Sunday, April 12, 2020

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : એપ્રિલ, ૨૦૨૦


હસરત જયપુરી - શંકર જયકિશન સિવાયના સંગીતકારો માટે લખેલાં ગીતો : ૧૯૫૮
હસરત જયપુરી (મૂળ નામ - ઈક઼બાલ હુસ્સૈન- જન્મ: ૧૫ એપ્રિલ, ૧૯૨૨ | અવસાન: ૧૭ સપ્ટેમ્બર, ૧૯૯૯)ની  હિંદી ફિલ્મોના ગીતકાર તરીકેની સુદીર્ઘ કારકીર્દી લગભગ ૩૫૦+ ફિલ્મોનાં ૨૦૦૦+ ગીતોને આવરી લે છે. તેમણે હિંદી અને ઉર્દુ પદ્ય / શાયરીઓનાં પણ પુસ્તકો લખ્યાં છે. વિવેચકોએ તેમને સાહિર લુધ્યાનવી કે કૈફી આઝમી જેવા શાયરોની કક્ષાના કે ફિલ્મ સંગીતના ચાહકોએ તેમને કદાચ શૈલેન્દ્ર જેવી કક્ષાના ગીતકાર તરીકે નહિં મૂલવ્યા હોય, પણ તે કારણે હસરત જયપુરીની આગવી રમતિયાળ ઉર્દૂ-મિશ્રિત શૈલી અને તરત જ પસંદ પડી ગાય તેવી જાય તેવી રચનાઓનું મહત્ત્વ જરા પણ ઓછું નહોતું પડ્યું.

તેમનું મોટા ભાગનું કામ શંકર જયકિશન અને શેલેન્દ્રની સાથે થયું છે એ હકીકતને કારણે તેમણે અલગથી એ સિવાય પણ ફિલ્મ સંગીતનાં ગીતોનું જે ખેડાણ કર્યું છે તે પણ એટલું જ નોંધપાત્ર અને શોતાઓને પસંદ રહ્યું છે. તેમણે અન્ય સંગીતકારો માટે રચેલાં ગીતો પૈકી ઓછાં સાંભળવા મળતાં ગીતોને આપણે વર્ષ ૨૦૧૭થી દર એપ્રિલ મહિનાના આપણી આ શ્રેણીના અંકમાં યાદ કરીએ છીએ.
હસરત જયપુરીએ અન્ય સંગીતકારો માટે રચેલાં  કેટલાંક ગીતો આપણે યાદ કર્યાં હતાં
આપણે આપણા આ ઉપક્રમમાં વર્ષવાર આગળ વધી રહ્યં છીએ, એટલે અમુક સંગીતકારો સાથે હસરત જયપુરીએ રચેલાં ગીતો  દરેક હપ્તાઓમાં ફરીથી જોવ અમળશે. આવશે. એક જ સંગીતકાર સાથે અલગ અલગ વર્ષોનાં ગીતો એક સાથે મુકવાને કારણે  એ સંગીતકારની સમયની સાથે કે વિષયની સાથે શૈલીમાં થતા ફેરફારોની સામે હસરત જયપુરીનાં ગીતોમાં કંઈ અસર પડી કે નહીં તેવી શાસ્ત્રીય ચર્ચામાં આપણે નહીં ઉતરીએ. એ આપણો મુળભૂત આશય પણ નથી.  દરેક અંકમાં એક જ સંગીતકાર સાથે હસર્ત જયપુરીએ એકથી વધારે ફિલ્મો કરી હોય તો તે ફિલ્મોને આપણે એક સાથે જરૂર મુકી છે.
સંગીતકાર: વસંત દેસાઈ
વસંત દેસાઈ અને હસરત જયપુરીએ આ પહેલાં વ્હી. શાંતારામની 'ઝનક ઝનક પાયલ બાજે (૯૧૫૭)માં પણ સાથે કામ કર્યું છે.
દો ફૂલ (૧૯૫૮)
'દો ફૂલ' એ એ આર કારદાર દ્વારા એક જુની અને જાણીતી બાળવાર્તા હૈદી (લેખિકા જોહાના સ્પાયરી) પરથી બનાવાયેલી ફિલ્મ છે. ફિલ્મનાં બધાં જ ગીતો હસરત જયપુરીએ લખ્યાં છે. કુલ ૮ ગીતોમાંથી આશા ભોસલે અને લતા મંગેશકરનાં દરેકનાં બબ્બે સૉલો અને એકએક કોરસ ગીતો છે. આપણે સિવાયનાં બે આશા ભોસલે અને લતા મંગેશકરનાં બે યુગલ ગીતો અને એક આરતી મુખ્રજીનું સૉલો ગીત અહીં રજૂ કરેલ છે.
બચપન કા તોરા મોરા પ્યાર -  આશા ભોસલે, લતા મંગેશકર
બે બાલ મિત્રો મોટાંથઈને પણ આ મૈત્રીનું જોડાણ નિભાવશે તેવા એકબીજાંને કોલ આપે છે. પરદા પર આ ગીત બેબી નાઝ અને માસ્ટર રોમી પર ફિલ્માવાયું છે.

રૂઠી જાયે રે ગુઝરિયા - આશા ભોસલે, લતા મંગેશકર
રીસામણાં - મનામણાંનો વિષય હિંદી ફિલ્મોમાં ગીતો માટેનો એક બહુ પ્રચલિત વિષય રહ્યો છે. બાળ મિત્રો વચ્ચે પણ રૂસણાં -મનાવણાં તો થવાનામ જ. ગીતમાં જોવા મળે છે કે બાળકોનાં રૂસણાં લાંબાં ચાલે નહીં એજ ચલણ મોટાંઓના કિસ્સામાં કમસે કમ હિંદી ફિલ્મ ગીતોમાં તો જળવાય છે. અહીં પણ છેલ્લા અંતરામાં બેબી નાઝ મનાવાઈ જઈને હવે તેના મિત્રને મનાવે છે.

મટક મટક નાચું રે  = આરતી મુકર્જી
બાળકોની ફિલ્મમાં મસાલારૂપ મનોરંજન માટે પણ બાળ કલાકાર હોય એ ભાવના પ્રસ્તુત ગીતમાં દૃશ્યમાન છે.

સંગીતકાર: દત્તારામ
સ્વતંત્ર સંગીતકાર તરીકે દત્તારામની આ બીજી ફિલ્મ છે. તેમની પહેલવહેલી ફિલ્મ આર કે ફિલ્મ્સની 'અબ દિલ્લી દૂર નહીંં' (૧૯૫૭) હતી, જેમાં હસરત જયપુરીએ શૈલેન્દ્રની સાથે ગીતો લખ્યાં હતાં આજની ફિલ્મ 'પરવસ્રિશ'નાં બધાં ગીતો તેમણે એકલાએ લખેલાં છે.
પરવરિશ (૧૯૫૮)
'પરવરિશ' એક સામાજિક વિષય પર બનેલ ફિલ્મ છે. અહીં રાજ કપૂર એક અભિનેતા તરીકે સાથ આપે છે. ફિલ્મનું એક રોમેન્ટીક યુગલ ગીત 'મસ્તી ભરા હૈ સમા' અને એક મસ્તીભર્યું નૃત્ય યુગલ ગીત 'બેલીયા બેલીયા. દેખો જી હજારોંમેં (બન્ને ગીતો - મન્ના ડે અને લતા મંગેશકર), એક હાસ્યપ્રધાન પુરુષ-પુરુષ યુગલ ગીત 'મામા ઓ મામા (મન્ના ડે અને મોહમ્મદ રફી) અને કરૂણ ભાવનું પુરુષ સૉલો ''આંસુ ભરી હૈ' (મુકેશ' તો આજે પણ એટલાં જ યાદ કરાય છે.
આપણે ફિલમના આ સિવાય ઓછાં સાંભળવા મળતાં ત્રણ ગીત અહીં રજૂ કરેલ છે.
જ઼ૂમે રે જ઼ૂમે રે - આશા ભોસલે
ગીતનો પ્રકાર હાલરડાંનો છે. નોંધપાત્ર બાબત એ છે કે પર્દા પર તેને લલિતા પવાર પર ફિલ્માવાયું છે. મોટા ભાગનાં લોકોની સ્મૃતિમાં  લલિતા પવાર કાવાદાવા કરતી સાસુના કિરદારમાં એટલાં જડાઈ ગયાં છે કે તેમણે 'અનાડી' કે 'આનંદ'જેવી ફિલ્મોમાં ભજવેલ સંવેદનશીલ ભૂમિકાઓ હાંસિયામાં ઢંકાઈ જતી અનુભવાય છે. આમ અહીં તેમને એક પ્રેમાળ માનાં સ્વરૂપે, હાલરડું  ગાતાં જોવાં એ બહુ વિરલ ઘટના કહી શકાય.

લુટી ઝિન્દગી ઔર ગ઼મ મુસ્કરાયે - લતા મંગેશકર
હિંદી ફિલ્મોની ફોર્મ્યુલા શૈલીમાં એક કરૂણ સ્ત્રી સ્વરનાં ગીત માટે પણ અચુક સ્થાન હોય જ !

જાને કૈસા જાદુ કિયા - આશા ભોસલે, સુધા મલ્હોત્રા 
ફિલ્મ ફોર્મ્યુલામાં એક 'આઈટેમ સોંગ' પણ હોવું જોઈએ. એ સમયની ફિલ્મોમાં એ પ્રકારનાં ગીતોમાં મુજરાનાં ગીતો બહુ પ્રચલિત હતાં.
દત્તારામને પણ પોતાની બહુમુખી સંગીત પ્રતિભા રજૂ કરવાની તક મળી રહી છે.
ગીતોમાં પર્દા પરનાં પાત્રોને ઓળખવામાં રસ ધરાવતાં મિત્રોને જણાવીએ કે પ્રસ્તુત ગીત પર્દા પર મીના ફર્નાન્ડીઝ (આશા ભોસલેના સ્વર પર) અને શીલા વાઝ (સુધા મલ્હોત્રાના સ્વર પર) ઓળખી શકાશે.

સંગીતકાર : કલ્યાણજી વીરજી શાહ
સફળ સંગીતકાર બેલડીના અન્ય સાથી આણંદજી હજૂ સક્રિય થયા તે પહેલાં  કલ્યાણજીભાઈએ એકલા રહીને જે કામ કર્યું તે તબક્કાની આ ફિલ્મ છે.
સમ્રાટ ચંદ્રગુપ્ત (૧૯૫૮) 
ફિલ્મમાં મુખ્ય ગીતકાર ભરત વ્યાસ (પાંચ ગીત) હતા. તે ઉપરાંત ઈન્દીવરે પણ એક ગીત અને હસરત જયપુરીએ બે ગીત લખ્યાં છે. હસરત જય્પુરીએ  લખેલ યુગલ ગીત 'યે સમા હૈ મેરા દિલ જવાં (મન્ના ડે, લતા મંગેશકર) ઘણું જાણીતું થયું હતું.
દસ્તાવેજીકરણની નોંધપૂર્તિમાટે નોંધ લઈએ કે આ પહેલાં ૧૯૪૫માં આ જ નામની  ફિલ્મ રજૂ થઈ હતી, જેનું સંગીત સી રામચંદ્રએ આપ્યું હતું.
અય દિલબર આ જા આ જા, હાથમેં મેરે લે લે જામ - લતા મંગેશકર, કોરસ
ભારત વર્ષમાં સમ્રાટ ચંદ્રગુપ્તના સમય કાળમાં રાજ્ય દરબારમાં 'દિલબર' કે 'જામ' જેવા ફારસી મૂળના શબ્દો કેટલા પ્રસ્તુત હશે કે તે જ રીતે  મધ્ય-પૂર્વનાં સંગીતની અસર હેઠળનાં નૃત્યો પણ કેટલાં પ્રસ્તુત હશે તે સવાલ જરૂર થાય.

સંગીતકાર  પી રમેશ નાયડુ
મુખ્યત્ત્વે દક્ષિણ ભારતીય ફિલ્મોના સંગીતકાર હોવાને નાતે, પી રમેશ નાયડુ, હિદી ફિલ્મ સંગીત વિશ્વમાં બહુ જાણીતું નામ નથી. જોકે આપણી પ્રસ્તુત શ્રેણીમાં  હસરત જયપુરી સાથેની તેમની ફિલ્મ 'હેમ્લેટ' (૧૯૫૪)નાં ગીતો દ્વારા આપણે કંઈક અંશે તેમનાથી પરિચિત જરૂર છીએ. તેમણે દસ ભાષાઓની ફિલ્મોમાં સંગીત આપ્યું છે (એક સરખામણીઃ સલીલ ચૌધરીએ ૯ ભાષાઓમાં સંગીત આપ્યું છે.)  તેમને 'મેઘ સંદેશમ'નાં સંગીત માટે રાષ્ટ્રીય પુરસ્કાર પંણ મળેલ છે.
પિયા મિલન (૧૯૫૮) 
હિંદી ફિલ્મ સંગીતના મુખ્ય પ્રવાહના જાણીતા ગીતકાર અને દક્ષિણ ભારતની ફિલ્મોમાં જ મુખ્ય્ત્ત્વે કામ કરનાર સંગીતકાર વચ્ચે ાટલો સહજ તાલમેલ વિકસે તે ખરેખર બહુ ગૌરવ લેવા જેવી બાબત કહી શકાય. 'પિયા મિલન'મૂળે તમિળ ભાષામાં મર્મવીરા (૧૯૫૬)ના શીર્ષકથી બની હતી. પ્રસ્તુત હિડી સંસ્કરણમાં ત્રણ ગીતો હર્ષ અને છ ગીતો હસરત જયપુરી દ્વારા લખાયાં છે. કોઈ પણ ગીત આ પહેલાં સાંભળ્યું હોય તેમ યાદ નથી આવતું. એટલે આપણે તેમાંથી પણ એવાં ગીતો પસંદ કર્યાં છે જેનાં ગાયકો પણ ઓછાં સાંભળવા મળતાં હોય.
અહીં પણ દસ્તાવેજીકરણ માટે કરીને નોંધ લઈએ કે આ પહેલાં આ જ નામની ફિલ્મ ૧૯૪૫માં રજૂ થી હતી, જેનું સંગીત ફીરોઝ નિઝામીએ આપેલ હતું.
હો જી તુમ  પ્યારે હમેં - ઉષા મંગેશકર
તવંગર વર્ગના મનોરંજન માટે ભજવાતા નૃત્ય કાર્યક્રમ માટે આ ગીત ફિલ્માવાયું હોય તેમ જણાય છે.

તિલ્લા લંગડી કોયલ - ઓ એમ  વર્મા, ઉષા મંગેશકર 
અહીં પણ શેરી નૃત્યને તવંગર વર્ગનાં મનોરંજન માટે તેમનાં દીવાનખાનાં પ્રસ્તુત કરાતું જણાય છે. ગાયક ઓ એમ વર્મા નામ પણ પહેલી જ વાર સાંભળવા મળે છે.

ઓ સાથી રે તૂ આ ભી જા - લતા મંગેશકર, ઉષા મંગેશકર, જગમોહન બક્ષી, કોરસ
દેખો માને નહીં રૂઠી હસીના ક્યા બાત હૈ (ટેક્ષી ડ્રાઈવર, ૧૯૫૪- આશા ભોસલે સાથે- સંગીતકાર: એસ ડી બર્મન- ગીતકાર: સાહિર)માં જગમોહન બક્ષીને સાંભળ્યા પછી અહીં ફરી વાર તેમના અવાજને સાંભળવા મળશે તેવી અપેક્ષા સાથે આ ગીત સાંભળીએ

સંગીતકાર ઓ પી નય્યર
ઓ પી નય્યર અને હસરત જય્પુરીને આ પહેલાં એક સાથે આપણે જોહ્ની વૉકર (૧૯૫૭)માં સંભળી ચુક્યાં છીએ. એ ફિલ્મનાં ગીતોની સફળતાને કાર્ણે હશે કે કેમ તે તો ચોક્કસપણે નથી કહી શકાતું ,પણ, ૧૯૫૮માં ફરીથી આ બન્ને કસબીઓ ફરી એક વાર જોહ્ની વૉકરની જ મુખ્ય ભૂમિકાવાળી મિ. ક઼ાર્ટૂન એમ એ માં સાથે થયેલ છે. અને કદાચ એ સફળતાનો જ પ્રતાપ હશે કે આ વર્ષે તેઓ અન્ય બે ફિલ્મોમાં પણ સાથે કામ કરી રહ્યા છે.
હાવરા બ્રિજ (૧૯૫૮) 
ફિલ્મમાં મુખ્ય ગીતકારની ભૂમિકામાં આમ તો ક઼મર જલાલાબાદી (૬ ગીતો) કહી શકાય. હસરત જયપુરીએ લખેલ બે ગીત પૈકી  મૈં જાન ગયી તુઝે સૈંયા (મોહમ્મદ રફી, શમશાદ બેગમ) આપણે આ બ્ળોગ પર એક અન્ય સંદર્ભમાં સાંભળી ચૂક્યાં છીએ, એટલે અહીં તેમની બીજી એક રચના રજૂ કરી છે.
યે ક્યા કર ડાલા તૂને દિલ તેરા હો ગયા - આશા ભોસલે
ઘોડાના ડાબલાની 'ટાંગા લય' અંતરામાં ઢોલક અને ડ્રમના તાલની અદલાબદલી, વ્હીસલીંગનો બહુ અનોખો પ્રયોગ, અંતરાનાં સંગીતમાં વાયોલિનના ઓ પી નય્યરની આગવી શૈલીના સૂરો, આમ બધી રીતે આ ગીત માત્ર અને માત્ર ઓ પી નય્યરનું જ છે. તેમાં હસરત જયપુરીના શબ્દો ધ્યાનાકર્ષક બની રહે છે તે બાબતે હસરત જયપુરીને દાદ આપવી  જોઈએ.

કભી અંધેરા કભી ઉજાલા (૧૯૫૮) 
કિશોર કુમાર અને નુતનની મુખ્ય ભૂમિકાઓવાળી આ ફિલ્મમાં પણ હસરત જયપુરીને ફાળે બહુ મર્યાદિત સંખ્યામાં ગીતો આવ્યાં છે.
અજબ હમારી હૈ ઝિંદગાની - આશા ભોસલે
ફિલ્મના શીર્ષકને મુખડાના બોલમાં આવરી લેવા માટે જ હસરત જયપુરીની પસંદગી થઈ હશે?

ઝરા સોને દે બાલમ - આશા ભોસલે
ગીતની બાંધણી તો ઓ પી નય્યરના આગવા ઢોલકના તાલ પર થઈ છે, પણ અંતરાનાં સંગીતની શરૂઆતમાં  વાયોલિનના મોટા સમુહનો પ્રયોગ ધ્યાનાકર્ષક નવીનતા છે. 

મિ. ક઼ાર્ટૂન એમ એ (૧૯૫૮)
અહીં હસરત જયપુરી જ એક માત્ર ગીતકાર છે. ફિલ્મમાં આશા ભોસલેનાં ૩ સૉલો અને આશા-ગીતા દત્તનું એક યુગલ ગીત છે. પરંતુ આપણ દરેક અંકના અંતમાં મોહમ્મદ રફીનાં ગીતો લેવાના રીવાજને અનુસરીને મોહમ્મદ રફી હોય તેવાં ગીતો અહીં પસંદ કર્યાં છે.
મૈં મૈં કાર્ટૂન - મોહમ્મદ રફી, આશા ભોસલે, શમશાદ બેગમ
ફિલ્મનાં સીર્ષકને મુખડામાં વણી લેતું ગીત એક ફેન્ટ્સી નૃત્ય ગીતનાં સ્વરૂપે રજૂ થયું છે. ગીતના તકિયા કલમ મુખડાને મોહમ્મદ રફીએ અલગ અલગ રીતે ગાયું છે.

મેરા દિલ ઘબરાયે, મેરી આંખ શર્માયે કછુ સમઝમેં ન આયે રે- મોહમ્મદ રફી, આશા ભોસલે 
બગીચામાં રાહ જોઈ રહેલ નાયિકાની સાથે જોહ્ની વૉકર કંઈ નવો વેશ પહેરીને કેમ ગીત ગાય છે તે તો આખી ફિલ્મ જોઈએ તો જ સમજાય !

તુને માર દિયા પ્યાર કા બોમ, દિલ કો કર દિયા મોમ = મોહમ્મદ રફી, કોરસ
હસરત જય્પુરીએ અહીં મુખડાં પહેલાં સખીની પંક્તિ ઉમેરીને પોતાની આગવી શૈલીની ઓળખ કરાવી દીધી છે. 

સંગીતકાર બી (બલદેવ) એન (નાથ) બાલી
હિંદી ફિલ્મ સંગીતમાં બી અને સી ગ્રેડની ફિલ્મોસુધી સીમિત રહી જનાર સંગીતકારોની પંગત બહુ મોટી છે. બી એન બાલી એ પંગતમાં પણ પાછલી હરોળના સંગીતકાર રહ્યા છે. તેમણે બધું મળીણે ૨૪ જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું છે તેવી નોંધ જોવા મળે છે, પણ કોઈ ફિલ્મમાં બહુ નોંધપાત્ર સંગીત આપ્યું હોય તેમ જણાતું નથી.
પેહલા પેહલા પ્યાર (૧૯૫૮) 
હસરત જયપુરીએ લખેલાં ૪ ગીતો ઉપરાંત મદન મોહન (સંગીતકાર તો નહીં જ હોય એમ માનીએ !)ના ફાળે ત્રણ અને આનંદ બક્ષીના ફાળે ૧ ગીત નોંધાયું છે.
રોકે ક઼યામત રૂક જાય પર રોકના દિલકા મુશ્કીલ હૈ
કુછ ભી ન સુજ઼ાઈ દેતા હૈ જિસ વક઼ત મોહબ્બત હોતી હૈ
જબ ઉનકા ખયાલ આ જાતા હૈ - મોહમ્મદ રફી
પુરી બે પંક્તિના શેરની સાખી સાથે હસરત જયપુરી પેશ થાય છે.
ગીતની ધુન એક અન્ય બહુ જાણીતાં ગીત જીન રાતોંમેં નીંદ ઊડ જાતી હૈ (રાતકી રાની, ૧૯૪૯, સંગીતકાર હંસરાજ બહલ)ને મળતી હોય એવું જણાઈ રહ્યું છે ?


આજના અંકની સમાપ્તિ કરતાં આપણે એક બાબતની ખાસ નોંધ લેવી જોઈએ. જે જે સમયે હસરત જયપુરીને શંકર જયકિશન અને શૈલેન્દ્રની ટીમ સાથે ઓછાં ગીતો રચવાના સંજોગો થયા છે તેવા સમયે એ અવકાશ અન્ય સંગીતકારો સાથે કામ કરીને પુરી લીધો હશે એમ માની શકાય. જેમ કે ૧૯૫૮નાં વર્ષમાં શંકર જયકિશનની બે જ ફિલ્મો - યહુદી અને બાગી સિપાહી - આવી હતી. તેમાં પણ 'યહુદી'માં હસરત જયપુરીને ફાળે માત્ર એક અને 'બાગી સિપાહી'માં ત્રણ ગીતો જ આવ્યાં હતાં.
ખેર, આપણા નિસ્બતની આ વાત આમ તો નથી અને આપણે તો ાન્યથા પણ બન્ને હાથમાં લાડુ જ છે… એટલે આપણે તો આપણી આ સફરમાં આગળ વધવા તરફ જ ધ્યાન આપીએ…..
આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.
નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

No comments: