Monday, November 17, 2014

કલમ કાંતે કચ્છ : ગ્રંથ - ૬ : ધરતીતાંડવ

કચ્છમાં થતી કુદરતી ઘટનાઓ, તેને લગતી ભૌગોલિક અને રાજકીય તેમ જ સામાજિક સમસ્યાઓ અને તેના શક્ય ઉકેલો ને 'કલમ કાંતે ક્ચ્છ' પુસ્તક શ્રેણીમાં શ્રી કીર્તિ જયંત ખત્રીના 'ક્ચ્છમિત્ર'ના કાર્યકાળ દરમ્યાન લખાયેલા અગ્રલેખોમાં એક આગવું સ્થાન મળ્યું હોય તે સ્વાભાવિક છે - એમના એ કાર્યકાળમાં આવી ઘટનાઓ થવાનું પણ ઘણું બન્યું, જે ઘટનાઓ થઇ તે હતી પણ મહાકાય કક્ષાની, એટલે એ બંને દૃષ્ટિએ કીર્તિભાઇ જેવા જાગૃત અને વિચારશીલ ખબરપત્રીની બળૂકી કલમ એ સમયની પરિસ્થિતિને અને તેનાં અનેકવિધ પાસાંઓને પૂરેપૂરો ન્યાય કરી શકે તે રીતે ઝીલી લેવાના પડકારને સફળતાથી સિદ્ધ કરે તે પણ કદાચ એટલું જ સ્વાભાવિક કહી શકાય.આ પ્રકારના ઘણા લેખોને સ્વતંત્ર પુસ્તકના વસ્તુ તરીકે સંપાદિત કરવામાં શ્રી માણેકભાઇ પટેલે સારો એવો પરિશ્રમ ઉઠાવ્યો છે.

'કલમ કાંતે કચ્છ' શ્રેણીનું છઠું પુસ્તક છે "ધરતીતાંડવ". સંપાદક તેમના પ્રવેશક લેખમાં નોંધે છે કે,”૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના વિનાશકારી ભૂકંપે કચ્છને તહસનહસ કરી નાખ્યું, તોયે કચ્છી માડુએ ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી બેઠા થઇને નવસર્જનનો એક અજોડ ઇતિહાસ સર્જ્યો એ સૌ કોઇ જાણે છે. પણ, કુદરતના અભિશાપને તકમાં પલટાવીને આશીર્વાદ સુધી લઇ જવાની આ પ્રક્રિયાના સાક્ષી બનીને કીર્તિભાઇ સતત લખતા રહ્યા હતા. જુદા જુદા જુદા તબક્કે લખાયેલા લેખો પૈકી પસંદ કરાયેલા લેખ આ પુસ્તકમાં સમાવી લેવાયા છે તે ખરા અર્થમાં તો પુનર્વસનના દસ્તાવેજીકરણ સમાન છે.”

દરેક પુસ્તકમાં કીર્તિભાઇ સાથે સંપર્કમાં આવેલ અલગ અલગ વ્યક્તિઓના કીર્તિભાઇનાં વ્યાવસાયિક અને વ્યક્તિગત, વિવિધ પાસાંઓનું ચિત્રણ કરતા લેખોમાંથી ચૂંટેલા લેખને પ્રવેશક લેખ તરીકે લેવાયેલ છે. પ્રસ્તુત પુસ્તકમાં આ પ્રકારનો પ્રવેશક લેખ પણ બહુ જ યથાર્થ પૂર્વભૂમિકા રચી આપે છે. "ભૂકંપ પછીના નવસર્જનની પ્રક્રિયામાં ચાવીરૂપ ભૂમિકા"માં (પૃ.૧૯-૨૧)લેખક અને સમાજ ચિંતક શ્રી નલિન ઉપાધ્યાય હૃદયપૂર્વક એવું માને છે કે '૨૦૦૧ના કારમા ભૂકંપ બાદ કચ્છનું એ સદનસીબ જ રહ્યું કે ...નવસર્જનના બાર બાર વર્ષ સુધી કીર્તિભાઇ 'કચ્છમિત્ર'ના તંત્રી પદે રહ્યા.. કીર્તિભાઇની સમજુ અને પારખી દૃષ્ટિએ કચ્છના ધરતીકંપ બાદના નવસર્જનમાં લોકસહકારની ભૂમિકાની સંસ્કૃતિના સ્પિરીટને સમગ્ર વિશ્વની સામે રજૂ કરી મૂક્યું (છે)...કચ્છના નવસર્જનનો એક પણ મુખ્ય કે ગૌણ પ્રશ્ન એવો નથી જેની 'ક્ચ્છમિત્ર'એ નોંધ ન લીધી હોય'.

તે જ રીતે કીર્તિભાઇના 'ક્ચ્છમિત્ર'ના સહકાર્યકરના પ્રવેશક લેખ "સંવેદનશીલતાનો પર્યાય" (પૃ. ૨૨-૨૫)માં જો. ન્યૂઝ એડિટર નવીન જોશી ભલે 'ધરતીકંપના સમયની અને પછીની કીર્તિભાઇની સક્રિયતા અને સંવેદનશીલતા'ને સ્પર્શતાં કીર્તિભાઇનાં વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓની વાત કરે છે, પણ એ વર્ણનો પણ આપણને પ્રસ્તુત પુસ્તકમાંના વિષયના સંદર્ભે લાગણી અને સંવેદનાને રંગે રંગાયેલી,કયા કયા પ્રકાર અને સ્તરની માહિતી જાણવા મળશે તેનું રેખાચિત્ર ખેંચી આપવામાં મદદરૂપ બની રહે છે.

કુલ ૨૧૨ પાનાંમાં ૬૭ લેખો વડે સમગ્ર પુસ્તકમાં ધરતીકંપની તાત્કાલિક અસરો, રાહત કામ ને પુનવર્સનની પ્રત્યક્ષ સમસ્યાઓની સાથે સાથે કેટલીય પરોક્ષ બાબતોને સાંકળી લેવાઇ છે. તેને કારણે પુસ્તક એક મસમોટા ધરતીકંપ વિષે માત્ર દસ્તાવેજી તવારીખ બની રહેવાને બદલે, ભવિષ્યમાં ક્યાંય પણ આ સ્તરની કુદરતી આપત્તિ આવી પડે તે પહેલાં સભાનતા અંગે શું કરવું (અને શું ન કરવું)થી લઇને, ટુંકા ગાળાનાં રાહતનાં અને લાંબા ગાળાના પુનર્વસનના કાર્યક્રમમાં કેવી કેવી બાબતોને પણ ધ્યાન રાખવી જોઇએ તેની માર્ગદર્શિકા તરીકે પણ એક મહત્ત્વનો સંદર્ભ ગ્રંથ બની રહે તેમ છે.

પુસ્તકની શરૂઆતમાં જ ધરતીકંપની શક્યતાઓની આગોતરી જાણ અને તૈયારી વિષેના૨૭-૯-૧૯૯૬ના લેખ 'ધરતીકંપ સામે સાવધાની' (પૃ. ૩૭/૩૮)થી પહેલી એક વાત તો એ ફલિત થાય છે કે કચ્છ જેવા કુદરતી આપત્તિની સંભાવનાની પ્રબળ શકયતાઓ ધરાવતા પ્રદેશોમાં પણ તકનીકી સ્તરે આગોતરા અભ્યાસ હાથ ધરાતા તો હોય છે જ. પણ, આવી ઘટનાઓ ખરેખર જ્યારે થાય છે ત્યારે તેને માટે કોઇ જ પ્રકારની તૈયારી નથી હોતી. આ સંદર્ભમાં અગાઉ ઉલ્લેખ કરેલા શ્રી નવીન જોશીના પ્રવેશક લેખમાં સખેદ નોંધ લેવાઇ છે કે તે સમયે સાવધાની માટેના જે ઉપાયો ચર્ચાયા હતા તેનો અમલ ન થવાની અસરરૂપે ભુજમાં ૧૯૯૬થી ૨૦૦૧ના સમયમાં '૧૦૦થી ૧૨૫ એપાર્ટમેન્ટ ઊભા થઇ ગયાં જે પૈકી ૧૦૦ મકાનો ૨૦૦૧ના ધરતીકંપમાં ધરાશાયી થયાં હતાં.'

તે જ રીતે ધરતીકંપના પાંચેક મહિના જ પહેલાં લખાયેલા લેખ 'સાવધાન, ધરતી ધ્રૂજે છે' (પૃ. ૩૯/૪૦)માં પણ 'ધરતીકંપની શક્યતાઓનો નિર્દેશ થઇ શકે પણ ચોક્કસ આગાહી થઇ શકતી નથી...પણ..તે વખતે ઓછામાં ઓછું નુકસાન થાય એવી વ્યવસ્થા વિચારી શકાય...'એ સૂર ઉભરી રહે છે.
[પરિચયકર્તાનીનોંધઃ તાજેતરમાં કાશ્મીરમાં પણ આવેલાં પૂર વખતે કુદરતના ખોફની સાથે માનવ સર્જિત (ટૂંકા ગાળાના) પગલાંઓએ તબાહીમાં વધારે ફાળો આપ્યો એવું મનાય છે. તે જ રીતે વિશાખાપટ્ટ્નમ પર હુદ હુદ ત્રાટક્યું તેની બહુ જ ચોક્કસ જાણ થવાને કારણે માનવ જાનહાનિ મહદ્‍ અંશે નિવારી શકાઇ, જો કે માલ મિલ્કતને થયેલી નુકસાનીને રોકવા માટે તો બહુ જ લાંબા ગાળાની દૃષ્ટિએ લેવાયેલાં પગલાં જ કારગત નીવડી શકે છે.]
૫-૨-૨૦૦૧ના "કાશ, ભૂસ્તરશાસ્ત્રીઓની ચેતવણી સરકારે સાંભળી હોત" (પ્રુ. ૪૪-૪૬)માં પણ “જે કોઈ ચેતવણીઓ અપાઇ તેની ધોરીધરાર અવગણના”નો સૂર ગાજે છે.

સમગ્ર પુસ્તક વાંચતાં એવું પણ જોઇ શકાય છે કે આવી અવગણનામાં જો સરકારી તંત્ર ઊણું પડતું જણાય છે, તો પ્રજામાનસ પણ કાચું પડતું જણાય છે.

પુસ્તકમાંના મોટા ભાગના લેખો ધરતીકંપ બાદની સીધી અસરો અને તેની રાહતનાં કામો પર પડતી પ્રત્યક્ષ અને પરોક્ષ અસરો‍નો અભ્યાસને લગતા હોય તે સ્વાભાવિક છે. તેને કારણે આવડી મોટી કુદરતી ઘટનાની અસરોનાં વમળ ક્યાં ક્યાં સુધી પહોંચી શકે તે સમજવામાં ઘણી મદદ મળી રહે છે.ધરતીકંપ પછીના ૨૦૦૧ના વર્ષના ૧૮ લેખો આ પ્રકારના કહી શકાય.

૧૬-૨-૨૦૦૧ના લેખ "સીમા નજીકનાં એ ગામડાં 'માં (પૃ.૫૧) ધરતીકંપની અસરો અને રાહત કામો માટે કરીને “જ્યારે ..સમગ્ર પોલીસતંત્ર ઉપરાંત સીમા સુરક્ષા દળ અને લશ્કરી જવાનો બચાવ અને રાહતની કામગીરીમાં પરોવાયેલા છે..(ત્યારે) અલબત્ત ..સરહદ પર ચાંપતો બંદોબસ્ત છે.. (તેમ છતાં) કચ્છના એક ખૂણાથી બીજા ખૂણા સુધી વિદેશી પણ મુક્ત રીતે હરીફરી શકે છે તે બાબતમાં સજાગ થવાની જરૂરિયાત.. છે” જેવી બહુ જ ચોક્કસ મુદ્દાની ચિંતા વ્યક્ત થઇ છે.

૨૧-૨-૨૦૦૧ના લેખ "નબળાં બાંધકામની તપાસમાં દાનત સાફ છે ખરી' શીર્ષકમાં જ નબળા બાંધકામના પ્રશ્ને રાહત અને પુનઃવસનનાં કામ રહેલાં 'દાનત'ને લગતાં સંભવિત ભયસ્થાનો વિષે બહુ પહેલેથી જ ચેતવણી અપાઇ છે.

૧૪-૩-૨૦૦૧ના લેખ "હિજરત રોકવામાં જ રાષ્ટ્રીય હિત છે"માં "ધરતીના લગાવથીયે કારમી એવી વેદના..(ને કારણે)..જ ભૂકંપનો મોકો ઝડપી લઇ ચોક્કસ જ્ઞાતિની સામૂહિક હિજરતને.. 'માત્ર સામાજિક ધરતીકંપ'ની નજરથી ન જોવાની અગમચેતી વર્તવાની ચાંપ કરાઇ છે. એ બાબતની ચર્ચામાં “આ દેખીતાં વલણમાં પાકિસ્તાનનો હાથ હોવાની અપવાદ રૂપ કારણ પણ નઝરઅંદાજ ન કરવાની” સાવચેતી વર્તવા માટે પણ ધ્યાન દોરાયું છે. તો વળી “સરહદી સલામતીની સાથે સામાજિક અને આર્થિક સલામતીનું વાતાવરણ સર્જીને આ હિજરત અટકાવવા”નો તકાજો પણ છે.

૨૩-૪-૨૦૦૧ના લેખ "ભૂકંપપીડિત પ્રજાને તો કોઈ કાંઈ પૂછતું જ નથી"માં જે બોલકી નથી એવી ૯૦% પ્રજાની મનોદશાનો ચિતાર રજૂ કરવાની સાથે સ્થાનિક તંત્રને રાહત કાર્ય માટે જરૂરી સત્તા નથી, નિર્ણયો લેવાની પ્રક્રિયાનું વિકેન્દ્રીકરણ ન થવાથી નિર્ણય લેવામાં લેવાયેલા નિર્ણયોને યોગ્ય કક્ષાએ સમયસર જાણ કરવા સુદ્ધાંમાં થતા વિલંબ જેવાં પાસાંઓની પણ સવેળા જ ચર્ચા કરાઇ છે.

૩-૬-૨૦૦૧ના લેખ "ક્ચ્છ ઝંખે છે કેન્દ્રની ખાસ માવજત"માંતે સમયના વડાપ્રધાનની ક્ચ્છની મુલાકાતના સદર્ભમાં ક્ચ્છને થતા (રહેલા)'અન્યાય અને અવગણના'ને (પણ) વાચા આપવાની તક ચુકાઇ નથી.

૨૩-૬-૨૦૦૧ના લેખ 'કચ્છીયતની અગ્નિપરીક્ષા"માં (પૃ.૭૨-૭૪)દેશ-વિદેશની સહાયને સરકારના...આર્થિક પેકેજોની ભરમાર વચ્ચે 'કચ્છીયત અટવાઈ પડી' હોવાના સચિંત સૂરમાં રાહત કામગીરીમાં અનુચિત માનસિકતા અને વ્યવહારો દાખલ ન થઇ જાય એવી દહેશત પણ વ્યક્ત કરાઇ છે.

તે પછી, ધરતીકંપ પછીની પહેલી દિવાળીના ટાંકણે "સૌના નકાબ ભૂતાંડવે ચીરી નાખ્યા છે"માં (પૃ.૭૫-૮૦)'ભૂકંપ બાદ નવ માસ દરમ્યાનની વિવિધ કામગીરીમાં બહાર આવેલી ક્ષતિઓ' છતાં 'આટલો ગાળો સ્પષ્ટ તારણ કાઢવા માટે અપૂરતો જણાય છે'નો સમસ્યાઓ વચ્ચેથી પણ ટકી રહેલો આશાવાદ પ્રગટ થતો રહે છે. 'પ્રજાની વર્તણૂંક અને તેનો મિજાજ', 'સરકારની નવસર્જનની પ્રક્રિયા વેગવાન બનાવવાની નેમ', 'રાજકીય પક્ષોનીકામગીરી', ‘સેવાભાવી સંસ્થાઓની ભૂમિકા’ જેવાં અનેકવિધ પાસાંઓના લેખાંજોખાં પણ સ્પષ્ટવિગતે ચર્ચાની એરણે ચડાવાયાં છે. તે સાથે અમલીકરણની કામગીરી વડે આ 'અભિશાપને આશીર્વાદમાં પલટાવી નાખવા માટે પારદર્શિતાની તેમજ ગેરરીતિમુક્ત રહેવાની' આગ્રહપૂર્વકની અપીલ પણ કરવાનો મોકો પણ ઝડપી લેવાયો છે.

૨૬-૭-૨૦૦૧ના લેખ "-તો આવતીકાલ આપણી છે" માં (પૃ.૯૪-૯૭) 'કુદરતી આપત્તિએ આપણી આજ કષ્ટમય અને અનિશ્ચિત ભલે બનાવી દીધી છે પણ આપણે સૌ..આત્મનિરીક્ષણ કરીશું તો આપણી આવતી કાલ ઉજળી હશે" જેવા આશાવાદમાં ધરતીકંપ પછીના છ મહિના પછીની પરિસ્થિતિનાં સકારાત્મક અને નકારાત્મક પાસાંઓની ચર્ચામાં પણ બધાં જ પક્ષકારો માટે સાવચેતીનો સૂર તો રહે જ છે.

અહીંથી હવે પ્રશ્નનાં સમગ્ર પાસાંઓને લગતા નીતિવિષયક નિર્ણયો અને તેના અમલ બાબતે વાર્ષીક સમીક્ષા કરતા લેખો ૨૬-૧-૨૦૦૨થી લઇને ૨૦૧૧નાં વર્ષના સમયખંડને આવરી લે છે. આ લેખોમાં પણ દરેક બાબતને લગતી સીધી સીધી ચર્ચાની સાથે નિર્ણયો અને / અથવા અમલનાં પગલાંની અનપેક્ષિત, પરોક્ષ અને વણકહેવાયેલી અસરોને પણ તેટલી જ વિધેયાત્મકતાથી આવરી લેવાઇ છે.

આમ કુલ ૬૭ લેખોમાંથી ૨૪ લેખો ધરતીકપ અને ધરતીકંપની બહુવિધ અસરોની નોંધ લેવાની સાથે દરેક મુદ્દાઓની છણાવટ પણ કરે છે.

તે પછીના વર્ષ ૨૦૦૨ના સમયને આવરી લેતા ૧૪ લેખો પણ વિષયોના વ્યાપને વધારતા રહેવાની સાથે આ પ્રકારની ઘટનાની, રાહતની અને નવસર્જનની પ્રક્રિયા પર પડતી, સીધી અને આડી અસરોની ઊંડાણથી રજૂઆત કરે છે.

"ટાઉન પ્લાનિંગમાં ફળિયા સંસ્કૃતિ જીવંત રાખવા અનેરી પહેલ" (પૃ.૧૨૪-૧૨૭)' 'ભુજઃનવસર્જનના વિરોધાભાસ' (પૃ.૧૨૮-૧૨૯)જેવા લેખોમાં નવેસરથી હાથ ધરાયેલ ટાઉન પ્લાનિંગની કવાયતમાં નડતી અનેકવિધ પ્રકારની અડચણોની ચર્ચા વડે આ પ્રકારના પ્રશ્નોની જટિલતાના વિવિધ આયામોનો પરિચય થાય છે.

ધરતીકંપ જેવી કુદરતી આપત્તિને લગતા અખબારોના તંત્રી લેખોમાં નુકસનનાં વિવરણ કે તે સમયે ચાલી રહેલી ગતિવિધિઓના અહેવાલોની સમીક્ષાનું વિવરણ વધારે હોય તે સ્વાભાવિક છે. તે પ્રાથમિક ફરજ પૂરી કરવાની સાથે સાથે ધરતીકંપ જેવી બહુ જ અસામાન્ય ઘટનાનાં દેખીતાં ન કહી શકાય તેવાં સીધાં કે આડકતરાં કંપનોનો કેલીડૉસ્કોપિક ચિતાર પણ બહુ જ નજદીકથી કરવાની સાથે વિધેયાત્મકતાનું અંતર જાળવવામાં પ્રસ્તુત પુસ્તક સફળ રહે છે.

પુસ્તક વાંચતાં વાંચતાં વાચકને થતા આ અનુભવની સાહેદી છેલ્લા ત્રણ લેખ પુરાવે છે, તે સાથે ધરતીંપની અસરોનું, પુસ્તકમાં આવરી લેવાયેલા સમયખંડના સંદર્ભમાં છેલ્લું ચિત્ર પણ દોરી આપે છે.

૭-૧-૨૦૧૦ના લેખ "ભૂકંપ કૌભાંડો...સજા ક્યારે?" (પૃ.૧૯૫/૧૯૬) :
ફરી એક વાર ભૂકંપને પગલે, કેશ ડૉલ્સ, વેપારી સહિતના પેકેજો, કાટમાળ ખસેડવાની કામગીરી હોય કે ટીપી કે કપાતને લગતી રાહત પ્રવૃત્તિ અને નવસર્જનની પ્રક્રિયામાં છડેચોક ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ વિષે ઇન્કાર થઇ શકે તેમ નથી. પ્રજા, કર્મચારી, અધિકારી, કોઇ પણ સંસ્થા કે કોઇ અગ્રણી એમ સૌ લાભાર્થી સામેલ હોય એવો સામૂહિક ભ્રષ્ટાચાર થતાં કચ્છના ખમીરને, એની અસ્મિતાને અને સંસ્કારિતાને બટ્ટો લાગ્યો હોવાનો અહેસાસ પણ કચ્છપ્રેમીઓને થયો છે ..અને છેલ્લે, ભૂકંપને નવ વર્ષ પૂર્ણ થવા આવ્યાં છે અને ડરામણા (કૌભાંડી) આફ્ટરશૉક કચ્છને ધ્રુજાવી રહ્યા છે..ત્યારે.. એકનિષ્ઠા સાથે પુર્ણાહુતિનાં કામો થાય તો અનેક પરિવારો સુખચેનનો શ્વાસ લે !'
૨૬-૧-૨૦૧૦નો લેખ "મુદ્દો નવસર્જનના સંદર્ભે ચાણક્યનો" (પૃ.૧૯૭/૧૯૮) :
'ક્ચ્છના વિનાશક ભૂકંપની નવમી વરસીએ ચાણક્યને યાદ કર્યા છે કારણ કે કુદરતી આપત્તિના સમયે શું કરવું તે તેમના ગ્રંથમાં સ્પષ્ટપણે લખાયું છે...પહેલી વાત પ્રજાની ખુમારી અને મોરલની કરી છે.. આપત્તિ વેળાએ પ્રજાનું ખમીર અગ્નિપરીક્ષામાંથી સાંગોપાંગ પસાર થયું છે એ નોંધનીય છે....ગુજરાત સરકાર અને પ્રજાએ સાથે મળીને લોકભાગીદારીથી..નવસર્જન કર્યું છે...છતાં અફસોસ કે બાકી રહી ગયેલા ૧૦% કામોની ગાડી છેલ્લા ચાર વર્ષથી પાટા પરથી ઊતરી ગઇ છે..ક્યાંક કાયદાકીય આંટીઘૂંટીઓ છે તો ક્યાંક નીતિવિષયક અવરોધો છે, ક્યાંક અસરગ્રસ્તોના હઠાગ્રહ જેવાય પ્રશ્નો છે...અહીં ફરી ચાણક્યનો મુદ્દો આવે છે... જો રાજા કામ પૂરાં ન કરાવે તો પ્રજાએ એનું ધ્યાન દોરવું જોઇએ.. ભૂકંપ નવસર્જન(ની પ્રક્રિયા) જો અધૂરી જ રહેશે તો સરકારને કે કચ્છની પ્રજાને અને એના પ્રતિનિધિઓને ઇતિહાસ કદી માફ નહીં કરે.'
પુસ્તકનો સહુથી છેલ્લો લેખ - ૨૭-૩-૨૦૧૧ - "ભુજનું પુનર્વસન ..જાપાની યુવતીની નજરે..." (પૃ.૨૦૩-૨૦૭)માં ૧૯૯૮માં પહેલી વાર કચ્છ આવ્યા બાદ દર વર્ષે કમસેકમ એક વાર ક્ચ્છ આવતી રહેતી અને 'બ્લોક પ્રિન્ટિંગ' પર સંશોધન કરી રહેલી જાપાની યુવતી ડૉ. મિવા કાનેતાના સંશોધનમાંથી બોધપાઠ લેવા જેવાં તારણોની વિગતે ચર્ચા કરાઇ છે. પહેલું મહત્ત્વનું તારણ એ છે કે ક્ચ્છને પોતાની યુનિવર્સિટી મળ્યા છતાં 'કોઇ કચ્છી વિદ્યાર્થીને પુનર્વસનની પ્રક્રિયાના સારા-નરસા પાસાં તપાસવાનું યા તો સૂઝ્યું નથી અગર તો વિષય અનુસાર ગાઇડના અભાવે કે ગમે તે કારણે સંશોધન શક્ય બન્યું નથી. ડૉ.મિવા 'ધર્મ આધારિત વિભાજન ભુજના પુનર્વસનની પ્રક્રિયામાં સ્પષ્ટ'પણે જોઇ શક્યાં છે. આ હકીકતનો ઉલ્લેખ કરી તેઓ લખે છે કે ..ભૂકંપ પછી હિન્દુ અને મુસ્લિમ બંને કોમોમાં ધાર્મિક ઉત્સવ-રીતરસમો-નું પ્રમાણ વધી રહ્યું હોય એવુંયે લાગે છે.'

એકંદરે "ધરતીતાંડવ"માં નોંધાયેલાં તારણો કે સ્પષ્ટ રીતે રજૂ થયેલાં મંતવ્યો કોઇ પણ આકસ્મિક કુદરતી પ્રકોપની સંભવિત અસરોને સમજવામાં મહત્ત્વના બોધપાઠ બની રહેશે. અને ૨૦મી અને ૨૧મી સદીનાં માનવ જાતનાં કૃત્યો અને કુદરતની પોતાની અકળ ચાલને કારણે આવી પ્રકોપકારી ઘટનાઓ વારંવાર થતી રહી છે, તેમ જ દરેક ઘટનાની અસરો પણ બહુ જ દૂરગામી થતી રહેશે તે પણ નિશ્ચિત છે. આવા સંજોગોમાં દરેક ભાવિ પેઢી માટે આ પ્રકારનું, સર્વગ્રાહી, દસ્તાવેજીકરણ ઇતિહાસમાંથી શીખીને ઇતિહાસનાં પુનરાવર્તનમાંથી બચવામાં મદદરૂપ થશે.

આ પુસ્તક વિષે કીર્તિભાઇ સાથે બીન ઔપચારિક વાત કરતા હતા તેમાંના બે મહત્ત્વના મુદ્દા અહીં રજૂ કરવાની તક ઝડપી લેવી છે.
- પહેલી વાતમાં કીર્તિભાઇ તે સમયે દિલ્હી યુનિવર્સિટીના એક વિદ્યાર્થી દ્વારા કરાઇ રહેલા સામાજિક સંશોધન દરમ્યાન અકસ્માત જ જોવા મળેલ એક તારણને યાદ કરે છે. જુદા જુદા કેમ્પોમાં ઘણા સમય સુધી કેટલાંય લોકોને પોતાનાં કુટુંબ કબીલાથી કદાચ, દૂર વસવું પડ્યું. સાથે રહીને મુશ્કેલીઓના સામનાઓ કરતાં કરતાં લાંબા સમયના 'એકલવાસ'માં માણસની જેમ જેમ ભૂખ , તરસ , ટાઢ તડકા સામે રક્ષણ જેવી પાયાની જરૂરિયાતો પૂરી થાય એટલે 'દૈહિક વાસના' જેવી જરૂરિયાત સંતૃપ્તિનો અભાવ ઊંડે ઊંડે પોતાની જગ્યા કરતો જાય. આ સંશોધન કરતાં કરતાં એ વિદ્યાર્થીએ એવા ઘણા દાખલાઓ જોયા હતા કે જ્યાં આ અભાવે પણ પોતાની માંગ પૂરી કરી લીધી હોય.'ઘર'ની ચાર દિવાલો ન હોય એટલે સમાજ કેટલી હદ સુધી ઉઘાડો પડી જઇ શકે ત્યાં સુધીના વિચારો કરતાં કરી મૂકી શકે તે હદનાં આ અવલોકનો હતાં.પ્રસ્તુત પુસ્તકના પ્રવેશક લેખ "'ક્ચ્છી ગુજરાતી' અને 'ગુજરાતી ક્ચ્છી'ની બેવડી ભૂમિકા"માં જાણીતા દિગ્દર્શક અને લેખક પરેશ નાયક આ જ વાતની નોંધ લેતાં કહે છે કે "ભૂકંપ પછીના દિવસોમાં કચ્છી પ્રજા કેવા આંતરમંથનોમાંથી પસાર થઇ છે એ સમજવા માટે..ભૂકંપના વિવિધ પાસાનો અભ્યાસ કરીએ તો કદાચ સમાજશાસ્ત્રીઓનેપણ એમાંથી ..મહત્ત્વના નિષ્કર્ષો જડી આવે'. કીર્તિભાઇ આ બાબતે એમ પણ ઉમેરે છે કે આવી લાગણીઓના પ્રવાહને ઝીલવાનું કામ સૌથી વધારે સારી રીતે તો સર્જનાત્મક સાહિત્ય જ કરી શકે. કચ્છના જ વિચારશીલ લેખક હરેશ ધોળકિયા તેમની આવી જ પશ્ચાદ્‍ભૂ પર રચાયેલી નવલકથા "આફ્ટરશૉક”ની પ્રસ્તાવનામાં કહે છે તેમ માનવ જીવનની વેદના કે પીડા, કે અન્ય કોઇ અસરો, તેમ જ માનવ જીવન સાથે વિધિએ ખેલેલા આટાપાટાને લાગણીના અને સંબંધોને વ્યક્ત કરવા માટે કાલ્પનિક સાહિત્યસ્વરૂપ જ સક્ષમ નીવડે. સખેદ નોંધ લેવી પડે છે કે આવી એક મહાપ્રભાવકારી ઘટનાને સાહિત્યસ્વરૂપે પ્રતિબિંબિત કરાઇ નથી.
- બીજી વાત છે જેમાં આ ધરતીકંપ કચ્છને જે જે રીતે છૂપા આશીર્વાદની જેમ ફળ્યો છે તેમાં કચ્છની બાકીના ગુજરાત સાથે પ્રસ્થાપિત થયેલી ભાવનાત્મક એકતાની નોંધ જેટલી લેવાવી જોઇએ તેટલી નથી લેવાઇ એમ કીર્તિભાઇને આજની તારીખમાં લાગે છે. સરકારી સંસાધનો કે દેશવિદેશમાંથી જે કંઇ સહાયનો પ્રવાહ ઉમટ્યો એમાં, ધરતીકંપ પછીના બે-ત્રણ મહિના સુધી, ગુજરાતનાં નાનાં મોટાં શહેરોમાંથી સ્વયંસેવકોની ટીમોએ, લગભગ સ્વયંભૂ ધોરણે, પોતાને ત્યાંથી ખાવાપીવાની ભાત ભાતની વસ્તુઓ લાવી કચ્છના નાનાં નાનાં ગામો સુધી પહોંચાડવાની અનામી જહેમત લીધી છે તેને કીર્તિભાઇ આ ભાવનાત્મક એકતાનું મૂર્ત સ્વરૂપ માને છે. તે પછીથી તત્કાલીન મુખ્યમંત્રીની પ્રયાસો દ્વારા કચ્છને પર્યટન ક્ષેત્ર તરીકે વિકસાવવાની પહેલને કારણે આ ભાવનાત્મક એકતાને કંઇક્ને કંઇક અંશે બળ મળતું જ રહ્યું હશે એવું માનીએ.

કલમ કાંતે કચ્છ : ગ્રંથ - ૬ : ધરતીતાંડવ
લેખકઃ કીર્તિ ખત્રી
શ્રી કીર્તિ ખત્રીનું ઇ-સરનામું : kirtikhatri@hotmail.com
સંપાદક : માણેકલાલ પટેલ || પ્રથમ આવૃત્તિ : જૂન ૨૦૧૪ 
પ્રકાશક : 
ગોરધન પટેલ 'કવિ; 
વિવેકગ્રામ પ્રકાશન
શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ,નાગલપુર રોડ, માંડવી (ક્ચ્છ), ગુજરાત
મુખ્ય વિક્રેતા :
રંગદ્વાર પ્રકાશન,
જી-૧૫ / યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબનાં પગલાં પાસે,
નવરંગપુરા, અમદાવાદ  ૩૮૦૦૦૯
ઇ-મેલ સરનામું: rangdwar.prakashan@gmail.com 

  • વેબ ગુર્જરી પર પ્રકાશન  તારીખઃ November 6, 2014
Post a Comment