Sunday, August 4, 2019

પ્રથમ હરોળના અભિનેતાઓ માટેનાં મન્નાડેનાં ગીતો [૩]


મન્ના ડેએ ફિલ્મના નાયક માટે ગાયેલાં ગીતોની આપણી સફરમાં આપણે તેમણે ગાયેલાં દિલીપકુમાર, દેવ આનંદ, રાજ કપૂર, અશોક કુમાર, બલરાજ સાહની, ડેવીડ બ્રાહમ અને ભારત ભુષણ માટેનાં ગીતોને યાદ કરી ચુક્યાં છીએ.

મન્ના ડેએ ફિલ્મના નાયક માટે ગાયેલાં ગીતોની આપણી સફર '૫૦ના દાયકાના મધ્ય ભાગ સુધી પહોંચી છે. અત્યાર સુધી આપણને જે કંઈ જોવા મળ્યું તેના પરથી એમ તારણ કાઢવું ખોટું નથી જણાતું કે મન્નાડેના જે કોઈ ગીતો સફળ થતાં હતાં તે તેમને 'આગવા' ગાયક તરીકે જરૂર વધારે ને વધારે માનસન્માન અપાવતાં હતાં. પરંતુ, હિંદી ફિલ્મ સંગીતની પેચીદી ગતિવિધિઓમાં તેમને અમુક કળાકારના 'સ્થાયી' પાર્શ્વસ્વર તરીકેનું સ્થાન મેળવવામાં આ સફળતા કોઈ યોગદાન નહોતી આપી શકતી.

કિશોર કુમાર માટે

'૫૦ અને '૬૦ના દાયકાના એક ગાળામાં કિશોર કુમાર પોતાની એક્ટીંગની કારકીર્દી માટે એટલો બધો ભાર મુકતો હતો કે તેનાં ઘણાં ગીતો અન્ય ગાયકોએ - ખાસ કરીને મોહમ્મદ રફીએ, અને આપણે હવે જોઈશું તેમ અમુક ગીતો મન્ના ડે એ - ગાયાં તે તેણે (મને કે કમને) સ્વીકારી લીધું હતું. નોંધપાત્ર વાત એ હતી કે એ ફિલ્મોમાં બીજાં બધાં પોતાનાં ગીતો કિશોર કુમારે જ ગાયાં હતાં. એટલે એવું માની શકાય કે કિશોર કુમારનાં જે ગીતો બીજા ગાયકોએ ગાયાં, તે માટે સંગીતકાર પાસે કોઈ ખાસ કારણો જરૂર રહ્યાં હશે. આપણો આશય એ કારણો જાણવાનો નથી, પણ આપણી લેખમાળાના આશયના સંદર્ભમાં આવાં ગીતોની અહીં નોંધ લેવાનો છે.

દિન અલબેલે પ્યારકા મૌસમ, ચંચલ મનમેં તૂફાન - બેગુનાહ (૧૯૫૭) - લતા મંગેશકર સાથે – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: હસરત જયપુરી

શંકર જયકિશનનું આવાં રોમેન્ટીક ગીત માટે મન્ના ડેને પસંદ કરવું, ગીતનું બેહદ લોકપ્રિય થવું એ મન્નાડેની મુખ્ય અભિનેતાના પાર્શ્વસ્વર તરીકેની કારકીર્દીને આગળ લઈ જવા માટે સારૂં એવું બળ પૂરૂં પાડી શકવું જોઈતું હતું. પરંતુ, પર્દા પર આ ગીત કિસોર કુમાર ગાય એટલે, સ્વાભાવિકપણે, એ શક્યતાનો લાંબે ગાળે તો છેદ ઉડી જ જાય. તેમાં પાછી, 'બેગુનાહ'ને રજૂ થયાના દિવસોમાં ઉતારી લેવી પડે, તેની બધી જ પ્રિન્ટ્સ બાળી નાખવી પડે એવા સંજોગો આડા ઉતરે, એટલે ફરી એક વાર ગીતની સફળતા મન્નાદેની કારકીર્દીને ધાર્યો લાભ કરી આપવામાં અસમર્થ નીવડી.


પહેલે મુર્ગી કે પહેલે અંડા જ઼રા સોચકે બતા - ક્રોરપતિ (૧૯૬૧) – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: શૈલેન્દ્ર

સીધેસાદું કોમેડી ગીત છે જે કિશોર કુમાર માટે ગાવું એ કોઈ મુશ્કેલ વાત ન જ કહેવાય, છતાં મન્ના ડેના ભાગ્યમાં કિશોર કુમાર માટે એક વધારે ગીત ગાવાનું આવ્યું. જો કે મન્ના ડે એ કિશોર કુમારના અભિનયની દરેક અદાઓ સાથે પોતાનો સુર બહુ જ સ્વાભાવિકતાથી મેળવી બતાવ્યો છે. કિશોર કુમારે ખુદ પરદા પર ગીતને ભજવ્યું છે એટલે ગીતની અદાયગી જ્હોની વૉકર કે મહેમુદે કોમેડી ગીતો ગાવાની જે શૈલી વિકસાવી હતી તેના કરતાં આ ગીત ખાસું અલગ પડી રહે છે.


હો ગયી શામ દિલ બદનામ લેતા જાયે તેરા નામ - નૉટી બોય (૧૯૬૨) - આશા ભોસલે સાથે – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: શૈલેન્દ્ર

ગીતનું ફિલ્માંકન ક્લબ ડાન્સ તરીકે કરવામાં આવ્યું છે, જેમાં કિશોર કુમાર પોતાની કોમેડી હરકતો પણ કરી લે છે. ગીતના ભાવને પૂર્ણપણે વફાદાર રહીને પણ મન્ના ડે કિશોર કુમારની અદાઓની સાથે પોતાના સ્વરને મેળવી રહે છે.


અલખ નિરંજન - હાયે મેરા દિલ (૧૯૬૮)- સંગીતકાર: ઉષા ખન્ના

આ ફિલ્મ રજૂ થઈ ત્યાં સુધીમાં વેશ બદલીને અદાકાર કોમેડી ગીત ગાય તેના માટે પાર્શ્વગાયક તરીકે મન્ના ડેને પસંદ કરવા તે પ્રથા રૂઢ થઈ ગઈ હતી.


ઉષા ખન્નાએ એક અન્ય યુગલ ગીતમાં - જાનેમન જાનેમન તુમ દિન રાત મેરે સાથ હો - પણ કિશોર કુમાર માટે મન્ના ડેના સ્વરનો પ્રયોગ કર્યો છે. ગીત ફરી એક વાર ક્લબ સોંગના પ્રકારનું ગીત છે.


શમ્મી કપૂર માટે

શમ્મી કપૂરની હીરો તરીકેની અભિનય કારકીર્દીને 'તુમસા નહી દેખા'ની પહેલાંની અને પછીની ફિલ્મો એમ બે ભાગમાં વહેંચવામાં આવે છે. 'તુમસા નહીં દેખા' પહેલાંની ફિલ્મોમાં બહુધા તલત મહમૂદ શમ્મી કપૂરના પાર્શ્વ સ્વર તરીકે સાંભળવા મળે છે, જ્યારે 'તુમસા નહીં દેખા' અને તે પછીની ફિલ્મોમાં શમ્મી કપૂરની અદાઓ સાથે તાલ મેળવતા મોહમ્મદ રફી પાર્શ્વ ગાયક તરીકે સ્થાયી બની ગયા હતા. આજે આપણે પહેલાં એવી બે ફિલ્મોનો ઉલ્લેખ કરી રહ્યાં છીએ જેને આ બન્ને તબક્કાના સંક્રાંતિકાળની ફિલ્મો કહી શકાય.


પહેલી ફિલ્મ, તાંગેવાલી (૧૯૫૫)માં સંગીતકાર સલીલ ચૌધરીએ શમ્મી કપૂર માટે ત્રણ પુરુષ ગાયકોના સ્વરનો ઉપયોગ કર્યો છે. પંજાબી થાટ પર રચાયેલું ઘોડાના ડાબલાની લયનું સોલો ગીત મોહમ્મદ રફીના સ્વરમાં છે તે ઉપરાંત બીજાં બે યુગલ ગીતો, રફી - લતા અને હેમંત કુમાર - લતાના સ્વરમાં છે. ત્રીજું યુગલ ગીત - ટીના ટન ટન ટીના કિસીને દિલ હૈ છીના - મન્ના ડે અને ગીતા દત્તના સ્વરોમાં છે, જોકે આ ગીતની ડિજિટલ લિંક નથી મળી શકી.
બીજી ફિલ્મ છે ઉજાલા(૧૯૫૯), જે શ્રમજીવી વર્ગનાં જીવનને જોડતી આદર્શવાદી સમાજવાદની વિચારસરણીનાં કથા વસ્તુ પર આધારિત હતી. ફિલ્મનાં બે ગીત તો મન્ના ડે માટે જ સર્જાયાં હતાં, કેમ કે સંગીતકાર શંકર જયકિશન હતા.

અબ કહાં જાએ હમ અય બતા દે જમીં અબ કિસી કો કિસી પર ભરોસા નહીં – ગીતકાર: શૈલેન્દ્ર

સીમા (૧૯૫૫)નાં કૉયર સંગીત પર આધારિત ગીત - તૂ પ્યાર કા સાગર હૈ - ની સફળતા પછી આ ગીત માટે મન્ના ડે એક માત્ર પસંદગી હોઈ શકે તે સ્વાભાવિક છે.


સુરજ જ઼રા તુ આ પાસ આ, આજ સપનોંકી રોટી પકાયેંગે હમ – ગીતકાર: શૈલેન્દ્ર

આદર્શવાદી ભાવનાં ગીતમાં પણ શંકર જયકિશન મન્ના ડેને ઑ રાત ગઈ (બુટ પોલીસ, ૧૯૫૪) અને દિલ કા હાલ સુને દિલવાલા (શ્રી ૪૨૦, ૧૯૫૫)માં અદ્‍ભૂત સફળતાથી રજૂ કરી ચૂક્યા હતા, એટલે આ ગીત માટે પણ ગાયક મન્ના ડે જ હોય તેમાં કોઈ નવાઈ નથી પરદા પર ભજવનાર અદાકાર ગમે તે હોય !


જોકે આ બે સોલો ગીત ઉપરાંત શંકર જયકિશને બીજાં બે યુગલ ગીતમાં શમ્મી કપૂર માટે મન્ના ડેના સ્વરને જ રજૂ કરવાનૂ નક્કી કર્યું તે વાત થોડી નવાઈ પમાડે તેવી લાગે, કેમકે મૂકેશ -લતાનાં અને રફી -મૂકેશનાં બીજાં બે યુગલ ગીતમાં અનુક્રમે મૂકેશ અને મોહમ્મદ રફીના સ્વરનો પણ શમ્મી કપૂર માટે ઉપયોગ કરાયો છે.

જ઼ુમતા મૌસમ મસ્ત મહિના ચાંદ સી ગોરી એક હસીના યા અલ્લહ યા અલ્લાહ મેરા દિલ લે ગઈ - લતા મંગેશકર સાથે – ગીતકાર: હસરત જયપુરી

એકદમ મસ્તી ભરી ધુન પર રચાયેલું એક રોમાંસ છલકતું યુગલ ગીત, જેમાં મન્ના ડે ગીતના બન્ને ભાવને બહુ સહજતાથી ન્યાય કરે છે.

છમ છમ લો સુનો છમ છમ ઓ સુનો છમ છમ - લતા મંગેશકર સાથે – ગીતકાર: શૈલેન્દ્ર

ઢોલકના તાલ પર વાયોલિન સમુહની વાદ્યસજ્જા પર રચાયેલાં આ શંકર જયકિશનની આગવી શૈલીનું લોક નૃત્ય પર આધારિત આ ગીતમાં મન્ના ડેનો પ્રવેશ પહેલા અંતરામાં શમ્મી કપૂરની અદાના ઠાઠથી થાય છે અન જેમ જેમ ગીત આગળ વધે છે તેમ તેમની શબ્દોને રમાડવાની હરકતો ગીતની રંગત ઔર જમાવે છે.


૧૯૬૨માં 'વલ્લાહ ક્યા બાત હૈ ' રજૂ થઈ ત્યાં સુધીમાં શમ્મી કપૂરની મસ્તીભરી અદાઓ ફિલ્મ જગતમાં પોતાની આગવી કેડી કંડારી ચૂકી હતી. ખનકે તો ખનકે ક્યું ખનકે રાત કો મેરા કંગના જેવાં રમતિયાળ યુઅગલ ગીતમાં કે ગમ-એ-હસ્તી સે બેગાના હોતા જેવાં કરૂણરસનાં ગીતમામ સંગીતકાર રોશન શમ્મી કપૂરની એ અદાને બહુ અસરકારકપણે ઢાળી ચૂક્યા પણ હતા. એવામાં ટ્વિન-વર્ઝન પ્રકારનાં ગીત, કાટોંકે સાયેમેં ફૂલોં કા ઘર હૈ, માં તેઓ મન્ના ડેના સ્વરને શમ્મી કપૂર માટે રજૂ કરે છે.

ગીતનું પહેલું વર્ઝન આનંદના ભાવ દર્શાવે છે. શમ્મી કપૂરની પર્દા પર અદાયગી અને મન્ના ડેની ગાયકીની શૈલીમાં પૂરેપૂરો સુમેળ રહ્યો છે.


બીજું વર્ઝન થોડા કરૂણ ભાવનું છે, ગીતમાં સુરના ઉતારચડાવને પણ મન્નાડે બહુ જ સ્વાભાવિકતાથી રજૂ કરી રહ્યા છે.

યે ઉમર હૈ ક્યા રંગીલી - પ્રોફેસર (૧૯૬૨) - આશા ભોસલે અને ઉષા મંગેશકર સાથે - સંગીતકાર શંકર જયકિશન - ગીતકાર હસરત જયપુરી

ધનવાન વિધવાની યુવાન છોકરીઓને ભણાવવા માટે બુઢા પ્રોફેસરનો સ્વાંગ રચેલા શમ્મી કપૂર માટે મન્ના ડેનો અવાજ બંધ બેસે છે - જોકે મન્ના ડેનો આ રીતે ઉપયોગ થાય એ મન્ના ડેના ચાહકોને જરૂર ખૂંચે.


તુમ્હેં હુસ્ન દેકે ખુદાને સિતમગર બનાયા - જબ સે તુમ્હેં દેખા હૈ (૧૯૬૩) - મોહમ્મદ રફી, લતા મંગેશકર અને આશા ભોસલે સાથે - સંગીતકાર દત્તારમ - ગીતકાર આનંદ બક્ષી

દત્તારામે શમ્મી કપૂર માટે મન્નાડેના સ્વરને પસંદ કર્યો છે.


છમ છમ બાજે રે પાયલિયાં - જાને અન્જાને (૧૯૭૧) - સંગીતકાર શંકર જયકિશન - ગીતકાર એસ એચ બિહારી

જયકિશન અને શૈલેન્દ્ર બન્નેની વિદાય પછી શંકરે રચેલી આ ધુનમાં તેમની મન્ના ડેના સ્વરની ખૂબીઓને રજુ કરવાની ફાવટ આ સંગીતકાર જોડીના જૂના દિવસોની યાદ અપાવી જાય છે.

બુઢા તરીકેના છદ્મવેશમાં રજૂ થતા શમ્મી કપૂર માટે, શાસ્ત્રીય ઢાળમાં ગીત હોવાને કારણે મન્ના ડેને ફાળે આ ગીત આવે એ બાબત મન્ના ડેના ચાહકોને થોડી ઓછી પસંદ પડે, પણ ગીત જે અદાથી ગવાયું છે તેનાથી ખુશી પણ થાય.


ગુરુ દત્ત માટે

મન્ના ડેએ મુખ્ય ભૂમિકા ભજવી રહેલા દાકાર માટે ગાયેલાં ગીતોની વાત કરતાં હોઈએ ત્યારે , તકનીકી દૃષ્ટિએ, મન્ના ડે અને ગુરુ દત્તને સાથે ન મુકી શકાય. મને જેટલી માહિતી છે તે મુજબ ગુરુ દત્તે પર્દા પર ગાયેલાં મોટા ભાગનાં ગીતો મોહમ્મદ રફી એ ગાયાં છે. પણ હિંદી ફિલ્મ સંગીતમાં અપવાદ તો હોય જ. એ હિસાબે ગુરુ દત્ત માટે જાને વો કૈસે લોગ થે જિનકે પ્યારકો પ્યાર મિલા (પ્યાસા, ૧૯૫૭) માટે એસ ડી બર્મને કે ઈતલ કે ઘરમેં તીતલ અને ઉમ્ર હુઈ ફિરભી જાને ક્યું (બહુરાની, ૧૯૬૩) માટે સી રામચંદ્ર એ હેમંત કુમારના સ્વરના કરેલા પ્રયોગ કે તુમ્હીં તો મેરી પૂજા હો (સુહાગન, ૧૯૬૪)માં મદન મોહને કરેલા તલત મહેમુદના સ્વરના પ્રયોગની જ અધિકૃત નોંધ જોવા મળે.

ઇન્ટરનેટ / યુ ટ્યુબને કારણે ગુરુ દત્ત માટે મન્ના ડેએ પરોક્ષ રીતે ગાયેલાં ગીતની આપણને જાણ થાય છે. એ ગીત ફિલ્મમાં મોહમ્મદ રફીના સ્વરમાં ગવાયેલ, રૂંવાડાં ઊભાં કરી દે તેવાં, ગીત જિન્હે નાઝ હૈ હિંદ પર વો કહાં હૈ નું કવર વર્ઝન છે. આ કવર વર્ઝન કયા સંજોગોમાં રેકોર્ડ થયું હશે તેના વિષે કોઈ અધિકૃત માહિતી નથી મળતી.


મન્ના ડેની કારકીર્દી સાથે નિયતિના આવા આડા ખેલ સાથે આપણે આજના અંકને સમાપ્ત કરીશું. હવે પછી બીજી પેઢીના કહી શકાય એવા રાજ કુમાર, રાજેન્દ્ર કુમાર, સુનિલ દત્ત , મનોજ કુમાર જેવા અદાકારો માટે મન્નાડે ગાયેલાં ગીતોની વાત કરીશું.

No comments: