... દો ઘડીમેં મુસ્કુરાએગી સહર તુ ગ઼મ ન કર - સી એચ આત્મા

ગાયકીની દૃષ્ટિએ આ રચના બહુ જ કઠીન છે. નીચા સુરમાં ગવાતા મુખડા બાદ અંતરામાં તો સુર નીચો ને નીચો જાતો જાય છે. આપણી પાસે શ્રાવ્ય સ્વરૂપ જ હોવાને કારણે ફિલ્મમાં આ ગીતનું ફિલ્માંકન શી રીતે થયું હશે તે નથી કલ્પી શકાતું.


તેમ છતાં રસપ્રદ વાત એ છે કે આ ગીતનાં બે એક કવર વર્ઝન પણ બન્યાં છે. મીના કપુરના સ્વરમાં


 અને ઈલા ચક્રવર્તીના સ્વરમાં


 
રાત ફાગુનકી ચાંદ પુનમકા રાત રહી શીતલ બડી મુશ્કીલ સે સોયી, મેરે દિલકી લગન પિયા આનમેં જાગી, આધી રાત ખુલ ગયી પલક સખી કૌન આયા, ચોંક ચમક કામિની ઉઠ બૈઠી કૌન આયા - સી એચ આત્મા

પોતાના પિયતમની આવવાની રાહ જોઈ રહેલી પ્રેમિકાની આતુરતાની પીડાને શૈલેન્દ્રએ ખુબ સૂક્ષ્મ બોલના પ્રયોગો વડે કરી છે.


રાતોંકો ચોરી ચોરી સપનોંમે આના છોડ દો, ચુપ ચુપ કે રહના હૈ તો દિલમેં રહના છોડ દો - સી એચ આત્મા, કૌમુદી મુન્શી, સાથીઓ

પ્રેમપંથનાં બન્ને રાહીઓ અલગ અલગ નજરે પોતાની વાત રજૂ કરે છે. નીનું મજુમદારની સર્જન ક્ષમતાનો પરિચય તેમણે ૧.૧૨ થી ૧.૨૦ માં સી એચ આત્મા પાસે તાનનો એક નાનો ટુકડો ગવરાવ્યો છે તેનાથી મળી રહે છે.


 ગીતનું એક બીજું સ્વરૂપ પણ છે, જેમાં સી એચ આત્મા 'હજ઼ાર રંગ હૈ તેરી હસીન આંખોંમે'ના બોલથી સાખીની શરૂઆત કરે છે. પહેલાંનાં વર્ઝન કરતાં અંતરા સાવ અલગ જ ઢબે રચાયા છે. ગીતમાં નીનુ મજુમદાર પણ જોડાય છે.


દુનિયા તેરે રંગ નિરાલે અપની બુરાઈ દેખ શકે ના .... ઔરોંકા દોષ નિકાલે - સી એચ આત્મા

સી એચ આત્માનાં ગૈરફિલ્મી ગીતોની શૈલીમાં આ ગીત બન્યું હોય એમ અનુભવાય છે.


 
દિલકી લગી ખેલ નહીં દિલકા લગાના હૈ બુરા, તૌબા કરલી હૈ શોલોંએ નહીં ખેલુંગા ..... નગમા - એ - દિલ સુન સુના તુ ફિર સે એક બાર .... દિલકે તાર તાર ઝનઝના - સી એચ આત્મા, કૌમુદી મુન્શી

કૌમુદી મન્શીના ફાળે જે ગીત ગાવાનું આવ્યું છે તેની બાંધણીમાં મધ્ય - પૂર્વ એશિયાનાં સંગીત શૈલીની અસર વર્તાય છે.


 


ઊંચી નીચી .. ડગર ઝીદગીકી ચલના સંભલ સંભલકે પ્યારે મંઝિલ તો હૈ બડી દૂર - સી એચ આત્મા

ફિલ્મના હીરોના કંઠે આ પ્રકારનું સદેશવહન કરતું ગીત કેમ મુકાયું હશે તે કલ્પી નથી શકાતું.


નજ઼રને કહ દિયા અફસાના મેરે પ્યારકા હંમેશાં આંખમેં દિલ રહતા દિલદાર કા - સી એચ આત્મા

એ સમયે આ ગીત સારૂં એવું લોકપ્રિય થયું હતું. ગીતની ધુન જેટલી સરળ છે એટલા જ સરળ અને ભાવવાહી શૈલેન્દ્રના બોલ છે.
    

ખુલે તો રાઝ – એ - ઈશ્ક઼ યું ખુલે 
કિસી ભી ગૈર કો ખબર ન મિલે 
સમજ઼નેવાલા સમજ઼ લે
યે ભી અંદાઝ હૈ ઈસ બાતકે ઈઝહાર કા 



ચમન જલ રહા હૈ લૂટા આશિયાના - લતા મંગેશકર

સામાન્ય રીતે સુગેhય રચનાઓ રચાતા નીનુ મજુમદાર જાણે લતા મંગેશકર સાથે કામ કરવાની તક મળી છે તેનો પુરો ફાયદો ઊઠાવીને આવી કઠિન રચના રજૂ કરે છે.



લતા મંગેશકર સાથે રચેલું બીજું ગીત - આંખોં આંખોં સે જતાયા - ઈન્ટરનેટ પર પ્રાપ્ય નથી.

શૈલેન્દ્ર સાથે એક જ ફિલ્મમાં સંગીત આપ્યું હોય એવા હજુ કેટલાક સંગીતકારોની રચનાઓની યાદ આપણે હવે પછીના મણકાઓમાં તાજી કરતાં રહીશું.

[1] નીનુ મજુમદાર 
 

આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

No comments: