Sunday, June 10, 2018

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : જુન,૨૦૧૮


દત્તારામ - અબ દિલ્લી દૂર નહીં??
દત્તારામ (લક્ષ્મણ વાડકર ) -  ?-?-૧૯૨૯ / ૮-૬- ૨૦૦૭ - હિંદી ફિલ્મ સંગીત દુનિયાની જેટલી જાણીતી, તેટલી જ ઓછી દસ્તાવેજિત થયેલ, ગોવાના અરેંજર ક્લબના એક એવા સભ્ય હતા જેમને સ્વતંત્ર સંગીતકાર બનવાની તક મળી, તેમનાં ગીતોને વ્યાપક લોકપસંદગી પણ મળી અને તેમ છતાં જે 'સફળ' સંગીતકારોની ક્લબમા સ્થાન મેળવી ન શક્યા. તેમની વધારે જાણીતી ઓળખાણ કદાચ શંકર-જયકિશનના સહાયક સંગીતકાર તરીકેની જ બની રહી.
૧૯૪૨માં બોમ્બે આવ્યા પછી તેમણે તેમના તબલાં વાદનના પ્રેમને ઉસ્તાદોની દેખરેખ હેઠળ ખૂબ માવજતથી સીંચ્યો. રીયાઝની સાથે શારીરીક કસરતના પણ શોખીન હોવાને નાતે તેઓ એક જિમમાં જતા જ્યાં તેમની ઓળખાણ શંકર સાથે થઇ, જે જીવનપર્યંતના સંબંધમાં પ્રસરી ગઈ. દત્તારામે સ્વતંત્ર સંગીતકાર તરીકે ૧૯ જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. તેમનાં ગીતો સફળ થતાં હતાં, પણ એટલાં પણ નહીં કે તે  પોતાની અલગ પહેચાન બનાવીને ટકી શકે. એટલે સાથે સાથે તેમણે શંકર જયકિશનના સહાયક તરીકે ૫૦ જેટલી ફિલ્મોમાં કામ પણ કર્યું. શંકર જયકિશન સાથે જોડાતાં પહેલાં તેમણે ત્રણેક મહિના સજ્જાદ હુસેનના સહાયક તરીકે પણ કામ કર્યું હતું.
દત્તારામની 'રિધમ' બાબતે અનોખી નિપુણતા હતી એટલું જ નહીં પણ બહુ જ આગવી સૂઝ પણ હતી. એટલે જ, હિંદી ફિલ્મના સુજ્ઞ ચાહકો માટે દત્તારામ તેમના 'દત્તારામ ઠેકા' માટે વધારે પ્રખ્યાત છે. તેમના આ આગવા ઠેકાનાં અસંખ્ય ઉદાહરણોમાંથી બેએક ઉદાહરણો તો પ્રતિક્ષિપ્ત ક્રિયાની ઝડપે મનમાં તરી આવે છે - મસ્તી ભરા હૈ સમા (પરવરિશ) - ઢોલક કે મેરા નામ રાજૂ ઘરાના અનામ (જિસ દેશમેં ગંગા બહેતી હૈ) ડફ. હિંદી ફિલ્મ સંગીતના સુવર્ણ યુગના 'સફળ' સંગીતકારોની યાદીમાં ભલે દત્તારામના નામને સ્થાન ન મળે પણ સરળ, ગણગણી શકાય તેવી, અને છતાં ખૂબ જ આગવી, ધુનોની રચનાના એ સમયમાં દત્તારામનું યોગદાન અવિસ્મરણીય જરૂર બની રહેશે.
આપણી આ લેખમાળામાં આપણે એક કલાકારનાં વિસરાતાં જતાં યોગદાનોને દરેક વર્ષે, હવે શક્ય હોય ત્યાં સુધી હોય એક પેટાશ્રેણીના સ્વરૂપે, યાદ કરીએ છીએ. દત્તારામપરની આ શ્રેણીમાં આપણે તેમની ફિલ્મોનાં બે એક યાદગાર ગીતોની નોંધ લેવાની સાથે યાદોની ગર્તમાં ખોવાઈ ચૂકેલાં ગીતોને સાંભળીને એ ગીતોની યાદ તાજી કરીશું.
૧૯૫૭ની 'અબ દિલ્લી દૂર નહીં' દત્તારામની સ્વતંત્ર સંગીતકાર તરીકેની પહેલવહેલી ફિલ્મ હતી. ફિલ્મ હતી આરકે ફિલ્મ્સના બૅનર હેઠળની ફિલ્મ, પરંતુ તેમાં 'માસ' માટેનો કોઈ જ મસાલો નહોતો. ફિલ્મ ખૂબ સંવેદનશીલ ફિલ્મ હતી, અને તેનાં ગીતોની એ સમયે ખૂબ સરાહના પણ થઈ હતી. ચુન ચુન કરકે આઈ ચિડીયા (મોહમ્મદ રફી) અને યે ચમન હમારા અપના હૈ (આશા ભોસલે) તો આજે પણ આપણી જબાન પર છે.
જિયો લાલ તુમ મેરે લખો બરસ - અબ દિલ્લી દૂર નહી (૧૯૫૭) - લતા મંગેશકર - હસરત જયપુરી
દત્તારામની કારકીર્દીનું સૌથી પહેલું રેકોર્ડ થયેલું આ ગીત ભૈરવી રાગમાં જપતાલ પર આધારિત છે. અન્ય જાણકાર બ્લૉગર્સ નોંધે છે કે ગીતનું ફિલ્મીકરણ મીના ફર્નાન્ડીઝ અને માસ્ટર રોમી પર કરાયું છે, ગીતમાં ખૂબ નાની વિજયા ચૌધરી અને મોતીલાલ પણ નજરે ચડે છે. 
માતા ઓ માતા અગર તુમ આજ હોતી - અબ દિલ્લી દૂર નહીં (૧૯૫૭) - સુધા મલ્હોત્રા - શૈલેન્દ્ર
સુધા મલ્હોત્રાની આ ગીત માટેની પસંદગી તેમના સ્વરમાં બાળકના અવાજના ભાવને કારણે કરી હશે.


પરવરિશ (૧૯૫૮)નાં આંસુ ભરી હૈ જીવન કી રાહેં (મુકેશ) અને મસ્તી ભરા હૈ સમા (મન્ના ડે, લતા મંગેશકર) બે ગીતો તો એટલાં લોકપ્રિય થયાં હતાં કે આ ફિલ્મ પછી દત્તારામ 'સફળ' સંગીતકારોની હરોળમાં કેમ સ્થાન ન મેળવી શક્યા એ સવાલ જ આપણને મુંઝવતો રહે છે.

ઝૂમે રે...હો મેરી ગોદમેં તારે ઝૂમે - પરવરિશ (૧૯૫૮) - આશા ભોસલે - હસરત જયપુરી
લલીતા પવારને પ્રેમાળ માતાની ભૂમિકામાં જેટલો લ્હાવો છે એટલો જ લ્હાવો તેમણે ચરિત્ર ભૂમિકાઓ ભજવવાનું શરૂ કર્યું પછી પરદા પર ગીત ગાતાં સાંભળવામાં પણ છે 

જાને કૈસા જાદૂ કિયા રે બેદર્દી બાલમ - પરવરિશ (૧૯૫૮) - સુધા મલ્હોત્રા, આશા ભોસલે - હસરત જયપુરી
હવે દત્તારામ સુધા મલ્હોત્રા અને આશા ભોસલેના સ્વરોનો પ્રયોગ મુજરાની સાવ અલગ જ પરિસ્થિતિમાં ફિલ્માવાયેલ ગીતમાં કરી બતાવે છે. પરદા પર રાજ કપૂર કેટલી સલુકાઈથી તબલાં પર પોતાનો હાથ અજમાવતા જોવા મળે છે 

બેલીયા બેલીયા બેલીયા બેલીયા ભીગી સી બહારોંમેં, તુમને ઈશારોંમેં, દિલ મેરા લે લિયા, ફેમીયા ફેમીયા ફેમીયા ફેમીયા દેખોજી હજ઼ારોંમેં તુમને ઈશારોંમેં દિલ મેરા દિલ મેરા લે લિયા પરવરિશ (૧૯૫૮) - મન્ના ડે, લતા મંગેશકર - હસરત જયપુરી
આજની આ પૉસ્ટમાં દત્તારામનાં સંગીતબધ્ધ કરેલાં મન્ના ડે-લતા મંગેશકરનાં બધાં જ યુગલ ગીતોમાં કદાચ આ જ એક ગીત એવું છે જેને ચોક્કસપણે કદાચ ખૂબ જાણીતાં ગીતોમાં કે પછી વિસારે પડતાં ગીતોમાં વર્ગીકૃત કરવું સહેલું નથી. પાશ્ચાત્ય, ચુલબુલી, એકદમ દ્રુતલયની ધુન હોવા છતાં ગીતનું માધુર્ય તલભર પણ ઓછું નથી થતું,અને તાલ સાથે વાદ્યસજ્જામાં  દત્તારામનો આગવો ઠેકો પણ ધ્યાન ખેંચે છે.
જે સુજ્ઞ વાચકોને એ સમયનાં ઓછાં જાણીતાં કલાકારોને ઓળખવામાં રસ છે તેવા વાચકોની જાણ સારૂ જણાવવાનું કે, અન્ય જાણકાર બ્લૉગર્સની નોંધ મુજબ, રાજ કપૂર સાથે ડાન્સ ફ્લૉર પર નૃત્ય કરી રહેલ અભિનેત્રી જેનીફર મરે છે 

ક઼ૈદી નં ૯૧૧ (૧૯૫૯)માં પણ કમ સે કમ બે ખૂબ જ લોકપ્રિય ગીતો - મીઠી મીઠી બાતોં સે બચના આનંદનું અને દુઃખના ભાવનું વર્ઝન તેમજ પ્યાર ભરી ઘટાયેં, રાગ મિલન કે સુનાયે (મન્ના ડે, લતા મંગેશકર)- હતાં :
યે ખિલે ખિલે તારે હમારે હૈ ઈશારે...આજા રે આજા...આ ભી જા - ક઼ૈદી નં. ૯૧૧ (૧૯૫૯) - મહેમૂદ, લતા મંગેશકર - હસરત જયપુરી
દત્તારામે લતા મંગેશકરના સ્વરમાં ક્લબ ગીત રજૂ કરેલ છે !
તુને મેરા મૈને તેરા દિલ લે લિયા.. દો નૈન મિલા કે હાયે રે દીવાના બના દીયા - ક઼ૈદી નં. ૯૧૧ (૧૯૫૯) - લતા મંગેશકર - હસરત જયપુરી
હવે દત્તારામે તેમનો હાથ શેરી ગીતોના પ્રકાર પર અજમાવ્યો છે 
૧૯૫૯માં દત્તારામનાં સંગીતમાં એક વધુ ફિલ્મ - સંતાન -માં પણ મન્ના ડે, લતા મંગેશકરનું યુગલ ગીત બોલે યે દિલકા ઈશારા તેમ મુકેશના સ્વરનું આનંદ અને દુઃખના ભાવનું ગીત દિલને ઉસે માન લિયા જિસકા અંદાજ઼ નયા પણ આજે આપણને યાદ છે.
કેહતા હૈ પ્યાર મેરા ઓ  મેરે લાડલે - સંતાન (૧૯૫૯) - હેમંત કુમાર અને લતા મંગેશકરના સ્વરોમાં ગવાયેલું ટ્વીન વર્ઝન - હસરત જયપુરી
બાળકને શાંત રાખવા માટેનું હાલરડા પ્રકારનું ગીત, પણ બન્ને ગીતની ફિલ્મમાં અલગ અલગ પ્રકારની સિચ્યુએશનમાં ગીત ફિલ્માવાયાં છે,
છોટી સી દુલ્હનીયા કી શાદી, પ્યારી સી દુલ્હનીયા કી શાદી - સંતાન (૧૯૫૯) -લતા મંગેશકર - હસરત જયપુરી
ગીતનો મૂળ ભાવ લગ્ન ગીતનો છે પણ તેને ફિલ્માવાયું છે બાળકોની પાર્ટીનાં ગીત સ્વરૂપે. ગીતની શરૂઆતમાં જ હાર્મોનિયમ / એકોર્ડીયનનો એક ટુકડો છે જે ગીતમાં અલગ અલગ અંદાજમાં પણ પ્રયોજાયો છે
હંમેશની જેમ આજના અંકના પણ અંત માટે દત્તારામે સંગીતબધ્ધ કરેલાં ઉપરોક્ત ફિલ્મોમાંનાં જ બે મોહમ્મદ રફીનાં ગીતો  આપણી પાસે છે. મન્ના ડે સાથેનું પહેલું યુગલ ગીત વિસરાતાં ગીતોમાં વર્ગીકૃત થાય કે કેમ તે બહુ સ્પષ્ટપણે કહી શકાય તેમ નથી. બન્ને ગીતોને જે સરળતાથી દત્તારામે પેશ કર્યાં છે તેની તો નોંધ લેવી જ પડે.
મામા ઓ મામા...ઘરવાલે ખાયે ચક્કર ઐસા હૈ અપના ચક્કર ઐસે ચક્કરમેં તુમ નહીં આના - પરવરિશ (૧૯૫૮) - મન્ના ડે સાથે - હસરત જયપુરી
અંતરાની શરૂઆતની એક પંક્તિ સિવાય આખું ગીત એકીશ્વાસે ગવાય એવો દ્રુત લય છે ગીતનો, પણ માધુર્યને સહેજ પણ આંચ નથી આવતી. ઉપલબધ માહિતી અનુસાર ૧૯૫૮ની બિનાકા ગીતમાલામાં પ્રસ્તુત ગીત ૨૧મું સ્થાન શોભાવી ચૂક્યું હતું 
.મુરખ બંદે...જીનેવાલે ખુશી કે લિયે જિયે જા, અપને આંસુ તુ હસકે પિયે જા - સંતાન (૧૯૫૯) - હસરત જયપુરી
અહીં ઉપલ્બધ ક્લિપ ભલે ઑડીયો ક્લિપ સમકક્ષ હોય, પણ ગીત 'બેકગ્રાઉન્ડ'માં ગવાતું હશે તે સહેજે કલ્પી શકાય છે. આમ દત્તારામ એ સમયના એક બહુ પ્રચલિત પ્રકારમાં મોહમ્મદ રફીનો જ ઉપયોગ કરીને તેમની બહુમુખી કુશળતાની ઓળખ સિધ્ધ કરે છે.


આવતા મહિનાના બીજા રવિવારે વિસરાતી યાદોનાં ઊંડાણોમાં માં છૂપાઈ સદા જીવંત યાદ રહેલાં  ગીતોને નવપલ્લવિત કરવા ફરી એક વાર મળીશું.

No comments: