એક સમય હતો જ્યારે માધ્યમિક શાળા કક્ષા સુધીનાં ભાષાનાં પ્રશ્નપત્રોમાં વિધવિધ વિષયો પર પત્રલેખન એ બહુ મહત્ત્વનો પ્રશ્ન હતો. તેને કારણે કેટલીયે પેઢીઓને પત્ર લખવાનું શાસ્ત્રીય જ્ઞાન મળ્યું હશે, જેને લોકોએ પોતાનાં મિત્રો, પ્રેમીજનો, વ્યાવહારિક કારકીર્દીમાં લખેલા પત્રો દ્વારા એક કળા તરીકે પણ વિકસાવ્યું. પત્રોના સંકલન પરથી કેટલાંય બેનમૂન પુસ્તકોએ 'પત્રલેખન'ને સાહિત્યના એક મહત્ત્વના પાસા તરીકે બહુ જ આગવો દરજ્જો પણ અપાવ્યો છે.
પૉસ્ટ કાર્ડ, આંતર્દેશીય પત્રો કે નોટબુકોમાંથી ફાડેલાં પાનાંઓથી માંડીને ખૂબ જ કળાત્મક રીતે બનાવાયેલ કાગળો પર ઘસડી મારવાથી માંડીને મોતીના દાણા જેવા અક્ષરોમાં, ખાસ સમય લઇને પત્ર લખવા બેસવું તે એ પત્રોને વાંચવા જેવો જ એક લ્હાવો હતો. દરરોજ એ પત્રો માટે ટપાલીની કાગ ડોળે રાહ જોવી એ પણ એક સમયની સંસ્કૃતિનું એટલું જ રસપ્રદ પાસું પણ હતું.
ઇન્ટરનેટને કારણે ઘણા ફાયદાઓ તો થયા પણ, બહુ પ્રચલિત થયેલ કારણે પત્ર લેખન / વાંચન અને આપલે એ ભૂતકાળની ગર્તાઓમાં અશ્મિભૂત થઇ ચુક્યું છે. તેમાં વળી હવે મોબાઈલ ટેક્નોલોજીએ ટુંકા સંદેશાઓની જે લત લગાડી છે, તેણે તો 'હા'ને બદલે 'હ'થી કેમ કામ લેવું તેની એક નવી જ સંદેશા વ્યવહાર પદ્ધતિ અને શબ્દકોષમાં તેના માટેના પારિભાષિક શબ્દોની એક માતબર શ્રેણી વિકસાવી દીધી છે.
પત્ર લેખનની આ મીઠી યાદ વાગોળવાનું કારણ એ કે ફિલ્મી ગીતોમાં પણ પત્રોની આગવી ભુમિકાને ઉજાગર કરતાં કેટલાંક યાદગાર ગીતોની આજે વાત કરવી છે.
અફસાના લીખ રહી હૂં દિલ-એ-બેકરારકા - દર્દ (૧૯૪૭)- ગાયિકાઃ ઉમા દેવી | સંગીતકાર : નૌશાદ |ગીતકાર : શકીલ બદાયુની

ઉમા દેવીએ આના સિવાય કોઈ બીજું ગીત ન ગાયું હોત તો પણ તેમનું નામ ફિલ્મ સંગીતની પરોઢની પાર્શ્વગાયિકાઓમાં પ્રથમ હરોળમાં રહ્યું હોત તે વિષે કોઇ શંકા ન હોઈ શકે.
અને તેમાં વળી પત્ર લખવા માટે સદાબહાર એવો પ્રિયજનના ઈતઝારનો વિષય મળે, પછી કંઈ પૂછવાપણું થોડું રહે !
ભગવાન તુઝે મૈં ખત લિખતા પર તેરા પતા માલૂમ નહીં - મનચલા (૧૯૫૩) - ગાયક અને સંગીતકાર : ચિત્રગુપ્ત | ગીતકાર : રાજા મહેંદી અલી ખાન
ઈશ્વર માટે ફરિયાદોની યાદી લાંબી તો ઘણી છે, પણ તે કહેવા માટે ખત લખવો હોય તો ક્યાં લખવો…….
દિલકી શિકાયત નઝર કે શીકવે - ચાંદની ચૌક (૧૯૫૪) - ગાયિકા લતા મંગેશકર | સંગીતકારઃ રોશન | ગીતકાર શૈલેન્દ્ર

મૃત્યુ પામેલા મનાતા પતિના ઊડતા ઊડતા ખબર મળ્યાથી નાયિકાનાં દિલમાં પહેલી વાર જ ખુશીની લહેર દોડી ગઈ છે. પત્રમાંનાં તેનાં અરમાનો, સપનાંઓ, તેની નાની નાની શિકાયતોને, ખતમાં જ્યાં આંસુનું ટીપું દેખાય ત્યાં મારો પ્રેમ નજર સામે કરજે અને થોડું લખ્યું ઝાઝું સમજજે; છૂપ્યાં છુપાય નહીં અને કહ્યાં કહેવાય નહી એવાં યુવાન થઇ ચૂકેલાં દરદ જેવા, માત્ર તેનો પતિ જ સમજી શકે તેવા, ભાવ આ પત્રમાંથી છલકે છે.
તેરા ખત લે કે સનમ, પાંવ કહીં રખતે હૈ હમ - અર્ધાંગિની (૧૯૫૯) - ગાયિકા લતા મંગેશકર | સંગીતઃ વસંત દેસાઇ | ગીત લેખક : મજરૂહ સુલ્તાનપુરી

ટપાલીની સાઇકલની ઘંટડી વાગતાં જ મનમાં આપણી અપેક્ષાઓની વાગી ઊઠતી ઘંટડીઓના રણઝણાટને આ ગીત વાચા આપે છે. પ્રિયજનના પત્રમાં શું શું લખ્યું હશે તેની કલ્પનાઓને કારણે હવે તો પગલાં પણ અહીં રાખવાં છે પણ પેલી બાજુ પડવા લાગ્યાં છે. પત્રમાં શું લખ્યું છે તે જાણવાની ઉત્સુકતાને કારણે વધી ઉઠેલી હૃદયની ધડકનો અને આમતેમ ફરકતી નજરને શાંત રાખવા હૈયું બિચારું કેટલાય પ્રયાસો કરીને બે ઘડી હોશમાં આવવા મથી રહ્યું છે.
પય્યામ-એ-ઈશ્ક-ઓ-મુહબ્બત હમેં પસંદ નહીં - બાબર (૧૯૬૦) ગાયિકા - સુધા મલ્હોત્રા સંગીતકાર : રોશન ગીતકાર : સાહિર લુધ્યાનવી

તુમ એક બાર મુહબ્બતકા ઈમ્તિહાન તો લો - બાબર (૧૯૬૦) - ગાયક : મોહમ્મદ રફી | સંગીતકાર : રોશન ગીતકાર : સાહિર લુધ્યાનવી

દુનિયાની સમજદારીની થપ્પડો ખાઈને ગમે તેટલું દિલ બુઠ્ઠું થઇ ગયું હોય તો પણ મોહમ્મદ રફીના અવાજમાં રહેલ માર્દવની કસકભરી દિલકશ આજીજીઓના પ્રવાહમાં પીગળ્યે જ છૂટકો છે...
ઓ નિર્દયી પ્રીતમ..પ્રણય જગાકે...હૃદય ચુરાકે ચુપ હુએ ક્યોં તુમ - સ્ત્રી (૧૯૬૧) - ગાયિકા : લતા મંગેશકર | સંગીતકાર સી. રામચંદ્ર | ગીતકાર : ભરત વ્યાસ

પ્રણય જગાડી હૃદય ચોરી કરીને ચુપ થઈ ગયેલા પ્રીતમ દુષ્યંતને વિરહિણી શકુંતલા સમજાવે છે કે તારી સાથે જે જે પ્રેમનાં મધુરાં રૂપ દેખાતાં હતાં તે બધાં જ રૂપકોની પીડા તને નિર્દયી તરીકે સંબોધન કરવા સુધી મજબૂર કરી ચૂકી છે.
યે મેરા પ્રેમ પર પઢકર, કે તુમ નારાઝ ના હોના, કે તુમ મેરી ઝીંદગી હો કે તુમ મેરી બંદગી હો - સંગમ (૧૯૬૪) - ગાયક : મોહમ્મદ રફી | સંગીતકારઃ શંકર જયકિશન | ગીતકાર: હસરત જયપુરી
ફિલ્મી ગીતોમાં પ્રેમની અભિવ્યક્તિ માટેની ખુબજ કળાત્મક રજૂઆત માટે આ ગીત નમૂનારૂપ ગણાય છે.

ઉન્હે કિસ્સા-એ-ગમ લીખને બૈઠે તો - નયા કાનુન (૧૯૬૫) - ગાયિકાઃ આશા ભોસલે | સંગીતકાર : મદન મોહન | ગીતકાર હસરત જયપુરી

પત્ર વાંચવાની એક ખાસિયત એ છે કે લાંબો હોય કે ટુંકો તેને વારંવાર વાંચવાની મજ કંઇક ઑર જ હોય. જો કે આપણે તો લેખને સુવાચ્ય બનાવી રાખવા માટે આપણી પત્રલેખનની આ સફરમાં અહીં 'મધ્યાંતર' વિરામ પાડીએ છીએ.
પત્ર લેખનની આપણી સફર ૮ નવેમ્બર, ૨૦૧૪ના રોજ આગળ ચલાવીશું.....
વેગુ પર પ્રકાશિત કર્યા તારીખ : ૧૧ ઑક્ટોબર, ૨૦૧૪
No comments:
Post a Comment